CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 10 of 50 - CIA Live

April 27, 2022
modi.jpeg
1min380

વડા પ્રધાન નરેન્દ્ર મોદી Dt.27/4/22, બુધવારે બપોરે બાર વાગ્યે રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે કોરોના રોગચાળાની સ્થિતિ વિશે વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરશે. કૉન્ફરન્સમાં કેન્દ્રના આરોગ્ય ખાતાના સચિવ રાજેશ ભૂષણ પ્રેઝન્ટેશન પણ કરશે. 

આગામી દિવસોમાં કેટલાક તહેવારો પણ આવતા હોવાથી વડા પ્રધાને ગયા રવિવારે કોરોનાના ચેપ સામે સાવધ રહેવાનો અનુરોધ દેશની જનતાને કર્યો હતો. 

માસિક રેડિયો વાર્તાલાપ ‘મન કી બાત’માં વડા પ્રધાને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઇદ, અક્ષય તૃતીયા, ભગવાન પરશુરામની જન્મજયંતી, વૈશાખ બુધ પૂર્ણિમા ઉજવાશે. 

એ માહોલમાં સૌએ કોરોના સામે સાવધ રહીને માસ્ક પહેરવાનું ચાલુ રાખવાનું રહેશે. તે ઉપરાંત સમયાંતરે હાથ ધોવાનો નિયમ જાળવવા અને ફિઝિકલ ડિસ્ટન્સ રાખવાની કાળજી રાખવાની રહેશે.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૨૪૮૩ કેસ નોંધાયા હતા, આ સાથે જ દેશમાં કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક વધીને ૪,૩૦,૬૨,૫૬૯ થઈ ગયો હતો. આ સાથે જ દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાંઓનો આંક વધીને ૫,૨૩,૬૨૨ થઈ ગયો હતો. દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૫ રહ્યો હતો. સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને ૪,૨૫,૨૩,૩૧૧ થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની વૅક્સિનના ૧૮૭.૯૫ કરોડ કરતા પણ વધુ ડૉઝ આપી દેવામાં આવ્યા હોવાનું બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતું.

April 23, 2022
navneet.jpeg
1min683

મુંબઈમાં હનુમાન ચાલીસાના જાપને લઈ વિવાદ વકર્યો છે. અપક્ષ સાંસદ નવનીત રાણાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ‘માતોશ્રી’ આવાસ બહાર હનુમાન ચાલીસાનો જાપ કરાવવાની જાહેરાત કરી હતી અને ત્યાર બાદ સ્થિતિ વણસી રહી છે. નવનીત રાણાએ સવારે 9:00 વાગ્યાનો સમય આપ્યો હતો અને તેના પહેલાથી જ મોટી સંખ્યામાં શિવસૈનિકો તેમના ઘર બહાર પહોંચીને હંગામો કરવા લાગ્યા હતા.

ખાર વિસ્તારમાં સાંસદ નવનીત રાણાના ઘર બહાર આ પ્રકારે હોબાળો મચ્યો છે. નવનીત રાણાના પતિ રવિ રાણા અપક્ષ ધારાસભ્ય છે. બંનેએ માતોશ્રી બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત કરી હતી. નોટિસ મળ્યા બાદ પણ નવનીત રાણા હનુમાન ચાલીસાના પાઠ માટે અડગ છે. 

મુંબઈ પોલીસે તેમને આ મામલે નોટિસ પણ પાઠવી છે. રાણા દંપતીના નિર્ણય બાદ મુખ્યમંત્રીના નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર સુરક્ષા વ્યવસ્થાને વધારે સઘન કરી દેવામાં આવી છે. 

તે સિવાય રાણા અને શિવસૈનિકો વચ્ચેની અથડામણ રોકવા માટે માલાબાર હિલ્સ ખાતે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ની બહાર પણ ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. 

