


ડૉલર સામે સતત થઈ રહેલા રૂપિયાના અવમૂલ્યને અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ તથા તેમનાં માતા-પિતાની રાતોની ઊંઘ હરામ કરી નાખી છે.
અમેરિકામાં ભણી સોનેરી ભવિષ્ય બનાવવાના સ્વપ્ના આંખમાં આંજીને ગયેલા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે ત્યાં ટકી રહેવા તનતોડ મહેનત કરતા નજરે ચડી રહ્યા છે. સતત ગગડતો જતો રૂપિયો વિદ્યાર્થીઓના માતા-પિતા માટે ચિંતાનો વિષય છે. એ તેમના સંતાનો સારી પેઠે સમજી તેમનો માસિક ખર્ચ સમતોલ રાખવા જ્યાં મળે ત્યાં નોકરી સ્વીકારી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જમન રાણા નામનો વિદ્યાર્થી ગત વર્ષે એન્જલિયા રસ્કિન યુનિવર્સિટી-કેમ્બ્રિજ ખાતે અભ્યાસ અર્થે ગયો ત્યારે તેને હતું કે જઈને તે તરત કાર ખરીદશે જેથી તેનું આનવજાવન સરળ રહે, પરંતુ બદલાતા જતા સંજોગને સ્વીકારી તેમણે કાર ખરીદવાનો વિચાર પડતો મૂક્યો, ઉપરાંત અમેરિકામાં રહેવાનો ખર્ચ અને તેના અભ્યાસની ફી માટે થઈને તેની નજીકમાં આવેલી શોપમાં પાર્ટટાઈમ જોબ કરી રહ્યો છે.
અર્કાનાસ યુનિવર્સિટીમાં આર્થિક યોજનાઓ અંગે અભ્યાસ કરી રહેલા પુત્રના પિતા મનોજ ગુપ્તાએ પણ રૂપિયાના વધી રહેલા ભાવ અંગે હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે તેના પુત્રના અભ્યાસ અને અન્ય ખર્ચમાં સરેરાશ ત્રણ લાખનો વાર્ષિક બોજ વધ્યો છે. અમેરિકાની સારી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એમબીએ કરવા ગયેલા કે એમએસ કરવા ગયેલા વિદ્યાર્થીઓના વાર્ષિક ખર્ચમાં રૂ. 3 થી 5 લાખનો વધારો થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
મનોજ ગુપ્તાનો જ કેસ ચકાસીએ તો તેઓ ભારતની ઓઈલ એન્ડ ગેસ કંપનીના એક્ઝિક્યુટિવ છે. જે પ્રતિ વર્ષ આશરે 30,000 ડૉલર્સ પુત્રના અભ્યાસ તથા અન્ય ખર્ચ પાછળ ખર્ચે છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેમનો પુત્ર યુએસ વધુ અભ્યાસ અર્થે ગયો ત્યારે 1 ડૉલરનો ભાવ 64 રૂ. હતો જે હાલ 74 રૂ. પહોંચ્યો છે. ભારતીય મા-બાપ માટે આ 10 રૂ.નો તફાવત વિકટ સમસ્યા થઈ પડી છે એ સર્વાનુવિદીત છે.
ઘણા માતા-પિતાએ વધુ અભ્યાસ અર્થે સંતાનોને વિદેશ મોકલવા જંગી રકમની લોન લીધી છે અથવા તો તેમની મિલકત પણ ગીરવે મૂકી છે, ત્યારે એક બાજુ રૂપિયાના વધતા જતા ભાવ અને ટ્રમ્પ પ્રશાસન તરફથી બદલાઈ રહેલી વીઝા નીતિને કારણે ઘણા વિદ્યાર્થીઓના ભવિષ્ય ડામોડોળ થઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ બ્રિટન, યુકે ખાતે પણ હજારો ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તે સર્વે નાણાકીય સંકટનો સામનો કરી રહ્યા છે.
