CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 81 of 81 - CIA Live

May 25, 2018
smc-1280x853.jpg
1min12720

સૂરતઃ રવિવારઃ- ‘‘જયાં માનવી ત્યાં સુવિધા’’ અને ‘‘વ્યથા નહીં વ્યવસ્થા’’ના મંત્ર સાથે ગુજરાતના શહેરો વર્લ્ડ કલાસ સીટી બને તેવી નેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ‘‘સ્માર્ટ સિટી સમિટ મેગા ઇવેન્ટ’’ને ખુલ્લી મૂકતા વ્યકત કરી હતી.
શ્રેષ્ઠ તકોના સર્જન થકી ભારત સરકારના ‘સ્ટાર્ટ અપ ઈન્ડિયા’ દ્વારા નવી પેઢીને અવસર આપવા રાજય સરકારની કટિબદ્ધતા વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ યુવા પેઢી પોતાની નવી બ્રાન્ડ બનાવીને સ્ટાર્ટ અપમાં આગળ વધે તેવો અનુરોધ કર્યો હતો.

રાજયમાં ૪૮ ટકા શહેરી વસ્તી છે ત્યારે આવનારા સમયમાં ૫૦-૫૦ ટકા શહેર-ગ્રામ્યની વસ્તી સમાન થશે. ગુજરાતના ૬ શહેરોને ભારત સરકારે સ્માર્ટ સીટીનો દરજ્જો આપ્યો છે. જેમાં સૂરત ગુજરાત અને સમગ્ર ભારતમાં નંબર વન હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
સમસ્યાનું કેવી રીતે નિરાકરણ થાય, બે કદમ આગળ વધીને આવનારી સમસ્યાનું નિરાકરણ થાય તે જ સાચું સ્ટાર્ટઅપ હોવાનું તેમણે ઉમેર્યું હતું. સૂરત શહેરને ડાયમંડ સીટી, સીલ્ક સીટી, બ્રિજ સીટીની સાથે હવે સ્માર્ટ સીટી તરીકે ઓળખાય છે. બે દશકમાં ઘણો જ બદલાવ સૂરતમાં આવ્યો છે.

 

ભારતભરમાં માત્ર અમદાવાદને વર્લ્ડ હેરીટેજ સીટીનો દરજ્જો મળ્યો છે તેવી જ રીતે સુરત શહેરને પણ સ્માર્ટ સીટી દરજ્જો મળ્યો છે. શહેરોમાં પ્રાથમિક સુવિધા રસ્તા, ડ્રેનેજ, વીજળી, આરોગ્યની સુવિધાઓ પૂરતી હોય તે ઉપરાંત સીટી રહેવાલાયક હોય, સીટીમાં વ્યવસ્થા એવી હોય કે લોકોને કોઈ સમસ્યા વગર ટેકનોલોજીના સહારે સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર પ્રયાસો કરી રહી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.
કમાન્ડ કંટ્રોલની વ્યવસ્થાઓ સમગ્ર રાજયમાં કરવામાં આવી રહી છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સૂરત સીટીમાં પાણી, વીજળી, રસ્તા જેવી અનેકવિધ વ્યવસ્થાઓ એક જ સ્થળે સેન્ટર દ્વારા કમાન્ડ કંટ્રોલ થઈ છે. પોલીસ અને કોર્પોરેશનના સહયોગથી કોઈ પણ સમસ્યા હોય તો એક જ સ્થળેથી તેનું સરળતાથી નિરાકરણ લાવી રહી છે.
આ પ્રસંગે કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ રાજયમંત્રી શ્રી સી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારતીય યુવાનોના કૌશલ્યનો વિકાસ થાય, ઉદ્યોગ જગત અને અર્થતંત્રને બળ મળે એવા વિવિધ હેતુઓ સાધવાનો પ્રયાસ સ્ટાર્ટ-અપ ઇન્ડિયાના માધ્યમથી થઈ રહ્યો છે. તેમણે ભારતના ૧૦૦ સ્માર્ટ સીટીમાં સૂરતે કામગીરીમાં પ્રથમ નંબર મેળવ્યો છે જે બદલ અભિનંદન આપ્યા હતા. સામાન્ય માનવીને આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, વીજળી જેવી સુવિધાઓ મળે તેવા તમામ પાસાઓને સ્માર્ટ સીટીમાં આવરી લેવામાં આવ્યા છે. ૨૦૨૨માં સૌને ઘરનું ઘર મળી રહે તેવા પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાકાર કરવા માટે સૌને કટિબદ્ધ બનાવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
આ તકે શ્રી ચૌધરીએ સ્ટાર્ટઅપ ક્ષેત્રે યુવા પેઢી પાસે જો નવા નવા આઈડિયા હશે તો ભારત સરકાર તેમાં પૂર્ણ સહયોગી બનશે તેવી ખાત્રી તેમણે આપી હતી. ઓછામાં ઓછા સમય અને ખર્ચ દ્વારા નવી વસ્તુઓનું નિર્માણ થાય તે દિશામાં કાર્ય કરવા યુવા સ્ટાર્ટઅપ ઉદ્યોગકારોને તેમણે જણાવ્યું હતું.

