તહેવારોના દિવસોમાં ખાસ કરીને તા.26મી ઓગસ્ટને સોમવારે જન્માષ્ટમીને પર્વએ મેઘરાજાએ દક્ષિણથી લઇને ઉત્તર, સૌરાષ્ટ્રથી લઇને કચ્છ, મધ્યગુજરાત સમેત સમગ્ર ગુજરાતની ધમરોળી નાખ્યું છે ત્યારે ભારે વરસાદને કારણે સમગ્ર પ્રશાસન હરકતમાં આવી ગયું છે. કચ્છથી લઈને કાઠિયાવાડ તેમ જ મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે કેન્દ્ર સરકારે અસરગ્રસ્તોને ઈમરજન્સીની પરિસ્થિતમાં પહોંચી વળવા માટે તાકીદ કરી છે.
સરકારના ઉપલબ્ધ આંકડા અનુસાર રાજ્યમાં 237 તાલુકામાં આજે ભારે વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ બરોડા, પાદરા, બોરસદમાં નોંધાયો છે. પાદરામાં અગિયાર ઈંચ, બોરસદ અને વડોદરામાં દસ ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે 96 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
રાજ્યના મોટા ભાગના શહેરો અને જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં દક્ષિણ, ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આજે ગુજરાતમાં વડોદરામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, જેથી શહેર આખું જળબંબાકાર બન્યું છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોમાંથી રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવા નિર્દેશ આપ્યા છે. તેમની ઓફિસે જણાવ્યું હતું કે ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા અને પંચમહાલનો સમાવેશ થાય છે. દરમિયાન, મોરબી જિલ્લામાં એનડીઆરએફ દ્વારા ૭ વ્યક્તિઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સોમવારે સવારે ૬ વાગ્યે પૂરા થતા ૨૪ કલાકમાં સૌથી વધુ ૩૫૬ મીમી વરસાદ નોંધાયો હતો. ૧૦૦ મીમીથી વધુ વરસાદ ધરાવતા અન્ય જિલ્લાઓમાં નર્મદા, સૌરાષ્ટ્ર, રાજકોટ, તાપી, મહિસાગર, મોરબી, દાહોદ અને વડોદરાનો સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્ય સચિવે પ્રશાસનને શ્રાવણ માસ દરમિયાન આવનારા તહેવારોને કારણે જે વિસ્તારોમાં મોટી ભીડ થવાની સંભાવના છે તેવા વિસ્તારોમાં એલર્ટ રહેવા જણાવ્યું છે.
મધ્ય ગુજરાતમાં મેઘરાજા આક્રમક, અનેક સ્થળે ભૂવા, વૃક્ષો ધરાશાયી; વડોદરા, ભરૂચ અને નર્મદામાં ઍલર્ટ
મેઘરાજાએ પુનઃપધરામણી કરતાં મધ્ય ગુજરાતમાં આજે (26 ઑગસ્ટ) ભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી જ વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, આણંદ સહિતના જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો અને રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે. સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. છોટા ઉદેપુરમાં પણ ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. જો કે, છેલ્લા બે દિવસમાં વરસેલા વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને વરસાદી માહોલને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સૌથી વધુ આણંદના બોરસદમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારેથી અતિભારે વરસાદના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી.
વડોદરામાં અનેક જિલ્લા જળબંબાકાર, ગરનાળું પણ બંધ કરાયું
વડોદરા શહેરમાં ગત રોજ વરસેલા છૂટાછવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી જ શહેરમાં વરસાદ પડી રહ્યો છે. હાલમાં શહેરના વાઘોડિયા રોડ, આજવા રોડ, અમિત નગર, રાવપુરા, કારેલીબાગ, માંજલપુર, સમા છાણી, ગોરવા, અલકાપુરી સાહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક વરસાદી ઝાપટા પડી રહ્યા છે.
આજે સવારે 10 વાગ્યા સુધીમાં ડેસરમાં 3.3 ઇંચ, પાદરામાં 2.7 ઇંચ, સાવલીમાં 2.3, વડોદરામાં 2, વાઘોડિયામાં 1.2, કરજણમાં 1.2, ડભોઈમાં 1.2 ઇંચ અને સિનોરમાં 3 મિ.મી. વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કરજણમાં 6.2 ઇંચ, સિનોરમાં 4.4, વડોદરામાં 3.7, પાદરામાં 1.5, ડભોઈમાં 1.5, સાવલીમાં 14 મિ.મી., વાઘોડિયા અને ડેસરમાં 8-8 મિ.મી. વરસાદ પડ્યો હતો.