CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 19 of 138 - CIA Live

May 14, 2022
rain_forecast.png
1min419

 હવામાન ખાતાએ કેરળમાં ૨૭ મેએ નૈર્ઋત્યના ચોમાસાનો વરસાદ શરૂ થવાની આગાહી કરી હતી. કેરળમાં ચોમાસું સામાન્ય કરતાં પાંચ દિવસ વહેલું બેસવાની આશા છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે કેરળમાં ૨૭ મેએ ચોમાસું શરૂ થવાની શક્યતા છે. આ વખતે નૈર્ઋત્યનું ચોમાસું સામાન્ય તારીખ કરતાં વહેલું બેસવાની આશા છે. 

અગાઉ, ૨૦૦૯માં નૈર્ઋત્યનું ચોમાસું ૨૩ મેએ બેઠું હતું. હવામાન ખાતાના નિષ્ણાતોએ ‘અસાની’ વાવાઝોડાની અસરને લીધે કેરળમાં નૈર્ઋત્યનું ચોમાસું વહેલું શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. 

કૃષિ પર આધારિત દેશના અર્થતંત્ર માટે નૈર્ઋત્યનું ચોમાસું ઘણું મહત્ત્વનું ગણાય છે. ઉત્તર અને પશ્ર્ચિમ ભારતનાં રાજ્યોમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે નૈર્ઋત્યના ચોમાસાના વહેલા આગમનની આગાહીથી ઘણી રાહત મળવાની આશા છે. અગાઉ, હવામાન ખાતાએ આંદામાન અને નિકોબારમાં નૈર્ઋત્યનું ચોમાસું એક અઠવાડિયા વહેલું એટલે કે ૧૫ મેએ બેસવાની આગાહી કરી હતી. તમિળનાડુ, પુડુચેરી, કેરળમાં શનિવારે ભારે વરસાદ પડવાની આગાહી છે.

May 13, 2022
electric.jpg
1min472

જર્કે FPPPAમાં વધુ ૨૦ પૈસાનો વધારો કરવાની છૂટ આપી

ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ રૂ. ૨.૩૦થી વધારીને રૂ. ૨.૫૦ કરી આપ્યા

ગુજરાત વીજ નિયમન પંચના નવા નિયુક્ત થયેલા ચેરમેને ગુજરાત ઉર્જા વિકાસ નિગમની ચાર વીજ વિતરણ કંપનીઓને વીજદરમાં ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ વધારે ૨૦ પૈસા લેવાની છૂટ આપી દીધી છે. પહેલી મે ૨૦૨૨થી વીસ પૈસાનો યુનિટદીઠ વધારો લેવાની છૂટ આપી દેવામાં આવી છે. પહેલા ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ રૂ. ૨.૩૦ લેવાતા હતા તે વધારીને રૂ. ૨.૫૦ લેવાની વ્યવસ્થા કરી આપી છે. એફપીપીપીએમાં યુનિટદીઠ ૨૦ પૈસાનો વધારો કરી આપવાને પરિણામે ગુજરાતના ૧.૩૦ કરોડ વીજ જોડાણધારકો પરના વીજબિલમાં વરસે રૂ. ૩૨૪૦ કરોડનો વધારાનો બોજ આવશે.

જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૨ના ત્રિમાસિક ગાળા માટે એફપીપીપીએમાં યુનિટદીઠ ૧૦ પૈસાનો વધારો કરી આપ્યા બાદ હવે બીજો ૨૦ પૈસાનો વધારો કરી આપવામાં આવ્યો છે. આમ છેલ્લા ચાર જ મહિનામાં એફપીપીપીએમાં યુનિટદીઠ વીજદરમાં ૫૦ પૈસાનો વધારો કરી આપવામાં આવ્યો છે. આમ તો ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓએ એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ યુનિટદીઠ રૃ. ૨.૬૨ લેવાના થાય છે. તેમાંથી યુનિટદીઠ રૃ. ૨.૩૦ વસૂલવામાં આવતા હતા. મે ૨૦૨૨થી તેઓ હવે યુનિટદીઠ રૃ. ૨.૫૦ વસૂલી શકશે. તેથી મે અને જૂન મહિનાના વીજ બિલમાં યુનિટદીઠ ૨૦ પૈસાનો અને ૨૦૦ યુનિટના વીજ વપરાશકારોને માથે વીજ બિલમાં રૃ. ૪૦ અને ઇલેક્ટ્રિસિટી ડયૂટી સાથે રૃ. ૪૫થી ૪૮નો વધારો આવશે.