હજુ રૂપિયો ઉપર જવાની સંભાવના જોતા રૂ. 78-79ની સપાટીએ પહોંચી શકે છે. એનો અર્થ એ થયો કે વિદ્યાર્થીઓના વાર્ષિક ખર્ચમાં સરેરાશ 20% જેટલો વધારો થઈ શકે છે. મળતા અહેવાલ મુજબ રૂપિયાના વધતા જતા ભાવને પરિણામે એર ફેર મોંઘું થવાને કારણે ભારતીય વિદ્યાર્થીઓ વેકેશનમાં કે પ્રસંગો પર પણ દેશ જવું કે નહીં તે અંગે પણ અવઢવમાં છે.
પાછલા બાર મહિનામાં પાઉન્ડ સામે રૂપિયો 85.5 થી 96.7ની સપાટીએ પહોંચ્યો છે. જ્યારે ડૉલરની સામે 65.2થી 74.2ની સપાટીએ પહોંચ્યો છે. યુરો સામે રૂપિયો 76.3 થી વધીને 84.8ના ભાવે પહોંચી ચૂક્યો છે.
જમન રાણાએ જણાવ્યું હતું કે તેના પ્રવેશ સમયે તેની અભ્યાસ ફી રૂપિયામાં 19.5 લાખ હતી, ત્યારે પાઉન્ડ સામે રૂપિયાની કિંમત 85.5 રૂ. હતી, જ્યારે આજે પાઉન્ડ સામે રૂપિયો 96.7 રૂ.ના ભાવે નીચે ગયો છે. જેને પરિણામે તેની અભ્યાસ ફીમાં આશરે 2.5 લાખનો વધારો થઈ ચૂક્યો છે. જેને પરિણામે તેના માતા-પિતાનો બોજ હળવો કરવા તે અભ્યાસ સાથે કામ પણ કરી રહ્યો છે.
બ્રિટિશ યુનિવર્સિટીના ક્ધસલટન્ટ નાગપુર સ્થિત વિજય નાયડુના મત મુજબ હાલ રૂપિયાનું અવમૂલ્યન વિદ્યાર્થીઓને એટલું નુકસાનકારક નથી કારણ તેઓ એડવાન્સ ફી ભરી ચૂક્યા છે જેથી ફીનું ધારાધોરણ જળવાઈ રહ્યું છે, પરંતુ તેમના જીવનનિર્વાહના ખર્ચમાં ચોક્કસ વધારો નોંધાયો છે. જો આ જ પરિસ્થિતિ લાંબો સમય ચાલુ રહે છે તો આગામી વર્ષોમાં રૂપિયાના અવમૂલ્યનની વિદ્યાર્થીઓની અભ્યાસ ફી પર ગંભીર અસરો પડી શકે છે.
અમેરિકામાં 50% ફી ભરી ચૂકેલા વિદ્યાર્થીઓ દ્વારા ફ્લેક્સિબલ પેમેન્ટ માટે વિનંતી કરવામાં આવી રહી છે, જેથી વિદ્યાર્થીઓ પોતે જ કામ કરી તેમાંથી તેમના અભ્યાસનો ખર્ચ કાઢી શકે.

પીએમ મોદીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પર્યાવરણ મામલે ઐતિહાસિક કામ કરવા બદલ ‘ચેમ્પિયન્સ ઓફ અર્થ’ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે પીએમ મોદીને સન્માનિત કર્યા. ગુટેરેસે કહ્યું કે પીએમ મોદીએ સ્વીકાર્યું છે કે જળવાયુ પરિવર્તન આપણા માટે ખતરો છે. આપણે જાણીએ છીએ કે આપણને શેની જરૂર છે. ગ્રીન ઈકોનોમી આવનારા દાયકામાં મહત્વની બનવાની છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું,’આ સન્માન પર્યાવરણની સુરક્ષા માટે ભારતની સવા સો કરોડની જનતાની પ્રતિબદ્ધતાનું સન્માન છે. ‘ચેમ્પિયન્સ ઓફ અર્થ’ એવોર્ડ ભારતની એ જ પૌરાણિક પરંપરાનું સન્માન છે, જેમાં પ્રકૃતિમાં પણ પરમાત્માનો વાસ મનાયો છે. જેણે સૃષ્ટિના મૂળમાં પંચતત્વના અધિષ્ઠાનનું આહવાન કર્યું છે.’
