આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ તેમજ સુમુલ ડેરીના 74માં સ્થાપના દિવસ અને “ચાલો ઝિમ્બાબ્વે” અંતર્ગત ઝિમ્બાબ્વેના વાઈસ પ્રેસિડન્ટ અને ઝિમ્બાબ્વેના સેક્રેટરીએટ્સની સુમુલ ડેરીની મુલાકાત અત્યંત ફળદાયી નિવડે તેવી શક્યતાઓ જોવાય રહી છે.
સુરત ચેમ્બર (SGCCI) ના આમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના વાઈસ પ્રેસિડન્ટ અને ઝિમ્બાબ્વેના સેક્રેટરીએટ્સની બે દિવસની સુરત મુલાકાત અંતર્ગત તા.22.08.2025, શુક્રવારે સુમુલ ડેરી ખાતે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. કોન્સ્ટેન્ટ ટીનો ચીવેન્ગા, મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજ મોદી, મિનિસ્ટ્રી ઓફ ટુરીઝમ એન્ડ હોસ્પિટલિટીના ડેપ્યુટી મિનિસ્ટર શ્રી ટોંગાઈ મફિદી માવંગા, એમ્બેસેડર મિસીસ સ્ટેલા નકોમા તેમજ ઝિમ્બાબ્વેનું ડેલીગેશને સુમુલ ડેરીની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના ચેરમેન શ્રી મિનેશભાઈ શાહ, જી સી એમ એમ એફ (GCMMF) ના શ્રી મુકેશભાઈ દવે, સુમુલ ડેરીના કસટોડીયન શ્રી એચ. આર. પટેલ, સુમુલ ડેરીના મેનેજીંગ ડિરેક્ટર શ્રી અરુણ પુરોહિત તેમજ સુરત ચેમ્બર (SGCCI) ના પ્રેસિડેન્ટ શ્રી નિખિલ મદ્રાસી અને અન્ય ચેમ્બરના સભ્યો હાજર રહ્યા હતા.
મુલાકાત દરમિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના આહ્વાન દ્વારા શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ની ચર્ચા થઈ હતી. ભારતમાં કો-ઓપરેટિવ મોડેલ, NDDB ની કામગીરી, અમૂલ પેટર્ન તેમજ ડેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વિસ્તૃત ચર્ચા થઈ હતી.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે વેપાર,પશુપાલન, તેમજ ટેકનોલોજી ટ્રાન્સફર ક્ષેત્રે આદાન-પ્રદાન અર્થે મહત્વની ચર્ચાઓ થઈ હતી.
વધુમાં ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. કોન્સ્ટેન્ટ ટીનો ચીવેન્ગા એ જણાવ્યું હતું કે ઝિમ્બાબ્વેના દરવાજા સુમુલ-અમુલની બેકરી પ્રોડક્ટસ, સ્વીટ પ્રોડક્ટસ તેમજ અન્ય ડેરી તેમજ ફુડ પ્રોડક્ટસ માટે ખુલ્લા છે.
સોની ટીવીના લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ની 2025 સીઝન શરૂ થયાને હમણાં જ એક અઠવાડિયા થયો છે અને તેને તેનો પહેલો કરોડપતિ તા.20મી ઓગસ્ટે આદિત્યકુમારના સ્વરૂપમાં મળી ગયો છે. આ એ ક્ષણ છે જેની દરેક સ્પર્ધક અને દર્શક આતુરતાથી રાહ જુએ છે. આ વર્ષના પ્રથમ રૂ. 1 કરોડના વિજેતા ઉત્તરાખંડના આદિત્ય કુમાર છે. આદિત્યકુમાર હાલમાં સુરત નજીક તાપી જિલ્લામાં ઉકાઇ ખાતે આવેલા થર્મલ પાવર સ્ટેશનમાં સીઆઇએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેના કારણે હાલમાં ઉકાઇ ડેમનું નામ પાણી છોડવા માટે નહીં પણ કેબીસીમાં ચમકવા માટે વાઇરલ છે.
