આજે તા.1લી નવેમ્બર 2019ને શુક્રવારે લાભ પાંચમથી સૌરાષ્ટ્રના તમામ માકેર્ટિંગ યાર્ડ ખુલી રહ્યા છે.
રાજકોટ માર્કેટ યાર્ડ આજે શુક્રવાર સવારથી મગફળી અને કપાસથી ઉભરાઈ ગયું છે. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ઉપજ લઇને માકેર્ટિંગ યાર્ડમાં પહોંચી રહ્યા છે.
એક વેપારીએ જણાવાયું હતું કે, વરસાદી માહોલમાં ખુલ્લા માકેર્ટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી અને કપાસ લઇને આવી રહ્યા છે, પરંતુ અમે તેને વાહનમાં જ રાખવાનું કહ્યું છે જેથી વરસાદ પડે તો તેનો પાક પલળે નહીં અને શુક્રવારે વાહનમાં જ સીધી હરાજી કરવામાં આવશે.
રાજકોટ કન્ઝ્યુમર પ્રોડક્ટસ ડિસ્ટ્રીબ્યૂટર્સ એસોસીએશનના પ્રમુખ જીતેન્દ્ર અદાણી કહે છે, અમે રેકીટ, ડાબર, બ્રિટાનીયા, મેરિકો, ઇમામી અને ગોદરેજ એમ છ કંપનીઓના માલ ઉપાડવાનું બંધ કરી દીધું છે. સમગ્ર ગુજરાતના નાના-મોટાં 7 હજાર જેટલા ડિસ્ટીબ્યૂટરો તેને અનુસરી રહ્યા છે.’ ગત તા. 18મીથી માલ ઉઠાવવાનું બંધ કરી નાંખ્યું છે. પાંચ દિવસ પછી કંપનીઓ સાથે વાટાઘાટ ચાલી રહી છે.’ મોલ અને ડિસ્ટ્રીબ્યૂટર્સને અપાતા માલના સમાન ભાવ નહીં રાખવામાં આવે ત્યાં સુધી અમે બહિષ્કાર જાળવી રાખીશું.
ૉમોલ અને ડિસ્ટીબ્યૂટર મારફત વેંચાતી એફએમસીજી પ્રોડક્ટના ભાવમાં ભારે અસમાનતાને લીધે વર્ષોથી કંપનીઓનો માલ ખૂણે ખૂણે પહોંચાડતા ડિસ્ટ્રીબ્યૂટરોના ધંધા ઘસાવા લાગ્યા છે. કંપની બેવડી ભાવનીતિના જોરે માર્કેટ મેળવવા ઇચ્છતી હોય છે તેના કારણે ડિસ્ટ્રીબ્યૂટરોએ રોષે ભરાઇને આંદોલન છેડયું છે. છ દિવસથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવી છ-છ કંપનીઓનો માલ નહીં ઉપાડીને બહિષ્કાર કર્યો છે. કંપનીઓ વાટાઘાટ કરીને ભાવનીતિમાં બદલાવ ન કરે ત્યાં સુધી આંદોલન ચાલશે.
કંપનીઓની બે ભાવની નીતિનો અમારો વિરોધ છે તેમ તેમણે ઉમેર્યું હતુ. ડિસ્ટ્રીબ્યૂટર્સને કંપની ઉંચા ભાવે અને મોલને નીચાં ભાવથી માલ આપે છે. પરિણામે ગ્રાહક ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે માલ ખરીદવા જાય ત્યારે પોતે છેતરાતો હોવાનું અનુભવીને શંકા કરે છે. આમ ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે જતો ગ્રાહક મોલમાંથી જથ્થાબંધમાં સસ્તી પ્રોડક્ટ લઇને વેંચે છે. વેપારમાં આ રીતે અસમાનતા સર્જાય છે.
