
મહારાષ્ટ્રમાં મંદિર ખોલવાને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ કાર્યકર્તાએ સિદ્ધિ વિનાયક મંદિર સામે પ્રદર્શન બાદ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પણ બંધ પડેલા ધર્મસ્થળોને ખોલવાને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. જેના ઉપર ઉદ્ધવે જવાબ આપતા કહ્યું હતું કે, જે રીતે એકદમથી લોકડાઉન લાદવું યોગ્ય નહોતું તેમ પૂરી રીતે સમાપ્ત કરવું પણ ઠીક નથી. બીજી તરફ શિવસેના સાંસદ સંજય રાઉતે પણ રાજ્યપાલ ઉપર નિશાન તાક્યું હતું. આ દરમિયાન એનસીપી પ્રમુખ શરદ પવારે પીએમ મોદીને પત્ર લખીને’ રાજ્યપાલની અસંયમિત ભાષા ઉપર સવાલ ઉઠાવ્યો હતો.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને રાજ્યમાં કોરોના વાયરસના કારણે બંધ પડેલા ધર્મસ્થળોને ફરીથી ખોલવા ઉપર વિચાર કરવા કહ્યું હતું. સાથે રાજ્યપાલે કટાક્ષ કરતા પૂછ્યું હતું કે, શું ઉદ્ધવને ઈશ્વર તરફથી ચેતવણી મળી છે કે ધર્મસ્થળોને બીજી વખત શરૂ કરવાનો નિર્ણય ટાળવામાં આવે કે પછી તેઓ સેક્યુલર થઈ ગયા છે ?
કોશ્યારીએ કહ્યું હતું કે, દુર્ભાગ્ય છે કે એલાનના ચાર મહિના બાદ પણ ફરી એક વખત પૂજા સ્થળો ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સરકારે એક તરફ બાર, રેસ્ટોરાં અને સમુદ્રી કિનારા ખોલી નાખ્યા છે તો બીજી તરફ દેવી દેવતા લોકડાઉનમાં રહેવા મજબુર છે.
રાજ્યપાલને જવાબ આપતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, પૂરી રીતે લોકડાઉન સમાપ્ત કરવું યોગ્ય નહી રહે. પોતાને સેક્યુલર કહેવા ઉપર પલટવાર કરતા ઠાકરેએ કહ્યું હતું કે, તેઓ હિન્દૂત્વનું અનુસરણ કરે છે અને તેમના હિન્દુત્વને સત્યાપનની જરૂર નથી. આ મામલે સંજય રાઉતે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર સંવિધાનમાં બતાવવામાં આવેલા ધર્મનિરપેક્ષતા શબ્દના વાસ્તવિક અર્થને ધ્યાનમાં લઈને ગંભીર છે. સરકાર’ કોરોનાની સ્થિતિ ધ્યાને લઈને જ નિર્ણય કરે છે. તેવામાં રાજ્યપાલનો પત્ર સાબિત કરે છે કે તેઓ ભારતના સંવિધાનનું પાલન કરવા માટે તૈયાર નથી.

















