તમિલનાડુની ડીએમકે સરકારે એક ઐતિહાસિક નિર્ણય લઇને 10 બિલોને રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની મંજૂરી વગર જ સત્તાવાર રીતે કાયદા તરીકે અમલ કરી દીધો છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ લેવામાં આવ્યો છે. પ્રથમ વખત એવું બન્યું છે કે કોઇ રાજ્યએ રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની દખલ વગર જ બિલોને કાયદાનું સ્વરૂપ માનીને લાગુ કર્યા છે.
વિપક્ષ આ ફેરફારોને રાજ્ય સરકારની સ્વાયતત્તા અને દેશના સંઘીય ઢાંચાની જીત તરીકે જોઇ રહ્યો છે. તમિલનાડુ સરકાર દ્વારા જે પણ બિલોનો અમલ કરવામાં આવ્યો છે તે વર્ષ 2023થી રાજ્યપાલ પાસે પેન્ડિંગ હતા. આ બિલોમાં મોટાભાગનાને વિધાનસભા દ્વારા બે વખત પસાર કરવામાં આવ્યા હોવા છતા તેને મંજૂરી નહોતી મળી તેથી તમિલનાડુ સરકારે અંતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જ્યાં તેની જીત થઇ હતી. સુપ્રીમ કોર્ટે આઠ એપ્રીલના રોજ આપેલા ચુકાદામાં બિલોને દબાવી રાખવાના રાજ્યપાલના નિર્ણયને મનમાનીભર્યો ગણાવીને તેને રદ કર્યો હતો.
સુપ્રીમના આ ચુકાદાને આધાર બનાવીને હવે તમિલનાડુની ડીએમકે સરકારે કહ્યું છે કે બિલોને બીજી વખત પસાર કરીને રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યા હતા જેને મંજૂરી આપવી જ પડે. સુપ્રીમનો ચુકાદો આ બિલોને મંજૂરી મળી ગઇ છે તે રીતે લઇને તેને કાયદાના સ્વરૂપમાં અમલ કરવામાં આવી રહ્યો છે. જે પણ બિલોને લઇને રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તેમાં તમિલનાડુ યુનિવર્સિટી કાયદામાં સુધારો 2022, તમિલનાડુ ફિશરિઝ યુનિવર્સિટી કાયદામાં સુધારો 2020, ડો. આંબેડકર યુનિ. કાયદામાં સુધારો 2022 વગેરે યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા 10 બિલોનો સમાવેશ થાય છે. પ્રથમ વખત એવુ જોવા મળ્યું કે આ નોટિફિકેશનમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને તેના અમલ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
બંધારણીય જોગવાઇ મુજબ વિધાનસભામાં પસાર બિલોને રાજ્યપાલ પાસે મોકલાય છે. રાજ્યપાલ તેને મંજૂર કરે, અસ્વીકાર કરે અથવા સુધારા માટે પરત મોકલી શકે છે. પરંતુ જો વિધાનસભા પરત મોકલાયેલા બિલને ફરી પસાર કરે અને પછી રાજ્યપાલ પાસે મોકલે તો રાજ્યપાલ પછી આવા બિલોને રાષ્ટ્રપતિ પાસે ફરી વિચારણા માટે ના મોકલી શકે. તેમણે ફરજિયાત તેને મંજૂરી આપવી જ પડે. સુપ્રીમ કોર્ટે આ જોગવાઇને ધ્યાનમાં રાખીને તમિલનાડુ સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ની સુરત સ્થિત રિજિયોનલ કચેરી દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન આયોજિત કરવામાં આવેલી ત્રીજી લેબગ્રોન બાયર્સ સેલર્સ મીટમાં અમેરીકા, બૈરુત, કઝાકિસ્તાન સહિત જુદા જુદા 8 દેશોમાંથી આવેલા 18 જેટલા વેરીફાઇડ વિદેશી ખરીદારો સુરતના લેબગ્રોન ડાયમંડ માર્કેટથી એટલા પ્રભાવિત થયા કે તેમણે મુક્તમને કહ્યું કે સુરત જેટલા સસ્તા અને સારી ક્વોલિટીના લેબગ્રોન ડાયમંડ બીજે ક્યાંયથી મળ્યા નથી. તેમણે સુરત અને મુંબઇના હીરા બજારમાં જે પ્રમાણે પ્રોફેશનલિઝન અને પારદર્શી વેપારની સિસ્ટમ જોઇ એવી ક્યાંય ન હોવાનો અભિપ્રાય આપ્યો હતો. અનેક ખરીદારો એવા છે કે જેઓ નેચરલ ડાયમંડનો બિઝનેસ કરી રહ્યા હતા પરંતુ, પહેલીવાર સુરત આવ્યા છે અને હવે તેઓ લેબગ્રોન ડાયમંડ્સમાં વેપારની ઉદભવનારી અસિમીત તકને પામી ચૂક્યા છે અને તેઓ કહે છે કે હીરા બજારના વર્લ્ડ માર્કેટમાં લેબગ્રોન ડાયમંડનો પ્રભાવશાળી સમય હજુ આવવાનો બાકી છે. વિશ્વની યુવા પેઢીને હવે લેબગ્રોન ડાયમંડ્સ અને તેમાંથી બનેલા જ્વેલરી આકર્ષી રહી છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન જયંતિ સાવલિયાએ કહ્યું કે જીજેઇપીસીની આ ત્રીજી લેબગ્રોન ડાયમંડ બાયર્સ સેલર્સ મીટ છે, પહેલી બે સમિટ અત્યંત ફળદાયી નિવડી હતી. જેમાં જીજેઇપીસી ખરીદારોને વેરીફાઇડ કરે છે અને આ એવી સમીટ છે કે જેમાં વિદેશી ખરીદારો માટે કોઇ સ્ટોલ્સ કે ડિસ્પ્લે હોતા નથી પરંતુ, સીધા જ ડાયમંડ ગ્રોઅર્સ તેમજ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ સાથે વનટુ વન મિટીંગ થાય છે, ફેક્ટરી વિઝીટ થાય છે અને સ્થાનિક ઉત્પાદકોને બિઝનેસ લિડ્સ મળે છે તેમજ ભવિષ્યના ઓર્ડરો પણ મળે છે. વિદેશી ખરીદારો માટે સુરતમાંથી સુરતના ટોચના ૧૧ લેબગ્રોન ડાયમંડ ગ્રોવર્સ (ઉત્પાદકો), લૂઝ લેબગ્રોન કટ & પોલીશ્ડ ડાયમંડ્સ સપ્લાયર્સ તેમજ લેબગ્રોન ડાયમંડ જ્વેલરી મન્યુફેક્ચરર્સને પસંદ કરવામાં આવ્યા હતા. તમામે તમામ ખરીદારો વેરીફાઇડ હોય છે અને ખરીદારોને આવવા જવા માટેની વિમાની ટિકીટ, હોટેલમાં સ્ટે, ઇન્ટરર્નલ ટ્રાન્સપોર્ટેશનથી લઇને દરેક સુવિધા જીજેઇપીસી દ્વારા જ પૂરી પાડવામાં આવે છે.