ઓનલાઇન કે મોલ બિઝનેસનો અમારો વિરોધ નથી. પરંતુ 15-25 જેટલા મોટાં બિઝનેસ જૂથો મોટાં બની રહ્યા છે અને નાનો વેપારી ફસાય રહ્યો છે, બેરોજગારી વધી રહી છે તેનો વિરોધ છે. કેટલીક કંપનીઓ હવે ડિસ્ટ્રીબ્યૂટર્સની ચેનલ દૂર કરીને સીધા જ વેચાણ કરવાના મૂડમાં છે એનાથી નાના વેપારીઓ ખતમ થઇ જશે. ખરેખર તો કંપનીઓએ નાના વેપારીઓ વિકસે અને વેપાર વધે તેવી નીતિ અપનાવવી જોઇએ પણ કંપનીઓ તેમને જ મારી રહી છે.
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તારીખ ૨૧ ઑક્ટોબરથી ૪ નવેમ્બર સુધી માધવપુર, માંડવી (કચ્છ) અને તીથલ ખાતે ‘બીચ ફેસ્ટિવલ – ૨૦૧૯નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બીચ ફેસ્ટિવલને ૨૧ ઑક્ટોબરના રોજ સાંજે ૫.૩૦ કલાકે પ્રવાસીઓ માટે ત્રણેય સ્થળો ખાતે ખુલ્લો મૂકવામાં આવશે. દિવાળી વેકેશનમાં પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન વિભાગ દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકિનારે રમણીય પ્રવાસન સ્થળોને વિકસાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના તમામ બીચ પર તેનું અલાયદું કુદરતી સૌંદર્ય જોવા મળે છે.
બીચ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ આસપાસનાં સ્થળોને સાથે રાખીને સર્કિટ બનાવી પોતાના પ્રવાસ પેકેજ બનાવી શકશે. બીચ ફેસ્ટિવલમાં આવનારા પ્રવાસીઓ માધવપુરની આસપાસ સોમનાથ મંદિર, પોરબંદર ખાતે કીર્તિ મંદિર સહિતનાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકે છે. જ્યારે માંડવી બીચની મુલાકાત લેનારા પ્રવાસીઓ કચ્છનાં ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે. એ જ રીતે તીથલની આસપાસ દમણ, પારસીઓનું એકમાત્ર સ્થળ ઉદવાડા તથા અન્ય જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ સહેલાણીઓ મજા માણી શકશે.
રાજ્ય સરકાર મેળાઓ અને ઉત્સવોની ઉજવણીને પ્રોત્સાહન આપી રહી છે, અને તેના ભાગરૂપે કચ્છમાં યોજાતા રણોત્સવ, અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ, પોલો ફેસ્ટિવલ દ્વારા પ્રવાસીઓને આકર્ષે છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીના પ્રાંગણમાં પણ ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
તળાજા શહેર અને ખાસ કરીને અલંગ પંથકના ગામડાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું, જેમાં તળાજા યાર્ડમાં પડેલી મગફળીની ગૂણો પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. તો ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જતા દિવાળી પર્વને ઝાંખપ લાગશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તળાજા શહેર અને અલંગ, મણાર, ભાખલ, બપાડા, સથરા, ત્રાપજ વિસ્તારમાં મૌસમે રૂખ બદલ્યો હતો જેમાં ભારે ગાજવીજ સાથે તળાજામાં પાંચ મિ.મી વરસાદ વરસ્યો હતો. જ્યારે ઉપરોક્ત ગામડાઓમાં ભારે પવન સાથે એક ઇંંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. તળાજા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ગૂણો પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન મગફળીના માલિકોને થયું હતું.
ભાખલ ગામના ખેડૂતે જણાવ્યું હતું કે મગફળી ખેંચેલી વાડી ખેતરમાં પડી હતી. જે વરસાદના કારણે તરવા લાગી હતી જેનાથી મગફળી તો સાવ ખરાબ થઈ અને પશુને નિરણ માટેનું ચારોલુ ખરાબ થઈ ગયું હતું. કપાસના પાકની પહેલો વિણ નિષ્ફળ ગયો હતો. વરસાદ થતાં કપાસના પાકને પણ મોટું નુકસાન થયું હતું. ખેડૂતોએ દિવાળીના બદલે હોળી થયાની વેદના વ્યક્ત કરી હતી.
