CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 9 of 47 - CIA Live

September 26, 2022
ચક્રવાત.jpg
1min356

મહાશક્તિશાળી વાવાઝોડાનાં કારણે લાખો લોકોનાં જીવ તાળવે
– મોટાપાયે સ્થળાંતર, વીજ પુરવઠો ખોરવાયો અને વૃક્ષોનો સોંથ

અત્યારે દુનિયાનાં ત્રણ દેશ પ્રાકૃતિક આફત સામે ઝૂઝી રહ્યાં છે. અમેરિકા, ફિલિપીન્સ અને કેનેડામાં ત્રણ અલગ ચક્રવાતોએ કોહરામ મચાવી દીધો છે. ત્રણેય દેશ પોતાનાં નાગરિકો માટે ચેતવણીઓ પણ જારી કરી ચૂક્યાં છે. અમેરિકાનાં ફ્લોરિડામાં ઈયાન ચક્રવાતનાં કારણે કટોકટી જાહેર કરી દેવામાં આવી છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડને ત્યાં મદદ પહોંચાડવા માટેનાં આદેશો પણ છોડી દીધા છે. તો કેનેડામાં પણ હાલત ચિંતાજનક છે. શનિવારે ત્રાટકેલા તોફાન ફિઓનાનાં કારણે ઠેકઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા છે અને વીજ પુરવઠો પણ ખોરવાયો છે. જ્યારે ફિલિપીન્સમાં હાલત નાજુક છે.

નોરુ વાવાઝોડું ધસમસી રહ્યું હોવાનાં કારણે રાજધાની મનિલા સહિતનાં વિસ્તારો ખાલી કરાવવામાં આવી રહ્યાં છે.
અમેરિકાનાં ફ્લોરિડામાં ઈયાન વાવાઝોડાનાં કારણે દહેશત છે. આ ચક્રવાત વધુ શક્તિશાળી બનવાની ભીતિ છે. કેમેન દ્વીપ સમૂહ પાસેથી પસાર થયેલો ચક્રવાત ગ્રેડ-3માંથી હવે 4માં તબદિલ થવાની આશંકા છે. આ તોફાનની તાકાતને ધ્યાને લેતા નાગરિકોને તમામ પ્રકારની તૈયારીઓ રાખવાની તાકીદ કરી દેવામાં આવેલી છે. આ ચક્રવાતનાં માર્ગમાં આવતાં તમામ રાજ્ય અને સ્થાનિક સરકારી તંત્રોને સંકલન સાધવાની સૂચનાઓ આપવામાં આવી છે.

કેનેડામાં આવેલા ભયંકર તોફાને શનિવારે સવારે જમીન ઉપર પ્રવેશ કર્યો હતો અને તેનાં હિસાબે પૂર્વ કેનેડામાં તેજ હવા અને તોફાની વરસાદથી પાંચ લાખ લોકોનાં ઘરની વીજળી ગુલ થઈ ગઈ છે. આ તોફાનનાં કારણે પ્યૂર્ટો રિકો અને ડોમિનિક ગણરાજ્યમાં આઠ લોકોનાં મોત થયા હોવાનું જાણવા મળે છે. ચક્રવાતનાં માર્ગમાં આવેલા વિસ્તારોમાં મોટાપાયે ઝાડનો સોંથ વળી ગયો છે.

સુપર ટાઈફૂન નોરુ ઝડપથી ફિલિપીન્સ ભણી ધસમસી રહ્યું છે. આકલન મુજબ આ મહાતોફાનમાં 240 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની ભીતિ છે. જે વધીને 300 કિ.મી. પ્રતિકલાક પણ થઈ શકે તેવી આશંકા છે. ફિલિપીન્સનાં તટરક્ષક દળનાં જણાવ્યા અનુસાર મનિલાનાં દક્ષિણ બંદરોમાં 1200થી વધુ યાત્રીઓ અને 28 જહાજો અટવાઈ ગયેલા છે. ફિલિપીન્સમાં ભારતીય સમુદાયનાં લોકોની સંખ્યા 1.30 લાખ જેટલી છે અને તેમાં 1પ હજાર જેટલા છાત્ર છે. જે મનિલા સહિતનાં શહેરોમાં અભ્યાસ કરી રહ્યાં છે.

September 24, 2022
canada_flag.png
1min365

કેનેડામાં હેટ ક્રાઈમ, વંશીય હિંસા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત ઘટનાઓમાં વધારો થયો છે. એવામાં ત્યાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને સાવધાની રાખવવા સલાહ આપવામાં આવે છે તેમ વિદેશ મંત્રાલયે શુક્રવારે એક એડવાઈઝરીમાં જણાવ્યું હતું. વિદેશ મંત્રાલય અને કેનેડામાં ભારતીય હાઈકમિશને ત્યાંના તંત્ર સમક્ષ આ ઘટનાઓનો મુદ્દો ઉઠાવ્યો છે અને યોગ્ય કાર્યવાહી કરવા આગ્રહ કર્યો છે.

