
દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલા તોફાનો અને લાલ કિલ્લા પર કેસરી ઝંડો ફરકાવવા અને ઉપદ્રવીઓને ભડકાવવા બદલ પંજાબી અભિનેતા દીપ સિધૂની દિલ્હી પોલીસની સ્પેશ્યલ ટીમે મંગળવારે સવારે ધરપકડ કરી છે. દીપ દીધૂ 26 જાન્યુઆરીએ થયેલા તોફાન બાદ ફરાર હતો. દિલ્હીની ટ્રેક્ટર રેલી હિંસા બાદ ફરાર દીપને પકડવા માટે દિલ્હી પોલીસે રૂ. 1 લાખનું ઈનામ જાહેર કર્યું હતું.
પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં તોફાનો થયા ત્યારે દીપ સીધૂ લાલ કિલ્લા ખાતે હાજર હતો અને ભડકાઉ ભાષણ આપી રહ્યો હતો. જો કે હિંસા ભડકતા જ તે ફરાર થઈ ગયો હતો. હિંસા પછી દીપ સિધૂ પોલીસની રડારમાં આવી ગયો હતો અને તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા.
દિલ્હીથી ભાગ્યા બાદ દીપ સિધૂનું લોકેશન હરિયાણા હતું અને ત્યારપછી તે પંજાબમાં હોવાનું જણાતું હતું. દીપ સિધૂએ થોડા દિવસો અગાઉ ફેસબુક લાઈવ કરીને ખેડૂત નેતાઓને ખુલ્લી ચેતવણી આપી હતી. દીપે ધમકી આપતા કહ્યું હતું કે જો કોઈએ મોઢું ખોલ્યું છે અને ખેડૂત આંદોલનની અંદરની વાત જાહેર કરી છે તો ખેડૂત નેતાઓએ ભોગવવું પડશે અને ભાગવાન રસ્તો પણ નહીં મળે.
દીપ સિધૂ પંજાબી ફિલ્મોનો એક્ટર છે અને સામાજિક કાર્યકર છે. દીપે પોતાની ફિલ્મ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત પંજાબી ફિલ્મ રમતા જોગીથી કરી હતી, જેના પ્રોડ્યુસર ધર્મેન્દ્ર હોવાનું કહેવામાં આવે છે. દીપ સિધૂનો જન્મ 1984માં પંજાબના મુક્તસર જિલ્લામાં થયો છે. દીપે કાયદાનો અભ્યાસ કર્યો છે. તે કિંગફિશર મોડેલ એવોર્ડ જીતી ચૂક્યો છે. 17 જાન્યુઆરીના સીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલા કેસમાં એનઆઈએએ સિધૂની પૂછપરછ કરી હતી.