મહીસાગર જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવી ગયો હતો. આજે બપોર સુધી સામાન્ય વાતાવરણ હતું અને તડકો પણ નીકળ્યો હતો ત્યારે અચાનક જ વાદળો ગોરંભાવા લાગ્યા અને થોડા જ સમયમાં કડાકા-ભડાકા સાથે પહેલા ઝરમર વરસાદ ચાલુ થયો હતો. વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવી રહ્યા છે. ગુજરાતમાં ચાલુ સિઝનમાં સમય કરતા વધારે લાંબા સમય સુધી ચોમાસુ ચાલ્યું છે. ચાલુ વર્ષે ગુજરાતમાં સિઝનનો ૧૩૯ ટકા વરસાદ પડી ગયો છે જેના કારણે ખેડૂતો અગાઉ જ લીલા દુષ્કાળનો સામનો કરી રહ્યા હતા ત્યારે દિવાળી નજીક આવી પહોંચી છે અને લણણીનો ટાઇમ નજીક આવ્યો તેમ છતાં પણ વરસાદ વરસતા ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. ખેડૂતો હવે વરસાદ ન પડે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા ત્યાં અચાનક આજે આકાશ ગોરંભાયું અને વરસાદ ખાબક્યો હતો
સારાં વરસાદથી કપાસનું બમ્પર ઉત્પાદન થવાનું છે. સતત વરસાદથી પાકને નુક્સાનીની ખબરો વચ્ચે નવી આવક પણ પુરજોશમાં શરું થઇ ગઇ છે. જોકે મબલક આવકને લીધે કપાસના પોસાણક્ષમ ભાવ મળશે કે કેમ એ સવાલ ખેડૂતોને ફરીથી પરેશાન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક દોઢથી પોણા બે લાખ મણ રોજીદી થવા લાગી છે પણ એમાંથી ફક્ત 10-15 ટકા કપાસ જ ટેકાના ભાવની નજીક વેંચાય છે. મોટાંભાગના ખેડૂતો ટેકાનો ભાવ મેળવવા તરસી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં દોઢથી પોણા બે લાખ મણની આવક પણ દસ-પંદર ટકા કપાસ જ ટેકાના ભાવથી વેચાય છે
સીસીઆઇની ગુણવત્તા પ્રમાણેનો કપાસ બજારમાં આવતા દિવાળી પછી ખરીદી શરું થવાની શક્યતા છે. વેપારીઓ કહે છે, નબળા કપાસની આવકો વધારે આવે છે એ કારણે ટેકા કરતા નીચો ભાવ બોલાય છે. દિવાળી પછી સારો લંબતારી કપાસ આવશે તો ભાવ ઉંચો મળશે.
ખેડૂતો કહે છે કે કપાસનો સરકારી ટેકાનો ભાવ રૂ.1110 છે. જોકે બહુ ઓછાં ખેડૂતોને કપાસનો પૂરો ભાવ પ્રાપ્ત થાય છે. વરસાદથી પલળેલા કપાસની આવક દસેક દિવસ સુધી થતી હતી પણ હવે સારી ગુણવત્તાનો સૂકો કપાસ આવવા લાગ્યો છે છતાં પુરવઠાના કારણે ભાવ મળવો’ મુશ્કેલ છે. કપાસનો ભાવ સૌરાષ્ટ્રમાં સરેરાશ મણ દીઠ રુ.960-1121 વચ્ચે બોલાય છે. જોકે રુ. 1110 ઉપર 10-15 ટકા માલ જ વેચાય છે એવું કપાસના બ્રોકરો કહી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પ્રમાણમાં કપાસની આવક હળવદ, બોટાદ, અમરેલી, સાવરકુંડલા અને રાજકોટ સેન્ટરમાં થઇ રહી છે. દિવાળી પૂર્વે ખેડૂતોને નાણાંની આવશ્યકતા છે એટલે ઝડપભેર માલ વેંચી રહ્યા છે. બીજી તરફ જિનીંગ મિલો હજુ 10 ટકા જેટલી જ ખૂલી છે એટલે કપાસની માગ ઘણી ઓછી દેખાય છે. દિવાળી પછી જિનો ખૂલતા કપાસની માગ વધશે. જોકે એ પછી કપાસની આવક પણ વધશે ત્યારે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સરકાર ખરીદી કરાવે તેવી માગણી પ્રબળ બનશે. સીસીઆઇએ હજુ સુધી ગુજરાતમાં કપાસની ખરીદી માટે કોઇ જાહેરાત કરી નથી.
