4 June 2020 ગુરુવારે સુરતનાં કોરોના પોઝીટીવ હોય એવા વધુ 95 દર્દીઓ મળી આવતા સૂરત શહેર જિલ્લા મળીને કુલ કોરોના કેસની સંખ્યા 2012 પર પહોંચી ગઇ હતી.
સુરતમાં છેલ્લા બે દિવસથી અંદાજે 100-100 કેસો મળી રહ્યા છે. તા.4 જૂનને ગુરુવારે 95 અને બુધવારે 96 કેસ મળી બે દિવસમાં કુલ 191 કેસ નોંધાયા હતા. આટલી મોટી સંખ્યામાં કેસો આવી જતા સુરતમાં હવે કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.
4 જુને નોંધાયેલા કેસોમાં કતારગામ ઝોનમાં 25 કેસ, સેન્ટ્રલ ઝોનમાં 11, વરાછા ઝોનમાં 7 કેસ, લિંબાયત ઝોનમાં 11, ઉધના ઝોનમાં 18, અઠવા ઝોનમાં 3 અને રાંદેર ઝોનમાં 1 કેસ નોંધાયો છે. આ સાથે કુલ કેસની સંખ્યા 2012 પર થઈ ગઈ છે. જેમાં સુરત શહેરના 1889 અને જિલ્લાના 143 કેસનો સમાવેશ થાય છે.
કોરોના અને લોકડાઉનના કારણે સૂરતમાંથી બાર લાખથી વધુ અને સમગ્ર ગુજરાતમાંથી ૧૫ લાખ કરતા વધુ શ્રમિકો યુપી, બિહાર, ઓરીસ્સા વગેરે જેવા રાજ્યોમાં આવેલા પોતાના વતને રવાના થઇ ગયા છે. સૂરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હોવા છતાં શ્રમિકોના અભાવે ન તો મિલો શરૂ થઇ શકી છે ના તો વિવીંગ કારખાનાઓ. આવી જ હાલત ગુજરાતના અન્ય ઉદ્યોગોની પણ થવા પામી છે.
રાજ્ય સરકારે વેપાર ઉદ્યોગો શરૂ કરવા મંજૂરી આપી છે, સૂરત, અમદાવાદ સમેત સમગ્ર રાજ્યમાં શ્રમિકો વિના ઉદ્યોગોનું ૮૦ ટકા કામ ઠપ્પ થઇ ગયું છે. સરકારે પણ શ્રમિકોની વ્યવસ્થા કરવા એક્શન પ્લાન બનાવ્યો છે, જેમાં ગુજરાતના આદિવાસી શ્રમિકોની સાથે અન્ય રાજ્યની સરકારો સાથે વાતચીત કરી શ્રમિકોને પાછા લાવવા વેપાર ઉદ્યોગ સંગઠનોની સાથે ઉદ્યોગ વિભાગ પણ એક્ટિવ થઈ ગયો છે.
ગુજરાતને ફરી ધમધમતું કરવા માટે મહત્ત્વના એવા શ્રમિકોને પાછા લાવી કામે લગાડવા ગુજરાત સરકારે પણ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓરિસ્સા સરકારો સાથે સંપર્ક કર્યો છે અને પરપ્રાંતીયોને પરત લાવવા માટે ગુજરાત સહકાર આપવા તૈયાર છે તેવું જણાવ્યું છે. ખાસ કરીને વેપાર ઉદ્યોગનાં સંગઠનો સાથે મુખ્ય પ્રધાન અને સમગ્ર ઉદ્યોગ વિભાગ સતત સંપર્કમાં છે અને તેઓને કયાં-કયાં રાજ્યોમાંથી કયા પ્રકારના કામદારો આવી શકે તેમ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે.