April 17, 2022
crpatil.jpg
1min415

માધવપુરના મેળામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તેમના પ્રવચનમાં કૃષ્ણ -સુભદ્રા વિષે શરતચૂકથી વારંવાર ભાઇ-બહેનને બદલે પતિ-પત્ની ગણાવી ભાંગરો વાટયો હતો. આ પ્રવચનના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા તેથી અંતે સી.આર.પાટીલે માફી માગી છે અને દ્વારકા આવીને દ્વારકાધીશના દર્શન કરીને પણ રૂબરૂ પણ માફી માગશે તેમ કબૂલ્યું છે.’

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે માધવપુરના મેળામાં પ્રવચન દરમિયાન વારંવાર એવો ઉલ્લેખ કર્યો હતો કે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ અહીં માધવપુર આવીને લગ્ન કર્યા હતા. તેમના પ્રવચનમાં વારંવાર આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવતા કોઇએ તેનું ધ્યાન દોરીને કૃષ્ણના લગ્ન સુભદ્રા સાથે નહીં પરંતુ રૂક્ષ્મણી સાથે થયાં હતાં તેમ જણાવતા તે સમયે પાટીલે પ્રવચનમાં પોતાની ભૂલ સુધારી હતી પણ કોઇ માફી માંગી ન હતી પરતું ત્યારબાદ પાટીલના આ નિવેદન બદલ ચારે બાજુથી રોષ ભભૂકી ઉઠયો હતો. રાજકીય રીતે પણ તેના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા અને પોરબંદરમાં યુવક કોંગ્રેસે પાટીલના પોસ્ટરને સુદામા ચોકમાં પીપળાના વૃક્ષમાં ઉંધુ લટકાવ્યું હતું અને તે રીતે પણ વિરોધ થયો હતો.

જિલ્લા કોંગ્રેસના પ્રમુખે તો તેમની માનસિક સ્થિતિ સારી નહીં હોવાનું જણાવીને સારવાર કરાવવાની શીખામણ પણ આપી હતી. તે ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ પણ ટ્વીટ કરીને પાટીલને માફી માગવા જણાવ્યું હતું. ગુજરાતના અલગ-અલગ શહેરોના આહિર સમાજના યુવાનો, આગેવાનો વગેરેએ સી.આર.પાટીલને ફોન કરીને માફી માગવા માટે કહ્યું હતું.

દરમિયાનમાં સી.આર.પાટીલે એક વીડિયો શેર કર્યો છે જેમાં પોતે માફી માંગતા હોય તેવું જણાવ્યું છે જેમાં તેઓ બોલે છે કે ‘હું એક કાર્યક્રમમાં શરતચૂકથી ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજી વિષે બોલ્યો હતો. તેથી યુવાનોએ અને આગેવાનોએ મને ફોન કરીને આ બાબતમાં માફી માગવાનું કહ્યું હતું એટલું જ નહીં પરંતુ કોઇએ દ્વારકા આવીને પણ માફી માંગવા જણાવ્યું હતું. વક્તવ્ય દરમિયાન મેં કોઇ ધર્મની ટીકા ટીપ્પણી કરી નથી. જે યુવાનોએ મને ફોન કર્યો તેને પણ હકારાત્મક જવાબ આપ્યો હતો. ફક્ત નામ લેવામાં મારાથી શરતચૂક થઇ હતી. ભૂલ એ ભૂલ છે તેથી કોઇપણ જાતની દલીલ વગર એ ભૂલને સ્વીકારીને હું માફી માંગુ છું. મારા વક્તવ્યને કારણે કોઇની લાગણી દુભાઇ હોય તો તેમની માફી માગુ છું અને જરૂર પડયે હું દ્વારકા પણ આવીશ અને માફી માંગીશ’ એમ ઉમેર્યું હતું.