ટ્રેનના પ્રવાસીઓ માટે બાંદરા ટર્મિનસથી પાલીતાણા વચ્ચે ૧૬ ઑક્ટોબર, ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવેએ કર્યો છે. આ નિર્ણયના પગલે દિવાળીના સમય દરમ્યાન ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે.
ટ્રેન-નં. ૦૯૦૨૭ બાંદરા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ ટ્રેન બાંદરા ટર્મિનસથી ૧૬ ઑક્ટોબરને બુધવારે ૧૫.૨૫ વાગ્યે ઊપડીને આગલા દિવસે ૫.૩૦ વાગ્યે પાલિતાણા પહોંચશે. આ ટ્રેન ૧૬ ઑક્ટોબર, ૨૦૧૯થી ૧ જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ચાલશે.
ટ્રેન-નંબર ૦૯૦૨૮ પાલિતાણા-બાંદરા ટર્મિનસ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન ૧૭ ઑક્ટોબરને ગુરુવારે પાલિતાણાથી સવારે ૭.૩૫ વાગ્યે ઊપડીને એ જ દિવસે ૨૧.૫૦ વાગ્યે બાંદરા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ૧૭ ઑક્ટોબર, ૨૦૧૯થી બીજી જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ચાલશે.
આ ટ્રેનમાં એસી ટૂ ટિયર, એસી થ્રી ટિયર, સ્લીપર તથા સેકન્ડ કલાસ, જનરલ કોચ રહેશે. આ ટ્રેન શિહોર, સોનગઢ, ધોળા જંક્શન, બોટાદ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી તથા બોરીવલી સ્ટેશનો પર રોકાશે.
ગુજરાતમાં મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાનો પૂરાવો આપતી આવક સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સોમવારે થઇ હતી. વરસાદ અટક્યાને હજુ આઠેક દિવસનો સમય થયો છે ત્યાં ખેડૂતો માલ ઠાલવવા લાગતા સવા બે લાખ ગુણી મગફળી ગુજરાતભરમાં આવી પડી હતી ! સીઝનના આરંભના દિવસોમાં આવકનો આટલો પ્રવાહ ક્યારેય સર્જાયો નહીં હોવાથી સૌ આશ્ચર્યમાં મૂકાય ગયા હતા. ગોંડલ અને રાજકોટ જેવા માર્કેટ યાર્ડો મગફળીથી છલોછલ થઇ ગયા હતા. મગફળીના ભાવ પણ આવકના પ્રભાવથી તૂટયાં હતા.
રવીવારની રજા પછી સોમવારે સૌરાષ્ટ્રમાં સવા લાખ ગુણી અને ગુજરાત તરફ એકાદ લાખ ગુણીની હોબેશ આવક હતી. રાજકોટમાં લગભગ 32 હજાર ગુણી આવક હતી. રવિવારે આવેલી 16-17 હજાર ગુણી ઉમેરતા 48 હજાર ગુણી આવી પડી હતી. એ જ ઢબે ગોંડલ યાર્ડમાં 66000 ગુણી આવી હતી. બન્ને યાર્ડમાં કુલ મળીને 40 હજાર ગુણી પડતર છે.
