વાયરલ Archives - Page 24 of 80 - CIA Live

June 22, 2022
draupadi_murmu.jpg
1min481

રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે વિપક્ષ પછી હવે ભાજપના નેતૃત્વમાં એનડીએએ પણ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારની પસંદગી માટે મંગળવારે નવી દિલ્હીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી પક્ષપ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે, ઝારખંડના ભૂતપૂર્વ ગવર્નર અને આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂ એનડીએ તરફથી રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર હશે. સંસદીય બોર્ડની બેઠકમાં અંદાજે ૨૦ નામો પર ચર્ચા થઈ હતી અને દ્રૌપદી મુર્મૂના નામ પર સંમતી સધાઈ હતી.

ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનું નામ અગાઉ પણ રાષ્ટ્રપતિપદના ઉમેદવારની રેસમાં ચર્ચાયું હતું. જેપી નડ્ડાએ કહ્યું કે, દેશને પહેલી વખત આદિવાસી સમાજમાંથી એક રાષ્ટ્રપતિ આપવાની પક્ષની તૈયારી છે. આ વખતે પૂર્વીય ભારતમાંથી કોઈને તક આપવા અંગે સંસદીય બોર્ડમાં સહમતી બની હતી. અમે એ અંગે પણ વિચાર કર્યો કે દેશને હજી સુધી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્યા નથી. એવામાં બેઠક પછી દ્રૌપદી મુર્મૂના નામ પર બેઠકમાં સર્વસંમતી સધાઈ હતી. 

મુર્મૂ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી જશે તો ભારતના ઈતિહાસમાં તેઓ પહેલાં આદિવાસી રાષ્ટ્રપતિ બનશે. ઉપરાંત તેઓ ચૂંટણી જીતી જાય તો પ્રતિભા પાટિલ પછી દેશનાં બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. દ્રૌપદી મુર્મૂ ઝારખંડનાં પહેલા મહિલા ગવર્નર હતા. તેઓ ઓડિશાનાં પહેલા એવા મહિલા આદિવાસી નેતા છે, જેમને કોઈ રાજ્યમાં ગવર્નર બનાવાયા હોય અને તેમણે કાર્યકાળ પૂરો કર્યો હતો.

દ્રૌપદી મુર્મૂનું જીવન ઘણું જ સંઘર્ષમય રહ્યું છે. તેઓ એક અત્યંત ગરીબ આદિવાસી પરિવારમાં પેદા થયાં હતા. તેમણે રૈરંગપુરના શ્રી અરબિંદો ઈન્ટિગ્રલ એજ્યુકેશન સેન્ટરમાં પગાર વિના જ શિક્ષિકા તરીકે કામ કર્યું હતું. તેમણે રાજકીય કારકિર્દી રૈરંગપુર એનએસીના વાઈસ ચેરમેન તરીકે શરૃ કરી હતી. તેમને ઓડિશા વિધાનસભામાં ૨૦૦૭માં સર્વશ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે નીલકંઠ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

ભાજપ સમર્થિત એનડીએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેના ઈલેક્ટોરલ કોલેજમાં ૪૮ ટકાથી વધુ વોટ શૅર ધરાવે છે અને તેના ઉમેદવારને વિપક્ષના ઉમેદવાર કરતાં સ્પષ્ટ લાભ મળશે. નવી દિલ્હીમાં મંગળવારે મોડી સાંજે વડાપ્રધાન મોદી, પક્ષ પ્રમુખ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળી હતી, જેમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ૨૦ જેટલા નામોની ચર્ચા થઈ હતી.

વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪મી જુલાઈએ પૂરો થઈ રહ્યો છે ત્યારે વિપક્ષે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે યશવંત સિંહાને મેદાનમાં ઉતારતા ૧૮મી જુલાઈએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાશે. મતગણતરી ૨૧મી જુલાઈએ થશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ ૨૯ જૂન છે.

June 20, 2022
rajnath.jpg
2min354

કેન્દ્ર સરકારે સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના ‘અગ્નિપથ’નો વિરોધ વધી રહ્યો છે અને સરકાર પર યોજના પાછી ખેંચવા દબાણ થઈ રહ્યું છે. એવા સમયમાં રવિવારે કેન્દ્ર સરકારે ધરાર જણાવી દીધું છે કે અગ્નિપથ યોજના કોઈપણ સંજોગોમાં પાછી ખેંચવામાં નહીં આવે. ઉલટાનું સૈન્યની ત્રણેય પાંખે રવિવારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. સૈન્યની ત્રણેય પાંખના પ્રમુખોએ રવિવારે આ સંદર્ભમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયાના કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાહેર કરી હતી. વધુમાં સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે સૈન્યમાં હવે અગ્નિપથ યોજના હેઠળ જ ભરતી હાથ ધરવામાં આવશે.

અગ્નિપથ યોજના સામે ચાલતા વિરોધ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે સૈન્યની ત્રણેય પાંખના પ્રમુખો સાથે બેઠક કરી હતી. ત્યાર પછી ત્રણેય પ્રમુખોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં સૈન્ય બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ ત્રણ બાબતો સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે એક તો કોઈપણ સંજોગોમાં આ યોજના પાછી નહીં ખેંચાય. બીજું અગ્નિપથ યોજનાના વિરોધમાં હિંસામાં સામેલ યુવાનોને ભરતીમાં તક નહીં મળે. ત્રીજું યોજનામાં યુવાનોની ચિંતાઓને ધ્યાનમાં રાખતા જે ફેરફાર કરાયા છે તે દબાણ હેઠળ નહીં, પરંતુ અગાઉથી જ નિશ્ચિત હતા.

1989થી આ યોજના રજૂ કરવાની કવાયત હાથ ધરાઈ હતી

જનરલ અનિલ પુરીએ કહ્યું કે, સૈન્યમાં આ સુધારો લાંબા સમયથી લાવવાની તૈયારી ચાલી રહી હતી. આ સ્કીમની માગ વર્ષ ૧૯૮૯માં કરાઈ હતી. સૈન્યમાં ભરતી માટે સૌથી પહેલી જરૂરિયાત શિસ્ત હોય છે, તેથી યુવાનોએ શાંત થઈને આ યોજનાને સમજવાની જરૂર છે.  અમે કારગીલ સમીક્ષા સમિતિ અને અરૂણ સિંહ સમિતિના રિપોર્ટની ભલામણો મુજબ સૈન્યમાં વય પ્રોફાઈલ ઘટાડવા માગતા હતા. હાલમાં સરેરાશ વય ૩૨ વર્ષ છે. હવે આર્મીમાં બધી જ ભરતી આ સ્કીમ હેઠળ થશે.

