CIA ALERT

ગુજરાત Archives - Page 7 of 152 - CIA Live

May 6, 2025
weather-forecast.jpg
1min211

ગુજરાતના 104 તાલુકામાં તોફાની પવન સાથે માવઠું, પાંચના મોત; આજે પણ અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના મોટાભાગના સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સતત બીજા દિવસે યથાવત રહ્યો છે. સોમવારે 104 તાલુકામાં માવઠું પડયું હતું. જેમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગર શહેરમાં 1 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. વાવાઝોડાના કારણે રાજ્યભરમાં પાંચ વ્યક્તિઓના અલગ-અલગ ઘટનામાં મૃત્યુ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સોમવારે સાંજે શહેરમાં વાવાઝોડા સાથે પડેલા તોફાની વરસાદમાં ઠેર – ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ઘણા સ્થળે વીજ વાયરો તૂટી પડયા હતા. વડોદરાના સુભાનપુરા અને લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે અન્ય 10 લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ-ધોળકા હાઇવે પર હોર્ડિંગ પડતાં એક રિક્ષા ચાલકનું અને આણંદ શહેરમાં દિવાલ પડતાં વૃદ્ધાનું મોત થયું છે.

ભાવનગરના સિહોરમાં ૧ કલાકમાં જ દોઢ ઈંચ, ભાવનગરમાં બે કલાકમાં 1 ઈંચ જ્યારે ગાંધીનગરના માણસામાં 1 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય ખેડાના નડિયાદ-કપડવંજ-વસો, વડોદરા શહેર, બનાસકાંઠાના દિયોદર-ભાભર, આણંદના સોજીત્રા, અમદાવાદના ધોળકા, આણંદના તારાપુર, બોટાદના બરવાળા, ખેડાના મહેમદાબાદ, અરવલ્લીના બાયડ, સુરેન્દ્રનગરના ચોટિલામાં પણ અડધા ઈંચ કે તેથી વધુ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં કરા પણ પડયા હતા જ્યારે વડોદરામાં 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જોકે, હજુ આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની સંભાવના છે.

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા એક મકાનમાં વીજળી પડવાના કારણે મકાનના ખૂણાની દિવાલનો ભાગ તૂટી ગયો હોવાનું સામે આવ્યું હતું. ખેડા જિલ્લામાં ભારે પવન ફૂંકાતા વાવાઝોડું જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ખેડાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદ પડયો હતો. જ્યારે પવનની ગતિ તેજ હોવાના કારણે કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા હતા. આ સાથે ખેડૂતોના આંબા પરથી કેરીઓ ખરી પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતાં. માવઠાને પગલે મગ, ચોળી, બાજરો, ઘાસચારો તેમજ બાગાયતી પાકમાં કેરી, પપૈયાને નુકસાન થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવવ ફૂંકાવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વરસાદની સંભાવનાને પગલે આગામી પાંચ દિવસ તાપમાનમાં 3-5 ડિગ્રીનો ઘટાડો થાની સંભાવના છે.

આગામી 3 દિવસ માટે ક્યાં છે ઓરેન્જ એલર્ટ?

6 મેઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ
7 મેઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ
8 મેઃ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ

તાલુકામાં વધારે વરસાદ?

તાલુકો જિલ્લો વરસાદ (ઈંચ)
સિહોરા ભાવનગર 1.50
ભાવનગર ભાવનગર 1.00
માણસા ગાંધીનગર 1.00
નડિયાદ ખેડા 0.87
વડોદરા વડોદરા 0.80

May 2, 2025
Mansingh-Patel-SUMUL-CIA-Live.jpg
1min265

સુમુલ ડેરીના પ્રમાણિક,કરકસરયુક્ત, પારદર્શક અને અસરકારક વહીવટને કારણે સુરત અને તાપી જીલ્લાના પશુપાલકોને દૂધ પ્રાપ્તિના ભાવોમાં વધારો શક્ય : માનસિંહ પટેલ-ચેરમેન સુમુલ ડેરી-સુરત

xr:d:DAFm_LM-99s:4,j:3362331843685084848,t:23062707

આજરોજ સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહના “સહકાર થી સમૃદ્ધિના” સ્વપ્નને સાકાર કરતા તેમના નિયામક મંડળના સાથ સહકાર, પ્રમાણિક, કરકસરયુક્ત અને અસરકારક વહીવટ થકી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની આર્થિક સુખાકારી માટે અનેક નિર્ણયો કાર્ય છે જેમાં વધુ એક વખત ઐતિહાસિક ભાવ ફેર આપવાનો નિર્ણય કર્યા બાદ દૂધના ખરીદ ભાવોમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