આદિત્ય કુમાર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) માં ડેપ્યુટી કમાન્ડન્ટ છે અને હાલમાં UTPS ઉકાઈ, ગુજરાત ખાતે સેવા આપી રહ્યા છે. આ સરકારી નોકરી મેળવવાનો તેમનો માર્ગ સ્પર્ધાત્મક હતો, અને તેમણે CISF માં સેવા આપવા માટે કઠિન પરીક્ષા પાસ કરી, જે તેમની ખંત અને શિસ્ત દર્શાવે છે.
આદિત્યએ પોતાની અત્યાર સુધીની જીવનયાત્રા શેર કરી. મૂળ ઉત્તરાખંડના વતની, આદિત્ય કુમાર હાલમાં ગુજરાતમાં એક થર્મલ પાવર પ્લાન્ટમાં પોસ્ટેડ છે. તે આર્મી કર્મચારી (CISF માં ડેપ્યુટી કમાન્ડન્ટ) છે. રાષ્ટ્રીય સુરક્ષા પરીક્ષાઓ દરમિયાન તેણે ભારતમાં એકંદરે છઠ્ઠો ક્રમ મેળવ્યો હતો.
એપિસોડમાં, આદિત્યએ કહ્યું, “શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને તે જ કારણોસર, હું અત્યાર સુધી આ પદ સુધી પહોંચી શક્યો છું, અને આજે અહીં બેઠો છું. અત્યાર સુધીની મુસાફરી ખૂબ જ મુશ્કેલ રહી છે, અને મને યાદ છે કે હું કેવી રીતે એક નાના રૂમમાં રહ્યો, મારા મિત્રોને છોડી દીધા અને તૈયારી માટે સમર્પિત થવા માટે એક વર્ષ સુધી મારી જાતને બંધ કરી દીધી. તેના કારણે, હું અહીં સુધી પહોંચ્યો છું.” અમિતાભે ઉત્સાહ વ્યક્ત કર્યો અને તેની મહેનતની પ્રશંસા કરી.
પાછળથી, જ્યારે અમિતાભે પોતાની સિગ્નેચર સ્ટાઇલમાં ₹1 કરોડ જીત્યાની જાહેરાત કરી, ત્યારે આદિત્ય ખુશ અને આશ્ચર્યચકિત દેખાતો હતો. તેણે અમિતાભને ગળે લગાવ્યો અને કહ્યું કે તે હજુ પણ તેના માટે અવિશ્વસનીય છે. એપિસોડમાં તેના માતાપિતા પણ જોવા મળ્યા હતા, કારણ કે તેઓએ તેને ગળે લગાવ્યો અને આ સીમાચિહ્ન પ્રાપ્ત કરવા બદલ જોરથી ઉત્સાહ વ્યક્ત કર્યો.
વરાછા બેંક દ્વારા સભાસદો અને ખાતેદારોની ઉપસ્થિતિમાં ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયા નાં હસ્તે ધ્વજારોહણ કરી આઝાદીના પર્વની ઉજવણી કરી
ગુજરાતની સહકારી બેંકોમાં અગ્રગણ્ય એવી ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત દ્વારા વહીવટી કચેરી “સહકાર ભવન” સરથાણા ખાતે દેશના આઝાદીના ૭૯માં સ્વતંત્રતા પર્વની ધ્વજ વંદન કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. બેંકનાં ખાતેદારો,સભાસદો અને સમાજ અગ્રણીઓની સવિશેષ ઉપસ્થિતિમાં બેંકના ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્ર પર્વની ઉજવણીમાં બેંકના AGM શ્રી શૈલેષભાઈ ભૂત તેમજ AGM શ્રી બીપીનભાઈ ચોવટિયા અને કર્મચારીઓ પણ જોડાયા હતા.
બેંકનાં ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા સાથે રાષ્ટ્ર સંદેશ આપતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયે ભારત તમામ ક્ષેત્રે દુનિયામાં પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે એ સંરક્ષણ નો વિષય હોય કે અંતરિક્ષમાં હોય તમામ ક્ષેત્રમાં ભારતનો વિકાસ ખૂબ ઝડપ થી વધી રહ્યો છે. આ ગતિશીલ પ્રગતિનો મુખ્ય આધાર દેશની યુવા શક્તિ છે. આ યુવા ધન ડ્રગ્સ જેવા દુષણોથી દૂર રહી રાષ્ટ્રની પ્રગતિમાં સહભાગી થાય તેવી અભ્યર્થના સાથે શુભેચ્છા પાઠવી હતી.