વીજદરના યુનિટદીઠ રૃ. ૩.૦૫ના સૌથી નીચા સ્લેબમાં એફપીપીપીએમાં ૪૪ ટકાનો વધારો આવ્યો છે. આ વધારો ૪૪ ટકાનો છે. વીજદર ન વધારવાનો દેખાવ કરીને લોકોને માથે ૪૪ ટકાના વધારાનો બોજ નાખી દેવા માટે માત્ર જર્ક જ જવાબદાર છે. ગુજરાતની મોંઘી વીજળી માટે જર્ક જ જવાબદાર છે.

જર્કે એવો દાવો કર્યો છે કે છેલ્લા છ વરસથી વીજદરમાં કોઈ જ વધારો આપવામાં આવ્યો નથી. પરંતુ બીજીતરફ તેણે એફપીપીપીએને નામે આડકતરી રીતે વીજદરમાં ૪૪ પૈસાનો વધારો આવી દીધો હોવાનું વીજ સેક્ટરના નિષ્ણાત કે.કે. બજાજનું કહેવું છે. છેલ્લા વીસ દિવસમાં યુનિટદીઠ ભાવમાં કરી આપવામાં આવેલા ૩૦ પૈસાના વધારાને કારણે વીજ ગ્રાહકોને માથે મહિને રૃ. ૨૭૦ કરોડનો વધારાનો બોજ આવશે. ગેસ અને કોલસાના ભાવ વધી ગયા છે. તેને કારણે પાવર પરચેજ કોસ્ટ ઊંચી જ જવાની છે. તેથી એફપીપીપીએ વધીને રૃ. ૨.૯૮ સુધી પહોંચી જશે.

ધોળા હાથીને બંધ કરીને ગ્રાહકોનો વીજદર વધારાનો બોજ હળવો કરો

ગુજરાતના ૧.૩૦ કરોડ વીજગ્રાહકોને માથેના અબજો રૃપિયાનો બોજ ઓછો કરવા માટે ગુજરાત સરકારની ધોળા હાથીઓ જેવી વીજ કંપનીઓ બંધ કરી દેવી જોઈએ. આ કંપનીઓ વીજળી પેદા ન કરતી હોવા છતાંય તેને માટે કરવામાં આવેલા મૂડીરોકાણના વ્યાજ, પ્લાન્ટની જાળવણી અને કર્મચારીઓના પગાર ખર્ચનો બોજ તેમને માથે આવે જ છે. તેથી તે બંધ કરી દેવામાં આવે તે વીજગ્રાહકોના હિતમાં છે.

ગુજરાતના પાવર સેક્ટરમાં કેએલટીપીએસના ૪ પાવર પ્લાન્ટ ધોળા હાથી જેવા છે. ૭૫ મેગાવોટના આ પ્લાન્ટમાં એક વરસમાં માત્ર ૪.૮૦ કરોડ વીજળી જ પેદા કરવામાં આવી છે. જે તેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતાના માત્ર ૭.૨ ટકા જ છે. જૂન ૨૦૨૧થી ફેબ્રુઆરી ૨૦૨૨ના નવ મહિના સુધી આ પાવર પ્લાન્ટ સાવ જ બંધ રહ્યો હતો. તેને જંગી બોજો એફપીપીપીએના સ્વરૃપમાં ગુજરાતના ૧.૩૦ કરોડ વીજગ્રાહકોને માથે આવ્યો છે. પાનધ્રોના ૬૫૦ મેગાવોટના પાવર પ્લાન્ટના નબળા ઉત્પાદનને કારણએ જ ગુજરાતના વીજ વપરાશકારોને માથે ભાવ વધારાનો બોજ આવી રહ્યો છે. બીએલટીપીએસનો પ્લાન્ટ પણ તેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા સામે માત્ર ૩૭.૮ ટકા વીજળી જ પેદા કરે છે. લિગ્નાઈટથી ચાલતા પાવર પ્લાન્ટમાં યુનિટદીઠ રૂ. ૩થી ઓછા ભાવે વીજળી પેદા થાય છે. પરંતુ આ વીજળી પેદા ન કરીને વીજગ્રાહકોને માથે ખર્ચબોજ વધારવામાં આવી રહ્યો છે.