પીએમ મોદીએ કહ્યું, ‘જુઓ હાલના સમયની માગ છે કે વસ્તીને પર્યાવરણ પર, પ્રકૃતિ પર વધારાનું દબાણ આપ્યા વગર વિકાસ સાથે જોડવામાં આવે. આ માટે હું પર્યાવરણ સાથે ન્યાયની વાત કરું છું. જળવાયુ પરિવર્તનનો પડકાર જળવાયુ સાથે ન્યાય કર્યા વગર ન કરી શકાય.’ તેમણે કહ્યું કે આ સંવેદના અમારા જીવનનો ભાગ છે. ઝાડ પાનની પૂજા કરવી, હવામાન, ઋતુઓનું વ્રત લોકગાથાઓમાં પ્રકૃતિ સાથેના સંબંધની વાત આપણે પ્રકૃતિને હંમેશા સજીવ અને સહજીવ માની છે’
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે ‘આજે ભારત માટે ગૌરવનો દિવસ છે. આજે આપણા વડાપ્રધાનને પર્યાવરણ ક્ષેત્રમાં નેતૃત્તવ બદલ ‘ચેમ્પિયન્સ ઓફ અર્થ’ એવોર્ડથી સન્માનિત કરાઈ રહ્યા છે. પૃથ્વી આપણા માટે ગ્રહ નથી, પરંતુ માતા છે. ભારતમાં જ્યારે મકાન બને છે, તો ભૂમિપૂજન કરાય છે.’
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
હજુ ગઇ તા.21મી સપ્ટેમ્બર 2018ના દિવસે જ ગુગલ મેપના પ્રોગ્રામ મેનેજર આનલ ઘોષ બાબુ સુરત આવ્યા હતા અને પત્રકાર પરિષદમાં એટલી મોટી મોટી હાંકી હતી કે જાણે આખી દુનિયાને સરનામું બતાવવાનો ઠેકો તેમને મળ્યો હોય અને સૌથી લેટેસ્ટ રોડ રસ્તાની માહિતી ઉપરાંત ટ્રાફિક જામની પણ આગોતરી માહિતી જો કોઇ આપી શકે તો ગુગલ જ આપશે. આ ગુગલ્યા મેપના પ્રોગ્રામ મેનેજર આનલ ઘોષ બાબુએ આવી વાતો સુરત શહેર અને સુરત મહાનગરના લોકોને ઉદ્દેશીને કરી હતી. સૌથી લેટેસ્ટ માહિતી અને અપડેટ સાથે ગુગલ મેપ સુરતીઓની સેવા કરશે એવું તેમનું કહેવું હતું.
પણ હવે જુઓ આ ગુગલ્યા બાબાને ખબર જ નથી પડી કે સુરતમાં કેબલ સ્ટેઇડ બ્રિજ બની ગયો છે. એક દિવસમાં એ બ્રિજ પરથી 3 લાખથી વધુ વાહનો પસાર થઇ ચૂક્યા છે અને અંદાજે 7 લાખ લોકો આ બ્રિજ પરની પ્રત્યક્ષ મુલાકાત લઇ ચૂક્યા છે. આ એક વિશ્વ વિક્રમ હશે, ભલે સુરત મહાનગરપાલિકાએ આ બાબતને નજર અંદાજ કરી હોય. પણ વિશ્વમાં સૌથી લેટેસ્ટ અને સૌથી અપડેટેડ સાઇટ હોવાનો દાવો કરતા આ ગુગલ બાબાને હજુ સુધી માહિતી મળી નથી કે સુરતમાં કેબલ સ્ટેઇડ બ્રિજ બની ગયો છે અને શરૂ પણ થઇ ગયો છે.
આજે સવારે એક મિત્ર બહારગામથી સુરત આવ્યા હતા અને તેમને વાયા કેબલ સ્ટેઇડ બ્રિજ અડાજણ આવવા માટે મેં ટેલિફોનિક જાણ કરી. એ મિત્રએ ગુગલ મેપમાં કેબલ સ્ટેઇડ બ્રિજ સર્ચ કર્યું ત્યારે ખબર પડી કે હજુ ગુગલ બાબા જુની પૂરાણી માહિતી જ આપી રહ્યા છે. જુઓ ગુગલ મેપ પર કેબલ સ્ટેઇડ બ્રિજ, સુરતના કેવા રસ્તા મળે છે.

