CIA ALERT

ક્રાઇમ Archives - Page 24 of 38 - CIA Live

May 17, 2019
husband-wife.jpeg
1min5400

અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં પત્નીના ત્રાસથી કંટાળી રેલવે વિભાગમાં ફરજ બજાવતા અંજની કુમારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. જો કે યુવકનાં મોત બાદ એક ઓડિયો ક્લિપ સામે આવતા પોલીસે પત્ની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પતિને આત્મહત્યા માટે પ્રેરિત કરતો પત્નીનો ઓડિયો પણ સામે આવ્યો હતો. આ ઓડિયોમાં પતિ કહી રહ્યો છે કે, મને ૬ મહિના વધુ જીવવા દે. જેના જવાબમાં પત્ની કહે છે કે, ના, તમારે બે મહિનાની અંદર જ આત્મહત્યા કરવી પડશે. આ ઓડિયો ક્લિપ સાંભળીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે કે ગુડિયા દેવીએ પોતાના પતિ અંજની કુમારને આત્મહત્યા માટે મજબૂર કર્યા હતા. પત્નીએ પોતાના પતિને એટલી હદે માનસિક પરેશાન કર્યો હતો કે તેણે પોતાનું જીવન ટૂંકાવવુ પડ્યું.

સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવે વિભાગમાં ફરજ બજાવતા અંજની કુમારનાં પાંચ વર્ષ પહેલા ગુડિયા દેવી સાથે લગ્ન થયા હતાં, જેમાં અઢી વર્ષનો એક પુત્ર હતો. પરંતુ લગ બાદ દંપતી વચ્ચે નાની નાની વાતમાં ખટરાગ શરૂ થયો.

બાદમાં પત્નીએ પતિ સામે બે વખત પોલીસ ફરિયાદ પણ કરી હતી, જેથી યુવક પોલીસ અને કોર્ટનાં ધક્કા ખાઈ કંટાળ્યો હતો. એક તરફ પત્નીનો માનસિક ત્રાસ તો બીજી તરફ કોર્ટ કચેરીનાં ધક્કાની વચ્ચે પીસાઈ રહેલી જિંદગીનો અંત યુવકે ઝેરી દવા પીને લાવ્યો હતો. તેના મોત બાદ એક ઓડિયો ક્લિપ પોલીસ સામે આવી અને જેના આધારે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

May 15, 2019
paytm-1280x960.jpeg
1min7010

Paytm સાથે 10 કરોડની છેતરપિંડી

Paytm સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. Paytmના પ્રમુખ વિજય શેખર શર્માએ કહ્યું કે નાના વેપારી અને હવે Paytmથી અલગ થઈ ચુકેલા સેલર્સે કમાયેલા ભારે કેશબેકની તપાસમાં આ છેતરપિંડી સામે આવી છે. આ તપાસમાં Paytmના કર્મચારીઓનું પણ નામ ખુલતા તેમણે નોકરીથી હાથ ધોવા પડ્યા છે.

શર્માએ કહ્યું કે દીવાળી બાદ અમારી ટીમે જોયું કે કેટલાક નાના સેલર્સને કેશબેક તરીકે મોટી રકમ મળી રહી છે. અમારી ટીમના ઑડિટર્સને કહ્યું કે તેઓ આ મામલાની તપાસ કરે. જે તપાસમાં સામે આવ્યું કે કેટલાક સેલર્સ જૂનિયર કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરીને કેશબેક કમાઈ રહ્યા હતા.

છેતરપિંડીની આ રકમ 10 કરોડ જેવી થવા જાય છે. તેમણે કહ્યું કે જેણે ખોટું કર્યું છે તેમની સામે કાર્રવાઈ કરાશે. જેમાં અનેક સેલર્સને Paytmમાંથી ડીલિસ્ટ પણ કરવામાં આવશે. અનેક કર્મચારીઓને આ મામલે કાઢી મુકવામાં આવ્યા છે. કેટલાક કર્મચારીઓ કથિત રીતે થર્ડ પાર્ટી વેંડર્સ સાથે મળીને ફેક ઑર્ડર પોસ્ટ કરતા હતા અને કેશબેક ઑફરના લાભ ઉઠાવતા હતા.

