ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબમાં શનિવારે 6/12/25 મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી, જેમાં 25 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર પ્રવાસી અને 14 કર્મચારીનો સમાવેશ થાય છે. છ લોકો ઘાયલ થયા છે અને તેમની હાલત સ્થિર છે. પણજીથી 25 કિમી દૂર અરપોરા ખાતે ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઈટક્લબના ગ્રાઉન્ડ ફ્લોર પર ફસાઈ ગયા હોવાથી મોટા ભાગના લોકોના મૃત્યુ ગૂંગળામણને કારણે થયા હતા.
અગ્નિકાંડ મુદ્દે રાજ્યના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું છે કે ક્લબના ચીફ જનરલ મેનેજર રાજીવ મોદક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજીવ સિંઘાનિયા અને ગેટ મેનેજર રિયાંશુ ઠાકુરની પોલીસે અટક કરી છે. આ તમામની વિરુદ્ધ બેદરકારી અને નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે. ક્લબના માલિક સૌરભ લુથરા અને ગૌરવ લુથરાની સામે એફઆઈઆર નોંધ્યો છે, જ્યારે ક્લબના માલિકની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું. રાજ્યમાં ગેરકાયદે ક્લબ અને કમર્શિયલનું ઓડિટ કરીને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે એસઓપી બનાવવામાં આવશે.
ક્લબને તોડવાની નોટિસ ઉચ્ચ અધિકારી દ્વારા રોકવામાં આવી હતી
બાંધકામ ગેરકાયદે હતું પરંતુ ક્લબને આપવામાં આવેલી તોડી પાડવાની નોટિસ ઉચ્ચ અધિકારી દ્વારા રોકવામાં આવી હતી. મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે સલામતીના ધોરણોનું ઉલ્લંઘન છતાં તેને ચલાવવા દેનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. રાજ્યના મુખ્ય સચિવ ડોક્ટર અને ડીજીપીને દોષી અધિકારીઓની ઓળખ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે.
આ આગની તપાસ માટે રાજ્ય સરકારે એક વિશેષ કમિટી ગઠન કરી છે, જેમાં સાઉથ ગોવાના ક્લેક્ટર, ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસીસના ડેપ્યુટી ડાયરેક્ટર અને ફોરેન્સિક ડાયરેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરમિયાન આ આગની દુર્ઘટના મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અન્ય લોકોએ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.
ઝારખંડના ગામના રહેવાસીઓએ મૃતદેહ ઘરે લઈ જવાની કરી માગણી
ગોવામાં નાઇટક્લબમાં લાગેલી ભીષણ આગનો ભોગ બનેલા લોકોના પરિજનો અને પરિચિતો આજે એક સરકારી હોસ્પિટલના શબઘરની બહાર એકઠા થઇને તેમના પ્રિયજનો વિશે માહિતી મેળવવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા.
ઝારખંડના એક ગામના કેટલાક રહેવાસીઓએ જણાવ્યું કે તેઓ મૃતદેહો સ્વીકારશે નહીં અને નાઇટક્લબના માલિકને મૃતદેહો ઘરે પાછા લઇ જવાની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.
તેમણે વધુમાં કહ્યું કે તેમના પરિવારના ચાર સભ્યો ઉત્તર ગોવાના અરપોરામાં નાઇટક્લબમાં હેલ્પર અને રસોઇયા તરીકે કામ કરતા હતા. જ્યાં શનિવારની મધરાતે લાગેલી ભીષણ આગમાં ૨૫ લોકોના જીવ ગયા હતા. જ્યારે છ લોકો ઘાયલ થયા હતા.
ઝારખંડના મજૂરોનું એક ટોળું સવારથી પણજી પાસે ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ(જીએમસીએચ)ના શબઘરની બહાર તેમના સંબંધીઓ વિશે માહિતી મેળવવા માટે રાહ જોઇને બેઠું હતું. ગોવા પોલીસના કર્મચારીઓ બર્ચ બાય રોમિયો લેન નાઇટક્લબમાં આગ લાગવાની દુઃખદ ઘટના બાદ શબઘરમાં રાખવામાં આવેલા મૃતદેહોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમાંથી કેટલાક મૃતદેહો બળી ગયા હતા.