April 15, 2022
hardik1-1280x720.jpg
1min519

ગુજરાતમાં આ વર્ષના અંતમાં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં મોટી ઉથલ-પાથલની સંભાવના દેખાઈ રહી છે. પાટીદાર સમાજના મોટા નેતા અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાની જ પાર્ટી પર નિશાનો સાધ્યો છે. તેમણે કોંગ્રેસ પર નજરઅંદાજ કરવાનો આરોપ લગાવતા પાટીદાર સમાજના અપમાનનો આરોપ લગાવ્યો છે. ” ‘
માત્ર 26 વર્ષની ઉંમરમાં કોંગ્રેસના સૌથી યુવા અધ્યક્ષ બનેલા હાર્દિક પટેલે બુધવારે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ છે. કેન્દ્ર અને રાજ્યમાં નેતા વધારે હોવાના કારણે નિર્ણય થઈ શકતો નથી. પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસમાં સામેલ કરવામાં થઈ રહેલા વિલંબ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓના મોટા ભાગે મીડિયામાં નિવેદન આવે છે તેના કારણે આખા પાટીદાર સમાજનું અપમાન થઈ રહ્યું છે. એ પાટીદાર સમાજ સહન નહીં કરે બે મહિના થઈ ચૂક્યા છે પરંતુ અત્યાર સુધી નરેશ પટેલને પાર્ટીમાં સામેલ કરવાનો નિર્ણય થઈ શક્યો નથી અને સ્થાનિક નેતૃત્વએ તેના પર તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ.’

એક અહેવાલ હાર્દિક પટેલે કોંગ્રેસમાં નજરઅંદાજ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે મને પ્રદેશ પાર્ટી કમિટીની બેઠકમાં આમંત્રિત કરવામાં આવતો નથી. કોઈ પણ નિર્ણય લેવા પહેલા તેઓ મારી પાસ સલાહ લેતા નથી પછી આ પદનો અર્થ શું છે? ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષનો અર્થ લગ્ન બાદ વરરાજાની નસબંદી ”’ કરાવવા બરાબર છે.
હાર્દિક પટેલ દાવો કરે છે કે વર્ષ 2015ની સ્થાનિક ચૂંટણી અને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજના આંદોલનથી કોંગ્રેસને ચૂંટણીમાં મોટો ફાયદો થયો. ત્યારબાદ શું થયું? કોંગ્રેસમાં ઘણા લોકો માને છે કે પાર્ટી વર્ષ 2019 બાદ હાર્દિક પટેલનો સારી રીતે ઉપયોગ ન કરી શકી. તેનું કદાચ કારણ એ છે કે પાર્ટીમાં કેટલાક લોકો વિચારી રહ્યા છે કે આગામી 5-10 વર્ષમાં હું તેમની પ્રગતિમાં બાધા બની શકું છું અને એટલે જ કોંગ્રેસના નેતાઓ ઇચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં.
દરમિયાન હાર્દિક પટેલના નરેશ પટેલના નિવેદન પર રઘુ શર્માની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ હાર્દિકને કહ્યુ કે, બધાએ શિસ્તમાં રહેવું જોઈએ. શું હાર્દિકે નરેશ પટેલને પૂછીને નિવેદન આપ્યું હતું? દરેક પાર્ટી અને વ્યક્તિની સમસ્યા હોય જ છે કે, જો તમને ફરિયાદ હોય તો અમને જાણ કરો. જાહેરમાં નિવેદનો કરવાથી ક્યારેય સમસ્યાનું સમાધાન ન થાય.

હાર્દિક પટેલની નારાજગી બાબતે જ્યારે ગુજરાત કોંગ્રસ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું હતું કે હાર્દિક પટેલ સાથે વાત કરીને જાણકારી મેળવીશ કે તેમની નારાજગીનું કારણ શું છે. નરેશ પટેલને સામેલ કરવા માટે પાર્ટી તૈયાર છે. તેમની સાથે કેટલીક વાતચીત પણ થઈ ચૂકી છે પરંતુ આ નિર્ણય તેમણે જ કરવો પડશે કે તેઓ કોંગ્રેસમાં સામેલ થશે કે નહીં અને કોંગ્રેસ તેમનું અને તેમના સમુદાયનું અપમાન કઈ રીતે કરી શકે છે.