બેંકના જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી દ્વારા તમામ કર્મચારીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
બેંક દ્વારા આયોજીત દેશભક્તિના આ કાર્યક્રમમાં બેંકનાં ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયાએ તમામને મોં મીઠું કરાવી અને સુદ્રઢ રાષ્ટ્ર નિર્માણમાં તમામ લોકો સહભાગી બને તેવી શુભેચ્છા પાઠવી હતી. અંતે કાર્યક્રમની આભાર વિધિ કરતા બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજરશ્રી શૈલેષભાઈ ભૂત દ્વારા ઉપસ્થિત તમામનો સહ્રદય આભાર માની દરેકના મનમાં રાષ્ટ્રપ્રેમની ભાવના અવિરત ઝળહળતી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
સુરત સ્થિત સુમુલડેરીના ચેરમેન માનસિંહ પટેલે આગામી તા.15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ અને એ પછીના દિવસે તા.16મી ઓગસ્ટે આવી રહેલા જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને સમગ્ર ગુજરાત અને દેશના નાગરીકોને અનેકાનેક શુભકામનાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું કે સુમુલ ડેરી દક્ષિણ ગુજરાતના લોકો સાથે અભિન્ન રીતે જોડાયેલી છે અને સુમુલડેરી તેના ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાનું દુધ અને દુધની પ્રોડક્ટ્સ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.
કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) મુંબઈ એરપોર્ટ પર પાંચ કરોડ રૂપિયાથી વધુની કિંમતનો દાણચોરીનો ગાંજો પકડી પાડ્યો હતો અને આ પ્રકરણે સુરતના યુવક સહિત બે જણની ધરપકડ કરી હતી.
એઆઇયુના અધિકારીઓએ ધરપકડ કરેલા બંને જણની ઓળખ સુરતના કતારગામ, સિંગણપોર ખાતે રહેતા હાર્દિક પ્રાગજીભાઇ ભદાણી (24) અને દિલ્હીના રહેવાસી મોહંમદ સામી (23) તરીકે થઇ હતી. બંનેને સ્થાનિક અદાલતમાં હાજર કરાતાં તેમને જુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી હતી. હાર્દિક ભદાણીના વકીલ તરીકે અરુણ ગુપ્તા અને આશિષ સિંહ કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે દલીલ કરી હતી.
બૅંગકોક ખાતેથી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં શનિવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા હાર્દિક ભદાણીને એઆઇયુના અધિકારીઓએ શંકાના આધારે આંતર્યો હતો. તેના સામાનની તલાશી લેવામાં આવતાં છ વેક્યુમ સીલ્ડ પેકેટ્સમાંથી 2.87 કરોડ રૂપિયાની કિંમતનો 2873 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. આથી હાર્દિક ભદાણી સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી.
દરમિયાન બૅંગકોકથી ફ્લાઇટમાં રવિવારે મુંબઇ એરપોર્ટ પર આવેલા મોહંમદ સામીની 2.39 કરોડ રૂપિયાની કિંમતના ગાંજા સાથે ધરપકડ કરાઇ હતી. સામીની અંગત તલાશીમાં કશું મળ્યું નહોતું, પણ તેની ટ્રોલી બેગમાં આઠ ફૂડ પેકેટ, બે સ્નેક બોક્સ તથા છ સિગારેટ પેકેટ્સમાં એરટાઇટ પ્લાસ્ટિકના પેકેટમાંથી ગાંજો મળી આવ્યો હતો.
સામીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે 4 ઑગસ્ટે દિલ્હીના શહજાદ નામના શખસે તેને બૅંગકોકથી ટ્રોલી બેગ લાવવા માટે કહ્યું હતું, જેની વિમાન ટિકિટની વ્યવસ્થા પણ કરી આપી હતી. બેગ મુંબઈમાં લાવીને સોંપાતા પચાસ હજાર રૂપિયા તથા અન્ય ખર્ચ આપવાનું તેને આશ્ર્વાસન અપાયું હતું.
