મુંબઈમાં હનુમાન ચાલીસાના જાપને લઈ વિવાદ વકર્યો છે. અપક્ષ સાંસદ નવનીત રાણાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ‘માતોશ્રી’ આવાસ બહાર હનુમાન ચાલીસાનો જાપ કરાવવાની જાહેરાત કરી હતી અને ત્યાર બાદ સ્થિતિ વણસી રહી છે. નવનીત રાણાએ સવારે 9:00 વાગ્યાનો સમય આપ્યો હતો અને તેના પહેલાથી જ મોટી સંખ્યામાં શિવસૈનિકો તેમના ઘર બહાર પહોંચીને હંગામો કરવા લાગ્યા હતા.
ખાર વિસ્તારમાં સાંસદ નવનીત રાણાના ઘર બહાર આ પ્રકારે હોબાળો મચ્યો છે. નવનીત રાણાના પતિ રવિ રાણા અપક્ષ ધારાસભ્ય છે. બંનેએ માતોશ્રી બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત કરી હતી. નોટિસ મળ્યા બાદ પણ નવનીત રાણા હનુમાન ચાલીસાના પાઠ માટે અડગ છે.
મુંબઈ પોલીસે તેમને આ મામલે નોટિસ પણ પાઠવી છે. રાણા દંપતીના નિર્ણય બાદ મુખ્યમંત્રીના નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર સુરક્ષા વ્યવસ્થાને વધારે સઘન કરી દેવામાં આવી છે.
તે સિવાય રાણા અને શિવસૈનિકો વચ્ચેની અથડામણ રોકવા માટે માલાબાર હિલ્સ ખાતે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ની બહાર પણ ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.
દેશના કેટલાય રાજ્યોમાં કોલસાની અછત સર્જાતા આઠ-આઠ કલાકનો વીજકાપ મૂકાયો છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ જેવા રાજ્યોમાં ત્રણથી લઈને આઠ-આઠ કલાકનો વીજકાપ મૂકાઈ રહ્યો છે. થર્મલ પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું છે.
ભારતના કેટલાય મોટા રાજ્યોમાં વીજળીની કટોકટી સર્જાઈ ગઈ છે. કોલસાની અછતના કારણે વીજળીનું ઉત્પાદન ઘટયું છે. વીજળીનું ઉત્પાદન ઘટતા આઠ-આઠ કલાકનો પાવરકટ લાગુ થયો છે. ઉનાળાની શરૃઆત સાથે જ ભારતના કેટલાય રાજ્યોમાં વીજળીની ગંભીર કટોકટીનું નિર્માણ થયું છે. ખાસ તો ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ગામડાંઓમાં ૧૦-૧૦ કલાક સુધી વીજળીનો કાપ મૂકાય છે. માર્ચ મહિનામાં યોગ્ય રીતે વીજળી મળતી હતી, પરંતુ એપ્રિલમાં ભર ઉનાળે અચાનક વીજળીનો કાપ લાગુ કરી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં વીજ બિલ સમયસર ન ચૂકવનારા મોટા ૩.૬૪ લાખ ગ્રાહકોના વીજ-જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત ૧૮૨ કરોડ રૃપિયા વસૂલાયા હતા. વીજળી ચોરીના કેસ પણ વધ્યા હતા. વીજ ચોરીના ૨૬૩૯૬ મામલા નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં વીજળીની ગંભીર અછત છેલ્લાં એક સપ્તાહથી સર્જાઈ ગઈ છે.તે ઉપરાંત ઉત્તરાખંડમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આઠથી ૧૦ કલાક વીજળી ગૂલ રહે છે. પંજાબ-હરિયાણામાં વીજળીની ખપત ૩૦ ટકા સુધી વધી હતી, તેના પરિણામે એપ્રિલ માસમાં અછત સર્જાઈ ગઈ છે. સામાન્ય રીતે મે-માસમાં વીજ કાપની સ્થિતિ સર્જાતી હોય છે તેના બદલે આ રાજ્યોમાં એપ્રિલમાં જ ત્રણથી આઠ કલાકનો વીજકાપ લાગુ કરાયો છે. હરિયાણામાં વીજળીનો કાપ મૂકાતા ઔદ્યોગિક ઉત્પાદન પણ ઘટી ગયું છે. પંજાબ, હરિયાણા ઉપરાંત આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, ઓડિશા જેવા રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ મૂકી દેવામાં આવ્યો છે.
