CIA ALERT

ઇન્ડીયા Archives - Page 21 of 209 - CIA Live

September 30, 2024
one-nation.png
1min247

સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના અમલ માટે કેન્દ્ર સરકાર ત્રણ બિલ લાવશે, જેમાંથી બે બિલ બંધારણમાં સુધારા માટેના હશે. બંધારણમાં સુધારાના બે સૂચિત બિલોમાંથી એક માટે કેન્દ્ર સરકારને ૫૦ ટકા રાજ્યોની મંજૂરીની જરૂર પડશે. આ બિલ લોકસભા અને વિધાનસભા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના સંદર્ભનું છે.

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ યોજનામાં આગળ વધતા કેન્દ્ર સરકારે આ મહિનાની શરૂઆતમાં લોકસભા, વિધાનસભાઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે બનાવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોનો અહેવાલ સ્વીકારી લીધો હતો. સમગ્ર દેશમાં વસતી ગણતરીની કાર્યવાહી પૂરી થયા પછી સરકાર તેની યોજનામાં આગળ વધશે.

સૂચિત પહેલા બંધારણીય સુધારા બિલમાં લોકસભા અને રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે જોગવાઈઓ કરવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને ટાંકીને સૂત્રોએ જણાવ્યું હતું કે, સૂચિત બિલમાં ‘નિશ્ચિત તારીખ’ સંબંધિત પેટા કલમ (૧)ના ઉમેરા મારફત આર્ટિકલ ૮૨-એમાં સુધારો કરાશે. સરકાર લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે આર્ટિકલ ૮૨-એમાં પેટા-નિયમ (૨) ઉમેરવાનો પણ પ્રયાસ કરશે.

આ સાથે કેન્દ્ર સરકાર આર્ટિકલ ૮૩(૨)માં સુધારાની દરખાસ્ત કરશે અને તેમાં પેટા કલમ (૩) અને (૪) સંબંધિત કલમનો ઉમેરો કરાવશે, જે લોકસભાના સમયગાળા અને વિસર્જન સંબંધિત છે. તેમાં વિધાનસભાઓના વિસર્જન અંગે પણ જોગવાઈ છે અને આર્ટિકલ ૩૨૭માં સુધારો કરીને ‘એકસાથે ચૂંટણી’ ટર્મ ઉમેરવામાં આવશે. આ બિલમાં સુધારાને ૫૦ ટકા રાજ્યોની મંજૂરીની જરૂર પડતી નથી તેમ ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોમાં જણાવાયું છે.

બંધારણીય સુધારાના બીજા સુચિત બિલને ૫૦ ટકા રાજ્ય વિધાનસભાની મંજૂરીની જરૂર પડશે, કારણ કે તે રાજ્ય સંબંધિત મામલાનો ઉકેલ લાવશે. તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી પંચની ભલામણથી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી તૈયાર કરવા સંબંધિત બંધારણીય જોગવાઈઓમાં સુધારો કરવાનો પ્રસ્તાવ રાખશે.

September 28, 2024
call-center.jpg
1min254
  • એફબીઆઇએ આપેલા રિપોર્ટના આધારે સમગ્ર દેશમાં સીબીઆઇની દરોડાની કાર્યવાહી કરવામાં આવી
  • ૩૦ વધુ શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને કોમ્પ્યુટર , લેપટોપ, મોબાઇલ ફોન, ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

અમેરિકાના નાગરિકોને ભારતમાંથી કોલ કરીને છેતરપિંડી કરવાના મામલે ફેડરેશન બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (એફબીઆઇ) દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જે અનુંસધાનમાં સીબીઆઇએ દેશમાં એક સાથે 350 જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી કરી હતી. જે અનુસંધાનમાં અમદાવાદમાં 20 જેટલા કોલ સેન્ટર દરોડા પાડીને 30 જેટલા વ્યક્તિઓની અટકાયત કરીને પુછપરછ શરૂ કરવામાં આવી છે.

