CIA ALERT

વાયરલ Archives - Page 27 of 80 - CIA Live

April 14, 2022
bmc.jpg
1min405

મુંબઈ મહાનગરપાલિકાએ બાકી રહેલો પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવા માટે ડિફૉલ્ટર ખાનગી કંપનીના જપ્ત કરેલા હેલિકૉપ્ટરનું મૂલ્ય માત્ર ૪૫ લાખ રૂપિયા થઈ ગયું છે. તેથી પાલિકાનું મોટી રકમ વસૂલવાના સપના પર પાણી ફરી વળ્યું હોવાનું કહેવાય છે.

BMC seizes 2 choppers for unpaid property tax | Mumbai News - Times of India

કોરોના મહામારી પહેલાં પાલિકાએ ખાનગી કંપનીનાં બે હેલિકૉપ્ટર જપ્ત કર્યાં હતાં. પાલિકાએ આ કંપની પાસેથી ૧.૯૫ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવાનો હતો. જપ્ત કરેલાં હેલિકૉપ્ટર હાલ જુહૂમાં પાર્ક કરેલાં છે. આ હેલિકૉપ્ટરમાંથી પાલિકાને મોટી વસૂલી થવાની અપેક્ષા હતી, જોકે હેલિકૉપ્ટરના અમુક ભાગ ગાયબ થયા હોવાને કારણે તેનું મૂલ્ય હવે ફક્ત ૪૫ લાખ રૂપિયા થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.

પાલિકાના અસેસમેન્ટ ખાતાના અધિકારીના કહેવા મુજબ આ ખાનગી ઍરોસ્પેસ કંપનીની પ્રોપટી ટૅક્સની બાકી રહેલી રકમ ૨.૭૬ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. પરંતુ હવે જપ્ત કરેલા હેલિકૉપ્ટરના મહત્ત્વના ભાગ ચોરાઈ ગયા છેે. તેથી આ હેલિકૉપ્ટર હવે ફક્ત ભંગારમાં વેચાઈ શકે છે. તેથી બાકી રહેલી રકમ વસૂલવા માટે પાલિકાએ ઍરપોર્ટ ઑથોરિટીને પત્ર લખ્યો છે. આ ખાનગી કંપની પાસે માર્ચ, ૨૦૧૯ સુધી પાલિકાએ એક કરોડ ૬૫ લાખ રૂપિયા વસૂલવાના હતા. આ રકમ વસૂલવા માટે પાલિકાએ પહેલાં જ કંપનીના પાણી અને વીજળીનાં જોડાણ કાપી નાખ્યા હતા. ત્યાર બાદ પણ કર ભર્યો ન હોવાથી આ કંપનીને અનેક વખત પત્ર લખવામાં આવ્યા હતા. કંપનીએ સતત તેના તરફ દુર્લક્ષ કરતા સંબંધિત કંપનીનાં બે હેલિકૉપ્ટર જપ્ત કરવામાં આવ્યાં હતાં. છતાં કંપનીએ બાકી રહેલી રકમ નહીં ભરતા પાલિકાએ હેલિકૉપ્ટરની લિલામી કરીને પ્રોપર્ટી ટૅક્સના પૈસા વસૂલ કરવાનો નિર્ણય લીધો હતો.     

April 12, 2022
dornier_plane-1280x853.jpg
1min700

અત્યાર સુધી ડોર્નિયરનો ઉપયોગ સેના માટે જ થતો હતો, ડોર્નિયર વિમાનની પ્રથમ કોમર્શિયલ ફલાઇટ આસામના ડિબૂ્રગઢથી અરૃણાચલના પાસીઘાટની વચ્ચે સંચાલિત થશે

