
પાસોદરા વિસ્તારના બિલ્ડર રાજુભાઇ દેસાઇએ વ્યાજે લીધેલા નાણા કઢાવવા માટે બિટકોઇન કૌભાંડમાં પકડાયેલા શૈલેષ ભટ્ટે રીબડાના કુખ્યાત અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેની ટોળકીને સોપારી આપી હોવાનું ખુલ્યું છે. તેના પગલે શૈલેષ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ ઉર્ફે અનિરૂધ્ધસિંહ રીબડા મહિપતસિંહ જાડેજા સહિત 11 શખસ સામે ગુનો નોંધાયો છે.
બિલ્ડર રાજુભાઇ રવજીભાઇ દેસાઇની સરથાણા પાસેના લસકાણા ગામની સીમમાં સિધ્ધિવિનાયક ગ્રીન નામની 17 બિલ્ડીંગ સાઇટ પર પિસ્તોલ સહિત હથિયાર સાથે આવેલા ચાર શખસે કબજો જમાવી લીધો હતો. પોલીસે જૂનાગઢના સલીમ ઇબ્રાહીમભાઇ ઠેબા, હનીફ અલારખાભાઇ દરઝાદા, ઉંમર કાસભાઇ પટણી અને રાજકોટના જેતપુરના સાજીત સુલતાનભાઇ ઠેબાને ઝડપી લીધા હતાં.
આ શખસોની પુછપરછ અને બિલ્ડર રાજુભાઇ દેસાઇએ કરેલી રજૂઆતના અંતે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, પાંચ વર્ષ પહેલા 2015ની સાલમાં બિલ્ડર રાજુભાઇ દેસાઇને પૈસાની જરૂરિયાત ઉભી થતાં બિટકોઇન કૌભાંડમાં પકડાયેલા શૈલેષ ભટ્ટ અને વિજય શાંતિલાલ ખોખરિયા પાસેથી રૂ. ચાર કરોડ માસિક દોઢ ટકાના વ્યાજે લીધા હતાં. તેની સામે રાજુભાઇ પાસેથી સીકયુરીટી પેટે કબજા વગરનું રજીસ્ટર સાટાખત કરાવી લેવામાં આવ્યું હતું. બાદમાં દોઢ ટકાના બદલે સાડા ચાર ટકા લેખે વ્યાજ વસુલ કરવા માટે શૈલેષ ભટ્ટના ભાણેજ નિકુંજ ભટ્ટના નામે લખાણ કરાવી લીધું હતું. વ્યાજે લીધેલા રૂ. ચાર કરોડ સામે વ્યાજ સહિત રૂ. છ કરોડ ચુકવી દીધા હતાં.
શૈલેષ ભટ્ટે રૂ. 25 કરોડ બળજબરીથી કઢાવવા માટે અનિરૂધ્ધસિંહ ઉર્ફે અનિરૂધ્ધસિંહ રીબડા મહિપતસિંહ જાડેજા અને તેની ટોળકીના સભ્યોને સોપારી આપી હતી. તેના ભાગરૂપે એ ટોળકીના ચાર શખસ ચાર પિસ્તોલ સહિત હથિયાર સાથે આવીને બિલ્ડરની જમીન અને સાઇટ પર કબજો જમાવી દીધો હતો. ચાર દિવસ પહેલા તા. 20મીએ શબ્બીર નામના શખસે રિવોલ્વર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને બાર જેટલા માણસો સાથે સાઇટનો કબજો કરીને ફેન્સીંગ કરી લીધી હતી. આ અંગે સરથાણા પોલીસે શૈલેષ બાબુલાલ ભટ્ટ, નિકુંજ ભટ્ટ, વિજય શાંતિલાલ ખોખરિયા, વકીલ ધર્મેશ પટેલ, રીબડાના અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, શબ્બીર, સલીમ ઠેબા,જેતપુરના સાજીત ઠેબા, હનીફ દરઝાદા, ઉંમર પટણી સહિત 11 સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ફરિયાદની તપાસ સુરત ક્રાઇમ બ્રાંચને સુપ્રત કરવામાં આવી છે.