સોનગઢ તાલુકાની દૂધ મંડળીઓ,સેવા સહકારી મંડળીઓ,એપીએમસી અને વ્યારા સુગર ફેકટરીના સભાસદો દ્વારા મહારાજા અગ્રસેન ભવન,સોનગઢ ખાતે સુમુલ ડેરીના પ્રમુખ ‘ઈફકો સહકાર રત્ન’ એવોર્ડ પ્રાપ્ત કરનાર માનસિંહભાઈ પટેલનો સન્માન સમારોહ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે કુંવરજીભાઈ હળપતિએ માનસિંહભાઈને સન્માનિત કરતા કહ્યું કે,.૪૦ વર્ષથી વધુ સમયથી સહકારી ક્ષેત્રે સેવારત માનસિંહભાઈ સહકારિતાના રત્ન સમાન છે. મહુવા અને વ્યારા સુગરના પ્રમુખ તરીકે પણ સેવારત માનસિંહભાઈએ આદિવાસી ખેડૂત અને પશુપાલક તરીકે સામાન્ય જીવનથી શરૂઆત કરી હતી અને આજે સહકાર ક્ષેત્રે સીમાચિહ્નરૂપ કાર્ય કરી રહ્યા છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે આદિજાતિ બાંધવો માટે કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે અને અને યોજનાઓએ આદિવાસીઓના જીવનને ઉન્નત કર્યું છે. આવનારા સમયમાં તમામ દૂધ મંડળીઓ પર સોલર પેનલ લગાવવાની કામગીરી કરવામાં આવશે.
આ પ્રસંગે માનસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઈફકો સહકાર રત્ન એવોર્ડ સુમુલના ૨.૫૦ લાખ સભાસદોને સમર્પિત છે એમ જણાવી માનસિંહભાઈએ કહ્યું કે, સુમુલ ડેરી રૂ.૧૦૦ની આવકમાંથી ૮૪ રૂપિયા દૂધ ઉત્પાદક પશુપાલકોને આપે છે. ૨૫૦ લીટરના દૂધ ભરણાથી શરૂ થયેલ સુમુલ ડેરીમાં આજે દરરોજ ૧ લાખ ૪૦ હજાર પશુપાલકો દૈનિક ૨૨ લાખ લીટર દૂધ ભરે છે. દક્ષિણ ગુજરાતના સફળ સહકારી મોડેલ સમાન સુમુલ ડેરી સાથે લાખો પરિવારોનો ભરોસો જોડાયેલો છે એમ જણાવી સૌનો ઋણસ્વીકાર કર્યો હતો.
જીલ્લા ભાજપ પ્રમુખ સુરજ વસાવા અને ધારાસભ્ય શ્રી જયરામભાઇ ગામીતે પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે તાપી જીલ્લા ભાજપ પ્રમુખ સુરજ વસાવા,ધારાસભ્ય શ્રી જયરામભાઇ ગામીત, શ્રી મોહનભાઈ કોંકણી,સુમુલ ડેરીના ડિરેક્ટરો જયેશભાઈ પટેલ અને ભરતસિંહ તથા સહકારી અગ્રણીઓ, દૂધ મંડળીઓ, સેવા સહકારી મંડળીઓના સભાસદો, ઉપસ્થિત રહ્યા હતા.
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો માટે વિશિષ્ટ રૂપે SBC 3.0 – Textile Chapter શરૂ કરવામાં આવી રહ્યું છે. SBC (SGCCI Business Connect) ચેમ્બરની નવી પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ટેક્ષ્ટાઇલ્સના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ વચ્ચે સક્રિય નેટવર્કિંગ અને વ્યવસાયિક સહયોગ ઉભો કરવાનો છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, SBC 3.0 – Textile Chapterનો ઉદ્દેશ ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે વિશ્વસનીય નેટવર્ક ઊભો કરવાનો છે, જ્યાં સભ્યોને નવા બિઝનેસ કનેકશન્સ, વ્યવસાયિક માર્ગદર્શન, ઉદ્યોગની ઝીણવટભરી માહિતી તથા શીખવા માટે પ્લેટફોર્મ મળી રહે. આ ચેપ્ટર ખાસ કરીને ટેક્ષ્ટાઇલના ઉદ્યોગ સાહસિકોને ટેકનોલોજી, માર્કેટિંગ, નવું માર્કેટ એકસપ્લોરેશન અને સ્કીલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં પણ માર્ગદર્શન આપશે.