સીબીઆઈના દેશભરમાં દરોડા

દેશના હૈદરાબાદ, મુંબઇ, કોલકત્તા, દિલ્હી, બેંગાલુરૂ અને અમદાવાદ સહિતના શહેરોમાં ચાલતા કોલ સેન્ટરથી અમેરિકામાં કોલ કરીને નાગરિકો પાસેથી મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવતી હોવાના કિસ્સા અંગે એફબીઆઇએ ભારત સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં એફબીઆઇએ ટેકનીકલ એનાલીસીસના આધારે કેટલાંક લોકેશન અને વિગતો આપી ગતી. જેના આધારે સીબીઆઇની ટીમ દ્વારા છેલ્લાં એક મહિના દરમિયાન ટેકનોલોજીના ઉપયોગથી સમગ્ર દેશમાં 350 જેટલા ગેરકાયદેસર કોલ સેન્ટરના લોકેશન મેળવ્યા હતા.

અમદાવાદમાં શંકાસ્પદ 30 વ્યક્તિની અટકાયત

અમદાવાદમાં 20થી વધુ કોલ સેન્ટર સક્રિય હોવાની બાતમીને આધારે વસ્ત્રાલ, ઓઢવ પાસેના રીંગ રોડ, થલતેજ, ગોતા, બોપલ સહિતના વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં 30 વધુ શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને કોમ્પ્યુટર , લેપટોપ, મોબાઇલ ફોન, ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે અંગે તપાસ કરવા માટે સીબીઆઇના ગુજરાત એકમની વિશેષ ટીમને સક્રિય કરવામાં આવી છે.

September 23, 2024
rhea-singha.png
1min361

Dated 23/09/24 રવિવારે રાજસ્થાનના જયપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. આ ઇવેન્ટમાં ગુજરાતની 19 વર્ષની રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નું ટાઇટલ જીત્યું હતું.

અભિનેત્રી અને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015 ઉર્વશી રૌતેલાએ તેને ‘તાજ મહેલ’ ક્રાઉન પહેરાવ્યો હતો. આ જીત બાદ હવે રિયા લેવલ પર મિસ યુનિવર્સનો ખિતાબ જીતે તેવી બધાને અપેક્ષા છે.

રિયા અમદાવાદની છે અને તેણે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણી શાળાના દિવસોથી જ મોડેલિંગ અને પેજન્ટ કોમ્પિટિશનમાં ભાગ લે છે. હવે તે અમદાવાદની યુનિવર્સિટીમાંથી પરફોર્મિંગ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરી રહી છે. આ પહેલા રિયાએ મિસ ટીન અર્થ 2023નો ખિતાબ જીત્યો હતો. આ પહેલા તેણે મિસ ટીન યુનિવર્સ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.

રિયાની મોટી જીત પછી તેણે કહ્યું કે, ‘આજે મેં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. હું ખૂબ જ આભારી છું. મારી જાતને આ તાજ માટે લાયક માની શકું તે સ્થાને પહોંચવા માટે મેં સખત મહેનત કરી છે. હું અગાઉના વિજેતાઓથી ખૂબ જ પ્રેરિત છું.’

અભિનેત્રી અને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015 ઉર્વશી રૌતેલા આ ઇવેન્ટની જજ હતી. તેમજ ઉર્વશીએ રિયાની જીત પર આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘ભારત આ વર્ષે ફરીથી મિસ યુનિવર્સનો તાજ જીતશે.’

September 23, 2024
supreme.jpg
1min277

સુપ્રીમ કોર્ટે તેના એક ઐતિહાસિક ચુકાદામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવા કે જોવાને POCSO હેઠળ અપરાધ જાહેર કરી દીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત ચુકાદાને ફગાવી દીધો હતો, જેમાં જણાવ્યું હતું કે, ચાઈલ્ડ પોર્ન વીડિયો ડાઉનલોડ કરવો અને જોવો એ ગુનો નથી.

ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દ ન વાપરવા નિર્દેશ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા વીડિયોને POCSO એક્ટની કલમ 15(3) હેઠળ ગુનો સાબિત કરવા માટે એ સાબિત કરવું પડશે કે આ વીડિયો કોઈ લાભ માટે સ્ટોર કરવામાં આવ્યો હતો. કોર્ટે સંસદને ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દને ‘બાળકોનું જાતીય શોષણ-અપમાનજનક સામગ્રી’ સાથે બદલવાનું સૂચન કર્યું છે. આ સુધારા માટે વટહુકમ લાવવા સરકારને અપીલ કરવામાં આવી છે. તદુપરાંત સુપ્રીમ કોર્ટે તમામ કોર્ટને ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દનો ઉપયોગ ન કરવા નિર્દેશ કર્યો છે.

મદ્રાસ કોર્ટના ચુકાદાને પડકાર્યો

ઉલ્લેખનીય છે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે કેરળ હાઈકોર્ટે 13 સપ્ટેમ્બર, 2023માં ચુકાદો આપ્યો હતો કે, જો કોઈ વ્યક્તિ અંગત સ્વરૂપે અશ્લીલ ફોટો કે વીડિયો જોઈ રહ્યો છે તો તે ગુનો નથી, પરંતુ તે બીજાને તે વીડિયો બતાવી રહ્યો છે, તો તે અપરાધ છે. આ નિવેદન આપતાં મદ્રાસ હાઈકોર્ટે એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતે. જેના પગલે આ ચુકાદાને પડકારતા એક એનજીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

September 23, 2024
upi.jpeg
1min324

ભારતના UPI માર્કેટમાં phonepeએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તાજેતરમાં જ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ જાહેર કરેલા આંકડાઓ અનુસાર, Phonepeએ ઓગસ્ટમાં ભારતમાં UPI માર્કેટનો અડધા કરતાં પણ વધુનો હિસ્સો કબજે કર્યો છે. PhonePe એ Walmartની માલિકીની અમેરિકન કંપની છે, જે ભારતમાં Google Pay અને Paytmને ટક્કર આપીને સ્પર્ધા કરી રહી છે. Google Pay પણ અમેરિકન માલિકીની કંપની છે, જ્યારે Paytm ભારતીય કંપની છે. જોકે, RBIએ લાદેલા પ્રતિબંધ બાદ Paytmનું UPI માર્કેટ ઘણું ઘટી ગયું છે.

NPCIએ ઓગષ્ટમાં જાહેર કરેલા આંકડાઓ જોવામાં આવે તો, ઓગસ્ટમાં ભારતના UPI માર્કેટમાં રૂ. 20,60,735.57 કરોડના વ્યવહારો થયા હતા. આ લગભગ 14.96 અબજના વ્યવહારો થયા છે. તેમાંથી 10,33,264.34 કરોડ રૂપિયાના વ્યવહારો એકલા PhonePe દ્વારા થયા છે. તેની સંખ્યા 7.23 અબજથી વધુ છે. જો થયેલા કુલ વ્યવહારોના આંક પર નજર કરીએ, તો PhonePeનો બજાર હિસ્સો 48.36 ટકા છે, જ્યારે UPI પેમેન્ટની કિંમતની દ્રષ્ટિએ બજાર ભાગીદારી 50.14 ટકા જેટલી છે.

NPCI ઓગસ્ટના આંકડા:

PhonePe – રૂ. 10,33,264.34 કરોડ
Google Pay – રૂ. 7,42,223.07 કરોડ
Paytm – રૂ. 1,13,672.16 કરોડ

ઓગસ્ટમાં કોનો કેટલો માર્કેટ શેર હતો?

PhonePe – 48.39 ટકા
Google Pay – 37.3 ટકા
paytm – 7.21 ટકા

ઓગસ્ટમાં મહિનામાં Google Payએ રૂ. 7,42,223.07 કરોડના રૂપિયાની કિંમતના 5.59 અબજ UPI પેમેન્ટ કર્યા હતા, જ્યારે Paytm એ રૂ. 1,13,672.16 કરોડના વ્યવહારો કર્યા હતા. આ સમયગાળા દરમિયાન Google Payનો બજાર હિસ્સો લગભગ 37.3 ટકા રહ્યો છે, જ્યારે Paytmનો બજાર હિસ્સો 7.21 ટકા રહ્યો છે. NPCIના જુલાઈના ડેટા અનુસાર PhonePeનો માર્કેટ શેર લગભગ 48 ટકા છે. Google Payનો બજારહિસ્સો 37 ટકા હતો અને Paytmનો બજાર હિસ્સો 7.82 ટકા હતો.