May 13, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5940
જૂનાગઢમાં રાધારમણ ટેમ્પલની શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઈ ગયા બાદ દેવપક્ષના એક સાધુ પર આચાર્યપક્ષના એક હરિભકતે કોઈ વાતે હુમલો કર્યાની ઘટના બનવા પામતાં બન્ને જૂથોના હરિભકતો આમને-સામને આવી જતા મામલો બિચકાયો હતો. આવા સમયે ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરતાં નાસભાગ મચી હતી. લાઠી ચાર્જ દરમિયાન અમુક ખાનગી ચેનલના કેમેરામેનને પણ હડફેટે લેવાતાં, સૌરાષ્ટ્ર-ગુજરાતના મીડિયા જગતમાં આ વાતના ઘેરા પડઘા પડયા છે. રાજ્યના ગૃહમંત્રી, જૂનાગઢના રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ વડાએ નિષ્પક્ષ તપાસના આદેશો આપી યોગ્ય કરવાની ખાતરી આપી હતી.
રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી. બોર્ડના 7 ટ્રસ્ટીઓની ર9 મતદાન મથકો ઉપર પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. ગૃહસ્થ વિભાગની ચાર બેઠક ઉપર 14 ઉમેદવારો મેદાનમાં હતાં. જેમા 27795 મતદારોમાંથી 12086 મતદારેએ મતદાન કરતાં 43.48 ટકા મતદાન નોંધાયું હતું.
જ્યારે સંત(ત્યાગી) વિભાગની બે બેઠકો ઉપર પાંચ ઉમેદવારો મેદાનમાં હતાં. જેમા 517 મતદારોમાંથી 282 મતદારોએ મતદાન કરતાં 54.55 ટકા મતદાન નોંધાયુ હતું. પાર્ષદ વિભાગની એક બેઠક ઉપર પાંચ ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં 236 મતદારોમાંથી 132 ઉમેદવારોએ મતદાન કરતાં 55.93 ટકા મતદાન નોંધાયું હતું. તમામ બેઠકો પર સરેરાશ 51.32 ટકા મતદાન નોંધાયું હતું. રવિવારે યોજાયેલી આ ચૂંટણીનું આજે સોમવારે મતગણતરી દરમિયાન પરિણામ જાહેર થશે.
શાંતિ રીતે પૂર્ણ થયેલી રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી બાદ’ દેવપક્ષના એક સાધુ પર આચાર્ય પક્ષના એક હરિભકતે હુમલો કરતાં પરિસ્થિતિને કાબુમાં લેવા, ટોળાને વિખેરવું જરૂરી હોય, ઉપસ્થિત પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. જે વાતમાં અમુક ખાનગી ચેનલના ફોટોગ્રાફરને પણ હડફેટે લેવાતાં મામલો વધુ તંગ બન્યો હતો. પોલીસે હુમલાખોર હરિભકતને પકડી લીધો હતો. પણ મીડિયાકર્મીને લાકડીઓ વિંઝવાની ભૂલ કરી બેસતાં આ વાતના રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા છે.
લાઠીચાર્જના કવરેજ કરતાં ઈલોકટ્રોનિકસ મીડિયાના ફોટોગ્રાફરને સમજાવાતા, તેમણે પીઆઈ વાળાને ધક્કો મારતાં બંદોબસ્તમાં રહેલા પોલીસ કાફલાએ તેમના પર લાઠી વરસાદ વરસાવ્યો હતો. જેનો સખ્ત શબ્દોમાં વિરોધ અને કસુરવાર પોલીસમેનો પર પગલા ભરવાની મીડિયાજગતે માંગ કરી છે.
લાઠીચાર્જ બાબતે રાજ્યના ગૃહમંત્રી-આઈજી, જિલ્લાપોલીસ અધિકારીએ શું કહ્યું ?
રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી બાદ ચૂંટણી સ્થળે બિચકેલા મામલાની જાણ થતાંજ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘે ઘટના સ્થળે દોડી જઈને તટસ્થ તપાસની ખાતરી આપી હતી. જૂનાગઢ રેન્જ આઈજી શુભાષ ત્રિવેદીએ ઘટનાને કમનશીબ ગણાવી એસપીને તપાસનો આદેશ આપ્યો હતો. તેઓએ એવું પણ જણાવેલ કે, બનાવને તપાસી કસુરવારો સામે પગલા ભરાશે. આ તકે જિલ્લા પોલીસ’ વડાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે લાઠીચાર્જની એક્ઝિકયુટીવ મેજિસ્ટ્રટેની મંજૂરી લેવી પડતી હોય છે. પણ સંજોગોને ધ્યાને લઈને પોલીસે આવા પગલાં ભરવાં પડતા હોય છે. જે વાત પાછળ કોઈને ટાર્ગેટ બનાવવાનો આશય હોતો નથી. બનાવ સમયે 3 ડિવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો કાફલો હાજર હોય, તમામના નિવેદનો લઈને વાસ્તવિકતાનો અભ્યાસ કરીને કસુરવારો સામે પગલા ભરવાની એસપી સૌરભસિંધે પત્રકારોને ખાતરી આપી હતી. દરમિયાન રાજ્યના ગૃહમંત્રીએ આ મીડિયા કર્મી પર કરાયેલા લાઠીચાર્જની તપાસના આદેશો આપ્યાની વિગતો મળી હતી.
May 11, 2019
urea_scam.jpg
1min697