રાજકોટ યાર્ડમાં મંગળવાર સવારે આઠ વાગ્યે આવકો નવી સૂચના સુધી બંધ કરી દેવામાં આવશે. ગોંડલમાં જગ્યાનો પ્રશ્ન હજુ નડતરરુપ ન હોય આવક ચાલુ છે. જોકે બે દિવસ આવકો વધુ રહે તો ત્યાં’ પણ આવક બંધ કરવાની નોબત આવી શકે છે. ચાલુ વર્ષે ઉત્પાદન 32થી 35 લાખ ટન વચ્ચે થવાના અંદાજો હોવાથી ડિસેમ્બર સુધી મબલક આવકો થશે અને ભાવ પણ તૂટશે.
મહારાષ્ટ્રમાં સીંગદાણાની માગથી મગફળીનો ભાવ ગયા અઠવાડિયે રાજકોટ-ગોંડલમાં મણે રૂ. 1500-1600 સુધી ગયો હતો. જોકે સોમવારે આવકના પૂરમાં ભાવ તણાઇ ગયો હતો. બન્ને યાર્ડમાં ઝીણી રૂ. 800-1200 અને જાડી રૂ. 800-1050 સુધી વેચાઇ હતી. ભાવ ઉપલા સ્તરેથી તીવ્ર વેગથી તૂટયાં છે.
ઉત્તર ગુજરાતમાં ય હોબેશ આવક હતી. ડિસામાં 35 હજાર ગુણી, પાથાવાડામાં 15 અને પાલનપુરમાં 7 હજાર ગુણી આવી હતી. સૌરાષ્ટ્રમાં મહુવા ખાતે 6, જૂનાગઢ અને કાલાવડમાં 5-5 હજાર ગુણી, સાવરકુંડલા અને વીસાવદરમાં 2200 ગુણી, જામજોધપુરમાં 3000 ગુણી, જેતપુરમાં 2500 ગુણી અને કોડીનારમાં 2500 ગુણીની આવક મુખ્ય હતી.
વેપારીઓએ કહ્યું કે, સતત વરસાદને લીધે આવકો 20-25 દિવસ મોડી પડી ચૂકી હતી. ભાદરવા જેવા તાપ પડવાનું શરું થતા હવે ખેડૂતો ફટાફટ માલ કાઢીને ઉંચો ભાવ મેળવી રહ્યા છે. સરકાર દ્વારા આવતા મહિનાથી મગફળીની ખરીદી થવાની છે એ પૂર્વે ભેજ અને ભાવનો લાભ લેવા માટે ખેડૂતો માર્કેટ યાર્ડોમાં માલ ઠાલવવા માંડયા છે.
નાફેડને વેંચવા માટે આશરે પાંચેક લાખ ખેડૂતોએ ગુજરાતમાં નોંધણી કરાવી છે. પ્રત્યેક ખેડૂતો પાસેથી સરકાર 2500 કિલોની મર્યાદામાં મગફળી ખરીદશે. આઠ લાખ ટનનું લક્ષ્યાંક છે. લાભપાંચમે ખરીદીનો આરંભ થાય એ પૂર્વે ખેડૂતો નાણાની જરુરિયાત સંતોષવા માટે માલ વેંચી રહ્યા છે.
સૂરત ડાયમંડ એસોસીએશનએ કરેલી રજૂઆતોને પગલે આગામી દિવાળીની રજાઓ દરમિયાન સૂરતથી સૌરાષ્ટ્ર પોતાના માદરે વતન જતા પરિવારો માટે એક્સ્ટ્રા બસ મૂકવાની જાહેરાત કરનાર ગુજરાત એસ.ટી. તંત્ર આવી સ્પેશ્યલ એક્સટ્રા બસ સર્વિસ માટે વધારાનો એક પણ રૂપિયા ચાર્જ નહીં લેશે આ બાબતે એસ.ટી. તંત્રવાહકો સંમત થયા છે.
