એફબીઆઇએ આપેલા રિપોર્ટના આધારે સમગ્ર દેશમાં સીબીઆઇની દરોડાની કાર્યવાહી કરવામાં આવી
૩૦ વધુ શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને કોમ્પ્યુટર , લેપટોપ, મોબાઇલ ફોન, ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
અમેરિકાના નાગરિકોને ભારતમાંથી કોલ કરીને છેતરપિંડી કરવાના મામલે ફેડરેશન બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (એફબીઆઇ) દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જે અનુંસધાનમાં સીબીઆઇએ દેશમાં એક સાથે 350 જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી કરી હતી. જે અનુસંધાનમાં અમદાવાદમાં 20 જેટલા કોલ સેન્ટર દરોડા પાડીને 30 જેટલા વ્યક્તિઓની અટકાયત કરીને પુછપરછ શરૂ કરવામાં આવી છે.
સીબીઆઈના દેશભરમાં દરોડા
દેશના હૈદરાબાદ, મુંબઇ, કોલકત્તા, દિલ્હી, બેંગાલુરૂ અને અમદાવાદ સહિતના શહેરોમાં ચાલતા કોલ સેન્ટરથી અમેરિકામાં કોલ કરીને નાગરિકો પાસેથી મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવતી હોવાના કિસ્સા અંગે એફબીઆઇએ ભારત સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં એફબીઆઇએ ટેકનીકલ એનાલીસીસના આધારે કેટલાંક લોકેશન અને વિગતો આપી ગતી. જેના આધારે સીબીઆઇની ટીમ દ્વારા છેલ્લાં એક મહિના દરમિયાન ટેકનોલોજીના ઉપયોગથી સમગ્ર દેશમાં 350 જેટલા ગેરકાયદેસર કોલ સેન્ટરના લોકેશન મેળવ્યા હતા.
અમદાવાદમાં શંકાસ્પદ 30 વ્યક્તિની અટકાયત
અમદાવાદમાં 20થી વધુ કોલ સેન્ટર સક્રિય હોવાની બાતમીને આધારે વસ્ત્રાલ, ઓઢવ પાસેના રીંગ રોડ, થલતેજ, ગોતા, બોપલ સહિતના વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં 30 વધુ શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને કોમ્પ્યુટર , લેપટોપ, મોબાઇલ ફોન, ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે અંગે તપાસ કરવા માટે સીબીઆઇના ગુજરાત એકમની વિશેષ ટીમને સક્રિય કરવામાં આવી છે.
છેલ્લા ઘણાં સમયથી મંદીનો સામનો કરવા સાથે અનેક પ્રશ્નો-સમસ્યાઓ વચ્ચે અટવાયેલા સુરત સહિત દક્ષિણ ગુજરાતના કાપડ ઉદ્યોગમાં નક્કર પગલાં ભરી શકાય તે માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સમાં શહેરના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા જુદાજુદા સ્ટેક હોલ્ડર્સ, વેલ્યુ ચેઇન યુનિટ્સના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ચેમ્બર પ્રેસિડેન્ટ વિજય મેવાવાલાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે હાલમાં દક્ષિણ ગુજરાતના કાપડ ઉદ્યોગના પ્રશ્નો, સમસ્યાઓ, પ્રોજેક્ટ તેમજ અન્ય ડેવલપમેન્ટ મોટા પાયે થઇ રહ્યા છે. કાપડ ઉદ્યોગ માટે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ એક્સપર્ટસ સતત મોનીટરીંગ કરે તે માટે ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેનું કામ કાપડ ઉદ્યોગના લગતા કોઇપણ ઇશ્યુ પરત્વે ચેમ્બર ઓફ કોમર્સ વતી પરામર્શ કરવાનું રહેશે. ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સના પહેલા ચેરમેને તરીકે આશિષ ગુજરાતીની નિયુક્તિ કરવામાં આવી હોવાનું વિજય મેવાવાલાએ જણાવ્યું હતું. વધુમાં ચેમ્બર ઓફ કોમર્સની ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સમાં એડવાઇઝર તરીકે ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના પૂર્વ એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર એસ.પી. વર્માની નિમણૂંક કરવામાં આવી છે.