સૌથી સસ્તા લેબગ્રોન ડાયમંડ્સ સુરતમાંથી જ મળેઃ ઓલ્ગા ગોન્ઝાલેઝ, ન્યુયોર્ક
વિદેશી ખરીદારોએ આજે સુરતના મિડીયા પર્સન્સ સાથે વાતચીત કરી હતી જેમાં અમેરીકાના ન્યુયોર્કથી આવેલા ઓલ્ગા ગોન્ઝાલેઝે જણાવ્યું કે સુરતના હીરા બજારમાં આવીને એવો અહેસાસ થયો કે વિશ્વમાં સૌથી સસ્તા અને સારા લેબગ્રોન ડાયમંડ્સ સુરત સિવાય બીજે ક્યાંયથી મળી શકે નહીં. સુરતના લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની વિશાળ રેન્જ અને ડિઝાઇન એવી છે કે શું ખરીદવું અને શું ન ખરીદવું એવી મૂંઝવણ થાય. તેમણે નેચરલ ડાયમંડ અને લેબગ્રોન સીવીડી ડાયમંડ્સ વચ્ચે કિંમતોમાં રહેલા ભારે તફાવતને કારણે હવે અમેરીકા સમેત સમગ્ર વિશ્વના હીરા ઝવેરાત બજારોમાં લેબગ્રોન ડાયમંડનું પ્રભુત્વ વધી રહ્યું હોવાનું જણાવતા કહ્યું કે ચીનના એચ.પી.એચ.ટી. ડાયમંડ્સ અંગે કોઇ જ ખ્યાલ નથી પણ ભારતમાં ખાસ કરીને સુરતમાં જે રીતે લેબગ્રોન ડાયમંડ્સનું ઉત્પાદન (ગ્રોઇંગ), કટીંગ, પોલિશિંગ થઇને પોલિશ્ડ હીરો બને છે એ નેચરલ ડાયમંડથી કંઇ કમ નથી.
ચીન કરતા બહેતર ક્વોલિટી અને કિંમતો સુરતના સીવીડી લેબગ્રોનનીઃ એસ્લી અદિલખાન, કઝાકિસ્તાન
કઝાકિસ્તાનથી આવેલી ગોલ્ડ જ્વેલરીની મહિલા વિક્રેતા એસલી એદિલખાન કહ્યું કે તેમનું ક્ષેત્ર હોંગકોંગના જ્વેલરી ટ્રેન્ડથી પ્રભાવિત છે. હોંગકોંગમાં ચાઇનીઝ લેબગ્રોન ડાયમંડ્સ અને તેની જ્વેલરી ઉપલબ્ધ હતી. તેમણે ખરીદવા માટે પ્રયત્નો કર્યા ત્યારે ખ્યાલ આવ્યો કે કિંમતોથી લઇને ક્વોલિટી કોમ્પ્રોમાઇસ થઇ રહી હતી. પછી તેમને જીજેઇપીસીની બાયર્સ સેલર્સ મીટ ઇવેન્ટ અંગે જાણકારી મળી અને તેઓ સુરત આવ્યા. સુરતમાં સીવીડી લેબગ્રોન ડાયમંડ્સની મેકીંગ પ્રોસેસ, જ્વેલરી મેન્યુફેક્ચરીંગ, ડિઝાઇનિંગ રેન્જ અને સૌથી આકર્ષક કિંમતોથી ભારે પ્રભાવિત થયા. એસલીએ પત્રકારોને કહ્યું કે સુરતમાં જેટલા સસ્તા સીવીડી લેબગ્રોન ડાયમંડ્સ મળ્યા તેટલા સસ્તા હવે ક્યાંય મળી શકે તેમ નથી. સુરતના લેબગ્રોન ડાયમંડ માર્કેટ પર એટલા આફરીન થયા કે હવે તેઓ સુરત સિવાય લેબગ્રોન ડાયમંડ અન્ય ક્યાંયથી ખરીદવાનું વિચારશે પણ નહીં.
