CIA ALERT

Slider Archives - Page 15 of 472 - CIA Live

August 1, 2025
bank-holidyas-in-august-25.png
2min146

આજથી ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો. જો તમે પણ આ મહિને બેંકિંગના કેટલાક કામ પતાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એ પહેલાં આ સમાચાર વાંચી લો, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ચાલો તમને જણાવીએ શું છે આ મહત્વના સમાચાર…

દર મહિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રજાઓ એટલે કે બેંક હોલીડેની યાદી બહાર પાડવામાં આવે છે અને હવે આ મહિનામાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે તેની યાદી પણ સામે આવી ગઈ છે. ઓગસ્ટ મહિનામાં ઓલમોસ્ટ અડધો મહિનો બેંકો બંધ રહેશે, જેને કારણે તમારા કામ ખોરવાઈ શકે છે એટલે પહેલાં આ યાદી જોઈ લો. ચાલો જોઈએ આવતા મહિને ક્યારેય ક્યારે બંધ રહેશે બેંકો-

ઓગસ્ટ મહિનામાં આટલા દિવસ હશે બેંક હોલીડે-

  1. 3જી ઓગસ્ટના રોજ કેર પૂજાને કારણે ત્રિપુરા અને રવિવાર હોવાને કારણે બેંકોમાં રજા રહેશે
  2. 8મી ઓગસ્ટના રોજ સિક્કીમ અને ઓડિશામાં ટેંડોંગને કારણે બેંકો બંધ રહેશે
  3. 9મી ઓગસ્ટના બીજો શનિવાર અને રક્ષાબંધનને કારણે બેંકોમાં રજા રહેશે
  4. 10મી ઓગસ્ટના રવિવારના બેંકોમાં જાહેર રજા રહેશે
  5. 13મી ઓગસ્ટના મણિપુરમાં દેશભક્ત દિવસની ઉજવણી નિમિત્તે બેંકો હોલીડે રહેશે
  6. 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ નિમિત્તે નેશનલ હોલીડેને કારણે બેંકોમાં રજા રહેશે
  7. 16મી ઓગસ્ટના જન્માષ્ટમી, પારસી નવા વર્ષ નિમિત્તે દેશભરની બેંકોમાં રજા રહેશે
  8. 17મી ઓગસ્ટના રવિવારે બેંકોમાં રજા રહેશે
  9. 26મી ઓગસ્ટ ગણેશ ચતુર્થીને કારણે કર્ણાટક અને કેરળમાં બેંકો બંધ રહેશે
  10. 27મી ઓગસ્ટના ગણેશ ચતુર્થી નિમિત્તે આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ ઓડિશા, સિક્કિમ, તામિલનાડુ, તેલંગણામાં બેંકો બંધ રહેશે
  11. 28મી ઓગસ્ટના નુઆખાઈને કારણે ઓડિશા, પંજાબ અને સિક્કિમમાં બેંકોમાં રજા રહેશે.
August 1, 2025
image.png
1min147

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને(ઈપીએફઓ) ખાતામાંથી ઉપાડ પ્રક્રિયા સરળ બનાવતા મોટી જાહેરાત કરી છે. હવે ઈપીએફ ખાતામાંથી ઉપાડ કરતી વખતે કોઈપણ પ્રકારના ડૉક્યુમેન્ટની જરૂર નહીં પડે. કેન્દ્ર સરકારે સંસદ ગૃહમાં આ અંગે સ્પષ્ટતા કરી હતી કે, આ નિયમ પહેલાથી જ લાગુ છે. હવે કોઈપણ ડૉક્યુમેન્ટ વિના ઈપીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકાશે. જેથી હવે ઈપીએફ ધારકો અભ્યાસ, ઘરની ખરીદી, બીમારી કે અન્ય કોઈ પણ ઈમરજન્સી દરમિયાન પીએફ એકાઉન્ટમાંથી સરળતાથી ઉપાડ કરી શકશે.

માત્ર આ માહિતી આપી કરી શકાશે ઉપાડ

શ્રમ અને રોજગાર મંત્રાલયે સંસદમાં જણાવ્યું હતું કે, ઈપીએફઓના સભ્યો હવે માત્ર સેલ્ફ ડિક્લેરેશન મારફત ઉપાડ કરી શકશે. તેમાં માત્ર ઉપાડ પાછળનું કારણ જણાવવું પડશે. તેના માટે કોઈ ડૉક્યુમેન્ટ જમા કરાવવાની જરૂર પડશે નહીં. ઉલ્લેખનીય છે કે, લોકસભામાં સાંસદ વિજય કુમાર, વિજય વસંથ, માણિકમ ટાગોર બી અને સુરેશ કુમાર શેટકરે સવાલ ઉઠાવ્યો હતો કે, ઈપીએફઓએ આંશિક ઉપાડ માટે માત્ર ખાતેદારની જાહેરાત પર વિશ્વાસ કરવાનું ક્યારથી શરુ કર્યું. જેનો જવાબ આપતાં સરકારે કહ્યું કે, આ પ્રક્રિયા સરળ, પારદર્શી અને વિશ્વસનીયતા સાથે શરુ કરવામાં આવી છે. જેથી લોકો કારણ વિના ભાગદોડ કરવાના બદલે સરળતાથી ઉપાડ કરી શકે.