SBC પ્લેટફોર્મ પર ઉદ્યોગ સાહસિક સભ્યો સાથે મળીને પોતાના બિઝનેસનું પ્રમોશન કરે છે, બિઝનેસ માટે નવી તકો શોધે છે, નવી માહિતી મેળવે છે અને સમયાંતરે ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ તેમજ બિઝનેસ મિટીંગ્સના માધ્યમથી નોલેજમાં વધારો કરી એકબીજાને બિઝનેસમાં મદદરૂપ થાય છે. હવે આ ફોરમ ખાસ કરીને ટેક્ષટાઇલ ક્ષેત્રના વ્યાવસાયિકો માટે એક અલગ ચેપ્ટરના સ્વરૂપે શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં વીવર્સ, યાર્ન ડિલર્સ, પ્રોસેસર્સ, ફેબ્રિક અને ગારમેન્ટ મેન્યુફેકચરર્સ તેમજ ટ્રેડર્સ જેવા ઉદ્યોગકારો જોડાઈ શકશે.
SGCCI છેલ્લા ૮પ વર્ષથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિવિધ ઉદ્યોગ – ધંધાઓના ડેવલપમેન્ટ હેતુ કાર્ય કરી રહયું છે અને SBC 3.0 – Textile Chapter પણ એ જ દિશામાં ટેક્ષ્ટાઇલના ઉદ્યોગ સાહસિકોને બિઝનેસમાં નવી તકો માટે કામ કરશે. આ નવી પહેલથી સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગને સ્થાનિકથી વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવા તેમજ ઉદ્યોગકારોને ગ્લોબલી માર્કેટમાં સ્પર્ધાત્મક થવા માર્ગદર્શન મળશે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મંગળવાર, તા. ર૯ જુલાઇ ર૦રપના રોજ સાંજે ૬:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે SBC 3.0 v Textile Chapter ના લોન્ચિંગ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવશે.
SBC 3.0 – Textile Chapter સાથે જોડાવા ઇચ્છતા ઉદ્યોગ સાહસિકો શ્રી તપન જરીવાલા (93745 82238), શ્રી ચંદ્રકાંત પ્રજાપતિ (98255 95375) અને શ્રી મિહીર કાપડીયા (91063 71870)નો સંપર્ક કરી શકશે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ધ સાયલન્ટ થ્રેટ – અન્ડરસ્ટેન્ડીંગ એન્ડ પ્રિવેન્ટીંગ સડન કાર્ડિયાક ડેથ વિષે સેશન યોજાયું
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. ર૧ જુલાઇ ર૦રપના રોજ સાંજે ૪:૦૦ કલાકે સંહતિ, સરસાણા ખાતે ધ સાયલન્ટ થ્રેટ – અન્ડરસ્ટેન્ડીંગ એન્ડ પ્રિવેન્ટીંગ સડન કાર્ડિયાક ડેથ વિષે સેશન યોજાયું હતું, જેમાં કિલનિકલ ડાયટિશ્યન એન્ડ ફંકશનલ મેડિસિન ડોકટર રીમા અગ્રવાલે વિસ્તૃત જાણકારી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં કર્મચારીઓની ફિટનેસ અને આરોગ્ય એ દરેક ઉદ્યોગ અને સંસ્થાઓ માટે એક મૂલ્યવાન સંપત્તિ છે. અચાનક હાર્ટએટેકની ઘટનાઓમાંથી બચવા માટે કામકાજની જગ્યા પર નિયમિત હેલ્થ ચેકઅપ, ફિટનેસ અવેરનેસ અને ઇમરજન્સી રિસ્પોન્સની સુવિધા હોવી અનિવાર્ય છે. ઉદ્યોગ સાહસિકોએ પણ પોતાની સાથે કર્મચારીઓના આરોગ્યને પણ પ્રાથમિકતા આપવી જોઈએ, જેથી ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદકતા સાથે સાથે કર્મચારીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત થઈ શકે.