સુરત જેવી વિશાળ રેન્જ અને સૌથી સસ્તા લેબગ્રોન બીજે ક્યાંય નહીં મળેઃ ઓલ્ગા તારાસોવા, ન્યુયોર્ક
ન્યુયોર્કથી આવેલા અન્ય એક મહિલા ખરીદાર ઓલ્ગા તારાસોવાએ પણ કહ્યું કે લેબગ્રોન ડાયમંડનું ખરેખર સૌથી સારુ અને સસ્તુ બજાર જો કોઇ હોય તો એ સુરત છે. સુરતમાં અમને જે રેન્જ અને વેરાઇટી મળી અને એ પણ ક્વોલિટી અને સૌથી સસ્તા દરે મળી એ જાણીને ખૂબ આનંદ થયો અને હવે અમે અમારી ખરીદીની પ્રક્રિયા માટે સુરતને જ પહેલી પસંદગી આપીશું. તેમણે કહ્યું કે આ અગાઉ ક્યારેય તેમણે લેબગ્રોન ડાયમંડ્સમાં ડીલ કર્યું નથી પણ સુરતમાં જીજેઇપીસીની બાયર્સ સેલર્સ મીટમાં આવ્યા પછી જે અનુભવ થયો અને હવે સમગ્ર વિશ્વમાં લેબગ્રોન ડાયમંડ્સનો પ્રભાવ વધવાનો છે ત્યારે લેબગ્રોન ડાયમંડના વેપારની શરૂઆત સુરતથી કરવાનો આનંદ છે.
બૈરુતથી આવેલા એક ખરીદારે ત્યાં સુધી કહ્યું કે રીટેલ માર્કેટમાંથી ખરીદી કરીએ અને વ્હોલસેલ માર્કેટમાંથી ખરીદી કરીએ ત્યારે ક્વોલિટી, ક્વોન્ટીટી અને ભાવમાં કેવો ફરક જોવા મળે તેવી અનુભૂતિ સુરતના લેબગ્રોન ડાયમંડ માર્કેટને જોયા પછી થઇ છે. એવું લાગી રહ્યું છે કે વિશ્વના સૌથી સસ્તા લેબગ્રોન ડાયમંડ્સ ખરીદવા હોય તો સુરત જ આવવું પડે. તેમણે કહ્યું કે તેઓ બીજી વખત સુરતમાં જીજેઇપીસી આયોજિત બાયર્સ સેલર્સ મીટમાં આવ્યા છે અને જે રીતની જ્વેલરી સુરતના ઝવેરાત ઉત્પાદકો બનાવીને વેચી રહ્યા છે એ સમગ્ર વિશ્વના બજારોના ગ્રાહકોને આકર્ષવા માટે કાફી છે. તેમણે સુરતને હીરા અને હીરા જડીત જ્વેલરી ખરીદવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ તરીકે ગણાવ્યું હતું.
અમેરીકા કેનેડા સમેત 8 દેશોમાંથી ખરીદારો સુરત આવ્યા
સુરત ખાતે યોજાયેલી જીજેઇપીસીની ત્રીજી લેબગ્રોન બાયર્સ સેલર્સ મીટમાં લેબગ્રોન હીરા ઝવેરાતની ખરીદી માટે અમેરીકા, યુનાઇટેડ કિંગ્ડમ, કેનેડા, કઝાકિસ્તાન, રશિયન ફેડરેશન, સાઉદી અરેબિયા, યુ.એ.ઇ. અને લેબેનોનથી 20 જેટલા વેરીફાઇડ ખરીદારો આવ્યા હતા. આ ખરીદારો ગ્લોબલ જ્વેલરી બ્રાન્ડ્સના પરચેઝ મેનેજર્સથી લઇને બિઝનેસ ડેવલપર્સ હતા. કેટલાક એવા પણ ખરીદારો હતા કે જેઓ પહેલીવાર નેચરલ ડાયમંડ્સમાંથી લેબગ્રોન ડાયમંડ્સના કારોબાર તરફ વળ્યા છે.
“ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇંડસ્ટ્રીઝ, સુરત(SGCCI)” દ્વારા આયોજીત “ગોલ્ડનજ્યુબિલી એવાર્ડ ૨૦૨૩ – ૨૪” માટે સુરત-તાપી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ , સુમુલ ડેરી સુરત સંઘના ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ દ્વારા “કલરટેક્ષ એવાર્ડ ફોર આઉટ સ્ટેન્ડિંગ પર્ફોમન્સ ઇન એનર્જિ કન્ઝર્વેશન” કેટેગરીમાં અરજી કરવામાં આવેલ હતી. તદ ઉપરાંત રાજ્યની અગ્રણી અલગ-અલગ ઇંડસ્ટ્રીઝમાંથી અરજીઓ કરવામાં આવેલ હતી. જે પૈકી સુમુલ ડેરી સુરત સંઘના ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ બધા માપદંડો માં અગ્રેસર રહયો હતો. જે માટે સુમુલ ડેરી – ટેક હોમ રાશન પ્લાન્ટને પ્રથમ પુરસ્કાર મળવા જઈ રહેલ છે. આ એવોર્ડ સુરત અને તાપી જીલ્લાના દૂધ ઉત્પાદકોને સમર્પિત કરવામાં આવશે. સુમુલ ડેરીએ સમગ્ર ભારત વર્ષમાં ફ્રૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે નામ રોશન કરેલ છે .
ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ભારત સરકાર સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા નાના બાળકો, કિશોરીઓ, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને રેડી ટુ કુક ટેક હોમ રાશન ખોરાક પૂરો પાડે છે. આ પ્રોડક્ટના ઉત્પાદન માટે અનુક્રમે કૈરા, બનાસકાંઠા અને સુરત દૂધ સંઘમાં ત્રણ હાઇટેક પ્લાન્ટ 200 મેટ્રિક ટન/દિવસની ક્ષમતા સાથે સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં ફક્ત અને ફક્ત સુમુલ ડેરી સુરત સંઘના ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટને એનર્જિ કન્ઝર્વેશન ક્ષેત્રે પ્રથમ વખત “ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇંડસ્ટ્રીઝ “ દ્વારા આયોજીત “ગોલ્ડન જ્યુબિલી એવાર્ડ ૨૦૨૩ – ૨૪” માં સકારાત્મક પ્રયાસો થકી પ્રથમ સ્થાને એવોર્ડ મળવા જઈ રહયો છે.