May 12, 2022
sunstroke.jpg
1min464

ગુજરાતમાં મે મહિનામાં સૂર્યનારાયણ દેવ જાણે કોપાયમાન થયા હોય તેમ રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓ અને શહેરોમાં ૪૩થી ૪૭ ડિગ્રી વચ્ચે રહેતા બપોરના સમયે ગરમ પવનોથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠયા હતા. બુધવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં ૪૭ ડિગ્રી આસપાસ નોંધાયું હતું. રાજ્ય હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનો પારો ૪૮ સુધી પહોંચવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ હોવાથી તંત્રએ બાળકો અને વૃદ્ધોને કામવગર ઘરની બહાર ન નીકળવા સૂચનો કર્યાં હતા.

શહેરમાં બુધવારે મહત્તમ તાપમાનનો પારો એક સમયે ૪૭ ડિગ્રી પર પહોંચી ગયો હતો. ગુરુવારે તાપમાનનો પારો ૪૮ ડિગ્રીએ પહોંચશે તો ૧૦૦ વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે. શહેરીજનો ગરમીથી બચવા ક્યાં જવું અને શું કરવું એ વિચારતા થઈ ગયા હતા. હજી પણ ચાર દિવસ સુધી આવી ગરમી બાદ આંશિક રાહત મળે એવી હવામાન વિભાગની આગાહી છે.
અમદાવાદમાં બુધવારે સવારથી જ બપોર જેવી ગરમી શરૂ થઈ ગઈ હતી. સાંજના પાંચ વાગ્યા સુધીમાં પણ સૂરજે પોતાનો પ્રકોપ બતાવવાનું યથાવત્ રાખ્યું હતું.

સુકા પવન અને કાળઝાત્ ગરમી વચ્ચે અમદાવાદના રસ્તાઓ સૂમસામ બન્યા હતા. બપોરના બે વાગતા સુધી તો ગરમીએ ૪૭ ડિગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી. આ સ્થિતિમાં આવતીકાલે આ રીતે જ ભીષણ ગરમી ચાલુ રહે તો તાપમાનનો પારો ૪૮ ડિગ્રી સુધી પહોંચવાની શક્યાતા છે.