મ્બરની ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ, સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ હેતુ તેમજ સમગ્ર ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના સ્કીલ ડેવલપમેન્ટ માટે પણ ચેમ્બરની આ ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ અંતર્ગત સુરતમાં કોમન ફેસિલિટી સેન્ટરના લાંબા ગાળાના આયોજન માટે પ્લાનિંગ કરાશે. સાથે જ રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડસ્ટ્રીયલ સ્ટડી ટુરનું પણ આયોજન કરવામાં આવશે.
ભારતમાં શેર બજારોમાં વાયદાના વેપાર એટલે કે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)ના કેસીનોમાં રમનારા ટ્રેડરો ખુવાર થઈ રહ્યા હોવાના અને દેશભરમાં ટ્રેડરોએ કુલ રૂ.૭૫,૦૦૦ કરોડની નુકશાની વેઠી હોવાના સેબીના તાજેતરના રિપોર્ટમાં વધુ ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. આ કુલ નુકશાનીમાંથી ગુજરાતના જ ૧૦.૧ લાખ ટ્રેડરોએ રૂ.૮૮૮૮ કરોડની જંગી નુકશાની નાણા વર્ષ ૨૦૨૩-૨૪માં કરી છે.
સેબીના ઈક્વિટી ડેરિવેટીવ્ઝ સેગ્મન્ટ (નાણા વર્ષ ૨૦૨૨થી નાણા વર્ષ ૨૦૨૪)માં નફા-નુકશાનીના આકલન પરના રિપોર્ટના આંકડા વધુ દર્શાવે છે કે, નાણા વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતભરના ૮૬.૨૬ લાખ ટ્રેડરોએ એફ એન્ડ ઓ ટ્રેડીંગમાં રૂ.૭૫,૦૦૦ કરોડની ખોટ કરી છે. વર્ષ ૨૦૨૩-૨૪માં એફ એન્ડ ઓ ટ્રેડરોમાંથી અડધાથી વધુ તો ચાર રાજયો મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના રહ્યા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૧૮.૮ લાખ ટ્રેડરો (૨૧.૭ ટકા), ગુજરાતમાં ૧૦.૧ લાખ ટ્રેડરો (૧૧.૬ ટકા), ઉત્તર પ્રદેશમાં ૯.૩ લાખ ટ્રેડરો (૧૦.૭ ટકા) અને રાજસ્થાનમાં ૫.૪ લાખ ટ્રેડરો (૬.૨ ટકા) ઈક્વિટી ડેરિવેટીવ્ઝમાં છે.
ગુજરાતમાં એફ એન્ડ ઓ ટ્રેડરોએ વ્યક્તિ દીઠ સરેરાશ રૂ.૮૮,૦૦૦ નુકશાની કરી છે. જ્યારે મહારાષ્ટ્રમાં રૂ.૭૪,૦૦૦, ઉત્તર પ્રદેશમાં રૂ.૭૩,૦૦૦ અને રાજસ્થાનમાં રૂ.૮૩,૦૦૦ની સરેરાશ વ્યક્તિદીઠ નુકશાની થઈ છે.
સેબીના રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રના ટ્રેડરોએ રૂ.૧૩,૯૧૨ કરોડ ગુમાવ્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશના ટ્રેડરોએ રૂ.૬૭૮૯ કરોડની નુકશાની કરી છે. દેશભરના મળીને ૧.૮૧ કરોડ ટ્રેડરોએ કુલ મળીને એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં વર્ષ ૨૦૨૨-૨૪ દરમિયાન રૂ.૧.૮૧ લાખ કરોડની નુકશાની કરી છે.
ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જન્મ મરણના દાખલામાં સુધારાને લગતા નિયમોમાં ફેરફાર મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. મુખ્ય રજિસ્ટ્રારે બુધવાર 25મી સપ્ટેમ્બર 2024ના રોજ નવો પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં જન્મ-મરણ રજિસ્ટ્રેશનમાં વ્યક્તિના નામ કે અન્ય કોઈ સુધારા માટે એક વ્યક્તિના બે નામ હોય તો પણ જન્મ પ્રમાણપત્રમાં યથાવત રાખવા આદેશ કર્યો છે. જેના માટે બે નામની વચ્ચે ઉર્ફે એવો શબ્દ દાખલ કરવાની સૂચનાઓ અપાઈ છે.
આરોગ્ય કમિશનર અને મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ)ની સહીથી બુધવારે પ્રસિધ્ધ પરિપત્રમાં તમામ રજિસ્ટ્રારોને 12મી ઓગસ્ટ 2009 અને 18મી ફેબ્રુઆરી 2016 એમ બંને પરિપત્રો રદ કરવા કહેવામાં આવ્યું છે. આધાર કાર્ડ વગર નામ, તારીખ કે અન્ય કોઈ પણ સુધારણા માટે અરજદારોની અરજીને ધ્યાને લેવા સ્પષ્ટ આદેશ થયો છે. આથી, રજિસ્ટરમાં એન્ટ્રી કરતી વેળા કારકૂની ભૂલ થઇ હોય તે તેને પણ સુધારવી પડશે.
Dated 25/09/2024 કરાયેલા નવા પરિપત્રમાં મુખ્ય રજિસ્ટારે સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, નામ સુધારણાની અરજીનો નિર્ણય કરતી વખતે અરજદારની ઓળખની વિગતો, પિતાનું નામ, છેલ્લું નામ કે અટક અને જન્મતારીખ અથવા કોઈ એક અથવા તેમની કેટલીક બદલાવની માંગ કરી છે કે કેમ? તે બાબતો ધ્યાને લેવાની રહેશે. તેના માટે સર્મથનમાં અપાયેલા ફોટાવાળા ઓળખપત્રો કે ઓળખના અન્ય દસ્તાવેજો ધ્યાનમાં લેવાના રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી એક વ્યક્તિના બે નામો હોય કે અન્ય કોઈ સુધારાને તબક્કે તલાટીથી લઈને જિલ્લા રજિસ્ટ્રારના તંત્રમાં નોંધ નામંજૂર કરીને ઉપલાસ્તરે અપીલના આદેશો થતા હતા. હવે આ સુધારાથી અરજદારોને અપીલ અને તેની પ્રક્રિયામાંથી મુક્તિ મળી શકશે.
ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ની કલમ 36 અનુસાર, જન્મ અને મરણના રજીસ્ટરમાં કરાવેલી નોંધ અનેક કામગીરીઓ માટે મહત્ત્વનો પૂરાવો છે. જેમાં જન્મ કે મરણ સર્ટિફિકેટમાં નોંધાયેલા નામમાં સુધારો કરવા બાબતે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે 30 જૂન 2015માં જાહેરનામું બહાર પાડ્યું હતું, ત્યારબાદ બુધવારે (25 સપ્ટેમ્બર) ગુજરાત આરોગ્ય સચિવ અને કમિશનર દ્વારા આ બાબતે જાહેરનામું રજૂ કરાયું છે. જે મુજબ નોંધણી રજીસ્ટ્રાર નામમાં ફેરફાર બાબતે ‘ઉર્ફે’ શબ્દનો ઉપયોગ કરી શકાશે.
રાજ્ય સરકારે જન્મ-મરણ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરીને માન્ય રાખી હતી, પરંતુ તેમાં ઘણાં પેટા નિયમો અને ઘણી બાબતો બાકી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેનો ઉમેરો કરીને નાગરિકોની મુશ્કેલીને હળવી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ જન્મ અને મરણના પ્રમાણપત્રમાં બંને નામ લખવાના રહેશે, પરંતુ બે નામનો સ્વીકાર ન હોય તો રજીસ્ટ્રાર પાસે પૂરાવા સાથે અરજી કરવાની રહેશે. રજીસ્ટ્રારે સુધારાની સત્યતા ચકાસીને બંન્ને નામો નોંધમાં લેવાના રહેશે.
