CIA ALERT

ક્રાઇમ Archives - Page 6 of 36 - CIA Live

July 19, 2022
hariyana.jpg
1min617

– હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું હતું કે, આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે, ભલે ગમે તેટલી પોલીસ તૈનાત કરવી પડે

હરિયાણામાં ખનન માફિયાઓની બેફામતા ફરી એકવાર સામે આવી છે. જાણકારી અનુસાર, નૂહમાં ખનન માફિયાઓએ DSP પર ગાડી ચડાવી દીધી હતી. જેના કારણે DSP સુરેન્દ્ર વિશ્નોઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે, DSP સુરેન્દ્ર વિશ્નોઈ તાવડુ ખાતે તૈનાત હતા. તેઓ તાવડુના પહાડમાં ગેરકાયદે ખનન થતું હોવાની બાતમી આધારે દરોડો પાડવા ગયા હતા. કાર્યવાહી દરમિયાન DSP સુરેન્દ્ર સિંહ વિશ્નોઈએ ખનન સ્થળ પર પથ્થર ભરેલી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેઓને ડમ્પર વડે ટક્કર મારવામાં આવી હતી અને આ કારણે DSPનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે, તેમને સવારે 11:00 વાગ્યે માઈનિંગની માહિતી મળી હતી. ત્યારબાદ તે પોતાના સ્ટાફ સાથે 11:30 વાગ્યે પહોંચી ગયા હતા. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તેમને જોઈને ખનન માફિયાઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન ડીએસપીને ટક્કર મારવામાં આવી હતી.

હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું હતું કે, આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. ભલે ગમે તેટલી પોલીસ તૈનાત કરવી પડે, અમે કોઈને બક્ષશું નહીં અને આકરી કાર્યવાહી કરશું.

આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની શોધખોળ હાથધરી હતી અને આરોપીને ઝડપી પાડેલ છે. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં ફળભળાટ મચી ગયો છે. આઈજી અને નુહના એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

હરિયાણામાં ખનન માફિયાઓ દ્વારા ઉદ્ધતાઈનો આ પહેલો કિસ્સો નથી પરંતુ અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે. આ અગાઉના કિસ્સાની વાત કરવામાં આવે તો, સોનીપત ખાતે ગેરકાયદેસર ખાણકામ સાથે સંકળાયેલી ટોળકીએ સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સૈનિકને માર મારીને ઘાયલ કરવામાં આવ્યો હતો અને ASIનો યુનિફોર્મ ફાડી નાખવામાં આવ્યો હતો.

July 16, 2022
cbi.jpg
1min515

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની ટીમ દ્વારા ગાંધીનગરના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના રિજનલ ઓફિસર દિગ્વિજય મિશ્રા અને ચીફ જનરલ મેનેજર (ટેકનિકલ)ની 10 લાખ રૂપિયા લાંચ લેવાના કેસમાં Dated 15/7/22 ધરપકડ કરવામાં આવી છે. CBIના ઓફિસરે જણાવ્યું હતું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પ્રોજેક્ટ માટે મિશ્રા દ્વારા GHV Indiaના પ્રતિનિધિ પાસેથી લાંચ લેવામાં આવી હતી. આ ઉપરાંત સીબીઆઈની ટીમને દિગ્વિજય મિશ્રાના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન 20 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા.

CBIએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, 109 કિમી લાંબાા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પ્રોજેક્ટ માટે કંપનીની ભલામણ કરી હોવાની ફરિયાદ મળ્યા બાદ દિગ્વિજય મિશ્રા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત CBIની ટીમ દ્વારા લાંચ કેસમાં સંડોવાયેલાં GHV India Private લિમિટેડના પ્રતિનિધિ TP સિંહની પણ મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે.