બીજી તરફ રાજ્યના ૧૩ શહેરોમાં તાપમાન પારો  રેકોર્ડ ૪૬ને પાર થઈ ગયું હતું. જ્યારે વડોદરા, મહેસાણા, હિંમતનગર, ગોધરા, ખેડબ્રહ્મા, નડિયાદ, ધોળકામાં  ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ નોંધાયો હતો. સુરેન્દ્રનગર, બોટાદમાં ૪૪ ડિગ્રી અને ભાવનગર, અમરેલીમાં પારો ૪૩ ડિગ્રી જૂનાગઢ, રાજકોટમાં ૪૨ ડિગ્રીએ તાપમાન પારો નોંઘાયો હતો રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી ગરમીનો પારો ૪૪થી ૪૫ ડિગ્રી આસપાસ રહેતા અનેક જિલ્લાઓ અને શહેરોમાં એકાએક ઊચો જતા બપોરના સમયે ગરમ લૂ જેવા પવનો ફૂકાતા લોકો રીતસર ગરમીથી શેકાઈ રહ્યા હતા. રાજ્યમાં ભારે ગરમીને કારણે બપોરના સમયે અનેક શહેરમાં કરફ્યુ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  રાજ્યમાં ઉત્તર-પશ્ર્ચિમના પવનો શરૂ થયો હતો, જેની અસરથી ગરમીનો પારો અચાનક વધતા રવિવારથી અમદાવાદ  સહિત રાજ્ય ઉપર ગરમ પવનોનો મારો ચાલુ થયો હતો અને મોટાભાગના શહેરોમાં પારો ૪૫ ડિગ્રી ઉપર રહ્યો હતો. જ્યારે બુધવારે Dt.11/5/22 રેકોડ બ્રેક ગરમી ૪૭ ડિગ્રી અમદાવાદમાં નોંધાઈ હતી. અમદાવાદમાં Dt.11/5/22 બુધવારે બપોરે ૨ વાગ્યા સુધી તો ગરમી પીક પર પહોંચી ગઈ હતી અને ૪૭ ડિગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી. આ સ્થિતિમાં મોડી સાંજ સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. હજી પણ Dt.12/5/22 ગુરુવારે આ રીતે જ ગરમીનો પારો ૪૮ ડિગ્રીએ પહોંચે તો નવાઈ નહીં. તેમ સૂત્રોએ જણાવ્યુ હતું. 

રાજ્યના અનેક શહેરોમાં બેકાબુ સૂર્યપ્રકોપ થતાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થતા ગરમીથી છૂટકારો મેળવવા લોકો લીબું પાણી, છાસ, ઠંડા પીણા તરફ વળ્યા હતા. રાજ્યમાં ભારે ગરમીના કારણે ઝાડાઉલટીના બાર હજારથી વધુ કેસો, ૧૫૦૦ જેટલા હિટસ્ટ્રકના કેસો ઉપરાંત લૂ લાગવાના પણ સૌથી વધારે કેસો નોંધાયાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. જેના કારણે જિલ્લાભરની સરકાર અને ખાનગી હૉસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.  

દરમિયાન અમદાવાદ શહેરમાં એકાએક ગરમી વધી જતાં હિટસ્ટ્રોકના, ઝાડા ઉલ્ટીના અને બીપીના વધી જવાના કેસોમાં વધારો નોંધાતા અમદાવાદની અસારવા સિવિલ અને સોલા સિવિલમાં ઓપીડી વિભાગમાં દર્દીઓથી ઉભરાયા હતા. જ્યારે ખાનગી હૉસ્પિટલોમાં પણ અનેક લોકો સારવાર માટે લાઈનો લગાવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગે ભારે ગરમીની આગાહીને પગલે લોકોને લીબું પાણી, છાસ, તેમ જ શુદ્ધ ખોરાક આરોગવાની સાથે વધુ પ્રમાણમાં પાણી પીવાની અને કામવગર વદ્ધોએ બહાર ન જવા તેમ જ સુતરાઉ કપડા પહેરવા જેવા સૂચનો કર્યા હતા.

May 10, 2022
shivkumar.jpg
1min617

દિગ્ગજ ભારતીય સંગીતકાર અને સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે મંગળવારે નિધન થયું છે. 84 વર્ષના મહાન સંગીતકારે આજે લાંબી માંદગી બાદ અંતિમ શ્વાસ લીધા હતા. 

છેલ્લા છ મહિનાથી પંડિત શિવકુમાર કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતા. ભારતીય સંગીતને તેમની વિશિષ્ટ શૈલીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી હતી. પંડિત 

શિવ કુમાર શર્માનું ફિલ્મ જગતમાં પણ મહત્વનું યોગદાન હતું. બોલિવૂડમાં ‘શિવ-હરિ’ (શિવ કુમાર શર્મા અને હરિ પ્રસાદ ચૌરસિયા)ની જોડીએ ઘણા હિટ ગીતોને સંગીત આપ્યું છે. શ્રીદેવી પર ચિત્રિત કરાયેલા ગીત ‘મેરે હાથોં મેં નૌ નૌ ચૂડિયાં’નું સંગીત આ હિટ જોડીએ જ કમ્પોઝ કર્યું હતું. 