આર્મીમાં અગ્નિવીરોની બીજી બેચ ફેબુ્રઆરીમાં સૈન્યમાં જોડાશે

લેફ. જન. બંસી પોનપ્પાએ કહ્યું કે, આર્મી સોમવારે જાહેરનામું બહાર પાડશે. ત્યાર પછી ૧લી જુલાઈ સુધીમાં વિવિધ ભરતી યુનિટ્સના જાહેરનામા આવશે. અગ્નિપથ યોજના હેઠળ અંદાજે ૪૦,૦૦૦ અગ્નિવીરોની ભરતી માટે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઑક્ટોબરમાં સમગ્ર દેશમાં ૮૩ રેલીઓ યોજવામાં આવશે. અગ્નિવીરોની બીજી બેચ આગામી વર્ષે ફેબુ્રઆરી સુધીમાં સૈન્યમાં જોડાઈ જશે. અંદાજે ૨૫,૦૦૦ અગ્નિવીરોની પહેલી બેચ ડિસેમ્બર સુધીમાં સૈન્યમાં જોડાઈ જશે.

એરફોર્સમાં ડિસે.માં અગ્નિવીરોની પહેલી બેચ

એરમાર્શલ એસ. કે. ઝાએ કહ્યું કે, એરફોર્સમાં અગ્નિપથની પહેલી બેચ માટે ૨૪મી જૂનથી રજિસ્ટ્રેશન શરૂ કરાશે. એક મહિના પછી ૨૪ જુલાઈથી ઓનલાઈન પરિક્ષા શરૂ કરાશે. અગ્નિવીરોની પહેલી બેચ ડિસેમ્બરમાં સામેલ કરાશે, ૩૦મી ડિસેમ્બરથી અગ્નિવીરોની તાલિમ શરૂ થઈ જશે. અગ્નિવીરોની સેવા શરતો નિયમિત સૈનિકો જેવી જ હશે.

નેવીમાં અરજી પ્રક્રિયા ઓનલાઈન રહેશે : યુવાનો-યુવતીઓની ભરતી થશે

વાઈસ એડરમિલ દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે, નેવી ૨૫મી જૂન સુધીમાં ભરતી પ્રક્રિયા માટે વ્યાપક માર્ગદર્શિકા જાહેર કરાશે. નેવીમાં પણ ઓનલાઈન અરજી પ્રક્રિયા રહશે. અગ્નિપથ યોજના હેઠળ યુવાનો અને યુવતીઓ બંનેની ભરતી કરાશે. અગ્નિવીરોની પહેલી બેચ ૨૧મી નવેમ્બરે તાલિમ સંસ્થાનોમાં રિપોર્ટ કરવા લાગશે. 

વર્ષમાં 30 પેઈડ લીવ, અધવચ્ચે સેવા છોડવાની મંજૂરી નહીં

અગ્નિવીરોને પહેલાથી નિશ્ચિત મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. અગ્નિવીરો પણ એરફોર્સના અન્ય જવાનોને મળનારા પદક અને એવોર્ડ માટે લાયક હશે. તેમને વર્ષમાં ૩૦ પેઈડ લીવ મળશે. સીક લીવ ડોક્ટરોની ભલામણ મુજબ અપાશે. જોકે, વિશેષ પરિસ્થિતિઓને છોડીને તાલિમ વચ્ચેથી છોડવાની મંજૂરી નહીં મળે. 

અગ્નિવીરોએ હિંસક દેખાવોમાં સામેલ નહોતા તેવું સોગંદનામું આપવું પડશે

જનરલ પુરીએ જણાવ્યું કે, ભારતીય સૈન્યનો પાયો શિસ્ત છે. આર્મીમાં આગજની, તોડફોડ અને હિંસા માટે કોઈ જગ્યા નથી. અગ્નિપથ યોજના સામે દેશભરમાં થઈ રહેલા વિરોધ અંગે તેમણે કહ્યું કે, પ્રત્યેક અગ્નિવીરે માત્ર અગ્નિપથ જ નહીં કોઈપણ હિંસક આંદોલનમાં સામેલ નહોતા તેવું સોગંદનામું આપવું પડશે. કોઈની સામે એફઆઈઆર થઈ હોવાનું જણાશે તો તે આ યોજના હેઠળ સૈન્યમાં જોડાઈ શકશે નહીં.

આર્મીમાં નજીકના સમયમાં અગ્નિવીરોની સંખ્યા 1.25 લાખ થશે

જનરલ અનિલ પુરીએ કહ્યું કે અમે પાયાના સ્તરે ક્ષમતા નિર્માણ કરવા અને યોજનાનું વિશ્લેષણ કરવા માટે આ વર્ષે ૪૬,૦૦૦ અગ્નિવીરોની ભરતી સાથે શરૂઆત કરીશું. આગામી ૪-૫ વર્ષોમાં અગ્નિવીરોની સંખ્યા ૫૦ હજારથી ૬૦ હજાર થઈ જશે અને ત્યાર પછી વધીને ૧.૨૫ લાખ સુધી થઈ જશે.

રાજ્યોની પોલીસમાં અગ્નિવીરોને અગ્રતાની જાહેરાત

અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલા દેખાવો વચ્ચે અસમ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક જેવા અનેક રાજ્યોએ પોલીસમાં અગ્નિવીરોને અગ્રતા આપવાની જાહેરાત કરી છે.