આ એવોર્ડ તા.૧૬.૦૪.૨૦૨૫, બુધવાર ના દિને પ્લૅટિનમ હોલ,ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇંડસ્ટ્રીઝ (SGCCI),સરસાના,સુરત ખાતે સુમુલ ડેરીના ચેરમેનશ્રી, વાઈસ ચેરમેનશ્રી, બોર્ડ ડીરેક્ટરશ્રીઓ, મેનેજીંગ ડીરેક્ટરશ્રી તથા યુનિટ હેડ દ્વારા સ્વીકારવામાં આવશે.
ગોલ્ડન જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એવાર્ડ આપવા માટે ઉર્જા બચત – ઇલેક્ટ્રિકલ અને થર્મલ, ચોક્કસ ઉર્જા વપરાશમાં ઘટાડો – ઇલેક્ટ્રિકલ અને થર્મલ, એનર્જી ઓડિટ,૧૦૦% ક્ષમતાનો ઉપયોગ, શ્રેષ્ઠ ગુણવત્તા અને સલામતી નિયંત્રણો, ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી, સાયન્ટિફિક ઇનોવેશન અને સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીનો અમલ જેવા માપદંડનો સમાવેશ થયેલ છે.
સુમુલ ડેરી તથા તેમના અલગ-અલગ યુનિટ ને રાષ્ટ્રીય (ભારત સરકાર) તથા વિવિધ સંસ્થાઓં દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં અલગ-અલગ કેટેગરીમાં કુલ ૧૩ એવોર્ડ મળેલ છે જેની યાદી આ પ્રમાણે છે.
(૬) ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) ૨૦૧૯-૨૦, કલર ટેક્ષ ઉર્જા બચત એવોર્ડ, સુમુલ ડેરી સુરત, પ્રથમ પુરષ્કાર
(૭) ગોલ્ડન જ્યુબિલી મેમોરીયલ ટ્રસ્ટ ૨૦૨૦-૨૧, પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ એવોર્ડ, સુમુલ ડેરી સુરત, પ્રથમ પુરષ્કાર
(૮) મિલેટ ઈયર – ૨૦૨૩ (FSSI) એવોર્ડ
(૯) આઈ.ડી.એ. દ્વારા આયોજીત શ્રેષ્ઠ પ્રોસેસિંગ ટેકનોલોજીનો સ્વીકાર કરી 2 થી 5 લાખ લિટર પ્રતિ દિવસની પ્રોસેસિંગ ક્ષમતા કેટેગરીમાં નવી પારડી, પ્રથમ પુરષ્કાર – ૨૦૨૪
(૧૦) વૃક્ષારોપણ કાર્યક્રમમાં ફેડરેશન સાથે સંકળાયેલ તમામ ડેરી પૈકી સુમુલ ડેરીએ છેલ્લા ચાર વર્ષમાં ૪૦ લાખથી વધુ વૃક્ષો વાવી ચાર એવોર્ડ મેળવેલ છે.
બિનઅનુભવી અને સ્ટેડીયમમાં રેગ્યુલર નહીં આવતા ઉમેદવારોની પેનલ સામે સ્ટેડીયમ પેનલના ઉમેદવારો સતત કમ્યુનિકેશનમાં રહીને ડેવલપમેન્ટના કાર્યો કરતા આવ્યા છે
સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની આગામી રવિવારે યોજાનારી ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના મેમ્બર્સ એ વાત સારી રીતે જાણી ચૂક્યા છે કે એક તરફ એવી પેનલ છે કે જેના ઉમેદવારો રેગ્યુલર સ્ટેડીયમમાં આવતા નથી કે અત્યાર સુધી SDCA કે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના ડેવલપમેન્ટમાં કશું યોગદાન આપ્યું નથી, માત્રને માત્ર સહાનુભૂતિનું આવરણ લઇને SDCAના વહીવટ પર કબજો જમાવવાની પેરવી થઇ રહી છે. જ્યારે સ્ટેડીયમ પેનલના ઉમેદવારો કે જેઓ નિયમિત રીતે સ્ટેડીયમમાં આવીને ડેવલપમેન્ટના જે પણ કોઇ કાર્યો અને પ્રોજેક્ટ થયા તેમાં પૂરતો સમય ફાળવ્યો એટલું જ નહીં પણ સ્ટેડીયમ પેનલના ઉમેદવારો સતત મેમ્બર્સના કમ્યુનિકેશનમાં રહેતા આવ્યા છે અને તેમની રજૂઆતો, ફરીયાદોને સાંભળીને ત્વરીત ઉકેલ લાવી આપવામાં મહત્વની ભૂમિકા ભજવતા આવ્યા છે.
SDCA અને લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમની શ્રેષ્ઠ ફેસેલિટી, ગુડ ગવર્નન્સ અને મેનેજમેન્ટની ગૂંજ આજે ગુજરાત ક્રિકેટ એસોસીએશનથી લઇને બી.સી.સી.આઇ.માં સંભળાય રહી છે તેની પાછળ સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ કરેલો પુરુષાર્થ છે. દેશ વિદેશની ક્રિકેટીંગ પર્સનાલિટી તેમજ નિર્ણાયક સંગઠનોના ચાવીરૂપ હોદ્દેદારોને સુરતના SDCA સુધી લાવવામાં સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ કરેલા અસરકારક પ્રેઝન્ટેશન અને કમ્યુનિકેશનની ભૂમિકા રહેલી છે એ SDCAના મેમ્બર્સ સારી રીતે જાણે છે અને હાલમાં બિનઅનુભવીઓની પેનલના ઉમેદવારો આવા મુદ્દાઓને દબાવવા માટે મનઘડંત આરોપબાજી પર ઉતરી આવ્યા છે. સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ SDCAમાં ક્રિકેટની સાથે અન્ય રમતગમતની પ્રવૃતિઓ તેમજ એન્ટરટેઇનમેન્ટ માટે કન્સેપ્ટ્ચ્યુઅલ અભિગમ દાખવીને મેમ્બર્સની ડિમાંડ અનુસાર સમગ્ર ટર્મ દરમિયાન રેગ્યુલર ઇવેન્ટ્સનું આયોજન કર્યું છે જે મેમ્બર્સે પણ સારી રીતે માણી છે.