દુર્ગા જસરાજે અર્પી શ્રદ્ધાંજલી 

નિર્માતા અને અભિનેત્રી દુર્ગા જસરાજે આ નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આજે પ્રકૃતિનું સંગીત શાંત થઈ ગયું છે. બાપુજી પંડિત જસરાજ જી પછી હવે શિવ ચાચાજીની અચાનક વિદાય એ મારા માટે બેવડી દુખદાયી ક્ષણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પંડિતજીના પિતા ઈચ્છતા હતા કે પંડિત શિવકુમાર શર્મા જમ્મુ અથવા શ્રીનગરમાં AIRમાં કામ કરે. તેઓ ઈચ્છતા હતા કે સરકારી નોકરી દ્વારા ભવિષ્ય સુરક્ષિત કરે પરંતુ પંડિતજીની મનશા કઈંક અલગ જ હતી. એકવાર તે ઘર છોડીને માત્ર એક સંતૂર અને ખિસ્સામાં માત્ર પાંચસો રૂપિયા લઈને બોમ્બે આવ્યા અને આજે તેઓ દુનિયામાં અલગ છાપ છોડીને ગયા છે. તેમણે પોતે જ ઈન્ટરવ્યુમાં આ આ વાત કહી હતી.

May 8, 2022
gujarat-high-court.jpg
1min649

ઘરના ઘરનું સપનું જોતા લોકો માટે જમીન ખરીદી મામલે ગુજરાત હાઈકોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ખરીદનારે જમીનની કિંમત પર નહીં, માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી ચૂકવવાનો થાય છે. અત્યાર સુધી બિલ્ડરો જમીન ખરીદનાર પાસેથી જીએસટી ઉઘરાવીને સરકારમાં જમા કરતા હતા. પરંતુ આ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ આ બાબત સ્પષ્ટ થઇ ગઇ છે.

સરકાર દ્વારા જમીનની કિંમત 33 ટકા કેવી રીતે નક્કી કરવામાં આવી તે મુદ્દાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને લઇને હાઇકોર્ટે’ જણાવ્યું હતું કે, જમીનની કિંમત પર નહીં પણ બાંધકામ ખર્ચ પર જ જીએસટી લાગશે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા જીએસટીમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં.”
હાઇકોર્ટે જણાવ્યું છે કે જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી વસુલી શકાશે.’ છેલ્લા કેટલાક સમયથી જમીન વેચાણ પર જીએસટી લાગું પડે કે નહીં તેને લઇને ગેરસમજ પ્રવર્તી હતી. જીએસટીના ડરથી બિલ્ડરો પણ જમીન ખરીદનાર વ્યક્તિ પાસેથી 12 ટકા અને 5 ટકાના દરે જીએસટી ઉઘરાવીને સરકારમાં જમાં કરાવતા હતા.’

કેન્દ્ર પોતાની યોજનામાં 33 ટકા જમીન કિંમત બાદ કરીને બાકીની રકમ પર જીએસટી વસૂલશે તેવો પરિપત્ર જાહેર કર્યો હતો. તેને હાઇકોર્ટમાં પડકારાયો હતો.’

May 7, 2022
cyclone.jpg
1min578

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.

ભારતના હવામાન વિભાગ (IMD)xના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે નીચા દબાણનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે, જેના પરિણામે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન સર્જાશે. તેમણે કહ્યું કે તે 10 મેના રોજ દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે. મહાપાત્રાએ કહ્યું કે તે પહેલા ક્યાં આવશે તે અંગે હજુ સુધી કોઈ આગાહી કરવામાં આવી નથી.