March 25, 2022
yogi.jpg
1min360

યોગી આદિત્યનાથ ગુરુવારે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ તથા ભાજપના ટેકેદાર પક્ષોના નેતાઓની હાજરીમાં સર્વાનુમતે ઉત્તર પ્રદેશમાં ભાજપ વિધાનસભા પક્ષના નેતાપદે ચૂંટાયા હતા. લખનઊના લોકભવનમાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં મુખ્ય પ્રધાનપદે આદિત્યનાથની બીજી ટર્મ નિશ્ર્ચિત બન્યા પછી ભાજપના કેન્દ્રીય નિરીક્ષક રઘુબર દાસ, નિષાદ પાર્ટીના નેતા સંજય નિષાદ અને અપના દલ (એસ)ના નેતા આશિષ પટેલે સરકારને સમર્થનના પત્રો રાજ્યપાલ આનંદીબેન પટેલને સુપરત કર્યા હતા. ત્યાર પછી યોગી આદિત્યનાથ પણ રાજ્યપાલને મળ્યા હતા. હવે ભાજપના સ્ટાર પરફોર્મર નેતા યોગી આદિત્યનાથ શુક્રવારે અટલ બિહારી વાજપાયી સ્ટેડિયમમાં બીજી ટર્મ માટે મુખ્ય પ્રધાનપદના શપથ લેશે. 

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બીજી વખત વધુ ભવ્યતાથી વિજય પ્રાપ્ત કરનારા ભાજપના સ્ટાર પરફોર્મર નેતા યોગી આદિત્યનાથ શુક્રવારે બીજી ટર્મ માટે મુખ્ય પ્રધાનપદના શપથ લેશે. શુક્રવારના સમારંભ માટે લખનઊના અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમની સુંદર અને ભવ્ય સજાવટ કરવામાં આવી છે. રોશનીની ઝાકઝમાળના આયોજન સાથેના સ્ટેડિયમ તરફ જતા માર્ગ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના મોટા કટ આઉટ્સ ગોઠવવામાં આવ્યા છે. ૫૦,૦૦૦ લોકોના સમાવેશની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં વિવિધ રાજ્યોના ભાજપના કાર્યકરોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્રિ-સ્તરીય સુરક્ષા માટે રાજ્યના પોલીસ દળના ૮૦૦૦ જવાનો ઉપરાંત પ્રોવિન્શિયલ આર્મ્ડ કૉન્સ્ટેબ્યુલરી (પીએસી), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને એન્ટિ-ટેરરિસ્ટ સ્કવૉડના જવાનોને પણ ગોઠવવામાં આવ્યા છે. 

શપથવિધિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપશાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને ભાજપના ટોચના નેતાઓ ઉપરાંત અગ્રણી સાધુ-સંતો અને ઉદ્યોગપતિઓ હાજર રહેશે. આ સમારંભ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી સહિત વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના ૬૦ મહારથીઓને આમંત્રણો આપવામાં આવ્યા છે. તે ઉપરાંત મુખ્ય પ્રધાને અયોધ્યા, મથુરા અને વારાણસીના ધાર્મિક મહાનુભાવો સહિત ૫૦થી વધારે સાધુ-સંતોને વ્યક્તિગત રીતે આમંત્રણો મોકલ્યા છે.

યોગગુરુ બાબા રામદેવ, અભિનેતા અનુપમ ખેર અને ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને પણ આમંત્રણો આપવામાં આવ્યા છે. સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ અને તેમના સાથી રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરીએ યોગી આદિત્યનાથ સરકારના શપથવિધિમાં સામેલ નહીં થવાનો નિર્ણય જાહેર કર્યો છે.

