CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 16 of 59 - CIA Live

September 21, 2021
dams.jpg
1min386

ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસથી શરૂ થયેલા વરસાદને પગલે હવે અછતની  સ્થિતિ નિવારાઇ છે. રવિવાર dt. 19/9/21 અને સોમવારે 20/9/21 પણ રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે.  

રાજ્યના જળાશયો છલકાઈ ગયાં છે. ગુજરાતમાં વરસાદ પછી ૨૦૬ ડેમો પૈકી ૭૧ ડેમોમાં ૯૦ ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યમાં આવા ૭૧ ડેમો ઉપર હાઈ એલર્ટ સિગ્નલ અપાયું છે. જ્યારે ૨૦ ડેમોમાં ૯૦ ટકા પાણીનો સંગ્રહ થતાં એલર્ટ અને ૮ ડેમો એવા છે જ્યાં ૮૦ ટકા પાણીનો સંગ્રહ થતાં વોર્નિંગનું સિગ્નલ અપાયું છે. સોમવારે સવારે પૂરા થતા  છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫ તાલુકાઓમાં વરસાદ થયો હતો . તેમજ દિવસ દરમિયાન પણ અનેક ઠેકાણે હળવાથી ભારે વરસાદ ચાલુ રહ્યો હતો.

વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, ખેડા, બનાસકાંઠા. વડોદરા, આણંદ અને અમદાવાદમાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ૧૯મી સપ્ટેમ્બરની સ્થિતિએ ૫૧ ડેમો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ ડેમોમાં ૬૬.૪૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં અત્યારે ૭૭.૦૪ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩માંથી ત્રણ ડેમ સંપૂર્ણ છલકાયા છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં પાણીની ખાસ આવક થઈ નથી. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૨૯.૨૦ ટકા અને કચ્છના ૨૦ ડેમમાં ૨૬.૪૬ ટકા પાણીનો સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૫૬.૯૩ ટકા ઉપરાંત સરદાર સરોવર ડેમમાં ૫૪.૯૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે.

September 20, 2021
drugs.jpg
1min419

કચ્છના મુંદ્રા બંદરેથી કરોડોનું ડ્રગ્સ પકડાયા પછી ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ કચ્છમાં ધામા નાંખીને બેઠા હતાં એ સમયે ભારતીય જળસીમામાંથી અજાણ્યા સેટેલાઇટ સિગ્નલ ઇન્ટરસેપ્ટ કરી ગુજરાત એટીએસે કોડ લેગ્વેજને ઉકેલતા પોરબંદર અને ઓખાની વચ્ચે મોટા પાયે ડ્રગ્સ લેન્ડ થઇ રહ્યું હોવાની વિગત મળતા ગુજરાત એટીએસે કોસ્ટ ગાર્ડની મદદથી ઓખા અને પોરબંદરની વચ્ચે 200 નોટિકલ માઇલ દૂર 250 કરોડનું 50 કિલો હેરોઇન સાત ઇરાનીઓ સાથે ઝડપી પાડયું હતું.

અત્યાર સુધી ડ્રગ્સ પાકિસ્તાની બોટમાં આવતું હતું. પરંતુ ડ્રગ પેડલરોએ અફઘાનિસ્તાનની બોટનો ડ્રગ્સની હેરાફેરીમાં પહેલો પ્રયોગ કર્યો, મુંદ્રા બંદરેથી ટેલ્કમ પાવડરની આડમાં 3500 કરોડનુ ડ્રગ હસન હુસેન કંપની દ્વારા કંદહારથી ઇન્ટરસિડની જહાજમાં લાવ્યા પછી તમામ એજન્સીઓ સતર્ક થઇ ગઇ હતી.

આ જ કેસની તપાસમાં મુંદ્રા પહોચેલી એટીએસની ટીમે કંદહારથી આવેલા ડ્રગ્સના આ કન્સાઇનમેન્ટમાં કનેક્શન શોધવા માટે દરિયામાં વપરાતા સેટેલાઇટ સિગ્નલ્સને ઇન્ટરસેપ્ટ કરવાનું ચાલુ કર્યું. આ સિગ્નલોને આંતરી રહ્યા હતા ત્યારે શુક્રવારે બપોરે અલગ ફ્રિકવન્સીથી ભારતીય જળસીમા પાસે સેટેલાઇટ સિગ્નલ આવી રહ્યા હતાં. અરબી અને ઉર્દુ ભાષામાં આવતા કોડના સિગ્નલ શુક્રવારે મોડી સાંજ સુધીમાં ઉકેલાઇ ગયા. કોસ્ટ ગાર્ડના કમાન્ડર ચંદ્રા મહાપાત્રાએ જણાવ્યું કે, અમને એટીએસ તરફથી માહિતિ મળી. પેટ્રાલિંગ દરમિયાન અમે અમારી બોટ સિગ્નલની દિશા તરફ વાળી દીધી જ્યાં એક ઇરાની બોટ અમનૈ નજરે પડી હતી. ભારતીય જળસીમાં ઘુસેલી આ ઇરાની બોટ 200 નોટિકલ માઇલ દૂર હતી. ઇરાનની આ કોમર્શિયલ બોટમાં અમારી ટીમે હલ્લો બોલ્યો ત્યારે એમાં સાત ઇરાની હતા અને બોટની તપાસ કરતાં અંદરથી 250 કરોડનું હેરોઇન મળી આવ્યું હતું.