સ્ટાર્ટ અપ ફેસ્ટિવલમાં દેશભરના સ્ટાર્ટ અપથી ઉદ્યોગમાં પદાર્પણ કરનાર ૧૦૦ ઉદ્યોગ સાહસિકોઓ પૈકી પસંદ થયેલા શ્રેષ્ઠ સ્ટાર્ટ અપને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ વેળાએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે My Surat સિટીઝન એન્ગેજમેન્ટ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ તેમજ સુરત મની કાર્ડ તથા કોફી બુકનું લોન્ચિંગ થયું હતું.
આ પ્રસંગે આરોગ્ય રાજયમંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી, મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા, સાંસદ શ્રી સી.આર.પાટીલ, શ્રીમતી દર્શનાબેન જરદોશ, ધારાસભ્યો સર્વશ્રી શ્રીમતી ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલ, વિવેકભાઈ પટેલ, હર્ષ સંઘવી, અરવિંદ રાણા, પ્રવિણભાઈ ઘોઘારી, પૂર્ણેશભાઈ મોદી, કાંતિ બલર, મ્યુ.કમિશનર શ્રી એમ.થેન્નારસન તેમજ ગુજરાત સહિત અન્ય રાજ્યોના સચિવ કક્ષાના અધિકારી, ૫દાધિકારીઓ, મહાનુભાવો, મ્યુ.કમિશનરો, વરિષ્ઠ અધિકારીઓ, મેયરો તેમજ ડેપ્યુટી મેયરો તેમજ દેશભરના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત ડેલિગેટ્સ ઉ૫સ્થિત રહ્યાં હતા.