કેન્દ્ર સરકારના નિયંત્રણવાળી ક્ષેત્રીય એરલાઇન્સ અલાયન્સ એર દેશમાં નિર્મિત ડોર્નિયર વિમાનનું પ્રથમ વખત કોર્મશિયલ ફલાઇટમાં ઉપયોગ કરવા જઇ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તા.11મી એપ્રિલ 2022ના રોજ જણાવ્યું હતું કે ડોર્નિયર ૨૨૮ વિમાનનો ઉપયોગ ડિબ્રુગઢથી પાસીઘાટની વચ્ચે તા.12મી એપ્રિલ 2022થી કમર્શિયલ ફલાઇટ માટે કરવામાં આવશે. ભારતમાં બનેલા ડોર્નિયર પ્લેનનો સૌથી પહેલી વખત નાગરીક ઉડ્ડયન માટે ઉપયોગ શરૂ કરવામાં આવી રહ્યો છે.

અલાયન્સ એરને આ ડોર્નિયર વિમાન ગયા સપ્તાહમાં જ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) પાસેથી મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અલાયન્સ એરે ૧૭ સીટોવાળા બે ડોર્નિયર ૨૨૮ વિમાનોને લીઝ પર લેવા માટે ફેબ્રુઆરી 2022માં એચએએલ સાથે સમજૂતી કરી હતી.

એરલાઇન્સે જણાવ્યું હતું કે આ ડોર્નિયર વિમાનની પ્રથમ કોમર્શિયલ ફલાઇટ આસામના ડિબૂ્રગઢથી અરૃણાચલ પ્રદેશના પાસીઘાટની વચ્ચે મંગળવારે સંચાલિત કરવામાં આવશે. 

દેશમાં જ નિર્મિત કોઇ વિમાનનો કોમર્શિયલ ફલાઇટ તરીકે ઉપયોગ કરવાની આ પ્રથમ ઘટના હશે.અત્યાર સુધી ડોર્નિયર ૨૨૮ વિમાનનો ઉપયોગ ફક્ત સૈન્ય ઉદ્દેશ માટે કરવામાં આવે છે. આ ફલાઇટના ઉદ્ઘાટન સમયે ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, અરૃણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુ, આસામના મુખ્યપ્રધાન હિમાંત બિશ્વા શર્મા હાજર રહેશે.

April 11, 2022
fire.jpg
1min732

રવિવાર તા.10મી એપ્રિલની મધરાતે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી ઓમ ઓર્ગેનિક નામની કંપનીમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં પાંચ કામદારોના મોત થયા હોવાનું વિગતોએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.

દહેજની આ ફેક્ટરીમાં મોડી રાત્રે બનેલા આ દુર્ઘટનામાં રાસાયણીક પ્રક્રિયા દરમિયાન મોટો ધડાકો થયો હતો અને તે પછી વિકરાળ આગ લાગી હતી. આ અકસ્માત લગભગ રાત્રે 2 વાગ્યાની આસપાસ બન્યો હતો જેમાં મોટો ધડાકો થતા કામદારો ડરી ગયા હતા જોકે, પાંચ કામદારો પ્લાન્ટમાંથી ભાગવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનામાં ધડાકો એટલો મોટો હતો કે પ્લાન્ટનો મોટો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. ઘટના બાદ તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરીની સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પાંચ કામદારોના મૃતદેહ ઘટના સ્થળ પરથી બહાર કાઢવામાં આવ્યા છે જોકે, હજુ એક કામદાર આ ઘટનામાં ગુમ થયો હોવાનું માલુમ પડતા તેની તપાસ કરવામાં આવી રહી છે.

April 10, 2022
lrd.jpg
1min679

રાજ્યમાં ભરતી પરીક્ષાઓ અને હવે બોર્ડની પરીક્ષાના પણ પેપર ફૂટવાની ઉપરાછાપરી ઘટનાઓ વચ્ચે આજે તા.10મી એપ્રિલ રવિવારે ગુજરાતભરમાં આવેલા કેન્દ્રો પરથી એલઆરડી (લોક રક્ષક દળ) ભરતીની લેખિત પરીક્ષા યોજવામાં આવી છે. અગાઉની જેમ આ પરીક્ષા દરમિયાન કોઇ વિવાદ સર્જાય નહીં એ માંટે તેમજ કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.

વનરક્ષકની પરીક્ષામાં ઉમેદવારે ટોઇલેટમાં જઇને પેપર લીક કર્યું હોવાનો કિસ્સો સામે આવતા એલઆરડીની પરીક્ષામાં કોઇપણ ઉમેદવારને પેશાબ કે પાણી પીવા માટે પણ ક્લાસરૂમની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. દરેક ક્લાસરૂમમાં પાણીની વ્યવસ્થા કરાશે. એલઆરડીની લેખિત પરીક્ષા 7 જિલ્લાના 954 કેન્દ્રો પરથી લેવામાં આવશે. 2.95 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે જોકે, તે પૈૈકી 1875 ઉમેદવારો દ્વારા કૉલલેટર ડાઉનલોડ કરાયા નથી જેમને ભરતી બોર્ડ દ્વારા મેસેજ પણ કરાયા છે.

એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, ‘કોઇપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાશે નહીં. પરીક્ષા કેન્દ્રો પર પહોંચનાર તમામ વિદ્યાર્થીઓનું બાયોમેટ્રીક વેરીફિકેશન કરાશે અને તેની વિડીયોગ્રાફી પણ કરાશે.​​​​​​​ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે પણ ખાસ તકેદારી રખાઇ છે. એક જ વિસ્તારના વિદ્યાર્થીઓને અલગ- અલગ જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેથી એક કેન્દ્ર પર જાણીતા ઉમેદવારો ભેગા થઇને ચોરી કરી શકે નહીં. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો ઉપરાંત ફરજ પરના સ્ટાફને પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ક્લાસરૂમનું સીસીટીવીથી મોનિટરીંગ થશે. તમામ કેન્દ્રો પર ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે પીઆઇ કે પીએસઆઇ કક્ષાના અધિકારીને મૂકાશે.’

એલઆરડીની લેખિત પરીક્ષામાં ક્લાસરૂમમાં ઉમેદવારોની હાજરીમાં જ ઓએમઆર શીટના કવરનું સીલ ખોલાશે. આ પદ્ધતિ જીપીએસસીમાં છે પરંતુ તમામ ભરતીમાં સૌપ્રથમ એલઆરડીમાં એવી પણ પદ્ધતિ દાખલ કરાઇ છે કે પેપર પૂરૂ થયા બાદ ઉમેદવારોને ક્લાસમાં બેસાડી રખાશે અને સુપરવાઇઝર દ્વારા તમામ ઓએમઆર શીટ ફરી કવરમાં મૂકી તેમની સામે જ સીલ કરાશે. આ માટે બે ઉમેદવારની સહી પણ લેવામાં આવશે.

એલઆરડીની પરીક્ષા બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન યોજાશે પરંતુ તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોવાથી અને ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી તમામ ઉમેદવારોને સવારે 9.30 કલાકે પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાની સૂચના આપવામાં આવી છે. 11 વાગ્યા બાદ ઉમેદવારોને કેન્દ્ર પર પ્રવેશ નહીં મળે.

તમામ કેન્દ્રોના ક્લાસરૂમમાં સીસીટીવીની સુવિધા રખાઇ છે પરંતુ જ્યાં પરીક્ષાનું સાહિત્ય આવે અને જ્યાંથી વહેંચણી થાય તે સ્કૂલના પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા ડીઇઓથી લઇને સુપરવાઇઝર અને પીઆઇ- પીએસઆઇને પણ ભરતી બોર્ડ દ્વારા તાલીમ અપાઇ છે.