મહાપાત્રાએ કહ્યું, ‘જ્યારે વાવાઝોડું દરિયાકિનારાની નજીક પહોંચે છે, ત્યારે અમે કહી શકીએ છીએ કે તે ક્યાં ટકરાશે. 9 મેથી દરિયાની સ્થિતિ બગડી શકે છે, તેથી માછીમારોએ દરિયો ન ખેડવો જોઈએ. અનુમાન અનુસાર ચક્રવાતી તોફાનની ઝડપ દરિયામાં 80-90 કિમી પ્રતિ કલાકની રહેશે. ચક્રવાતી વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાદે આગામી સપ્તાહે મંગળવારથી શુક્રવાર સુધી ગંગા નદી વિસ્તારમાં પડતા પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં વીજળી અને ભારે વરસાદની ચેતવણી આપી છે.

ઓડિશાના વિશેષ રાહત કમિશનર (SRC) પીકે જેનાએ જણાવ્યું હતું કે NDRFની 17 ટીમો, ODRAFની 20 ટીમો અને ફાયર વિભાગની 175 ટીમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. ફાયર સર્વિસના મહાનિર્દેશક એસ કે ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.

May 5, 2022
Coal.jpeg
1min371

કોલસાના રેકના પરિવહન માટે રેલવેએ અત્યાર સુધીમાં ઘણી ટ્રેનો રદ કરી છે. હવે ફરી એકવાર રેલવેએ 1100 ટ્રેનો રદ કરી છે. આ ટ્રેનોમાં મેલ એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે.

મે મહિનામાં કોલસાના કારણે વીજળીની કટોકટી વધવાની આશંકા છે, જેના કારણે કોલ રેક ટ્રેનો માટે પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી રહી છે. 24 મે સુધી ઓછામાં ઓછી 1100 ટ્રેનો રદ રહેશે. જેમાં મેલ એક્સપ્રેસ ટ્રેનોની 500 ટ્રીપ્સ, જ્યારે પેસેન્જર ટ્રેનોની 580 ટ્રીપ્સનો સમાવેશ થાય છે. કહેવાય છે કે, આ ટ્રેનોને એટલા માટે રદ કરવામાં આવી છે જેથી થર્મલ પાવર પ્લાન્ટને સપ્લાય કરવામાં આવતી કોલસાથી ભરેલી માલગાડીઓને સરળતાથી રસ્તો આપી શકાય, જેથી કોલસો સમયસર પહોંચી શકે.

યુપી, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ સહિત ઘણા રાજ્યોમાં કોલસાની કટોકટીથી વીજળીની સમસ્યા સર્જાઈ હતી. આ પછી સરકારે ઘણી બેઠકો કરી. ઘણા રાજ્યોમાં પાવર કટ પણ કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ કોલસાની કટોકટી અંગે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ માહિતી આપી હતી કે, થર્મલ પાવર પ્લાન્ટ્સમાં 21 મિલિયન ટન કોલસાનો સ્ટોક છે, જે આવનારા કેટલાક દિવસો માટે પૂરતો છે. જ્યારે કોલ ઈન્ડિયા સહિત ભારત પાસે 80 દિવસનો સ્ટોક છે.

April 30, 2022
trains.jpg
1min478

કોલસાની અછત સર્જાતા વીજળીની કટોકટી ઘેરી બની છે. કોલસો ભરીને દેશભરમાં દોડતી માલગાડીઓને પ્રાથમિકતા મળે તે માટે કેન્દ્ર સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો હતો અને ૬૫૭ પેસેન્જર ટ્રેનો રદ્ કરી હતી. ઈમરજન્સી રૃટ બનાવીને માલગાડીઓ મારફતે અછતગ્રસ્ત વિસ્તારોમાં કોલસો મોકલવામાં આવશે. કાળઝાળ ગરમી વચ્ચે ૧૦-૧૦ કલાકનો વીજકાપ મૂકાતા લોકો પરેશાન થઈ ગયા છે.