નવા ફાઈનાન્શિયલ વર્ષમાં તા.૪-૦૫-૨૦૨૫ના રોજથી અમલી ભેંસ અને ગાય બંનેમાં દૂધ પ્રાપ્તિના ભાવોમાં કિલો ફેટ દીઠ રૂપિયા ૨૦ નો વધારો કરવામાં આવતા અનુક્રમે ભેંસના ભાવો રૂ.૮૭૦ અને ગાયના ભાવો રૂ.૮૩૦ મળશે. સુરત અને તાપી જિલ્લાના આશરે 2.50 લાખ પશુપાલકોને આ નિર્ણયથી લાભ થશે.

સંઘના નિયામક મંડળ દ્વારા મિશન બિયોન્ડ મિલ્ક’ પહેલ અનુસંધાને 125 કરોડના ખર્ચે આઈસક્રીમ પ્લાન્ટનું વિસ્તરણ અને ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ તેમજ વગર વ્યાજે પશુ ખરીદી માટે સુડીકો બેંક-સુમુલની લોન યોજના, BIS/ISI ક્વોલીટી વાળુ દાણ,સભાસદ વીમા યોજના, ૨૪ કલાક પશુ ચિકિત્સકોની સેવા, વાછરડી-પાડી ઉછેર કાર્યક્રમ,કૃત્રિમ બીજદાન,એમ્બ્રિયો ટ્રાન્સફર યોજના,સુમુલ એનિમલ જીનેટિકસ,સેક્સ સીમેન યોજના,સોલાર સીસ્ટમ,મિલ્કીંગ મશીન, પશુ વીમા યોજના, પશુઓ સુધારણા, ઘાસચારાની યોજના,સાયલેજ, સહિતની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેના મીઠા ફળો મળતા સુમુલ ડેરી તેના સીમાંત, નાના ખેડૂતો તેમજ જમીન વિહોણા મજુરો,મહિલાઓ પશુપાલકોને દરરોજ ૧૦ કરોડ રૂપિયાની આવક ઘર આંગણે પૂરી પાડી મોટા પાયે રોજગારીનું સર્જન કરે છે. દૂધ પ્રાપ્તિના ભાવોમાં વધારાના સમાચાર મળતા જ પશુપાલકોએ માનસિંહ પટેલ અને તેમના નિયામક મંડળ ઉપર અભિનંદનની વર્ષા કરી હતી.

May 1, 2025
Gujarat-map.jpg
1min200

આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાતના 65માં સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણીઓ પણ કરાઈ રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજિત કરીને બે રાજ્ય તરીકે ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં આવ્યા હતા. એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે.

1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા બૃહદ મુંબઈમાં પણ ભાષાના આધારે અલગ રાજ્યની માંગ થવા લાગી. તેના માટે એક મોટું આંદોલન ચલાવાયું. આ આંદોલનને મહાગુજરાત આંદોલન કહેવાય છે. આ આંદોલનના મુખ્ય પ્રણેતા કહો કે જનક કહો તે ઈન્દુલાલ યાજ્ઞિક જ હતા જેમને પ્રેમથી આપણે ઈન્દુચાચા પણ કહીએ છીએ.

ગુજરાતી ભાષી પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ ખરેખર તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરુ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ ‘મહાગુજરાત આંદોલન’માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક હતા. તેમણે વર્ષ 1956માં એક સ્વતંત્ર ગુજરાત રાજ્યની ચળવળને વેગ આપ્યો હતો.

1955-56ની આસપાસ ગુજરાત રાજ્યની અલગ સ્થાપના કરવાની માગે જોર પકડ્યું. ત્યારે કેન્દ્રમાં જવાહર લાલ નહેરુ વડાપ્રધાન પદે હતા. શરુઆતમાં તેમણે આ માગને નજરઅંદાજ કરી હતી. પણ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માગ વધારે પ્રબળ થઈ તો કેન્દ્ર અને તત્કાલિન બોમ્બે રાજ્યની સરકારને માગ સ્વીકારવી પડી હતી. આ સાથે જ પહેલી મે દરમિયાન રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. જે ભાગમાં ગુજરાતી ભાષા બોલાતી હતી. તેને ગુજરાતનો ભાગ બનાવ્યો અને જે ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી, તેને મહારાષ્ટ્ર રાખવામાં આવ્યું.

ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા ઈન્દુચાચાનાં હુલામણા નામે ઓળખાતાં ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલિન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા સપ્ટેમ્બર-1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને શરૂ કરેલા મહાગુજરાત ચળવળને પહેલી મે 1960નાં રોજ સફળતા મળી. 1960માં કેન્દ્ર સરકારે ‘રાજ્ય પુનઃરચના કાયદો-1956’ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. કેન્દ્ર સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં વિભાજનનો ખરડો પસાર કર્યો. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનાં અલગ ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થયું.

ગુજરાત રાજ્યની સ્થાપના સાથે ડૉ. જીવરાજ મહેતાને રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બનાવાયા અને અમદાવાદ રાજ્યની પ્રથમ રાજધાની બની. આપણા રાજ્યના પ્રથમ ગવર્નર મહેંદી નવાઝ જંગ હતા. તે સમયે રાજ્યમાં કુલ 17 જિલ્લા હતા અને હાલમાં કુલ 33 જિલ્લાઓ થઈ ચૂક્યા છે. રાજ્યમાં પહેલી વિધાનસભા ચૂંટણી થઈ તો વિધાનસભમાં કોંગ્રેસને 113 બેઠક સીટ પર જીત મળી. સ્વતંત્રતા પાર્ટીને 26 અને પ્રજા સોશલિસ્ટ પાર્ટીને 7 અને નૂતન મહાગુજરાત પરિષદને ફક્ત 1 બેઠક મળી. પાર્ટીને 7.74 ટકા વોટ મળ્યા હતાં. ગુજરાત રાજ્યના નિર્માતા ઈંદુલાલ યાજ્ઞિકની પાર્ટી જનતા પરિષદને સફળતા ચૂંટણીમાં સફળતા નહતી મળી.

April 26, 2025
bangladeshi.jpg
1min240

પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઇ છે ત્યારે વિવિધ વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓને શોધી શોધીને તગેડી મૂકવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ અને સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બંને મોટા શહેરોમાં દરોડા દરમિયાન શહેરમાંથી લગભગ 500થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે. જેમાં અમદાવાદમાંથી 400થી વધુ જ્યારે સુરતમાંથી 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયતના અહેવાલ મળી રહ્યા છે. આ લોકોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

6 ટીમ બનાવીને તમામ શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમના દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર સુરતના સચિન, ઉન, લાલગેટ અને લિંબાયત સહિતના અમુક વિસ્તારોમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં એવો દાવો કર્યો હતો કે આ લોકો પાસે ભારત સરકાર દ્વારા માન્ય આધારકાર્ડ પણ મળી આવ્યા છે. જ્યારે અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાંથી 400થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમના શંકાસ્પદ બાંગ્લાદેશી હોવાની જાણકારી મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે 48 કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે. જેના પર કાર્યવાહી કરતી વખતે જ પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ ચઢી ગયાનો દાવો કરાયો છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અગાઉ જ પાકિસ્તાની નાગરિકોને પણ અલ્ટીમેટમ આપી ચૂક્યા હતા. મળતી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી ઘૂસણખોરો સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની સાથે સાથે આ તપાસમાં એસઓસી, ઈઓડબ્લ્યૂ અને ઝોન 6 હેડક્વાર્ટરની ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં 400 થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા.

April 6, 2025
anant-ambani.png
1min253

જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ 170 કિમીની પદયાત્રા કરી આજે દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકામાં તમામ જ્ઞાતિ-સમાજ, હૉટેલ એસોસિયેશન, વેપારી મંડળ, સામાજિક સંસ્થાઓ તથા દ્વારકાના સ્થાનિકોએ અનંત અંબાણીને જગતના નાથના નગરમાં વધાવ્યા હતા.