ભારતમાં કોલસા અને ક્રૂડ ઉપર વીજળીની સપ્લાયનો આધાર છે. આ વર્ષે કોલસાની ભારે અછત સર્જાતા આ સ્થિતિ આવી પડી છે. માર્ચ મહિનામાં ખૂબ તાપ પડયો હતો, તેના કારણે માર્ચ માસમાં જ ધારણાં કરતાં વધુ વીજળીનો જથ્થો વપરાયો હતો. માર્ચમાં વધુ વીજળીની જરૃર પડતાં એપ્રિલમાં અછત સર્જાઈ છે. મોટાભાગના થર્મલ પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ ગઈ છે.
દેશના મોટા ૧૬૪માંથી ૨૭ થર્મલ પ્લાન્ટમાં માત્ર ૦થી પાંચ ટકા કોલસાનો જથ્થો છે. ૩૦ ટકા થર્મલ પ્લાન્ટમાં ૧૦ ટકા કે એનાથી પણ ઓછો કોલસો બચ્યો છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિયાના આંકડાં પ્રમાણે ડેઈલી સ્ટોકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ૨૧ થર્મલ પ્લાન્ટમાં ૬થી ૧૦ ટકા જેટલો કોલસો ઉપલબ્ધ છે. ૧૬૪ મોટા થર્મલ પ્લાન્ટ પૈકી ૪૮ એટલે કે ૨૯ ટકા પાસે ૧૦ ટકા જેટલો કોલસો માંડ બચ્યો છે.
કોલસા મંત્રાલયના સૂત્રોના કહેવા પ્રમાણે દેશના કુલ કોલસાની જરૃરિયાતમાંથી ૨૦ ટકા જેટલો જથ્થો ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી આયાત થાય છે. અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસો મોંઘો થયો હોવાથી ભારતીય કંપનીઓએ કોલસાની આયાત ઘટાડી દીધી છે. પરિણામે કોલસાનો જથ્થો ઘટી ગયો છે.
અહેવાલો પ્રમાણે દેશમાં કોલસાનો જથ્થો નવ વર્ષમાં સૌથી ઓછો થઈ ચૂક્યો છે. તેના કારણે આગામી દિવસોમાં વીજળીની કટોકટી વધારે ઘેરી બને તેવી શક્યતા છે.
સરકારી આંકડાં પ્રમાણે દેશમાં એપ્રિલ માસના પહેલા સપ્તાહમાં જ વીજળીની માગમાં ૧.૪ ટકાનો વધારો થયો હતો. માર્ચ મહિનો ખૂબ જ ગરમ રહ્યો હતો અને એપ્રિલ માસના પહેલા સપ્તાહમાં જ અસહ્ય ગરમી પડવાનું શરૃ થયું હતું. એના કારણે દેશમાં સરેરાશ ૧.૪ ટકા વીજળીની જરૃરિયાત વધી હતી. માર્ચની શરૃઆતમાં વીજળીની માગમાં ૦.૫ ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ માર્ચના અંતમાં અચાનક ગરમી વધી પડતાં વીજળીની જરૃરિયાત પણ વધી ગઈ હતી.
તળાજાની એક સ્કુલમાં ધોરણ 7ના બે પેપરની ચોરી થતાં આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાનું જાણીને શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભારે આશ્ચર્ય વ્યાપ્યું હતું. પહેલી વખત પ્રાથમિક વિભાગનું પ્રશ્નપત્ર ચોરી થતાં સુરત સહિત ગુજરાતમાં આ ચર્ચાનો વિષય બન્યો છે.
છેલ્લા ઘણાં વખતથી ગુજરાતમાં પરીક્ષાના પેપર ફૂટવાની મોસમ ચાલી રહી છે. અત્યાર સુધીમાં પરીક્ષાલક્ષી કે કોલેજની પરીક્ષાના પેપર ફૂટતા હતા પરંતુ પહેલી વાર પ્રાથમિક શિક્ષણના ધોરણ 7ના બે પેપરની ચોરી થઈ છે. જેના કારણે આજે અને આવતીકાલે ધોરણ 7ની જે પરીક્ષા હતી તેને રદ્દ કરવામાં આવી છે. તળાજા નેસવડ શાળામાંથી પ્રશ્નપત્ર ચોરી થયાં હોવાની ફરિયાદ મોડી રાત્રે પોલીસ મથકે કરવામાં આવી હતી.
ધોરણ7ના બે પ્રશ્ન પત્રની ચોરી થયાની ફરિયાદ લખાવાયાં બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેને પગલે આજે શુક્રવાર અને શનિવારના રોજની ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવાનો પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે. મોડી રાત્રે આ પરિપત્ર જાહેર થતાં સમિતિની સ્કૂલમાં વહેલી સવારે જાણ થઈ હતી.