ગુગલ મેપ પર આજે સવારે લેવાયેલા સ્ક્રીન શોટની કોપી

ગુગલ મેપ પર આજે સવારે લેવાયેલા સ્ક્રીન શોટની કોપી

ગુગલ મેપ્સના પ્રોગ્રામ મેનેજર આનલ ઘોષે સુરતમાં કંઇક આવું કહ્યું હતું.
Google showcased the latest features available in Google Maps that can help people get around more easily. Two-wheeler mode, Public Transport with real-time bus information, Plus codes, Maps Go, local languages on Maps, Exploring local places, real-time location sharing, Multi-stop directions, Real-time traffic (including traffic alerts) and Local Guides — all offerings that make getting around in Surat quicker and more conveniently.
આપણે યુઝર્સે નક્કી કરવાનું કે ગુગલ મેપ્સના મેનેજરો કે ગુગલ પોતે ભલેને કહ્યા કરે અમે સૌથી વધુ અપડેટેડ છીએ પણ જો ગુગલના રવાડે ચઢી જઇશું તો કેબલ સ્ટેઇડ બ્રિજની જગ્યાએ નદીમાં વાહન ચલાવવાનો વારે આવશે.
ગુગલ ભલેને સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજને એકાદ મહિના પછી મેપ પર અપડેટ કરે આપણે આમાંથી બોધપાઠ એ લેવાનો કે ગુગલ્યા જેવી એપ્લિકેશન્સ ફક્ત આપણી માહિતીઓ એકત્રિત કરીને વેચવાના ધંધામાં છે, તેમના પર નિર્ભર રહેવું ન જોઇએ.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આયુષ્યમાન ભારત યોજના માટે નોબલ પીશ પારિતોષિક મળવું જોઇએ એવી માગણી સાથે નોબેલ એવોર્ડ એનાયત કરવારી સંસ્થા સમક્ષ દાવો રજૂ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરન્દ્ર મોદીનું નામ નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યું છે. આ ભલામણ તામિલનાડુના પ્રદેશ અધ્યક્ષ ડૉ. તમિલીસાઈ સુંદરરાજને કરી છે નોમિનેશનમાં જણાવવામાં આવ્યું છે કે, પીએમ મોદીએ આયુષ્માન ભારત યોજનાનાં સ્વરૂપમાં દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજનાની શરૂઆત કરી છે. આ માટે તેમને નોબેલ પુરસ્કાર મળવો જોઇએ. આ નોમિનેશન સુંદરરાજનના પતિએ કર્યું છે. તેઓ એક ખાનગી યુનિવર્સિટીમાં નેફ્રોલોજી વિભાગના વડા છે.
અમીર સ્વીડિસ ઉદ્યોગપતિ અને ડાયનામાઇટના શોધક આલ્ફ્રેડ નોબલે આ પુરસ્કારની સ્થાપના કરી હતી. આ પુરસ્કાર ચિકિત્સા, ભૌતિક, રસાયણ વિજ્ઞાન, સાહિત્ય તથા શાંતિ માટે આપવામાં આવે છે. સૌ પહેલા નોબલ 1901માં આલ્ફ્રેડના મોતના પાંચ વર્ષ બાદ અપાયો હતો. આલ્ફ્રેડ નોબેલની સ્મૃતિમાં ઇકોનોમિક એવોર્ડ બેન્ક ઓફ સ્વીડન તરફથી અપાય છે. જેની શરૂઆત 1968માં થઇ હતી.

નોબેલ શાંતિ પુરસ્કાર નોર્વેમાં એનાયત કરે છે જ્યારે અન્ય પુરસ્કાર સ્વીડનમાં અપાય છે. આનું કારણ છે કે, આલ્ફ્રેડ નોબલ આવું ઇચ્છતા હતા. ઉલ્લેખનીય છે કે, 1905ના પહેલા સુધી તે સ્વીડન અને નોર્વ એક જ હતા, બાદમાં તે છૂટા પડ્યા હતા. અત્યાર સુધી મધર ટેરેસા અને કૈલાશા સત્યાર્થીને શાંતિ પુરસ્કાર અપાયો છે. આ સિવાય સાહિત્યમાં ક્ષેત્રમાં રવિન્દ્ર નાથ ટાગોર, ભૌતિકના ક્ષેત્રમાં ડૉક્ટર સીવી રમન, અર્થશાસ્ત્રમાં અમર્ત્ય સેનને પણ નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે.