મીડિયા રિપોર્ટ અનુસાર, લોકસભામાં રજૂ કરવામાં આવેલો ઈપીએફઓમાં બદલાવ નવો નથી. 2017માં ઈપીએફઓએ કમ્પોઝિટ ક્લેમ ફોર્મ શરુ કર્યું હતું. જેના મારફત ઉપાડની પ્રક્રિયા સરળ બની હતી. ફોર્મે આંશિક અને અંતિમ ઉપાડ માટે ડૉક્યુમેન્ટની જરૂરિયાત દૂર કરી છે. હવે ખાતેદાર માત્ર સેલ્ફ ડિક્લેરેશનના આધાર પર ઉપાડ કરી શકે છે. વધુમાં બૅન્ક પાસબુક અને ચેક અપલોડ કરવાની ઝંઝટ પણ 3 એપ્રિલ, 2025ના રોજ દૂર કરવામાં આવી હતી. કેવાયસી અને બૅન્ક એકાઉન્ટ વેરિફિકેશનમાં નડતી મુશ્કેલીઓ પણ ઘટી છે. ઈમરજન્સીમાં ફંડ ઉપાડવું સરળ બન્યું છે. આ નવી પ્રક્રિયાનો અત્યારસુધીમાં 1.9 કરોડથી વધુ ઈપીએફ ખાતેદારોએ લાભ લીધો છે. આ આંકડો 22 જુલાઈ, 2025 સુધીનો છે. 

July 31, 2025
Cia_business_news-1280x936.jpg
1min167

સુરત સમેત ગુજરાત અને દેશભરની સહકારી બેંકોમાં ડિરેક્ટર પદે 10 વર્ષ પૂરા કરનારા ડિરેક્ટરોને હાલમાં રાજીનામા આપી દેવાની ફરજ પડાતી હતી. એ દરમિયાન આજે કેન્દ્ર સરકારે સહકારી બેંકીંગ એક્ટમાં કેટલાક મોટા સુધારા કરીને સહકારી બેંકોના ડિરેક્ટરોની આગલી, પાછલી તમામ અસરો દૂર કરીને હવે પછી સહકારી બેંકોના ડિરેક્ટરોની 10 વર્ષની મુદતની ગણતરી તા.1 ઓગસ્ટ 2025થી કરવાની રહેશે તે સંદર્ભેનું નોટિફિકેશન ઘોષિત કરવામાં આવતા સહકારી બેંકોના ડિરેક્ટરોમાં રાહતની લાગણી ફરી વળી છે. વળી જે ડિરેક્ટરોએ તાજેતરમાં જ 10 વર્ષની અવધિ પૂર્ણ થઇ ગઇ હોય રાજીનામું આપી દીધું છે તેમને મોટો ફટકો પડ્યો હોવાની પણ લાગણી પ્રવર્તી ઉઠી છે.

કેન્દ્ર સરકારે કો-ઓપરેટીવ બેંકીંગ ક્ષેત્રમાં નીતિ નિયમોમાં 12થી વધુ સુધારાઓ કરીને વહીવટી શૂન્યાવકાશ તરફ આગળ વધી રહેલી સહકારી બેંકોને ઓક્સીજન પૂરો પાડવાનું કાર્ય કર્યું હોવાની લાગણી કેન્દ્ર સરકારના નવા નોટિફિકેશનના કારણે છવાય જવા પામી છે. કેન્દ્ર સરકારે એવું જાહેરનામુ બહાર પાડ્યું છે કે જેને કારણે સહકારી બેંકો કે જેમાં ડિરેક્ટર પદે 10 વર્ષ પૂર્ણ કરનાર વ્યક્તિએ ફરજિયાત રાજીનામુ આપી દેવું પડે છે અને એ પછી ડિરેક્ટર પદે ચૂંટાનાર વ્યક્તિ નવો નિશાળીયો હોઇ, બેંકીંગ સિસ્ટમને ઘેરી અસર થાય તેવી શક્યતા હતી.

સુરતની જ અનેક બેંકોમાં વર્ષો જૂના અને બેંકીંગ કામકાજના અનુભવી ડિરેક્ટરોએ આ જ કારણોસર રાજીનામા ધરી દેવા પડ્યા હતા.અને હજુ આ સિલસિલો પણ ચાલુ જ રહ્યો હતો. તાજેતરમાં જ ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઇએ સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના ડિરેક્ટર પદે 10 વર્ષના આ નિયમને કારણે જ રાજીનામુ ધરી દેવું પડ્યું હતું.