કિલનિકલ ડાયટિશ્યન એન્ડ ફંકશનલ મેડિસિન ડોકટર રીમા અગ્રવાલે જણાવ્યું હતું કે, સડન કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક બંને વસ્તુ જુદી જુદી છે. હાર્ટ એટેકમાં હૃદયને ઓકિસજન યુકત લોહીનો સપ્લાય મળતો બંધ થઇ જાય છે ત્યારે હાર્ટ એટેક આવે છે. હાર્ટ એટેકમાં હાર્ટ બીટ ચાલુ હોય છે. જ્યારે કાર્ડિયાક એરેસ્ટમાં હાર્ટ બીટ બંધ થઇ જાય છે અને અચાનકથી વ્યકિતનું મૃત્યુ થઇ જાય છે. વધુ પડતો ઠંડો પરસેવો આવવો, હૃદયમાં દુઃખાવો થવો, ચકકર આવવા જેવા હાર્ટ એટેકના લક્ષણો છે. જો આવું થાય તો તુરંત મેડીકલ હેલ્પ લેવી જોઇએ. હાર્ટ એટેકના કેટલાક કિસ્સાઓમાં સમયસર સારવાર નહીં મળવાથી વ્યકિતનું કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ થઇ જાય છે અને હાર્ટ એટેકનો કેસ કાર્ડિયાક એરેસ્ટમાં પરીણમે છે.
ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર ભારતમાં થનારા કુલ મૃત્યુના રેશિયોમાં ૧૦૦માંથી રપથી ૩૦ જણાના મોતની પાછળ સડન કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક કારણભુત હોય છે. આવી રીતે ભારતમાં દર વર્ષે પાંચથી સાત લાખ લોકોની મૃત્યુ માત્ર કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેકને કારણે થઇ જાય છે. વિદેશોમાં કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેકની ઘટનામાં ૧૦થી ૧ર ટકા લોકોનો જીવ બચી જાય છે, જ્યારે ભારતમાં આ પ્રમાણ ર ટકાથી પણ ઓછું છે, જે ગંભીર બાબત છે.
તેમણે જણાવ્યું હતું કે, સડન કાર્ડિયાક એરેસ્ટ એ જીવનશૈલી સંબંધિત લાંબા ગાળાના કારણોનું પરિણામ હોય છે. હાલ યુવાનોનું કાર્ડિયાક એરેસ્ટને કારણે અચાનક મૃત્યુ થઇ રહયું છે. એમાં સૌથી મોટું કારણ યોગ્ય આહારનો અભાવ છે. ફાસ્ટ ફૂડ અને ફ્રોઝન ફૂડને કારણે લોકોનું આરોગ્ય ધીમે ધીમે બગડી રહયું છે અને ૧૦૦થી ૧૧૦ વર્ષ સુધી જીવનારા લોકોનું આયુષ્ય ઘટી રહયું છે. યોગ્ય આહારના અભાવની સાથે સાથે શરીરને વ્યાયામની અછત, તણાવ અને અનિયમિત ઊંઘ આ બધું પણ હૃદય પર દબાણ ઊભું કરે છે.
તેમણે વધુમાં કહયું હતું કે, આજે આપણે માત્ર રોગનું નિદાન જ જરૂરી નહીં પણ આરોગ્યની સંપૂર્ણ કાળજી રાખવાની જરૂર છે. યોગ્ય આહાર, પૂરતી ઊંઘ, તણાવથી મુક્ત જીવનશૈલી અને સમયસર થયેલી સ્ક્રિનિંગ્સ હાર્ટ એટેક જેવા જોખમોને ટાળી શકે છે.
ચેમ્બરની આયુષ કમિટીના ચેરપર્સન ડો. મન્શાલી તિવારીએ વકતાનો પરિચય આપી સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. આયુષ કમિટીના કો–ચેરપર્સન ડો. પારૂલ પટેલે સેશન વિષે માહિતી આપી હતી. જ્યારે કમિટીના કો–ચેરમેન ડો. નિપેશ પટેલે સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.