આ અંગે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ભૂતપૂર્વ અધિકારી એ. કે. શર્માએ કહ્યું કે, સામાન્ય રીતે ઇરાન અને અફઘાનથી આવતી બોટમાં ડ્રગ્સ આવતા ન હતાં. ઇરાન અને અફઘાન વચ્ચે 40 મિલિયન ડોલરનો વેપાર છે. અફઘાનિસ્તાન જ્યાં સુધી તાલિબાનના કબજામાં ન હતું ત્યાં સુધી એમણે પોતાની બોટમાં કે ઇરાનની મદદ લઇને કોઇની બોટમાં ભારતમાં ડ્રગ્સ પહોંચાડવાની હિંમત કરી ન હતી, પણ હવે અફઘાનમાં તાલિબાની રાજ આવી ગયું છે ત્યારે અફઘાની બોટ ઉપરાંત ઇરાની બોટનો પણ ડ્રગ ટ્રાફાકિંગમાં ઉપયોગ શરૂ કર્યો હોય તેમ લાગે છે. ‘

September 17, 2021
societynews-1280x1040.jpg
1min367

સુરતના વરાછા વિસ્તારમાં ખરા અર્થમાં બહુજન હિતાય, બહુજન સુખાય સૂત્રને ચરિતાર્થ કરી રહેલી માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા સુરત ડાયમંડ હોસ્પિટલને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ તરફથી રૂ.50 લાખની માતબર રકમનું દાન પ્રાપ્ત થયું છે.

તાજેતરમાં ગઇ તા.15મી સપ્ટેમ્બરના રોજ બેંગ્લોર ખાતે આયોજિત ઇન્ડીયા ઇન્ટરનેશનલ જ્વેલરી શૉ અંતર્ગત જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના કોર્પોરેટ સોશ્યો રિસ્પોન્સિબિલીટી પ્રોગ્રામના ભાગરૂપે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્માઇ, કર્ણાટક રાજ્યના ઉદ્યોગ-વાણિજ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી શ્રી એસ. સુરેશકુમાર, એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી ઇ.વી. રમન્ના રેડ્ડી, જીજેઇપીસીના ચેરમેન શ્રી કોલિન શાહ, વાઇસ ચેરમેન શ્રી વિપુલ શાહ વગેરે આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે સુરત ડાયમંડ હોસ્પિટલ વતી સેક્રેટરી શ્રી દિનેશ નાવડીયાએ રૂ.50 લાખના દાનનો ચેક સ્વીકાર્યો હતો. સુરત ડાયમંડ હોસ્પિટલને આ રકમનું દાન હોસ્પિટલમાં તબીબી સેવાઓ માટેની માળખાગત સુવિધાઓ વિકસાવવામાં ઘણું ઉપયોગી બળ પૂરું પાડશે. આ તકે સુરત ડાયમંડ હોસ્પિટલ વતી પ્રમુખ શ્રી સી.પી.વાનાણી, સેક્રેટરી શ્રી દિનેશ નાવડીયા સમેત સમગ્ર ટ્રસ્ટીમંડળ અને હોસ્પિટલ પરિવાર જીજેઇપીસીનો ખૂબખૂબ આભાર પ્રગટ કરે છે.

September 17, 2021
bhupen.jpg
3min449
Gujarat CM Bhupendra Patel's new cabinet sworn in, 'No Repetition' from  Rupani cabinet, 24 ministers take oath - The Economic Times Video | ET Now

ગુજરાતમાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં તેમના સહિત કુલ 25 મંત્રીઓનો સમાવેશ થાય છે, જેમાંથી 10ને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે, પાંચ રાજ્યકક્ષાના પરંતુ સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી છે અને દસ રાજ્યકક્ષાના મંત્રી છે.

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કયા મંત્રી કેટલું ભણેલા છે તેની વિગતો ગુજરાત વિધાનસભાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે એ મુજબ 10 મંત્રીઓ ગ્રેજ્યુએટ છે જ્યારે 10 મંત્રીઓ દસમા સુધી પણ માંડ ભણ્યા છે. કયા મંત્રી કેટલું ભણેલા છે, અને કઈ વિધાનસભા બેઠકનું નેતૃત્વ કરે છે તેની માહિતી નીચે અનુસાર છે:

કેબિનેટ મંત્રીઓ

1. રાજેન્દ્ર ત્રિવેદી
શૈક્ષણિક લાયકાત: બીએસસી, એલએલબી
વિધાનસભા બેઠક: રાવપુરા, વડોદરા

2. જીતુ વાઘાણી
શૈક્ષણિક લાયકાત: બી.કોમ., એલએલ.બી., એલ.ડી.સી.
વિધાનસભા બેઠક: ભાવનગર પશ્ચિમ

3. ઋષિકેશ પટેલ
શૈક્ષણિક લાયકાત: અંડર ગ્રેજ્યુએટ, સિવિલ એન્‍જિનિયરિંગ (ડિપ્લોમા)
વિધાનસભા બેઠક: વિસનગર

4. પૂર્ણેશ મોદી
શૈક્ષણિક લાયકાત: બી.કોમ., એલએલ.બી.
વિધાનસભા બેઠક: સુરત પશ્ચિમ

5. રાઘવજી પટેલ
શૈક્ષણિક લાયકાત: બી.એ., એલ.એલ.બી.
વિધાનસભા બેઠક: જામનગર ગ્રામ્ય

6. કનુ દેસાઈ
શૈક્ષણિક લાયકાત: બી.એ., એલ.એલ.બી.
વિધાનસભા બેઠક: જામનગર (ગ્રામ્ય)

7. કિરીટસિંહ રાણા
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: લીંબડી, સુરેન્દ્રનગર

8. નરેશ પટેલ
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: ગણદેવી, નવસારી

9. પ્રદીપ પરમાર
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: અસારવા, અમદાવાદ શહેર

10. અર્જુનસિંહ ચૌહાણ
શૈક્ષણિક લાયકાત: બી.કોમ, ડીસીએમ
વિધાનસભા બેઠક: મહેમદાવાદ, ખેડા

રાજ્યકક્ષા, સ્વતંત્ર હવાલો

11.હર્ષ સંઘવી
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: મજૂરા, સુરત

12. જગદીશ પંચાલ
શૈક્ષણિક લાયકાત: એસ.વાય. બી.એ., એમ.બી.એ. ઈન માર્કેટિંગ (સર્ટિફિકેટ કોર્સ).
વિધાનસભા બેઠક: નિકોલ, અમદાવાદ શહેર