April 9, 2022
willsmit.jpg
1min472

હોલિવુડના પોપ્યુલર એક્ટર વિલ સ્મિથ (Will Smith)ને એકેડમી મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સિઝે (Oscars 2022) 10 વર્ષ માટે પ્રતિબંધિત કર્યો છે. હવે વિલ સ્મિથ એકેડમીના કોઈપણ કાર્યક્રમમાં ભાગ નહીં લઈ(Will Smith Banned in Oscars) શકે. 28 માર્ચે યોજાયેલી ઓસ્કર અવોર્ડ દરમિયાન શોના હોસ્ટ ક્રિસ રોકે (Chris Rock) વિલની પત્ની જેડા પિંકેટ સ્મિથ (Jada Pinkett Smith)ની મજાક ઉડાવી હતી. જેનાથી ક્રોધે ભરાયેલા વિલે સ્ટેજ પર જઈને રોકને લાફો માર્યો હતો. ઘટનાના 11 દિવસ બાદ એકેડમીએ વિલ સામે એક્શન લીધી છે. વિલની મુશ્કેલી અહીં પૂરી નથી થતી કારણકે તેની ફિલ્મો પણ રદ્દ થઈ છે.

એકેડમીના પ્રેસિડેન્ટ ડેવિડ રૂબિન અને ચીફ એક્ઝિક્યુટિવ ડૉન હડસને કહ્યું, “94મો ઓસ્કર અમારી કમ્યુનિટીના કેટલાય લોકોને ઉજવવા માટે હતો. આ એ લોકો હતા જેમણે ગત વર્ષે શાનદાર કામ કર્યું હતું. જોકે, તે ક્ષણોને વિલ સ્મિથે તેના વર્તનથી બગાડી નાખી અને તેનું આવું વર્તન સ્વીકાર્ય નથી.” આ તરફ વિલ સ્મિથે એકેડમીએ આપેલી સજાને સ્વીકારી લીધી છે. તેણે કહ્યું, “હું આ વાત માન્ય રાખું છું અને એકેડમીના નિર્ણયનું સન્માન કરું છું.”

સમગ્ર ઘટના?

28 માર્ચે આખી દુનિયાની નજર ઓસ્કર અવોર્ડ પર હતી પરંતુ ત્યારે કંઈક એવું થયું જે કોઈએ વિચાર્યું નહોતું. સ્ટેજ પર ક્રિસ રોક હાજર હતો. તે કોમેડી કરીને સૌને હસાવી રહ્યો હતો. એ વખતે તેણે વિલ સ્મિથની પત્ની જેડાની બીમારીની મજાક બનાવી હતી. જેડા Alopecia (આ બીમારીમાં માથાના અમુક ભાગમાંથી આંશિક કે સંપૂર્ણપણે વાળ જતા રહે છે) નામની બીમારીથી પીડાય છે. આ જ અંગે ક્રિસે મજાક કરી હતી જે વિલને પસંદ ના આવી. તે ઊભો થયો અને સ્ટેજ પર જઈને ક્રિસને થપ્પડ મારી દીધી. આ જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા હતા.

Alopecia નામની બીમારીથી જેડા પિંકેટ સ્મિથ પીડાય છે અને આ વાતનો ખુલાસો તેણે થોડા વર્ષ પહેલા કર્યો હતો. આ બીમારીમાં માથાના વાળ અમુક ભાગમાંથી કે સંપૂર્ણ માથામાંથી ખરવા લાગે છે. ઈન્ફેક્શન ઝડપથી ફેલાતાં વાળ પણ ઝડપથી ખરવા લાગે છે. એક ઈન્ટરવ્યૂમાં આ વિશે વાત કરતાં જેડાએ કહ્યું હતું કે, એક દિવસ તેના હાથમાં વાળનો મોટો ગુચ્છો આવી ગયો જે બાદ તેણે વાળ કપાવી નાખ્યા હતા.