ભારતના નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જાહેર કરતાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, કેનેડામાં હેટ ક્રાઈમ, વંશીય હિંસા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત ઘટનાઓમાં તીવ્ર વધારો થયો છે. આવા ગૂનાઓ કરનારાઓને કેનેડામાં હજુ સુધી ન્યાયના કઠેડામાં ઊભા કરાયા નથી. કેનેડામાં ભારતીય મૂળના અંદાજે ૧૬ લાખ લોકો વસવાટ કરે છે. આ સિવાય ભારતીય મૂળના ૧૭ સાંસદ અને ત્રણ કેબિનેટ મંત્રી છે, જેમાં સંરક્ષણ મંત્રી અનીતા આનંદનો સમાવેશ થાય છે. ઉપરાંત ભારતીયોમાં હવે શિક્ષણ માટે અમેરિકાના બદલે કેનેડાનું આકર્ષણ વધ્યું છે.

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, કેનેડામાં આવા ગુનાઓના વધતા કેસોને જોતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ તથા ત્યાં પ્રવાસ-શિક્ષણ માટે જતા ભારતીયોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે ઉમેર્યું હતું કે, કેનેડામાં ભારતથી ગયેલા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ ઓટ્ટાવામાં ભારતના હાઈકમિશન અથવા ટોરોન્ટો અને વાનકુંવરમાં કોન્સ્યુલેટ જનરલનો તેમની સંબંધિત વેબસાઈટ્સ અથવા મદદ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. 

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ દ્વારા નોંધણી કરાવવાથી ભારતીય હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલ માટે ઈમર્જન્સી અથવા જરૂરિયાતના સમયમાં તેમનો વધુ સારી રીતે સંપર્ક કરવો સુલભ થશે.

કેનેડામાં કથિત ‘ખાલિસ્તાની જનમત સંગ્રહ’ અંગે ભારતીય નાગરિકોએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે, મિત્ર દેશમાં જ કટ્ટરપંથી તત્વોને રાજકારણ પ્રેરિત આવી પ્રવૃત્તિઓની મંજૂરી અપાય છે તે ખૂબ જ આપત્તિજનક છે. આ ઘટનાના બીજા દિવસે ભારતીય વિદેશ મંત્રાલયે આ એડવાઈઝરી જાહેર કરી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે ભારતે કેનેડીયન ઓથોરિટી સમક્ષ ડિપ્લોમેટિક ચેનલ મારફત ‘ખાલિસ્તાની જનમત સંગ્રહ’નો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કથિત ખાલિસ્તાની જનમત સંગ્રહને બનાવટી કવાયત ગણાવી હતી. કેનેડાએ ભારતની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતાનું સન્માન કરવાની વાત કરી છે, પરંતુ એક મિત્ર દેશમાં કટ્ટરવાદી તત્વોને રાજકારણથી પ્રેરિત આવી પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી અપાય તે ખૂબ જ વાંધાજનક છે તેમ તેમણે ઉમેર્યું હતું.

હકીકતમાં આ સમગ્ર ઘટના પાકિસ્તાન પ્રાયોજિત ખાલીસ્તાની તત્વોને પ્રોત્સાહન આપવા અંગે છે. કેનેડાના બ્રામ્પ્ટનમાં જે દિવસે કથિત ખાલિસ્તાની જનમત સંગ્રહ કરાયો હતો તે દિવસે પાકિસ્તાન કોન્સલ જનરલ જનબાઝ ખાને વાનકુંવરમાં બે ખાલીસ્તાની સમર્થક ગુરુદ્વારાનો પ્રવાસ કર્યો હતો. કેનેડામાં ખાલિસ્તાની સમર્થક તત્વોની પ્રવૃત્તિઓ તાજેતરના વર્ષોમાં દ્વિપક્ષીય સંબંધોમાં અવરોધરૂપ બની છે.

આ સિવાય થોડાક દિવસ પહેલાં ખાલિસ્તાની કટ્ટરવાદીઓએ ટોરોન્ટોના એક હિન્દુ મંદિર પર ભારત વિરોધી પોસ્ટરો લગાવવાની ઘટના પણ સામે આવી હતી. ભારતે આ ઘટનાને ધૃણાસ્પદ ગૂનો ગણાવી કેનેડિયન અધિકારીઓને આરોપીઓ વિરુદ્ધ ત્વરીત કાર્યવાહી કરવા આગ્રહ કર્યો હતો. 

કેનેડાના ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, કેનેડાના ખાલિસ્તાની કટ્ટરવાદીઓ દ્વારા ટોરોન્ટોના હિન્દુ મંદિરમાં ભારત વિરોધી પોસ્ટરો લગાવવાની ઘટનાની બધાએ ટીકા કરવી જોઈએ. દેશમાં આ માત્ર એક ઘટના નથી. કેનેડાના હિન્દુ મંદિરોને તાજેતરના સમયમાં આ પ્રકારના અનેક હેટ ક્રાઈમનો સામનો કરવો પડયો છે.