May 25, 2018
suratrupani.jpg
1min12580

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આજે મહાનગરપાલિકાના રૂા.૪૨૯.૬૦ કરોડના વિવિધ પ્રકલ્પોની સૂરતને ભેટ ધરી હતી. આ પ્રકલ્પોમાં રૂા.૩૦.૨૪ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓની સજ્જ નવનિર્મિત ‘સુડા ભવનનું લોકાર્પણ, કોસાડ ખાતે બી.આર.ટી.એસ. બસનો વર્કશોપ, સરથાણા-વાલક ખાતે રૂા.૧૮૩૮ લાખના ખર્ચે વરાછાના સબ ઝોન-B વહીવટી ભવનનું ખાતમુહૂર્ત, શાળાના ભવનનું એકસ્પાન્સન, વાંચનાલય, જળ વિતરણ માટે વોટર સપ્લાયનું કામ જેવા અનેકવિધ કામોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી હતી જેના પગલે આ સરકાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે, કોગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધી કહેતા હતા કે, એક રૂપિયો મોકલુ ત્યારે પ્રજા સુધી ૧૫ પૈસા પહોચે છે. વચેટીયાઓ લઈ જતા હતા. જયારે નરેન્દ્રભાઈ મોદી એક રૂપિયો મોકલે છે ત્યારે સવા રૂપિયાનું કામ થાય છે તે જ આ સરકારની ફળશ્રૃતિ છે.
રાજય સરકારે આવનારા સમયમાં ઝડપી નિર્ણયો થકી ટીપી સ્કીમો ૬ મહિનામાં પૂર્ણ કરવાના નિર્ધાર સાથે તમામ નકશાઓ ઓનલાઈન કરીને નવી વ્યવસ્થાના ક્ષેત્રે પર્દાપણ કર્યું છે. સરકાર નિર્ણાયક છે સૂરજ ઉગેને રોજ નવા નિર્ણયો લઈને સરકાર આગળ વધી રહી છે.
સંવેદનશીલ, પારદર્શી નિર્ણયો લઈ પૈસા વગર કામ થતુ નથી તેવી લોકો માનસિકતાને તોડવી છે તેવો દઢ નિર્ધાર વ્યકત કર્યો હતો.
સરકારે લાંચરૂશ્વત વિરોધી બ્યુરો અને કાયદા-વ્યવસ્થાની બાબતમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રીમ સ્થાન ધરાવે છે.
વર્તમાન સમયે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ૫૦-૫૦ ટકા જનશકિત થઈ રહી છે તેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનો સમતોલ વિકાસ માટેના તમામ નિર્ણયો સરકાર કરી રહી છે. કુદકેની ભુસંકે વિકાસ આગળ વધે તે દિશામાં સતત પ્રયત્નશીલ હોવાનું જણાવીને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનો સમતોલ વિકાસ થાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે. કોઈ પણ સ્થળે અકસ્માત થાય તો તત્કાલ ઈજાગ્રસ્તને રૂપિયા ૫૦ હજારની સહાય આપીને જીવ બચે તે માટેનો સંવેદશીલ નિર્ણય સરકારે કર્યો છે.
રાજયમાં કંમાન્ડ એન્ડ કંટ્રોલ સીસ્ટમ શરૂ થઈ ચૂકી છે. સ્વચ્છતા, ટ્રાફીક, આરોગ્ય, વિજળી, પાણી સહિતની લોકોની સમસ્યા હોય તો એક જ જગ્યાએ તેનો કંટ્રોલ થાય તેવી સુવિધા સુરત મહાનગરપાલિકાએ સાકાર કરી છે.
એરપોર્ટ જેવી સુવિધાઓ હોય તે માટેના સુવિધાયુકત બસ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવી રહ્યા છે. રાજયમાં છ બસ સ્ટેન્ડ શરૂ કર્યા છે. અન્ય ૯ નવા સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે. તમામ જિલ્લા કેન્દ્રના બસ સ્ટેશનો એરપોર્ટ જેવા બસ સ્ટેશનો હોય તે માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં રીવોલ્યુવેશન લાવી રહ્યા હોવાનું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું. અંતરીયાળ વિસ્તારના લોકોને મુશ્કેલી ન પડે તે માટે મીની બસોનો વધારો કરી સાંકળી લેવામાં આવશે.
સુરતે છેલ્લા બે દાયકામાં તમામ ક્ષેત્રે બે કદમ આગળ વધીને ખૂબ વિકાસ સાધી ગુજરાતના સર્વાંગી વિકાસમાં અગ્રેસર રહ્યું છે ત્યારે ખરા અર્થમાં સૂરત ખૂબસુરત બની રહે તેવી આશા વ્યકત કરી હતી.
આ વેળાએ આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, નાનામાં નાના માનવીને પ્રાથમિક સુખ સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર કામ કરી રહી છે. પાણીની સમસ્યાને દેશવટો આપવા માટે રાજય સરકારે જળસંચય અભિયાન ઉપાડયું છે. રાજય સરકારે જ્ઞાતિ-જાતિથી પર રહીને સૌનો સાથ અને સૌના વિકાસના મંત્રને સાર્થક કરી રહી છે.
આ પ્રસંગે રમત ગમત રાજયમંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ, મેયરશ્રીમતિ અસ્મિતાબેન શિરોયા, સાંસદશ્રી સી.આર.પાટીલ, શ્રીમતિ દર્શનાબેન જરદોશ, ધારાસભ્યો સર્વશ્રી શ્રીમતી ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલ, વિવેકભાઈ પટેલ, હર્ષ સંધવી, અરવિંદ રાણા, પ્રવિણભાઈ ધોધારી, પૂર્ણેશભાઈ મોદી, કાંતિ બલર, મ્યુ.કમિશનરશ્રી એમ.થેન્નારસન, જિલ્લા કલેકટરશ્રી ધવલ પટેલ, શહેર સંગઠન પ્રમુખશ્રી નીતિનભાઈ ભજીયાવાલા તેમજ મોટી સંખ્યામાં મહાનગરપાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