ચેમ્બરના જીએફઆરઆરસી દ્વારા ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવા ટેક્ષ્ટાઇલ વીકની શરૂઆત, શ્રી ભરત ગાંધીએ મેનેજમેન્ટ ઓફ ટેક્ષ્ટાઇલ યુનિટ વિષે માર્ગદર્શન આપ્યું
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટરના ઉપક્રમે સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવાના હેતુથી તા. ર૧થી ર૬ જુલાઇ ર૦રપ દરમ્યાન સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ટેક્ષ્ટાઇલ વીકનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવાર, તા. ર૧ જુલાઇના રોજ ટેક્ષ્ટાઇલ વીક અંતર્ગત મેનેજમેન્ટ ઓફ ટેક્ષ્ટાઇલ યુનિટ વિષે સેમિનાર યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ફિઆસ્વીના ચેરમેન તેમજ ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી ભરત ગાંધી ઉપસ્થિત રહયા હતા. જ્યારે નિષ્ણાત વકતા તરીકે લુથરા ગૃપના ચેરમેન શ્રી ગિરીશ લુથરાએ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે નવા ઇનોવેટિવ ઉપક્રમો ખૂબ જ જરૂરી છે. ટેક્ષ્ટાઇલ વીક એ ઉદ્યોગપતિઓ, ડિઝાઈનરો અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે મહત્વનું પ્લેટફોર્મ પુરું પાડી રહ્યું છે, જેનાથી તેઓ ટેકનોલોજી, નવા ટ્રેન્ડ્સ અને ગ્લોબલ માર્કેટની માંગને આધારે પોતાના વ્યવસાયને વધુ મજબૂત બનાવી શકે છે.
ફિઆસ્વીના ચેરમેન તેમજ ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી ભરત ગાંધીએ ઉદ્યોગ સાહસિકોને ટેક્ષ્ટાઇલના ડેવલપમેન્ટ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પહેલા ટેક્ષ્ટાઇલમાં નેચરલ ફાઇબર, કોટન, પ્યોર સિલ્ક અને જ્યુટ હતું. આ બધાના કોમ્બીનેશનથી એક વસ્તુ બનતી હતી. ત્યારબાદ ટેક્ષ્ટાઇલમાં પોલિએસ્ટર અને વિસ્કોસનો સમાવેશ થયો. ટેક્ષ્ટાઇલમાં ઇનોવેશન થતા ગયા અને બદલાવ આવતા ગયા. ટેક્ષ્ટાઇલ બિઝનેસની સાયકલ જુદા જુદા દેશોની સાથે સાથે જુદા જુદા સમાજમાં પણ ફરતી રહે છે, આથી તેમણે ઉદ્યોગ સાહસિકોને ટેક્ષ્ટાઇલમાં ટકી રહેવા માટે ઇનોવેશન કરવાની સલાહ આપી હતી.