25 મૃતકમાં 14 સ્ટાફના સભ્યનો સમાવેશ, સાતની ઓળખ બાકી
પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં ૨૫ લોકોનો સમાવેશ થાય છે, જેમાં ચાર પ્રવાસીઓ અને ૧૪ સ્ટાફ સભ્યો સામેલ છે. જ્યારે બાકીના સાત લોકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. અરપોરામાં એક જગ્યાએ સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતાં ઝારખંડના નંદલાલ નાગે જણાવ્યું કે આગમાં મૃત્યુ પામેલા લોકોમાં તેમના ગામના ચાર લોકો હોવાની આશંકા છે.
તેમણે વધુમાં કહ્યું કે ઝારખંડના મારા ગામમાંથી ચાર લોકો(પીડિતો) છે, જેમાંથી એક મારા ભાઇનો દીકરો છે. તે બધા નાઇટક્લબમાં હેલ્પર અને રસોઇયા તરીકે કામ કરતા હતા. નાગે જણાવ્યું કે પીડિતો પાંચ વર્ષ પહેલા ઝારખંડથી ગોવા આવ્યા હતા અને ત્યારથી વિવિધ હોટેલ અને નાઇટ ક્લબમાં કામ કરી રહ્યા હતા.
આગ લાગી ત્યારે ઓછામાં ઓછા 100 લોકો ફ્લોર પર હતા
રાજ્ય પોલીસે શરૂઆતમાં કહ્યું હતું કે આગ સિલિન્ડર બ્લાસ્ટને કારણે લાગી હતી, જ્યારે કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે આગ ક્લબના પહેલા માળે લાગી હતી જ્યાં પ્રવાસીઓ ડાન્સ કરી રહ્યા હતા. હૈદરાબાદના પ્રવાસી ફાતિમા શેખે કે જ્યારે આગ લાગી ત્યારે ઓછામાં ઓછા 100 લોકો ડાન્સ ફ્લોર પર હતા અને બચવાના પ્રયાસમાં તેમાંથી કેટલાક નીચે રસોડામાં દોડી ગયા જ્યાં તેઓ સ્ટાફ સાથે ફસાઈ ગયા હતા. આગ લાગવાથી અચાનક હોબાળો મચી ગયો. અમે ક્લબની બહાર દોડી ગયા અને જોયું કે આખું માળખું આગમાં લપેટાયેલું હતું.” તેણીએ કહ્યું કે સપ્તાહના અંતે નાઈટક્લબ ખીચોખીચ ભરેલું હતું.
નદીના બેકવોટરમાં નાઈટક્લબ આવેલું છે, જેનો રસ્તો સાંકડો
નાઈટક્લબ અરપોરા નદીના બેકવોટરમાં આવેલું છે અને તેમાં પ્રવેશ અને બહાર નીકળવાનો રસ્તો સાંકડો છે. સાંકડી ગલીઓને કારણે ફાયર બ્રિગેડ માટે ક્લબમાં જવાનો કોઈ રસ્તો નહોતો અને તેમના ટેન્કરો સ્થળથી લગભગ 400 મીટર દૂર પાર્ક કરવા પડતા હતા. ફાયર અને ઇમરજન્સી સર્વિસીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સાંકડી ગલીને કારણે સ્થળ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું, જેના કારણે આગ પર કાબૂ મેળવવો એક પડકારજનક કાર્ય બની ગયું હતું. તેમણે કહ્યું કે મોટા ભાગના મૃત્યુ ગૂંગળામણને કારણે થયા હતા કારણ કે પીડિતો ગ્રાઉન્ડ ફ્લોર પર ફસાયેલા રહ્યા હતા.
ક્લબના માલિકનો ભાગીદાર સાથે વિવાદ થતા ફરિયાદ કરી હતી
અરપોરા-નાગોઆ પંચાયતના સરપંચ રોશન રેડકરે જણાવ્યું હતું કે ક્લબ સૌરવ લુથરા ચલાવી રહ્યો હતો જેનો તેના ભાગીદાર સાથે વિવાદ હતો. તેમની વચ્ચે વિવાદ થયો હતો અને તેમણે એકબીજા વિરુદ્ધ પંચાયતમાં ફરિયાદ નોંધાવી હતી. અમે પરિસરનું નિરીક્ષણ કર્યું હતું અને જાણવા મળ્યું હતું કે તેમની પાસે ક્લબ બનાવવાની પરવાનગી નથી.” રેડકરે જણાવ્યું હતું કે પંચાયતે તોડી પાડવાની નોટિસ જાહેર કરી હતી, જેને પંચાયત નિયામક મંડળના અધિકારીઓએ સ્ટે આપ્યો હતો.