અગ્નિપથ યોજના મુદ્દે કેન્દ્રના આકરા પગલાં

ફેક ન્યૂઝ ફેલાવતા 35 વોટ્સએપ ગૂ્રપ પર પ્રતિબંધ, 10ની ધરપકડ

અગ્નિપથ યોજના અંગે દેશના અનેક રાજ્યોમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે ત્યારે સરકારે આ યોજના અંગે યુવાનોની શંકાઓનું સમાધાન કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. બીજીબાજુ આ યોજના અંગે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવતા લોકો સામે પણ સરકારે આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. અગ્નિપથ યોજના અંગે નકલી સમાચારો અને ભ્રામક માહિતી ફેલાવવા બદલ સરકારે વોટ્સઅપના ૩૫ ગૂ્રપો પર પ્રતિબંધ મૂકી દીધો છે. વધુમાં આ યોજના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરનારા અને દુર્ભાવનાપૂર્ણ ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં ૧૦ લોકોની ધરપકડ પણ કરાઈ છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પોલીસે યુવાનોને ઉશ્કેરનારા પાંચ લોકોની ધરપકડ કરી હતી.

દેશના યુવાનોમાં આક્રોશ વચ્ચે ભાજપ નેતાનો બફાટ

અગ્નિવીરોને ભાજપ ઓફિસમાં ગાર્ડ માટે પ્રાથમિક્તા અપાશે : વિજયવર્ગીય

– વિજયવર્ગીયે અગ્નિવીરો અંગે પક્ષની માનસિક્તા છતી કરી, ભાજપ માફી માગે : કોંગ્રેસની માગ

કેન્દ્ર સરકારે સૈન્યમાં ભરતી માટે રજૂ કરેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં યુવાનોમાં આક્રોશ ફેલાયો છે અને ઠેરઠેર દેખાવો થઈ રહ્યા છે. આવા સમયમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના નિવેદને આ આક્રોશની આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે. વિજયવર્ગીયના નિવેદનને દેશના જવાનો માટે અપમાનજનક ગણાવાઈ રહ્યું છે.

અગ્નિપથ યોજના અંગે દેશભરમાં વિરોધ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહેતા જણાય છે કે તેમને ભાજપ ઓફિસમાં સિક્યોરિટી રાખવી હશે તો તેઓ અગ્નિવીરોને પ્રાથમિક્તા આપશે. તેઓ ઈન્દોરમાં અગ્નિપથ યોજનાની વિશેષતાઓ અંગે કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે તેમણે આ નિવેદન આપ્યું હતું. જોકે, આ નિવેદનના પગલે તેમની સામે પક્ષમાંથી જ અને રાજકીય સ્તરે ભારે વિરોધ થઈ રહ્યો છે.

ભાજપના સાંસદ વરુણ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસે આ મુદ્દે વિજયવર્ગીયને ઘેરી લીધા છે. વિજયવર્ગીયને જવાબ આપતા કોંગ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અગ્નિપથ અંગે બધી જ શંકાઓ દૂર કરી દીધી. ભાજપના કૈલાશ વિજયવર્ગીયે. આ સત્યાગ્રહ આ માનસિક્તાના વિરોધમાં છે.’ વરુણ ગાંધીએ ટ્વિટર પર વીડિયો શૅર કરતા કહ્યું, ‘જે મહાન સેનાની વીર ગાથાઓ કહેવામાં આખો શબ્દકોશ અસમર્થ હોય, જેના પરાક્રમના ડંકા આખા વિશ્વમાં ગુંજતા હોય, તે ભારતીય સૈનિકને કોઈ રાજકીય ઓફિસની ‘ચોકીદારી’ કરવાનું આમંત્રણ. તેને આપનારને જ મુબારક. ભારતીય સૈન્ય માં ભારતીની સેવાનું માધ્યમ છે, માત્ર એક ‘નોકરી’ નહીં.’

જોકે, આ અંગે વિવાદ વધતા કૈલાશ વિજયવર્ગીયે તુરંત ખુલાસો આપતા કહ્યું, અગ્નિપથ યોજનાથી નીકળનારા અગ્નિવીરો નિશ્ચિતરૂપે તાલિમબદ્ધ અને કર્તવ્ય પ્રત્યે કટિબદ્ધ હશે, સૈન્યમાં સેવાકાળ પૂરો કર્યા પછી તેઓ જે પણ ક્ષેત્રમાં જશે ત્યાં તેમની ઉત્કૃષ્ટતાનો ઉપયોગ થશે. મારો આશય માત્ર એટલો જ હતો. અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું, ટૂલકિટ સાથે સંકળાયેલા લોકો મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરીને કર્મવીરોનું અપમાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

June 17, 2022
india_vs_sa.jpg
1min593

રાજકોટના એસસીએ સ્ટેડિયમની બેટિંગ પેરાડાઇઝ પીચ પર 17/6/22, શુક્રવારે ભારતીય ટીમનો પ્રવાસી દક્ષિણ આફ્રિકા સામે કરો યા મરો મુકાબલો થશે. પાંચ મેચની ટી-20 શ્રેણીનો ત્રીજો મેચ જીતીને ટીમ ઇન્ડિયાએ શ્રેણી જીવંત રાખી છે. ઋષભ પંતની ટીમની નજર હવે રાજકોટમાં ચોથો મેચ જીતીને શ્રેણી 2-2ની બરાબરી પર લાવી દેવા પર છે. બીજી તરફ દ. આફ્રિકાની ટીમ પાછલી હાર ભૂલીને શ્રેણી 3-1ની અતૂટ સરસાઈથી ગજવે કરવાના ઇરાદે મેદાને પડશે. જો કે આવતીકાલ શુક્રવારે રમાનાર આ મેચમાં વરસાદનું સંકટ ઝળુંબી રહ્યંy છે. પ્રવાસી ટીમ આફ્રિકા માટે સારી વાત એ છે કે તેના અનુભવી વિકેટકીપર કિવંટન ડિ’કોકની રાજકોટના મેચમાં વાપસી થશે. તે ઇજામાંથી બહાર આવી ગયો છે.

બીજી તરફ ભારતીય ટીમ માટે ચિંતાનું કારણ તેના કપ્તાન ઋષભ પંતનું ખરાબ ફોર્મ છે. ટીકાકારોને જવાબ આપવા પંતે ખંઢેરીનાં મેદાન પર એક આતશી ઇનિંગ રમવી પડશે. ચોથા મેચમાં તેની પાસે મોકો બની રહેશે, કારણ કે રાજકોટની પીચે હંમેશાં બેટધરોનો સાથ આપ્યો છે. આથી રાજકોટના મેચમાં પહેલો દાવ લેનાર ટીમ 200 આસપાસનો સ્કોર કરવાનું લક્ષ્ય રાખશે. જો વરસાદ ન પડે અને શુક્રવારે બપોર બાદ ઉઘાડ હશે તો રાજકોટના મેચમાં રમઝટ બોલશે તે નિશ્ચિત છે. રાજકોટની પીચ આક્રમક બેટધરો માટે વધુ અનુકુળ છે. આથી ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડયા અને દિનેશ કાર્તિક પાસેથી સ્થાનિક ચાહકોને ધૂંઆધાર ઇનિંગની આશા રહેશે જ્યારે ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન પાસેથી ઘાતક બોલિંગની આશા રહેશે. રાજકોટના મેચમાં સ્પીડસ્ટાર ઉમરાન મલિકને ટીમ ઇન્ડિયા તરફથી ડેબ્યૂની તક મળશે તેવી શકયતા છે, કારણ કે આવશે ખાન વિકેટ લઈ રહ્યો નથી.

આફ્રિકાએ ત્રીજા મેચની ખરાબ બોલિંગ, ફિલ્ડિંગ અને બેટિંગ ભૂલીને હલ્લાબોલ કરવું પડશે. જેનો સામનો કરવા ટીમ ઇન્ડિયાએ પણ કમર કસી લીધી છે. શ્રેણીમાં હજુ સુધી બન્ને ટીમના સ્પિનરો સારો દેખાવ કરી શકયા નથી. જો કે રાજકોટની પીચ પ્રમાણમાં ધીમી છે. આથી અહીં સ્પિનરોને સફળતા મળવાની સંભાવાના છે.

June 13, 2022
Sensex-down_.jpg
1min412

તા.13મી જૂન, સોમવારે સવારે એશિયન શેરબજારમાં ભારે વેચવાલી વચ્ચે ભારતીય શેરબજારના ઇન્ડેક્ષ, સેન્સેક્સ 1100થી વધુ અંકોના કડાકે ખુલ્યાં બાદ 10 કલાકે ઈન્ડેકસ 1450 ઘટીને 52,800 અને નિફ્ટી 458 પોઇન્ટ ઘટી 15,742ની સપાટીએ પટકાયા છે.

આજે 13મી જૂને બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરમાંથી માત્ર એક જ HULનો શેર 0.15% જ અપ છે બાકી તમામ 29 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે. નિફટીના 50માંથી 3 શેર સામાન્ય સુધારો દર્શાવી રહ્યાં છે. બજારને આજે નીચે ધકેલવાનું કામ બેંકિંગ શેર, IT શેર અને બજાજ બંધુઓ કરી રહ્યાં છે. સેન્સેક્સના કડાકામાં 226 અંકોનો ફાળો રિલાયન્સનો તો ICICI બેંક 185 અંક અને ઈન્ફોસિસ 150 અંકનું યોગદાન આપી રહ્યાં છે.

આજના સત્રમાં સૌથી વધુ ઘટાડો બજાજ ફિનસર્વ અને બજાજ ફાઈનાન્સના શેરમાં જોવા મળી રહ્યો છે. આ સિવાય ICICI બેંક પણ 4.25%થી વધુ ગગડ્યો છે.

આજના સત્રમાં બ્રોડર માર્કેટમાં પણ નોંધપાત્ર વેચવાલી જોવા મળી રહી છે. 1:4ના એડવાન્સ ડિક્લાઈન રેશિયો સાથે મિડકેપ-સ્મોલકેપ ઈન્ડેકસ પણ 2.25% તૂટ્યાં છે. બીએસઈ ખાતે બંને ઈન્ડેક્સ અનુક્રમે 22,000 અને 25,200ના લેવલે કામકાજ કરી રહ્યાં છે. બીએસઈ ખાતે 518 વધનારા શેરની સામે 2453 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે તો 125 શેરમાં કોઈ ફેરફાર નથી.

આજના સત્રમાં 190 શેરમાં લોઅર સર્કિટ તો 139 શેરમાં અપર સર્કિટ છે પરંતુ 50 શેરમાં 52 સપ્તાહની ટોચ જોવા મળી છે તો 147 શેરમાં 52 સપ્તાહનું તળિયું જોવા મળી રહ્યું છે.

બજારમાં ફુગાવા ઉપરાંત સ્ટેગફ્લેશનની દહેશત જોવા મળી રહી છે. આ સ્થિતિમાં ફુગાવો સતત વધતો રહે અને આર્થિક વિકાસ ઘટે જેના કારણે કંપનીઓની કમાણી ઘટે એવી ચિંતા જોવા મળી રહી છે.

June 12, 2022
aap.jpg
2min412

આમ આદમી પાર્ટી ગુજરાતના નવીન સંગઠનને અનુલક્ષીને પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનનું નવું માળખું જાહેર કરી દેવાયું છે. 

ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ તથા ઈન્દ્રનીલ રાજગુરૂને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કૈલાશ ગઢવીને આપ ગુજરાતના ખજાનચી તથા સાગર રબારીને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.  

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આજના દિવસને આમ આદમી પાર્ટીના કાર્યકરો માટે ઐતિહાસિક ગણાવ્યો હતો તથા શક્તિશાળી વિશાળ માળખાની જરૂર હોવાથી જૂનું માળખું વિખેરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વિધાનસભાની 182 બેઠકો પર યોજવામાં આવેલી પરિવર્તન યાત્રાને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવ્યું હતું. 

ત્યાર બાદ ઈસુદાન ગઢવીએ પદાધિકારીઓના પહેલા લિસ્ટની જાહેરાત બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને હજું બીજી યાદ બહાર પડશે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, એક વિધાનસભામાં 4 સંગઠન મંત્રી રહેશે. મતલબ કે, એક વિધાનસભાના 4 બ્લોક પાડવામાં આવ્યા છે. દરેક ગામમાં 11 લોકોની ટીમ બનાવવામાં આવી છે. 

પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકે ઈસુદાનનો રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ કરવામાં આવશે તથા યોગ્ય સમયે ગુજરાતમાં આપનો મુખ્યમંત્રી પદ માટેનો ચહેરો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. 