CBI દ્વારા પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, દિગ્વિજય મિશ્રા, GHV Indiaના MD જાહિદ વિજાપુરા, તેમના પ્રતિનિધિ સિંહ, શિવપાલસિંહ ચૌધરી, અમદાવાદના ન્યૂ ઈન્ડિયા કોન્ટ્રાક્ટર્સ એન્ડ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડના MD, તેમના પ્રતિનિધિ અંકુર મલ્હોત્રા, RB સિંહ, ગાંધીનગરમાં MKC ઈન્ફ્રાસ્ટ્રક્ચર જનરલ મેનેજર ઉપરાંત અજાણ્યા સરકારી અધિકારીઓ અને પ્રાઈવેટ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

CBIએ વધુમાં જણાવ્યું હતું કે, એવો આરોપ હતો કે, મિશ્રા અને અન્યો તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતાં NHAIના પ્રોજેક્ટ્સમાં કામ કરી રહેલી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ગેરકાયદે પ્રવૃતિઓમાં જોડાયેલાં હતા, જેમ કે આ કંપનીઓને પૂર્ણતાનું સર્ટિફિકેટ આપવામાં, બિલની પ્રક્રિયામાં વગેરે જેવી કામગીરીમાં તરફેણ કરવામાં આવતી હતી.

લાંચની લીધી હોવાની પુષ્ટિ થતાં જ CBIની ટીમે મિશ્રાના ઘરે રેડ પાડી હતી અને મિશ્રાની ધરપકડ કરી હતી, જેમની પર આરોપ છે કે, તેઓએ કંપનીના પ્રતિનિધિ TP સિંહ પાસેથી લાંચ લીધી હતી. સિંહને પણ કસ્ટડી હેઠળ લઈ લેવામાં આવ્યા છે. મિશ્રાની ધરપકડ કર્યાં બાદ સીબીઆઈ દ્વારા ગાંધીનગર, અમદાવાદ, પુને, દિલ્હી અને ચંદીગઢ સહિત 14 સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સીબીઆઈ ઓફિસરે જણાવ્યું કે, ગાંધીનગર સ્થિત મિશ્રાના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન સીબીઆઈની ટીમે લાંચના 10 લાખ રૂપિયા સહિત 20.50 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યાં હતા.

સીબીઆઈ ઓફિસરે જણાવ્યું કે, કંપનીના ચાલુ પ્રોજેક્ટ જેવા કે, પેકેજ-1 (અમદાવાદ-ધોલેરા 0 કિમી-22 કિમી), પેકેજ-2 (અમદાવાદ-ધોલેરા 22 કિમી-48.52 કિમી) અને RE વોલ (reinforced earth wallનો ઉપયોગ માટીને બાજુથી ટકાવી રાખવી, જેથી તેને કેરેજવેની બંને બાજુએ વિવિધ સ્તરે જાળવી શકાય), પેકેજ 3 કન્સ્ટ્રક્શન (અમદાવાદ-ધોલેરા 48.52 કિમી-71.06 કિમી) માટે EOT (Extension of Time) (વધારેનો સમય આપવો) જેવી ભલામણો માટે કંપનીના ઓફિસર અને પ્રતિનિધિઓ મિશ્રાના સંપર્કમાં હતા.

CBIના સૂત્રોએ જણાવ્યું હતું કે, GHVના પ્રતિનિધિઓ લાંચ આપવા માટે ગાંધીનગર સ્થિત મિશ્રાના ઘરે ગયા હતા. આ ઉપરાંત સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, મિશ્રાને લાંચની રકમ ચૂકવવા માટે GHVના પ્રતિનિધિઓ દ્વારા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ પાસેથી પૈસા એકત્ર કરવામાં આવી રહ્યા હતા.