May 25, 2018
sujlam.jpg
1min13540

આગામી ચોમાસા પહેલાં રાજ્યમાં પાણીની અછતને પહોંચી વળવાના ઉદ્દેશથી ૧લી મે એ રાજ્ય સરકારે પ્રારંભ કરેલા જળ અભિયાન લોકભાગીદારીનો મહાયજ્ઞ બન્યો છે, ત્યારે સુરત જિલ્લાની સહકારી સંસ્થાઓએ આગળપડતી ભૂમિકા ભજવી સુમુલ ડેરીની આગેવાનીમાં આજે દાનની સરવાણી વહાવતાં માત્ર ૨૪ કલાકના સમયમાં જ રૂ. એક કરોડનું માતબર અનુદાન આપી જળ અભિયાનમાં સરકાર સાથે સહકારનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. આ અનુદાનની મદદથી નવી પારડી, વાડી અને બુટવાડા ગામના તળાવોને ઊંડા ઉતારી બ્યુટીફિકેશન કરી પ્રવાસનધામરૂપે વિકસાવવામાં આવશે.
સુરત જિલ્લાની વિવિધ મધ્યસ્થ અને નાગરિક સહકારી બેંકો, જીનીંગ મિલો, બજાર સમિતિ, દૂધ ઉત્પાદક સંઘો, સુગર ફેકટરીઓ જેવી સહકારી સંસ્થાઓએ સામાજિક જવાબદારીના ભાગરૂપે જળ અભિયાનમાં માત્ર એક દિવસના રેકોર્ડ સમયમાં જ સુજલામ સુફલામ જળ અભિયાનમાં રૂ.૧ કરોડનું દાન આપ્યું હતું. નવી પારડી ગામે આયોજિત સમારોહમાં દાનના ચેકો સહકાર, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલને અર્પણ કરવામાં આવ્યા હતા.
આ ત્રણે ગામોના તળાવ ફરતે બ્યુટીફિકેશન કરવામાં આવશે. જેમાં વોક-વે, લોન, બેસવાની બેંચ અને સોલાર લાઈટની સુવિધાથી સજ્જ કરી રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. આ વેળાએ નવી પારડી ગામે સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે તળાવના રિનોવેશનના કામનું ખાતમૂહુર્ત કરાયું હતું.
નવી પારડી ખાતે ચેક અર્પણ સમારોહમાં મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિક માટે પાણીનું મહત્વ સમજી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી જળ અભિયાનમાં સહભાગી બનવાનો આ સુયોગ્ય અવસર છે. દક્ષિણ ગુજરાતને ઉકાઈ કાકરાપાર ડેમના કારણે એટલી પાણીની અછત વર્તાતી નથી જેટલી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વર્તાય છે.
શ્રી પટેલે ચોમાસા પહેલા પાણીની અછત ન પડે તેનું આગોતરું આયોજન કરી ટૂંકાગાળામાં જ ૧૧૦૦૦ હજાર લાખ ઘનફૂટ પાણીની વધારાની સંગ્રહ ક્ષમતાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક હોવાનું જણાવી જો આજથી જ પાણીની ઉપયોગિતાને નજરઅંદાજ કરવામાં આવશે તો હવે એ દિવસો દૂર નથી કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીના મુદ્દે લડાશે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રએ વિશ્વસ્તરે નામના મેળવી છે. સુમુલ અને જિલ્લાની સહકારી સંસ્થાઓ લોકહિતના કોઈ પણ કાર્યોમાં હરહંમેશ યોગદાન આપતી રહે છે. જળ અભિયાનમાં પણ અગ્ર ભૂમિકા ભજવી એક કરોડનું માતબર અનુદાન આપવા બદલ તેમણે સુરત જિલ્લાની સહકારી સંસ્થાઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આવી સંસ્થાઓના નિ:સ્વાર્થ સહયોગથી જળઅભિયાનને નવું બળ મળ્યું છે એમ શ્રી પટેલે ઉમેર્યું હતું.
સુમુલ ડેરીના ચેરમેનશ્રી રાજુભાઈ પાઠકે પ્રાસંગિક ઉદબોધન કરી સુજલામ સુફલામ જળ-અભિયાનના પ્રણેતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના પાણીના દુકાળને ભૂતકાળ બનાવવાના મિશનને પૂર્ણ કરવા સર્વને સહભાગી થવા અનુરોધ કર્યો હતો. માત્ર એક જ દિવસના ટૂંકા સમયમાં એક કરોડનું અનુદાન આપ્યું છે, ત્યારે જિલ્લાનું સહકારી ક્ષેત્ર જળ અભિયાનમાં હંમેશ માટે અગ્રેસર રહેશે. જનશક્તિના માધ્યમથી જળશક્તિના નિર્માણના સંકલ્પ સાથે આ અભિયાનને સહકારી ક્ષેત્રનો સમ્પૂર્ણ સહયોગ હોવાનું જણાવી સરકાર જો પાણી બચાવવા આ ભગીરથ કાર્ય કરી રહી હોય, ત્યારે સહકારી સંસ્થાઓની પણ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની ફરજ છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાવાડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, ગુજરાત કૃષિ કલ્યાણ બોર્ડના ચેરમેન શ્રી રમણભાઈ જાની, સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપ.બેંકના વાઇસ ચેરમેન શ્રી સંદીપભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દિલીપસિંહ રાઠોડ, સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રિતેશ વસાવા, પારડીના સરપંચ શ્રીમતી ભાનુબેન, કામરેજ પ્રાંત શ્રી વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળ અભિયાનમાં સહકારી સંસ્થાઓનું યોગદાન
• સુમુલ ડેરી: રૂ.૧૦ લાખ
• સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપ.બેન્ક: રૂ.૧૦ લાખ
• સુરત પીપલ્સ કો.ઓપ.બેંક: રૂ.૧૦ લાખ
• સુટેક્ષ કો.ઓપ.બેંક: રૂ.૧૦ લાખ
• સુરત જિલ્લા સહકારી સંઘ: કો.ઓપ.બેંક: રૂ. ૦૩ લાખ
• ગુજરાત સ્ટેટ ફુડ એન્ડ માર્કેટિંગ ફેડરેશન: રૂ.૦૫ લાખ
• બાબેન ખેડૂત સહકારી જીનિંગ મિલ: રૂ.૦૫ લાખ
• વરાછા કો-ઓપરેટિવ બેન્ક: રૂ. ૨.૫૧ લાખ
• સુરત મર્કન્ટાઇલ કો.ઓપ.બેંક: રૂ. ૨.૫૧ લાખ
• સર્વોદય સહકારી બેંક: રૂ. ૨.૫૦ લાખ
• કામરેજ ફૂડ એન્ડ વેજીટેબલ સહકારી સંઘ: રૂ. ૧.૫૧ લાખ
• ખેડૂત ખરીદ-વેચાણ સહકારી સંઘ, બારડોલી : રૂ.૫ લાખ
• બારડોલી જનતા કો-ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી: રૂ. ૨ લાખ
• પુરુષોત્તમ ફાર્મર્સ, જીનિંગ એન્ડ પ્રોસેસિંગ મિલ: રૂ. ૧ લાખ
• અખંડ-આનંદ કો.ઓપ.બેન્ક: રૂ.૧ લાખ
• નેશનલ કો-ઓપ. બેંક: ૧.૫૧ લાખ