જેમણે અત્યાર સુધી સ્ટેડીયમમાં નિયમિત હાજરી નથી આપી ફક્ત વહીવટમાં કબજો જમાવવાના ઇરાદે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે તેઓ SDCA કે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના વિકાસની બાગડૌર કેવી રીતે સંભાળી શકશે એવા પ્રશ્નો હવે મેમ્બર્સ સામેથી ઉઠાવી રહ્યા છે.
સ્ટેડીયમ પેનલના હરીફ ઉમેદવારો પાસે મેમ્બર્સને બતાવવા માટે કે કહેવા માટે પણ કોઇ કામગીરી કે પ્રોજેક્ટ નથી, ફક્ત સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ કરેલી કામગીરીની લાઇનને નાની કરવાનું કામ પ્રચારના નામે ચાલી રહ્યું છે, સ્ટેડીયમ પેનલના હરીફ ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવાર એ બાબત બતાવી શક્તો નથી કે SDCA કે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ માટે એવું કયું કામ કર્યું કે જે મેમ્બર્સના હિતમાં હોય. ફક્તને ફક્ત આરોપો મૂકીને મત માગવાની પ્રવૃતિને લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના મેમ્બર વોટર્સ જાણી ચૂક્યા છે.
વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાનભવનમાં આયોજિત સમારોહમાં ભાગ લીધો હતો અને સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદી જે બોલ્યા એ અહીં શબ્દશઃ રજૂ કર્યું છે
વિજ્ઞાનભવનમાં આયોજિત વિશ્વ નવકાર મહામંત્ર દિવસના સમારોહમાં નરેન્દ્ર મોદી.
આ ૯ સંકલ્પો તમારી સાથે લઈ જાઓ
પાણી બચાવો માતાના નામે એક વૃક્ષ સ્વચ્છતાનું મિશન વોકલ ફૉર લોકલ દેશદર્શન કુદરતી ખેતી હેલ્ધી લાઇફસ્ટાઇલ યોગ અને રમતને જીવનમાં સ્થાન ગરીબોને સહાય
આ રહ્યું તેમનું સંબોધન:
જય જિનેન્દ્ર,
મન શાંત છે, મન સ્થિર છે, ફક્ત શાંતિ છે, એક અદ્ભુત અનુભૂતિ છે, શબ્દોની પેલે પાર, વિચારોની પેલે પાર નવકાર મહામંત્ર હજી પણ મનમાં ગુંજતો રહે છે…
નમો અરિહંતાણં॥
નમો સિદ્ધાણં॥
નમો આયરિયાણં॥
નમો ઉવજ્ઝાયાણં॥
નમો લોએ સવ્વસાહૂણં॥
9 April 2025 વિજ્ઞાનભવનમાં આયોજિત સમારોહમાં નરેન્દ્ર મોદીને વિશ્વ નવકાર મંત્ર દિવસનો મેમેન્ટો આપતા આયોજકો અને આ ક્ષણને વધાવતા શ્રાવકો.
એક સ્વર, એક પ્રવાહ, એક ઊર્જા, કોઈ ઉતાર-ચડાવ નહીં. ફક્ત સ્થિરતા, ફક્ત સમતા. એક સમાન ચેતના, સમાન લય અને અંદરથી સમાન પ્રકાશ. હું હજી પણ નવકાર મહામંત્રની આ આધ્યાત્મિક શક્તિને મારી અંદર અનુભવી રહ્યો છું. થોડાં વર્ષો પહેલાં હું બૅન્ગલોરમાં એક સામૂહિક મંત્રોચ્ચારનો સાક્ષી બન્યો હતો. આજે મને એ જ અનુભવ અને એ જ લાગણી સાથે જોવા મળ્યાં હતાં. આ વખતે દેશ અને વિદેશમાં લાખો-કરોડો પુણ્યશાળી આત્માઓ એક ચેતના સાથે જોડાયેલા, એકસાથે બોલાયેલા શબ્દો, એકસાથે ઊર્જા જાગૃત આ ખરેખર અભૂતપૂર્વ છે.
આ શરીરનો જન્મ ગુજરાતમાં થયો હતો, જ્યાં દરેક શેરીમાં જૈન ધર્મનો પ્રભાવ દેખાય છે અને બાળપણથી જ મને જૈન આચાર્યોનો સાથ મળ્યો છે.
નવકાર મહામંત્ર ફક્ત એક મંત્ર નથી. એ આપણી શ્રદ્ધાનું કેન્દ્ર છે. આપણા જીવનનો મૂળ સૂર અને એનું મહત્ત્વ ફક્ત આધ્યાત્મિક નથી. તે દરેકને પોતાનાથી લઈને સમાજ સુધીનો માર્ગ બતાવે છે. તે લોકોથી દુનિયા સુધીની સફર છે. આ મંત્રનો દરેક શબ્દ જ નહીં, દરેક અક્ષર પણ પોતાનામાં એક મંત્ર છે. જ્યારે આપણે નવકાર મહામંત્રનો જાપ કરીએ છીએ ત્યારે આપણે પંચ પરમેષ્ઠીને નમન કરીએ છીએ. પંચ પરમેષ્ઠી કોણ છે? અરિહંત – જેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે મહિમાવાન માણસોને જ્ઞાન આપે છે, જેની પાસે ૧૨ દૈવી ગુણો છે. સિદ્ધ – જેમણે ૮ કર્મોનો નાશ કર્યો છે, મોક્ષ પ્રાપ્ત કર્યો છે તે ૮ શુદ્ધ ગુણો ધરાવે છે. આચાર્ય – જેઓ મહાવ્રતનું પાલન કરે છે, જેઓ માર્ગદર્શક છે તેમનું વ્યક્તિત્વ ૩૬ ગુણોથી સંપન્ન છે. ઉપાધ્યાય – જેઓ શિક્ષણમાં મુક્તિના માર્ગનું જ્ઞાન આપે છે, જેઓ ૨૫ ગુણોથી ભરપૂર છે. સાધુ – જેઓ તપસ્યાના અગ્નિમાં પોતાની પરીક્ષા લે છે. જેઓ મુક્તિ પ્રાપ્તિ તરફ આગળ વધી રહ્યા છે તેમનામાં પણ ૨૭ મહાન ગુણો છે.