સમગ્ર દેશમાં ગરમીનો હાહાકાર મચ્યો છે. કાળઝાળ તાપના કારણે બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું છે ત્યારે કોલસાની અછત સર્જાવાથી વીજળીની કટોકટી પણ ઘેરી બની છે. આ સ્થિતિ વચ્ચે લોકો પરેશાન થઈ ગયા છે. કોલસાની અછતનો સામનો કરતા રાજ્યોને તુરંત કોલસો મળે તે માટે સરકારે ૬૫૭ પેસેન્જર ટ્રેન રદ્ કરીને માલગાડીઓને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે. દેશના થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાની તંગી સર્જાઈ ગઈ છે. કેટલાય થર્મલ પાવર સ્ટેશનોમાં તો માત્ર ૫થી ૧૦ ટકા જ કોલસો બચ્યો છે. ગણતરીના દિવસોમાં એ કોલસો વપરાય જશે. આ થર્મલ સ્ટેશને કોલસાની સપ્લાય કરવા માટે માલગાડીઓને પ્રાથમિકતા અપાશે.

સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, બિહાર, ઝારખંડનો સમાવેશ થાય છે. તે સિવાય કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાતના થર્મલ સ્ટેશનોને પણ કોલસો પ્રાથમિકતાથી અપાશે. દેશના ૧૩ રાજ્યોમાં વીજળીની કટોકટી સર્જાઈ છે. આકરા તાપના કારણે વીજળીની ડિમાન્ડ વધી ગઈ છે. અચાનક વીજળીની ખપત વધી હોવાથી કોલસો પણ વધુ વપરાવા લાગ્યો છે. તેના કારણે ભરઉનાળામાં કોલસાની અછત સામે આવી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તો ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦-૧૦ કલાકનો વીજકાપ ઝીંકાઈ રહ્યો છે. તેનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેન્દ્ર સરકારે ૬૫૭ પેસેન્જર ટ્રેનો રદ્ કરી તે નિર્ણયનો ઘણાં લોકો વિરોધ કરી રહ્યા છે. રેલવે મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું કે ઘણાં રાજ્યોમાં ટ્રેનો રદ્ થતાં વિરોધ થયો છે, પરંતુ અત્યારે સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ નથી. સરકારની પ્રાથમિકતા થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાની અછત ન સર્જાય તે જોવાની છે. સ્થિતિ યથાવત થશે કે તરત પેસેન્જર ટ્રેનો નિયમિત થઈ જશે. અત્યારે દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલેલી માલગાડીઓ રસ્તામાં છે અને તેને પ્રાથમિકતા મળે તે ખૂબ જ અગત્યનું છે એવું અધિકારીઓએ જણાવ્યું હતું.

April 27, 2022
nareshPatel-1280x720.jpg
1min581

‘કાગવડ ખોડલધામ ખાતે 27 એપ્રિલ 2022ને બુધવારે ટ્રસ્ટીઓની બેઠક યોજાઇ રહી છે. નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે આ મિટીંગને નિર્ણાયક માનવામાં આવે છે. મહાસભા અંગે આ બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે જ્યાં ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં’ પ્રવેશ અંગે સર્વે હજુ ચાલુ છે અને સર્વેમાં

સર્વે પૂર્ણ થયા બાદ ટ્રસ્ટી મંડળની બેઠકમાં તારણો કાઢવામાં આવશે ત્યારે બુધવાર, તા.22મી એપ્રિલે ખોડલધામ મંદિર ખાતે મળનારી ટ્રસ્ટી મંડળની બેઠકમાં નરેશભાઇએ રાજકારણમાં જવું જોઇએ કે નહીં તે અંગે પણ ચર્ચા થઇ શકે છે તેમજ સમાજમાંથી થયેલા સર્વેનો રિપોર્ટ પણ સોપાઇ શકે છે.

