રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે રાજ્ય ભાજપા પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકોનો દૌર તા.1 ફેબ્રુઆરી 2020થી શરૂ થયો હતો. પહેલી બેઠકમાં દાવેદારોને ટિકિટ આપવા બાબતે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જાહેર કર્યું હતું કે,’ બેઠકમાં નક્કી કર્યા પ્રમાણે, ભાજપ દ્વારા 60 વર્ષ કે, તેથી વધારે ઉંમરના નેતાઓને ટિકિટ આપવામાં આવશે નહીં. સાથે જ પરિવારવાદને લઇને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ભાજપના હોદ્દેદાર કે નેતાના પરિવારના સભ્યોને ટિકિટ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ત્રણ ટર્મથી જે પણ કોર્પોરેટરો ચૂંટાયા છે. તેમને પણ ટિકિટ આપવામાં આવશે નહીં. આમ, સીઆર પાટીલની આ જાહેરાત ચૂંટણી લડવા માગતા અનેક નેતાઓના સપનાં પર પાણી ફેરવી દીધું છે.
ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલે કરેલી જાહેરાત બાદ ગુજરાત ભાજપમાં સિનિયર નેતાઓ નારાજ થયા છે જ્યારે બહુમતિ કાર્યકરોમાં ખુશી પ્રવર્તી ઉઠી છે, ભાજપાના નિર્ણયને પગલે અનેક નવયુવાનોને સ્થાન મળે તેવી શક્યતા જોવાય રહી છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને’ આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકની શરૂઆત થઇ હતી. તેમાં પહેલા મહાનગરના અને ત્યારબાદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં સૌ આગેવાનોને સાંભળ્યા બાદ પાર્ટીમાં સંકલન સમિતિ અને પાર્લામેન્ટ્રી બોર્ડમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, 60 વર્ષથી વધારે ઉંમરવાળા કાર્યકર્તાને ટિકિટ નહીં આપવી, જેની 3 ટર્મ પૂર્ણ થઈ હોય તેને ટિકિટ નહીં આપવી, કોઈ આગેવાનોના સગાને ટિકિટ નહીં આપવી. આ પ્રકારનો નિર્ણય થયો છે. ખૂબ સારા રિસ્પોન્સ સાથે ચયન પ્રક્રિયા ખૂબ સરળતાથી ચાલી રહી છે.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 55 વર્ષ ઉપરનાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ નહીં અપાય તેવી જાહેરાત કરી હતી. પરંતુ ભાજપમાં મોટાપાયે ઉંમરની મર્યાદાને લઇને અસંતોષ જોવા મળ્યો હતો. જેને ખાળવા માટે આજે મળેલી સંકલનની બેઠકમાં 55 વર્ષની જગ્યાએ હવે 60 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
બીજી બાજુ વોર્ડ મહામંત્રીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ નહીં ફાળવવા કરાયેલા નિર્ણય સામે પણ કચવાટ ઉભો થવા પામ્યો છે.
- અમદાવાદ શહેરના ભાજપના 142 કોર્પોરેટરોમાંથી 20 કોર્પોરેટરો 3 ટર્મ કરતા વધુ સમયથી હોવાથી તેમને તક નહીં મળે. અમદાવાદમાં 3 કોર્પોરેટરો 5 ટર્મથી છે, 7 કોર્પોરેટરો 4 ટર્મથી ચૂંટાયેલા છે. જ્યારે 10 કોર્પોરેટરો 3 ટર્મથી ચૂંટાયેલા છે. આમ આ તમામ 20 કોર્પોરેટરોને ટીકિટ નહીં મળે.
- વડોદરામાં 8 કોર્પોરેટરો 3 ટર્મથી વધુ સમયથી ચૂંટાતા આવ્યા છે તેઓને પણ ટીકીટ નહી મળે.
- સુરત મહાનગરપાલિકામાં 13 કોર્પોરેટરો સતત 3 ટર્મથી ચૂંટાતા આવ્યા છે જ્યારે 14 કોર્પોરેટરો 60 વર્ષથી ઉપરના છે આમ, સુરતમાં 27 કોર્પોરેટરોની દાવેદારી ઉપર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.