સૌરાષ્ટ્રમાં કેશોદ, રાણાવાવ, ઉપલેટામાં ઓછા વજનની ઉઠેલી ફરિયાદો
ખાતરની થેલીઓનું વજન કરવાની પ્રક્રિયાનું વિડીયોગ્રાફી કરવા સરકારનો આદેશ
જેતપુરમાંથી ઓછા વજનવાળી ખાતરની થેલીઓ પકડાયા બાદ આ કૌભાંડ રાજ્યવ્યાપી બની જતાં સંબંધિતઓ દોડતાં થઇ ગયા છે. બીજી બાજુ શનિ અને રવિ એમ દિવસ રાજ્યભરનાં ખાતરનાં ડેપો અને વેચાણ કેન્દ્રો પર ખાતરનું વેચાણ બંધ કરવાનાં રાજ્ય સરકારે આદેશો આપ્યા છે. બે દિવસમાં પૂર્ણ તપાસ બાદ સોમવારથી પૂન: ખાતર વેચાણ શરૂ કરવાં સરકારે જણાવ્યું છે.
રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહે રાજ્યમાં ખાતરની થેલીઓમાં ઓછા વજન અંગેની બાબત ધ્યાનમાં આવતા જી.એસ.એફ.સી. અને જી.એન.એફ.સી.ના મેનાજિંગ ડિરેક્ટરને આ ખાતર વેચાણ રવિવાર સુધી બંધ રાખવા સુચના આપી છે.
રાજ્યની આ બે કંપનીઓના તમામ ડેપો અને વેચાણ કેન્દ્રો પર આ દરમ્યાન ખાતરના વજનની સંપૂર્ણ ચકાસણી’ વીડિયોગ્રાફી સાથે કરવાની સ્પષ્ટ સુચના પણ આપવામાં આવી છે. આ સમગ્ર પ્રકિયા સંતોષકારક રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કર્યા બાદ જ સોમવારથી આ ખાતરનું વેચાણ ફરી શરૂ કરવાનો આદેશ મુખ્ય સચિવ જી.એસ.એફ.સી. અને જી.એસ. એન.સી.ને આપ્યા છે.
જામજોધપુર:
જામજોધપુરના ખેડૂત પુત્ર અને યુવા ધારાસભ્ય દ્વારા આજ રોજ કંપનીના વેચાણ કેન્દ્ર ડેપો પર રૂબરૂ જઇ જનતા અને ખેડૂતોને સાથે રાખી રેડ કરવામાં આવેલ અને ખાતરની બાચકીઓમાં ડેપો પર વજન કરતાં તમામ ખાતરની બાચકીઓમાં 200 ગ્રામથી માંડી 400 ગ્રામ વજન ઓછું બતાવવામાં આવેલ.
કેશોદ:
જૂનાગઢ, વંથલીમાં વજન બરાબર જણાવેલ પરંતુ કેશોદ ખાતર ડેપોમાં તપાસ કરતાં પાંચ બેગોમાં 300થી 580 ગ્રામ ખાતર ઓછું જણાયું હતું. આ અંગે ખેત નાયબ નિયામકએ’ ડેપો સંચાલકને નોટિસ પાઠવી, ખાતરના સેમ્પલ લઇ તપાસાર્થે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
રાણાવાવ:
