
કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવતા ગુજરાતના રાજકીય તખ્તે ભારે ગડમથલભરી સ્થિતિ ઉદભવી છે. ચાર દિવસ અગાઉ રાજ્યસભાની ચૂંટણી વખતે ભરતસિંહ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હોઇ, તમામ હવે કોરોન્ટાઇન થઇ રહ્યા છે. ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય ઊર્જા મંત્રી છે. ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને વડોદરા શહેરની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
ગયા સપ્તાહાંતે જ રાજ્ય સભાની ચૂંટણીમાં હાર્યા છે અને આ દરમિયાન તેઓ અનેક નેતાઓ, મીડિયાકર્મીઓ અને અધિકારીઓના સંપર્કમાં આવ્યા હોવાથી હવે સ્વાસ્થ્ય વિભાગ તરફથી આ બધાંને હોમ ક્વૉરન્ટીન અથવા તેમનો કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
19મી જૂનના રોજ યોજાયેલી યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી કૉંગ્રેસના ઉમેદવાર હતા. તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતે કૉંગ્રેસના હજારો કાર્યકરો, ધારાસભ્યો અને નેતાઓને મળ્યાં હતાં. તેમણે મીડિયા ઇન્ટરવ્યૂ આપ્યા હતા. અમદાવાદ ખાતે જે હોટલમાં કૉંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા ત્યાં પણ તેઓ રોકાયા હતા. આ કારણે હવે ચિંતા વધી છે.
કૉંગ્રેસ તરફથી વિજેતા થયેલા ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ ગોહિલ એક જ કારમાં અમદાવાદથી ગાંધીનગર ગયા હોવાની ચર્ચા પણ છે અને તેમણે અનેક ઇન્ટરવ્યુ સાથે પણ આપ્યા હતા ચૂંટણી દરમિયાન તેઓ હજારોની સંખ્યામાં નેતાઓ અને કાર્યકરોને મળ્યાં હતાં. એટલું જ નહીં પોતે ઉમેદવાર હોવાથી તેઓ અનેક અધિકારીઓને પણ મળ્યાં હતાં. આ જ કારણે હવે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની પરેશાની વધી છે.