કિશોર દેસાઈને મેઈન વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ (ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન) બનાવવામાં આવ્યા છે. મનોજ સોરઠિયાને મેઈન વિંગના સ્ટેટ જનરલ સેક્રેટરી, કૈલાશ ગઢવીને મેઈન વિંગના સ્ટેટ ટ્રેઝરર, જગમલ વાળા, સાગર રબારી, રિનાબેન રાવલ, અર્જુન રાઠવાને સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. જિતેન્દ્ર ઉપાધ્યાયને એજ્યુકેશન સેલના સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ, બિપીન ગામિતને બિરસા મુંડા મોર્ચાના સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ, ભેમા ચૌધરીને કો ઓપરેટિવ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, મહેશ કોસાવાલાને જય ભીમ મોર્ચાના સ્ટેટ પ્રેસિડેન્ટ, રાજુ કપરાડાને કિસાન વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, પ્રણવ ઠાકરને લિગલ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, આરિફ અંસારીને સ્પોર્ટ્સ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, ગૌરી દેસાઈને મહિલા વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, પ્રવીણ રામને યુથ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના ગુજરાતના નવા સંગઠન માળખામાં કુલ 850 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંગઠનમાં 26 લોકસભા પ્રમુખ, 42 ડિસ્ટ્રિક્ટ પ્રમુખ, 679 વિધાનસભા સંગઠન મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે.

પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ હવે આમ આદમી પાર્ટીનું ફોકસ ગુજરાત તરફ જોવા મળી રહ્યું છે. ગુજરાત વિધાન સભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ કમર કસી રહ્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવવા માટે એક નવી વ્યૂહરચના બનાવી છે. આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં અને તેમના માર્ગદર્શન હેઠળ આવનારી ચૂંટણીના બાકીના મહિનાઓ માટેની નવી વ્યૂહરચના અમલમાં મૂકી છે. 

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને પાર્ટીએ ગુજરાત પ્રદેશમાં સંગઠનના માળખાને વિખેર્યું હોવાની જાહેરાત કરી હતી. તેમાં પ્રમુખ સિવાયના તમામ હોદ્દાઓ પર નવેસરથી નિયુક્તિ કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું હતું. માળખાના વિસર્જન અંગે સ્પષ્ટતા કરતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું, કે આજ દિન સુધીનું માળખું આમ આદમી પાર્ટીની રચનાનું હતું. ગુજરાતના ખૂણે-ખૂણા સુધી આપનો સંદેશ પહોંચાડવા માટેનું હતુ પરંતુ હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ તરીકે ભાજપ સામે બાથ ભીડવા નવી વ્યૂહરચના સાથે નવું માળખું બનશે.

June 10, 2022
rajya_sabha.jpg
1min408

15 રાજ્યની 57માંથી 41 બેઠકો ઉપર નિર્વિરોધ જીત પછી બાકીની 16 બેઠકો માટે
આજે ખરાખરીનો ખેલ: તોડજોડ અને ક્રોસવોટિંગની આશંકા વચ્ચે રિસોર્ટ પોલિટિક્સથી રોમાંચ
દેશનાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખનું આજે એલાન થયું છે પણ તે પહેલા અત્યારે સંસદનાં ઉપલા ગૃહ રાજ્યસભાની ચૂંટણીનો ગરમાવો અને ધમધમાટ ચરમસીમાએ છે. આવતીકાલે યોજાનારી ચૂંટણી અને તેનાં પરિણામો વચ્ચે હવે ગણતરીનાં કલાકો જ બચ્યા છે. આ વખતની રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી આમ તો 1પ રાજ્યોની કુલ મળીને પ7 બેઠકો ઉપર થવાની હતી પણ ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે 41 સદસ્યો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હોવાથી હવે માત્ર 16 બેઠકો ઉપર જ કાલે ચૂંટણી યોજાશે.

અત્યાર સુધીમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, તામિળનાડુ, તેલંગણ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ એમ કુલ મળીને 11 રાજ્યોમાં વિભિન્ન પક્ષનાં 41 ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે. બાકી બચતી 16 બેઠકો માટે જ શુક્રવારે મતદાન થવાનું છે અને તેમાં કેટલીક બેઠકો ઉપર તો ભારે રોમાંચક રસાકસી જામવાની છે.
જે 16 રાજ્યસભા બેઠકો માટે આવતીકાલે ચૂંટણી યોજાવાની છે તેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટકની બેઠકોનો સમાવેશ થાય છે. પક્ષોને આમાં સોદાબાજીથી લઈને ક્રોસ વોટિંગ સુધીનો ડર સતાવી રહ્યો છે. ઉમેદવારો પણ તોડજોડનાં રાજકારણમાં વ્યસ્ત છે અને પક્ષોએ પોતાનાં આંકડા ટકાવી રાખવા માટે વિધાયકોને રિસોર્ટમાં છૂપાવવા સુધીની રણનીતિઓ અપનાવેલી છે. કોઈ ધારાસભ્ય આડાઅવળો ન થઈ જાય એટલે તેમની પહેરેદારી થઈ રહી છે.
મહારાષ્ટ્રની છ બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. જેમાં કોંગ્રેસ, એનસીપી પાસે એક-એક બેઠક જીતવા માટે પૂરતું સંખ્યાબળ છે.

તો ભાજપ પાસે બે બેઠકો માટે તાકાત છે. આવી જ રીતે શિવસેના પાસે એક બેઠક ઉપર ઉમેદવારને રાજ્યસભામાં મોકલવાની પર્યાપ્ત સંખ્યા છે. જો કે શિવસેનાએ પોતાનાં બીજા ઉમેદવારની જીત સુનિશ્ચિત કરવાં માટે પોતાનાં સહયોગી અને અપક્ષ સહિત કુલ 30 મતની આવશ્યકતા છે.