September 23, 2024
chess-olympiad.png
1min260

ભારતે 23/09/24 ઈતિહાસ રચ્યો હતો. ભારતની પુરૂષ અને મહિલા ટીમોએ 45મા ચેસ ઓલિમ્પિયાડના અંતિમ રાઉન્ડમાં પોતપોતાના હરીફોને હરાવીને સ્પર્ધામાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ, અર્જુન એરિગેસી અને આર પ્રજ્ઞાનાનંદાએ સ્લોવેનિયા સામે 11મા રાઉન્ડમાં પોતપોતાની મેચ જીતી હતી.

ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં 97 વર્ષમાં પહેલીવાર ભારતે પુરુષ અને મહિલા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડી ગુકેશ અને અર્જુન એરિગેસીના દમ પર ભારતે ચેસ ઓલિમ્પિયાડના ઓપન વિભાગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ઉપરાંત મહિલા વિભાગમાં પણ ભારતે ગોલ્ડ કબજે કર્યો છે.

ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે આ બંને વિભાગમાં ગોલ્ડ જીત્યો હોય તેવું પણ પ્રથમ વખત બન્યું છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં રમાઈ રહેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ગુકેશે વ્લાદિમીર ફેડોસીવને હરાવ્યો, જ્યારે એરિગેસીએ જાન સુબેલને હરાવ્યો હતો.

ભારતીય પુરુષ ટીમમાં ડી ગુકેશ, અર્જુન એલિગસી, વિદિત ગુજરાતી, પેન્ટલા હરિકૃષ્ણા, આર પ્રજ્ઞાનાનંદ અને શ્રીનાથ નારાયણન સામેલ હતા. જ્યારે મહિલા ટીમે છેલ્લી મેચમાં અઝરબૈજાનને 3.5-0.5થી હરાવ્યું હતું. મહિલા ટીમમાં હરિકા દ્રોણાવલ્લી, વૈશાલી રમેશબાબુ, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ, તાનિયા સચદેવ અને અભિજીત કુંતેનો સમાવેશ થાય છે.

વર્લ્ડ ચેમ્પિયનશિપના ચેલેન્જર્સ ગુકેશ અને અર્જુન એરિગેસીએ ફરી એકવાર મુખ્ય મેચોમાં સારું પ્રદર્શન કરીને ભારતને ઓપન કેટેગરીમાં તેનું પ્રથમ ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. સ્લોવેનિયા સામેની મેચમાં ગુકેશે બ્લેક પીસ સાથે વ્લાદિમીર ફેડોસીવ સામે ટેક્નિકલ તબક્કામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જો કે તેણે સખત લડત આપી હતી, પરંતુ 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટરે શાનદાર વ્યૂહરચના અપનાવી હતી.

September 20, 2024
tirupati.png
1min189
  • જગનના વિરોધમાં બહેન શર્મિલા: લાડુમાં મિલાવટના કૌભાંડની સીબીઆઈ તપાસની માગ

આંચકાજનક પર્દાફાશમાં તિરુપતિ દેવસ્થાનના તિરુપતિ મંદિરના પવિત્ર પ્રસાદમાં મટન ટેલો, માછલીનું તેલ અને પામ તેલ, ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હોવાનું પ્રકાશમાં આવતા હોબાળો મચી ગયો છે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે આરોપ મૂક્યો હતો કે વાયએસઆરસીપીની સરકારમાં તિરુપતિના લાડુના પવિત્ર પ્રસાદ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીજન્ય ચરબીવાળા ઘી સહિતના અશુદ્ધ તત્વોનો ઉપયોગ થતો હતો, પણ અમારી સરકાર આવતા અમે આ બધું સુધારી દીધું છે.