પોરબંદરના રાણાવાવ પોલીસ સ્ટેશન સામે આવેલા કિશાન સુવિદ્યા કેન્દ્ર ખાતે ખેતી અધિકારી અને ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં રોજકામ કરવામાં આવ્યું હતું જેમાં તપાસ કરવામાં આવતા ઓછું ખાતર જોવા મળ્યું હતું. રાણાવાવ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઇ ખીસ્તરીયા, બખરલાના ખેડૂત આવડાભાઇ ખુંટી, રાણાવાવના લખમણભાઇ દેવા વગેરેની ઉપસ્થિતીમાં રોજકામ કરવામાં આવતાં ડી.એ.ડી.માં પ00 ગ્રામ જેટલું ઓછું વજન જણાઇ આવ્યું હતું. એન.ટી.કે.માં 400 ગ્રામ જેટલું ઓછું વજન જણાયું હતું. 6 મહિના જુના સ્ટોકમાં પણ ઓછું વજન જણાયું હતું. ડી.એ.બી.ની 340 થેલી સ્ટોક નજરે ચડયો હતો જ્યારે એનપીકેની 80 થેલી પડી હતી. ખેડૂતોને 1 થેલી દીઠ 1પ રૂપિયાનું નુકશાન થયું હોવાનું જણાવાયું હતું અને તેનું રોજકામ પણ કરાયું હતું.
ઉપલેટામાં જનતા રેઇડ
ગુજરાતમાં પેક થેલીમાં રાસાયણિક ખાતર ઓછું ભરતી કરતા હોવાના અને ખેડૂતોને ઓછું ખાતર આપી કંપની દ્વારા છેતરપિંડીની ફરિયાદો ઉઠવા પામેલ છે. ત્યારે ઉપલેટામાં પણ છેતરપિંડી થતી હોવાની ફરિયાદો કોંગ્રેસ પાસે આવતા શહેર કોંગ્રેસના પ્રમુખ-કૃષ્ણકાંત ચોટાઇ, તાલુકા પંચાયતના પ્રમુખ લાબાભાઇ ડાંગર, રમણીકભાઇ લાડાણી, લખમણભાઇ ભોપાલા, કપીલભાઇ સોલંકી, કમલેશભાઇ વ્યાસ સહિતના કોંગ્રેસના આગેવાનો, કાળા નાલા પાસે આવેલ સરદાર ફર્ટિલાઇઝર્સના ડેપોએ ધસી ગયા હતા અને ખાતરની થેલીઓમાં ખાતર ઓછું હોવાની ફરિયાદો અંગે ડેપો ઉપર હાજર રહેલ મેનેજર પરમારને જાણ કરતાં તેઓએ આ થેલીઓ કંપનીમાંથી આવતી હોવાનું જણાવેલ હતું.
જામનગર:
જામનગરના રણજીત સાગર રોડ ઉપર આવેલા ખાતરના ડેપોમાં કોંગ્રેસના અગ્રણી અને લોકસભાની તાજેતરની ચૂંટણીમાં ઉમેદવાર મુળુભાઇ કંડોરિયા અને પાલભાઇ આંબલિયા સહિતના અગ્રણીઓએ ચેકિંગ કરાવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ડીએપી ખાતરની ત્રણ બોરીમાં ઓછું વજન હોવાનું જણાયું હતું. જેમાં એક બોરીમાં 120 ગ્રામ, બીજી બોરીમાં 420 ગ્રામ અને ત્રીજી બોરીમાં 570 ગ્રામ વજન ઓછું હોવાનું માલૂમ પડયું હતું.
May 6, 2019
fraud.jpg
1min6050
ઉદ્યોગપતિની ખોટી સહીઓ દસ્તાવેજો બનાવી કૃત્ય આચરનાર નવેય પૂર્વ ભાગીદારોની ધરપકડ
ગોંડલ, તા.5: ગોંડલના ગુંદાળા રોડ ઉપર આવેલ શ્રીનાથજી સ્પીન ટેક્ષ પ્રા. લી. મીલ બંધ થઇ ગયા બાદ નવ ભાગીદારોએ દેના બેંક ગોંડલ શાખામાંથી રૂ. 7 કરોડની લોન લઇ છેતરપીંડી કરતા ઉદ્યોગપતિ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી નવેયની ધરપકડ કરી હતી.