May 23, 2018
collector.jpg
1min14390

સુરત કલેક્ટર ડો. ધવલ પટેલએ આજે ટ્વીટ કરીને એવી જાણકારી આપી હતી કે તેમણે સુડાના ચીફ એક્ઝિક્યુટિવ તરીકેની ફરજના ભાગરૂપે આજે સુડાની ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.35 જેમાં કુંભારીયા, દેવધ, સણિયા-હેમાદ વગેરેના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં ટી.પી. રોડ ખુલ્લા કરવા માટે સ્થાનિક ખેડૂતોની સાથે મંત્રણા જરૂરી હતી. કલેક્ટરે તેમની ટ્વીટમાં જણાવ્યું હતું કે ખેડૂતો સાથેની મિટીંગ ફળદાયી નિવડી છે. તેમણે સ્થળ પર ટી.પી. સ્કીમના નક્શાઓ તેમજ અન્ય બાબતોની પણ ચકાસણી કરી હતી. તેમણે ખેડૂતોને સમજાવ્યા હતા કે આ વિસ્તારમાં ટી.પી. સ્કીમના અમલીકરણને પગલે સમગ્ર વિસ્તારનો આયોજનબદ્ધ રીતે વિકાસ શક્ય છે. તેમણે આજની મિટીંગમાં ગામવાસીઓ તરફથી સાંપડેલા સહકારની કદર કરી હતી.