Dated 23/09/24 રવિવારે રાજસ્થાનના જયપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. આ ઇવેન્ટમાં ગુજરાતની 19 વર્ષની રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નું ટાઇટલ જીત્યું હતું.
અભિનેત્રી અને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015 ઉર્વશી રૌતેલાએ તેને ‘તાજ મહેલ’ ક્રાઉન પહેરાવ્યો હતો. આ જીત બાદ હવે રિયા લેવલ પર મિસ યુનિવર્સનો ખિતાબ જીતે તેવી બધાને અપેક્ષા છે.
રિયા અમદાવાદની છે અને તેણે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણી શાળાના દિવસોથી જ મોડેલિંગ અને પેજન્ટ કોમ્પિટિશનમાં ભાગ લે છે. હવે તે અમદાવાદની યુનિવર્સિટીમાંથી પરફોર્મિંગ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરી રહી છે. આ પહેલા રિયાએ મિસ ટીન અર્થ 2023નો ખિતાબ જીત્યો હતો. આ પહેલા તેણે મિસ ટીન યુનિવર્સ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.
રિયાની મોટી જીત પછી તેણે કહ્યું કે, ‘આજે મેં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. હું ખૂબ જ આભારી છું. મારી જાતને આ તાજ માટે લાયક માની શકું તે સ્થાને પહોંચવા માટે મેં સખત મહેનત કરી છે. હું અગાઉના વિજેતાઓથી ખૂબ જ પ્રેરિત છું.’
અભિનેત્રી અને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015 ઉર્વશી રૌતેલા આ ઇવેન્ટની જજ હતી. તેમજ ઉર્વશીએ રિયાની જીત પર આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘ભારત આ વર્ષે ફરીથી મિસ યુનિવર્સનો તાજ જીતશે.’
સુરત એસઓજીએ સરથાણા યોગીચોક સ્થિત એપલ સ્કવેરની ઓનલાઈન ગાર્મેન્ટની દુકાનમાં રેઈડ કરી ડુપ્લીકેટ નોટ છાપવાનું મીની કારખાનું ઝડપી લીધું હતું. એસઓજીએ 100 રૂપિયાના દરની 1 લાખ રૂપિયાની ડુપ્લીકેટ નોટો સાથે ચારને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, એક અસલી નોટ સ્કેન કરી બાદમાં તેની કલર પ્રિન્ટ કાઢી ડુપ્લીકેટ નોટ બનાવતા હતા. 100 રૂપિયાની ડુપ્લીકેટ નોટ માર્કેટમાં સરળતાથી વટાવી શકાતા હતા.અન્ય બે યુવાન ડુપ્લીકેટ નોટ લેવા ત્યાં આવ્યા હતા.
બાતમીના આધારે એઓસજીની ટીમે શનિવારે (21મી સપ્ટેમ્બર) સરથાણા યોગીચોક સ્થિત એપલ સ્કવેરના ચોથા માળે આવેલી ઓનલાઈન ગાર્મેન્ટની દુકાનમાં રેઇડ કરી હતી. એસઓજીને ત્યાં ડુપ્લીકેટ નોટ બનાવતા ભાવેશ અને ત્યાં ડુપ્લીકેટ નોટ લેવા આવેલા રાહુલ અને પવનને ઝડપી પાડી દુકાનમાં તપાસ કરી હતી. ત્યાંથી 100 રૂપિયાના દરની 1 લાખની ડુપ્લીકેટ નોટ મળી હતી. એસઓજીએ દુકાનમાંથી કોમ્પ્યુટર, સ્કેનર, કલર પ્રિન્ટર કબજે કર્યા છે.
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ભાવેશ અસલ નોટ સ્કેન કરી બાદમાં તેની કલર પ્રિન્ટ કાઢી ડુપ્લીકેટ નોટ બનાવતો હતો અને 100 રૂપિયાની ડુપ્લીકેટ નોટ માર્કેટમાં સરળતાથી વટાવી શકતા હતા. ભાવેશે છેલ્લા એક મહિનાથી ડુપ્લીકેટ નોટ છાપવાનું શરૂ કર્યું હતું અને તે એક અસલી નોટની સામે ત્રણ ડુપ્લીકેટ નોટ આપતો હતો. માસ્ટર માઈન્ડ સાગરની સાથે રાહુલ, ભાવેશ અને પવનની ધરપકડ કરાઈ છે. ચાર આરોપીઓ માંથી એક મહારાષ્ટ્ર, એક એમપી અને અન્ય બે અમરેલી જિલ્લાના વતની છે.