પદયાત્રાના સમાપન બાદ અનંત અંબાણીએ આજે ગોમતિપૂજન કર્યું. શારદાપીઠ ખાતે પાદુકાપૂજનનો પણ લાભ લીધો હતો. અનંત અંબાણીની સાથે તેમના માતા નીતા અંબાણી તથા પત્ની રાધિકાએ પણ ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવ્યું હતું. આ પ્રસંગે અંબાણી પરિવાર તરફથી 10 હજાર જેટલા પરિવારના એક લાખ લોકોની પ્રસાદી સેવા કરાઇ. આ ઉપરાંત રામનવમીના પાવન અવસર પર દ્વારકાધીશના દર્શન કરવા આવેલા ભક્તોમાં પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

March 22, 2025
Cia_business_news-1280x936.jpg
1min546

ગુજરાતમાં હાલ ચાલી રહેલી મિલકતોના દસ્તાવેજની નોંધણીમાં ખાસ કરીને ખુલ્લા પ્લોટમાં ક્ષેત્રફળ ઓછું દર્શાવીને ઓછી સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકિત કરાવીને સરકારની તિજોરીને લાખો, કરોડો રૂપિયાનો ફટકો મારવામાં આવી રહ્યો છે. આ પ્રકારનો ફ્રોડ બંધ થાય તે હેતુથી રાજ્યના મહેસૂલ વિભાગે આગામી તા.1લી એપ્રિલ 2025થી મિલક્તોના દસ્તાવેજોની નોંધણીમાં અક્ષાંશ રેખાંશની વિગતો ફરજિયાત દર્શાવવાની રહેશે અન્યથા દસ્તાવેજની નોંધણી જ નહીં થાય.

મળતી માહિતી મુજબ રાજ્યમાં મિલકતની ખરીદ-વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં થતાં નુકસાનને રોકવા માટે નવો નિયમ અમલમાં લાવવામાં આવી રહ્યો છે. નવા નિયમ મુજબ હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોના મુસદ્દા (ખરડા)માં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવાની રહેશે. આ નિયમ 1 એપ્રિલ 2025થી રાજ્યની તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગૂ પડશે. જો દસ્તાવેજમાં આ વિગતો નહી હોય તો નોંધણી કરવામાં આવશે નહી.

સરકારના પરિપત્રમાં જણાવ્યા મુજબ ઘણીવાર મિલકતના દસ્તાવેજોમાં બાંધકામ હોવા છતાં દસ્તાવેજમાં ખુલ્લા પ્લોટના ફોટા રજૂ કરવામાં આવે છે, જેના લીધે સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરીમાં ગેરરીતિ થાય છે અને સરકારને મોટું નુકસાન થઇ રહ્યું છે. સરકારના ધ્યાને આવ્યું છે કે આ પ્રકારના કિસ્સાઓ સતત વધી રહ્યા હોવાથી છેતરપિંડીનું પ્રમાણ વધ્યું છે.

આ પ્રકારની છેતરપિંડી અટકાવવા માટે સંબંધિત કચેરીના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ખુલ્લા પ્લોટની મિલકતોની તબદીલીના કિસ્સામાં, ફોટોગ્રાફવાળા પૃષ્ઠ પર અક્ષાંશ અને રેખાંશની વિગતો ફરજિયાત દર્શાવેલી હોવી જોઇએ. દસ્તાવેજમાં મિલકતના 5*7 સાઇઝના કલર ફોટોગ્રાફ્સમાં એક સાઇડ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ દેખાવવો જોઇએ, તે મિલકતના વર્ણનવાળા પૃષ્ઠ પછી તરત જ ચોંટાડવાના રહેશે. ફોટાની નીચે મિલકતનું પૂરું પોસ્ટલ સરનામું લખવાનું રહેશે, અને તેની પર દસ્તાવેજ લખનાર તેમજ લેનાર બંને પક્ષકારોએ સહી કરવી પડશે. જો આવી નોંધ દસ્તાવેજમાં નહીં હોય, તો સબ-રજિસ્ટ્રાર કચેરી તેને નોંધણી માટે ગ્રાહ્ય નહીં ગણે.

સરકારના આ નિર્ણયથી મિલકતની ખરીદી-વેચાણમાં પારદર્શિતા વધશે અને છેતરપિંડીની સંભાવનાઓ ઘટશે. 1 એપ્રિલ, 2025થી શરૂ થતા આ નિયમોનો કડક અમલ કરવા માટે સબ-રજિસ્ટ્રાર કચેરીઓને પણ સૂચના આપવામાં આવી છે.