હાલ પરીક્ષા ચાલી રહી હોવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા ખંડમાં આવી ગયાં હતા. ત્યારે ખબર પડી હતી કે આજે અને આવતીકાલે ધોરણ 7ની પરીક્ષા લેવામાં આવશે નહીં. વર્ગ ખંડમાં પહોંચ્યા બાદ પરીક્ષા રદ્દ થઈ હોવાની જાણ થતાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જેના પગલે સ્કુલમાં વિદ્યાર્થીઓની હાજરી પુરી અને મધ્યાહ્ન ભોજનનો લાભ આપવામાં આવ્યો હતો.
સુરતમાં 7 માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે તેમાંથી ગુજરાતી માધ્યમના 25થી 30 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓની પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવી રહી છે. આજે અને આવતીકાલે ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. હવે સોમવારથી રાબેતા મુજબ પરીક્ષા લેવામાં આવશે. પહેલી વાર પ્રાથમિક વિભાગ નું પ્રશ્નપત્ર ફુટ્યું હોવાથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Film Star અક્ષય કુમારે હાલમાં બોલીવૂડ સ્ટાર અજય દેવગણ અને શાહરૂખ ખાનની સાથે Tulsi પાન મસાલાની બ્રાન્ડની જાહેરાત કરી હતી, જેને કારણે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવ્યો. ફેન્સે કાન આમળીને અક્કીને તેની ભૂલનું ભાન કરાવ્યું અને અક્કીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સની માફી માગી છે.
આ પોસ્ટમાં અક્કીએ કહ્યું છે કે હું મારા ફેન્સ અને શુભેચ્છકોની માફી માંગું છું. છેલ્લા કેટલાક દિવસથી તમારા તરફથી મળી રહેલી પ્રતિક્રિયાઓએ મને હચમચાવી મૂક્યો છે. રિયલ લાઈફમાં હું તમાકુનું સેવન કરતો નથી. તમે લોકોએ ટ્રોલ કરીને મને મારી ભૂલનું ભાન કરાવ્યું છે અને હું તમારી લાગણીનું સન્માન કરું છું. હું પૂરી વિનમ્રતાથી આમાંથી પાછળ હટું છું. મેં જાહેરાતમાંથી મળનારી તમામ રકમને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. કાયદાને કારણે આ જાહેરાત ચોક્કસ સમયમર્યાદા સુધી પ્રસારિત કરવાનો કોન્ટ્રેક્ટ છે. જોકે ભવિષ્યમાં હું સાવચેત રહેવાનું વચન આપું છું.’ ઉલ્લેખનીય છે કે અક્કી આગળ ઘણી વખત એવું કહી ચૂક્યો છે કે ગુટકા કંપની દ્વારા મને જાહેરાત કરવા માટે કરોડો રૂપિયાની ઑફર આવે છે, પણ હું એ સ્વીકારતો નથી, કારણ કે તે મારી સિદ્ધાંતોની વિરુદ્ધ છે. જોકે અક્કી એકલો નથી કે જેણે ગુટકા, તમાકુ કે પાનમસાલાની જાહેરાત નહીં કરવાનો નિર્ણય લીધો હોય.
પુષ્પા રાજ ઉર્ફે અલ્લુ અર્જુને પણ તમાકુ કંપનીની કરોડો રૂપિયાની ઓફર્સ ઠુકરાવી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્ર્વાસ કરીએ તો એક કંપનીએ અલ્લુને તમાકુની જાહેરાત માટે કરોડો રૂપિયાની ફી ઓફર કરી હતી પણ અલ્લુએ એવું કહીને એ ઓફર ઠુકરાવી દીધી હતી કે હું મારા ચાહકો સામે કોઈ પણ ખોટી વસ્તુને પ્રમોટ નથી કરવા માગતો. હું પોતે તમાકુ ખાતો નથી તો પછી હું શા માટે તમારૂ કંપનીની બ્રાન્ડને એન્ડોર્સ કરું?
ડિરેક્ટર એસ એસ રાજમૌલિની બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ની સફળતા બાદ એક્ટર રામ ચરણે ભગવાન અયપ્પા સ્વામીનું 45 દિવસનું કઠોર મહાવ્રત કર્યું હતું. હવે જૂનિયર NTRએ પણ હનુમાન દિક્ષા લીધી છે.
જુનિયર NTR 21 દિવસ સુધી ઉધાડા પગે રહેશે. એમની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે, જેમાં તે ભગવા રંગના કપડાં, ગળામાં માળા અને માથામાં તિલક સાથે દેખાઇ રહ્યો છે.
જૂનિયર NTRએ હનુમાન જયંતિ પર પૂજા કરી હતી. હવે તે 21 દિવસ સુધી દીક્ષાનું સંપૂર્ણ રીતે પાલન કરશે. આ દરમિયાન તે ઉઘાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે.