શ્રી ગિરીશ લુથરાએ જણાવ્યું હતું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં ટેક્ષ્ટાઇલ યુનિટનું સફળ સંચાલન માત્ર ઉત્પાદન પર આધારીત નહીં પણ પ્લાનિંગ, મશીનરીનું સમયસર મેઇન્ટેનન્સ, વર્કફોર્સની ટ્રેઇનીંગ અને માર્કેટની ડિમાન્ડ પર નિર્ભર છે. ટ્રેઇનીંગનો પહેલો નિયમ એટલે બેલેન્સીંગ નોલેજ વીથ બિઝનેસ. નોલેજમાં મશીન, કપડું, માર્કેટીંગ, નેટવર્કીંગ, એફિશિયન્સી પરચેઝ અને મેનેજમેન્ટ નોલેજનો સમાવેશ થાય છે. બિઝનેસ માટે નોલેજ જોઇએ. પૈસો પૈસાને કમાય છે એવી એક મેથડ છે. એવી જ રીતે નોલેજ પૈસા કમાય છે એ બીજી મેથડ છે. પૈસા કમાવવા માટે ત્રીજી મેથડ છે સ્માર્ટ વર્ક. હાલમાં નોલેજ બેઇઝથી જે કમાણી થઇ રહી છે એવી કમાણી અન્ય કોઇ મેથડથી નથી થઇ રહી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બિઝનેસમાં સફળ થવા માટે ૩૬૦ ડીગ્રી નોલેજ હોવું જરૂરી છે. નોલેજથી કોન્ફીડન્સ વધે છે અને વિચાર બદલાય છે. વિચાર બદલાવવાથી બિઝનેસમાં રિઝલ્ટ બદલાય છે. તેમણે કહયું કે, ઉદ્યોગ સાહસિકોએ ઓપન માઇન્ડ મેનેજમેન્ટથી બિઝનેસ કરવો જોઇએ. ગ્રાહકની જરૂરિયાતને સમજીને તેને ગમતી પ્રોડકટ આપીશું તો બિઝનેસમાં સફળ થઇશું. ઉદ્યોગ સાહસિકોએ બિઝનેસની સફળતા માટે નોલેજ પર તથા સરકારની વિવિધ યોજનાઓ અને બિઝનેસ માટે બનતી પોલિસી ઉપર ધ્યાન આપવું જોઇએ.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, બિઝનેસ કરતા પહેલા પ્રોડકટનું એનાલિસિસ જરૂરી છે. ટેક્ષ્ટાઇલમાં સાહસ કરવા માગતા યુવાઓને તેમણે એરજેટ અને વોટરજેટ મશીન નાંખવા માટે વિચારવાની સલાહ આપી હતી.
ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી ગિરધર ગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, સુરત બ્રાન્ડ બનાવવાના હેતુથી ચેમ્બરના જીએફઆરઆરસી દ્વારા ટેક્ષ્ટાઇલ વીકનું આયોજન કરવામાં આવે છે. ટેક્ષ્ટાઇલ વીક દરમ્યાન ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના એક્ષ્પર્ટ દ્વારા વિવિધ સેકટરની માહિતી અને માર્ગદર્શન ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવે છે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, ઇન્ચાર્જ માનદ્ મંત્રી શ્રી ભાવેશ ટેલર, ફિઆસ્વીના ચેરમેન શ્રી ભરત ગાંધી તથા ઉદ્યોગ સાહસિકો સેમિનારમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના જીએફઆરઆરસીના કો–ચેરમેન શ્રી અમરિષ ભટ્ટે સેમિનારનું સંચાલન કર્યું હતું. શ્રી ગિરીશ લુથરાએ ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.
રાજ્યમાં નકલીનો જાણે કે રાફડો ફાટ્યો તેમ લાગે છે. નકલી લોકો પછી હવે નકલી તંબાકુ ફેક્ટરી ઝડપાઈ હતી. શહેરના વરાછા વિસ્તારના તિરુપતિ નગરમાં એક બિલ્ડિંગના પ્રથમ માળેથી આ ફેક્ટરી ઝડપાઈ હતી. 22 દિવસથી આ કારોબાર ચાલતો હતો.
2.13 લાખનો મુદ્દામાલ જપ્ત ઝોન 1 ડીસીપી આલોક કુમારના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે નકલી તંબાકુ બનાવતા આરોપી હર્ષદ કાછડીયા નામના યુવકની ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી 2.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં બાગબાન તંબાકુના 15,100 પાઉચ, 10-10 કિલોની તંબાકુ ભરેલી 6 બેગ, 1.75 કિલોનો રેપર રોલ, 3 સિલ્વર પ્લાસ્ટિક રેપર રોલ, ઈલેકટ્રોનિક વજન કાંટો અને તંબાકુ બનાવતા મશીન સીલ કર્યા હતા.
પોલીસ મુજબ, આરોપી હર્ષદ કાછડીયા પહેલા પણ નકલી માલ બનાવવા અને જુગારના મામલે પકડાયો હતો. નકલી તંબાકુના રેકેટમાં તેની સાથે કોણ કોણ સામેલ છે તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત તેણે 22 દિવસમાં કોને કોને તંબાકુ વેચી તેની પણ તપાસ શરૂ કરી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.