September 20, 2022
liecester.jpeg
1min385

  • ભારત-પાક. મેચ બાદથી હિન્દુ-મુસ્લિમો વચ્ચે વિવાદ 
  • બ્રિટનમાં પણ કોમી હુલ્લડોની સ્થિતિ : ભગવા ઝંડાને કટ્ટરવાદી દ્વારા ઉખાડી ફેંકવામાં આવ્યો હોવાનો વીડિયો વાઇરલ
  • ભારતીય હાઇ કમિશને હિન્દુઓના ધાર્મિક સ્થળ પર હુમલાની ટીકા કરી, પોલીસને કાર્યવાહીની અપીલ 

બ્રિટનના લેસ્ટરમાં બે સમુદાયના લોકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ વિસ્તારમાં એક શિવ મંદિરમાં તોડફોડ થઇ હતી, જે બાદ હિન્દુઓ દ્વારા તેના વિરોધમાં પ્રદર્શનો કરાયા હતા. આ દરમિયાન કેટલાક ઇસ્લામિક કટ્ટરવાદીઓ સાથે ઘર્ષણ થયું હતું.

લેસ્ટરમાં કેટલાક કટ્ટરવાદીઓેએ મંદિરની બહાર લગાવેલા ભગવા ઝંડાને ફાડી નાખ્યા હતા. જેના વીડિયો અને તસવીરો પણ સામે આવ્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૮મી ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાયેલી ક્રિકેટ મેચ બાદ જ હિન્દુ અને મુસ્લિમ સમાજના કેટલાક લોકો વચ્ચે લેસ્ટરમાં વિવાદો શરૂ થઇ ગયા હતા. 

આ મેચમાં ભારતની પાકિસ્તાન સામે જીત થઇ હતી, સોશિયલ મીડિયા પર અને જાહેરમાં એકબીજા પર ટોણા મારવાને કારણે હિન્દુ અને મુસ્લિમોની વચ્ચે વિવાદ વધ્યો હતો. મંદિરમાં તોડફોડનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક તરફ બ્રિટનની પોલીસ તૈનાત છે અને બીજી તરફ ઉગ્રવાદીઓ હંગામો કરી રહ્યા છે.  હાલ પોલીસે સ્થિતિ પર કન્ટ્રોલ કરી લીધો છે અને આરોપીઓની સામે કાર્યવાહી ચાલી રહી છે, અત્યાર સુધીમાં હિંસામાં સામેલ કુલ ૧૫ લોકોની ધરપકડ કરાઇ છે. તેમ લેસ્ટરનો પોલીસ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. જ્યારે બ્રિટન સ્થિત ભારતીય હાઇ કમિશન દ્વારા આ ઘટનાની ટિકા કરવામાં આવી હતી અને બ્રિટન પોલીસને આરોપીઓની સામે કાર્યવાહી કરવા અપીલ કરાઇ હતી.

September 9, 2022
alizabeth-1280x720.jpg
1min405

– સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલમાં 96 વર્ષીય મહારાણીએ અંતિમ શ્વાસ લીધા

– મહારાણીના દેહને આજે લંડન લઈ જવાશે, 10 દિવસ પછી અંતિમક્રિયા, 73 વર્ષે રાજા બનેલા રાણીના મોટા પુત્ર કિંગ ચાર્લ્સ તૃતિય તરીકે ઓળખાશે

– પીએમ મોદી સહિત વિશ્વભરના નેતાઓએ શોકસંદેશ પાઠવ્યા

લંડન : બ્રિટન પર સૌથી લાંબો સમય ૭૦ વર્ષ સુધી શાસન કરનારા રાણી એલિઝાબેથ-૨નું બાલ્મોરા મહેલ ખાતે ૯૬ વર્ષની વયે લાંબી બીમારી પછી નિધન થયું હતું. મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તબિયત લથડતાં તેમને તેમના સ્કોટલેન્ડ ખાતેનાં મહેલમાં ડોકટરોનાં નિરીક્ષણ હેઠળ રખાયા હતા. જોકે, મોડી રાતે બકિંગહામ પેલેસે કહ્યું હતું કે, ગુરુવારે બપોરે બાલ્મોરલ ખાતે રાણીનું નિધન થયું હતું. મહારાણીના નિધનની પુષ્ટી કરી હતી. રાણી એલિઝાબેથ-દ્વિતીયે ૧૯૫૨માં સત્તા સંભાળી હતી. રાણી એલિઝાબેથ-દ્વિતીયના નિધન સાથે હવે તેમના સૌથી મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સ દેશના રાજા બન્યા છે. રાણીના પાર્થિવ શરીરને હવે લંડન લઈ જવાશે તથા નિશ્ચિત આયોજન મુજબ ૧૦ દિવસ પછી તેમની અંતિમક્રિયા કરાશે.

બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે, સ્કોટલેન્ડના બાલ્મોરલ મહેલમાં રાણી એલિઝાબેથ દ્વિતીયે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમયે મહારાણીના મોટાપુત્ર પ્રિન્સ ચાર્લ્સ સહિત રાજ પરિવારના અનેક સભ્યો ત્યાં હાજર હતા. ધ કિંગ એન્ડ ધ ક્વિ કન્સોર્ટ ગુરુવારે બાલ્મોરલમાં રહેશે અને શુક્રવારે લંડન પાછા ફરશે. બે દિવસ પહેલાં જ મહારાણી એલિઝાબેથની તસવીર સામે આવી હતી. તેમણે ત્યારે લિઝ ટ્રસની બ્રિટનના નવા વડાંપ્રધાન તરીકે નિમણૂક કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના નેતાઓએ મહારાણીના નિધન પર શોકસંદેશ પાઠવ્યો હતો.

એલિઝાબેથ દ્વિતીયનો જન્મ ૨૧ એપ્રિલ, ૧૯૨૬ના રોજ લંડન ખાતે ૧૭ બુ્રટન સેન્ટમાં થયો હતો. નૌકાદળના અધિકારી ફિલિપ માઉન્ટબેટન સાથે તેમનાં લગ્ન થયા હતા. તેમને પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સેસ એની, પ્રિન્સ એન્ડ્ર્યુ અને પ્રિન્સ એડવર્ડ ચાર સંતાનો હતા. મહારાણીના પતિ ફિલિપ માઉન્ટબેટનનું એપ્રિલ ૨૦૨૧માં ૯૯ વર્ષની વયે નિધન થયું હતું. કિંગ જ્યોર્જ-છઠ્ઠાના નિધન પછી ૧૯૫૨માં એલિઝાબેથ દ્વિતીય બ્રિટનના સિંહાસન પર બેઠાં હતાં. હવે તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ ૭૩ વર્ષે સૌથી વધુ વયે રાજા બન્યા હતા. તેઓ હવે કિંગ ચાર્લ્સ તૃતિય તરીકે ઓળખાશે.

અગાઉ બ્રિટેનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તબિયત લથડતાં તેમને સ્કોટલેન્ડ ખાતેનાં મહેલમાં ડોકટરોનાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા અને બ્રિટિશ રાજપરિવારના સભ્યો બાલ્મોરલ મહેલમાં પહોંચવા લાગ્યા હતા. મહારાણી એલિઝાબેથે ખરાબ તબિયતને કારણે બુધવારથી તેમનાં કામો સ્થગિત કરી દીધા હતાં.

મહારાણીના મૃત્યુ પછી બ્રિટિશ સરકાર અને બ્રિટિશ રાજપરિવાર દ્વારા ૧૯૬૦થી જ તૈયાર કરાયેલી ‘ઓપરેશન લંડન બ્રિજ’ નામની વિશેષ યોજનાના ભાગરૂપે સરકાર તરફથી વડાપ્રધાન લિઝ ટ્રસે સૌથી પહેલું નિવેદન કર્યું હતું.ત્યાર પછી બ્રિટન અને સમગ્ર દુનિયામાં બ્રિટિશ સરકારની ઓફિસો પર યુનિયન જેક અડધી કાઠીએ ફરકાવાયો હતો. 

રાણીના નિધન પછી પ્રિન્સ ચાર્લ્સ શુક્રવારે રાષ્ટ્રને સંબોધન કરશે. મહારાણીના પાર્થિવ દેહની અંતિમ ક્રિયા ૧૦ દિવસ પછી કરવામાં આવશે. આ સમયમાં નવા રાજા ચાર્લ્સ બ્રિટનની યાત્રાએ નિકળશે. બ્રિટન સરકાર ૧૦ દિવસ સુધી બધા જ કાર્યો અટકાવી દેશે. મહારાણીની અંતિમ ક્રિયા વેસ્ટમીનીસ્ટર એબે ખાતે કરવામાં આવશે અને તે મધ્યાન્હે સમગ્ર દેશમાં બે મિનીટ મૌન પાળવામાં આવશે.

September 6, 2022
truss.jpeg
1min414

– માર્ગારેટ થેચર અને થેરેસા મે પછી લિઝ ટ્રસ બ્રિટનનાં ત્રીજા મહિલા વડાપ્રધાન

– રિશિ સુનકને 60,399 અને લિઝ ટ્રસને 81,326 મતો મળ્યાં કન્ઝર્વેટિવ પાર્ટીના કુલ રજિસ્ટર મતદારોમાંથી 82 ટકાએ મતદાન કર્યું 

લંડન : ભારતીય મૂળના રિશિ સુનકને હરાવીને લિઝ ટ્રસ બ્રિટનનાં નવા વડાંપ્રધાન બન્યાં છે. લિઝ ટ્રસને કન્ઝર્વેટિવ સભ્યોના ૮૧૩૨૬ મતો મળ્યા હતા. રિશિ સુનકને કન્ઝર્વેટિવના ૬૦,૩૯૯ સભ્યોએ મત આપ્યાં હતાં. બંને  વચ્ચે બ્રિટનના વડાપ્રધાન બનવા માટે બરાબરીનો મુકાબલો થયો હતો. કુલ ૧,૭૨,૪૩૭ કન્ઝર્વેટિવ સભ્યોએ મતદાન કર્યું હતું. માર્ગારેટ થેચર અને થેરેસા મે પછી લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યાં હતાં.

ભારતીય મૂળના રિશિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચે કન્ઝર્વેટિવ પાર્ટીના લીડર બનવા માટે રસાકસીભર્યો મુકાબલો થયો હતો. બોરિસ જ્હોન્સનનું સ્થાન લેવા માટે થયેલા આ મતદાનમાં રિશિ સુનકનો પરાજય થયો હતો અને લિઝ ટ્રસ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યાં હતાં. માર્ગારેટ થેચર અને થેરેસા મે પછી લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યાં હતાં. લિઝ ટ્રસની ઈમેજ બ્રિટનના રાજકારણમાં ફાયર બ્રાન્ડ નેતા તરીકેની છે. બે મહિના લાંબી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શરૂઆતી રાઉન્ડમાં રિશિ સુનક બધા ઉમેદવારોથી આગળ રહ્યા હતા. ફાઈનલ પાંચમા રાઉન્ડમાં માત્ર બે ઉમેદવારો રહ્યા એ પછી કન્ઝર્વેટિવ પાર્ટીના રજિસ્ટર સભ્યો મતદાનથી આગામી વડાપ્રધાન ચૂંટી કાઢવાના હતા. એ માટે બંને ઉમેદવારો વચ્ચે ડિબેટ થઈ હતી અને બંને ઉમેદવારોએ પોતાની યોજનાઓ, આર્થિકનીતિ, વિદેશીનીતિ મતદારો સમક્ષ રજૂ કરી હતી.

છેલ્લાં ઘણાં સર્વેક્ષણોમાં દાવો થતો હતો કે રિશિ સુનક લિઝ ટ્રસ કરતા પાછળ છે. લિઝ ટ્રસની ટેક્સ માફીની નીતિથી કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો પ્રભાવિત થયા હતા અને તેમની લોકપ્રિયતા વધી હતી. આખરે પરિણામ પણ અપેક્ષા પ્રમાણે જ આવ્યું હતું. બંને વચ્ચે બરાબરીની ટક્કર થઈ હતી. બે લાખ મતદારોમાંથી ૧,૭૨,૪૩૭ મતદારોએ વોટિંગ કર્યું હતું, તેમાંથી લિઝ ટ્રસને ૮૧૩૨૬ જ્યારે રિશિ સુનકને ૬૦૩૯૯ મતો મળ્યા હતા. 

નવા વડાપ્રધાન બન્યાં પછી લિઝ ટ્રસે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને સંબોધતી વખતે રિશિ સુનક વિશેકહ્યું હતું ઃ હું સદ્ભાગ્યશાળી છું કે મારી પાર્ટીમાં આટલી ગહેરી સમજદારી ધરાવતા નેતા છે. લિઝ ટ્રસે ૨૦૨૪ની ચૂંટણીમાં પાર્ટીને ફરીથી વિજેતા બનાવવાન નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોનો પણ તેમણે ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લિઝ ટ્રસને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પાર્ટીમાં આંતરિક વિરોધ ઉઠયો એ પછી બોરિસ જ્હોન્સને ૭મી જુલાઈએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. એ પછી કન્ઝર્વેટિવ પાર્ટીમાં જ્હોન્સનના સ્થાને નવા વડાપ્રધાનની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. બ્રિટનમાં વડાપ્રધાનપદની રેસ સુધી પહોંચનારા પ્રથમ ભારતીય મૂળના નેતા બનીને રિશિ સુનકે ઈતિહાસ સર્જ્યો છે.

રાણી એલિઝાબેથના કાર્યકાળમાં 15મા વડાપ્રધાન શપથ ગ્રહણ કરશે

રાણી એલિઝાબેથના લાંબાં કાર્યકાળમાં બ્રિટનને ૧૫ વડાપ્રધાનો મળ્યા છે. રાણી એલિઝાબેથે અત્યાર સુધીમાં ૧૪ વડાપ્રધાનોને શપથ લેવડાવ્યા છે. લિઝ ટ્રસને શપથ લેવડાવશે એ સાથે રાણી એલિઝાબેથ તેમના શાસનકાળમાં ૧૫મા વડાપ્રધાનને શપથ લેવડાવશે.

 ચર્ચિલ ૧૯૫૧થી ૧૯૫૫ દરમિયાન વડાપ્રધાન બન્યા ત્યારે રાણી એલિઝાબેથે પ્રથમ વખત વડાપ્રધાનને શપથ લેવડાવ્યા હતા. લિઝ ટ્રસ ૧૫મા વડાપ્રધાન છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયે બ્રિટનના પ્રથમ મહિલા વડાપ્રધાન માર્ગારેટ થેચરને શપથ લેવડાવ્યા હતા. એ પછી ૨૦૧૬માં બીજા મહિલા વડાપ્રધાન થેરેસા મેને શપથ ગ્રહણ કરાવ્યા હતા. લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બનશે.