સહકારી બેંકોના ડિરેક્ટર પદે 10 વર્ષ પૂર્ણ કરી દેનાર વ્યક્તિને ફરીથી બેંકમાં ડિરેક્ટર પદે નહીં આરુઢ થવા દેવાના નિયમને કારણે સમગ્ર સહકારી બેંકના સ્ટ્રક્ચર અને બેંકીંગને ઘેરી અસર પહોંચી રહી છે અને સહકારી બેંકોમાં વહીવટી શૂન્યાવકાશ સર્જાય તેવી સ્થિતિ છે એવી રજૂઆતો કેન્દ્ર સરકારને કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લઇને સહકારી બેંકોના ડિરેક્ટર પદે 10 વર્ષની ગણતરી માટે એક તારીખ મુકરર કરીને તમામ વાદવિવાદો અને ભૂતકાળમાં સર્જાયેલા કાનૂની પ્રકરણો પર પડદો પાડી દેવાનો પ્રયાસ કર્યો છે.

કેન્દ્ર સરકારના નવા નોટિફિકેશન અનુસાર આગામી તા.1 ઓગસ્ટ 2025થી સહકારી બેંકોમાં ડિરેક્ટર પદ માટેની 10 વર્ષની મુદતની ગણતરી કરવામાં આવશે. સુરત મર્કન્ટાઇલ કો.ઓ. બેંકના ચેરમેન મયુર ચૌહાણે જણાવ્યું કે નવા નોટિફિકેશનથી વર્તમાન ડિરેક્ટરોની ભૂતકાળની મુદત કે વર્ષને ગણતરીમાં લેવાના નથી. તા.1 ઓગસ્ટ 2025થી જ દરેક સહકારી બેંકોમાં ડિરેક્ટરની 10 વર્ષની મુદતની ગણતરી કરવાની રહેશે.

મર્કન્ટાઇલ કો.ઓ. બેંકના ચેરમેન મયુર ચૌહાણે જણાવ્યું કે આ પગલાંને કારણે સહકારી બેંકોમાં જે શૂન્યવકાશની સ્થિતિ સર્જાય તેવી ભીંતી હતી એ દૂર થઇ છે. હવે જૂના ડિરેક્ટરો નવી પેઢી, નવી કેડરને તૈયાર કરી શકશે અને આગામી દસ વર્ષ બાદ નવી પેઢીના અનુભવી ડિરેક્ટરો સહકારી બેંકોમાં અસરકારક વહીવટ કરી શકશે.

એક મોટા સુધારાના પગલામાં, કેન્દ્ર સરકારે બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 ની મુખ્ય જોગવાઈઓના અમલીકરણને સૂચિત કર્યું છે, જે સહકારી બેંકોમાં ડિરેક્ટર કાર્યકાળના લાંબા સમયથી ચર્ચાસ્પદ મુદ્દા પર સ્પષ્ટતા લાવે છે.

1 ઓગસ્ટ 2025 થી આ જોગવાઈઓ લાગુ કરવાના સરકારના નિર્ણયથી દસ વર્ષનો વધારાનો કાર્યકાળ પૂર્વવર્તી રીતે લાગુ થશે કે સંભવિત રીતે તે અંગેની મૂંઝવણનો પણ ઉકેલ આવે છે. સૂચનામાં ભવિષ્યની તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કાનૂની નિષ્ણાતો અને હિસ્સેદારો સંમત થાય છે કે આ જોગવાઈ સંભવિત રહેશે, એટલે કે તે શરૂઆતની તારીખ પછી ચૂંટાયેલા અથવા ફરીથી ચૂંટાયેલા ડિરેક્ટરોને લાગુ પડશે.

કાનૂની નિષ્ણાતોના મતે, 1 ઓગસ્ટ 2025 પહેલાં પદ પર દસ વર્ષ પૂર્ણ કરનાર કોઈપણ ડિરેક્ટર નવી જોગવાઈથી પ્રભાવિત થશે નહીં અને ફરીથી ચૂંટણી માટે પાત્ર રહી શકે છે. જો કે, 1 ઓગસ્ટ 2025 ના રોજ અથવા તે પછી ચૂંટાયેલા અથવા ફરીથી ચૂંટાયેલા ડિરેક્ટરો નવી નિર્ધારિત 10-વર્ષની મર્યાદાને આધીન રહેશે.

આ સ્પષ્ટતાથી દેશભરની સહકારી બેંકોને ફાયદો થવાની અપેક્ષા છે, જેમાંથી ઘણી ડિરેક્ટર લાયકાત અને મુદત મર્યાદા અંગે વિવાદોમાં ફસાયેલી હતી. આ ફેરફાર કાનૂની અનિશ્ચિતતાઓને ટાળવામાં, સરળ સંક્રમણોને સક્ષમ બનાવવામાં અને સહકારી બેંકિંગ ક્ષેત્રમાં શાસન ધોરણોમાં એકરૂપતા લાવવામાં મદદ કરશે.

બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 ની કલમ 1 ની પેટા-કલમ (2) હેઠળ જારી કરાયેલ સત્તાવાર ગેઝેટ સૂચના અનુસાર, કલમ 3, 4, 5, 15, 16, 17, 18, 19 અને 20 ની જોગવાઈઓ 1 ઓગસ્ટ 2025 થી અમલમાં આવશે.