તેની સાથે તેમણે જગન સરકારે લોકોની ધાર્મિક લાગણી પર કુઠારાઘાત કરવાનો આરોપ મૂક્યો હતો. જો કે જગનની પાર્ટી વાયએસઆરપીએ આ દાવાને નકારી કાઢ્યો હતો. આ લેબ ટેસ્ટ ગુજરાતની લેબમાં કરાવવામાં આવ્યો હતો.નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ઘએનડીડીબી)ની ગુજરાતની સેન્ટર ફોર એનાલિસિસિ એન્ડ લર્નિંગ ઇન લાઇવસ્ટોક એન્ડ ફૂડે આ રિપોર્ટ આપ્યો હતો. તિરુપતિ પ્રસાદમાં આ પ્રકારની મિલાવટ જગનની વાયએસઆરપી સરકારના કાર્યકાળમાં થઈ હતી. ઉલ્લેખનીય છે કે વર્ષે કરોડો લોકો તિરુપતિ મંદિરની મુલાકાતે આવે છે.

તિરુપતિના લાડુનું વિતરણ તિરુપતિના શ્રી લેંકટેશ્વરા મંદિરે થાય છે. તેનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ (ટીટીડી) કરે છે. બુધવારે એનડીએની બેઠકમાં ચંદ્રાબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે તિરુપતિ મંદિરના લાડુ ઉતરતી ગુણવત્તાવાળા તત્વોથી બનાવવામાં આવતા હતા. આમ કરીને લોકોની ધાર્મિક લાગણી સાથે રમત રમવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તિરુપતિ મંદિરમાં રોજના ત્રણ લાખ લાડવા બને છે અને તેના દર છ મહિને ટેન્ડર બહાર પાડવામાં આવે છે.

રાજ્યના આઇટી પ્રધાન નારા લોકેશે આ મુદ્દે વાયએસ જગન મોહન રેડ્ડી સરકારની ઝાટકણી કાઢી હતી. લોર્ડ વેંકટશ્વરા સ્વામિ મંદિર આપણું સૌથી પવિત્ર મંદિર છે. મને તે જાણી આંચકો લાગ્યો કે વાયએસ જગનમોહન રેડ્ડીનું તંત્ર તિરુપતિના પ્રસાદમમાં ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીજન્ય ચરબીનો ઉપયોગ કરતું હતું.

તેની સામે વાયએસઆરસીપીએ દાવો કર્યો છે કે ટીડીપી ફક્ત રાજકીય માઇલેજ મેળવવા માટે આ પ્રકારના આક્ષેપ કરી રહી છે. પક્ષનો દાવો છે કે આ પ્રકારના નિવેદનો કરીને નાયડુએ પોતે કરોડો લોકોની લાગણી પર કુઠારાઘાત કર્યો છે. પક્ષના આગેવાન સુબ્બા રેડ્ડીએ લખ્યું હતું કે આ ફરીથી પુરવાર થયું છે કે નાયડુ તેમના રાજકીય ફાયદા માટે કોઈપણ પ્રકારની પગલું ભરતાં અચકાશે નહીં.

જ્યારે કોંગ્રેસે પણ આ બાબતને લઈને અગાઉની વાયએસઆર કોંગ્રેસની સરકારની ઝાટકણી કાઢી હતી. ભૂતૂપર્વ મુખ્યપ્રધાનની બહેન અને કોંગ્રેસની પક્ષપ્રમુખે ઉચ્ચસ્તરીય સીબીઆઈ તપાસની માંગ કરી હતી. તેણે જણાવ્યું હતું કે કરોડો લોકોની આસ્થા સાથે રમત રમાઈ છે અને જો અગાઉની સરકારને એમ લાગતું હોય કે તેમણે કશું ખોટું કર્યું નથી તો તેમણે સીબીઆઈ તપાસનો સામનો કરવો જોઈએ.