June 9, 2022
nupur-1280x1195.jpg
1min443

પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માની મુશ્કેલી વધી ગઈ છે. દિલ્હી પોલીસે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન કુમાર જિંદાલ સહિત સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવા બદલ કેટલાક લોકો વિરુદ્ધ FIR નોંધી છે. જેમાં ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન કુમાર જિંદલનું નામ પણ સામેલ છે. દિલ્હી પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, તેમણે કેટલાક લોકો સામે કેસ નોંધ્યો છે જેઓ કથિત રીતે નફરતના સંદેશાઓ ફેલાવી રહ્યા છે એટલે કે હેટ મેસેજ ફેલાવી રહ્યા છે. જુદા જુદા જૂથોને ઉશ્કેરી રહ્યા છે અને એવી સ્થિતિ સર્જી રહ્યા છે કે, જે જાહેર શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે હાનિકારક છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે, સ્પેશિયલ સેલના ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન યુનિટે નુપુર શર્મા અને નવીન જિંદાલ સહિત લગભગ 9 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે  FIRમાં નૂપુર શર્મા, નવીન કુમાર જિંદલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દૂર રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીણા અને પૂજા શકુનનું નામ સામેલ છે. આ બધા પર ઉશ્કેરણીજનક નિવેદન દ્વારા માહોલ ખરાબ કરવાનો આરોપ છે. 

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, FIR વિવિધ ધર્મો વિરુદ્ધ નિવેદનોથી સંબંધિત છે. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, યુનિટ સાયબર સ્પેસ પર અશાંતિ પેદા કરવાના ઈરાદાથી જૂઠી અને ખોટી માહિતીને પ્રોત્સાહન આપવામાં વિવિધ સોશિયલ મીડિયા સંસ્થાઓની ભૂમિકાની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે, ટીવી ડિબેટમાં કથિત વિવાદાસ્પદ ધાર્મિક ટિપ્પણી માટે ભાજપ નેતા નૂપુર શર્માને સસ્પેન્ડ કરવાના વિવાદ વચ્ચે આ મામલે સામે આવ્યો છે. આ અગાઉ નૂપુર શર્માની વિરુદ્ધ મુંબઈમાં પણ FIR નોંધવામાં આવી ચૂકી છે. 

પયગંબર મોહમ્મદ પર કથિત ટિપ્પણી બાદ નૂપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જેને લઈને દિલ્હી પોલીસે FIR નોંધી હતી અને નૂપુર શર્મા તથા તેમના પરિવારને સુરક્ષા પૂરી પાડી હતી. નુપુર શર્માએ તેમને મળી રહેલી ધમકીઓનો હવાલો આપતા પોલીસને સુરક્ષા પ્રદાન કરવાની વિનંતી કરી હતી.

May 24, 2022
singla.jpg
1min428
Punjab Minister Vijay Singla Sacked By Bhagwant Mann Over Corruption  Charge, Arrested

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યના આરોગ્ય મંત્રી વિજય સિંગલાને પોતાના પદ પરથી હટાવી દીધા છે. ભ્રષ્ટાચારના આરોપોને કારણે વિજય સિંગલાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જોકે, ગણતરીના કલાકોમાં જ આપના પૂર્વ સ્વાસ્થ્યમંત્રી સિંગલાની ધરપકડ કરવામાં આવી છે.  

મુખ્યમંત્રીએ કહ્યું કે, “હું મંત્રી સામે કડક કાર્યવાહી કરી રહ્યો છું. હું તેમને કેબિનેટમાંથી હટાવી રહ્યો છું, મુખ્યમંત્રીએ એક વીડિયો સંદેશમાં દાવો કર્યો હતો કે સિંગલાએ પોતે ખોટુ કામ કર્યું હતુ તે સ્વીકાર્યું હતુ. 

વધુમાં કહ્યું કે, અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે સ્વાસ્થય મંત્રી અરજીઓ મંજૂર કરવા 1%ના કમિશનની માંગણી કરી રહ્યાં હતા. 

AAP પાર્ટી અને ભગવંત માને ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યમાંથી ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. તે જ સમયે, હવે ભ્રષ્ટાચારના આરોપી મંત્રીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

તે જ સમયે, AAP પાર્ટીએ કહ્યું કે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી મોડલ અનુસાર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, તેમની પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે જે ભ્રષ્ટાચારના આધાર પર પોતાના લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પ્રમાણિકતા, હિંમત અને પ્રામાણિકતા ધરાવે છે. અમે આવુ દિલ્હીમાં જોયું, હવે પંજાબમાં જોઈ રહ્યા છીએ. 

