CIA ALERT
17. May 2024
May 4, 20211min444

સુરતમાં ફુગ્ગા વેચવાના બ્હાને દિવસમાં બંગ્લાની રેકી : રાત્રે ધાડ પાડનારી ગેંગ ઝબ્બે

Share On :
Print Friendly, PDF & Email

મુળ મધ્ય પ્રદેશના વતની એવા આ આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી સુરતમાં અલગ – અલગ વિસ્તારોમાં દિવસ દરમ્યાન રેકી કરીને મોડી રાત્રે ઘટનાને અંજામ આપી નાસી છૂટતા હતા. શહેરના મોટા વરાછા ખાતે લેક ગાર્ડન પાસે કોમ્બિંગ દરમ્યાન ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયેલી આ કુખ્યાત ટોળકી વિરૂદ્ધ માત્ર સુરત શહેરમાં જ 14 ગુન્હા નોંધાયેલા છે. આ સિવાય રાજ્યના અમદાવાદ – આણંદ સહિતના અન્ય શહેરોમાં પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 1.50 લાખ રૂપિયાના સોના – ચાંદીના દાગીના સહિત કુલ્લે 3.66 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

    સુરત પોલીસ કમિશ્નરે આજે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ઝડપાયેલા તમામ આરોપીઓ છેલ્લા ચાર મહિનાથી સુરતના અમરોલી બ્રીજ પાસે આવેલ ખુલ્લા પ્લોટ પર શ્રમિકોનો વેશ ધારણ કરીને વસવાટ કરતા હતા. કોઈને શંકા ન થાય તે માટે આરોપીઓ પૈકી દેવા પારધી, રુકેશ ચોટલી, સચિન પારધી, કાલુ અને રાજકુમાર નામના ઈસમો શહેરના વિવિધ વિસ્તારોમાં ફુગ્ગા વેચવાના બ્હાને રેકી કરતા હતા. અલગ – અલગ વિસ્તારોમાં રેકી કર્યા બાદ આ પાંચેય ઈસમો સાંજે સાતેક વાગ્યા સુધી પોતાની ટોળકી પાસે પરત પહોંચી જતા હતા અને બાદમાં આખે આખી ટોળકી રાત્રિના આઠેક વાગ્યા સુધી નક્કી કરેલા લોકેશન પર પહોંચી જતા હતા. જ્યાં આ ટોળકી નક્કી કરેલા લોકેશનની આસપાસ આવેલ અવાવરૂ જગ્યામાં છુપાઈ જતા હતા. રાત્રે દોઢથી બે વાગ્યાના સુમારે આ આરોપીઓ પોતાના તમામ કપડા કાઢીને માત્ર ચડ્ડી – બનિયાન પહેરી લુંગીમાં ઘરફોડ માટેના સાધનો છુપાવીને નક્કી કરેલા બંગલા પર ત્રાટકતા હતા.

તમામ આરોપીઓએ આ ધાડ દરમ્યાન પોત – પોતાની કામગીરી વ્હેંચી લેતા હતા. જેમાં બંગલાની બારીના ખિલ્લા પેચીયાથી ખોલવાનું કામ રાજકુમા્ર, દેવા પારધી અને ગજરાત કરતા હતા જ્યારે રુકેશ ચોટલી અને કાલુ નામના ઈસમો ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડવાનું કામ કરતા હતા. આ સિવાય અન્ય આરોપીઓ બંગલાની આસપાસ ઉભા રહીને વોચ રાખતા હતા. આ દરમ્યાન જો કોઈ કુતરા કે માણસો આવી ચઢે તો ગિલોલથી તેઓને ભગાડી દેતા હતા. ધાડને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ પુનઃ નક્કી કરેલા સ્થળે પહોંચી જતા જ્યાં પેન્ટ – શર્ટ પહેરીને સવાર થવાની રાહ જોતા હતા. લોકોની અવર – જવર શરૂ થતાં આ તમામ આરોપીઓ ભીડમાં ચાલતા ચાલતા અમરોલી બ્રીજ પાસે આવેલા ખુલ્લા પ્લોટ પર એકઠા થઈ જતા હતા. જ્યાં ધાડમાંથી મળેલા મુદ્દામાલનો સરખે હિસ્સે વહેંચી લેતા હોવાનું જાણવા મળ્યું છે.ક્રાઈમ બ્રાંચ દ્વારા આજે આરોપીઓની ધરપકડ બાદ જણાવવામાં આવ્યું હતું કે, આ ગેંગ દ્વારા માત્ર સુરતમાં જ નહીં રાજ્યના અમદાવાદ, આણંદ, ખેડા, ડીસા, વલસાડ, બરોડા, નવસારીમાં ધાડ પાડવામાં આવી હતી. આ સિવાય આ ગેંગ દ્વારા મુંબઈ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને પંજાબ ખાતે પણ અલગ – અલગ શહેરોમાં ઘટનાને અંજામ આપવામાં સફળ રહ્યા હતા. જેની તલસ્પર્શી તપાસ ક્રાઈમ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવી છે.