September 19, 2024
one-nation.png
1min231

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં એક દેશ એક ચૂંટણી (One Nation-One Election)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મોદીના નેતૃત્વ હેઠળની બેઠકમાં આજે એકસાથે ચૂંટણી યોજવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ અગાઉ કેન્દ્ર સરકારને વન નેશન-વન ઈલેક્શનની સંભાવના અંગે માર્ચ મહિનામાં રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં જે કોઈ મંતવ્યો આપ્યા હતા, તેમાં ખાસ કરીને લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની ભલામણ કરવામાં આવી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિની ભલામણનું સમર્થન આપ્યું સરકારે

આ બંનેની ચૂંટણી યોજ્યાના 100 દિવસમાં સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી યોજવાની પણ ભલામણ કરી હતી. હાલના તબક્કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ યોજવામાં આવે છે. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વન નેશન-વન ઈલેક્શનની પણ ભલામણને સમર્થન આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું તમામ દેશવાસીઓને વન નેશન વન ઈલેક્શન યોજવા માટે અનુરોધ કરું છું, જે અત્યારના સમયની જરુરિયાત છે.

32 રાજકીય પક્ષોનું મળ્યું સમર્થન

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ વન નેશન વન ઈલેક્શન મુદ્દે 62 પક્ષનો સંપર્ક કર્યો હતો, જ્યારે તેના જવાબ આપનારા 47 પક્ષમાંથી 32 પાર્ટીએ સમર્થન આપ્યું હતું, જ્યારે પંદર પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો. રિપોર્ટના અનુસાર પંદર પક્ષે કોઈ જવાબ આપ્યો નહોતો.

ચૂંટણી પરના ખર્ચમાં બચત થઈ શકે

કેબિનેટની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એકસાથે ચૂંટણી યોજવાને કારણે અનેક રીતે ફાયદો થશે. ચૂંટણી પર થનારા ખર્ચમાં બચત થશે, જ્યારે વારંવાર ચૂંટણી યોજવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. વિકાસલક્ષી વિવિધ કામકાજ પર ફોક્સ કરી શકાશે, જ્યારે ચૂંટણીને કારણે આચારસંહિતા પર પણ અસર પડી શકે છે.

September 18, 2024
funding-drop.jpg
1min259

સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં ૧૪.૩ કરોડ ડોલરના ફંડિંગ સાથે સ્ટાર્ટઅપ માટે વર્ષનો સૌથી ખરાબ તબક્કો

સ્ટાર્ટઅપ ફંડિંગ એક વર્ષના નવા તળિયે

કોરોના મહામારીના તબક્કામાં કૂદકે ને ભૂસકે બિલાડીની ટોપની માફક ફાટી નીકળેલા સ્ટાર્ટઅપ્સના હવે પાણી ઓસરી રહ્યાં છે અને ફંડની ભારે અછતનો માહોલ સર્જાઈ રહ્યો છે. ૨૦૨૨ના અંતથી શરૂ થયેલા ફંડિંગ વિન્ટરની સ્થિતિ સુધરી રહી હતી પરંતુ ફરી છેલ્લા એકાદ-બે મહિનામાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર મહિનાનું પ્રથમ પખવાડિયું તો ફંડિંગ મામલે અનેક રેકોર્ડ તોડતું નજરે પડયું છે.

સમગ્ર વિશ્વ અને ભારતમાં બે વર્ષથી સ્ટાર્ટઅપ માટે ભંડોળ ભેગું કરવું મુશ્કેલ બન્યું છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં ૧૪.૩ કરોડ ડોલરના ફંડિંગ સાથે સ્ટાર્ટઅપ માટે વર્ષનો સૌથી ખરાબ તબક્કો રહ્યો છે. બીજા પખવાડિયામાં પણ સમાન સ્થિતિ રહેશે તો ભારત માટે આ રેકોર્ડ ખરાબ તબક્કો હશે.

ભારતના વેન્ચર કેપિટલ માર્કેટમાં પણ ફંડ એકત્રીકરણ ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર ધીમું પડયું છે. ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં માત્ર ૧.૩ અબજ ડોલરના કમિટમેન્ટ સાથે ૨૧ નવા વેન્ચર કેપિટલ ફંડ્સ બંધ થયા હતા તેમ પિચબુકના એક રિપોર્ટમાં જણાવાયું છે. સમગ્ર ૨૦૨૩ની વાત કરીએ તો ગત વર્ષે કુલ ૨૩ નવા ફંડોએ ૧.૭ અબજ ડોલર ઊભા કર્યા હતા.