સૂરતથી પોતાના વતનમાં જતા સૌરાષ્ટ્રવાસી પરિવારો, રત્નકલાકારો પાસે ગુજરાત એસટી વિભાગ જે વાસ્તવિક અમલી રેટ હશે તે મુજબ જ મુસાફરી ભાડું વસૂલ કરશે. અત્યાર સુધી એવું નોંધાયું હતું કે એસટી વિભાગ એકસ્ટ્રા બસ માટે વધારાનો ચાર્જ વસૂલ કરી રહ્યું હતું. સૂરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ શ્રી બાબુભાઇ કથિરીયા તેમજ અન્ય આગેવાનોએ હાલમાં ચાલી રહેલી મંદી દરમિયાન સૂરત આવીને વસેલા સૌરાષ્ટ્રવાસી પરિવારોને રાહત મળે એ માટે ઉપરોક્ત રજૂઆતો કરી હતી. જેને એસ.ટી. તંત્રના ઉચ્ચાધિકારીઓએ ગ્રાહ્ય રાખી છે.
વધુ મળતી માહિતી મુજબ સૂરતથી સૌરાષ્ટ્ર જઇ રહેલા મુસાફરોને જ આ લાભ મળશે. વતનથી પરત આવતી વખતે એકસ્ટ્રા બસનો લાભ નહીં મળી શકે એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.
સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઇ કથિરીયાએ કહ્યું હતું કે આ વખતે હીરાઉદ્યોગમાં ભારે મંદીને કારણે રત્નકલાકારોને વતન જવા માટે વધારાનો આર્થિક બોજ ના ઉઠાવવો પડે એ વાતને ધ્યાનમાં રાખીને સૂરત ડાયમંડ એસોસીએશનએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી કે એસટી વધારાનો ચાર્જ ન લે. એ વાત સ્વાકારી લેવામાં આવી છે અને કારીગરોને વતન જવા માટે એસટીનો જે ચાર્જ હશે તે ચુકવવો પડશે.
સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે દિવાળીના વેકેશનમાં લકઝરી બસો ઉઘાડી લૂંટ ચલાવે છે જેની સામે એસટીનો દર ઘણો ઓછો છે એટલે રત્નકલાકારોને રાહત મળશે.
આજી જીઆઈડીસી વિસ્તારમાં અમૂલ યુનિટ સામે આવેલી મેસ્કોટ ઈન્ડસ્ટ્રીઝમાં આજે બપોરે 3 કલાકે શાપર-વેરાવળની વીએના કેમિકલ્સમાંથી ‘ટોલ્વીન’ કેમિકલનું એક ટેન્કર ભરાઈને આવ્યું હતું. આ કેમિકલને બેરલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, બાજુમાં પાર્ક કરેલી એક કાર તેમજ છકડો પણ તેમાં બળીને ખાક થઈ ગયો હતો. કારખાનેદારો દ્વારા આગ ઓલવવા માટે સતત ફોમનો મારો ચલાવવામાં આવ્યો હતો પરંતુ આગ વધુને વધુ ભયાનક બની હતી. કાળા ધૂમાડાના ગોટેગોટા કિલોમીટર સુધી જોવા મળતાં હતાં.