    (1) નંદુ કનૈયા પારધી (2) દિનેશ બન્નેસિંગ પારઘી (3) બાપુસિંગ ઉર્ફે બાપુ શાહસીંગ ફુલમાળી (4) બલ્લાભાઈ કનૈયાલાલ ભીલ (5) કાલુ બાલા બામણી (6) રાજકુમાર ચુન્નીલાલ પવાર (7) રાજુ બાલા સોલંકી (8) વિકાસ બાબલા સોલંકી (9) અર્જુન પ્રેમસીંહ સોલંકી (10) સિમ્બા દુર્ગા પવાર.

    ક્રાઈમ બ્રાંચના હાથે આજે ઝડપાયેલા આરોપીઓ મુળ મધ્ય પ્રદેશના અલગ – અલગ જિલ્લાના રહેવાસીઓ છે. જો કે, છેલ્લા ઘણા સમયથી આ ટોળકી દ્વારા સુરત શહેરમાં ધામા નાખવામાં આવ્યા હતા. પોલીસના હાથે ઝડપાયેલી આ ટોળકીની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન સુરત શહેરમાં જ 14 સ્થળે ધાડ પાડી હોવાનું જાણવા મળ્યું છે. 

    શહેરના પોશ વિસ્તારમાં આવેલા બંગ્લાઓને ટાર્ગેટ કરીને ધાડ પાડતી ગેંગની ધરપકડ દરમ્યાન પોલીસે આજે છ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ તમામ આરોપીઓ પણ મુળ મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. વોન્ટેડ જાહેર કરવામાં આવેલા આરોપીઓમાં રૂકેશ ઉર્ફે ચોટલી સુરેશ પારઘી, દેવા રૂપા પારઘી, સચીન ભલ્લા ભીલ, ગજરાજ, મોન્ટી નંદુ પારઘી અને કાલાનો સમાવેશ થાય છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા આ તમામ આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે.

    ધાડપાડુ ગેંગના આરોપીઓ ખુબ જ શાતિર હોવાની સાથે સાથે પોતાના કામની પણ લાયકાત મુજબ વ્હેંચણી કરતા હતા. આ ગેંગના 10 સભ્યો પૈકી ત્રણ સભ્યો મકાનની બારીની ગ્રીલ ખોલતા જ્યારે બે સભ્યો ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડવાની કામગીરી કરતા હતા. આ સિવાયના તમામ આરોપીઓ ટાર્ગેટ કરવામાં આવેલા મકાનની આસપાસ ઉભા રહીને ધાડને અંજામ આપનારા સભ્યોને ચેતવતા હતા. આ દરમ્યાન કુતરા કે અન્ય કોઈ ઈસમ આવી પહોંચે તો તેને ગિલોલમાં પથ્થર મુકીને મારવાનું શરૂ કરી દેતા. ઉલ્લેખનીય છે કે, લાખ્ખો રૂપિયાની ધાડને અંજામ આપનારાઓ દ્વારા ઘરફોડના સાધનો સિવાય માત્ર ગિલોલનો જ હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના પોશ વિસ્તારોમાં ફુગ્ગા વેચવાના બ્હાને આખો દિવસ રેકી કર્યા બાદ જે બંગલાને ટાર્ગેટ કરવામાં આવ્યો હોય ત્યાં રાત્રે આઠ વાગ્યા પહેલા આ ટોળકી પહોંચી હતી. બંગ્લાની આસપાસ આવેલા અવાવરૂ સ્થળે કપડાં બદલીને આ ટોળકી છુપાઈને બેસી રહેતી. મોડી રાત્રે 1.30 વાગ્યા બાદ આ ટોળકી ચડ્ડી – બનિયાન પહેરીને ધાડની ઘટનાને અંજામ આપતા હતા. આ દરમ્યાન ધાડમાં મળેલ મુદ્દામાલ એકઠો કરીને આરોપીઓ રસોડામાં પ્રવેશ કરતા હતા અને જે કંઈ ભોજન બચ્યું હોય તે ખાઈ લેતા હતા. આ દરમ્યાન ઘરનો કોઈ સભ્ય જાગી જાય તો તેના પર પથ્થરથી હુમલો કરતા હતા. 

ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ શહેરમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખીને આ ટોળકી પોતાના વતન જવા માટેની કવાયત હાથ ધરી હતી. જો કે, ક્રાઈમ બ્રાંચે આ સંદર્ભે જાણ થતાં જ અલગ – અલગ ટીમો બનાવીને બાતમીવાળા સ્થળો પર કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જે દરમ્યાન આ તમામ આરોપીઓ મોટા વરાછા ગામ ખાતે આવેલા લેક ગાર્ડન પાસે ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોના – ચાંદીના દાગીના સહિત રોકડા રૂપિયા અને ઘરફોડ ચોરીના સાધનો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :