ગુજરાત રાજ્ય સરકારે આગામી નવેમ્બર માસના પહેલા જ સપ્તાહમાં આવતા દિવાળી પર્વ નિમિત્તે સરકારી કર્મચારીઓને ભેટ આપી ખુશખબર આપી છે.
ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા પગાર મળી જાય એ માટે કાર્યવાહી હાથ ધરતા રાજ્ય સરકાર દ્વારા ઠરાવ કર્યો છે.
આ ઠરાવમાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર 4-11-2021ના રોજ હોઈ, કર્મચારીઓ અને પેન્શનરો આનંદ અને ઉત્સાહપુર્વક આ તહેવાર ઉજવી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઓક્ટોબર 2021 માસના પગાર ભથ્થા તથા પેન્શનની ચૂકવણી વહેલી કરવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, ઓક્ટોબર 2021 માસના રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ/પેન્શનરોના પગાર ભથ્થા/પેન્શનની ચૂકવણી તા. 13-10-1993ના ઠરાવમાં જણાવ્યા પ્રમાણે મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોને બદલે, વંચાણમાં લીધેલ તારીખ 20-4-1993ના ઠરાવમાં છૂટછાટ મુકીને 25-10-2021 તથા 26-10-2021 દરમિયાન તબક્કાવાર કરવાનું ઠરાવવામાં આવે છે.
કોન્ટ્રાક્ટ બેઝ એટલે કે કરાર આધારિત કર્મચારીઓના પગાર પણ સરકાર વહેલો કરશે. ઠરાવમાં જણાવ્યા અનુસાર શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ તથા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીઓને પણ લાગુ પડશે.
પાટનગરના 11 વોર્ડની 44 બેઠકોમાંથી ભાજપ 41 બેઠકો પર જીત, કોંગ્રેસને રોકડી 2 અને આપને ફક્ત 1થી સંતોષ માનવો પડ્યો
ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં ગત રવિવારે યોજાયેલા મતદાન બાદ આજરોજ તા.5મી ઓક્ટોબર 2021ના રોજ યોજાયેલા મતગણતરીના અંતે ભાજપાએ ગાંધીનગરમાં પ્રચંડ અને અભૂતપૂર્વ બહુમતિ પ્રાપ્ત કરી લીધી છે. પાટનગરના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપ 41 બેઠકો પર જીત મેળવી ચૂક્યું છે, જ્યારે કોંગ્રેસ 02 અને આમ આદમી પાર્ટી 01 બેઠક પર વિજયપ્રાપ્ત કરી શક્યા છે.
ગાંધીનગર ખાતે અભતૂપર્વ વિજય મેળવ્યા બાદ સી.આર. પાટીલે પોતાની પ્રથમ પ્રતિક્રીયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રીજા પાર્ટીને કોઇ અવકાશ નથી. ગુજરાતના મતદારો ભાજપ સાથે રહ્યા છે અને રહેશે.
એ પૂર્વે બપોરે 12.30 કલાકની સ્થિતિએ ગાંધીનગરમાં વોર્ડ નં. 1, 4, 5, 7, 8, 9 અને 10માં ભાજપની પેનલનો વિજય નિશ્ચિત બન્યો છે. હાલ ભાજપ 34થી વધુ બેઠકો પર આગળ છે. અત્યારસુધી આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં માત્ર એક જ બેઠક જીતી શકી છે. રિપોર્ટ્સ અનુસાર, વોર્ડ નં.6માં પક્ષના ઉમેદવાર તુષાર પરીખની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસે વોર્ડ નં.3માં એક બેઠક પર જીત મેળવી છે તેમજ વોર્ડ નં.2માં તેના બે ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
ગાંધીનગરમાં આ વખતે નો રિપિટ થિયરી લાગુ કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના સિટિંગ કોર્પોરેટરોનાં પત્તા કપાયાં હતાં. જોકે, આ વખતે પાટનગરમાં કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીએ તોડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણકે, આપના આગમનથી ભાજપને ખાસ ફરક પડ્યો હોય તેવું જણાતું નથી, પરંતુ કોંગ્રેસને તેનાથી મોટો ફટકો પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. પ્રારંભિક અંદાજો અનુસાર, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ તોડ્યા છે. જોકે, સુરત મ્યુ. કોર્પોરેશનમાં આશ્ચર્યજનક દેખાવ કરનારી આમ આદમી પાર્ટી ગાંધીનગરની ચૂંટણીમાં ખાસ ઝળકી શકી નથી.