રાજસ્થાનની વાત કરવામાં આવે તો ત્યાં 4 બેઠકો ઉપર સીધી ટક્કર છે. કોંગ્રેસનાં ત્રણ ઉમેદવાર મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારી મેદાને છે. આ ત્રણેય ઉમેદવાર માટે 123 વિધાયકોનાં મતની જરૂર કોંગ્રેસને છે. બદલાતા માહોલમાં જ ફક્ત ત્રણ જ વિધાયકનાં ઉલટસુલટ થઈ જાય તો કોંગ્રેસનાં ત્રીજા ઉમેદવારની હાર પણ સંભવ છે. કારણ કે કોંગ્રેસ પાસે પોતાનાં ફક્ત 108 ધારાસભ્ય છે. એક આરએલડી, 13 અપક્ષ, બે સીપીએમ અને બે બીટીપીનાં મત કોંગ્રેસને મળે ત્યારે તેના 126 મત થઈ શકે તેમ છે. ભાજપનાં સમર્થન સાથે સુભાષ ચંદ્રા અપક્ષ ઉમેદવાર બનેલા છે. તેમને 11 મતની જરૂર છે. જેમાં તેમને ભાજપનાં 30 સરપ્લસ અને આરએલપીનાં ત્રણ વિધાયકનાં મત મળી શકે તેમ છે.
હરિયાણામાં બે બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી થશે. અહીં કાર્તિકેય શમાએ મુકાબલાને રસાકસી ભરેલો બનાવી દીધો છે. શર્માને ભાજપનું સમર્થન છે. તેમને જીત માટે 31 મતની જરૂર છે. જે અજય માકન માટે પડકાર સમાન બની ગયું છે. માકન તો જ જીતી શકશે જો તેને કોંગ્રેસનાં 31માંથી 30 વિધાયકનાં મત મળે. એવું કહેવાય છે કે, કોંગ્રેસનાં ત્રણ મત એવા છે જેણે પોતાનાં તમામ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.

કર્ણાટકમાં 4 બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. પહેલા અહીં આસાન ચૂંટણી દેખાતી હતી પણ કોંગ્રેસે પ્રદેશ મહાસચિવ મન્સૂર અલીને પોતાનાં ઉમેદવાર બનાવીને પેચ ફસાવી દીધો છે. ભાજપે અહીં વિધાન પરિષદનાં સભ્ય લહેરસિંહને પોતાના ત્રીજા ઉમેદવાર બનાવ્યા છે. 224 બેઠકોની કર્ણાટક વિધાનસભામાં એક રાજ્યસભા બેઠક માટે 4પ વિધાયકનાં મતની જરૂર હોય છે. કોંગ્રેસ પાસે 70 છે પણ પક્ષે જયરામ રમેશ અને મન્સૂર અલી ખાનને મેદાને ઉતારીને લડત આપવાનું મન બનાવ્યું હતું. કોંગ્રેસને હવે બીજી બેઠક માટે વધારાનાં 20 મતની જરૂર છે.

June 9, 2022
nupur-1280x1195.jpg
1min467

પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માની મુશ્કેલી વધી ગઈ છે. દિલ્હી પોલીસે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન કુમાર જિંદાલ સહિત સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવા બદલ કેટલાક લોકો વિરુદ્ધ FIR નોંધી છે. જેમાં ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન કુમાર જિંદલનું નામ પણ સામેલ છે. દિલ્હી પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, તેમણે કેટલાક લોકો સામે કેસ નોંધ્યો છે જેઓ કથિત રીતે નફરતના સંદેશાઓ ફેલાવી રહ્યા છે એટલે કે હેટ મેસેજ ફેલાવી રહ્યા છે. જુદા જુદા જૂથોને ઉશ્કેરી રહ્યા છે અને એવી સ્થિતિ સર્જી રહ્યા છે કે, જે જાહેર શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે હાનિકારક છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે, સ્પેશિયલ સેલના ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન યુનિટે નુપુર શર્મા અને નવીન જિંદાલ સહિત લગભગ 9 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે  FIRમાં નૂપુર શર્મા, નવીન કુમાર જિંદલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દૂર રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીણા અને પૂજા શકુનનું નામ સામેલ છે. આ બધા પર ઉશ્કેરણીજનક નિવેદન દ્વારા માહોલ ખરાબ કરવાનો આરોપ છે. 

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, FIR વિવિધ ધર્મો વિરુદ્ધ નિવેદનોથી સંબંધિત છે. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, યુનિટ સાયબર સ્પેસ પર અશાંતિ પેદા કરવાના ઈરાદાથી જૂઠી અને ખોટી માહિતીને પ્રોત્સાહન આપવામાં વિવિધ સોશિયલ મીડિયા સંસ્થાઓની ભૂમિકાની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે, ટીવી ડિબેટમાં કથિત વિવાદાસ્પદ ધાર્મિક ટિપ્પણી માટે ભાજપ નેતા નૂપુર શર્માને સસ્પેન્ડ કરવાના વિવાદ વચ્ચે આ મામલે સામે આવ્યો છે. આ અગાઉ નૂપુર શર્માની વિરુદ્ધ મુંબઈમાં પણ FIR નોંધવામાં આવી ચૂકી છે. 

પયગંબર મોહમ્મદ પર કથિત ટિપ્પણી બાદ નૂપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જેને લઈને દિલ્હી પોલીસે FIR નોંધી હતી અને નૂપુર શર્મા તથા તેમના પરિવારને સુરક્ષા પૂરી પાડી હતી. નુપુર શર્માએ તેમને મળી રહેલી ધમકીઓનો હવાલો આપતા પોલીસને સુરક્ષા પ્રદાન કરવાની વિનંતી કરી હતી.

June 9, 2022
mithali-raj.jpg
1min632
Mithali Raj retires from international cricket

ભારતીય મહિલા ક્રિકેટની સર્વકાલિન મહાન ખેલાડી અને ટેસ્ટ-વન ડે ટીમની કપ્તાન મિતાલી રાજે આજે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કર્યું છે. આ સાથે મિતાલી રાજની 22 ગજની પીચ પર 23 વર્ષથી ચાલી રહેલી શાનદાર સફરનો અંત આવ્યો છે. મિતાલીએ 2019માં ટી-20 ઇન્ટરનેશનલમાંથી સંન્યાસ લીધો હતો. હવે આજે તેણે તમામ પ્રકારના ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી છે. મિતાલી રાજ દેશની પહેલી મહિલા ક્રિકેટર છે જેને અર્જુન એવોર્ડ, પદ્મશ્રી અને ખેલરત્ન એવોર્ડથી ભારત સરકારે સન્માનિત કરી છે. મિતાલી રાજ મહાન સચિન તેંડુલકરની જેમ 20 વર્ષથી વધુ ભારત માટે આંતરારાષ્ટ્રીય ક્રિકેટ રમી છે. મહિલા ક્રિકેટમાં તેણીનાં નામે સૌથી વધુ ઇન્ટરનેશનલ રન (ત્રણેય ફોર્મેટ) 10,868 છે.