May 11, 2022
surat_police.jpg
1min598

પાસપોર્ટ કે વિઝા વગર ભારતમાં ઘૂસણખોરી કરતા 6 બાંગ્લાદેશી નાગરિકોને સુરતના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ બાંગ્લાદેશી નાગરિકોના ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવનારની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે ત્રણ મહિલા અને ત્રણ પુરુષ મળી કુલ 6 બાંગ્લાદેશીને ઘૂસણખોરી કરતા ઝડપી પાડયા છે તેમજ 4 વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત રેલવે પોલીસનો સ્ટાફ આજે પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર ત્રણ મહિલા અને ત્રણ પુરુષો શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા હતા. દરમિયાન પોલીસની નજરમાં આવતા આ 6 લોકો બાંગ્લાદેશથી સુરત આવ્યા હોવાનું જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી. આ મામલે તપાસ કરતા તેઓની પાસે કોઈ પાસપોર્ટ કે વિઝા મળી આવ્યા ન હતા અને ઘૂસણખોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હાલમાં આયન ત્રણ રસ્તા પાસે બાંગ્લાદેશ ખાતે રહેતા પરવેઝ આઇબા મીરડા, નયોન મોસીયર મૌલા, બીસ્ટી અખ્તર આફતર સોરદાર, ફાતેમા ખાનુન અનવર મૌલા તથા ફરઝાન ઉર્ફે બીઠી રૂકોલ ફોરાજીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ બારડોલીના ઉપલી બજાર પાસે રહેતા અને ખોટું આધારકાર્ડ બનાવનાર જાબીર ફીરોઝ પટેલની પણ પોલીસે ધરપકડ કરી આવા ખોટા દસ્તાવેજો બનાવી આપનારને વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરત રેલવે પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રીતે તેઓ ભારતની બોર્ડર ક્રોસ કરી હતી. તેઓ પાસે કોઈ પાસપોર્ટ કે વિઝા ન હતા. તેઓની પાસેથી ઇન્ડિયાના આધારકાર્ડ મળી આવ્યાં હતાં તે ખોટી રીતે બનાવ્યા હતા. આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ત્રણેય મહિલાને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાની શક્યતા પણ રહેલી છે. આ ગુનામાં 4ને વોન્ટેડ જાહેર કરાયા છે. 

May 5, 2022
fenil.jpg
1min685

સમગ્ર ભારતમાં ચકચાર મચાવનાર સુરતના પાસોદરા વિસ્તારમાં ગઇ તા.12મી ફેબ્રુઆરી 2022ના રોજ ગ્રીષ્મા નામની યુવતિની હત્યાના કેસમાં આરોપી ફેનિલને સુરતની કોર્ટે આજે તા.5મી મે 2022ના રોજ ફાંસીની સજા આપતો હુકમ કર્યો છે.

આજે તા.5મી મેએ ગ્રીષ્મા હત્યા કેસમાં સજાનું એલાન થવાનું હોવાથી સુરતની કોર્ટમાં બંને પક્ષના વકીલો સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર હતા. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરતા જજે કહ્યું હતું કે, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ત્યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

સરકાર પક્ષના વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે કોર્ટે ફેનિલ ગોયાણીને સજા સંભળાવી છે. ફેનિલને મૃત્યુદંડની સજા કરી છે. બેને મારી નાખવાના પ્રયાસના કેસમાં પણ સજા ફટકારી છે. ભોગ બનનારને વળતર મળે એવી પણ પ્રક્રિયા કરી છે.

સજાનું એલાન થઇ ગયા બાદ કોર્ટ પરિસરમાં ગ્રીષ્માના પિતાએ પત્રકારો સમક્ષ પહેલી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી તમામ માગણી પૂર્ણ થઈ છે. અમને ન્યાયપ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. પોલીસથી લઈને મદદ કરનારા તમામ નેતાઓનો આભાર.