લેઉવા પટેલના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરના ચેરમેન નરેશભાઇ પટેલે જ્યારથી રાજકારણમાં જોડાવાની વાત કરી છે ત્યારથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકારણમાં જોડાવવા અંગે તેમણે સમાજમાંથી હા આવશે તો જોડાઇશ એવી વાત કરી છે અને એના માટે સર્વે કરવામાં આવી રહ્યો છે ત્યારે આ અંગે સોમવારે પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, સર્વે અનુસાર નરેશ પટેલે રાજકારણમાં ન જોડાવું જોઇએ. જ્યારે આજે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આ વાતનું ખંડન કરતા કહ્યું હતું કે, રમેશ ટીલાળાનું સર્વે અંગેનું નિવેદન વ્યક્તિગત છે. ફાઇનલ રિપોર્ટ હાઇકમાન્ડને સોંપવાનો બાકી છે. ઉલ્લખનીય છે કે સર્વેનો રિપોર્ટ આવે તે પહેલા જ ખોડલધામમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે.

નરેશ પટેલના રાજકારણમાં જોડાવવા અંગે સમાજમાંથી તો વિરોધાભાસી નિવેદન આવી જ રહ્યા છે પરંતુ ખોડલધામના અગ્રણીઓના પણ નિવેદનના કારણે ભારે ચર્ચાઓ શરૂ થઇ છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આજે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રમેશભાઇ ટીલાળાએ આપેલ નિવેદને તેમનું અંગત નિવેદન છે. સર્વેનો રિપોર્ટ હજુ આવ્યો નથી રિપોર્ટ હાઇકમાન્ડને આપવામાં આવશે. હજુ સુધી સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી. ખાસ તો યુવાનોનું એવું કહેવું છે કે, નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ.

April 25, 2022
heatwave.jpg
1min639

પાછલા સપ્તાહે વાદળછાયા વાતાવરણ અને વરસાદની આગાહીની વચ્ચે થોડા દિવસ ગરમીમાંથી રાહત મળી હતી હવે ફરીથી હવામાન વિભાગે આગામી 8 દિવસ કાળઝાળ ગરમી માટે ગુજરાતીઓ તૈયાર રહે તેવી આગાહી કરી છે. મંગળવારથી ગરમીનો પારો ઉંચકાવા જઈ રહ્યો છે. 26 એપ્રિલ, મંગળવારથી 8 દિવસ રાજ્યભરમાં 44 ડિગ્રીથી વધુ ગરમી નોંધાશે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, 25 એપ્રિલથી 2 મે સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી મુજબ, પાકિસ્તાનમાં સર્જાનારા એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનથી ગરમી વધશે. 29, 30 એપ્રિલે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જઈ શકે છે. તો રાજ્યના કેટલાક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

દરમિયાનમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં હિટવેવની આગાહી છે ત્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગિર સોમનાથ, કચ્છ, રાજકોટ, અમરેલી, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તથા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

શનિવારે અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી અને 5 શહેરોમાં 41 ડિગ્રી પાર કરી ગયો હતો. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1.1 ડિગ્રી વધીને 41.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1.5 ડિગ્રી વધીને 26.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં અમદાવાદમાં ક્રમશ ગરમીમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન ખાતાના આંકડાઓ પરથી જણાય છે કે છેલ્લાં 10 વર્ષમાં પહેલીવાર રાજ્યમાં ગરમીનો પારો 15 માર્ચ પહેલાં 40 ડિગ્રીએ પહોંચ્યો હતો. અગાઉ સૌથી વધુ 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન 28 માર્ચ-2017ના રોજ નોંધાયું હતું. ગત વર્ષે 29 માર્ચના 41.7 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
જૂનાગઢમાં હિટવેવ તાપમાન 42.7 ડિગ્રી
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઉનાળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગગનમાંથી અગનવર્ષા શરૂ થઇ  છે. પરિણામે બપોરના સમયે સ્વૈચ્છિક કફર્યુ જેવી સ્થિતિ સર્જાય છે. જૂનાગઢમાં આજે મહતમ તાપમાન 42.7 ડિગ્રી ન્યુનતમ 26.9 ડિગ્રી, ભેજ 30 અને 14 ટકા, પવન 6 કિ.મી. નોંધાયો છે.