ગોંડલ કૈલાશબાગ સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિ રસિકભાઈ મારકણાએ સીટી પોલીસમાં હરસુખભાઇ પરબતભાઇ લકકડ (રહે.પ્રદ્યુમન પાર્ક, બીગ બજાર સામે રાજકોટ), પ્રદીપકુમાર ગાવિંદભાઇ લકકડ (રહે.માવજી જીણા સોસાયટી માણાવદર જી.જુનાગઢ), રત્નાબેન સંજયભાઇ લકકડ (રહે.મેખાટીંબી તા.ઉપલેટા), સ્વાતીબેન પ્રકાશભાઇ લકકડ (રહે.જેતપુર પેટ્રોલ પંપ સામે જી.રાજકોટ), હેમતભાઇ પરબતભાઇ લકકડ (રહે.આનંદ પ્લોટ નં.20 નવીનનગર, જલારામ પ્લોટ-2 યુનિવર્સીટી રોડ, રાજકોટ), જાતિનભાઇ ધીરજલાલ લકકડ (રહે.આશુતોષ એપાર્ટમેન્ટ ગીતાનગર શેરી નં.1 રાજકોટ), મનોજભાઇ ગાવિંદભાઇ લક્કડ (રહે.માવજી જીણા સોસાયટી માણાવદર જી.જુનાગઢ),  જયેશ શાંતિભાઇ લકકડ (રહે.મેખાટીંબી તા.ઉપલેટા જી.રાજકોટ) તથા રવિ હરસુખભાઇ લકકડ (રહે.શીવમ-3 પ્રદ્યુમન પાર્ક આલાપ હેરીટેઝ સામે કાલાવડ રોડ, રાજકોટ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવાયા મુજબ ઉપરોક્ત વ્યક્તિઓ સાથે ફરીયાદીને વર્ષ 2012 પહેલા ગુંદાળા રોડ ઉપર શ્રીનાથજી સ્પીન ટેક્ષ પ્રા. લી. નામનું કારખાનું શરૂ કર્યું હતું. પણ થોડા સમયમાં ભાગીદારી છૂટી પણ થઇ ગઇ હતી.
બાદમાં આરોપીઓએ જુદા જુદા એગ્રીમેન્ટમાં ફરિયાદી તથા સોમાભાઇ છનાભાઇ સદાદીયાના નામના દસ્તાવેજો બનાવી તે દસ્તાવેજોમાં બનાવટી સહીઓ કરી, શ્રીનાથજી સ્પીન ટેક્સ પ્રા.લી.ના નામે દેના બેંકમાંથી લોન ઉપાડી, તે લોન પૈકી ટર્મ લોનના રુ.2,32,000,00 તથા સી.સી. લોનના રુ 4,73,00,000 એમ કુલ મળી રુ.7,05,00,000 લોનના નાણા દેના બેંક ગોંડલની શાખામાં નહી ભરી, દેના બેંક તથા ફરિયાદી સાથે છેતરપીંડી કરી હતી. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી નવેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
May 4, 2019
nalin_kotadia.jpg
1min6190