માલદીવમાં માલદિવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)ના ઉમેદવાર ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે તા.23મી સપ્ટેમ્બર 2018ના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી લીધી છે. માલદીવમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ ભારત માટે સારા સંકેત આપી રહ્યાં છે કારણ કે ઇબ્રાહીમ ભારતની સાથે મજબૂત સંબંધોના હિમાયતી રહ્યાં છે.
બહુમતી મેળવનાર ભારત તરફી સોલિહને 58.3 ટકા મત મળ્યા છે. ચૂંટણી પર નજર રાખનાર સ્વતંત્ર એજન્સી ટ્રાન્સપરન્સી માલદીવ્સના મતે સોલિહે નિર્ણાયક અંતરથી જીત પ્રાપ્ત કરી લીધી છે. બીજીબાજુ જીત બાદ સોલિહે પોતાના પહેલાં ભાષણમાં કહ્યું, આ ખુશી, ઉમ્મીદ, અને ઇતિહાસની પળ છે. તેની સાથે જ તેમણે કહ્યું કે સત્તાની શાંતિપૂર્ણ હસ્તાંતરણની અપીલ કરી છે.
જીતની જાહેરાતની સાથે જ સોલિહની માલદિવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)ના પીળા ઝંડા લઇ વિપક્ષ સમર્થક રસ્તા પર ઉતરી આવ્યા અને ખુશીનો એકરાર કર્યો. પરિણામ આવ્યા બાદ યામીનની તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી. સોલિહે કહ્યું કે હું યામીનને કહેવા માંગીશ કે તેઓ લોકોની ઇચ્છાનું સમ્માન કરે અને સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ કરે. તેની સાથે રાજકીય નેતાઓને જેલમાંથી છોડવાની પણ અપીલ કરી છે
ચૂંટણી પ્રક્રિયા પર ભારત અને ચીનની નજર હતી. આ બધાની વચ્ચે યુરોપિયન સંઘ અને અમેરિકાએ ચૂંટણીના સ્વતંત્ર અને નિષ્પક્ષ નહીં હોવા પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી હતી. યામીને રાજધાની માલેમાં મતદાન કેન્દ્ર ખુલ્યાના થોડાંક સમય બાદ જ મતદાન કર્યું. મતદાન શરૂ થતા પહેલાં પોલીસે વિપક્ષ માલદિવિયન ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી)ના પ્રચાર હેડક્વાર્ટર પર દરોડા પાડ્યા અને ‘ગેરકાયદે ગતિવિધિ’ને રોકવાની કોશિષના નામ પર બિલ્ડિંગની કેટલાંય કલાકો સુધી તપાસ ચાલી. આ સિલસિલામાં કોઇની ધરપકડ કરાઇ નહીં.
રાફેલ ડિલના મામલે ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદેએ રિલાયન્સ અંગે કરેલા નિવેદનને પગલે ભારતની રાજનિતીમાં જ નહીં બલ્કે વિશ્વભરના રાજકીય તખ્તાઓ પર ભારે હલચલ મચી ગઇ છે. ઓલાંદેના નિવેદનને પગલે તાબડતોડ ફ્રાન્સ સરકારે નિવેદન આપીને ભારત સરકારના બચાવમાં ઉતરવું પડ્યું હતું. પ્રસ્તુત છે સમગ્ર વિવાદ પર પહેલેથી છેલ્લે સુધીનો ઘટનાક્રમ
ઓલાંદેએ શું કહ્યું હતું ?
એક રિપોર્ટ મુજબ ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદેએ રાફેલ ડીલ મામલે સ્ફોટક નિવેદન આપ્યું હતું. ઓલાંદેએ 58,000 કરોડ રૂપિયાની રાફેલ ડીલમાં દાસૌ એવિયેશનને પાર્ટનર કંપની તરીકે રિલાયન્સ ડિફેન્સનું નામ ભારત સરકારે સૂચવ્યું હોવાનો દાવો કર્યો હતો. ઓલાંદે આ વાત ફ્રાંસની ન્યૂઝ વેબસાઈટને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહી હતી.