13. બ્રિજેશ મેરજા
શૈક્ષણિક લાયકાત: પોસ્ટ ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: મોરબી

14. જીતુ ચૌધરી
શૈક્ષણિક લાયકાત: અંડર મેટ્રિક
વિધાનસભા બેઠક: કપરાડા, વલસાડ

15. મનીષા વકીલ
શૈક્ષણિક લાયકાત: એમ.એ., બી.એડ. (અંગ્રેજી સાહિત્ય)
વિધાનસભા બેઠક: વડોદરા શહેર

રાજ્યકક્ષાના મંત્રીઓ

16. મુકેશ પટેલ
શૈક્ષણિક લાયકાત: એચ.એસ.સી., ડ્રાફ્ટ્સમેન સિવિલ
વિધાનસભા બેઠક: ઓલપાડ, સુરત

17. નિમિષા સુથાર
શૈક્ષણિક લાયકાત: અંડર ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: મોરવા હડફ, પંચમહાલ

18. અરવિંદ રૈયાણી
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: રાજકોટ પૂર્વ

19. કુબેર ડિંડોર
એમ.એ., પીએચ.ડી
વિધાનસભા બેઠક: સંતરામપુર, મહિસાગર

20. કિર્તીસિંહ વાઘેલા
શૈક્ષણિક લાયકાત: અંડર ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: કાંકરેજ, બનાસકાંઠા

21. ગજેન્દ્રસિંહ પરમાર
શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: પ્રાતિંજ, સાબરકાંઠા

22. રાઘવજી મકવાણા
શૈક્ષણિક લાયકાત: અંડર ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: મહુવા, ભાવનગર

23. વિનોદ મોરડિયા
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: કતારગામ, સુરત

24. દેવા માલમ
શૈક્ષણિક લાયકાત: અંડર મેટ્રિક
વિધાનસભા બેઠક: કેશોદ, જૂનાગઢ

September 17, 2021
Free-vaccinee-1280x720.jpg
1min358

૧૭મી સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાહેરાત  આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કરી છે. તેમણે જણાવ્યુ કે, આ મેગા ડ્રાઇવ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ડ્રાઇવ દરમ્યાન ૭,૫૦૦ જેટલા ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ મેગા ડ્રાઇવ દરમ્યાન ૩૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનું આયોજન છે. 

તેમણે જણાવ્યું કે, રાજ્યના શ્રમિક-કામદાર તથા ગરીબ પરિવારોને આરોગ્ય રક્ષણ પુરુ પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય સુવિધા ઉભી કરવા આવતી કાલથી જ નિષ્ણાંત તબીબી ટીમ સાથે દિનદયાલ ઔષધાલય ઉભા કરવામાં આવશે.

અગ્રવાલે કહ્યું કે, રસીકરણની મેગા ડ્રાઇવને સફળ બનાવવા તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસીપલ કમિશ્નર સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મેગા ડ્રાઇવ અંગે તૈયારીની સમીક્ષા કરી દેવામાં આવી છે. આ મેગા ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે ડ્યુ લાભાર્થીને રસીકરણ સેવા આપવામાં આવનાર છે. 


સાથે જ તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં અને રાજ્યમાં ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કોવિડ-૧૯ રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. ૧૫ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કુલ ૫.૩૩ કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ વસ્તીએ ૮,૩૪,૭૮૭ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે. રાજ્યમાં કુલ ૫,૯૦૬ ગામડાઓ, ૧૦૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૪ શહેરી આરોગ્ય કેન્દ્ર તથા ૧૭ તાલુકાઓમાં તમામ ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યુ છે.

September 16, 2021
guj_minis.jpg
1min403

આખરે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંત્રીમંડળે આજે શપથ ગ્રહણ કરી લીધા છે. રાજભવનમાં આજે બપોરે દોઢ વાગ્યે યોજાયેલી શપથવિધિમાં કુલ 24 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા, જેમાંથી 10 મંત્રીઓને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જ્યારે પાંચ રાજ્યકક્ષાના મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.

રાજ્યકક્ષાના મંત્રી તરીકે કુલ નવ ધારાસભ્યોએ શપથ લીધા છે. નવી સરકારમાં પૂર્વ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી નંબર ટૂ જ્યારે જીતુ વાઘાણી નંબર 3 રહેશે. નવા મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો જોવા મળી રહ્યો છે, જ્યારે કચ્છની બાદબાકી કરવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી લાગુ કરતા રુપાણીના એકેય મંત્રીને સ્થાન નથી અપાયું.

કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા મંત્રીઓ: 

  • 1. રાજેન્દ્ર ત્રિવેદી
  • 2. જીતુ વાઘાણી
  • 3. ઋષિકેશ પટેલ
  • 4. પૂર્ણેશ મોદી
  • 5. રાઘવજી પટેલ
  • 6. કનુ દેસાઈ
  • 7. કિરીટસિંહ રાણા
  • 8. નરેશ પટેલ
  • 9. પ્રદીપ પરમાર
  • 10. અર્જુનસિંહ ચૌહાણ

રાજ્યકક્ષા, સ્વતંત્ર હવાલો

  • 11.હર્ષ સંઘવી
  • 12. જગદીશ પંચાલ
  • 13. બ્રિજેશ મેરજા
  • 14. જીતુ ચૌધરી
  • 15. મનીષા વકીલ

રાજ્યકક્ષાના મંત્રીઓ

  • 16. મુકેશ પટેલ
  • 17. નિમિષા સુથાર
  • 18. અરવિંદ રૈયાણી
  • 19. કુબેર ડિંડોર
  • 20. કિર્તીસિંહ વાઘેલા
  • 21. ગજેન્દ્રસિંહ પરમાર
  • 22. રાઘવજી મકવાણા
  • 23. વિનોદ મોરડિયા
  • 24. દેવા માલમ

આજે શપથગ્રહણ સમારંભમાં પૂર્વ સીએમ વિજય રુપાણી તેમજ પૂર્વ ડે. સીએમ નીતિન પટેલ પણ મંચ પર જોવા મળ્યા હતા.

ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર એક જ પક્ષની સરકારમાં કોઈપણ ભૂતપૂર્વ મંત્રીને નવી કેબિનેટમાં જગ્યા આપવામાં નથી આવી. ચૂંટણીના સવા વર્ષ પહેલા થયેલા મોટા ફેરબદલમાં માત્ર સીએમ જ નથી બદલાયા, પરંતુ આખેઆખા મંત્રીમંડળને બદલી નાખવામાં આવતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. જૂના મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી આવેલા તમામ લોકોના પત્તાં કપાયા છે. જોકે, કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નવા ચહેરાને નવા મંત્રીમંડળમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે. 

September 15, 2021
navab.jpg
1min420

આઈએસઆઈનો હાથો અને જુનાગઢના કથિત નવાબ મોહમ્મદ જહાંગીર ખાંજીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને કાશ્મીરની જેમ જુનાગઢના ‘દૂત’ બનવાની કરી અપીલ.

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ ગુજરાતના જુનાગઢનો રાગ આલાપ્યો છે. આઈએસઆઈનો હાથો અને જુનાગઢના કથિત નવાબ મોહમ્મદ જહાંગીર ખાંજીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને અપીલ કરી છે કે, તે કાશ્મીરની જેમ જુનાગઢના પણ ‘દૂત’ બને. નવાબે કહ્યું કે, ઈમરાન ખાન બધા આંતરાષ્ટ્રીય સ્ટેજ પર ભારતના કબજામાંથી જુનાગઢની કથિત આઝાદીનો મુદ્દો ઉઠાવે.

રેડિયો પાકિસ્તાનના રિપોર્ટ મુજબ, નવાબ મોહમ્મદ જહાંગીરે એક સ્ટેટમેન્ટ આપી કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાને આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ અને વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવવો જોઈએ. તેમણે કહ્યું કે, પાકિસ્તાન સરકારે જુનાગઢના મુદ્દાને એટલી સક્રિયતાથઈ ઉઠાવવો જોઈએ, જેટલો તે કાશ્મીરનો ઉઠાવી રહી છે. સાથે જ તેના ઉકેલ માટે કામ કરવું જોઈએ.

નવાબે કહ્યું કે, ‘જુનાગઢ પાકિસ્તાન છે’, એ માત્ર જુનાગઢ રાજ્યનો નારો નથી, પરંતુ સપનું છે, જેને આપણા પૂર્વજ મોહમ્મદ અલી ઝીણા અને જુનાગઢના નવાબ રહેલા મહાબત ખાને જોયું હતું. તેમણે કહ્યું કે, સમય આવી ગયો છે કે, પાકિસ્તાન ભારતના જુનાગઢ પર કથિત કબજા વિશે ગંભીરતાપૂર્વક અવાજ ઉઠાવે. આ કબજો આંતરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ છે. આ પહેલા પાકિસ્તાને પોતાનો નવો રાજકીય નકશો બહાર પાડ્યો હતો. તેના દ્વારા પાકિસ્તાને પ્રયાસ કર્યો હતો કે, ભારતની સાથે જે ક્ષેત્રોને લઈને તેનો વિવાદ છે, તેના પર પોતાનો દાવો ઠોકી શકે.

આ નકશામાં પાકિસ્તાને કાશ્મીર, સિયાચિન પર ખુલીને દાવો કર્યો, પરંતુ આશ્ચરજનક વાત એ રહી કે, ઈમરાન સરકારે કાશ્મીર જ નહીં, ગુજરાતના ભાગોને પણ પોતાના જણાવ્યા છે. એટલે સુધી કે, જુનાગઢ અને માણાવદર, જેનું 1948માં મતદાન પછી ભારતમાં વિલિનીકરણ કરાયું હતું, તેને પણ પાકિસ્તાને પોતાના નકશામાં દર્શાવ્યા છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂહ કુરેશીએ એ સમયે કહ્યું હતું કે, સર ક્રીકમાં હિંદુસ્તાન જે દાવો કરતું હતું, નકશામાં તને ફગાવી દેવાયો છે. પાકિસ્તાનનો દાવો છે કે, તેની સરહદ પૂર્વ તટ તરફ છે, જ્યારે ભારતનો દાવો છે કે, તે પશ્ચિમ તરફ છે. પાકિસ્તાનનું કહેવું છે કે, ભારત અહીં પાકિસ્તાનના હજારો કિલોમીટરના ઈઈઝેડ પર કબજો કરવા ઈચ્છે છે. 70 વર્ષથી સર ક્રીકને લઈને વિવાદ ચાલે છે. કચ્છના રણમાં સર ક્રીક 96 કિમી પહોળા પાણી સાથે જોડાયેલો મુદ્દો છે. આ વિસ્તાર પહેલા બાણ ગંગાના નામથી ઓળખાતો હતો. તે અરબ સાગરમાં ખુલે છે અને એક રીતે ગુજરાતના રણને પાકિસ્તાનના સિંધ પ્રાંતથી અલગ કરે છે. તેને લઈને કચ્છ અને સિંધ વચ્ચે દરિયાઈ સરહદ પર વિવાદ છે.