રાજ્યના મોટા ઉદ્યોગોની સાથે નવા બિલ્ડિંગ અને નવા પ્રોજેક્ટના લેબર વર્ક વિના આગળ વધવું મુશ્કેલ છે, આ ઉપરાંત સોના ચાંદીના કામ માટેના માહેર બંગાળી કારીગરો પણ વતન ચાલ્યા ગયા છે, તેથી મોટા ભાગના ધંધામાં શ્રમિકો વિના કામ શરૂ કરવું ઘણું મુશ્કેલ છે, હાલ જે રીતે મજૂરોની તંગી પડી રહી છે તેથી રાજ્ય સરકાર પણ વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. આ ઉપરાંત હાલ જે કામદારો છે જે વતન પરત જઇ શક્યા નથી, આવા કામદારોને ફરીથી રોજગારના સ્થળે પહોંચાડવામાં પણ ખાસ વ્યવસ્થા કરાશે.
સુરત શહેરના ૫૮ વિસ્તારોમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધુ જણાતા તે વિસ્તારને વિવિધ જાહેરનામાં પ્રસિદ્ધ કરી ક્લસ્ટર જાહેર કરાયા હતાં. આ ક્લસ્ટર વિસ્તારોમાં ૨૮ દિવસ સુધી કેસ નહીં નોંધાયા હોય તેવા વિસ્તારોના ક્લસ્ટરમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. તમામ ઝોનમાં એવા ક્લસ્ટર વિસ્તારોમાં નાના મોટા ફેરફાર કરાયા છે, જેમાં અઠવા અને રાંદેર ઝોનના ત્રણ ક્લસ્ટરને સંપૂર્ણ દૂર કરી દેવાયા છે. જ્યારે સેન્ટ્રલ ઝોનને બાદ કરતા મોટાભાગના ક્લસ્ટરને નાના કરી દેવાયા છે. પાલિકાની ક્લસ્ટર રિક્ધસ્ટ્રક્શનની કામગીરીના કારણે ચાર લાખથી વધુ લોકો ક્લસ્ટરમાંથી મુક્ત કરી દેવાયા છે.
શહેરના જે વિસ્તારમાં છેલ્લા ૨૮ દિવસમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નહીં હોય તેવા વિસ્તારને કલસ્ટરમાંથી મુક્તિ આપી રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે, જે મુજબ સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટ, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, મહીધરપુરા હીરા બજાર વિસ્તારને ક્લસ્ટરમાંથી મુક્ત કરવામાં આવી છે, પરંતુ આ વિસ્તારના તમામ વેપારીઓ તથા અન્ય લોકોએ કોવિડ-૧૯ની ગાઈડ લાઈનનો સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. અન્ય ઝોનમાં પણ ઉપર મુજબ જે વિસ્તારમાં છેલ્લા ૨૮ દિવસમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હોય તેવા વિસ્તારમાં કલસ્ટરમાં ફેરફાર કરી રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
પરંતુ હવે પછી પણ શહેરના આ વિસ્તાર કે અન્ય કોઈપણ નવા વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાશે તો તે વિસ્તારને ક્લસ્ટર તરીકે જાહેર કરવામાં આવશે. કોરોના વાઈરસની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા, ફરજિયાત માસ્ક પહેરવા તથા સેનિટાઈઝરથી નિયમિત હાથ સાફ કરવા તેમજ કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
ધો.11-12 સાયન્સ લેતા ગભરાટ શેનો? વરાછાના વિદ્યાર્થીઓ રમતા રમતા ધો.12 સાયન્સ ભણી જાય છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ધો.10 પછી જ્યારે પ્રવાહ પસંદગીની વાત આવે ત્યારે આ ક્ષેત્રમાં છેલ્લા 24 વર્ષથી કાર્યરત હોવાનાા નાતે લેખકે એ વાત નોંધી છે કે સામાન્ય વિદ્યાર્થીઓ ધો.10માં 75થી 80 ટકા માર્કસ લાવ્યા હોય એમ છતાં ધો.11-12 સાયન્સમાં સાયન્સ લેવામાં ભારે ગભરાટ અનુભવતા હોય અને મોટા ભાગે તેઓ સાયન્સ લેવાનું જતું કરીને કોમર્સ સ્ટ્રીમમાં અભ્યાસ પસંદ કરતા હોય છે. પરંતુ, વરાછા, કતારગામ, પૂણા વગેેરે વિસ્તારમાં સેમિનારો, કાઉન્સેલિંગ કેમ્પસ કર્યા બાદ એ વાત ઉડીને આંખે વળગે તેવી હતી કે આ વિસ્તારના વિદ્યાર્થીઓ ભલેને ધો.10માં 45 કે 50, 60 ટકા માર્ક આવે પણ તેમને ધો.11-12માં તો સાયન્સમાં જ ભણવું હોય. આટલી હદે વરાછા, કતારગામ, પૂણા વગેરે વિસ્તારના વિદ્યાર્થીઓ સાયન્સ ઘેલા કેવી રીતે થયા.