March 13, 2025
drugs.jpg
1min175

અમદાવાદમાં વિદેશથી એમડી ડ્રગ્સ, ચરસ અને ગાંજાની દાણચોરીની મોટી ઘટના બની છે અને રમકડાંની આડમાં આ કૃત્ય કરવામાં આવી રહ્યું હતું. અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે આ મામલે મોટી કાર્યવાહી કરતાં લગભગ 3.45 કરોડની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વિદેશથી પાર્સલની આડમાં ઓનલાઇન મંગાવેલું ડ્રગ્સ ફોરેન પોસ્ટ ઓફિસથી ઝડપી પાડ્યું હતું. ઉલ્લેખનીય છે અગાઉ પણ ડાર્ક વેબ અને અલગ-અલગ વીપીએનની મદદથી ઓનલાઈન મંગાવવામાં આવતા ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર હોળી ધૂળેટીના તહેવારોના ટાળે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે છેલ્લા કેટલાક સમયથી ડાર્ક વેબ અને અલગ અલગ વીપીએનને મદદથી વિદેશથી ઓનલાઇન ડ્રગ્સ મંગાવવામાં આવી રહ્યું છે. જેને લઇને ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન ફોરેન પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ કુરિયર પહોંચ્યા હોવાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ પાડી તપાસ કરતાં આ કુરિયરમાં રમકડાંની આડમાં સંતાડેલું 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

આ ડ્રગ્સમાં ચરસ, હાઇબ્રીડ ગાંજો અને એમ.ડી. ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો થાઇલેન્ડ, કેનેડા અને યુએસએ જેવા દેશોમાંથી ઓર્ડર કરવામાં આવતા હોવાની શંકા છે. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઓનલાઈન આ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું. પરંતુ તેના રિસિવર અંગેની તપાસ ચાલી રહી છે. યુએસએ, કેનેડા અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી ડાર્ક વેબથી આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જે સંદર્ભે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે.

March 8, 2025
heat-stroke.jpg
1min164

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પવનનું જોર વધ્યું છે. કેટલાક વિસ્તારમાં તો 30થી લઈને 45 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં પણ પવનનું જોર વધીને 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગયું હોવાથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.

અચાનક જ ઠંડા પવનની ગતિ વધવાના કારણે તથા પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાને કારણે તાપમાન પણ ગગડ્યું છે અને ઠંડકનો માહોલ સર્જાયો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાતે આગાહી કરી હતી કે, 9થી 13 માર્ચ દરમિયાન કેટલાક ભાગોમાં હીટવેવની વકી છે અને તાપમાન 40 ડિગ્રી સુધી જઇ શકે છે.

આ દરમિયાન રાજ્યના વિવિધ શહેરના તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. માર્ચ મહિનાની શરૂઆતથી થોડું તાપમાન વધશે, રાજ્યમાં હીટવેવનો પ્રથમ રાઉન્ડ 9 માર્ચથી ચાલુ થઈ શકે છે અને 13 માર્ચ સુધી ચાલુ રહે તેમ છે. 13 માર્ચ પછી ફરી હવામાનમાં પલટો આવશે. હીટવેવના આ રાઉન્ડમાં ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જશે. આ દરમિયાન આકરો ઉનાળો જોવા મળી શકે છે.

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો એવા હશે જ્યાં 39-40 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબીમાં તાપમાન વધારે ઊંચું જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામમાં તાપમાન 39-40 ડિગ્રી પહોંચે તેવી શક્યતાઓ છે.

February 22, 2025
NSUI-scam.png
1min189

સુરતના પુણા કેનાલ રોડના રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડીયા એજ્યુકેશન ઉપરાંત ક્રીએટીવ ઇન્સ્ટીટ્યુટ અને એડીટેક ઇન્સ્ટીટ્યુટ ગેરકાયદેસર ચાલે છે તેવી રીલ્સ વાયરલ કરી બાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.1 કરોડની ખંડણી માંગ્યા બાદ રૂ.60 લાખમાં પતાવટ કરવા તૈયાર થઈ રૂ.1.50 લાખ બળજબરીથી પડાવી બાકીની રકમ લેવા આવેલા એનએસયુઆઈના સુરત પ્રમુખ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ, બે કાર્યકર સહિત પાંચ સારોલી પોલીસના હાથે રંગેહાથ ઝડપાયા હતા.જયારે આ પ્રકરણમાં સામેલ બે ને સારોલી પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ અમરેલી બગસરા ડેરી પિપરીયાના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા ડી માર્ટની પાછળ શાંતિનગર સોસાયટી વિભાગ 2 ઘર નં.145 માં રહેતા 35 વર્ષીય હસમુખભાઇ રમેશભાઇ રફાળીયા પુણા કેનાલ રોડ વનમાળી જંકશન નજીક શેલ આમંત્રણ રેસ્ટોરન્ટ પાસે રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડીયા એજ્યુકેશનના નામે વેબ ડિઝાઇનીંગ, વેબ ડેવલોપમેન્ટ, ગ્રાફીક્સ વિગેરે જેવા સ્કીલ કોર્સ કરાવે છે.ગત પહેલી જાન્યુઆરીના રોજ હસમુખભાઈ ઇન્સ્ટીટ્યુટ પર હાજર હતા ત્યારે ઈન્સ્ટાગ્રામમાં ગેરકાયદેસર ચાલતી પ્રાઈવેટ સ્ટડી સેન્ટરો અને સંલગ્ન યુનિવર્સીટીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિને રજુઆત કરવામાં આવી તેવી પોસ્ટ હતી.બીજા દિવસે તે જ ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર તેમનું ઇન્સ્ટીટ્યુટ બોગસ ડિગ્રી તો નથી આપતું તેમ કહી મિતેશ હડીયા સ્વર્ણીમ યુનિવર્સીટીના કોઈ વિદ્યાર્થી સાથે વાત કરતો હોય તેવો ઓડિયો મુકવામાં આવ્યો હતો.