September 15, 2021
Saurastra.png
4min334

છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રનાં હાલાર, સોરઠ, ઘેડ પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે જામનગરમાં આભ ફાટયું હોય તેમ અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા હતા તેમજ સોરઠ વિસ્તારમાં પણ છેલ્લા બે દિવસથી અવિરત મુશળધાર મેઘવર્ષા થઇ રહી છે. આજે પણ સોરઠ પંથકમાં 10 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતાં મેઘલ નદીમાં ઘોડાપૂર આવતાં અનેક ગામો બેટમાં ફેરવાયા છે. ઘેડ વિસ્તારમાં સતત પડતા વરસાદથી રસ્તાઓ પર ગોઠણડૂબ અને ખેતરોમાં પાણી ભરાયા છે. ઘેડ પંથકમાં ચોરવાડમાં નવ, કેશોદ-માંગરોળ-જૂનાગઢમાં 8 અને માળિયા હાટીના, વંથલી, રાણાવાવમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે વેરાવળ-તાલાલા સ્ટેટ હાઈવે પર ગોઠણડૂબ પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો તેમજ કેશોદથી માળિયાનો રસ્તો પણ બંધ કરવો પડયો હતો અને એસટીના 20 રૂટો કેન્સલ કરાયા હતા. આ વિસ્તારની નોળી નદીમાં ઘોડાપૂર આવતા કામનાથ મહાદેવને જળાભિષેક થયો હતો. ઘેડ પંથકની મોંટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવતા જમીન ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ચોરવાડ :

13/9/21 રાત્રીના સતત વરસાદ વરસેલ ત્યારબાદ સવારે પાંચ વાગ્યાથી અત્યારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 9 ઇંચ વરસાદ નોંધાયેલ છે. તેમજ ઉપરવાસમાં પણ સારો વરસાદ હોવાને કારણે મેઘલ નદીમાં તથા લાંગડી નદીમાં ઘોડાપૂર આવેલ. ચોરવાડના નિચાણવાળા વિસ્તાર પાણીના ટાંકા પાસે ધારીવાવ તેમજ બેરા રોડ ઉપર પાણી પાણી થયેલ છે. અને અમુક ઘરમાં વરસાદી પાણી ફરી વળેલ છે. ચોરવાડ ખાતે સેવા ભાવી સંસ્થા ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક મહેશભાઈ રાઠોડ દ્વારા જણાવેલ છે. નિચાણવાસમાં જે ઘરોમાં પાણી ભરાયા હોય તેમણે સ્કૂલ ખાતે આશરો આપવામાં આવશે અને બે કુટુંબ અત્યારે સ્કૂલમાં આશરો લીધેલ છે.

માંગરોળ :

માંગરોળમાં સોમવારે રાત્રી દરમિયાન ધીમીધારે વરસ્યા બાદ આજે સવારે ચાર કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબોળ થઇ ગયો હતો. તેમજ આખા દિવસ દરમિયાન 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે આજે ફરીથી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર સવારથી જ ખડેપગે રહ્યું હતું. ઉપરવાસમાં પણ ભારે વરસાદથી નોબી નદીમાં ઘોડાપૂર આવ્યા હતાં.
જ્યારે કામનાથ નજીક દાનાતળ કોઝવે પરથી પાણી વહેતા લંબોરા, શેખપુર, ચોટીલીવીડી સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં. નોળી નદીમાં ઘોડાપૂર આવતાં પ્રસિધ્ધ કામનાથ મહાદેવના શિવલીંગને જળાભિષેક થયો હતો.

જૂનાગઢ :

સોરઠમાં મેઘરાજાએ મન મુકીને સટાસટી બોલાવતા સર્વત્ર શ્રીકાર ત્રણથી આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ જળાશયો છલોછલ ભરાઈ ગયા છે.
ગિરનાર પર્વત અને જૂનાગઢ શહેર તથા જિલ્લામાં ગતરાતથી શરૂ થયેલ મેઘસવારી આજે ઢળતા બપોર સુધી ચાલુ રહેતાગિરનાર પર્વત તથા જૂનાગઢ 8 ઇંચ, વંથલીમાં છ, વિસાવદર અને મેંદરડામાં પાંચ, માણાવદર સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ભારે વરસાદને પગલે લોકમાતાઓ ગાંડીતૂર બનતા તમામ જળાશયો, તળાવો છલોછલ ભરાઈ ગયા છે. ઘેડ પંથકમાં જળબંબાકાર સર્જાયો છે. તેમાં બાલાગામના પાદરથી પંચાળા સહિત માધાવપુર સહિત હજારો હેક્ટર ઉભો પાક પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

ડોળાસા :

કોડિનાર તાલુકાના ડોળાસા અને આજુબાજુના ગામોમાં આજે પણ ચાર ઇંચ વરસાદ થયો છે. બે દિવસમાં આઠ ઇંચ પાણી પડી જતાં સારુ વર્ષ જવાની આશા મજબૂત બની છે. મોસમનો કુલ વરસાદ 24 ઇંચ થયો છે.

કેશોદ :

કેશોદ શહેર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ આઠ ઇંચથી વધારે વરસાદ પડવાની સાથે સાથે ઉતાવળીયો નદી, ટીલોળી નદી, ઓઝત નદી, સાબળી નદીમાં ઘોડાપૂર આવતા રહેણાંક વિસ્તારમાં અને ખેતરોમાં પાણી ફરી વળતાં જનજીવન ખોરવાયું છે. કેશોદ પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ આઠ ઇંચ જેટલો વરસાદ પડવાની સાથે મોસમનો કુલ વરસાદ 35 ઇંચ નોંધાયો છે. ત્યારે આજે સવારે ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતાં જ કેશોદ શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
આજે જિલ્લા કલેક્ટર જૂનાગઢના આદેશ મુજબ શાળા કોલેજો બંધ રાખવામાં આવી હતી. કેશોદ એસટી ડેપોનાં વીસેક રૂટ રદ કરવામાં આવેલ હતાં. પરિણામે મુસાફરો રઝળી પડયા હતા. સવારે ભારે વરસાદને કારણે કેશોદ રેલવે સ્ટેશન પર ટ્રેનો રોકી દેવામાં આવી હતી. કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો શાકભાજી કે ફળફળાદિ ન લાવતા હરાજી બંધ રહી હતી. કેશોદ તાલુકાના ઘેડ પંથકના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ગ્રામ્ય વિસ્તારનાં ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરો દ્વારા કરેલ હતી.