રાજ્યમાં હાલમાં જ સત્તા પરિવર્તન થયું છે. પૂર્વ સીએમ વિજય રુપાણી અને તેમના તમામ મંત્રીઓની એક્ઝિટ બાદ નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને ગુજરાતના શાસનની ધૂરા સોંપવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલના સત્તામાં આવ્યા બાદ પહેલીવાર રાજ્યમાં ચૂંટણી થઈ રહી છે. જેમાં ભાજપનો દેખાવ કેવો રહે છે તે તેમના માટે પણ ખાસ્સું મહત્વનું છે. ઉલ્લેખનીય છે કે, નવી સરકારમાં નો રિપિટ થિયરી લાગુ કરાયા બાદ ગાંધીનગરમાં પણ તેનું અનુકરણ કરાયું છે, જેનો સ્પષ્ટ ફાયદો પક્ષને થતો દેખાઈ રહ્યો છે.
ગુજરાતમાં પડી રહેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં લીલા દુકાળ જેવી સ્થિતિ ઊભી થવા પામી છે. જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદે વિનાશ વેર્યો છે ત્યારે ભારે વરસાદથી તેમ જ નદી-નાળાં છલકાતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે અને કપાસ, મગફળી, તલ, સોયાબીન સહિતનો ઊભો પાક ધોવાયો છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. પહેલાં તો વરસાદ ખેંચાયો હતો અને હવે જતાં-જતાં વરસાદ જાણે કે વિનાશ વેરતો હોય તેમ ધોધમાર વરસાદ પડતાં કંઈ કેટલાય વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિમાં આવી ગયા છે. વિસાવદર, માળિયા હાટીના, તાલાલા, વેરાવળ, ખંભાળિયા, ઉમરાળા, સાવરકુંડલા, લીલિયા, કોડીનાર, સુત્રાપાડા, ઉના, માંગરોળ સહિતના પંથકોનાં ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. કેટલાક પાક લણવા પર આવ્યા હતા ત્યારે આકાશી આફત આવી અને વરસાદે રસાતાળ કરી દેતાં ખેડૂતો માટે જાણે કે આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ સરજાઈ છે.
સાવરકુંડલાના વિધાનસભ્ય પ્રતાપ દુધાતે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. નદીકિનારાનાં ગામોને વધારે નુકસાન થયું છે. કપાસ, તલ, મગફળીનો પાક તૈયાર હતો એ ફેલ ગયો છે. અમારા વિસ્તારનાં ૧૧૭ ગામો છે ત્યાં વરસાદ અને પૂરના કારણે ખેતરોમાં નુકસાન થયું છે. સરકારે સાવરકુંડલા અને લીલિયા તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે કરાવી આર્થિક પૅકેજ જાહેર કરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી માગણી કરી છે.’
આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે. તે બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વચ્ચે યોજાયેલી બેઠકમાં માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. લગ્ન પ્રસંગોમાં પણ અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓ માટે છૂટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર-ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે. તે બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વચ્ચે યોજાયેલી બેઠકમાં માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. લગ્ન પ્રસંગોમાં પણ અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓ માટે છૂટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર-ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.
પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં નહીં આવે
રાજ્ય સરકારે ૪૦૦ વ્યક્તિની મર્યાદામાં શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો કરવાની છૂટ આપી છે. અર્થાત્ હવે આગામી નવરાત્રિની ઉજવણી નિયમોને આધિન ધામધૂમથી કરી શકાશે. સરકારે હાલના રાતના ૧૧થી સવારના ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફ્યૂમાં એક કલાકનો ઘટાડો કર્યો છે. જે હવે રાતના ૧૨થી સવારના ૬ વાગ્યા સુધી રહેશે. જોકે, રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં નહીં આપવાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત સરકારે અંતિમક્રિયા માટે પણ વ્યક્તિઓની ઉપસ્થિતિની સંખ્યામાં વધારો મંજૂર કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી હતી. જેમાં હાલના કોરનાના સંક્રમણની કેસોની સ્થિતિ સહિતના અન્ય મુદ્દાને ધ્યાનમાં લઈને આ નિર્ણયો લીધા છે. અમદાવાદ સહિત વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર જેવા આઠ મહાનગરોમાં હાલ રાત્રિ કરફયુ અમલમાં છે ત્યાં હવે રપમીના શનિવારથી રાત્રિના ૧ર વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં રહેશે એટલે કે, હાલના જે રાતના ૧૧થી સાવરના ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં છે. તેમાં એક કલાકનો ઘટાડો કરાયો છે. જે ૧૦મી ઓક્ટોબર, ર૦ર૧ના સવારના ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે.
અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની ૪૦ વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના ૧૦ વાગ્યા સુધી અગાઉ ક્ષમતાના ૬૦% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના ૭પ% સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં, તે પણ હવે રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે.
આઈએમડી ગુજરાતના હેડ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, પૂર્વ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર પર પર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે. ‘અનુકૂળ સ્થિતિ હજી પણ રાજ્યને વરસાદ આપશે. બુધવાર બાદથી ક્યારેક ભારે વરસાદની શક્યતાની સાથે છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે’, તેમ તેમણે કહ્યું હતું.
21/9/21, મંગળવારે પંચમહાલ, મહીસાગર, નવસારી અને વલસાડના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, તેવો ઉલ્લેખ આઈએમડીએ કર્યો હતો. શુક્રવારે ડાંગ, નવસારી અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, તેમ આગાહીમાં ઉમેરવામાં આવ્યું હતું.
dt.20/9/21 સોમવારે, રાતે 8 વાગ્યા સુધીમાં છોટા ઉદેપુરમાં 2.83 ઈંચ, બોડેલીમાં 2.51 ઈંચ, પાવી જેતપુરમાં 1.96 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે મહેસાણાના ઉંઝામાં 1.92 ઈંચ, ખેડાના માતરમાં 1.81 ઈંચ અને મહેસાણાના વિસનગરમાં 1.69 ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદે રાજ્યના જળાશયો અને ખેતીને નવું જીવન આપ્યું છે, જે સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં અછતનો સામનો કરી રહ્યા હતા.
ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસથી શરૂ થયેલા વરસાદને પગલે હવે અછતની સ્થિતિ નિવારાઇ છે. રવિવાર dt. 19/9/21 અને સોમવારે 20/9/21 પણ રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે.
રાજ્યના જળાશયો છલકાઈ ગયાં છે. ગુજરાતમાં વરસાદ પછી ૨૦૬ ડેમો પૈકી ૭૧ ડેમોમાં ૯૦ ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.
રાજ્યમાં આવા ૭૧ ડેમો ઉપર હાઈ એલર્ટ સિગ્નલ અપાયું છે. જ્યારે ૨૦ ડેમોમાં ૯૦ ટકા પાણીનો સંગ્રહ થતાં એલર્ટ અને ૮ ડેમો એવા છે જ્યાં ૮૦ ટકા પાણીનો સંગ્રહ થતાં વોર્નિંગનું સિગ્નલ અપાયું છે. સોમવારે સવારે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫ તાલુકાઓમાં વરસાદ થયો હતો . તેમજ દિવસ દરમિયાન પણ અનેક ઠેકાણે હળવાથી ભારે વરસાદ ચાલુ રહ્યો હતો.
વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, ખેડા, બનાસકાંઠા. વડોદરા, આણંદ અને અમદાવાદમાં વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ૧૯મી સપ્ટેમ્બરની સ્થિતિએ ૫૧ ડેમો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ ડેમોમાં ૬૬.૪૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં અત્યારે ૭૭.૦૪ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩માંથી ત્રણ ડેમ સંપૂર્ણ છલકાયા છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં પાણીની ખાસ આવક થઈ નથી. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૨૯.૨૦ ટકા અને કચ્છના ૨૦ ડેમમાં ૨૬.૪૬ ટકા પાણીનો સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૫૬.૯૩ ટકા ઉપરાંત સરદાર સરોવર ડેમમાં ૫૪.૯૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે.
ગુજરાતમાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં તેમના સહિત કુલ 25 મંત્રીઓનો સમાવેશ થાય છે, જેમાંથી 10ને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે, પાંચ રાજ્યકક્ષાના પરંતુ સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી છે અને દસ રાજ્યકક્ષાના મંત્રી છે.
ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કયા મંત્રી કેટલું ભણેલા છે તેની વિગતો ગુજરાત વિધાનસભાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે એ મુજબ 10 મંત્રીઓ ગ્રેજ્યુએટ છે જ્યારે 10 મંત્રીઓ દસમા સુધી પણ માંડ ભણ્યા છે. કયા મંત્રી કેટલું ભણેલા છે, અને કઈ વિધાનસભા બેઠકનું નેતૃત્વ કરે છે તેની માહિતી નીચે અનુસાર છે:
૧૭મી સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાહેરાત આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કરી છે. તેમણે જણાવ્યુ કે, આ મેગા ડ્રાઇવ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ડ્રાઇવ દરમ્યાન ૭,૫૦૦ જેટલા ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ મેગા ડ્રાઇવ દરમ્યાન ૩૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનું આયોજન છે.
તેમણે જણાવ્યું કે, રાજ્યના શ્રમિક-કામદાર તથા ગરીબ પરિવારોને આરોગ્ય રક્ષણ પુરુ પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય સુવિધા ઉભી કરવા આવતી કાલથી જ નિષ્ણાંત તબીબી ટીમ સાથે દિનદયાલ ઔષધાલય ઉભા કરવામાં આવશે.
અગ્રવાલે કહ્યું કે, રસીકરણની મેગા ડ્રાઇવને સફળ બનાવવા તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસીપલ કમિશ્નર સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મેગા ડ્રાઇવ અંગે તૈયારીની સમીક્ષા કરી દેવામાં આવી છે. આ મેગા ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે ડ્યુ લાભાર્થીને રસીકરણ સેવા આપવામાં આવનાર છે.
સાથે જ તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં અને રાજ્યમાં ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કોવિડ-૧૯ રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. ૧૫ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કુલ ૫.૩૩ કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ વસ્તીએ ૮,૩૪,૭૮૭ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે. રાજ્યમાં કુલ ૫,૯૦૬ ગામડાઓ, ૧૦૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૪ શહેરી આરોગ્ય કેન્દ્ર તથા ૧૭ તાલુકાઓમાં તમામ ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યુ છે.
આખરે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંત્રીમંડળે આજે શપથ ગ્રહણ કરી લીધા છે. રાજભવનમાં આજે બપોરે દોઢ વાગ્યે યોજાયેલી શપથવિધિમાં કુલ 24 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા, જેમાંથી 10 મંત્રીઓને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જ્યારે પાંચ રાજ્યકક્ષાના મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.
રાજ્યકક્ષાના મંત્રી તરીકે કુલ નવ ધારાસભ્યોએ શપથ લીધા છે. નવી સરકારમાં પૂર્વ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી નંબર ટૂ જ્યારે જીતુ વાઘાણી નંબર 3 રહેશે. નવા મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો જોવા મળી રહ્યો છે, જ્યારે કચ્છની બાદબાકી કરવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી લાગુ કરતા રુપાણીના એકેય મંત્રીને સ્થાન નથી અપાયું.
કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા મંત્રીઓ:
1. રાજેન્દ્ર ત્રિવેદી
2. જીતુ વાઘાણી
3. ઋષિકેશ પટેલ
4. પૂર્ણેશ મોદી
5. રાઘવજી પટેલ
6. કનુ દેસાઈ
7. કિરીટસિંહ રાણા
8. નરેશ પટેલ
9. પ્રદીપ પરમાર
10. અર્જુનસિંહ ચૌહાણ
રાજ્યકક્ષા, સ્વતંત્ર હવાલો
11.હર્ષ સંઘવી
12. જગદીશ પંચાલ
13. બ્રિજેશ મેરજા
14. જીતુ ચૌધરી
15. મનીષા વકીલ
રાજ્યકક્ષાના મંત્રીઓ
16. મુકેશ પટેલ
17. નિમિષા સુથાર
18. અરવિંદ રૈયાણી
19. કુબેર ડિંડોર
20. કિર્તીસિંહ વાઘેલા
21. ગજેન્દ્રસિંહ પરમાર
22. રાઘવજી મકવાણા
23. વિનોદ મોરડિયા
24. દેવા માલમ
આજે શપથગ્રહણ સમારંભમાં પૂર્વ સીએમ વિજય રુપાણી તેમજ પૂર્વ ડે. સીએમ નીતિન પટેલ પણ મંચ પર જોવા મળ્યા હતા.
ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર એક જ પક્ષની સરકારમાં કોઈપણ ભૂતપૂર્વ મંત્રીને નવી કેબિનેટમાં જગ્યા આપવામાં નથી આવી. ચૂંટણીના સવા વર્ષ પહેલા થયેલા મોટા ફેરબદલમાં માત્ર સીએમ જ નથી બદલાયા, પરંતુ આખેઆખા મંત્રીમંડળને બદલી નાખવામાં આવતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. જૂના મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી આવેલા તમામ લોકોના પત્તાં કપાયા છે. જોકે, કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નવા ચહેરાને નવા મંત્રીમંડળમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે.
ગુજરાતના રાજકીય ઈતિહાસમાં શપથગ્રહણ સમારંભની તમામ તૈયારી થઈ ગઈ હોય, તેના પોસ્ટર્સ પણ લગાવી દેવાયા બાદ શપથવિધિ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોય તેવું કદાચ અગાઉ ક્યારેય નથી બન્યું. સીએમ બદલયા બાદ શરુ થયેલા આ રાજકીય નાટકમાં આજે મંત્રીઓનો શપથગ્રહણ સમારંભ રદ થતાં અંદરખાને કંઈક રંધાઈ રહ્યું હોવાની પણ શક્યતા દેખાઈ રહી છે. ભાજપ પોતાને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે, પરંતુ હાલ પાર્ટીમાં જ અસંતોષ ઉભો થયો હોવાથી શપથગ્રહણ સમારંભ રદ કરાયો હોવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે.
આજે નવા મંત્રીઓનો શપથગ્રહણ કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ થતાં અનેક તર્કવિતર્કો પ્રવર્તી રહ્યા છે. રાજભવનમાં પણ આજની તારીખના પોસ્ટર્સ લગાવી દેવાયા હતા, શપથવિધિ સમારંભની રાજ્યપાલ ભવનમાં તમામ તૈયારી પણ શરુ થઈ ગઈ હતી. આજની તારીખના પોસ્ટર્સ પણ લગાડી દેવામાં આવ્યા હતા, અને સાંજે ચાર વાગ્યે શપથવિધિ થવાની છે તેવું કન્ફર્મ પણ થયું હતું. ખુદ સી.આર. પાટીલે તેની પુષ્ટિ કરી હતી. તેવામાં આ કાર્યક્રમ અચાનક કેન્સલ થતાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પરંતુ બપોરે અઢી વાગ્યા બાદ આ પોસ્ટર્સને અચાનક હટાવવાનું શરુ થયું હતું.
એવી ચર્ચા છે કે, નવા મંત્રીમંડળમાં રુપાણી સરકારમાં ફરજ બજાવી ચૂકેલા તમામ મંત્રીઓને પડતા મૂકાવાના છે તેવી અટકળો બાદ શરુ થયેલી દોડધામ વચ્ચે આજે શપથવિધિ મોકૂફ રાખવામાં આવી છે. હવે આવતીકાલે 16/9 બપોરે 1.30 કલાકે શપથવિધિ યોજાશે તેવી જાહેરાત પૂર્વ મંત્રી ગણપત વસાવા દ્વારા કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈપણ ધારાસભ્યને મંત્રી બનાવવાની હજુ સુધી વાત કરવામાં નથી આવી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.