તેના બે દિવસ બાદ હસમુખભાઈના ઇન્સ્ટીટ્યુટમાં મેનેજર લક્ષ્મણભાઈ પ્રજાપતિને અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતો અને કોલ કરનારે પોતાની ઓળખ રવિ પુછડીયા તરીકે આપી તમારી સંસ્થાની પોસ્ટ મૂકી છે તે બાબતે સમજવું છે તેથી તમને મળવું છે તેવી વાત કરી હતી.ત્યાર બાદ રવિ અવારનવાર ફોન કરતો હતો અને તે સાથે તે જ ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર હસમુખભાઈની ઇન્સ્ટીટ્યુટ ઉપરાંત તેમના મિત્ર કેયુરભાઇ વરસડીયાની ક્રીએટીવ ડીઝાઇન એન્ડ મલ્ટીમીડીયા ઇન્સ્ટીટ્યુટ અને અન્ય મિત્ર ધવલભાઇ લુણાગરીયાની એડીટેક ઇન્સ્ટીટ્યુટ અંગે પણ તે બોગસ હોવાની પોસ્ટ મુકતા હતા.ત્યાર બાદ રવિ વતી અભિષેકે ફોન કરી જો આપણી મીટીંગ થાય તો અમે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે તે નહીં કરીએ તેવી વાત કરી હતી.બાદમાં ફરી ફોન કરી તમે બોગસ ડિગ્રી વેચો છો તેવા ખોટા કેસમાં ફસાવી 10 વર્ષ જેલમાં રહેવાની સજા કરાવીશું તેવી ધમકી આપતા હસમુખભાઈ તેમની સાથે મિટિંગ કરવા તૈયાર થયા હતા.

13 જાન્યુઆરીની સાંજે રવિ અને અભિષેક હસમુખભાઈને મળવા સારોલી ઈંડા ગલી પાસે ઓર્બીટ ટાવર નજીક આવ્યા હતા.ત્યાં ત્રણેય સંસ્થા માટે પતાવટ કરવા તેમણે રૂ.1 કરોડની માંગણી કરી હતી.તે પછી પ્રિત ચાવડા, કિશોરસિંહ ડાભીએ ઉધનામાં મિટિંગ કરતા રકઝક બાદ તેઓ રૂ.60 લાખ લેવા તૈયાર થયા હતા.ત્યાર બાદ ધીરેન્દ્ર સોલંકી અને પ્રિત મળ્યા ત્યારે રૂ.1.50 લાખ તેમને આપ્યા હતા.ત્યાર બાદ બાકીના રૂ.58.50 લાખ માટે તેઓ સતત ફોન કરતા હોય હસમુખભાઈએ સારોલી પોલીસ મથકમાં અરજી કરી હતી.આથી પોલીસે ગતરોજ હસમુખભાઈના ઈન્સ્ટીટ્યુટની આગળ ક્રીકેટ બોક્સ બાજુ જવાની ગલી પાસે પ્રિત ચાવડા, રવિ પુછડીયા, મિતેશ હડીયા, ધીરેન્દ્ર સોલંકી અને તુષાર મકવાણા કાર ( નં.જીજે-36-આર-6618 ) માં આવ્યા અને હસમુખભાઈએ તેમને રૂ.5 લાખ ભરેલી બેગ આપી તે સમયે રવિએ બેગમાં રૂ.58.50 લાખ પુરા છે ને તેવું પૂછ્યું તે સાથે જ પોલીસે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.