ગોંડલ :

તાલુકાના નવાગામમાં સવારથી વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદ 6 ઇંચ વરસ્યો જેને કારણે નદીઓ બેકાંઠે વહેવા લાગી હતી. ખેડૂતોમાં આનંદ છવાયો છે. ભાદરવો બેસતા જ ધીમી ધારે વરસાદ આવતાંઆજે સવારે નવાગામ લીલાખા ગોમટામાં ધોધમાર વરસાદ પડયો છે.

બાંટવા :

ઉપરવાસના વરસાદને કારણે પોરબંદર જવાનો રસ્તોહાઈવે બંધ કરાયો છે. ઘેડ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. જેમાં મહીયારી, તરખાઈ, કડેચી, અમીપુર, બગસરા વગેરે ગામોમાં ચારેબાજુ જ્યાં જ્યાં નજર પડે ત્યાં પાણી-પાણી નજરે પડે છે. ખેતીને વ્યાપક નુકશાની થઇ છે.
જામકંડોરણા : જામકંડોરણામાં આજે સવારથી સાંજ સુધીમાં 59 મીમી વરસાદ પડેલ છે. આ સાથે મોસમનો કુલ વરસાદ 601 મીમી થયેલ છે.

ભાવનગર :

જિલ્લામાં છૂટા-છવાયા ઝાપટાથી લઇ અર્ધો ઇંચ વરસાદ પડયો છે. ભાવનગર શહેરમાં સવારથી સાંજ સુધી વરસાદ પડયો ન હતો. આજે સવારથી સાંજનાં છ વાગ્યા સુધી તળાજામાં 15 મીમી, મહુવા 10 મીમી, જેસરમાં 5 મીમી, સિહોરમાં 5 મીમી, ઘોઘામાં 4 મીમી, ભાવનગરમાં 2 મીમી અને પાલીતાણામાં 1 મીમી વરસાદ નોંધાયો છે. વલભીપુર, ઉમરાળા અને ગારિયાધારમાં વરસાદ નોંધાયો નથી. ભાવનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તહેનાત કરાઈ છે.

ધોરાજી :

ધોરાજીમાં ગઇકાલ રાતથી મેઘરાજાએ મેઘતાંડવ કરતા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ પડી ગયો હતો. ધોરાજીના પીવાનું પાણી પુરૂ પાડતા ફોફળ ડેમમાં નવા પાણીની આવક થતા ધોરાજીનું પીવાના પાણીનું સંકટ દૂર થયું છે. આજે આખો દિવસમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે.
ગડુ (શેરબાગ) : આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ગડુ, ખેરા, સમઢિયાળા, વિષણવેલ, સુખપુર, સિમાર, ઘુમલી, ઝડકા, ગોતાણા વગેરે ગામોમાં રવિવારે રાત્રેથી વીજળીના કડાકા ભડાકા સાથે ધીમીધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જે સોમવારે તથા મંગળવારે બપોર સુધીમાં 48 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારની જીવાદોરી સમાન મોટી મેઘલ નદીમાં ઘોડાપૂર આવતાં લોકોના ટોળા પૂર જોવા ઉમટી પડયા હતાં.

અમરેલી :

અમરેલી જિલ્લામાં આજે પણ દિવસભર વરસાદી માહોલ છવાયેલ હતો. સૌથી વધુ રાજુલા પંથકમાં સવા બે ઇંચ, લીલિયા બે ઇંચ, વડિયા-જાફરાબાદ દોઢ દોઢ ઇંચ, બગસરા પોણો ઇંચ, સાવરકુંડલા અડધો ઇંચ તેમજ અન્યત્ર છૂટાછવાયા ઝાપટા પડેલ હતા.

માળિયા હાટીના :

માળિયા હાટીનામાં ગઇકાલે રાત્રે બાર વાગ્યાથી વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે મેઘ ગર્જના સાથે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને અવિરતપણે વરસાદ શરૂ થયો હતો જે રાતનાં બાર વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં છ ઇંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારો મફતિયાપરા, જસપરા, પટેલ સમાજ વિસ્તારો પુનાપરા સ્ટેશન પ્લોટ સહિતના અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. માળિયાની મેઘલ નદીમાં પ્રથમવાર ઘોડાપૂર આવ્યું હતું. શંકર મંદિરની દિવાલ સુધી પૂરના પાણી આવી ગયા હતાં.

વેરાવળ :

ગિર પંથકમાં પડી રહેલા ભારે વરસાદનાં પગલે વેરાવળ-તાલાલા સ્ટેટ હાઈવે પર ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. જ્યારે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકો સાથે જોડતા માર્ગો અને વોંકળાઓ પર ઘસમસતા પૂરના પાણી વહેતા થતા અનેક માર્ગો બંધ થઇ ગયા છે. સોમવારે રાત્રિના 2 વાગ્યાથી મંગળવારે સવારે 10 વાગ્યા (8 કલાકમાં) સુધીમાં જિલ્લાના વેરાવળમાં 70 મીમી (3 ઇંચ), સુત્રાપાડામાં 37 મીમી (1.5 ઇંચ), કોડિનારમાં 40 મીમી (1.5 ઇંચ), ગિર ગઢડામાં 40 મીમી (1.5 ઇંચ) અને ઉનામાં 64 મીમી (2.5 ઇંચ) વરસાદ વરસી ગયો છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પાણીની આવક વેરાવળની ભાગોળેથી પસાર થતી દેવકા નદીમાં ભરપૂર થતાં નદી ગાંડીતૂર બની છે. બપોરના સમયે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેના પગલે વેરાવળ શહેરના પ્રવેશદ્વારની હુડકો, સાંઇબાબા મંદિર વિસ્તાર, ડાભોર રોડ પરની શિક્ષક કોલોની, શક્તિનગરસહિતની અનેક સોસાયટી વિસ્તારમાં એકથી દોઢ ફૂટ પાણી ભરાઈ ગયા છે. જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ચમોડા ગામમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