September 4, 2022
faruk-fatih-ozer-rsmp_cover-overlay.jpg
1min433

– તુર્કીમાં ફારુક ફતેહ ઓઝર નામના આરોપીએ વર્ષ 2017માં ર્રગીટ નામની ટર્કિશ ક્રિપ્ટો એક્સચેન્જ કંપની શરૂ રૂ. 159.4 અબજથી વધુનું કૌભાંડ આચર્યું 

તુર્કીએ ક્રિપ્ટો કૌભાંડમાં પકડાયેલ એક ક્રિપ્ટો સ્કેમરને ૪૦,૦૦૦ વર્ષથી વધુની જેલની સજા ફટકારી છે. ડિજિટલ ટ્રેન્ડ્સમાં જણાવવામાં આવ્યું છે કે ફારુક ફતેહ ઓઝરે વર્ષ ૨૦૧૭માં ર્રગીટ નામની ટર્કિશ ક્રિપ્ટો એક્સચેન્જ કંપની શરૂ કરી હતી.  ફારુક બે અબજ ડોલર એટલેકે લગભગ રૂ. ૧૫૯.૪ અબજથી વધુનું કૌભાંડ કરીને એક વર્ષથી વધુ સમય સુધી ફરાર હતો.

 રિપોર્ટ અનુસાર આ માટે તેને ૪૦,૫૬૪ વર્ષની જેલની સજા થઈ શકે છે. ફારુક ફતેહ ઓજાન નામના આ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જના સ્થાપકની ધરપકડ કરવામાં આવી છે.

થોડેક્સ ક્રિપ્ટો એક્સચેન્જ કંપનીમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા સાત લાખની આસપાસ હોવાનું કહેવાય છે. અહેવાલ મુજબ, તુર્કી ચલણમાં ઘટાડાથી ઘણા નાગરિકોએ ક્રિપ્ટોમાં રોકાણ કર્યું જેનો થોડેક્સને ફાયદો થયો હતો. લોન્ચ થયાના થોડા વર્ષો પછી આ કંપની બધા રોકાણની ઉચાપત કરીને ગાયબ થઈ ગઈ હતી. કંપનીએ ખોટા દાવા કરીને વેપાર બંધ કરી દીધો હતો

વર્ષ ૨૦૨૧માં થોડેક્સે અચાનક ક્રિપ્ટો ટ્રેડિંગ બંધ કરી દીધું અને દાવો કર્યો કે એક વિદેશી રોકાણને કારણે તેને લગભગ પાંચ દિવસ સુધી કામગીરી બંધ કરવી પડી છે. ફારુકે પછી દાવો કર્યો કે કંપનીએ સંપૂર્ણ રીતે વેપાર બંધ કરવો પડશે. કારોબાર સમેટી લેવા માટે સાયબર હુમલા સંબંધિત ધમકીઓને કારણ ગણાવ્યું હતુ. 

તેણે દાવો કર્યો હતો કે યુઝર્સના ફંડ સુરક્ષિત રહેશે પરંતુ યુઝર્સના એકાઉન્ટ પણ છીનવી લેવાયા અને તેમાં રહેલ ફંડની પણ ઉઠાંતરી કરવામાં આવી હતી.

તુર્કીની પોલીસે કાર્યવાહી કરી અને કંપનીના અનેક કર્મચારીઓની અટકાયત કરી પરંતુ ફારુક ભાગી ગયો અને અલ્બેનિયામાં છુપાઈ ગયો હતો. તેના પર રોકાણકારો અને યુઝર્સના ફંડમાંથી બે અબજ ડોલર લઈને ભાગી જવાનો આરોપ લાગ્યો છે.

August 23, 2022
euro.jpg
1min443

આજે 22/8/22, ભારતમાં કરન્સી બજારમાં એક ડોલરના ૭૯.૮૪ અને એક યુરોનો ભાવ ૭૯.૩૨ પૈસા રહ્યો હતો.

ડોલર સામે યુરોપીયન યુનિયનની કરન્સી યુરો નબળી પડી છે. બે દાયકામાં પ્રથમ વખત ડોલર સામે યુરો એકના સ્તરથી નીચે આવ્યો છે એટલે કે ૯૯ સેન્ટ બરાબર એક ડોલર જોવા મળી રહ્યો છે. યુરોની આ નબળાઈના કારણે ભારતીય ચલણમાં પણ ડોલર વધારે મજબૂત અને યુરો થોડો સસ્તો થયો છે. 

યુરો સામે મોડી રાત્રે ભારતીય ચલણ ૭૯.૩૨ની સપાટીએ છે ભારતીયો માટે હંમેશા ડોલર કરતા યુરો મોંઘો રહ્યો છે પણ આજે પ્રથમ વખત બન્યું છે કે ડોલર મોંઘો થઇ ગયો છે અને યુરો સસ્તો થઇ ગયો હોય.