વરાછા વિસ્તારની સ્કુલોને શ્રેય આપવો પડે
છેલ્લા 10 વર્ષમાં ખાસ કરીને ગુજરાત બોર્ડે ટોપટેન વિદ્યાર્થીઓની ઘોષણા કરવાની પ્રથા બંધ કરી એ પછીના સમયગાળાથી સૂરતના વરાછા, કતારગામ, પૂણા વગેરે બહુલ સૌરાષ્ટ્રવાસી વિસ્તારની સ્કુલોમાં ખાસ કરીને સ્પેશ્યલાઇઝ્ડ સાયન્સ સ્ટ્રીમનો અભ્યાસ કરાવવાનો ટ્રેન્ડ શરૂ થયો. જોતજોતામાં તો વરાછા વિસ્તારનુું ધો.12 સાયન્સનું પરીણામ સમગ્ર રાજ્યમાં અવ્વલ આવવા માંડ્યું. આજે તા.17મી મે 2020ના રોજ જાહેર થયેલા માર્ચ 2020ના ગુજરાત બોર્ડના ધો.12 સાયન્સના પરીણામમાં પણ વરાછા વિસ્તારની સ્કુલોનું પરીણામ અવ્વલ આવ્યું છે. જે રીતે સૂરતના વરાછા વિસ્તારની સ્કુલોમાં ધો.11-12 સાયન્સનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેનાથી વિદ્યાર્થીઓને સાયન્સ પ્રત્યે કોઇ ગભરાટ રહ્યો નથી. બિન્ધાસ્ત રીતે વરાછા વિસ્તારની સ્કુલોના વિદ્યાર્થીઓ ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી, કેમેસ્ટ્રીનું બોર્ડનું તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાનું પરીણામ લાવી રહ્યા છે એ જોતા તેમનો કન્સેપ્ટ ક્લિયર હોવાનું ફલિત થાય છે.
14 એપ્રિલે સૂરતમાં 4 મૃત્યુ, 83 કેસ હતા, 14 મે એ 44 મૃત્યુ 943 કેસ થયા
તા.14મી મે ગુરુવારે સાંજે 6 કલાકે સૂરત મહાનગરપાલિકાની સત્તાવાર માહિતી મુજબ સુરત શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક ૧૦૦૭ પર પહોંચી ગયો છે. મોટા ભાગના મિડીયાએ સૂરતમાં કેસોની સંખ્યા 1000 પ્લસ થઇ ગયા અંગે ભારે હોહા અને ગભરાટ મચાવ્યો. હકીકતમાં સૂરતમાં તા.14મી મે 2020ની સાંજે સત્તાવાર એક્ટીવ કેસોની સંખ્યા ફક્ત 315 છે. આ બાબત રાહત આપનારી છે પણ સનસનાટી મચાવવા માટે કાગારોળ એકહજાર કેસોની જ મચાવવામાં આવી રહી છે.
સૂરત શહેર અને જિલ્લાના મળીને કુલ કેસોની સંખ્યા 1000 પાર થઇ ગઇ છે. સૂરત શહેરની વાત કરીએ તો તા.14મી મે એ સાંજની સ્થિતિ અનુસાર કુલ કેસ 963 છે. જેમાંથી 630 (ડિસ્ટ્રીક્ટ-33) રિકવર થઇ ચૂક્યા છે.