જ્યારે આપણે નવકાર મહામંત્રનો જાપ કરીએ છીએ ત્યારે આપણે ૧૦૮ દૈવી ગુણોને નમન કરીએ છીએ, આપણે માનવતાના કલ્યાણને યાદ કરીએ છીએ. આ મંત્ર આપણને યાદ અપાવે છે – જ્ઞાન અને કર્મ જીવનની દિશા છે, ગુરુ પ્રકાશ છે અને માર્ગ એ છે જે અંદરથી આવે છે. નવકાર મહામંત્ર કહે છે કે પોતાના પર વિશ્વાસ રાખો, પોતાની યાત્રા શરૂ કરો, દુશ્મન બહાર નથી, દુશ્મન અંદર છે. નકારાત્મક વિચારસરણી, અવિશ્વાસ, દ્વેષ, સ્વાર્થ આ બધા દુશ્મનો છે જેમને હરાવવા એ જ ખરો વિજય છે અને આ જ કારણ છે કે જૈન ધર્મ આપણને બહારની દુનિયાને નહીં પણ પોતાને જીતવા માટે પ્રેરણા આપે છે. જ્યારે આપણે આપણી જાતને જીતી લઈએ છીએ ત્યારે આપણે અરિહંત બનીએ છીએ અને તેથી નવકાર મહામંત્ર એ કોઈ માગ નથી, એ માર્ગ છે. એક એવો માર્ગ જે વ્યક્તિને અંદરથી શુદ્ધ કરે છે, જે માનવીને સુમેળનો માર્ગ બતાવે છે.
નવકાર મહામંત્ર સાચા અર્થમાં માનવધ્યાન, સાધના અને આત્મશુદ્ધિનો મંત્ર છે. આ મંત્ર વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવે છે. આ શાશ્વત મહામંત્ર ભારતની અન્ય શ્રુતિ-સ્મૃતિ પરંપરાઓની જેમ પેઢી દર પેઢી પહેલાં મૌખિક રીતે સદીઓ સુધી, પછી શિલાલેખો દ્વારા અને અંતે પ્રાકૃત હસ્તપ્રતો દ્વારા અને આજે પણ આપણને માર્ગદર્શન આપે છે. નવકાર મહામંત્ર એ યોગ્ય જ્ઞાન સાથે પાંચ પરમ દેવતાઓની પૂજા છે. આ સાચો દૃષ્ટિકોણ છે, સાચું ચારિત્ર્ય છે અને સૌથી ઉપર મોક્ષ તરફ દોરી જતો માર્ગ છે.
આપણે જાણીએ છીએ કે જીવનનાં ૯ તત્ત્વો છે. આ ૯ તત્ત્વો જીવનને પૂર્ણતા તરફ લઈ જાય છે. તેથી આપણી સંસ્કૃતિમાં ૯નું વિશેષ મહત્ત્વ છે. જૈન ધર્મમાં નવકાર મહામંત્ર, નવ તત્ત્વો, નવ ગુણો અને અન્ય પરંપરાઓમાં નવ ખજાના, નવદ્વાર, નવગ્રહ, નવદુર્ગા, નવધા ભક્તિ, નવ સર્વત્ર છે. દરેક સંસ્કૃતિમાં દરેક પ્રથામાં. ૯ વાર અથવા ૨૭, ૫૪, ૧૦૮ વાર એટલે કે ૯ના ગુણાંકમાં પણ જાપ કરો. શા માટે? કારણ કે ૯ પૂર્ણતાનું પ્રતીક છે. ૯ પછી બધું જ પુનરાવર્તન થાય છે. ૯ને કોઈ પણ વસ્તુ સાથે ગુણાકાર કરો, જવાબનું મૂળ ફરીથી ૯ છે. આ ફક્ત ગણિત નથી, એ ગણિત નથી. આ ફિલસૂફી છે. જ્યારે આપણે પૂર્ણતા પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણું મન, આપણું મગજ સ્થિરતા સાથે ઉપર તરફ જવા લાગે છે. નવી વસ્તુઓની કોઈ ઇચ્છા નથી. પ્રગતિ પછી પણ આપણે આપણા મૂળથી દૂર જતા નથી અને આ જ મહામંત્ર નવકારનો સાર છે.
નવકાર મહામંત્રનું આ દર્શન વિકસિત ભારતના વિઝન સાથે જોડાયેલું છે. મેં લાલ કિલ્લા પરથી કહ્યું છે – વિકસિત ભારતનો અર્થ વિકાસની સાથે-સાથે વારસો પણ છે! એક એવું ભારત જે અટકશે નહીં, એક એવું ભારત જે થોભશે નહીં. જે ઊંચાઈઓને સ્પર્શશે પણ પોતાના મૂળથી કપાશે નહીં. વિકસિત ભારતને એની સંસ્કૃતિ પર ગર્વ થશે. એટલા માટે આપણે આપણા તીર્થંકરોના ઉપદેશોનું જતન કરીએ છીએ. જ્યારે ભગવાન મહાવીરના બે હજાર પાંચસો પચાસમા નિર્વાણ મહોત્સવનો સમય આવ્યો ત્યારે અમે એને સમગ્ર દેશમાં ઊજવ્યો. આજે જ્યારે વિદેશથી પ્રાચીન મૂર્તિઓ પાછી આવે છે ત્યારે આપણા તીર્થંકરોની મૂર્તિઓ પણ પાછી આવે છે. તમને એ જાણીને ગર્વ થશે કે પાછલાં વર્ષોમાં ૨૦થી વધુ તીર્થંકરોની મૂર્તિઓ વિદેશથી પરત કરવામાં આવી છે જે કોઈક સમયે ચોરાઈ ગઈ હતી.