બીટકોઈન કૌભાંડમાં જેલમાં પુરાયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ગુજરાત હાઈ કોર્ટે શરતી જામીન આપ્યા છે. હાઈ કોર્ટે જામીન આપવાની સાથે જ કેટલીક શરતો પણ મૂકી છે, જે મુજબ નલિન કોટડિયા તેમના ગૃહનગર અમરેલીમાં પ્રવેશ કરી શકશે નહીં. આ ઉપરાંત તેઓ બીટકોઈન ઉપર કોઈ પણ પ્રકારનો દાવો રજૂ કરી શકશે નહીં.

ગુજરાતમાં ચકચાર મચાવનારાં બીટકોઈન કૌભાંડની યોજના નલિન કોટડિયાએ જ બનાવી હતી. કિરીટ પાલડિયા પાસેથી કોટડિયાને માહિતી મળી હતી કે, સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસે બીટકોઈન છે અને છેલ્લા ઘણા વર્ષોમાં તેણે મોટી કમાણી કરી છે. જો શૈલેષને ઉપાડીને ધમકાવવામાં આવે તો તે બીકને કારણે પૈસા આપી શકે એમ છે. આથી, નલીન કોટડિયાએ સુરતના વકીલ કેતન પટેલ ઉર્ફે ભંડેરીનો સંપર્ક કર્યો હતો. ભંડેરી અને જગદીશ પટેલ સંપર્કમાં હતા, કારણ કે જગદીશ પટેલ સુરતમાં ડીએસપી તરીકે નોકરી કરી ચુકયા હતા. કિરીટ પહેલા સીબીઆઈના નામે શૈલેષને ડરાવી પાંચ કરોડ જેવી માતબર રકમ પડાવી લીધી હતી. ત્યાર પછી શૈલેષ ભટ્ટને ઉપાડતા પહેલા ઈન્સપેકટર અનંત પટેલ, કેતન ભંડેરી અને કિરીટ પાલડિયાની ગાંધીનગર હાઈવે પાસે કોબા સર્કલ ખાતે એક મિટિંગ થઈ હતી. કિરીટ પાલડિયાએ ત્યાર બાદ શૈલેષને લોકેશન મોકલી નિધિ પેટ્રોલ પંપ આવી જવાનું કહ્યું હતું. ત્યારે શૈલેષ આવી પહોંચતા અનંત પટેલે ત્યાં પહોંચી તેનું અપહરણ કરી બીટકોઈન પડાવી લીધા હતા. આ કેસમાં આખરે લાંબી દડ મજલને અંતે પોલીસે કોટડિયાની ધરપકડ કરી હતી.