તા.14મી મે સાંજે 6 કલાકની સત્તાવાર માહિતી
કુલ કેસ સૂરત સિટી : 963
કુલ કેસ ડિસ્ટ્રિક્ટ : 58
એક્ટિવ કેસ સિટી 315
એક્ટિવ કેસ ડિસ્ટ્રિક્ટ : 24
કુલ પોઝિટિવ સમગ્ર જિલ્લામાં : 1021
તા.14મી મે એ મોત : 2,
કુલ મોત : 45 (1 ડિસ્ટ્રિક્ટ)
14 મે ડિસ્ચાર્જ : 64
કુલ ડિસ્ચાર્જ : 630 (33 ડિસ્ટ્રિક્ટ)
14 એપ્રિલે સૂરતમાં 83 કેસ અને 4 મૃત્યુ હતા, એક મહિના પછી 14મી મે એ 44 મૃત્યુ અને 943 કેસ થયા
સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશનનની વેબસાઇટ પર દૈનિક કેસ તેમજ મૃત્યુઆંક અંગે મૂકવામાં આવેલો ચાર્ટ.
સૂરતના કુલ કેસ પૈકી 38 ટકા કેસ એકલા લિંબાયત ઝોનમાંથી મળ્યા
સૂરત શહેરની મદ્રેસા ઈસ્લામીયા વકફમાં અભ્યાસ કરતા અને મૂળ બિહારના વતની એવા ૬૭૦ જેટલા વિદ્યાર્થીઓની વ્હારે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ આવ્યા હતા. મદ્રેસામાં વેકેશન હોવાથી વતન બિહાર જવા માંગતા ૬૭૦ વિદ્યાર્થીઓ લોકડાઉનના કારણે સુરતમાં ફસાઈ ગયા હતા, જેમને તત્કાલ સ્પેશ્યલ ટ્રેન દ્વારા બિહાર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
તારીખ 8મીના મધ્યરાત્રિએ દોઢ વાગ્યાની ટ્રેનમાં કુલ ૬૭૦ વિદ્યાર્થીઓ તથા અન્ય શ્રમિકો મળી કુલ ૧૧૯૫ ને લઈને સ્પેશ્યલ ટ્રેન તેમના માદરે વતન બિહાર જવા રવાના થઈ હતી. ૨૪ કલાકનું ૨૦૭૩ કિલોમીટરનું અંતર કાપી નોનસ્ટોપ ટ્રેન બિહારના પટના પહોંચશે. મદ્રેસાના તમામ વિદ્યાર્થીઓની આંખોમાં વતન જવાની ખુશી છલકાતી હતી.
અમદાવાદ પછી સૂરતમાં પણ કોરોના સુપર સ્પ્રેડર જેને માનવામાં આવી રહ્યા છે એ શાકભાજી વિક્રેતાઓને ભીંસમાં લેવા ઉપરાંત સૂરત મહાનગરપાલિકા તંત્રએ દૈનિક 1200 ટન શાકભાજીનું ટર્નઓવર ધરાવતી ગુજરાતની મોટામાં મોટી એ.પી.એમ.સી. માર્કેટને તા.8મીએ મધરાતથી એક સપ્તાહ માટે બંધ કરાવી દેવાની સૂચના આપી છે.
સૂરતમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે તા. ૯ મે થી તા.૧૪મી મે સુધી એપીએમસી તેમજ લોકલ માર્કેટમાં શાકભાજી વેચાણ કરનારા લોકો પર ફરજિયાત બંધનો આદેશ કર્યો છે. જેથી એપીએમસી સંચાલકોના જણાવ્યા પ્રમાણે માર્કેટ બંધ કરે તો રૂ.૫ કરોડનું દૈનિક નુકસાન ખેડૂતોને થવાનો અંદાજ છે.
