
- કોંગ્રેસે જીએસટી પરિષદની સ્વાયત્તતા પર સવાલ ઉઠાવ્યા
- વર્તમાન સુધારા જીએસટી 1.5, સાચા જીએસટી 2.0ની હજુ રાહ જોવાય છે, કેન્દ્રે રાહુલ ગાંધીની વાત માનવી પડી : જયરામ
જીએસટીમાં સુધારાઓ મુદ્દે કોંગ્રેસે ગુરુવારે કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી. ભૂતપૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે, કેન્દ્ર સરકારને પોતે ખોટા રસ્તે જઈ રહી હોવાનું સમજતાં આઠ વર્ષ લાગ્યા. ત્યાર પછી આખરે તેમણે યુ-ટર્ન લઈને જીએસટીમાં સુધારા કરવા પડયા છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે પણ કેન્દ્રની ટીકા કરતા કહ્યું કે, આ જીએસટી ૧.૫ છે. સાચા જીએસટી ૨.૦ની હજુ રાહ જોઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ૨૦૧૭થી જે કહી રહ્યા છે તેનો સરકાર અત્યારે અમલ કરી રહી છે.
જીએસટી પરિષદે સર્વસંમતિથી જીએસટીમાં વ્યાપક સુધારાઓને મંજૂરી આપી દીધી છે. પરિષદના આ નિર્ણયથી સામાન્ય જનતાના ઉપયોગની લગભગ બધી જ વસ્તુઓ પરના દરોમાં કાપ મૂકાયો છે. જીએસટી પરિષદના સુધારા મુદ્દે કોંગ્રેસ સાંસદ અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે, વર્તમાન જીએસટી ડિઝાઈન અને દરનો અમલ પહેલાં જ કરવાની જરૂર હતી. વિપક્ષે વર્ષોથી આ મુદ્દા વિરુદ્ધ વારંવાર ચેતવણી આપી હતી, પરંતુ કોંગ્રેસની દલીલોની કેન્દ્ર સરકારે અવગણના કરી હતી.
તેમણે એક્સ પર પોસ્ટમાં લખ્યું, જીએસટીને તર્કસંગત બનાવવા અને અનેક વસ્તુઓ તથા સેવાઓ પરના દરોમાં ઘટાડો આવકારદાયક છે, પરંતુ તેમાં આઠ વર્ષનો વિલંબ થઈ ગયો છે. જીએસટીમાં વર્તમાન સુધારાઓનો અમલ શરૂઆતથી જ કરવાની જરૂર હતી. જીએસટીમાં સુધારાના સમય પર સવાલ ઉઠાવતા ચિદમ્બરમે કહ્યું કે, અચાનક કરાયેલા આ ફેરફારો પાછળ અનેક આર્થિક અને રાજકીય કારણો છે. અમેરિકાના ટેરિફ અને બિહારમાં વિધાનસભા ચૂંટણીના કારણે સરકારે અત્યારે અચાનક જીએસટીના દરોમાં સુધારો કરવો પડયો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહામંત્રી જયરામ રમેશે પણ કેન્દ્ર સરકારની ટીકા કરતાં લખ્યું કે, સાચા જીએસટી ૨.૦ની હજુ પણ રાહ જોવાઈ રહી છે. આ સુધારા જીએસટી ૧.૫ છે, કારણ કે હજુ એ જોવાનું છે કે શું આ સુધારાથી ખાનગી રોકાણને પ્રોત્સાહન મળશે? એમએસએમઈ પર બોજ ઓછો થશે? રાજ્યોની માગોનો હજુ પણ કોઈ ઉકેલ આવ્યો નથી.
તેમણે કહ્યું કે, જીએસટીમાં સુધારા માટે મોટાપાયે કન્ઝ્યુમર ઉત્પાદનોના દરોમાં ઘટાડો થાય, ખોટા વર્ગીકરણ અને વિવાદ ઘટે, એમએસએમઈ પર બોજ ઘડે અને જીએસટી કવરેજનો વિસ્તાર થાય તે જરૂરી છે. તેમણે આઉટપુટ કરતાં ઈનપુટ પર વસૂલવામાં આવતો ટેક્સ નાબૂદ કરવાની પણ ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે જુલાઈ ૨૦૧૭માં લાગુ કરેલ જીએસટીની ડિઝાઈન ખામીવાળી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ૨૦૧૭થી જ આ મુદ્દો ઉઠાવી રહ્યા હતા. આખરે કેન્દ્ર સરકારે રાહુલ ગાંધની વાત માનવી પડી.