ખાસ કરીને કલમ 4 અને કલમ 5 મહત્વપૂર્ણ છે, જે બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 માં સુધારો કરે છે, અને સહકારી બેંકોના શાસન માળખાને સીધી અસર કરે છે. આ જોગવાઈઓ ડિરેક્ટરોના મહત્તમ કાર્યકાળ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) સ્તરે પ્રતિનિધિત્વ માટે તેમની પાત્રતા સાથે સંબંધિત છે.

સુધારા અધિનિયમની કલમ 4 બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 ની કલમ 10A માં ફેરફાર કરે છે. તે સહકારી બેંકમાં ડિરેક્ટરના કાર્યકાળની હાલની મર્યાદા આઠ વર્ષથી વધારીને દસ વર્ષ કરે છે. આ સુધારામાં ખાસ કરીને “અને સહકારી બેંકના કિસ્સામાં દસ વર્ષ” વાક્યનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે સહકારી બેંકના ડિરેક્ટરો હવે દસ વર્ષ સુધી કાર્ય કરી શકે છે.

બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 ની કલમ 5, બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 ની કલમ 16 માં સુધારો કરે છે. તે કેન્દ્રીય સહકારી બેંકના ડિરેક્ટરને, જો રાજ્ય સહકારી બેંકના બોર્ડમાં ચૂંટાય છે, તો બંને સંસ્થાઓમાં પદ સંભાળવાની મંજૂરી આપે છે.

આ સુધારામાં શબ્દો દાખલ કરવામાં આવ્યા છે: “અથવા રાજ્ય સહકારી બેંકના બોર્ડમાં ચૂંટાયેલા કેન્દ્રીય સહકારી બેંકના ડિરેક્ટર જેમાં તે સભ્ય છે”, જેનાથી બે બેંકોમાં પદ રાખવા પરના પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવેલા ડિરેક્ટરોની શ્રેણીનો વિસ્તાર કરવામાં આવ્યો છે.

અગાઉ, આ મુક્તિ ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિયુક્ત ડિરેક્ટરો સુધી મર્યાદિત હતી. આ ફેરફાર સાથે, તે હવે ચોક્કસ ચૂંટાયેલા ડિરેક્ટરો સુધી પણ વિસ્તરે છે, જે RBI સમક્ષ સહકારી બેંકોનું વધુ સારું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે અને લાંબા સમયથી ક્ષેત્રમાં કાર્યકારી પડકારો પેદા કરતા શાસન અંતરને દૂર કરે છે.

July 29, 2025
image-21.png
1min161

લોકસભામાં પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારને તીખા સવાલો કર્યા હતા. લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચા દરમિયાન ઓવૈસીએ કહ્યું કે સેનાએ બહાદુરીથી પાકિસ્તાનને જવાબ આપ્યો. સેનાએ શૌર્ય બતાવ્યું. આપણા વડા પ્રધાને કહ્યું હતું કે લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં. જો લોહી અને પાણી એક સાથે વહી ન શકે તો પછી આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ શા માટે રમવા જઈ રહ્યા છીએ?

ઓવૈસીએ કહ્યું કે વડા પ્રધાન કહે છે કે લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં. આપણે વેપાર બંધ કરી દીધો છે. તો હવે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ શા માટે રમવા જઈ રહ્યા છો? આ અત્યંત નિંદનીય છે. ‘ઓપરેશન સિંદૂર’માં આપણી સેનાએ જવાબ આપ્યો. જવાબદારી નક્કી થવી જોઈએ. સરકારે સર્જિકલ સ્ટ્રાઈક કરી છતાં પહલગામ થયું? પાકિસ્તાન હજુ પણ સુધરવાનું નામ નહીં લે. તેને FATFની ગ્રે લિસ્ટમાં નાંખવું જોઈએ.

ગૃહમાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચા દરમિયાન AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, ‘શું તમારી અંતરાત્મા તમને પહલગામમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ભારત અને પાકિસ્તાનનો ક્રિકેટ મેચ જોવાની મંજૂરી આપે છે? આપણે પાકિસ્તાનનું 80 ટકા પાણી રોકી રહ્યા છીએ, એમ કહેતા કે પાણી અને લોહી સાથે-સાથે નહીં વહે. શું તમે ક્રિકેટ મેચ રમશો? મારો અંતરાત્મા મને તે મેચ જોવાની મંજૂરી નથી આપતો. શું આ સરકારમાં એટલી હિંમત છે કે તે 25 મૃતકોને બોલાવીને કહે કે અમે ઓપરેશન સિંદૂરમાં બદલો લઈ લીધો છે, હવે તમે પાકિસ્તાન સાથે મેચ જુઓ. આ બહુ અફસોસની વાત છે.

તેમણે કહ્યું કે પહલગામ કોણે કર્યું? આપણી પાસે 7.5 લાખ સેના અને કેન્દ્રીય અર્ધસૈનિક બળ છે. આ ચાર આતંકી ક્યાંથી ઘૂસી આવ્યા અને આપણા નિર્દોષ ભારતીય નાગરિકોને મારી નાખ્યા. જવાબદારી કોના પર નક્કી થશે?