ઓલાંદેનો દાવો છે કે ભારત સરકારે રિલાયન્સ ડિફેન્સનું નામ સૂચવ્યું. દાસૌએ અનિલ અંબાણીનો સંપર્ક કર્યો. અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. જો કે દાસૌએ આ મુદ્દે નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે. દાસૌના કહેવા મુજબ ઓફસેટ પાર્ટનર તરીકે કંપનીએ જાતે જ રિલાયન્સની પસંદગી કરી હતી. એટલે કે આ મામલે ભારત સરકાર કોઈ રીતે જવાબદાર નથી. ફ્રાંસના પૂર્વ પ્રમુખ ઓલાંદેના દાવાથી વિરુદ્ધ ફ્રાંસની સરકારે સ્પષ્ટતા કરી છે કે, રાફેલ ડીલમાં ઈન્ડિયન કંપની પસંદ કરવામાં ભારતીય સરકારની કોઈ ભૂમિકા નથી
‘ડીલમાં ભારત સરકારની ભૂમિકા નહીં’
યુરોપ એન્ડ ફોરેન અફેર્સ મંત્રાલયના પ્રવક્તાએ ઓલાંદના દાવાને ફગાવતા નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં કહેવાયું છે કે રાફેલ ડીલમાં પાર્ટનર પસંદ કરવાનું કામ ભારત સરકારે નહીં પરંતુ ફ્રેંચ કંપની દાસૌએ કર્યું છે.
આરોપો પર ફ્રાસ સરકારનો જવાબ
– પાર્ટનર કંપની પસંદ કરવાનો અધિકાર
ફ્રાસની સરકારે સ્પષ્ટતા કરી છે કે ફ્રેંચ કંપની પાસે ઈન્ડિયન કંપનીને પાર્ટનર તરીકે પસંદ કરવાની પૂરતી આઝાદી છે.

રાફેલ ડીલ પર ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે ફ્રાંસના પૂર્વ પ્રમુખ ઓલાંદેના નિવેદન પર ફ્રાંસ સરકારે સ્પષ્ટતા કરી છે. ઓલાંદેના દાવાથી ઉલટુ ફ્રાંસની સરકારે સ્પષ્ટતા કરી છે કે ઓદ્યોગિક પાર્ટનર પસંદ કરવામાં સરકારની કોઈ ભૂમિકા નથી. ભાર મૂકીને કહેવાયું છે કે ફ્રેંચ કંપની દાસોને કોન્ટ્રાક્ટ માટે ઈન્ડિયન કંપની પસંદ કરવાની આઝાદી અપાઈ છે. રિલાયન્સ ડિફેન્ટને પાર્ટનર તરીકે પસંદ કરવાના દાવા પર ફ્રાંસ સરકારે કહ્યું કે દાસોએ સૌથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરી છે.
કેન્દ્ર પર વિપક્ષના પ્રહાર
જો કે ઓલાંદેના નિવેદન બાદ વિપક્ષ આ મામલે કેન્દ્ર સરકારને ઘેરી રહ્યો છે. વિપક્ષ સતત રાફેલ ડીલમાં મોટા કૌભાંડનો આક્ષેપ કરી રહ્યો છે. ઓલાંદેના નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદી પર નિશાન સાધ્યું.