ભારતની ઓળખને આકાર આપવામાં જૈન ધર્મની ભૂમિકા અમૂલ્ય રહી છે. અમે એને બચાવવા માટે પ્રતિબદ્ધ છીએ. મને ખબર નથી કે તમારામાંથી કેટલા લોકો નવું સંસદભવન જોવા ગયા હશે. અને જો તમે ત્યાં ગયા હોત તો પણ તમે ધ્યાનથી જોયું હોત કે નહીં? તમે જોયું, નવી સંસદ લોકશાહીનું મંદિર બની ગયું. ત્યાં પણ જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટપણે દેખાય છે. શાર્દુલ દ્વારમાં પ્રવેશતાંની સાથે જ સ્થાપત્ય ગૅલરીમાં સમ્મેતશિખર દૃશ્યમાન છે. લોકસભાના પ્રવેશદ્વાર પર તીર્થંકરની પ્રતિમા છે, આ પ્રતિમા ઑસ્ટ્રેલિયાથી પરત કરવામાં આવી છે. બંધારણ ગૅલરીની છત પર ભગવાન મહાવીરનું એક અદ્ભુત ચિત્ર છે. દક્ષિણ ભવનની દીવાલ પર બધા ૨૪ તીર્થંકરો એકસાથે છે. કેટલાક લોકોને જીવંત થવામાં સમય લાગે છે, તે લાંબી રાહ જોયા પછી આવે છે; પરંતુ તે મજબૂત રીતે આવે છે. આ ફિલસૂફીઓ આપણા લોકશાહીને દિશા બતાવે છે અને સાચો રસ્તો બતાવે છે. પ્રાચીન આગમ ગ્રંથોમાં જૈન ધર્મની વ્યાખ્યાઓ ખૂબ જ સંક્ષિપ્ત સૂત્રોમાં લખવામાં આવી છે. જેમ કે – वत्थु सहावो धम्मो, चारित्तम् खलु धम्मो, जीवाण रक्खणं धम्मो.
આ મૂલ્યોને અનુસરીને અમારી સરકાર સબકા સાથ, સબકા વિકાસના મંત્ર પર આગળ વધી રહી છે.
જૈન ધર્મનું સાહિત્ય ભારતના બૌદ્ધિક ગૌરવનો આધાર છે. આ જ્ઞાનનું જતન કરવું એ આપણી ફરજ છે અને તેથી જ આપણે પ્રાકૃત અને પાલીને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપ્યો. હવે જૈન સાહિત્ય પર વધુ સંશોધન શક્ય બનશે. અને સાથીઓ,
ભાષા ટકી રહેશે તો જ્ઞાન ટકી રહેશે, ભાષા વધશે તો જ્ઞાન વધશે. તમે જાણો છો કે આપણા દેશમાં સેંકડો વર્ષ જૂની જૈન હસ્તપ્રતો છે. દરેક પાનું ઇતિહાસનો અરીસો છે. એ જ્ઞાનનો મહાસાગર છે. समया धम्म मुदाहरे मुणी – સમાનતામાં ધર્મ છે. जो सयं जह वेसिज्जा तेणो भवइ बंद्गो – જે જ્ઞાનનો દુરુપયોગ કરે છે એનો નાશ થાય છે. कामो कसायो खवे जो, सो मुणी – पावकम्म-जओ – જે બધી ઇચ્છાઓ અને જુસ્સા પર વિજય મેળવે છે તે સાચો ઋષિ છે.
કમનસીબે ઘણા મહત્ત્વપૂર્ણ ગ્રંથો ધીમે-ધીમે અદૃશ્ય થઈ રહ્યા હતા. એટલા માટે આપણે જ્ઞાન ભારતમ્ મિશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ વર્ષના બજેટમાં આની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં કરોડો હસ્તપ્રતોનો સર્વે કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રાચીન વારસાનું ડિજિટાઇઝેશન કરીને આપણે પ્રાચીનતાને આધુનિકતા સાથે જોડીશું. બજેટમાં આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાહેરાત હતી અને તમારે લોકોએ ખૂબ ગર્વ અનુભવવો જોઈએ. જોકે તમારું ધ્યાન ૧૨ લાખ રૂપિયાની આવકવેરા-મુક્તિ તરફ ગયું હશે. સમજદાર વ્યક્તિ માટે એક ઇશારો પૂરતો છે.
આ મિશન જે આપણે શરૂ કર્યું છે એ પોતે જ એક અમૃત સંકલ્પ છે! નવું ભારત AI દ્વારા શક્યતાઓનું અન્વેષણ કરશે અને આધ્યાત્મિકતા દ્વારા વિશ્વને માર્ગ બતાવશે.