સામાન્ય દિવસોમાં ૫૦ હજારથી વધુ લોકો એપીએમસી માર્કેટમાં શાકભાજીના ખરીદ-વેચાણ કરવા માટે આવે છે. તેની સામે ૨૫૦૦ ટન શાકભાજીનું દૈનિક વેચાણ થાય છે. જોકે, તેની સામે હાલના સમયે કોરોનાના કારણે કરવામાં આવેલા લોકડાઉનથી માંડ ૧૫૦૦૦ વેપારી-ખેડૂતોની અવર-જવરની સાથો-સાથ ૧૨૦૦ ટન જેટલા શાકભાજીનું વેચાણ થઈ રહ્યું છે. આવા સંજોગોમાં જો એપીએમસીને બંધ કરી દેવામાં આવે તો શહેરમાં શાકભાજી વેચાણનો સ્ત્રોત અટવાઈ શકે તેમ છે.
આ અંગે એપીએમસીના ચેરમેને જણાવ્યું હતું કે, માર્કેટ બંધ કરવામાં આવે તો દૈનિક રૂ.૫ કરોડથી વધુનું ખેડૂતોને નુકસાન થાય તેમ છે. એવામાં સૌથી મોટું નુકસાન રાજ્યની બહારથી આવતા વટાણા, તુવેર, ગલકા, પરવળ સહિતના શાકભાજીનો જથ્થો અટકી પડશે તેનાથી થશે.
સૂરતથી તાજેતરમાં ઓડિશા ગયેલા ૨૧ શ્રમિકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું ટેસ્ટીંગના પરીણામમાં માલૂમ પડ્યું હતું. ઓડિશામાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા વધીને ૨૦૬ થઇ છે. રાજ્યના ગંજમ જિલ્લામાં ૧૭ અને મયૂરભંજમાં ચાર દરદી છે.
અગાઉ, રાજ્ય સરકારે ગંજમને રેડ ઝૉનમાં, જ્યારે મયૂરભંજ અને જગતસિંહપુરને ઑરેન્જ ઝૉનમાં રાખવાની જાહેરાત કરી હતી. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ગંજમ જિલ્લામાં બીજી મેએ કોરોના વાઇરસનો સૌપ્રથમ દરદી નોંધાયો હતો, પરંતુ બાદમાં ત્રણથી ચાર દિવસમાં આવા દરદીઓની સંખ્યા અચાનક ઘણી વધી ગઇ છે.
ગંજમ જિલ્લામાં હીરા ઘસવાના કે તેને લગતા અન્ય કાર્ય સાથે સંકળાયેલા અંદાજે ત્રણ લાખ મજૂર છે. ગુજરાતના સુરતમાં ઓડિશાના હીરાના અનેક કારીગર છે.
ઓડિશામાં ગંજમ ઉપરાંત જાજપુર, ભદ્રક, બાલેશ્ર્વર અને ભુવનેશ્ર્વરને રેડ ઝૉનમાં મુકાયા છે. ઓડિશામાં ૧૦ ઑરેન્જ ઝૉન અને ૧૪ ગ્રીન ઝૉન છે.
ગઇ તા.24મી માર્ચથી લૉકડાઉનની સ્થિતિને પગલે ભારતના બિઝનેસ સિટી તરીકે જાણીતા સુરતમાં ધંધા રોજગારને પારાવાર નુકસાન પહોંચ્યું છે. અનેક ધંધા રોજગાર ધીમે ધીમે શરૂ થઇ રહ્યા છે. બિઝનેસ સિટીમાં હવે લોકો પાસે નવેસરથી કામકાજ શરૂ કરવા માટેની કાર્યશીલ મૂડી પણ રહી નથી. આવા સંજોગોમાં કેન્દ્ર સરકારના પેકેજ જાહેર થઇ રહ્યા છે. પરંતુ, સાથોસાથ સુરતની પોતિકી બેંક વરાછા કો.ઓ. બેંક લિ. દ્વારા ખાસ કોરોના લૉકડાઉનમાં આર્થિક રીતે ભીંસમાં આવેલા ધંધા-રોજગાર કરતા લોકો માટે ફાસ્ટ લોન તેમજ બિઝનેસ લોનની બે હેસલ ફ્રી પેકેજ અમલમાં મૂકવામાં આવ્યા છે.