લાંબાગાળાની એવરેજ પર નજર કરીએ તો ૨૦૧૫થી દર વર્ષે ૩૮-૪૯ નવા વેન્ચર કેપિટલ ફંડ્સ બંધ થયા હતા, જેમાં ૨.૪-૪.૫ અબજ ડોલર વચ્ચેની પ્રતિબદ્ધતાઓ હતી. જોકે ૨૦૨૨ એક શાનદાર વર્ષ રહ્યું હતું જેમાં વૈશ્વિક સ્તરે નીચા વ્યાજ દરો અને કોરોના બાદના બૂમને કારણે ૭૮ નવા વીસી ફંડોએ ૧૧ અબજ ડોલર એકત્ર કર્યા હતા. જોકે તેમાંથી નોંધપાત્ર હિસ્સો હજી સુધી સ્ટાર્ટઅપને નથી મળ્યો.

એક્ઝિટની વાત કરીએ તો વેન્ચર કેપિટલો આ વર્ષે જૂન સુધી ૩૦ એક્ઝિટ ડીલ કરવામાં સફળ રહ્યા છે, જેનું સંયુક્ત મૂલ્ય ૧.૨ અબજ ડોલર રહ્યું છે. તેની સરખામણીમાં ૨૦૨૩માં ૧૦૫ એક્ઝિટ ડીલમાં કુલ ૪.૮ અબજ ડોલર પરત ખેંચાયા હતા તેમ પિચબુકના ડેટા જણાવે છે.

September 18, 2024
supreme.jpg
1min221

દેશમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત કૃત્યના આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવી દેવાનો ટ્રેન્ડ (Bulldozer action) વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) અગાઉ બુલડોઝર એક્શન સામે લાલ આંખ કરી હતી. Date 17 September મંગળવારે સુપ્રીમ કોર્ટે સમગ્ર ભારતમાં બુલડોઝર ડિમોલિશનને 1 ઓક્ટોબર સુધી રોક લગાવી દીધી છે, જોકે જાહેર રસ્તાઓ, જળાશયો, રેલ્વે લાઇન પર ડિમોલિશન કરી શકાશે.

સુપ્રીમ કોર્ટ કહ્યું કે મ્યુનિસિપલ કાયદા હેઠળ મિલકતોને ક્યારે અને કેવી રીતે તોડી શકાય તે અંગે અમે નિર્દેશો બનાવીશું.

ગયા અઠવાડિયે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હૃષિકેશ રોય, સુધાંશુ ધુલિયા અને એસવીએન ભાટીની બનેલી સર્વોચ્ચ અદાલતની બેન્ચે “બુલડોઝર જસ્ટીસ”ની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કાયદો સર્વોચ્ચ હોય તેવા દેશમાં આ રીતે ઘર તોડી પાડવું અસ્વીકાર્ય છે.

ગુજરાતમાં ખેડા જિલ્લાના કાઠલાલમાં પ્રશાસને એક પરિવારના ઘરને બુલડોઝ કરવાની ધમકી આપી હતી, પરિવારના એક સભ્યનું નામ FIRમાં છે. જમીનના સહ-માલિક અરજદારે પ્રસાશન એક્શન સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે તેમના પરિવારની ત્રણ પેઢીઓ આ મકાનોમાં લગભગ બે દાયકાથી રહે છે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, “એક દેશમાં જ્યાં રાજ્યના એક્શન કાયદાના શાસન દ્વારા સંચાલિત થાય છે, ત્યાં પરિવારના એક સભ્ય દ્વારા કરાયેલા કાયદાના ઉલ્લંઘન બદલ પરિવારના અન્ય સભ્યો પર કે તેમના કાયદેસર રીતે બાંધવામાં આવેલા નિવાસસ્થાન સામે કાર્યવાહી કરી શકાય નહીં. ગુનામાં કથિત સંડોવણી મિલકતને તોડી પાડવા માટે કારણ ન હોઈ શકે.”