1999માં 16 વર્ષની વયે ભારત તરફથી પદાર્પણ કરનાર મિતાલી રાજની મહિલા વિશ્વ ક્રિકેટમાં સર્વકાલિન મહાન ખેલાડી પૈકિની એકમાં થાય છે. મિતાલીએ તેની 23 વર્ષની શાનદાર કેરિયર દરમિયાન 12 ટેસ્ટ, 232 વન ડે અને 89 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેના સુકાનીપદ હેઠળ ભારત બે વખત વિશ્વ કપના ફાઇનલમાં પહોંચ્યું છે. જો કે તે ભારતીય મહિલા ટીમને વિશ્વ વિજેતા બનાવવાનું સપનું સાકાર કરી શકી નથી.

મહિલા વન ડે ક્રિકેટમાં મિતાલી રાજનાં નામે સૌથી વધુ 780પ રન કરવાનો રેકોર્ડ છે. જેમાં 7 સદી અને 64 અર્ધસદી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણીના ખાતામાં 43.68ની સરેરાશથી કુલ 699 રન છે જ્યારે ટી-20 ઇન્ટરનેશનલમાં 2364 રન બનાવ્યા છે. વન ડે પદાર્પણ સાથે જ મિતાલીએ સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી કરનારી મિતાલી એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે.

મિતાલી રાજે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરતા લખ્યું છે કે હું ભારતની’ બ્લ્યૂ જર્સી પહેરવાની યાત્રા પર નીકળી હતી, કારણ કે દેશનું પ્રતિનિધિત્વ કરવું સૌથી મોટું સન્માન છે. મેં આ યાત્રા દરમિયાન વિશેષ ક્ષણો માણી. કેટલાક મુશ્કેલ તબક્કાનો પણ સામનો કર્યો. દર વખતે મને કંઈક નવું શિખવા મળ્યું. પાછલાં 23 વર્ષ મારા જીવનના સૌથી સંતોષજનક, ચુનૌતિપૂર્ણ અને આનંદદાયક વર્ષ રહ્યા. પૂરી યાત્રાનો આનંદ લીધો. તેનો અંત થવાનો જ હતો. આજે એ દિવસ છે જ્યારે હું આંતરાષ્ટ્રીય ક્રિકેટના તમામ સ્વરૂપમાંથી સંન્યાસ લઈ રહી છું.

June 4, 2022
cia_edu-1280x925.jpg
4min1174

ધો.12 કોમર્સનું 86.01% પરીણામ: ગુજરાતમાં પહેલી વખત બન્યું: 1,44,198 છોકરાઓ સામે 1,47,089 છોકરીઓ પાસ થઇ!!

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે તા.4 જૂને ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ 86.91 ટકા જેટલું ઉદાર આપ્યું છે. પરીણામને જોતા જ શિક્ષણશાસ્ત્રીઓએ એક સૂરમાં કહ્યું કે કોરોના સમયગાળામાં 11-12 કોમર્સ બે વર્ષના અભ્યાસ પૈકી દોઢ વર્ષ ઓનલાઇન અભ્યાસ કરીને 12 સામાન્ય પ્રવાહમાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ લાઇફમાં કંઇક બનવા માટે સ્પેશયલ કરવું પડશે.

આદિવાસી જિલ્લા ડાંગનું પરીણામ તમામ જિલ્લાઓમાં સૌથી વધુ

ગુજરાતના ઓવરઓલ પરીણામની વાત કરીએ તો કુલ 3.35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 2.91 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ગણાતા ડાંગના સુબિરનું પરીણામ 100 ટકા આવ્યું છે. જે સમગ્ર રાજ્યના 488 પરીક્ષા કેન્દ્રોમાં સૌથી વધુ છે. સમગ્ર ડાંગ જિલ્લામાં એકપણ વિદ્યાર્થી એ-વન ગ્રેડમાં સ્થાન પામ્યો નથી પણ હકીકત એ પણ છે કે આ કેન્દ્રમાંથી પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ પાસ થતા સમગ્ર રાજ્યમાં 100 ટકા પરીણામ ધરાવતું કેન્દ્ર સુબિર બન્યું છે અને સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરીણામ ધરાવતો જિલ્લો પણ ડાંગ બન્યો છે. ડાંગનું પરીણામ 95.41 ટકા આવ્યું છે. સૌથી વધુ એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ સુરત શહેર જિલ્લાના છે. આ જિલ્લામાંથી 643 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. સુરત પછી રાજકોટમાંથી 402 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં પરીણા મેળવ્યું છે.

છોકરાઓ કરતા છોકરીઓ વધુ પાસ થઇ

ધો.12 સામાન્ય પ્રવાહમાં 2022માં ઇતિહાસ રચાયો છે. બોર્ડમાં પહેલી વખત એવું નોંધાયું છે કે છોકરાઓની સંખ્યા કરતા છોકરીઓની સંખ્યા વધુ છે. સમગ્ર રાજ્યમાંથી કુલ 1,42,904 વિદ્યાર્થીઓ પાસ થયા છે જેની સામે 1,45,760 વિદ્યાર્થિનીઓ પાસ થઇ છે. સામાન્ય પ્રવાહના ત્રણેય વિભાગમાં ઓવરઓલ પરીણામ પર નજર કરીએ તો 1,44,198 છોકરાઓ સામે 1,47,089 છોકરીઓ પાસ થઇ છે.

સુરત શહેર જિલ્લાનું પરીણામ 87.52 ટકા

સુરત શહેર જિલ્લાનું ધો.12 કોમર્સનું પરીણામ 87.52 ટકા આવ્યું છે. સુરત શહેર જિલ્લામાંથી 38551 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 643 એ-વન ગ્રેડ, 4382 એ-ટુ ગ્રેડ, 7521 બી-વન ગ્રેડ, 8995 બી-ટુ ગ્રેડ, 8128 સી-વન ગ્રેડ, 3813 સી-ટુ ગ્રેડ અને 255 વિદ્યાર્થીઓ ડી ગ્રેડમાં પાસ થયા છે.

સુરતમાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સે ઇતિહાસ રચ્યો, 209 A-1 Grade – CiA Live News Web…

ગુજરાતના ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં સુરતની આશાદીપ સ્કુલના પરીણામે ન ભૂતો ન ભવિષ્યતિ પરીણામ હાંસલ કર્યું છે. સમગ્ર રાજ્યમાં એ-વન ગ્રેડની બોલબાલા ચાલી રહી છે. આવી સ્થિતિમાં સુરતની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના 205 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કરી લાવ્યા છે. આ પરીણામનો તુલનાત્મક અભ્યાસ કરીએ તો ગુજરાતના કુલ 31 જિલ્લાઓમાં સુરત અને રાજકોટના બાદ કરતા બાકીના તમામ 31 જિલ્લાઓ અને બે કેન્દ્ર શાસિત પ્રદેશ આ બધાના એ-વન ગ્રેડ કરતા સુરતની એક જ શાળા આશાદીપ કોમર્સ ભવનના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. ગુજરાતમાંથી કુલ 2092 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કરી શક્યા છે તેમાંથી એકલા 10 ટકા જેટલો હિસ્સો આશાદીપ કોમર્સ ભવનના વિદ્યાર્થીઓનો છે. www.cialive.in

સુરત શહેર જિલ્લામાં એ-વન ગ્રેડના લાવનાર વિદ્યાર્થીઓ કઇ શાળાના છે તેનું લિસ્ટ www.cialive.in

શાળાનું નામ- CiA Liveવિસ્તાર- CiA Liveએ-વન ગ્રેડ            CiA Live
આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સવરાછા209
મૌની અંકુર સ્કુલએકે રોડ33
સંસ્કારભારતી વિદ્યાલયઅડાજણ18
એલપીડી હાઇસ્કુલપૂણા09
ભૂલકાભવનઅડાજણ08
ઉમરીગર સ્કુલઉમરા08
ભૂલકા વિહાર સ્કુલપાલ07
જીજી ઝડફીયા સ્કુલએ.કે. રોડ07
આઇ એન ટેકરાવાલાપાલનપુર પાટીયા06
પ્રેસિડેન્સી સ્કુલઅડાજણ06
એસ્પાયર સ્કુલમોટા વરાછા06
પ્રેરણા વિદ્યાલયપૂણાગામ05
નોબલ પબ્લિક સ્કુલપૂણા05
સ્વામીનારાયણ ગુરુકુળસિંગણપોર04
ઉત્તર ગુજરાત કેએસકેપીભટાર રોડ03
દિપદર્શન વિદ્યાસંકુલડીંડોલી03
વનિતા વિશ્રામ ગર્લ્સ સ્કુલઅઠવાલાઇન્સ03
એચએમબી સરદાર સ્કુલપાલનપુર પાટીયા02
લિયો સ્કુલ ઓફ કોમર્સઉધના02
સદભાવના સ્કુલપૂણા02
જીવનભારતીનાનપુરા02
વિશ્વભારતી ગર્લ્સ સ્કુલકામરેજ02
લીલાબા કન્યાશાળાલાલદરવાજા01
સરસ્વતિ વિદ્યાલયઅડાજણ01
વિદ્યાનિકેતન હાઇસ્કુલઅમરોલી01
રિવરસાઇડ સ્કુલડિંડોલી01

જો આપની કોઇ સ્કુલના બાળકો ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં એ-વન ગ્રેડ લાવ્યા હોય તો તેની માર્કશીટ અમને 98253 44944 વ્હોટએપ પર મોકલી શકો જેથી અમે ઉપરોક્ત લિસ્ટને અપડેટ કરી શકીએ.

May 31, 2022
upsc-topper.jpg
1min544

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.)એ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧માં લેવાયેલી સિવિલ સર્વિસિસની પરીક્ષાના પરિણામોમાં ટોચની ત્રણ રૅન્ક ગર્લ્સને ફાળે ગઈ છે. ૬૮૫ ઉમેદવારોમાં પ્રથમ સ્થાન શ્રુતિ શર્માએ, બીજું સ્થાન અંકિતા અગ્રવાલે અને ત્રીજું સ્થાન ગામિની સિંગલાએ પ્રાપ્ત કર્યા છે. ઉત્તીર્ણ થયેલા ૬૮૫ પરીક્ષાર્થીઓમાં ૫૦૮ યુવકો અને ૧૭૭ યુવતીઓનો સમાવેશ હતો. ઉત્તીર્ણ ઉમેદવારોની કેન્દ્ર સરકારની વિવિધ સેવાઓમાં નિયુક્તિની ભલામણ યુ.પી.એસ.સી.એ કેન્દ્ર સરકારને કરી છે. 

પ્રથમ સ્થાને આવેલી શ્રુતિ શર્મા દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસમાં સ્નાતક, બીજા સ્થાને આવેલી અંકિતા અગ્રવાલ દિલ્હી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં સ્નાતક છે. અંકિતાએ વૈકલ્પિક વિષયો રાજ્યશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં બીજી રૅન્ક મેળવી છે. કૉમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક (બૅચલર ઑફ ટેક્નોલૉજી)ની ડિગ્રી મેળવનારી ગામિની સિંગલાએ વૈકલ્પિક વિષય રૂપે સોશિયોલૉજીમાં ત્રીજી રૅન્ક મેળવી હતી. ઐશ્ર્વર્ય વર્માએ ચોથી અને ઉત્કર્ષ દ્વિવેદીએ પાંચમી રૅન્ક મેળવી હતી. ટોચના પચીસ ઉમેદવારોમાં ૧૫ યુવકો અને ૧૦ યુવતીઓ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સફળ ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા અને પરીક્ષામાં પાસ ન થયા હોય એવા ઉમેદવારોને ઉદ્બોધનમાં પ્રોત્સાહનના શબ્દો કહ્યા હતા.


યુ.પી.એસ.સી.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે સફળ ઉમેદવારોમાં ટોચના પચીસ ક્રમ પ્રાપ્ત કરનારા ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષામાં વૈકલ્પિક વિષયોમાં નૃવંશશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂગોળ, હિન્દી સાહિત્ય, ઇતિહાસ, ગણિત, તબીબી વિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધો, સાર્વજનિક વહીવટ, સમાજશાસ્ત્ર (સોશિયોલૉજી) અને ઝૂઓલૉજીની પસંદગી કરી હતી.