આ ઉપરાંત ઓવૈસીએ કહ્યું, ભારતીય સેનાએ બહાવલપુરમાં હુમલો કર્યો હતો. ઓપરેશન સિંદૂરમાં મળેલી જીત બાદ દેશના લોકોમાં ઝનૂન પેદા થયું હતું. પરંતુ અફસોસ કે સરકારે તેનો ફાયદો ન ઉઠાવ્યો. પાકિસ્તાનની સેના અને આઈએસઆઈનો હેતુ ભારતમાં ભય ફેલાવવાનો છે.

આ ઉપરાંત ઓવૈસીએ સરકારની ડિટરેંસ નીતિ અને કાશ્મીરને લઈ કરવામાં આવેલા નિર્ણયોની આલોચના કરતાં કહ્યું, કલમ 370 હટ્યા બાદ પણ આતંકી ઘટના બની રહી છે. જેનાથી સરકારની નીતિ નિષ્ફળ સાબિત થઈ છે.

July 29, 2025
image-20.png
1min139

ભારતની સૌથી મોટી વીમા કંપની અને સ્થાનિક રોકાણકાર લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન (એલઆઈસી) ને શેરબજારની પીછેહઠના કારણે જુલાઈ ૨૦૨૫માં મોટું નુકસાન થયું છે.

બજારમાં સતત ઘટાડાને કારણે, તેના રોકાણનું મૂલ્ય રૂ. ૪૬,૦૦૦ કરોડ ઘટયું છે. ૩૦ જૂન, ૨૦૨૫ ના રોજ, કુલ ૩૨૨ કંપનીઓમાં એલઆઈસીના હિસ્સાનું મૂલ્ય રૂ.૧૬.૧૦ લાખ કરોડ હતું, જે ૨૫ જુલાઈ સુધીમાં ઘટીને રૂ. ૧૫.૬૪ લાખ કરોડ થઈ ગયું હતું. જોકે, સારી વાત એ છે કે એલઆઈસીનું મૂલ્ય એપ્રિલ ૨૦૨૫માં શેરબજાર ૫૨ અઠવાડિયાના નીચલા સ્તરને સ્પર્શ્યું હતું તેના કરતાં રૂા. ૧.૯૪ લાખ કરોડ વધુ છે.

એલઆઈસીને સૌથી વધુ નુકસાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી થયું છે. જુલાઈમાં આ કંપનીના શેરમાં ૭.૨% ના ઘટાડાથી એલઆઈસીના રોકાણમાં રૂ.૧૦,૧૮૦ કરોડનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત, ચાર આઈટી કંપનીઓ ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનો અને ટેક મહિન્દ્રામાં સંયુક્ત નુકસાન રૂ. ૧૫,૩૨૧ કરોડનું હતું. આ ઉપરામત, લાર્સન, ભારતી એરટેલઅને આઈટીસી જેવા મોટા શેરોએ પણ એલઆઈસીના હિસ્સાના મૂલ્યમાં ઘટાડામાં મોટી ભૂમિકા ભજવી હતી.

કેટલીક કંપનીઓએ પોર્ટફોલિયોને થોડી રાહત આપી હતી જેમાં, હિન્દુસ્તાન યુનિલિવરમાં રૂા. ૧,૮૨૧ કરોડ, આઈસીઆઈસીઆઈ બેંકમાં રૂા. ૧,૫૦૭ કરોડ, સ્ટેટ બેકમાં રૂા. ૧,૧૩૩ કરોડ તેમજ મહિન્દ્રા અને મહિન્દ્રા, અંબુજા સિમેન્ટ્સ, પતંજલિ ફૂડ્સ, આઈટીસી હોટેલ્સ, યુપીએલ વગેરેએ કુલ રૂા. ૭૬૦ કરોડનો નફો કર્યો હતો.

July 28, 2025
image-18.png
1min147

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારે સાંજથી જ અમદાવાદ સહિતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 28 જુલાઈના પણ સવારે 10 વાગ્ય સુધી સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરતના ત્રણ કલાક માટે સાત જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે રવિવારે 27 જુલાઈના રોજ 193 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઈમજન્સી ઓપરેશન સેન્ટરના દ્વારા જાહેર કરાયેલા વરસાદી આંકડા પ્રમાણે 27 તારીખ 6 વાગ્યથી 28 તારીખ 6 વાગ્ય સુધીમાં 193 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં ખેડાના નડિયાદમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. નડિયાદમાં 24 કલાકમાં 10.43 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10.30 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ખેડાના મેમદાબાદમાં 9.37, માતરમાં 8 ઈંચ, મહુઘામાં 7 ઈંચ, વાસોમાં 6.22 ઈંચ, કથલાલમાં 5.31 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે બીજી બાજુ મુંબઈ શહેરમાં 6.80 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં પૂર્વીય ઉપનગરોમાં 11.53 મીમી વરસાદ જ્યારે પશ્ચિમી વિસ્તારમાં 7.42મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યથી 8 વાગ્ય સુધીમાં 87 તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી.

