બોગસ ટેલિવિઝન રૅટિંગ પોઇન્ટ્સ (ટીઆરપી) કૌભાંડ બહાર આવ્યા બાદ બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી)એ ગુરુવારે બધી જ ભાષાની સમાચાર ચેનલોની સાપ્તાહિક રૅટિંગ હંગામી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી હતી.
ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોશિયેશન (એનબીએ)એ બીએઆરસીના સાહસી પગલાંને વધાવતા આખી સિસ્ટમ બદલવાની જરૂર હોવાની વાત જણાવી હતી. સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે કાઉન્સિલ હાલની પ્રણાલીને બદલવા અને એમાં સકારાત્મક સુધારા કરવા માગે છે અને એ કારણે સાપ્તાહિક રૅટિંગ હંગામી ધોરણે ૧૨ સપ્તાહ સુધી બંધ કરવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં મુંબઇની પોલીસે આ કૌભાંડને મામલે પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી.
પકડાયેલી વ્યક્તિઓમાં ન્યૂઝ ચેનલના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જોકે, આ મામલે પોલીસે અરનબ ગોસ્વામીની આગેવાનીવાળી રિપબ્લિક મીડિયા જૂથના અધિકારીઓની પણ પૂછતાછ કરી હતી. રિપબ્લિક મીડિયા જૂથે પોતે કંઇપણ ખોટું ન કર્યું હોવાનું જણાવ્યું હતું.
આ મામલે રિપબ્લિક ટીવી અને અરનબ ગોસ્વામીએ મુંબઇ પોલીસ વિરુદ્ધ દાખલ કરેલી અરજી ફગાવતા સુપ્રિમ કોર્ટે કેસ મુંબઇની વડી અદાલતમાં દાખલ કરવાની સલાહ આપી હતી.
બીએઆરસી દ્વારા જાહેર કરાતા ઑડિયન્સનો અંદાજ જાહેરાતના ખર્ચને અસર કરતો હોય છે. પોલીસના જણાવ્યા અનુસાર વાર્ષિક કુલ રૂ. ૩૨૦૦૦ કરોડનો ખર્ચ જાહેરાતો પાછળ કરાયો હતો. પોલીસે એવો દાવો કર્યો હતો કે અમુક ઘરોમાં મોનિટરો મૂકીને રૅટિંગમાં વધારો કરાતો હતો.
સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે તાજેતરની ઘટનાને ધ્યાનમાં લઇને બીએઆરસી બૉર્ડે એવો નિર્ણય લીધો છે કે પોતાની ટૅક્નિકલ સમિતિ હાલની રૅટિંગ પદ્ધતિની સમીક્ષા કરીને એમાં યોગ્ય સુધારો કરીને આ રીતે મોનિટરો દ્વારા વધારવામાં આવતા રૅટિંગને રોકવા માટે યોગ્ય પગલાં દર્શાવે.
તાત્કાલિક ધોરણે આ કવાયતમાં બધી જ હિંદી, સ્થાનિક ભાષાઓ તથા અંગ્રેજી સમાચાર અને વ્યાપાર ચૅનલોને કવર કરવામાં આવશે.
આ કવાયત પૂરી ન થાય ત્યાર સુધી બીએઆરસી બધી જ ભાષાની સમાચાર અને વ્યાપાર ચૅનલો માટેની સાપ્તાહિક વ્યક્તિ રૅટિંગ જાહેર નહીં કરે. આ કવાયત ૮થી ૧૨ સપ્તાહ સુધી ચાલશે અને એમાં વૅલિડેશન તથા ટેસ્ટિંગનો સમાવેશ થાય છે.
આ સિવાય બીએઆરસી સિસ્ટમને વધુ સુદૃઢ બનાવવાનો અને ગેરકાયદે રૅટિંગમાં ફેરફાર ન થાય એવો પ્રયાસ કરશે.
દરમિયાન, એનબીએએ જણાવ્યું હતું કે એમના મતે ટીઆરપીને સસ્પેન્ડ કરવાનું મહત્ત્વનું પગલું બીએઆરસીએ લીધું છે. એમણે આ ૧૨ સપ્તાહનો ઉપયોગ આખી સિસ્ટમને બદલવા માટે અને સશક્ત બનાવવા માટે કરવો જોઇએ.
ઘણાં વર્ષોથી એનબીએ ટીવી વ્યુવરશીપ ડેટામાં વધઘટ વિશે ચિંતા વ્યક્ત કરતું રહ્યું છે.
એનબીએના પ્રમુખ રજત શર્માએ જણાવ્યું હતું કે તાજેતરમાં જાહેર થયેલા કૌભાંડને કારણે મૅઝરમેન્ટ ઍજન્સીની બદનામી થઇ છે અને એ સાથે ન્યૂઝ મીડિયાની પણ બદનામી થઇ છે.
ભ્રષ્ટાચાર કરીને ટીઆરપી વધારવાની બાબતે ભારત શું જુએ છે એ વિશે ખોટ્ટા અભિપ્રાય જાહેર થાય છે અને બીએઆરસીએ આવું ભવિષ્યમાં ન થાય એ માટે નક્કર પ્રણાલી બનાવવી જરૂરી છે.
