April 20, 2022
rajkot_police.jpg
1min554

રાજકોટ ક્રાઇમબ્રાંચના ચાર પોલીસ કર્મચારી દ્વારા સાયલા પાસેથી દારૂ ભરેલા ટ્રક સાથે ચાલકનું અપહરણ કર્યાના મામલે સાયલા પોલીસે ચાર પોલીસમેન તથા બુટલેગરો સહિત 11 ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ એહમદ દ્વારા ક્રાઇમ બ્રાંચની મહિલા ફોજદાર સહિત પાંચ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો.

આ ચર્ચાસ્પદ બનાવ અંગેની વિગત એવી છે કે, રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા અને અગાઉ રૂ.9પ લાખના તોડકાંડ મામલે વિવાદમાં આવેલા દેવા ધરજિયાને મળેલી બાતમીના આધારે ક્રિપાલસિંહ જાડેજા, સુભાષ ઘોઘારી, ઉપેન્દ્રસિંહ ઝાલા સહિતના કાર લઈને દારૂ ભરેલો ટ્રક ઝડપી લેવા માટેથી સાયલા પહોંચ્યા હતા અને સાયલા પાસેથી 394 પેટી દારૂ ભરેલા ટ્રક સાથે ચાલકને ઉપાડી લઈ રાજકોટ આવવા રવાના થયા હતા અને રાજકોટ-મોરબી બાયપાસ પાસેથી પહોંચ્યા હતા ત્યારે સ્ટેટ વિજિલન્સ સેલના સ્ટાફે દારૂ ભરેલી ટ્રકને આંતરી હતી અને ક્રાઇમ બ્રાંચના સ્ટાફે રોફ જમાવવા જતા સ્ટેટ વિજિલન્સનો સ્ટાફ હોવાની જાણ થતા હોશકોશ ઉડી ગયા હતા અને ક્રાઇમ બ્રાંચના એસીપી ડી. વી. બસિયા અને પીઆઇ જે. વી. ધોળાને જાણ કરવામાં આવી હતી અને સાયલા પાસેથી દારૂ ભરેલો ટ્રક ઉઠાવી લીધાની વાત કરતા સમગ્ર મામલો સ્ટેટ વિજિલન્સના વડા નિર્લિપ્ત રાય પાસે પહોંચ્યો હતો અને તમામને સાયલા પોલીસ મથકે લઈ જઈને ગુનો નોંધવાનો આદેશ કરવામાં આવતા પોલીબેડામાં સન્નાટો વ્યાપી ગયો હતો.

સાયલા પોલીસે રાજસ્થાનના બાડમેરના ટ્રકચાલક જગદીશ ઉમેદરામ બેનીવાલની ફરિયાદ પરથી રાજકોટ ક્રાઇમ બ્રાંચના દેવા જાદવ ધરજિયા, સુભાષ સોડા ઘોઘારી, ઉપેન્દ્રસિંહ જયવીરસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ નરપતસિંહ જાડેજા, ટ્રકમાલિક રાજસ્થાનના બાબુલાલ જાટ, દારૂનો જથ્થો સપ્લાય કરનાર શૂટર નામનો શખસ, સાયલા પાસે પાણીની બોટલ લઈને ટ્રકમાં બેઠેલો શખસ, રાજકોટનો બુટલેગર સૌરભ ઉર્ફે લાલો ચંદારાણા, છાસિયા ગામનો ભાણો તથા તપાસમાં ખૂલે તે સહિતના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

