તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરેલી મોબાઈલ એપ ‘ખેલો ઇન્ડિયા એપ’નું લોકાર્પણ કર્યું હતું. ખેલો ઇન્ડિયા એપનો મુખ્ય આશય નાગરિકોમાં ખેલ-કૂદ પરત્વે જાગૃતિ લાવવાનો હોવાનું રમતગમત મંત્રી રાજ્યવર્ધન સીંધે જણાવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશેષ દ્ષ્ટિકોણથી એપ તૈયાર કરવામાં આવી છે. જેનો આશય દેશમાં રમત-જગત પરત્વે સકારાત્મક અભિગમ જાગ્રત કરવાનો તથા આવનારા સમયમાં ખેલકૂદ ક્ષેત્રે ભારતને સ્પોર્ટિંગ સુપરપાવર સાબિત થવા પ્રેરણા પૂરી પાડવાનો છે.
ખેલમંત્રી રાજ્યવર્ધને ખેલો ઇન્ડિયા એપને ખેલકૂદ ક્ષેત્રે મહત્ત્વના પગલા સ્વરૂપ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેલકૂદના વિસ્તરતા વ્યાપથી લોકો ફિટનેસ પ્રત્યે પણ સભાન થશે. યુવાનોને તેમની ક્ષમતા ઓળખવાની તક મળી રહેશે. તૈયાર કરાયેલી એપના પહેલા સેશનમાં એપ યુઝર્સને 18 રમતોના નીતિ નિયમોની જાણકારી મળી રહેશે. બીજા સેશનમાં જે તે રમત અંગેની જાણકારી એ અંગે પ્રાપ્ત થતી સગવડો અને દેશના કયા ભાગમાંથી એ સગવડો પ્રાપ્ત થશે એ અંગેની માહિતી પૂરી પાડવામાં આવી છે જેમાં સાઈ ફેસેલિટી, સાઈ સપોર્ટેડ ફેસેલિટી તથા પ્રાઈવેટ ફેસેલિટીની માહિતી ઉપલબ્ધ હશે.
ખેલો ઇન્ડિયા એપમાં બાળકોની ફિટનેસ અંગેની પ્રાથમિક જરૂરિયાતો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. ફિટનેસ સેકશનમાં 8 જાતના ફિટનેસ ટેસ્ટ દ્વારા બાળકની ફિટનેસ ચકાસી શકાશે. ફિટનેસ ટેસ્ટ શાળાના ફિઝીકલ એજ્યુકેશન ટીચર્સ દ્વારા કરવામાં આવશે. હિન્દી તથા ઇંગ્લીશમાં તૈયાર થયેલી એપ એકવાર ફોનમાં ડાઉનલોડ કર્યા બાદ ઇન્ટરનેટ વગર પણ વાપરી શકાશે. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ઇન્ટરનેટ સગવડો ઉપલબ્ધ નથી ત્યાં પણ ખેલો ઇન્ડિયા એપ લોકો સુધી પહોંચી શકશે.
















