કોરોના ફાસ્ટ લોનમાં ઝીરો પ્રોસેસિંગ સાથે શક્ય એટલી ઝડપથી લોન પાસ કરાવવાનું આયોજન વરાછા બેંકનું છે.
સૌથી મહત્વની વાત એ છે કે બિલકુલ નાના માણસોને પણ રૂ.50હજાર સુધીનું ધિરાણ ઝડપભેર આપવામાં આવશે. આ લોન સ્કીમમાં પરત ચૂકવણીની મુદત 36 હપ્તા છે અને વ્યાજનો દર 9 ટકા રાખવામાં આવ્યો છે.
વરાછા બેંક ફાસ્ટ લોન યોજનાની વિગત વાંચો અહીં
વરાછા બેંકની બિઝનેસ લોન સ્કીમની વિગત વાંચો અહીં
વેપારીઓને રૂ.5 લાખ સુધીનું ત્વરીત ધિરાણ વ્યાજનો દર 11 ટકા લોનની મુદત 60 મહિના
સુરતમાં તા.5મી મે 2020ના રોજ એક અજીબોગરીબ ઘટના બની હતી. લૉકડાઉનમાં બિન્ધાસ્ત રીતે હરીફરી રહેલા લોકોને શહેર પોલીસ રોકીને કાયદાનું પાલન કરાવી રહી છે એવામાં મજૂરાગેટ વિસ્તારમાં મહિલા પોલિસ સબ ઇન્સ્પેક્ટર પર હુમલો કરવાની અને આ હુમલો પણ બે યુવતિઓ દ્વારા થયો હોવાની ઘટનાએ સમગ્ર ભારતનું ધ્યાન ખેંચ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મહિલા પીએસઆઇ પર હુમલો કરનાર સુરતની એક યુવતી જે થોડા સમયમાં દિક્ષા લેવાની હતી, સંયમનાં માર્ગે જવાનું આયોજન ધરાવે છે. તેણે લૉકડાઉન દરમિયાન ઉપાશ્રય જવાનું નક્કી કર્યું હતું અને જ્યારે પોલીસ તેને અટકાવી ત્યારે તે પોતાના પરનો સંયમ ખોઇ બેઠી અને તેણે PSI મહિલા પર હિંસક હુમલો કરી દીધો હતો.
ચર્ચા એ ઉઠી છે કે જે યુવતી સન્યાસ લઇને અહિંસા પરમોધર્મના માર્ગે આગળ વધવાનું ઉમદા આયોજન ધરાવે છે તેણે મહિલા PSI કયા સંજોગોમાં હુમલો કર્યો..
સૂરતના કૈલાસ નગર વિસ્તારમાં રહેતી યુવતિની વય 25 વર્ષની છે અને સુરત શહેરનાં લાલ બંગલા ખાતે આવેલા દેરાસરનાં ઉપાશ્રયમાં રહી રહેલા સાધ્વી મહારાજને મળવા તે ગઇ હતી. તે પાછી ફરી રહી હતી ત્યારે તેને પોલીસે અટકાવી અને તેની પૂછપરછ કરી. પોલીસ તેનું કામ કરતી હતી તે શ્રેયાથી જાણે ન સંખાયું અને તેણે મહિલા પોલીસ સાથે ખરાબ ભાષામાં વાત કરી, તમાશો કર્યો અને હોહા કરી. આટલું ઓછું હોય તેમ તેણે મહિલા PSI પર હુમલો કર્યો અને તેમ કરતાં મહિલા પોલીસ કર્મીને આંખની પાસે જ વાગ્યું. તેની આંખ માંડ બચી. આ ઘટના પછી તેની ધરપકડ થઇ અને તેની બહેન જે પણ ઉપાશ્રય ગઇ હતી તે બંન્નેને પોલીસ સ્ટેશન લઇ જવાયા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.