વૈશ્વિક બજારમાં યુરો ડોલર સામે ૦.૯૯૩૧, પાઉન્ડ ૧.૭૬૪ છે. યેન સામે ડોલર ૧૩૭.૪૩ની સપાટી છે. યેનની આ ત્રણ સપ્તાહની સૌથી નીચી સપાટી છે. વર્ષ ૧૯૯૯માં જયારે યુરો એક ચલણ તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેનો ભાવ ડોલર સામે ૧.૧૯ ડોલર હતો. અમેરિકામાં વર્ષ ૨૦૦૮ની આર્થિક કટોકટી સમયે ડોલર સામે યુરોનો ભાવ સૌથી ઉંચો ૧.૬૦ થયો હતો. ગત સપ્તાહે ડોલર સામે યુરો ગબડી ૦.૯૯૯૮ થયો હતો જયારે આજે તે ઘટી ૦.૯૯૩૧ થતા બે દાયકામાં સૌથી નીચી સપાટીએ પટકાયો છે. ડોલર સામે યુરો પટકાતા નોન ડીલીવરેબ ફોરવર્ડ માર્કેટ કે જે ભારતીય બજાર બંધ થયા પછી ખુલે છે તેમાં ડોલર કરતા યુરો ભારતીય ચલણ સામે સસ્તો થઇ ગયો હતો  ભારતમાં આજે ડોલર સામે રૂપિયો ૭૯.૯૦ની સપાટીએ નરમ ખુલી દિવસના ઉપરના સ્તર ૭૯.૭૮ થઇ દિવસના અંતે ૭૯.૮૪ની આગળના દિવસના બંધ સામે સ્થિર બંધ આવ્યો હતો.

August 19, 2022
swiss.jpg
1min355

– મરીનના ડ્રગ ટેસ્ટની પણ માંગ કરવામાં આવી

– મરીનનો દાવોઃ મેં દરેક કાયદેસર બાબત કરી છે કશું અણછાજતું કર્યું નથી

નવી દિલ્હી : ફિનલેન્ડની વડાપ્રધાન સના મરીનનો દારુ પીને પાર્ટી કરતો વિડીયો વાઇરલ થતાં વિવાદ સર્જાયો છે. ફિનલેન્ડના વિપક્ષી નેતાઓએ વિડીયોને લઈને સના મરીનના ફરતે સકંજો કસવો શરુ કર્યો છે. તેમના ડ્રગ ટેસ્ટની પણ માંગ કરવામાં આવી રહી છે. 

જો કે સના મરીને આનો બચાવ કરતા જણાવ્યું છે કે તેણે પાર્ટી દરમિયાન ફક્ત દારુનું સેવન કર્યુ હતુ. સોશિયલ મીડિયા પર સના મરીનનો જે વિડીયો વાઇરલ થઈ રહ્યો છે તેમા તે પોતાના મિત્રો સાથે ગાતા અને નાચતા નજરે આવી રહી છે. વિડીયોને લઈને સોશિયલ મીડિયા પર જાતજાતના પ્રત્યાઘાતો આવી રહ્યા છે. 

સના મરીને લીક થયેલા વિડીયો અંગે જણાવ્યું હતું કે તેમને ખબર છે કે તેમનો વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો, પરંતુ વિડીયો પબ્લિકમાં લીક થવાથી હું દુઃખી છું. તેમણે જણાવ્યું હતું કે મેં પાર્ટી કરી છે, ડાન્સ કર્યો છે અને ગાયુ પણ છે. આમ મેં બધી કાયદેસરની વસ્તુ કરી છે. ડ્રગ્સ પરના આરોપો અંગે તેણે જણાવ્યું હતું કે મારે ડ્રગ્સ લેવું પડયુ હોય તેવો સમય આવ્યો નથી. હું કોઈ ડ્રગ્સ સેવન કરનારને જાણતી પણ નથી. 

મરીને પત્રકારો સાથે વાત કરતા બચાવ કરતા જણાવ્યું હતું કે મારું પણ એક કૌટુંબિક જીવન છે, પ્રોફેશનલ જીવન છે અને આ સિવાય થોડો ખાલી સમય પણ છે જે મિત્રો સાથે તે વીતાવી શકે. મરીને આગળ જણાવ્યું હતું કે તેને લાગે છે કે તેણે તેની વર્તણૂકમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવો જરૂરી નથી. 

જો કે વિપક્ષે આ મુદ્દે મરીન પર પરોબરના આકરા પ્રહારો કર્યા છે. તેઓનું કહેવું છે કે મરીનનો ડ્રગ ટેસ્ટ થવો જોઈએ.

 કેટલાક બીજા વિપક્ષી નેતાઓએ તો રાષ્ટ્રના બીજા મુદ્દાઓને બદલે મરીનના ડાન્સને લક્ષ્યાંક બનાવવા બદલ મીડિયાને પણ ટાર્ગેટ કર્યુ હતુ.

August 15, 2022
indian-embassy-kabul.jpg
1min325

કાબુલ, તા. 15. ઓગસ્ટ, 2022 રવિવાર

અફઘાનિસ્તાનમાં સત્તાપલટો થયા બાદ હવે ભારતે ફરી એક વખત કાબુલમાં પોતાની એમ્બેસી ખોલી છે અને તેનાથી તાલિબાન ખુશખુશાલ છે.