Date 18/04/2022, સોમવારથી ફરી એકવાર વડા પ્રધાન PM Modi ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. નરેન્દ્ર મોદી તા. ૧૮, ૧૯ અને ૨૦મી એપ્રિલે ગુજરાત પ્રવાસે છે. સોમવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને સાંજે ૬ વાગ્યે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ ક્ટ્રોલ સેન્ટરની મુલાકાત સાથે તેમના ત્રણ દિવસના કાર્યક્રમનો પ્રારંભ થશે.
નરેન્દ્ર મોદી ગુજરાતમાં અલગ અલગ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં બનેલા બનાસ ડેરીના પ્લાન્ટનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમમાં પહેલી વખત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહેશે જેમને વડા પ્રધાન સંબોધન કરશે. આ સિવાય દાહોદમાં એક હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ૨૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી ૭૫૦ પથારીની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સાથે મોદી નવી મેડિકલ કોલેજના સંકુલ તથા ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા રહેણાંક આવાસનું પણ લોકાર્પણ કરશે. આ સિવાય હોસ્પિટલમાં બનેલા નવા ઓક્સિજન પ્લાન્ટને ખુલ્લો મુકશે. આ ઉપરાંત ગાંધીનગરમાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં વધુ સુદ્રઢ બનાવી શકાય તે હેતુથી આ કંટ્રોલ સેન્ટર તૈયાર કરાયું છે.
મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસને લઈ રાજ્ય સરકારે ખાસ તૈયારીઓ કરી છે. વડા પ્રધાનના રૂટ અને કાર્યક્રમના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ૧૯મીએ દિયોદરમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને વડા પ્રધાન સીધા જામનગર જશે જ્યાં ડબલ્યુએચઓના સહયોગથી બનનાર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના ડિજી સહિત અધિકારીઓ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન પણ હાજર રહેશે. જામનગરથી ગાંધીનગર પરત ફરી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ૨૦મી એપ્રિલે સવારે મહાત્મા મંદિરમાં પીએમ મોદી હાજરી આપશે. બપોર બાદ દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કરશે. દાહોદ અને પંચમહાલના વિવિધ પ્રોજેકટના ખાતમુહૂર્ત કરશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સીઝનમાં કોરોનાનું જોખમ મંડાઈ રહ્યું છે. દિલ્હી ટીમનો ફિઝિયો બાદ એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ રિપોર્ટ બાદ દિલ્હીની ટીમને પુણે જતા રોકી દેવાઈ છે. દિલ્હીની સમગ્ર ટીમને મુંબઈમાં જ ક્વોરન્ટીન કરી દાવાઈ છે.
દિલ્હીની આગામી મેચ 20 એપ્રિલના રોજ પંજાબ સામે પુણેમાં રમાવાની છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ ખેલાડીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
પેટ્રિક ફરહાર્ટ દિલ્હી કેપિટલ્સના તમામ ખેલાડીઓના સંપર્કમાં રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ ખેલાડીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જો ટેસ્ટમાં અન્ય કોઈ સંક્રમિત જણાય તો તેને પણ આઈસોલેટ કરવામાં આવશે. તે જ સમયે, વધુ ખેલાડીઓ સંક્રમિત થવાની સ્થિતિમાં મેચ સ્થગિત કરવામાં આવી શકે છે. ગયા વર્ષે પણ બાયો-બબલમાં કોરોનાની એન્ટ્રી બાદ ઘણા કેસ નોંધાયા હતા. ત્યારપછી BCCIએ IPL અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. પછી ફેઝ-2નું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું હતું.
કેજીએફ ચેપ્ટર 2એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ ઉપર ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મના એડવાન્સ બુકિંગના ક્રેઝને ધ્યાને લઈને અનુમાન લગાડવામાં આવ્યું હતું તે સાચુ પડયું છે. પ્રશાંત નીલના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મે ઓપનિંગ ડે ઉપર કમાણીના તમામ જુના રેકોર્ડ તોડી નાખ્યા છે. વોર, ઠગ્સ ઓફ હિન્દૂસ્તાન અને બાહુબલી 2ને પછાડતા કેજીએફ : ચેપ્ટર 2 હવે પહેલા દિવસે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની છે. આ ફિલ્મે દેશભરમાં 134.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે હિન્દી વર્ઝનમાં 63.66 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હિન્દીમાં પહેલા દિવસે સૌથી વધારે કમાણીનો રેકોર્ડ ટાઈગર શ્રોફ અને રિતિકની ફિલ્મ વોરના નામે હતો. જેનું નેટ કલેક્શન 53.35 કરોડ હતું. જ્યારે કેજીએફનુ’ નેટ કલેક્શન 53.95 કરોડ રૂપિયા રહ્યું છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.