
કુરાર પોલીસે શનિવારે સવારે મલાડમાં કાર રોકી નીલકુમાર રાજેશભાઈ શાહને પકડી પાડ્યો હતો. તેની કારમાં સેનિટાઈઝરનાં કેન મળી આવ્યા હતા, જેની પર કોઈ પણ અધિકૃત કંપનીનું લેબલ નહોતું, ઉત્પાદનની તારીખ, ગ્રુપ નંબર, એક્સપાયરી ડેટ નહોતી. ઉત્પાદન કરતી સંસ્થાનો લાઈસન્સ નંબર વગેરે વિગતો પણ નહોતી. પોલીસે પૂછપરછ કરતાં નીલે બરોબર જવાબ આપ્યા નહોતા. આથી ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા.
ડ્રગ્સ ઈન્સ્પેક્ટર ખિવસરાએ પૂછપરછ કરતાં નીલે કેનમાં સેનિટાઈઝર છે, જે સુરતમાં પોતાની કંપનીમાં ઉત્પાદન કરીને મુંબઈમાં લોઅર પરેલમાં વેચવા માટે આવ્યો હતો એવું જણાવ્યું હતું. જોકે તે સેનિટાઈઝર ઉત્પાદનની પરવાનગી આપતું લાઈસન્સ રજૂ કરી શક્યો નહોતો. કારમાંથી ખાખી રંગનાં ૪૦ બોક્સ મળી આવ્યાં હતાં. એક બોક્સમાં અંદાજે ૫ લિટર સેનિટાઈઝરના ૧૬૦ કેન હતા. એક કેનની કિંમત રૂ. ૫૦૦ મળી કુલ રૂ. ૮૦,૦૦૦નો માલ હતો. આમાંથી ચાર કેન તાબામાં લઈ દ્રવ્યની તપાસ અને વિશ્લેષણ કરવા માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. નીલની ધરપકડ કર્યા પછી જામીન પર છોડી મુકાયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

