તાલિબાન સરકારના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ હતુ કે, અમને આશા છે કે, ભારત અ્ફઘાનિસ્તાનને માનવીય સહાય કર્યા બાદ દેશના વિકાસ પર પણ ધ્યાન આપશે .અમે પણ ભારતીયોને તમામ પ્રકારની સુરક્ષા પૂરી પાડવા માટે આશ્વાસન આપીએ છે.

પ્રવક્તાએ કહ્યુ હતુ કે, દેશમાં ભારત અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યુ હતુ અને તે અધુરા છે.અમે ભારતને આ પ્રોજેક્ટ પૂરા કરવા માટે આગ્રહ કર્યો છે.જો આ પ્રોજેક્ટ પરા નહીં થાય તો આ તમામ યોજનાઓ બરબાદ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, 2021માં તાલિબાનના શાસન બાદ ભારતે પોતાની એમ્બેસી બંધ કરી હતી.જોકે હવે ભારતે પોતાની એમ્બેસી ખોલી નાંખી છે.પાંચ અધિકારીઓ તેમાં કાર્યરત છે અને એમ્બેસીની સુરક્ષા માટે ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની એક ટુકડીને મોકલવામાં આવી છે

જોકે ભારત સરકારે અફઘાનિસ્તાનમાં પોતાની ડિપ્લોમેટિક ક્ષમતા વધારવાને લઈને હજી સુધી કોઈ નિવેદન આપ્યુ નથી.શનિવારે વિદેશ મંત્રી એસ જયશંકરે બેંગ્લોરમાં કહ્યુ હતુ કે, એમ્બેસી ફરી શરુ કરવાનો નિર્ણય માનવીય સહાયતા પહોંચાડવા માટે લેવાયો છે.

July 29, 2022
samsung.jpg
1min422

ઓસ્ટ્રેલિયાની કોર્ટે સેમસંગને ૯૮ લાખ ડોલર (અંદાજે રૂ. ૭૮૦૮ કરોડ)નો દંડ ફટકાર્યો છે. કંપનીએ સ્માર્ટફોન વૉટરપ્રૂફ છે એવી ખોટી જાહેરાતો કરી હતી, એ જાહેરાતો અંગે તપાસ થતાં એમાં કોઈ તથ્ય ન હોવાનું જણાતા આ દંડ ફટકારાયો હતો. એટલું જ નહીં, તપાસ એજન્સીને ખર્ચ પેટે અલગથી દોઢ લાખ ડોલર આપવાનો આદેશ પણ કોર્ટે કર્યો હતો.

સાઉથ કોરિયાની કંપની સેમસંગે ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૬થી ૨૦૧૮ દરમિયાન સેમસંગના સાત મોડલ વૉટરપ્રૂફ હોવાની જાહેરાતો કરી હતી. એમાંના ઘણાં મોડેલ વૉટરપ્રૂફ નથી એવી ફરિયાદો ઉઠી હતી. એ પછી ચારેક વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયન કન્ઝ્યૂમર કોમ્પિટિશન કમિશને કંપનીના દાવા બાબતે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જણાયું હતું કે કંપનીનો દાવો ભૂલભરેલો છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. ઓસ્ટ્રેલિયામાં લગભગ ૩૧ લાખ જેટલાં સ્માર્ટફોન વેંચનારી સેમસંગ કંપની સામે કેસ દાખલ થયો હતો.

કોર્ટે ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો આપતા કંપનીને ૯૮ લાખ ડોલરનો માતબર દંડ ફટકાર્યો હતો. એ સિવાય ઓસ્ટ્રેલિયન કન્ઝ્યૂમર કોમ્પિટિશન કમિશનને તપાસ દરમિયાન જે ખર્ચ થયો તેના વળતર પેટે દોઢ લાખ ડોલર આપવાનો આદેશ પણ કર્યો છે. કંપનીએ કહ્યું હતું કે અત્યારે સેમસંગના એક પણ મોડેલમાં એવી કોઈ ટેકનિકલ ખામી રહી નથી. સેમસંગે ઓસ્ટ્રેલિયામાં એસ-૭, એ-૫, એ-૭, એસ-૮, એસ-૮ પ્લસ મોડેલ માટે એવો દાવો કર્યો હતો કે આ તમામ સ્માર્ટફોન અંડરવોટર પણ ચાલે છે. સી વોટર કે સ્વીમિંગ પૂલમાં કોઈ જ તકલીફ થતી નથી. પરંતુ ગ્રાહકોમાં ફરિયાદ ઉઠી હતી એ પ્રમાણે આ ફોનને પાણીમાં નાખવાથી ચાર્જિંગ પોર્ટ્સમાં ખરાબી થઈ હતી. એ પછી કંપનીએ આવા કેટલાય ગ્રાહકોને મોબાઈલ રિપેર કરી આપ્યા હતા, પરંતુ એ માટે અલગથી ચાર્જ વસૂલાયો હોવાની ફરિયાદ થઈ હતી. વ્યાપક ફરિયાદો પછી ઓસ્ટ્રેલિયન એજન્સીએ તપાસ હાથ ધરી હતી.