May 3, 2019
ipl-2019-min-1024x585.jpg
1min5620

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ કમલેશ જવેલર્સની પાછળ રાજકમલ એપાર્ટમેન્ટમાં આઇપીએલના સટ્ટાનું નેટવર્ક ચાલતું હોવાની ચોકકસ બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સના પીએસઆઈ સતિષ રામાણી સહિતના સ્ટાફે તા.1 મે 2019ના રોજ રેડ પાડતા દિલ્હી ચેન્નાઈની મેચ પર વલણની આપલે કરી રહેલા સટ્ટાબાજ બુકીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

રાજકોટ પોલીસે આઈપીએલ સટ્ટો ચલાવતા નામચીન બૂકી સચિન નરેન્દ્રભાઈ ઠકકર તેમજ અલ્પેશ નવીન સુવા, પ્રકાશ ભરત મોરજરિયા, શ્યામ જમનાદાસ, અંકુર, ધર્મેશ, શિવરાજ ભરતસિંહ સિસોદિયા સહિત 9 શખસોને ઝડપી લઈ તેની પાસેથી રૂા.2.89 લાખની મત્તા કબજે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરના પોશ વિસ્તારમાં આઈપીએલ સટ્ટાના દરોડામાં 15 કલાકથી વધુ ચાલતા સ્ટેટ વિજિલન્સની તપાસમાં 50થી વધુ શખસોના નામ ખુલતાં તેમજ આ સટ્ટો સ્થાનિક પોલીસની મંજૂરીથી ચાલતો હતો કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

રાજકોટ : આઇપીએલ પર સટ્ટો રમતા નામચીન બુકીઓ સહીત 9 લોકો ઝડપાયા

ગુજરાતમાં ક્રિકેટની સૌથી મોટી ઇવેન્ટ આઇપીએલ પર મોટા પાયે આંતર રાજ્ય સ્તરનો સટ્ટો રમાઇ રહ્યાની ફરીયાદો વચ્ચે બુધવારે રાજકોટ પોલીસને મોટી સફળતા મળી હતી. ફરિયાદોના આધારે સ્ટેટ વિજિલન્સ ટીમે આઇપીએલ મેચ પર સટ્ટાના નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસે નામચીન બૂકી સહિત 9 શખસોને ઝડપી લઈ પોણા ત્રણ લાખની મત્તા કબજે કરતા 50થી વધુ શખસોના નામ ખુલતાં વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

 

May 2, 2019
masood1.jpg
1min6480

સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)એ બુધવારે (01/05/2019) પાકિસ્તાનમાંના જૈશે મહંમદના વડા મસૂદ અઝહરને ‘વૈશ્ર્વિક ત્રાસવાદી’ જાહેર કર્યો હતો. અગાઉ, ચીને મસૂદ અઝહરને બ્લૅકલિસ્ટ કરવાની (કાળી યાદીમાં મૂકવાની) દરખાસ્ત સામે પોતાના દ્વારા ટૅક્નિકલ કારણ આપીને ઊભું કરાયેલું વિધ્ન દૂર કરતા માર્ગ મોકળો થયો હતો.

સંયુક્ત રાષ્ટ્રસંઘમાંના ભારતના કાયમી પ્રતિનિધિ અને રાજદૂત સૈયદ અકબરુદ્દીને ટ્વીટ કર્યું હતું કે અમે મસૂદ અઝહરને વૈશ્ર્વિક પ્રતિબંધ માટેની યાદીમાં મૂકવા માટેની કાર્યવાહીમાં ટેકો આપનારા દેશોના આભારી છીએ.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરતા હવે તેની અસ્કયામત સ્થગિત કરાશે અને તેના પર (અન્ય દેશમાં) મુસાફરી કરવા પર તેમ જ તેને શસ્ત્રો અને ભંડોળ આપવા પર પ્રતિબંધ મુકાશે. ફ્રાંસ, યુકે અને અમેરિકાએ મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. ચીન આ દરખાસ્ત સામે ટૅક્નિકલ કારણ રજૂ કરીને અવારનવાર વિઘ્ન નાખતું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રતિબંધ મૂકતી સમિતિના સભ્યો સર્વસંમતિથી નિર્ણય લે છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે પણ તાજેતરમાં બીજિંગ ખાતે જણાવ્યું હતું કે અમે મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવાની દરખાસ્તનો મુદ્દો સલાહમસલતથી જલદી ઉકેલીશું.