જાતીય હુમલા કૌભાંડના કેન્દ્રમાં હોય એવી એક વ્યક્તિને લીધે સ્વિડિશ એકેડમીએ આ વર્ષનું સાહિત્ય માટેનું નોબલ ઈનામ પાછળ ઠેલ્યું છે. તા.19મી સપ્ટેમ્બર 2018ના રોજ તેના પર ખટલાની કાનૂની કાર્યવાહી આરંભી તે વેળાએ તેણે બે આક્ષેપ માટે નનૈયો ભણી દીધો હતો. સ્ટોકહોમના સાંસ્કૃતિક મંચ પર ફ્રાન્સના જીન ક્લાઉડે આરનોલ્ટનું નામ દાયકાઓથી વગદાર વ્યક્તિ તરીકે ખૂબ માનથી લેવામાં આવતું હતું. વર્ષ ૧૯૦૧માં સ્વિડિશ એકેડેમીની કેટરીના ફ્રોસ્ટેન્સન નામક સભ્ય સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા આરનોલ્ટ સ્ટોકહોમમાં ફોરમ ક્લબ ચલાવતો હતો. પ્રકાશકો અને લેખકો સાથે સંપર્ક સેતુ ઈચ્છતા નવા કલમજીવીઓ માટે ક્લબ મહત્ત્વનું મીટિંગ સ્થળ છે.

એક સ્વીડીશ દૈનિકમાં ૨૦૧૭ના નવેમ્બરમાં લગભગ ૧૮ મહિલાના નિવેદન આવ્યા તેમાં દાવો કરાયો કે આરનોલ્ટે અમારા પર બળાત્કાર ગુજાર્યો, જાતીય હુમલા કર્યા તેમ જ જાતીય હેરાનગતિ કરી છે. એક મહિલા પર બળાત્કાર ગુજારવાના બે આક્ષેપો સંદર્ભે તા.19મી સપ્ટેમ્બર 2018ના રોજ સ્ટોકહોમની જિલ્લા કોર્ટમાં હાજર થયો હતો.
બીજી અને ત્રીજી ડિસેમ્બરની રાત્રે મહિલા પર બળાત્કારના આક્ષેપ બદલ દોષી સાબિત થશે તો તેને છ વર્ષની જેલની સજા થઈ શકશે. લેખિકા એલાઈસ કાર્લસને કહ્યું કે ૨૦૦૮માં તેણે મારી પાછળ હાથ લગાડ્યો અને છેડતી કરી. મેં તેમને મને ન અડવાનું કહ્યું અને લાફો વીંઝી દીધો હતો. કાર્લસને કહ્યું કે બાદમાં આરનોલ્ટે મને કહ્યું કે હવે તને આ ક્ષેત્રમાં કદાપી કોઈ જ કામ નહીં મળે.
જોકે ઉક્ત જાતીય કૌભાંડ મામલે શું અને કેવી રીતે કામ કરવું તે અંગે એકેડેમીમાં મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. આઠ જણે રાજીનામું આપ્યું છે અથવા રજા પર છે. હવે ૨૦૧૮ માટેના સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ૨૦૧૯ સુધી મોકૂફ રાખવામાં આવ્યું છે કારણ કે એકેડમી પોતાનું પુન:નિર્માણ કરવાના પ્રયાસમાં મગ્ન છે. આગામી મહિનાઓમાં નવા સભ્યોની પસંદગી કરે એવી અપેક્ષા રાખવામાં આવી છે. તેઓ ડઝનબંધ લેખક-લેખિકાઓની કૃતિઓ વાંચીને ૨૦૧૮ માટે એક વ્યક્તિ અને ૨૦૧૯ માટે અન્ય એક વ્યક્તિ પર પસંદગીનો કળશ ઢોળશે.
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત કરાતા 200 અબજ ડૉલરના મૂલ્યના માલ પર 10 ટકા આયાત જકાત લાદવાની મંગળવારે જાહેરાત કરી હતી અને આ ઇમ્પૉર્ટ ડ્યૂટી વર્ષાંતે વધારીને પચીસ ટકા કરાશે. આ ઉપરાંત, જો ચીન વળતાં પગલાં લેશે તો વધારાના 267 અબજ ડૉલરના માલ પર ઇમ્પૉર્ટ ડ્યૂટી લાદવાની ચીમકી પણ અપાઇ હતી.

અમેરિકાની આ જાહેરાતને પગલે ચીને વળતાં પગલાં લેવાનો નિર્ણય લીધો હતો અને તેને લીધે વિશ્ર્વની બે અગ્રણી આર્થિક મહાસત્તાની વચ્ચે ‘વ્યાપાર-યુદ્ધ’ વધુ વકરવાની પૂરી શક્યતા છે. ડોનલ્ડ ટ્રમ્પે ચીનના માલસામાનની આયાત પર વધારાની ઇમ્પૉર્ટ ડ્યૂટી લાદવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ચીન વ્યાપારને લગતી પોતાની અયોગ્ય નીતિ બદલવા નથી માગતું. અમે લાદેલા વધારાના ટૅરિફથી અમેરિકી કંપનીઓને લાભ થશે.