March 21, 2022
biren_singh.jpg
1min336

મણિપુરમાં ભાજપાને મળેલી પ્રચંડ જીત બાદ આગામી મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. મણિપુરમાં સીએમને લઈને ચાલી રહેલ સસ્પેન્સને ભાજપ હાઇકમાન્ડે ખતમ કરીને બિરેન સિંહનાં નામની જાહેરાત કરી દીધી છે. બીરેનાસિંહ જ મણિપુરમાં ભાજપા ધારાસભ્ય દળના આગામી નેતા હશે. મણિપુરમાં બીજેપી વિધાયક દળની બેઠક બાદ એન બિરેનાસિંહને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. બિરેનાસિંહ સતત બીજી વખત મણિપુરની સત્તા સંભાળવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં તેઓ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. મણિપુરમાં આયોજિત બીજેપી ધારાસભ્ય દળની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક નિર્મલા સીતારમણ અને સહ-િનરીક્ષક કિરેન રિજિજુ હાજર હતા.

March 19, 2022
yogi.jpg
1min404

યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહ (yogi adityanath swearing in ceremony)ની તારીખ આવી ગઈ છે. શુક્રવારે, ANIએ એક ટ્વિટ કર્યું, જેમાં તેણે 25 માર્ચે યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહનો ઉલ્લેખ કર્યો. તેમણે પોતાના ટ્વિટમાં જણાવ્યું કે યોગી સાંજે 4 વાગ્યે યુપીના સીએમ તરીકે શપથ લેશે.

પાંચ વર્ષના સફળ કાર્યકાળ બાદ યુપીમાં સત્તામાં વાપસી કરીને 37 વર્ષ જૂની માન્યતાને તોડીને ભાજપ માટે ઈતિહાસ રચનાર સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વમાં બીજેપી સરકારનો બીજો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ સમારોહ 25 માર્ચેના શહીદ પથ ખાતે આવેલા ઇકાના સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે અન્ય મંત્રીઓ પણ શપથ લેશે. કેબિનેટમાં મહિલાઓ અને યુવાનો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. બપોરે શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્ર સરકારના ઘણા મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય અને ભાજપના વરિષ્ઠ નેતાઓ શપથ ગ્રહણમાં હાજરી આપશે. ઈકના સ્ટેડિયમમાં પ્રસ્તાવિત શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેબિનેટના સ્વરુપ અને કોને કોને સમાવવા તેને લઈને યોગી આદિત્યનાથ સાથે પાર્ટી નેતૃત્વએ પરામર્શ કરી લીધો છે અને તેમને અલગથી સૂચિત કરી દેવામાં આવશે. યુપીમાં સરકારની રચના માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રઘુવર દાસને અનુક્રમે નિરીક્ષક અને સહ-નિરીક્ષક બનાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ગોરખપુરથી લખનૌ પહોંચશે ત્યારે શપથ ગ્રહણ કરનાર મંત્રીઓની યાદી બનાવવામાં આવશે.

March 11, 2022
narendra-modi.jpg
1min475
વડાપ્રધાન મોદીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું

યુપીની વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત મેળવ્યા બાદ આજે પીએમ મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ 2022માં ચૂંટણી યોજાવાની છે ત્યારે એક રીતે પીએમ આજે ભવ્ય રોડ શો કરીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આરંભ કરી રહ્યા છે. એરપોર્ટથી કમલમ સુધી થનારા આ રોડ શોમાં રસ્તાની બંને તરફ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો પણ પીએમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય મુલાકાત સાથે વર્ષના અંતે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ માહોલ તૈયાર કરવા માંગે છે. PMના આગમન સાથે વિશાળ રોડ શો અને ત્યારબાદ સાંજે 2 લાખ જેટલા ચૂંટાયેલા પંચાયત પ્રતિનિધિઓની મેગા રેલી પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજીને ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વગાડશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