અગાઉ, ચીને જૈશે મહંમદના વડાને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત સામે છેલ્લે 13મી માર્ચે વિઘ્ન નાખ્યું હતું અને તે પસાર થતાં અટકાવી હતી.

મસૂદ અઝહરને વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કરવા માટેની ચોથી દરખાસ્ત 13મી માર્ચે રજૂ કરાઇ હતી. જૈશે મહંમદના વડા સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં છેલ્લાં દસ વર્ષથી પ્રયાસ થઇ રહ્યા છે. ભારતે આવી એક દરખાસ્ત 2009માં જાતે રજૂ કરી હતી અને તે પછી 2016માં આવી વધુ એક દરખાસ્ત અમેરિકા, ફ્રાંસ અને યુકેના ટેકાથી રજૂ કરાઇ હતી.

April 30, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5370

ભાવનગરમાં હત્યાનો વધુ એક બનાવ: છ દિવસમાં પાંચમી હત્યા

ભાવનગરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો હતો. છ દિવસમાં ખૂનના પાંચ બનાવમાં જયંતીભાઇ સોમાભાઇ કડવા નામના આધેડનું ધોકાના ઘા મારીને તેના ભાણેજ અરવિંદ મંગાભાઇએ ખૂન કર્યુ હતું.
પ્રભુદાસ તળાવ  પાસે ટીટી ચોક વિસ્તારમાં ભારત મીલ નજીક જયંતીભાઇ સોમાભાઇ કડવા નામના આધેડ પર ધોકાથી હુમલો થયો હતો. માથાના ભાગે ધોકાના ઘા ઝીંકાવાના કારણે ગંભીર રીતે ઘવાયેલા આ આધેડને સારવાર માટે  હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મૃત્યુ નિપજતા બનાવ ખૂનમાં પરિણમ્યો હતો. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી મનિષ ઠાકર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક જયંતીભાઇ ઉપર તેના ભાણેજ અરવિંદ મંગાભાઇએ હુમલો કરીને હત્યા કર્યાનું ખુલ્યું હતું. આ ખૂનના બનાવ પાછળનું કારણ શું છે? તેની તપાસ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હત્યા કરવાની હોડ લાગી હોય તેમ છેલ્લા છ દિવસમાં ખૂનનો પાંચમો બનાવ બન્યો હતો.
April 27, 2019
narayan.jpg
1min12000

લાંબા સમયથી દુષ્કર્મ સહિતના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઇ સામે પણ વર્ષ 2013માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના કેસની છ વર્ષ સુધી ટ્રાયલ ચાલ્યા બાદ સુરતની સ્થાનિક અદાલતે નારાયણ સાંઈ સહિત 10 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. તમામ આરોપીઓને સજાનું એલાન 30 એપ્રિલના રોજ કરવામાં આવશે.

નારાયણ સાંઈ વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાધક પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. નારાયણ સાંઈની સાધક મહિલાનો આરોપ હતો કે, નારાયણ સાંઈએ તેની સાથે વર્ષ 2002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ નારાયણ સાંઈ ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. પોલીસે નારાયણ સાંઈની ધરપકડ કર્યા બાદ કેસની પ્રક્રિયા શરૂ હતી તે દરમિયાન રૂપિયા 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલો કરાવવાના ગુના પણ નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયા હતા. આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ચુકી છે અને કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. દોષિત જાહેર થયા બાદ નારાયણ સાંઈને સુરતની લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યો હતો. દોષિત જાહેર થયા બાદ કોર્ટ બહાર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. નારાયણ સાંઈને ખૂબ જ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બહાર નીકળતી વખતે નારાયણ સાંઈએ હાજર લોકોને બે હાથ જોડ્યા હતા. આ દરમિયાન તેના ચહેરા પર કંઈ ખોટું કર્યાંનો બિલકુલ રંજ દેખાયો ન હતો.