અગાઉ, અમેરિકાએ ચીનથી આયાત કરાતા પચાસ અબજ ડૉલરના માલસામાન પર આયાત જકાત લાદી હતી. અમેરિકાએ લાદેલી નવી દસ ટકા ઇમ્પૉર્ટ ડ્યૂટીનો અમલ 23મી સપ્ટેમ્બરથી થશે અને તે પહેલી જાન્યુઆરી સુધીમાં વધારીને પચીસ ટકા કરાશે. અમેરિકાએ ચીનના માલ પર વધારાની ઇમ્પૉર્ટ ડ્યૂટી લાદતા અમેરિકામાં આગામી રજાના દિવસોમાં ચીની માલ ખરીદવો મોંઘો બનશે.
ટ્રમ્પે ધમકી આપી હતી કે જો ચીન અમેરિકાના કૃષિ અને અન્ય ક્ષેત્રના ઉત્પાદનો પર વધારાની ઇમ્પૉર્ટ ડ્યૂટી લાદશે તો અમે ટૅરિફમાં તાત્કાલિક વધારો કરવાનો ત્રીજો તબક્કો હાથ ધરીશું અને વધુ 267 અબજ ડૉલરના મૂલ્યના માલસામાન પર આયાત જકાત લાદીશું.
પૂર્વ અમેરિકાના કાંઠે બહુ જ શક્તિશાળી વાવાઝોડાના ભયને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ અંદાજે દસ લાખ લોકોને સલામત સ્થળે જતા રહેવાની સૂચના આપી હતી.

વાવાઝોડામાં પવનની ઝડપ કલાક દીઠ 220 કિલોમીટર (140 માઇલ) રહેવાની શક્યતા છે અને તેને ચોથા વર્ગમાં મુકાયું છે. વાવાઝોડાના ભયથી નાસભાગ થઇ રહી છે.
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર પણ સંબંધિત ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે પૂર્વ કાંઠાના વિસ્તારમાં બહુ જ શક્તિશાળી વાવાઝોડું ફૂંકાવાનું છે. સાઉથ કેરોલિનાના ગવર્નર હેન્રી મેકમાસ્ટરે ગુરુવારે વાવાઝોડું ત્રાટકે તે પહેલાં પૂર્વ કાંઠાના રહેવાસીઓને ઘરમાંથી નીકળીને સલામતસ્થળે જવાની સૂચના આપી હતી. તેમણે આ વિસ્તારના લોકોને જણાવ્યું હતું કે વાવાઝોડાનો સામનો કરવા તૈયાર રહો, સાવચેત રહો અને સલામતીનું ધ્યાન રાખો.
રાજ્યના 46 પરગણામાંના 26માંની શાળાઓ મંગળવારથી બંધ કરી દેવાઇ હતી. પાડોશી નૉર્થ કેરોલિનામાં પણ લોકોને સાવચેત રહેવાની સૂચના અપાઇ છે. હાલ વર્જિનિયામાં કટોકટી જાહેર કરાઇ છે. ગવર્નર હેન્રી મેકમાસ્ટરે જણાવ્યું હતું કે જોખમી વિસ્તાર ખાલી કરવો મરજિયાત નહિ, પરંતુ ફરજિયાત છે. અમે નથી ઇચ્છતા કે સાઉથ કેરોલિયામાં વાવાઝોડાથી એક વ્યક્તિનો પણ જાન જોખમમાં આવે. બર્મુડા અને બહામાસની વચ્ચેથી મંગળવાર અને બુધવારે વાવાઝોડું પસાર થવાની આગાહી છે.
વાવાઝોડાને ધ્યાનમાં રાખીને લોકો બેટરી, ફ્લૅશલાઇટ્સ અને જીવનાવશ્યક ચીજોની મોટા પાયે ખરીદી કરવા લાગ્યા હતા.