ભીમદેવળ :

મંગળવાર સવારનાં 8 વાગ્યા સુધીમાં ભીમદેવળ 4 ઇંચ, રાતિધાર 4, રામપરા 4ાા તેમજ અનિડામાં 3ાા ઇંચ જેટલો ભારે વરસાદ પડેલો. વરસાદના કારણે તેમજ ઉપરવાસમાં પડી રહેલો વરસાદથી અહીંથી પસાર થતી સરસ્વતી નદીમાં 2 દિવસમાં બીજી વખત પૂર આવેલું.
આજુબાજુના ગ્રામ્ય પંથક જેવા કે લુંભા, ખંઢેડી, ભેટાળી, કોડીદ્રા વગેરે ગામોમાં સોમવારે રાત્રીનાં 10થી મંગળવાર સવારના 9 વાગ્યા સુધીમાં આ બધા ગામોમાં 8 થી 9 ઇંચ જેટલો ગાજવીજ સાથે વરસાદ પડેલો.

તાલાલા :

તાલાલામાં આજે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રવિવાર મોડી રાત્રિથી પધારેલ મેઘરાજા છેલ્લા 48 કલાક દરમિયાન મન મુકીને વરસ્યા હતાં. આ દરમિયાન તાલાલા શહેરમાં દશ અને ગ્રામ્ય વિસ્તારમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસતા આખો તાલાલા પંથક પાણી પાણી થઇ ગયો હતો.

તળાજા :

શહેર અને આસપાસનાં ગામડાઓમાં આજે વહેલી સવારથી બપોર સુધીમાં ક્યારેક હળવો તો ક્યારેક ભારે વરસાદ વરસ્યો હતો. દરિયામાં ઊંચા મોજા જોવા મળતા હતા. સરતાનપર સહિતના દરિયા કિનારેના માછીમારોએ મોટે ભાગે દરિયો ખેડવાનું ટાળ્યું હતું.

ઉપલેટા :

ઉપલેટા તાલુકામાંઆજે 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા 15 કલાકની વાત કરીએ તો અહીં અતિ ભારે 10 ઇંચ જેટલો વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. તેમજ અહીંથી પસાર થતી ભાદર, મોજ, વેણુ નદીમાં ઘોડાપૂર આવ્યાં હતાં.

મોરબી :

મોરબી જિલ્લામાં મંગળવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સાંજનાં સુમારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં તો ભારે વરસાદની આગાહીને પગલે મોરબી જિલ્લામાં એનડીઆરએફ ટીમને સ્ટેન્ડ ટૂ મોડમાં રાખવામાં આવી છે. મોરબી જિલ્લામાં મંગળવારે સવારથી સાંજે છ સુધીમાં મોરબી તાલુકામાં 02 મીમી, ટંકારા તાલુકામાં 04 મીમી, વાંકાનેર તાલુકામાં 04 મીમી, હળવદ તાલુકામાં 05 મીમી વરસાદ નોંધાયો છે.

પાનેલી મોટી :

ગઇકાલ રાત્રીના નવ વાગ્યાથી સવાર સુધીમાં 4 ઇંચ વરસાદ થયેલ હતો તેમજ આજરોજ બપોર પછી 4 વાગ્યાથી એક કલાકમાં 2ાા ઇંચ જેવો વરસાદ પડેલ છે. પાનેલીમોટી તળાવ આજ બીજી વખત ઓવરફલો થઇ ગયું છે.

જામનગર :

જામનગર શહેર અને જિલ્લામાં ગત શનિવારથી આરંભાયેલી મેઘકૃપા આજે સતત ચોથા દિવસે અવિરત રહેવા પામી છે. જિલ્લામાં આજે સવારથી સાંજનાં 6 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં જામનગર શહેરમાં સવારથી બપોર સુધીમાં 6 મીમી, સાંજના સમયે પુન: વરસાદ શરૂ થતાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત જામજોધપુરમાં 72 મીમી, ધ્રોલમાં 42 મીમી, કાલાવડમાં 10 મીમી, જોડિયામાં 4 મીમી, લાલપુરમાં 4 મીમી વરસાદ જિલ્લા ફલડ કંટ્રોલ રૂમે નોંધાયો છે.

પોરબંદર :

પોરબંદર જિલ્લામાં સાડા પાંચથી સાડા છ ઇંચ વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં સતત વરસી રહેલા વરસાદને લીધે ઠેર ઠેર ખુશી જોવા મળે છે. પોરબંદર જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં સાડા છ ઇંચ નોંધાઈ ચૂક્યો છે. અને પોરબંદરમાં 4, કુતિયાણામાં 5.5 અને રાણાવાવ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ચારે બાજુ મેઘમહેરને લીધે પાણી પાણી જોવા મળી રહ્યું છે.

કોટડાસાંગાણી :

કોટડાસાંગાણીમાં વહેલી સવારથી સાંજ સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ થતાં ગોંડલી નદીમાં ઘોડાપૂર જેવું પાણી આવેલ. કોટડાસાંગાણીનાં નદીમાં પાણી આવતા ખરેડા, પાંચિયાવદર, ગોંડલ આ ચાર ગામોના લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવેલ.

September 2, 2021
farmers.jpg
1min339

અણીના સમયે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સચરાચર વરસાદનું આગમન થતા ટાઢક થઇ છે. પાક બચી ગયા છે અને ખેડૂતોના ચહેરેથી ચિંતાની લકીરો દૂર થઈ છે. સરકારી ચોપડે આખા ગુજરાતમાં 80.90 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે.