સારોલી પોલીસે આ અંગે હસમુખભાઈની ફરિયાદના આધારે ખંડણીનો ગુનો નોંધી પાંચેયની ધરપકડ કરી તેમના બે સાથી અભીષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે માહિતી આપતા જણાવ્યું હતું કે ખંડણી માંગતા ઝડપાયેલા એનએસયુઆઈના કાર્યકરો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

ધીરેન્દ્રસિંહ સોલંકી આ પ્રકરણ ચાલતું હતું ત્યારે જ સુરત શહેર એનએસયુઆઈ પ્રમુખ બન્યો હતો

ત્રણ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટને બદનામ કરી રૂ.1 કરોડની ખંડણી માંગતા પોલીસે જે પાંચની ધરપકડ કરી છે તેમાં એનએસયુઆઈના સુરત શહેર પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ મિતેશ ધીરૂભાઈ હડીયા અને બે કાર્યકર રવિ રામજીભાઈ પુછડીયા અને પ્રિત વાઘેશભાઈ ચાવડાનો સમાવેશ થાય છે.તે પૈકી ધીરેન્દ્રસિંહ સોલંકી આ પ્રકરણ ચાલતું હતું ત્યારે જ 23 જાન્યુઆરીના રોજ સુરત શહેર એનએસયુઆઈ પ્રમુખ બન્યો હતો.

એનએસયુઆઈએ પ્રદેશ ઉપપ્રમુખ, સુરત પ્રમુખને સસ્પેન્ડ કર્યા : સભ્ય નથી તે તુષારને પણ સસ્પેન્ડ કરી ભાંગરો વાટ્યો

રૂ.1 કરોડની ખંડણી માંગવાના ગુનામાં ઝડપાતા એનએસયુઆઈના ગુજરાત પ્રદેશ પ્રભારી અંકુશ ભટનાગર અને પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકીએ પ્રદેશ ઉપપ્રમુખ મિતેશ હડીયા, સુરત પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકી, બે કાર્યકર રવિ પુછડીયા અને પ્રિત ચાવડાને એનએસયુઆઈમાંથી સસ્પેન્ડ કર્યા હતા.જોકે, જે સભ્ય નથી તે તુષાર મકવાણાને પણ સસ્પેન્ડ કરી ભાંગરો વાટ્યો હતો.

કોણ કોણ પકડાયું

(1) વ્યવસાયે ડોક્ટર મિતેશ ધીરૂભાઈ હડીયા ( ઉ.વ.26, રહે.ઘર નં.65, શીવપાર્ક સોસાયટી, ગીતાંજલી સ્કુલ પાસે, ગોડાદરા નહેર, ગોડાદરા, સુરત. મૂળ રહે.કાતર, તા.રાજુલા, જી.અમરેલી )
(2) ચા નાસ્તાની દુકાન ધરાવતો અને સાથે અભ્યાસ કરતો ધીરેન્દ્રસિંહ મહેંદ્રસિંહ સોલંકી ( ઉ.વ.28, રહે.804, અંબીકાનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સાયણ રોડ, અમરોલી, સુરત. મૂળ રહે.વાંકાબોરડી, તા.શહેરા, જી.પંચમહાલ )
(3) વિદ્યાર્થી રવિ રામજીભાઈ પુછડીયા ( ઉ.વ.28, રહે.એલ-103, સુમન સંગીની, મગોબ, સુરત. મૂળ રહે.જુનાપઢી, તા.કેશોદ, જી.જુનાગઢ )
(4) બેકાર પ્રિત વાઘેશભાઈ ચાવડા ઉ.વ-24 ધંધો-બેકાર રહે-બી/27, વશીકોલોની, ત્રણ રસ્તા પાસે, ઉધના, સુરત. મૂળ રહે.મહેન્દ્રનગર, મોરબી )
(5) એલઆઈસીમાં નોકરી કરતા તુષાર ગોપાલભાઈ મકવાણા ( ઉ.વ.31, રહે.સિધ્ધાર્થ સોસાયટી, ત્રાજપોર ચાર રસ્તા પાસે, મોરબી. મૂળ રહે.રાજપરા, જી.રાજકોટ )

February 20, 2025
gujarat-vidhansabha.jpg
2min170

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. દેસાઈ ચોથું બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષિય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે. તેમજ વિકસિત ભારત મિશનમાં ગુજરાતનો સિંહફાળો આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હોવાનું જણાવ્યું છે.