રાજ્યના બીજેપી હેડક્વાર્ટરમાં શુક્રવારે બપોરે અનેક જુદી જુદી ચર્ચાઓ અને બેઠકો યોજાશે. કારણ કે પીએમ મોદી રાજ્યમાં ભાજપની સરકારના અવિરત 24 વર્ષના લાંબા કાર્યકાળ પછી પણ ગુજરાતમાં સત્તા જાળવી રાખવા માટે પાર્ટીની વ્યૂહરચના તૈયાર કરશે. PM મોદી આ માટે આજે CM ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના મંત્રીઓ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને અન્ય ટોચના પદાધિકારીઓ સાથે બેઠક કરશે અને રાજ્યમાં પાર્ટીને વધુ એક જીત અપાવવા માટે પાર્ટીના ટોચના નેતાથી લઈને અદના કાર્યકર સુધીની તમામ મશીનરીને દોડતી કરવાની શરૂઆત કરશે.

March 6, 2022
voting.jpg
1min395

10/3/21: પાંચ રાજ્યોનું પરિણામ જાહેર થશે

મણીપુરમાં બીજા અને અંતિમ તબક્કામાં 76 ટકા મતદાન

દેશ પર પડકારો આવે છે ત્યારે વંશવાદીઓ પોતાનું રાજકીય હિત જુવે છે : મોદીએ બુદ્ધીજીવીઓ સાથે ચર્ચા કરી

મણીપુરમાં કેટલાક મતવિસ્તારોમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસા, એકના મોતની સ્થિતિ તંગદીલ

વારાણસી : ઉત્તર પ્રદેશમાં છ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે જ્યારે હવે અંતિમ સાતમા તબક્કા માટે સાતમી માર્ચે મતદાન યોજાશે. સાતમા તબક્કામાં અંતિમ બાકી રહેલી 54 બેઠકો પર મતદાન થશે. આ બેઠકો કુલ નવ જિલ્લાને આવરી લેશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીનો પણ સમાવેશ થાય છે.

આ સાથે જ વિધાનસભાની એક મહિના સુધી ચાલેલી ચૂંટણીઓનો પણ અંત આવી જશે. આ સાથે જ એક મહિનો લાંબી ચાલેલી મતદાન પ્રક્રિયાનો પણ અંત આવશે જેની શરૂઆત 10મી ફેબુ્રઆરીએ થઇ હતી, કુલ પાંચ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા આ સાથે જ પૂર્ણ થઇ જશે.

ત્રણ રાજ્યોમાં મતદાન પૂર્ણ થઇ ગયું હતું જ્યારે મણીપુરમાં બીજા અને અંતિમ તબક્કા માટે કુલ 76.04 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ 82 ટકા મતદાન સેનાપતિ જિલ્લામાં થયું હતું. દરમિયાન મણીપુરમાં કેટલાક મતવિસ્તારોમાં ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.

એવા આરોપો છે કે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઇંફાલમાં ભારે ઘર્ષણ થયું હતું, જે દરમિયાન ભાજપના એક કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી છે. 25 વર્ષીય એલ અમુબા સિંહ નામના આ વ્યક્તિની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદીલીનો માહોલ છે.

હત્યાનો આરોપ ભાજપે કોંગ્રેસના એક કાર્યકર્તા પર લગાવ્યો છે. જ્યારે કેટલાક મતવિસ્તારોમાં હિંસાની ઘટના પણ સામે આવી હતી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા દિવસે પણ વારાણસીમાં જોવા મળ્યા હતા.

અગાઉ તેમણે અહી રોડ શો યોજ્યો હતો જ્યારે બીજા દિવસે શનિવારે મોદીએ વારાણસીના પદ્મશ્રી તેમજ પદ્મભુષણ એવોર્ડ વિજેતા બુદ્ધિજીવીઓની સાથે વાતચીત કરી હતી અને ઉત્તર પ્રદેશમાં ફરી ભાજપની સરકાર રચવા માટે જનતાને અપીલ કરી હતી.

મોદીએ કહ્યું હતું કે રાજ્યમાં જો સિૃથર સરકાર હશે તો મોટા અને સાહસીક નિર્ણયો લેવામાં સરકાર સક્ષમ રહેશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે રાષ્ટ્રની સામે પડકારો આવે છે ત્યારે વંશવાદી પોતાનંુ રાજકીય હિત જ જોવે છે. 