થપ્પડકાંડ બાદ વિલે માફી માગી હતી

થપ્પડકાંડ થયો તે પછી વિલને ફિલ્મ ‘કિંગ રિચર્ડ’ માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કર અવોર્ડ મળ્યો હતો. વિલ અવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચ્યો ત્યારે તેણે પોતાના વર્તન માટે માફી માગી હતી. ઘટનાના બીજા દિવસે તેણે સોશિયલ મીડિયા પર પણ આખી દુનિયા અને ક્રિસની માફી માગી હતી.

વિલ સ્મિથની ‘Deadshot’ મૂવી બંધ થઈ ગઈ છે. આ ફિલ્મને સત્તાવાર રીતે બંધ કરી દેવાઈ છે. જોકે, આ નિર્ણય પાછળ વિલનો થપ્પડકાંડ જવાબદાર નથી. ફિલ્મને બંધ કરવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી.

April 3, 2022
australia-women-icc_625x300_03_April_22.jpg
1min613

ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે વન-ડે વર્લ્ડ કપ 2022 પોતાના નામે કરી લીધો છે. ન્યૂઝીલેન્ડમાં રમાયેલ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને રનોથી હરાવ્યું હતું. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ 7મી વખત મહિલા વર્લ્ડ કપ પર જીત હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડની ટીમ 2017માં રમાયેલ વર્લ્ડ કપની ચેમ્પિયન બની હતી. પણ આ ફાઈનલ મેચમાં તેમની ટીમ ઓસ્ટ્રેલિયાની સામે ટકી શકી ન હતી. ઓસ્ટ્રેલિયાએ આ ટુર્નામેન્ટમાં રમાયલે તમામ મેચોમાં જીત હાંસલ કરી હતી. ઈંગ્લિશ ટીમ પ્રથમ ત્રણ લીગ મેચ હાર્યા બાદ ફાઈનલ સુધી પહોંચી હતી.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 5 વિકેટના નુકસાન પર 356 રનનો સ્કોર બનાવ્યો હતો. ઓપનિંગ બેટર એલિસા હીલીએ આક્રમક બેટિંગ કરતાં 170 રનોની શાનદાર ઈનિંગ્સ રમી હતી. હીલીએ 41 રનોના સ્કોર પર જીવતદાન મળ્યું હતું, જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો, અને ઈંગ્લેન્ડના બોલર્સને ધોવામાં કોઈ કચાશ રાખી ન હતી. તેણે પોતાની ઈનિંગ્સમાં 138 બોલ રમ્યા હતા અને 26 ચોગ્ગા ફટકાર્યા હતા.

હીલીએ તેની ઓપનિંગ બેટર રાચેલ હેન્સ (93 બોલ પર 68 રન) અને બેથ મૂની (47 બોલ પર 62 રન)ની સાથે પાર્ટનરશિપ કરી હતી. જેનાથી ઓસ્ટ્રેલિયા મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં સૌથી વધારે રનનો રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યું હતું. આ પુરુષ અને મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં બીજો સૌથી મોટો સ્કોર છે. ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમે વર્લ્ડ કપ 2003ની ફાઈનલમાં ભારત સામે બે વિકેટના નુકસાન પર 359 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. હીલીએ હેન્સ સાથે મળી પ્રથમ વિકેટ માટે 160 અને મૂની સાથે બીજી વિકેટ માટે 156 રનોની પાર્ટનરશિપ કરી હતી. 357 રનોનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમને ત્રીજી જ ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. સેમિફાઈનલમાં સદી લગાવનાર ડેનિયલ વેટને મેગલ સ્કટે બોલ્ડ કરી હતી. જે બાદ સતત ઈંગ્લેન્ડની વિકેટો પડતી રહી હતી. જો કે એકબાજુથી નતાલી સિવરે મોરચો સંભાળી રાખ્યો હતો, તેણે 90 બોલમાં સદી ફટકારી હતી. પણ ઈંગ્લેન્ડની અન્ય કોઈ બેટરે તેનો સાથ આપ્યો ન હતો. 44 ઓવરમાં 285 રન બનાવી ઈંગ્લેન્ડ ઓલઆઉટ થઈ ગયું હતું. સિવરે 148 રનોની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર અલાના કિંગ અને જાનેસને સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી.