મગફળી, કપાસ, કઠોળ અને તમામ તેલિબિયાં પાકોને કુદરતી પિયત મળતા હવે મોલાત ઝૂમી ઉઠી છે. છતાં હજુ ડેમ, કૂવા, નદી વગેરે કોરા હોય ખેડૂતો અષાઢી મેઘ ઇચ્છી રહ્યાં છે.

રાજકોટ કિસાન સંઘના દિલીપ સખીયા કહે છે, મોડું તો મોડું પણ પાણી મળ્યું છે એટલે રાહત છે.’ ખેડૂતોની ધીરજ ખૂટી ગઈ હતી અને વરસાદ આવ્યો છે છતાં હજુ ચેકડેમો, તળાવ, કૂવા વગેરે ભરાય એટલું પાણી ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, ખેડૂત નિરાંતનો શ્વાસ લઇ શકે તે માટે વધુ વરસાદ જરૂરી છે.
તેમના કહેવા પ્રમાણે 20 ટકા ખેડૂતો સૌરાષ્ટ્રમાં માત્ર વરસાદ આધારિત ખેતી કરી રહ્યા છે. 30 ટકા ખેડૂતો પાસે થોડી સગવડ પિયતની છે. 40 ટકા ખેડૂતો માત્ર ખરીફ પાક લઇ શકે એવી સ્થિતિમાં હોય છે. 10 ટકા ખેડૂતો પાસે બારેય મહિના પિયતની સુવિધા હોય છે.

ગુજરાત સરકારના આંકડાઓ પ્રમાણે મગફળીનું વાવેતર 19.09 લાખ હેક્ટરમાં થયું છે. કપાસનો વિસ્તાર 22.51 લાખ હેક્ટર છે. બન્ને મુખ્ય પાકોનું વાવેતર પાછલા વર્ષથી ઓછું છે. એમાં વરસાદની અછતથી ઉતારો તૂટે એવી સંભાવના હતી.

વરસાદ સર્વત્ર થોડો ઝાઝો થયો છે એનાથી પાકને પિયત મળી ગયું છે. સૂકાવા પડેલો મોલ ઉંચકાઇ ગયો છે. હવે ખેડૂતો ખાતર અને જંતુનાશકોના ખર્ચ કરશે એવું લાગી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડતા હવે ખેતીનું ચિત્ર બદલાઇ જશે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો સૌથી વધારે વરસાદ મેળવનારા છે. ત્યા 4થી 12 ઇંચ સુધીનો વરસાદ થયો છે. માંગરોળમાં 12 અને ચોરવાડમાં 9 ઇંચ નોંધાયો છે. ગડુ શેરબાગ, તાલાલા અને માળિયા હાટીનામાં 7થી 8 ઇંચ વરસ્યો છે. જામનગરમાં ખંભાળિયા, કલ્યાણપુર વગેરે પટ્ટીમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ છે. રાજકોટના ગોંડલમાં 4 ઇંચ, જેતપુર, જામ કંડોરણા, પાનેલી મોટી, કાલાવડ અને લાલપુર વગેરેમાં દોઢ ઇંચ તથા અન્યત્ર બધે ઝાપટાંથી એક ઇંચ જેટલો વરસાદ થયો છે.

August 29, 2021
corona-gujarat.jpg
1min386

કેરેલા સમેત સમગ્ર ભારતમાં કોરોનાના કેસો મોટી સંખ્યામાં મળી આવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં પોણા દોઢ વર્ષમાં સૌથી ઓછા કેસો તા.28મી ઓગસ્ટ 2021ના રોજ મળ્યા છે. ગુજરાતમાં સતત 9 દિવસ સુધી કોરોનાના 20થી ઓછા કેસ નોંધાયા બાદ 28/9/2021 મોટી રાહત મળી છે.

છેલ્લાં 24 કલાકમાં 512 દિવસ પછી રાજ્યમાં 10 નવા કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 8,25,386 થયો છે. જેમાંથી આજે વધુ 14 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થતા અત્યાર સુધીમાં કુલ 8,15,154 દરદી ડિસ્ચાર્જ થયા છે.

બીજી તરફ હવે સૌરાષ્ટ્રના 6 સહિત રાજ્યમાં 17 જિલ્લામાં એકેય એક્ટિવ કેસ નથી અને બાકીના જિલ્લાઓમાં થઈને કુલ 151 દરદી કોરોનાની સારવાર લઈ રહ્યાં છે, જેમાં 4 દરદી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં સૌથી વધુ વડોદરામાં 48, અમદાવાદમાં 37 તથા સુરતમાં 19 દરદી સારવારમાં છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં એક્ટિવ કેસનો આંક સિંગલ ડિઝીટમાં છે.

28/9/2021 રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મનપા તેમજ અન્ય 31 જિલ્લામાં એક પણ નવા કેસ નોંધાયા નથી. જ્યારે અમદાવાદમાં 4, વડોદરામાં 3, જામનગર, મહીસાગર અને સુરતમાં 1-1 કેસ નોંધાયા છે. તો બીજી તરફ વડોદરામાંથી 5, અમદાવાદમાંથી 4, સુરતમાંથી 2, ભાવનગર, અમરેલી તથા દાહોદમાંથી 1-1 દરદી કોરોનામુક્ત થયા હતા.
રાજ્યમાં અત્યારે બનાસકાંઠા, પંચમહાલ, પાટણ, ભરૂચ, અમરેલી, ખેડા, સાબરકાંઠા, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, નવસારી, મોરબી, વલસાડ, તાપી, દ્વારકા, પોરબંદર, છોટાઉદેપુર અને ડાંગ જિલ્લામાં એકેય એક્ટિવ કેસ નથી.