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક જોશી સમાજવાદી પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. આઝમગઢમાં સપા વડા અખિલેશ યાદવની જાહેરીમાં તેઓ સપામાં સામેલ થયા હતા.

February 20, 2022
voting.jpg
1min662

આજરોજ તા.20મી ફેબ્રુઆરી 2022ને રવિવારે સવારે 8 કલાકથી પંજાબની તમામ 117 વિધાનસભા બેઠકો તેમજ ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં 59 બેઠકો પર ચૂંટણીનું મતદાન શરૂ થયું હતું. આરંભના બે કલાકમાં જ 12થી 15 ટકા મતદાન થઇ ચૂક્યું હોવાના અહેવાલો મળ્યા હતા. ક્યાંયથી કોઇ અનિચ્છનીય ઘટનાના સમાચાર મળ્યા નથી. બન્ને રાજ્યોમાં ત્રીપાંખીયો જંગ ખેલાઇ રહ્યો છે.

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આજે રવિવારે સવારે મતદાનની ઝડપ સામાન્ય કરતા વધુ નોંધાઇ હતી. પંજાબમાં લગભગ 2.14 કરોડ મતદારો રાજ્યની 117 બેઠકો પર નસીબ અજમાવી રહેલા 1,304 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે મતદાન કરી રહ્યા છે. આ ઉમેદવારોમાં 93 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસના અધિકારીએ જણાવ્યું કે મતદાન સવારે 8 વાગ્યાથી શાંતિપૂર્ણ રીતે શરૂ થઇ ચૂક્યું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે અને મતગણતરી 10 માર્ચે થશે. પંજાબમાં આ વખતે કોંગ્રેસ, AAP, SAD-BSP ગઠબંધન, BJP-PLC-SAD (યુનાઇટેડ) અને સંયુક્ત સમાજ મોરચા વચ્ચે બહુકોણીય મુકાબલો છે.

સાથોસાથે ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં 16 જિલ્લાની 59 સીટો પર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. 59 સીટો પર 627 ઉમેદવારો મેદાનમાં છે. તેમાં 4 યોગીના અને એક કેન્દ્રીય મંત્રી છે. 2.15 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આજનું મતદાન કેટલાક દિગ્ગજો માટે પ્રતિષ્ઠાના જંગ સમાન છે. જેમાં સૌથી વધુ ચર્ચા છે કરહલ વિધાનસભા સીટની, જ્યાંથી સપા પ્રમુખ અખિલેશ મેદાનમાં છે. તેઓ પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત બિકરુ કાંડવાળા કાનપુર અને આવકવેરાના દરોડાથી ચર્ચામાં આવેલા અત્તરના વેપારીવાળા કન્નૌજમાં પણ વોટિંગ આજે થઈ રહ્યું છે.

પોતાની સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહેલી શાસક કોંગ્રેસને ડ્રગ્સ અને ભ્રષ્ટાચાર સહિતના વિવિધ મુદ્દાઓ પર વિવિધ રાજકીય વિરોધીઓના આકરા હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. પંજાબમાં કોંગ્રેસ સામે સૌથી મોટા હરીફ તરીકે ઉભરી રહેલી AAP આ વખતે સત્તામાં આવવા માટે પૂરા પ્રયાસ કરી રહી છે. તેણીનું દિલ્હી મોડેલ રજૂ કરીને, તે રાજ્યમાં સરકાર બનાવવા માટે સખત મહેનત કરી રહી છે.

આ વખતે પંજાબમાં ચૂંટણી પ્રચાર ખૂબ જ હાઈપ્રોફાઈલ રહ્યો છે. અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સહિતના દિગ્ગજોએ એડી ચોટીનું જોર લગાવીને પોત પોતાના પક્ષ માટે પ્રચાર કર્યો છે.