ગુજરાત હવામાન વિભાગની આગાહી

ગુજરાત હવામાન વિભાગ પ્રમાણે 28 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વડોદરા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છ, જામનગર, જૂનાગઢ, તાપી, ડાંગ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. 29 જુલાઈના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

July 28, 2025
image-17.png
1min86

ભારતના સૌથી મોટી આઈટી સેવા પૂરી પાડનારી કંપનીએ પોતાના કર્મચારીઓને મોટો ઝટકો આપતો નિર્ણય લીધો છે. આ કંપની હવે આગામી વર્ષમાં પોતાના કૂલ કર્મચારીઓમાંથી 2 ટકા કર્મચારીઓની છટણી કરવાની છે.

ચોંકાવનારી વાત એ છે કે કંપનીએ પોતાના કર્મચારીઓના વર્કફોર્સમાં 2 ટકા ઘટાડશે. આ 12 હજાર કર્મચારીઓને કંપની આવતા વર્ષે છટણી કરવામાં આવશે.

આ મામલે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ના સીઈઓ કે. કૃતિવાસનએ જણાવ્યું કે, અત્યારે દુનિયા બદલાઈ રહી છે. હવે કંપની પણ આ બદલાવ માટે તૈયારી કરી રહી છે. ખાસ કરીને વાત એઆઈની છે. હવે એઆઈ દ્વારા નવું વર્ક મોડેલ તૈયાર કરવા માટે કંપની કામ કરી રહી છે.

કંપનીનું એવું પણ માનવું છે કે, ભવિષ્યમાં અત્યારેની જે કાર્યપદ્ધતિ છે તે કામ નહીં આવે તેથી તેમના બદલાવ કરવો અતિ આવશ્યક છે. આ છટણીમાં મધ્યમ અને વરિષ્ઠ સ્તરના કર્મચારીઓને વધુ અસર થઈ શકે છે.

TCSના મતે, તેમણે કર્મચારીઓને નવી કુશળતા શીખવવા અને તેમને નવા પ્રોજેક્ટ્સમાં તૈનાત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ આ તૈનાતી ઘણી ભૂમિકાઓમાં સફળ રહી નહીં. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કંપનીએ એક નવી પેનલ બનાવી છે. જે કર્મચારી 35 થી વધારે દિવસ સુધી કોઈ પ્રોજેક્ટમાં કામ નહીં કરતો હોય તે તેનો રાજીનામું આપવામાં માટે કહેવામાં આવ્યું છે.

જે કર્મચારીએ જાતે રાજીનામું આપે છે તેને ત્રણ મહિનાનો પગાર આપવામાં આવશે. પરંતુ જો કોઈ કર્મચારી જાતે રાજીનામું નહીં આપે તેને ટર્મિનેટ કરવામાં આવશે. જેમાં તેને પગાર પણ નહીં આપવામાં આવે! કંપની દ્વારા આ પ્રક્રિયાને સંભવિત એટલી સંવેદનશીલ રીતે કરવામાં આવી છે.

અસરગ્રસ્ત કર્મચારીઓને નોટિસ પીરિયડ પગાર, નોકરી છોડવા પર વધારાનો પગાર, આરોગ્ય વીમા લાભો અને બહાર નોકરી આપવા જેવા વિકલ્પો આપવામાં આવી રહ્યા છે.

કંપનીનો દાવો છે કે, આ છટણી એઆઈના કારણે નથી કરવામાં આવી રહી હતું, પરંતુ ભવિષ્યમાં સ્કિલ્સની જરૂરિયાતોને ધ્યાને રાખવામાં આવી રહી છે. આ કંપની ભારતની સૌથી મોટી આઈટી કંપનીઓમાંની એક છે.

જો TCS કંપની આટલો મોટો નિર્ણય લઈ રહી છે તે અન્ય કંપનીઓ પણ આ દિશામાં વિચાર કરી શકે છે. કંપની ભલે કહેતી હોય કે આ છટણી એઆઈના કારણે નથી કરવામાં આવતી પરંતુ મહત્વનું કારણે તો એઆઈ જ હશે! પરંતુ હવે અન્ય કંપનીઓ પણ આવો નિર્ણય લેશે કેમ તે જોવું રહ્યું!

July 28, 2025
image-16.png
1min203

મૅન્ચેસ્ટર ઑલ્ડ ટ્રેફર્ડના ઇતિહાસમાં ભારતીયો ઇંગ્લૅન્ડ સામે અગાઉ ક્યારેય ટેસ્ટ (test) નહોતા જીત્યા અને ગઈ કાલે પણ ન જીતી શક્યા, પરંતુ શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા (india)ના બૅટ્સમેનોએ જે અસરદાર લડત બતાવી અને ચોથી ટેસ્ટ ડ્રૉ કરાવી એ ભારત માટે એક રીતે વિજય જ કહેવાય, કારણકે 311 રનની સરસાઈ લીધા પછી પણ બ્રિટિશરો (England) ભારતને બાકીના દોઢ દિવસમાં હરાવી ન શક્યા. ઊલટાનું, ભારતીય ટીમે સેકન્ડ ઇનિંગ્સમાં લીડ ઊતર્યા બાદ બીજા 114 રન બનાવીને દેશની આબરૂ સાચવી હતી.