આ વખતે બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ ગઇ હતી. રાજ્યપાલે 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.

બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે.

મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયા

શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ 290 કેન્‍દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ એમએસએમઈને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. જેમાં MSME અને સ્ટાર્ટઅપની વિવિધ યોજનાઑ માટે 3600 કરોડ રૂપિયાની જોગવાઈ છે. ટેક્સટાઇલ નીતિના કારણે 5 લાખ લોકોને રોજગાર મળશે. વધુમાં ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાયો માટે બે હજાર કરોડ રૂપિયાની ફાળવણી

નાણામંત્રીએ દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે. જેમાં 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ 85 હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે.

નાણામંત્રીએ સરકારી આવસને વેગ આપવા પર ફોકસ કર્યું છે. ગુજરાતના ગરીબો માટે ત્રણ લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રૂ. 200 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. આવાસ ખરીદવા પર સરકાર 1.70 લાખ રૂપિયા સબસિડી આપશે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ 2025-26 રજૂ કર્યું છે. તેમણે ભાષણમાં રાજકોષિય ખાધ ઓછી રાખવા તેમજ સેમિ કંડક્ટર ક્ષેત્રે વિકસિત ભારત વિઝનને સાકાર કરવા પર ફોકસ કરવા ભાર મૂક્યો છે.

નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાત વિધાનસભામાં 2025-26નું અંદાજપત્ર રજૂ કરવા આવી પહોચ્યા છે. તેમણે રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ રાખ્યું હતું. આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાર્લી પેઈન્ટિંગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે. સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને દર્શાવેલ છે. આમ આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે.

બજેટ પહેલા બીજા દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં દેખાવો કર્યા હતા. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ દેખાવો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ હાથકડીઓ અને પોસ્ટર પહેરીને કોંગ્રેસના ધારાસભ્યોએ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોને જે રીતે હાથકડી અને સાંકળ બાંધીને મોકલવામાં આવ્યા હતા તેને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે આ વખતે ગુજરાતનું વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવશે. ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ પર બજેટ ખરું ઉતરશે. દરેક ક્ષેત્રને આવરી લેતું બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં દરેકની આશાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.

નાણા મંત્રી કનુભાઈ આ વખતે બજેટમાં લગભગ 11 ટકાનો વધારી શકે છે. જેથી આ વખતનું બજેટ લગભગ પોણા ચાર લાખ કરોડની રકમને આંબી શકે છે. જ્યારે બીજી બાજુ થોડા દિવસ પહેલા જ રાજ્યમાં 9 મહાનગરપાલિકાઓ અને 1 નવા જિલ્લા અંગે જાહેરાત કરવામાં આવી હતી જેને લઇને પણ બજેટમાં મહત્ત્વની જાહેરાત કરવામાં આવી શકે છે.

ગયા વર્ષે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. રાજ્ય સરકારે જે બજેટ 2024-25 રજૂ કર્યું હતું એ ઐતિહાસિક કુલ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ હતું. ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમનું ત્રીજુ બજેટ રજૂ કર્યું હતું.

1 મે 1960ના રોજ મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયું. ત્યારપછી ગુજરાતનું પહેલું બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. તે સમયે ડૉ. જીવરાજ મહેતા મુખ્યમંત્રી પણ હતા અને નાણાંમંત્રીનો હોદ્દો પણ તેમની પાસે જ હતો. ગુજરાતનું પહેલું બજેટ 22 ઓગસ્ટ 1960 ના રોજ અમદાવાદ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભામાં આજે નાણાંકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરાશે. આ બજેટમાં કુલ 10 જેટલી નવી જાહેરાતો પણ કરાઈ શકે છે. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક પણ રજૂ થશે.

ગુજરાત વિધાનસભામાં આ બજેટ સત્ર લગભગ દોઢ મહિનો ચાલશે. જેમાં વિપક્ષે પણ સરકારે ઘેરવાની તૈયારી કરી રાખી છે જેમાં વિપક્ષ દ્વારા જમીન કૌભાંડ, ખ્યાતિકાંડ, ભરતી કાંડ સહિતના વિવિધ મુદ્દે સરકારે ઘેરવાનો પ્રયાસ કરશે.

આ વખતે કનુભાઈ દેસાઈ પર રજૂ કરવામાં આવનારા સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પ્રથમ દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. જ્યારે બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.