જો કે આ પ્રકરણમાં સાથે રહેલી રાજકોટ ક્રાઇમ બ્રાંચની મહિલા ફોજદાર ભાવના કડછાને પણ સાયલા પોલીસ મથકે લઈ જવામાં આવેલ બાદમાં તેની ભૂમિકા સંદર્ભે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સાયલા પોલીસે રાજકોટ ક્રાઇમ બ્રાંચના ચાર પોલીસ કર્મચારીની ધરપકડ કરી હતી તેમજ ચારેય પોલીસ કર્મચારીઓના મોબાઇલ અને કાર કબજે કર્યા હતા. પોલીસે ચારેયના મોબાઇલની કોલડીટેઇલ તેમજ વોટ્સએપ કોલ સહિતની માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર દારૂના કાંડના અંકોડા મેળવવા માટેથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે 394 પેટી દારૂ-ટ્રક અને મોબાઇલ સહિત રૂ.36 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દરમિયાન દારૂ કાંડ મામલે ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ એહમદે ક્રાઇમ બ્રાંચની મહિલા ફોજદાર ભાવના જે.કડછા, ક્રિપાલસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા, દેવા ધરજિયા, સુભાષ ઘોઘારીને સસ્પેન્ડ કરી દેતો હુકમ કર્યો હતો તેમજ મહિલા ફોજદાર ભાવના કડછાની ભૂમિકા સંદર્ભે પણ રાબેતા મુજબ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા જણાવાઈ રહ્યંy છે. સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે ચારેય પોલીસ કર્મચારીના મોબાઇલ કબજે કર્યા હોય તેની કોલ ડિટેઇલ-વોટ્સએપ કોલ સંદર્ભેની માહિતીના આધારે આગામી દીવસોમાં ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ કે કર્મચારીઓને રેલો આવે તેવા પણ નિર્દેશો સાંપડી રહ્યા છે.

March 21, 2022
hijab-1.jpg
1min631

કર્ણાટક હિજાબ કેસમાં ચુકાદો આપનાર જજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર એક ધમકીભર્યો વીડિયો સામે આવ્યો હતો, ત્યાર બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. 15 માર્ચે હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં ગણવેશ અંગેના રાજ્ય સરકારના આદેશને યથાવત રાખ્યો હતો. હાલમાં અરજદારો આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એડવોકેટ ઉમાપતિએ શનિવારે કર્ણાટક હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ મામલે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદીનું કહેવું છે કે તેને વોટ્સએપ પર એક વીડિયો મળ્યો જેમાં એક વ્યક્તિ ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થીને ખુલ્લેઆમ ધમકી આપતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે ઝારખંડના જજની કથિત હત્યાનો પણ ઉલ્લેખ કરી રહ્યો છે.

ફરિયાદીએ કહ્યું કે “સ્પીકરે કર્ણાટકના મુખ્ય ન્યાયાધીશને પણ આવી જ ધમકી આપી છે કે લોકો જાણે છે કે તે ક્યાં ફરવા જાય છે. તે વ્યક્તિએ પરિવારના સભ્યો સાથે જજની ઉડુપી મઠની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કોર્ટના નિર્ણય વિશે વાત કરતી વખતે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.” ફરિયાદીએ એમ પણ કહ્યું કે “આ વીડિયો તમિલનાડુના મદુરાઈમાં શૂટ કરવામાં આવ્યો હોઈ શકે છે.”

અન્ય એક વકીલ સુધા કટવાએ પણ વાયરલ વીડિયો અંગે ફરિયાદ નોંધાવી છે. ચીફ જસ્ટિસ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા દીક્ષિત અને કાઝી એમ ઝૈબુન્નીસાની બનેલી હાઈકોર્ટની ત્રણ સભ્યોની બેંચે હિજાબ કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો.

March 7, 2022
fanshi.jpg
1min665

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માતા અને પુત્રી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કોર્ટે દોષિત હર્ષ સહાયને Dt.7/3/22 ફાંસીની સજા ફટકારી છે જ્યારે સહ આરોપી હરિઓમને આજીવદ કેદની સજા સંભળાવવામાં આવી છે. સાથે જ મૃતકના પરિવારને 7.50 લાખ રૂપિયા ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

સુરતના પાંડેસરામાં ચકચારીત માતા-બાળકી પર રેપ બાદ હત્યા મામલે 3 દિવસ પહેલા સુરત કોર્ટે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જરને દોષિત ઠેરવ્યો છે. આ સાથે મદદગારી કરનાર આરોપી હરિઓમ ગુર્જરને પણ દોષિત ઠેરવ્યો છે.