લેબર વર્ક તેમજ રો મટીરીયલ્સના ભાવ આસમાને પહોંચતા ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણો મોંઘાદાટ બન્યા
યુવાનોને સૌથી વધુ આકર્ષતા નવલા નવરાત્રિ મહોત્સવને આડે હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નવરાત્રિ મહોત્સવમાં ખાસ અલાયદા અને સૌ કોઈને ઉડીને આંખે વળગી જાય તેવા મનોહર અલાયદા ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભૂષણોની ખરીદી માટે સુરત શહેર અને જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાતભરના વિવિધ બજારોમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. અગાઉના વર્ષોની તુલનામાં નવરાત્રિના ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણોના ભાવમાં દોઢ ગણો વધારો થયો હોવા છતાં પણ તેની લોકપ્રિયતા આજની તારીખે પણ અકબંધ રહેવા પામેલ છે.
નવરાત્રિ મહોત્સવ દરમિયાન દરરોજ અલગ અલગ જાતના અને જોતાવેત જ મન મોહી લે તેવા વસ્ત્રો અને આભૂષણો પહેરીને યુવાનો રાસ ગરબાના ગ્રાઉન્ડમાં સૌથી અલગ અને ચિત્તાકર્ષક દેખાવા માટે એકાદ માસ અગાઉથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. યુવાનો સૌથી પ્રથમ પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાના તાલીમ વર્ગ જોઈન કરી દેતા હોય છે બાદ ગૃપવાઈઝ અલગ અલગ એકસરખા પરપ્રાંતીય થીમ અને લૂક ધરાવતા વસ્ત્રોની ખરીદી માટે ૨૫ દિવસ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે.
નવરાત્રિમાં પાંચ વર્ષથી લઈને મોટેરાઓ સુધી જાત જાતના અને ભાત ભાતના આભૂષણો અને વસ્ત્રોની ખરીદી માટે સુરતના લગભગ દરેક વિસ્તારોમાં શરૂ કરાયેલા નવરાત્રીના સ્ટોલ્સ પરથી સુરતીઓ મોટા પાયે ખરીદી કરી રહ્યા છે.
નવરાત્રિમાં બહેનો માટેના ચણીયાચોળી, સનેડો, ગામઠી, કચ્છી સંસ્કૃતિવાળા ચણીયાચોળી, બ્રોકેડ પટ્ટાવાળા નવરંગી ઓઢણી અને લગડી પટ્ટાવાળા ચણીયાચોળી કેટલાક યંગસ્ટર્સમાં ખાસ ડિમાન્ડ રહી છે. પ્રતિ વર્ષે નવરાત્રિ મહોત્સવના ૨૦ થી ૨૫ દિવસ અગાઉથી જ તેનું વેચાણ શરૂ થઈ જાય છે.
ખાસ કિસ્સામાં શહેરમાં શ્રમિક બહેનો દ્વારા વિવિધ જ્ઞાતિ, સમાજની વાડી, બોર્ડિંગ, હોટલ તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોના ખાલી હોલમાં સેલના સ્ટોલ્સ શૂ કર્યા છે. કોલેજીયન ભાઈઓ તથા બહેનો ઉપરાંત નવવિવાહિતોનો સારો એવો ખરીદીનો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ સેલમાં ભાઈઓ માટેના નવરાત્રિના વસ્ત્રમાં બાટીક પ્રિન્ટ, બાંધણીવાળા, બ્લોક પ્રિન્ટવાળા, કેડીયુ, ચોરણી, વર્કવાળા કુર્તા, ઝભ્ભા અને જીન્સનો ક્રેઝ યથાવતપણે જોવા મળી રહ્યો છે.
મહિલાઓ માટેના આભૂષણોમાં દામણી, કલરવાળા બાજુ, બલોયા, બે અને ત્રણ સ્ટેપવાળા ડોકીયા, કંદોરા, વેરાયટીવાળી માળાઓ, ટીકા, બુટ્ટી, ડોળીયા, પોખાની અને ઓકસોડાઈઝના સેટની ખરીદી માટે ખેલૈયાઓનો સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કમ્મરતોડ મોંઘવારીના કારણે કાપડના ભાવ વધ્યા છે એટલુ જ નહિ, વસ્ત્ર ઉપરના વર્ક માટેના લેબરવર્કના ભાવ પણ વધ્યા છે. જયારે આભૂષણો માટેના વિવિધ આવશ્યક રો મટીરીયલ્સના ભાવ પણ વધી રહ્યા હોય વસ્ત્રો અને આભૂષણો માટેના રો મટીરીયલ્સના ભાવ પણ દોઢ ગણા વધી ગયા છે તેમ છતાં પણ તેની ડિમાન્ડ યથાવત જોવા મળી રહેલ છે. આ વર્ષે પણ નવરાત્રિમાં મન મુકીને રમવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો હોય ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણો માટેના સાર્વજનિક અને ઘરઘરાઉ એકઝીબીશન કમ સેલની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે.
જુની સાડી અને સેલામાંથી ડ્રેસ તૈયાર કરાવવાનો ક્રેઝ યથાવત
કાળઝાળ મોંઘવારી સહિતના કારણે યુવાન સંતાનો માટે દર વર્ષે નવી નવી ડિઝાઈનના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને ચણીયાચોળી વગેરેની ખરીદી કરવી મધ્યમવર્ગીય પરિવારોને પોષાય તેમ ન હોય અનેક પરિવારોની ગૃહિણીઓ દ્વારા તેમની જુની સાડી, સેલા તેમજ ડિઝાઈનર ડ્રેસમાંથી પણ તેમના સંતાનો માટે ચણીયાચોળી તૈયાર કરાવતી હોય છે.
રાજ્યમાં વહેલી સવારથી દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતનના વિસ્તારોમાં સારો એવો વરસાદી વરસી રહ્યો છે, ત્યારે સુરતથી લઈને અમદાવાદ સુધીમાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં મેઘરાજાએ ગુજરાતનાં 111 તાલુકા તરબોળ કરી દીધા છે. જ્યારે તાપીના સોનગઢ-વ્યારામાં આઠ ઈંચ, ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ, તાપીના ઉચ્છલ અને ડોલવણમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તાપીના સોનગઢ-વ્યારામાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, ડાંગ સહિતના વિસ્તારોમાં આજે (2 સપ્ટેમ્બર) ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં તાપીના સોનગઢ-વ્યારામાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ, તાપીના ઉચ્છલ અને ડોલવણમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, 35થી વધુ તાલુકામાં બે ઈંચ અને 58 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ધોધમાર વરસાદને પગલે ચંદવાસા ગામમાં વરસાદી પાણી ફરી વળતા ગ્રામલોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે નદીનું ગામ અને રસ્તાઓ પર પાણી ભરાયા છે.
સુરતમાં ભારે વરસાદી માહોલ વચ્ચે પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન નદીનું પાણી મિયાપુર ગામ પાસેના સ્ટેટ હાઈવેમાં પાણી ફરી વળતા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે પરિવહન કરતાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
રાજ્યમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગાંધીનગરમાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ નરોડામાં અઢી ઇંચ અને ઓઢવમાં બે ઇંચ, વિરાટ નગર અને મણીનગરમાં દોઢ ઇંચ, વટવામાં સવા ઇંચ, નિકોલમાં એક ઇંચ, મેમ્કોમાં એક ઇંચ અને ચકુડીયામાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં ચાર દિવસથી વરસતા મુશળધાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. રેલવે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ સહિતના જાહેર પરિવહનને પણ ભારે અસર પહોંચી છે. રાજ્યમાં એસટી બસના 64 રૂટ રદ કરવામાં આવ્યા છે. જ્યારે 583 ટ્રિપ રદ કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ ,ખેડા, સુરત અને વલસાડની એસટીની ટ્રિપ અને રૂટ રદ થયા છે. વરસાદના પગલે આજે સ્કુલ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજકોટ એસટી ડિવિઝન હેઠળ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરિયાળ ગામડાઓમાં જતી એસટી બસ કેન્સલ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને હલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રાજ્યમાં કેટલા હાઈવે-રસ્તા બંધ
ગુજરાતમાં ચાર દિવસથી સતત ધોધમાર વરસાદના પગલે રાજ્યમાં કુલ 636 જેટલા હાઈવે-રસ્તા બંધ કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતમાં એક નેશનલ હાઈવે, 34 સ્ટેટ હાઈવે, 44 અન્ય, 557 પંચાયત સહિત કુલ 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આણંદ ખંભાતમાં મકાનની દિવાલ ધરાશાયી થતા ત્રણ લોકોનાં મોત થયા છે. ખડોધી ગામે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જેમાં માતા-પિતા તેમજ બાળકનો સમાવેશ થાય છે.
રાજ્યમાં એસટી બસ સેવાને પર અસર
રાજ્યમાં ભારે વરસાદના કારણે સ્ટેટ હાઇવે ઠેર ઠેર પાણી ભરાતા બંધ કરવામાં આવ્યા છે. જેની એસટી બસ સેવાને પર અસર પહોચી છે. રાજ્યના સ્ટેટ હાઇવે ઠેર ઠેર પાણી ભરાવાના કારણે 14512 રૂટ પૈકી 64 રૂટ તેમજ 40515 ટ્રિપ પૈકી 583 રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેમાં
દાહોદના 15 રૂટ અને 242 ટ્રિપ રદ્દ,
મહીસાગરમા બસના 10 રૂટ અને 112 ટ્રિપ રદ્દ,
પંચમહાલમાં બસના 5 રૂટ, 63 ટ્રિપ રદ્દ,
આણંદમા બસના 6 રૂટ, 12 ટ્રિપ રદ્દ,
ખેડામા બસના 7 રૂટ, 18 ટ્રિપ રદ્દ,
સુરતમા બસના 5 રૂટ, 14 ટ્રિપ રદ્દ,
નવસારીમા બસના 3 રૂટ, 43 ટ્રિપ રદ્દ,
વલસાડમાં બસના 8 રૂટ, 27 ટ્રિપ રદ્દ કરવામાં આવી છે.
વરસાદના પાણી ઓસરતા તેમજ માર્ગ વાહન વ્યવહારને લાયક થતા ત્યાર બાદ બંધ રૂટ, ટ્રિપ પૂર્વવત્ કરવામાં આવશે.
અમદાવાદ એરપોર્ટએ એડવાઈઝરી જાહેર કરી
અમદાવાદ શહેરના વાતાવરણની આગાહીને જોતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમદાવાદ શહેરની વરસાદની આગાહીને પગલે ફ્લાઇટનું શિડ્યુલ ખોરવાઈ શકે છે. આથી ફ્લાઇટનો સમય એક વખત એરલાઇન્સ સાથે નક્કી કરીને જ એરપોર્ટ માટે નીકળવું અને જો ફ્લાઇટ સમયસર હોય તો થોડા સમય પહેલાં જ એરપોર્ટ આવી જવું. જેથી સરળતાથી ચેકિંગ થઈ શકે તેમ જણાવવામાં આવ્યું છે. શહેરમાં ગઈકાલે વહેલી સવારથી જ સાંજ સુધી અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો, તેને કારણે વિઝિબિલિટી પણ ખૂબ જ ઘટી ગઈ હતી. જેની સૌથી વધુ અસર અમદાવાદ એરપોર્ટ ઉપર આવતી ફ્લાઇટ અને એરપોર્ટ સાથે ફ્લાઈટને અસર થઈ હતી. અમદાવાદથી ટેકઓફ થતી કુલ 71 ફ્લાઈટ મોડી પડી હતી. જ્યારે અન્ય સેક્ટરમાંથી અમદાવાદ આવતી 42 જેટલી ફ્લાઈટ મોડી પડી હતી.
