રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે બહાર પાડેલા એક તાજા પરિપત્રમાં તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓમાં જાદુગરના ખેલો બતાવવા કે જાદુગરના ખેલ બતાવવા વિદ્યાર્થીઓને લઇ જવા પર પ્રતિબંધ લાદ્યો છે. શાળાઓમાં જાદુના ખેલોના નામે એક મોટો વેપાર પણ ચાલી રહ્યો હતો. વિદ્યાર્થીઓને 30થી 50 ટકા કન્સેશન આપીને આખીને આખી સ્કુલોમાં જાદુના ખેલો બતાવીને રોકડી કરવાનો ધંધો લાખો રૂપિયા રળી આપતો હોય, ગુજરાતમાં અનેક જાદુગરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા હતા. જાદુગરોના શો આમેય ફક્ત શાળાઓ પૂરતા સિમીત બની ચૂક્યા હતા.
સૌરાષ્ટ્રના અમરેલીના એક જાદુગરે શિક્ષણમંત્રીને કરેલી ફરીયાદના અનુસંધાને સમગ્ર રાજ્યમાં શાળાકીય સ્તરે જાદુગર કે જાદુના ખેલો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જાદુગરના ખેલમાં કેટલાક આગ સાથે રમતો, તિક્ષ્ણ હથિયાર સાથેના ખેલો હોઇ, સેફ્ટી સિક્યુરિટીના કોઇ પગલાં લેવાતા નથી તેમજ જાદુના ખેલોથી મનોરંજન સિવાય કશું ઉપલબ્ધ થતું ન હોવાથી તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને બહાર લઈ જઈને પણ જાદુનો ખેલ નહીં બતાવી શકાય
રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં જાદુના ખેલ બતાવવા પર તેમજ જાદુના ખેલ બતાવવા માટે જાદુગરના ટેન્ટ સુધી વિદ્યાર્થીઓને લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. એક પરિપત્રનો માત્ર સરકારી જ નહીં પરંતુ રાજ્યની ખાનગી શાળાઓમાં પણ અમલ કરવા માટે આદેશ અપાયો કરાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે આ અંગે પરિપત્ર બહાર પાડી સૂચના આપી છે.
અમરેલી જિલ્લાના એક જાદુગરે રાજ્યના શિક્ષણમંત્રીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જાદુગરો દ્વારા સ્કૂલનો સમય બગાડી જાદુના ખેલ બતાવતા હોવાની ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કહ્યું હતું કે, રાજ્યમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નિકળેલા જાદુગરો પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીઓને જાદુ બતાવી મનોરંજન પૂરું પાડવું છે તેમ જણાવી અધિકારી-કચેરી ખાતે ખોટી વિગતો રજૂ કરી પરિપત્ર કરાવી કાર્યક્રમો યોજતા હોય છે. આવા જાદુગરો શાળાઓમાં બે કલાકનો ખેલ બતાવી સ્કૂલનો અને વિદ્યાર્થીનો શિક્ષણનો અમૂલ્ય સમય બરબાદ કરતા હોય છે.

આ ઉપરાંત ઘણી જગ્યાએ જાદુગરો ખૂલ્લામાં મોટા ટેન્ટ બાંધી જાદુના ખેલ બતાવતા હોય છે. ત્યાં તાલુકા શિક્ષણને લગતા સ્થાનિક અધિકારીઓ પાસેથી ખોટી વિગતોના આધારે મંજૂરી લઈ વિદ્યાર્થીઓને માલવાહક વાહનોમાં ખૂલ્લામાં શાળામાંથી જાદુના સ્થળ સુધી જીવના જોખમે લાવી જાદુ બતાવતા હોય છે. આવા સ્થળો સુધી પહોંચવા માટે જાદુગર દ્વારા ટ્રેક્ટર અથવા તો ખૂલ્લા ટેમ્પોમાં વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાંની જેમ ભરીને લાવવામાં આવે છે. ઉપરાંત જાદુના સ્થળ પર પણ સુરક્ષાની કોઈ સુવિધા હોતી નથી. ટેન્ટ પણ કપડાનું હોય છે અને આગ જેવી ઘટનામાં વિદ્યાર્થીઓના જીવનું જોખમ રહેલું હોય છે.
જાદુનો ખેલ બતાવવા માટે સ્કૂલમાં આવતા જાદુગર ખોટી રજૂઆતો કરતા હોય છે. જેમાં તેઓ વિદ્યાર્થીઓના શો દ્વારા આવેલા પૈસા ગાયોના ઘાસચારા માટે અથવા તો અનાથ આશ્રમમાં અપાશે તેમ જણાવતા હોય છે. ત્યારબાદ તેઓ બે કલાકના જાદુના શો માટે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. ૩૦થી ૫૦ સુધી પડાવતા હોય છે. આ પૈસા આવ્યા બાદ જાદુગરો પોતાના હિત માટે જ આ રૂપિયાનો ઉપયોગ કરતા હોય છે. આમ, જાદુગરો અધિકારીઓ સમક્ષ પણ ઈમોશનલ રજૂઆતો કરી તેમને ભોળવી મંજૂરી લેતા હોય છે.


