એપ્રિલ 2018માં માસૂમ બાળકી અને તેની માતાની હત્યા કરી ઝાડીઓમાં ફેંકી દીધી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 6 એપ્રિલ 2018ના રોજ ગુનો નોંધાયો હતો, જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવાતા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એન.પરમારે દલીલો કરી હતી. સમગ્ર કેસમાં જે તે સમયે પોલીસે આરોપી સામે પુરાવા ભેગા કર્યા હતા. શરૂઆતમાં બંને માતા-દીકરી છે એ જ ખબર ન હતી. કારણ કે બંનેની લાશ જુદી-જુદી જગ્યાએથી મળી આવી હતી. બાદમાં ડીએનએ કરતા બંને માતા અને દીકરી હોવાની પૃષ્ટિ થઈ હતી. તપાસમાં સામે આવ્યું કે, નરાધમે બાળકી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો અને દીકરીની સામે માતાની હત્યા કર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં લાકડી નાંખી મોતને ઘાટ ઉતારી દેવાઈ હતી.

માતાની હત્યા લગભગ 4 દિવસમાં જ માતાના મૃતદેહ બાદ બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. બન્નેની ઓળખ માટે પોલીસે લગભગ 6500 પોસ્ટર દેશના તમામ રાજ્યોમાં લગાડી પરિવાર શોધવાનો પ્રયાસ કર્યો હતો. છતાંય કોઈ સફળતા મળી નહોતી. જોકે આખરે એક CCTV કેમેરાની ફૂટેજના આધારે કડી મળી હતી અને કારમાં સવાર આરોપીઓ પકડાઈ ગયા અને પૂછપરછમાં તેમને ગુનો કબૂલ કરી લીધો હતો. તપાસમાં એવો પણ ખુલાસો થયો હતો કે, માતા અને દીકરીને રાજસ્થાનના એક ગામમાંથી કામ અપાવવાના બહાને સુરતના કામરેજ ખાતે લવાયા હતા. જ્યાં એક ક્ન્સ્ટ્ર્ક્શન સાઈટ પર કામ અપાવ્યા બાદ આરોપીઓએ પહેલા માતા અને બાદમાં દીકરીની હત્યા કરી બંને લાશ અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધી હતી.

February 18, 2022
blast_verdict.jpg
1min482

2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વિશેષ અદાલતે આજે તા.18મી ફેબ્રુઆરીને, શુક્રવારે સવારે 49 દોષિતોને સજા સંભળાવી છે. જેમાં 38ને મૃત્યુદંડની સજા જ્યારે 11ને આજીવન કેદની સજા આપવાનો હુકમ વિશેષ અદાલતે કર્યો છે. અમદાવાદ બોંબ બ્લાસ્ટ કેસના દોષિતોને સજા સંભળાવવાની હોવાથી સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સ્થિત વિશેષ કોર્ટ અને તેની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને સજા માટે 18 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 2008માં અમદાવાદના વિસ્તારોમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. સ્પેશિયલ જજ એ.આર.પટેલની કોર્ટે આદેશ પસાર કરવાની તારીખ 18 ફેબ્રુઆરી નક્કી કરી હતી અને આજે શુક્રવારે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો.

આ લોકોને ન્યાય મળ્યો

બોમ્બ વિસ્ફોટો 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયા હતા. 70 મિનિટમાં 56 લોકોના મોત થયા હતા. આ બોમ્બ વિસ્ફોટોમાં 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાના બાદ આ કેસ 13 વર્ષથી વધુ સમય સુધી કોર્ટમાં ચાલ્યો અને ગયા અઠવાડિયે વિશેષ અદાલતે 49 લોકોને દોષિત જાહેર કર્યા હતા અને અન્ય 28 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.

કોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 77 આરોપીઓ સામે ટ્રાયલની કાર્યવાહી પૂરી કરી હતી. ટ્રાયલ હેઠળના 78 આરોપીઓમાંથી એક સરકારી સાક્ષી બન્યો હતો. પોલીસનો દાવો છે કે આરોપીઓ આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે સંકળાયેલા હતા. ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓએ 2002ના ગોધરા રમખાણોનો બદલો લેવાનું કાવતરું ઘડ્યું હોવાનો આરોપ છે.