ભારે વરસાદથી રેલવેને અસર
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર પહોચી છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી છે. જ્યારે 36 જેટલી ટ્રેન વડોદરા બાદ આણંદ અને ગોધરા થઈ અમદાવાદ તરફ આવી રહી છે. 13 જેટલી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો સુધી ચલાવવામાં આવી છે. ભારે વરસાદના કારણે અમદાવાદ, આણંદ, વડોદરા અને મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા અનેક ટ્રેનો મોડી પણ ચાલી રહી છે.
26 ઓગસ્ટ 2024 ના રોજ, ભાવનગરથી ચાલતી ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે, આમ આ ટ્રેન વલસાડ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. 26 ઓગસ્ટ 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલતી ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ એક્સપ્રેસને રાજકોટ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે, આમ આ ટ્રેન રાજકોટ-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 27 ઓગસ્ટ 2024 ના રોજ, બાંદ્રા ટર્મિનસથી ચાલતી ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે, આમ આ ટ્રેન અમદાવાદ-ભુજ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
શૉર્ટ ઓરિજિનેટેડ ટ્રેન
27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ એક્સપ્રેસ વલસાડ સ્ટેશનથી ટૂંકી ઉપડશે, આમ આ ટ્રેન બાંદ્રા ટર્મિનસ-વલસાડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ રાજકોટથી ટૂંકી ઉપડશે, આમ આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી ટૂંકી ઉપડશે, આમ આ ટ્રેન ભાવનગર-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ અમદાવાદથી ટૂંકી ઉપડશે. બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ વચ્ચે આંશિક કેન્સલેશન રહેશે.
ટ્રેનો ડાયવર્ટ કરી
૧. 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ ગોધરા-ડાકોર-આણંદ-અમદાવાદ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં જ સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે ગત વર્ષે એટલે કે 27 ઓગસ્ટ, 2023ની સ્થિતિ જોવામાં આવે તો રાજ્યમાં 81.80 ટકા વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને ઉત્તર તેમ જ દક્ષિણ ગુજરાત સર્વત્ર મેઘમહેર થઈ છે. બીજી તરફ રાજ્યમાં હાલ 96 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 19 ડેમ એલર્ટ પર છે.
કચ્છમાં સિઝનમાં સીઝનનો સૌથી વધુ વરસાદ
ગુજરાતમાં 27મી ઓગસ્ટ 2024ના સવારે 11 વાગ્યાની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં સરેરાશ 101.58 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં સિઝનનો કુલ 116.79 ટકા વરસાદ પડી ચુક્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનનો સૌથી ઓછો કુલ 79.99 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાત સિઝનમાં સરેરાશ 98.74 ટકા વરસાદ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિઝનનો 101.52 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 108.20 ટકા વરસાદ વરસી ચુક્યો છે.આ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો સૌથી વધુ 170 ટકા વરસાદ નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં સિઝનનો 136 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં જળાશયો છલકાયા
27મી ઓગસ્ટ, 2024ની સવારે આઠ વાગ્યાની સ્થિતિ પ્રમાણે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 86.97 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 ડેમમાં પાણીનો 72.76 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં હાલ 76 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. જ્યારે 46 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. 50થી 70 ટકા ભરાયેલા હોય તેવા ડેમોની સંખ્યા 23 છે. જ્યારે 30 ડેમ 25થી 50 ટકા ભરાયેલા છે. રાજ્યના 31 ડેમ એવા છે જેમાં 25 ટકાથી ઓછો પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં હાલ 96 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 19 ડેમ એલર્ટ પર છે. સાત ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી ખાલી એવો રાજકોટનો આજી ડેમ પણ ઑવરફ્લો થયો છે. અગાઉ પડેલા વરસાદમાં પણ સૌરાષ્ટ્રના ડેમમાં સારી એવી પાણીની આવક થઈ હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.