આજી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં’ આજે આગ લાગતા ફાયરબ્રિગેડના 8 ફાયરફાયટર ઘટના સ્થળે દોડી ગયાં હતાં, આગની તિવ્રતાને ધ્યાને લઈ ફાયરબ્રિગેડ બ્રિગેડકોલ આપીને આસપાસનો સમગ્ર વિસ્તાર ખાલી કરાવ્યો હતો અને 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવા આવ્યો હતો. અલબત આગ ઓલવતી વખતે ચીફ ફાયર ઓફિસર સહિત 7 લાકોને કેમિકલની અસર થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં તેઓનું સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
દરમિયાન આ અંગેની જાણ ફાયરબ્રિગેડને થતાં ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબાની આગેવાનીમાં ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. 8 ફાયરફાયટર સાથે ઘટના સ્થળે પહોંચેલી ટીમે’ સૌપ્રથમ તો આસપાસના ગોદામોને ખાલી કરાવવામાં આવ્યાં હતાં અને કામદારો અને લોકોને દૂર હટાવાયાં હતાં. પોલીસ પણ ખડેપગે રહી હતી. 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ તો મેળવી લેવાયો હતો પરંતુ આગ બૂઝાવતી વખતે ચીફ ફાયર ઓફિસર સહિત અન્ય 7 વ્યક્તિઓને કેમિકલની ઝેરી અસર થતાં શહેરની મધુરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેઓનું સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
ટ્રોલ્વીન એક સુગંધિત હાઈડ્રોકાર્બન છે. રંગવિહાણા આ કેમિકલ પાણીમાં અદ્રાવ્ય છે તેમજ તેની સુંગધ રંગરોગાનમાં વપરાતા થીનરને મળતી આવે છે. ઓદ્યોગિક એકમોમાં તેનો પુષ્કળ વપરાશ થાય છે. ટ્રોલ્વીન એક જ્વલનશીલ કેમિકલ છે, તેમાં આગ લાગે ત્યારે ઓલવવી ખૂબ જ મુશ્કેલ પડે છે.
રાજકોટ શહેર પોલીસને છ માસ પહેલા એક બાતમી મળી હતી કે કેટલાક લોકોની બનેલી એક ગેંગ મેમો આવ્યો હોય તેમાં લખેલી દંડની રકમ કરતા ઓછી રકમ ભરાવી વાહનો છોડાવી આપવાની પ્રવૃતિ કરી રહ્યા છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી લોકો પાસેથી દંડની રકમ ઓછી કરાવવાનું કહેતા એક વ્યક્તિને ટ્રેસ કરવામાં આવ્યો હતો. એ વ્યક્તિનું પગેરું દબાવતા રાજકોટના આજી ડેમ ચોકડી પાસે આવેલા માનસરોવર પાર્કની એક ઓફિસમાંથી સમગ્ર કામકાજ ઓપરેટ થતું હોવાની વિગતો સાંપડતા જ પોલીસે રેડ કરતા બેની ધરપકડ કરી પૂછપરછ કરતા વધુ ચાર લોકોને પકડી પાડવામાં આવ્યા હતા.
પોલીસે આ ઓફિસમાં તપાસ કરતાં જ ઈ-પહોંચ તેમ જ મેમો અને આરટીઓના ફોરવર્ડિંગ લેટર તેમ જ સિક્કા મળી આવ્યા હતા.
રાજકોટ શહેર ઓફિસે રેડ દરમિયાન હાર્દિક જાદવ અને મનીષ ઉર્ફે સાગર ઘનશ્યામ મહેતાની ધરપકડ કરી બંનેની પૂછપરછ કરતા વધુ લોકો પણ સંડોવાયેલા હોવાનું ખૂલતા વધુ ચારની પણ અટકાયત કરી હતી. આ છ લોકો આરટીઓના ફોરવર્ડિંગ લેટર તેમ જ પહોંચ આબેહૂબ બનાવી આપતા હતા. જે પહોંચ પોલીસને આપતા પોલીસ વાહન આપી દેતા હતા અને નોંધ કરતા જેથી ચોપડે દંડ ભરાઈ ગયાનું લખાઈ જતું હતું.
સરકારી ચોપડે દંડ ભરાઈ ગયાની નોંધ કરાવી આરટીઓ તંત્ર સાથે મોટી છેતરપિંડી આચરી રહ્યા હતા. પોલીસે આ અંગે અલગ અલગ સ્થળોએ રેડ કરી બોગસ પહોંચ, લેપટોપ, પ્રિન્ટર, સિક્કા, પોલીસે આપેલા મેમો સહિતના દસ્તાવેજો જપ્ત કરી અત્યાર સુધીમાં કેટલા દંડની રકમની છેતરપિંડી કરવામાં આવી તેની તપાસ હાથ ધરી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.