જબરદસ્ત ફાઇટિંગ સ્પિરિટવાળા રવીન્દ્ર જાડેજા (107 અણનમ, 185 બૉલ, 218 મિનિટ, એક સિક્સર, તેર ફોર) તેમ જ વૉશિંગ્ટન સુંદર (101 નૉટઆઉટ, 206 બૉલ, 298 મિનિટ, એક સિક્સર, નવ ફોર)ની જોડીએ 334 બૉલમાં 203 રનની અતૂટ ભાગીદારી કરીને બ્રિટિશરોને વિજયથી વંચિત રાખ્યા હતા.

આપણ વાંચો: માન્ચેસ્ટર ટેસ્ટ: ભારતીય ટીમ માટે રાહતના સમાચાર, રિષભ પંત બેટિંગ કરી શકશે

બન્ને ટીમના કૅપ્ટનો રમતના અંતની લગભગ એક કલાક પહેલાં ડ્રૉ માટે સહમત થયા ત્યારે ભારતનો બીજા દાવનો સ્કોર 4/425 હતો જે રન તેમણે 143 ઓવરમાં બનાવ્યા હતા.

એ પહેલાં, કૅપ્ટન શુભમન ગિલે (103 રન, 238 બૉલ, 379 મિનિટ, બાર ફોર) ડ્રૉ માટેનો પાયો નાખ્યો હતો. તેની અને કે. એલ. રાહુલ (90 રન, 230 બૉલ, 300 મિનિટ, આઠ ફોર) વચ્ચે 188 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.

યશસ્વી અને સુદર્શન ઝીરોમાં આઉટ થયા હતા, પરંતુ ત્યાર તેમના પછી બૅટિંગ કરનાર ચારમાંથી ત્રણ બૅટ્સમેને સેન્ચુરી ફટકારી. બ્રિટિશરોએ કુલ સાત બોલર અજમાવ્યા અને એમાં ક્રિસ વૉક્સ (23-4-67-2) સૌથી સફળ હતો.

ઇંગ્લૅન્ડ પાંચ મૅચની આ સિરીઝમાં 2-1થી આગળ છે. હવે 31મી જુલાઈથી ઓવલમાં છેલ્લી ટેસ્ટ રમાશે જે જીતીને ભારતીયોએ શ્રેણી ડ્રૉ કરાવવી પડશે.

July 28, 2025
image-15.png
1min135

ઉત્તરાખંડના હરિદ્વારમાં રવિવારે (27 જુલાઈ) સવારે 9 વાગ્યા આસપાસ મનસા દેવી મંદિરમાં નાસભાગ મચી હતી. જેમાં 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, મંદિરના દાદર પર દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ વચ્ચે શોર્ટ સર્કિટની અફવા ઉડી અને ભીડ બેકાબૂ થઈ ગઈ. હાલ, હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. 

તંત્રનું આ મામલે કહેવું છે કે મંદિરમાં ભારે ભીડ એકઠી થઇ હતી જેના કારણે નાસભાગની સ્થિતિ સર્જાઈ. ઘટનાની જાણકારી મળતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કાર્યવાહી શરૂ કરી હતી. 

ગઢવાલ ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભારે ભીડ એકઠી થયા બાદ નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. આ નાસભાગમાં 6 લોકોના મોત થયા છે. હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું.

પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના મંદિરના પગથિયાવાળા રસ્તે બની હતી. એવી શંકા છે કે પગથિયામાં વીજળીનો કરંટ આવતો હતો, જેના લીધે શ્રદ્ધાળુઓમાં ગભરાટને કારણે નાસભાગ મચી ગઈ હતી. ગઢવાલના ડીસી વિનય કુમારે જણાવ્યું હતું કે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે X પર લખ્યું કે, ‘હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગની ઘટના અંગેના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. ઉત્તરાખંડની એસડીઆરએફ, સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરી કરી રહી  છે. હું આ સંદર્ભે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હું માતા રાણીને બધા ભક્તોની સલામતી માટે પ્રાર્થના કરું છું.’ વડાપ્રધાન મોદીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

July 25, 2025
reema-agarwal-1280x853.jpeg
1min91

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ધ સાયલન્ટ થ્રેટ – અન્ડરસ્ટેન્ડીંગ એન્ડ પ્રિવેન્ટીંગ સડન કાર્ડિયાક ડેથ વિષે સેશન યોજાયું

