જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
મેડીકલ ખાસ કરીને એમબીબીએસમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ હવે સેકન્ડ ટ્રાયલનો ટ્રેન્ડ એટલી હદે વધી ગયો છે કે આ વર્ષે 2021માં ગુજરાતની મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે એપ્લાય કરનારા કુલ 24,228 પ્રવેશાર્થીઓ પૈકી 40 ટકા એટલે કે 9,331 પ્રવેશાર્થીઓ એવા છે જેમણે નીટની પરીક્ષા બીજી વખત આપીને સ્કોર મેળવ્યો છે. આવું કરવા પાછળ બે કારણો છે (1) એડમિશન મળે તેટલો નીટનો સ્કોર આવે એટલા માટે (2) સરકારી મેડીકલ કોલેજો કે જ્યાં ઓછી ફીમાં એમબીબીએસનો અભ્યાસ કરી શકાય તે માટે બીજી વખત નીટની પરીક્ષા આપવાના વલણનો વ્યાપ દર વર્ષે વધી રહ્યો છે.
ગુજરાતની મેડિકલ કોલેજોમાં 2021માં એડમિશન લેવા માટે ફોર્મ ભરનારા કુલ 24,228 ઉમેદવારોમાંથી 9,331 એવા હતા જેમણે ધોરણ 12ની પરીક્ષા 2020 અથવા તે પહેલાના વર્ષમાં પાસ કરી હતી
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ (ACPUGMEC) દ્વારા MBBS સહિતની 5504 મેડિકલ બેઠકોની એડમિશન પ્રક્રિયા માટે વેરિફેકશન કરવામાં આવ્યું ત્યારે આ આંકડો બહાર આવ્યો હતો.
મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા રિપીટ કરવાનું પસંદ કરી રહ્યા છે તેની પાછળ નક્કર કારણ રહેલું છે. ખાનગી કોલેજમાં એમબીબીએસ કરવું હોય તો દર વર્ષે 8થી 14 લાખ રૂપિયા ફી ભરવી પડે છે. મોટાભાગની પ્રાઈવેટ કોલેજો કરતાં સરકારી કોલેજોમાં કટ-ઓફ ઊંચું હોય છે અને ત્યાં વાર્ષિક ફી પણ 25,000 રૂપિયા જેટલી હોય છે. સરકારી ટ્રસ્ટ દ્વારા ચાલતી GMERS કોલેજોની વાર્ષિક ફી આશરે 3 લાખ રૂપિયા જેટલી હોય છે.
2021માં લેવાયેલી નીટ પરીક્ષાના સ્કોરથી અસંતુષ્ઠ વિદ્યાર્થીઓ 2022માં મોટી સંખ્યામાં નીટની સેકન્ડ ટ્રાયલ આપે તેવી શક્યતા
જે રીતે નીટની સેકન્ડ ટ્રાયલ આપવાનો ટ્રે્ન્ડ વધી રહ્યો છે. 2017થી શરૂ થયેલો નીટ સેકન્ડ ટ્રાયલ આપવાના ટ્રેન્ડને જોઇએ તો દર વર્ષે સેકન્ડ ટ્રાયલ આપનારા વિદ્યાર્થીઓની વધી રહેલી સંખ્યાને જોતા આ વર્ષે 2021માં પહેલી વખત નીટ આપનારા હજારો વિદ્યાર્થીઓએ તેમના સ્કોરથી અસંતોષ વ્યક્ત કરીને નીટ 2022 માટે તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જણાય રહ્યું છે. ક્લાસીસોના સંચાલકો પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ પ્રમાણે બ્રેઇન વોશ કરીને નીટ સેકન્ડ ટ્રાયલ માટે માનસિક રીતે તૈયાર કરી રહ્યા છે.


















