યુએસ ટેરિફ વોરના દબાણથી શેરબજારમા બ્લેક મંડે , સેન્સેક્સ અને નિફ્ટીમાં કોરોના બાદનો મોટો ઘટાડો
અમેરિકાના ટેરિફ વોરની અસરથી ભારતીય શેરબજારમા ભારે અફડા તફડી જોવા મળી છે. જેમા આજે Date 7/04/2025 સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 3914.75ના વિક્રમી ઘટાડા સાથે 71,449.94 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ આજે 1146 પોઈન્ટના ઘટાડા સાથે 21,758.40 પોઈન્ટ પર ખુલ્યો. આજે ઘણી મોટી કંપનીઓના શેર 10-10 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા. આ શેરબજારના કોરોના બાદનો સૌથી મોટો કડાકો છે. જેના લીધે રોકાણકારોના નિરાશા જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે ટ્રેડવૉરની શરુઆત સાથે જ શેરબજારમાં ભૂકંપ આવ્યો છે. સેન્સેક્સ આજે 3939.68 પોઇન્ટના કડાકા સાથે 71425.01ની બોટમે પહોંચ્યો હતો. નિફ્ટીમાં પણ ઐતિહાસિક 1160.8 પોઇન્ટનો કડાકો નોંધાયો છે. રોકાણકારોની મૂડીમાં આજે 20 લાખ કરોડનું ધોવાણ થયું છે. શુક્રવારે 403.34 લાખ કરોડ સામે બીએસઈ માર્કેટ કેપ આજે 383 લાખ કરોડ થયું છે.
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3877 પૈકી માત્ર 320 શેરમાં પણ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે 3429 શેર કડડભૂસ થયા છે. 727 સ્ક્રિપ્સ વર્ષના તળિયે અને 520 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ નોંધાઈ છે. શેરબજારમાં કોવિડ મહામારી જેવા મોટા કડાકા પાછળનું કારણ ટેરિફના લીધે વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ છે. વૈશ્વિક શેરબજારોમાં અફરાતફરીના માહોલ છે.
આજે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ફક્ત 1 કંપનીનો શેર વધારા સાથે ખુલ્યો અને અન્ય બધી 29 કંપનીઓના શેર ઘટાડા ખુલ્યા. બીજી તરફ નિફ્ટીની તમામ 50 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ કંપનીઓમાં, ફક્ત ભારતી એરટેલનો શેર 0.90 ના વધારા સાથે ખુલ્યો. જ્યારે, ટાટા સ્ટીલનો શેર આજે ૮.૨૯ ટકાના મહત્તમ ઘટાડા સાથે ખુલ્યો હતો.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ પ્લાનમાં ક્યાંય પીછેહટ કરતાં જોવા ન મળતાં વૈશ્વિક શેરબજારોમાં મોટાપાયે વેચવાલી વધી છે. અમેરિકન સ્ટોક માર્કેટમાં કોવિડ મહામારી જેવી સ્થિતિ જોવા મળી હતી. ડાઉ જોન્સ 2231 પોઇન્ટ, નાસડેક 962 પોઇન્ટ જ્યારે એશિયન શેરબજારોમાં નિક્કેઈ 2370.25 પોઇન્ટ હેંગસેંગ 2445 પોઇન્ટ તૂટ્યો છે. યુરોપિયન સ્ટોક માર્કેટ પણ 5 ટકા સુધી તૂટ્યા હતા. જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. ટ્રમ્પે ટેરિફના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક મંદી તેમજ ટ્રેડવૉર મામલે સ્પષ્ટતા કરી હતી કે, તેને આ નુકસાનની ચિંતા નથી. તે નમતું નહીં મૂકે, ટેરિફ એ અમેરિકાની આર્થિક સ્થિતિ માટે દવા રૂપે કામ કરશે. તે સુચારુ વેપાર નીતિ બનાવશે.
બ્લેક મંડે શું છે ?
19 ઓક્ટોબર 1987ના રોજ બ્લેક મંડે એ એવો સમય હતો જ્યારે વિશ્વભરના બજારો તૂટી પડ્યા હતા, યુએસ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 22.6 ટકા ઘટ્યો હતો. આ ઘટનાએ વૈશ્વિક શેરબજારમાં મંદી લાવી દીધી, જેના કારણે બ્લેક મન્ડે નાણાકીય ઇતિહાસના સૌથી ખરાબ દિવસોમાંનો એક બન્યો. આ દિવસે S&P 500 30 ટકા ઘટ્યો. આખો મહિનો આ અંધાધૂંધી ચાલુ રહી અને નવેમ્બર 1987 ની શરૂઆતમાંમોટાભાગના મુખ્ય શેરબજાર સૂચકાંકોએ તેમના મૂલ્યના 20 ટકા થી વધુ ગુમાવ્યા હતા.
સોનુ ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં પણ ભારે વેચાવાલી
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ, નીતિને પગલે અમેરિકા સહિતની વિશ્વભરની ઈક્વિટી માર્કેટમાં ગાબડાં પડતાં રોકાણકારોને થયેલી વ્યાપક નુકસાની સરભર કરવા માટે રોકાણકારો સોનામાં નફારૂપી વેચવાલીનું દબાણ વધતાં ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ એક ટકા કરતાં વધુ માત્રામાં ઘટીને સાડાત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ સાત મહિનાના તળિયે પહોંચ્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ધીમો ભાવઘટાડો આગળ ધપ્યો હતો અને ચાંદીમાં તળિયેથી ધીમો સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ગત શુક્રવારના વિશ્વ બજારનાં નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2603થી 2613નો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ રૂ. 89,000ની અંદર ઉતરી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 4535નાં ગાબડાં સાથે રૂ. 89,000ની અંદર ઉતર્યા હતા.
સ્થાનિક સોનાચાંદી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં ગત શુક્રવારના વૈશ્વિક બજારના નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની વ્યાપક વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જેમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 4535નાં ગાબડાં સાથે રૂ. 89,000ની અંદર ઉતરીને રૂ. 88,375ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2603 ઘટીને રૂ. 88,047 અને રૂ. 2813 ઘટીને રૂ. 88,401ના મથાળે રહ્યા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 39 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાની વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો થોડોઘણો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.