March 31, 2022
cia_edu-1280x925.jpg
1min665

કેટલાક અણસમજુ લોકોએ નેશનલ એજ્યુકેશન પોલિસીનું સાવ જ ખોટું અર્થઘટન કરીને એવી વાતો ફેલાવી કે આગામી શૈક્ષણિક વર્ષ 22-23થી ધો.10 બોર્ડની પરીક્ષાઓ નીકળી જશે. વાલીઓએ પણ ધડમાથા વગરની આ વાત મોટા પાયે માની લીધી અને એ પ્રમાણે પોતાના સંતાનોને પણ માહિતી આપીને ખુશ કરી દીધા. પરંતુ, મળતી માહિતી મુજબ આવી કોઇ જ વાત નથી. હવે તો ગુજરાત બોર્ડે પણ સ્પષ્ટતા કરી દીધી છે કે નેશનલ એજ્યુકેશન પોલિસીને કારણે ધો.10ની પરીક્ષા રદ થાય કે થશે તેવી કોઇ જ શક્યતા નથી અને ધો.10ની પરીક્ષાઓ બોર્ડ દ્વારા જ લેવામાં આવશે.

બોર્ડે જણાવ્યું છે કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે. વર્તમાન મૂલ્યાંકલન પ્રણાલીની નુકસાનકારક અસરોના નિર્મૂલન માટે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે બોર્ડની પરીક્ષાઓની માળખાની પુનઃરચના કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના વ્યક્તિગત હિતોના આધારે ઘણા વિષયમાંથી બોર્ડની પરીક્ષાના વિષયો પસંદ કરી શકશે. બોર્ડની પરીક્ષાઓ સરળ બનાવવામાં આવશે.

ગુજરાત બોર્ડે ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં કરેલી સ્પષ્ટતા આ મુજબ છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHEB- ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા આ અંગે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જે પ્રમાણે, ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે. આ પરીક્ષાઓના માળખાની પુનઃરચના કરવામાં આવશે.

દેશમાં આગામી દિવસોમાં નવી એજ્યુકેશન પોલિસી લાગુ થવાની છે. ત્યારે આ નવી વ્યવસ્થામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા કાઢી નાખવામાં આવશે તે મુદ્દો ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો હતો. ધોરણ 8 અને ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ બોર્ડની પરીક્ષા લેવાશે કે કેમ તે અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. વાલીઓમાં ગેરસમજ ન ઉભી થાય તે માટે જ શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરી દીધી છે.

March 26, 2022
IPL_2022.jpg
1min583

૨૦૧૧માં આઇપીએલની શરૂઆત થયા બાદ પ્રથમ વાર એવું બનશે જ્યારે ૧૦ ટીમો  ટી-૨૦ સ્પર્ઘા માટે મેદાનમાં ઉતરશે. દર વખતની આઠ ટીમોમાં આ વખતે લખનઊ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સનો ઉમેરો થશે. ૧.૭ અબજ યુએસ ડૉલરનો નાણાકીય વ્યવહાર ધરાવતી આ ટુર્નામેન્ટ હવે ખરા અર્થમાં ગ્લોબલ બની ગઇ છે. 

કોવિડને કારણે સર્જાયેલ પરિસ્થિતિ બે વર્ષે કાબુમાં આવતા હવે સ્ટેડિયમોમાં પ્રેક્ષકોના કલબલાટ વચ્ચે મૅચો રમવાનો આનંદ જ કંઇ ઓર હશે. જોકે, સાવચેતીના પગલારૂપે સ્ટેડિયમની ક્ષમતા હોય તેના ૨૫ ટકાને જ તેમાં પ્રવેશ મળશે. નવી ટીમના આગમન સાથે અગાઉ ૬૦ મૅચો રમાતી હતી એમાં ઉમેરો થઇને હવે ૭૪ મૅચો રમાશે. પૂરા બે મહિના આ મૅચો રમાતી રહેશે. 

ગયા વર્ષે કોવિડ-૧૯ના કારણે મૅચો પડતી મૂકવી પડી હતી અને ચાર મહિના બાદ યુએઇમાં જઇને 
પૂર્ણ કરવી પડી હતી તેવું આ વખતે નહીં થાય. બધી મૅચો મહારાષ્ટ્રના ચાર ગ્રાઉન્ડોમાં જ રમાશે. આ ગ્રાઉન્ડ્સમાં મુંબઇના ત્રણ અને પુણેના એક ગ્રાઉન્ડ્સનો સમાવેશ થાય છે. આમ કરવાથી લાંબી હવાઇ યાત્રાઓ ટાળી શકાશે. રોહિત શર્માની કૅપ્ટેન્સી હેઠળ મુંબઇ ઇન્ડિયન્સ માટે વર્ષોથી આ બધા ગ્રાઉન્ડ્સ હોમપીચ સમાન છે તો શું તેમને તેનો માનસિક લાભ મળશે તેવી વાત પણ ચર્ચાઇ રહી છે. 

આઇપીએલ બાદ ઑસ્ટ્રેલિયામાં વર્લ્ડકપ રમાવાનો હોવાથી ઘણા ભારતીય ખેલાડીઓનું ભાગ્ય પણ આ ટુર્નામેન્ટ દરમ્યાન ઘડાશે. 

ભારતીય ટીમને અત્યાર સુધી મળેલા અવ્વલ ખેલાડીઓમાંના એક અને વિકેટકીપર કમ બૅટ્સમેન મહેન્દ્રસિંહ ધોની આ વખતે માત્ર ખેલાડીની રૂએ રમશે. ચેન્નઇ સુપર કિંગ્સની કૅપ્ટન્સી રવીન્દ્ર જાડેજાને સોંપાઇ છે જે ધોનીના માર્ગદર્શન હેઠળ સુકાની તરીકે ઘડાશે. ઉલ્લેખનીય છે કે ૧૫ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે ૪૦ વર્ષીય ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ તેના માટે ફેરવેલ ટુર્નામેન્ટ બની રહે તો નવાઇ નહીં. 
ઐયર, કે. એલ. રાહુલ અને હાર્દિક પંડ્યાને કપ્તાન તરીકે કાબેલિયત બતાવવાની તક 

દિલ્હી કેપિટલ્સને પ્રથમ વાર ફાઇનલમાં લઇ જનાર ઐયરને ખભામાં ઇજા થયા પછી બાજુ પર મૂકી દેવાયો હતો. તેણે ફરી ઑક્શનમાં જવાનું નક્કી કરતાં તેને કોલકતા નાઇટ રાઇડર્સ દ્વારા ખરીદી લેવાયો હતો. તાજેતરમાં તેણે ટીમ ઇન્ડિયા વતી રમીને સારું પ્રદર્શન કર્યું છે. 

ટીમ ઇન્ડિયામાં  ઐયરનો સાથીદાર રહી ચૂકેલા હાર્દિક પંડ્યા ઘૂંટણની ઇજાને કારણે નિયમિત રીતે બૉલિંગ કરી શકતો ન હતો જેને લીધે ટીમમાંથી સ્થાન ગુમાવવું પડ્યું હતું, પરંતુ હવે સૌપ્રથમ વાર મેદાનમાં ઉતરનાર ‘ગુજરાત ટાઇટન્સ’ના સુકાનીપદે રહીને તેણે પોતાને સાબિત કરવો પડશે. 

ગુજરાત ટાઇટન્સની જેમ લખનઊ સુપર જાયન્ટ્સ પણ પ્રથમવાર મેદાનમાં ઊતરશે જેનું સુકાનીપદ કે. એલ. રાહુલ સંભાળશે જોઇએ તે કેવું કાઠું કાઢે છે.

March 24, 2022
jadeja.jpg
1min360

ચેન્નઈ સુપર કિંગ્સે 14 વર્ષમાં પહેલી વાર કેપ્ટન બદલ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડી દીધી છે. હવે તેના સ્થાને રવીન્દ્ર જાડેજા ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. જાડેજા 2012થી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે. માહીની કેપ્ટનશિપમાં ચેન્નઈએ 4 વખત આઈપીએલનો ખિતાબ પણ જીત્યો છે. જ્યારે આ વખતે ચેન્નઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા.

જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂ. 16 કરોડમાં રિટેન કરીને જાણે એવો સંકેત પણ આપ્યો હતો કે ધોનીના સ્થાને તે કેપ્ટન હોઈ શકે છે. તો બીજી બાજુ ધોનીને આ સિઝન માટે રૂ. 12 કરોડ મળ્યા હતા. જોકે અગાઉ પણ એવી અટકળો હતી કે જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેના સિવાય મોઈન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.

March 24, 2022
bank-strike.jpg
1min418

એક તરફ માર્ચ એન્ડિંગ, નાણાંકીય વર્ષ 2021-22નું અંતિમ સપ્તાહ અને તેમાં પણ બેંકોની હડતાળને કારણે સુરત સમેત સમગ્ર ગુજરાતમાં ધંધા-રોજગાર કરનારાઓ મોટી મુશ્કેલીમાં મૂકાય જાય તેવી સ્થિતિ છે. જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓએ તા.28 અને 29મી માર્ચે જાહેર ક્ષેત્રની બેંકોના થઇ રહેલા ખાનગીકરણની વિરુદ્ધ હડતાળની જાહેરાત કરી છે. એ પહેલાના બે દિવસ તા.26મીએ ચોથો શનિવાર અને તા.27મીએ રવિવાર એમ બે રજાઓ છે. આમ, બેંકીંગ કામકાજ કુલ ચાર દિવસ બંધ રહેશે અને તેના કારણે હિસાબી વર્ષના અંતમાં અનેક લોકો મુશ્કેલીમાં મૂકાય એવી સ્થિતિ હોઇ, બેંકોએ ગ્રાહકોને સત્વરે તેમના ડિલિંગ્સ પૂર્ણ કરી દેવા માટે પણ સૂચવ્યું છે.

મહા ગુજરાત બેન્ક એમ્પ્લોઈઝ અસોસિએશન(MGBEA)ના સભ્યો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, સરકાર દ્વારા પ્રસ્તાવિત જાહેર ક્ષેત્રની બેન્કોના હિતમાં ન હોય તેવી નીતિઓનો વિરોધ કરવા માટે દેશભરમાં હડતાળ કરવામાં આવે છે. MGBEAના એક અનુમાન અનુસાર, બે દિવસ બેન્કો બંધ રહેવાને કારણે લગભગ 20,000 કરોડના ટ્રાન્ઝેક્શન પ્રભાવિત થઈ શકે છે.

નાણાંકીય વર્ષનો અંત એટલે કે 31મી માર્ચ સાવ નજીક છે. MGBEAના જનરલ સેક્રેટરી જનક રાવલ જણાવે છે કે, જાહેર ક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ કરવાના સરકારના આ ઈરાદા વિરુદ્ધ અમારો વિરોધ ચાલુ રહેશે. સરકારી બેન્કોના તંત્રને મજબૂત બનાવવાના પ્રયાસો કરવાના સ્થાને સરકાર લોકોના પૈસા ખાનગી કંપનીઓના હાથમાં આપવાની વાતો કરી રહી છે. આ સિવાય અમારા અસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓને કાયમી કર્મચારી તરીકે રાખવામાં આવે.