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. ર૧ જુલાઇ ર૦રપના રોજ સાંજે ૪:૦૦ કલાકે સંહતિ, સરસાણા ખાતે ધ સાયલન્ટ થ્રેટ – અન્ડરસ્ટેન્ડીંગ એન્ડ પ્રિવેન્ટીંગ સડન કાર્ડિયાક ડેથ વિષે સેશન યોજાયું હતું, જેમાં કિલનિકલ ડાયટિશ્યન એન્ડ ફંકશનલ મેડિસિન ડોકટર રીમા અગ્રવાલે વિસ્તૃત જાણકારી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં કર્મચારીઓની ફિટનેસ અને આરોગ્ય એ દરેક ઉદ્યોગ અને સંસ્થાઓ માટે એક મૂલ્યવાન સંપત્તિ છે. અચાનક હાર્ટએટેકની ઘટનાઓમાંથી બચવા માટે કામકાજની જગ્યા પર નિયમિત હેલ્થ ચેકઅપ, ફિટનેસ અવેરનેસ અને ઇમરજન્સી રિસ્પોન્સની સુવિધા હોવી અનિવાર્ય છે. ઉદ્યોગ સાહસિકોએ પણ પોતાની સાથે કર્મચારીઓના આરોગ્યને પણ પ્રાથમિકતા આપવી જોઈએ, જેથી ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદકતા સાથે સાથે કર્મચારીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત થઈ શકે.

કિલનિકલ ડાયટિશ્યન એન્ડ ફંકશનલ મેડિસિન ડોકટર રીમા અગ્રવાલે જણાવ્યું હતું કે, સડન કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક બંને વસ્તુ જુદી જુદી છે. હાર્ટ એટેકમાં હૃદયને ઓકિસજન યુકત લોહીનો સપ્લાય મળતો બંધ થઇ જાય છે ત્યારે હાર્ટ એટેક આવે છે. હાર્ટ એટેકમાં હાર્ટ બીટ ચાલુ હોય છે. જ્યારે કાર્ડિયાક એરેસ્ટમાં હાર્ટ બીટ બંધ થઇ જાય છે અને અચાનકથી વ્યકિતનું મૃત્યુ થઇ જાય છે. વધુ પડતો ઠંડો પરસેવો આવવો, હૃદયમાં દુઃખાવો થવો, ચકકર આવવા જેવા હાર્ટ એટેકના લક્ષણો છે. જો આવું થાય તો તુરંત મેડીકલ હેલ્પ લેવી જોઇએ. હાર્ટ એટેકના કેટલાક કિસ્સાઓમાં સમયસર સારવાર નહીં મળવાથી વ્યકિતનું કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ થઇ જાય છે અને હાર્ટ એટેકનો કેસ કાર્ડિયાક એરેસ્ટમાં પરીણમે છે.

ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર ભારતમાં થનારા કુલ મૃત્યુના રેશિયોમાં ૧૦૦માંથી રપથી ૩૦ જણાના મોતની પાછળ સડન કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક કારણભુત હોય છે. આવી રીતે ભારતમાં દર વર્ષે પાંચથી સાત લાખ લોકોની મૃત્યુ માત્ર કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેકને કારણે થઇ જાય છે. વિદેશોમાં કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેકની ઘટનામાં ૧૦થી ૧ર ટકા લોકોનો જીવ બચી જાય છે, જ્યારે ભારતમાં આ પ્રમાણ ર ટકાથી પણ ઓછું છે, જે ગંભીર બાબત છે.

તેમણે જણાવ્યું હતું કે, સડન કાર્ડિયાક એરેસ્ટ એ જીવનશૈલી સંબંધિત લાંબા ગાળાના કારણોનું પરિણામ હોય છે. હાલ યુવાનોનું કાર્ડિયાક એરેસ્ટને કારણે અચાનક મૃત્યુ થઇ રહયું છે. એમાં સૌથી મોટું કારણ યોગ્ય આહારનો અભાવ છે. ફાસ્ટ ફૂડ અને ફ્રોઝન ફૂડને કારણે લોકોનું આરોગ્ય ધીમે ધીમે બગડી રહયું છે અને ૧૦૦થી ૧૧૦ વર્ષ સુધી જીવનારા લોકોનું આયુષ્ય ઘટી રહયું છે. યોગ્ય આહારના અભાવની સાથે સાથે શરીરને વ્યાયામની અછત, તણાવ અને અનિયમિત ઊંઘ આ બધું પણ હૃદય પર દબાણ ઊભું કરે છે.

તેમણે વધુમાં કહયું હતું કે, આજે આપણે માત્ર રોગનું નિદાન જ જરૂરી નહીં પણ આરોગ્યની સંપૂર્ણ કાળજી રાખવાની જરૂર છે. યોગ્ય આહાર, પૂરતી ઊંઘ, તણાવથી મુક્ત જીવનશૈલી અને સમયસર થયેલી સ્ક્રિનિંગ્સ હાર્ટ એટેક જેવા જોખમોને ટાળી શકે છે.

ચેમ્બરની આયુષ કમિટીના ચેરપર્સન ડો. મન્શાલી તિવારીએ વકતાનો પરિચય આપી સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. આયુષ કમિટીના કો–ચેરપર્સન ડો. પારૂલ પટેલે સેશન વિષે માહિતી આપી હતી. જ્યારે કમિટીના કો–ચેરમેન ડો. નિપેશ પટેલે સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.