જેટલો મેં જૈન ધર્મને જાણ્યો અને સમજ્યો છે, જૈન ધર્મ ખૂબ જ વૈજ્ઞાનિક અને એટલો જ સંવેદનશીલ છે. આજે દુનિયા જે પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે – યુદ્ધ હોય, આતંકવાદ હોય કે પર્યાવરણીય સમસ્યાઓ હોય – આવા પડકારોનો ઉકેલ જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોમાં રહેલો છે. જૈન પરંપરાના પ્રતીકમાં લખેલું છે – परस्परोग्रहो जीवानाम – જેનો અર્થ થાય છે કે વિશ્વના બધા જીવો એકબીજા પર આધારિત છે. તેથી જૈન પરંપરા સૌથી સૂક્ષ્મ હિંસાને પણ પ્રતિબંધિત કરે છે. આ પર્યાવરણ સંરક્ષણ, પરસ્પર સંવાદિતા અને શાંતિનો શ્રેષ્ઠ સંદેશ છે. આપણે બધા જૈન ધર્મના પાંચ મુખ્ય સિદ્ધાંતો વિશે પણ જાણીએ છીએ, પરંતુ બીજો એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે – બહુવચનવાદ. આજના યુગમાં અનેકાંતવાદનું દર્શન વધુ સુસંગત બન્યું છે. જ્યારે આપણે બહુલવાદમાં માનીએ છીએ ત્યારે યુદ્ધ અને સંઘર્ષની પરિસ્થિતિઓ ઊભી થતી નથી. પછી લોકો બીજાઓની લાગણીઓને સમજે છે અને તેમનો દૃષ્ટિકોણ પણ સમજે છે. મારું માનવું છે કે આજે સમગ્ર વિશ્વને અનેકાંતવાદનાં દર્શનને સમજવાની જરૂર છે.
આજે દુનિયાનો ભારત પર વિશ્વાસ વધુ ઊંડો બની રહ્યો છે. આપણા પ્રયત્નો, આપણાં પરિણામો હવે પોતાનામાં પ્રેરણા બની રહ્યાં છે. વૈશ્વિક સંસ્થાઓ ભારત તરફ જોઈ રહી છે. શા માટે? કારણ કે ભારત આગળ વધી ગયું છે અને જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે આ ભારતની વિશેષતા છે, જ્યારે ભારત આગળ વધે છે ત્યારે બીજાઓ માટે રસ્તા ખૂલે છે. આ જૈન ધર્મની ભાવના છે. હું ફરીથી કહીશ, સંપરોપગ્રહ જીવનમ! જીવન ફક્ત પરસ્પર સહયોગથી જ ચાલે છે. આ વિચારસરણીને કારણે ભારત પાસેથી વિશ્વની અપેક્ષાઓ પણ વધી છે અને અમે અમારા પ્રયાસો પણ વધુ તીવ્ર બનાવ્યા છે. આજે સૌથી મોટી કટોકટી છે; ઘણી કટોકટીઓમાંથી એક કટોકટી સૌથી વધુ ચર્ચામાં આવે છે – આબોહવા પરિવર્તન. આનો ઉકેલ શું છે? ટકાઉ જીવનશૈલી. એટલા માટે ભારતે મિશન લાઇફ શરૂ કર્યું. મિશન લાઇફ એટલે પર્યાવરણ માટે જીવનશૈલી અને જૈન સમુદાય સદીઓથી આ રીતે જીવી રહ્યો છે. સરળતા, સંયમ અને ટકાઉપણું તમારા જીવનનો મુખ્ય ભાગ છે. જૈન ધર્મમાં કહેવામાં આવ્યું છે – અપરિગ્રહ. હવે આ વાત લોકો સુધી પહોંચાડવાનો સમય છે. હું તમને વિનંતી કરું છું કે તમે ગમે ત્યાં હો, દુનિયાના કોઈ પણ ખૂણામાં હો, ગમે તે દેશમાં હો, મિશન લાઇફના ધ્વજવાહક બનો.
આજની દુનિયા માહિતીની દુનિયા છે. જ્ઞાનનો ભંડાર હવે દેખાવા લાગ્યો છે, પણ न विज्जा विण्णाणं करोति किंचि! શાણપણ વિનાનું જ્ઞાન ફક્ત ભારેપણું છે, કોઈ ઊંડાણ નથી. જૈન ધર્મ આપણને શીખવે છે કે સાચો માર્ગ ફક્ત જ્ઞાન અને શાણપણ દ્વારા જ મળે છે. આ સંતુલન આપણા યુવાનો માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. અમે ઇચ્છીએ છીએ કે જ્યાં ટેક્નૉલૉજી હોય ત્યાં સ્પર્શ પણ હોવો જોઈએ. જ્યાં કૌશલ્ય છે ત્યાં આત્મા પણ હોવો જોઈએ. નવકાર મહામંત્ર આ શાણપણનો સ્રોત બની શકે છે. નવી પેઢી માટે આ મંત્ર ફક્ત એક જાપ નથી, એ એક દિશા છે.
૯ સંકલ્પ
આજે જ્યારે નવકાર મહામંત્રનો જાપ સમગ્ર વિશ્વમાં આટલી મોટી સંખ્યામાં એકસાથે થઈ રહ્યો છે ત્યારે હું ઇચ્છું છું કે આપણે બધા, આજે આપણે જ્યાં પણ બેઠા હોઈએ, ફક્ત આ રૂમમાં જ નહીં – આ ૯ સંકલ્પો તમારી સાથે લઈ જાઓ. તમે તાળીઓ નહીં પાડો, કારણ કે તમને લાગશે કે મુશ્કેલી આવી રહી છે. પહેલો સંકલ્પ – પાણી બચાવવાનો સંકલ્પ. તમારામાંથી ઘણા લોકો મહુડીની યાત્રા પર ગયા હશે. ત્યાં બુદ્ધિસાગરજી મહારાજે ૧૦૦ વર્ષ પહેલાં કંઈક કહ્યું હતું એ ત્યાં લખેલું છે. બુદ્ધિસાગર મહારાજજીએ કહ્યું હતું કે ‘કરિયાણાની દુકાનોમાં પાણી વેચાશે…’ ૧૦૦ વર્ષ પહેલાં કહ્યું હતું. આજે આપણે એ ભવિષ્ય જીવી રહ્યા છીએ. આપણે પીવા માટે કરિયાણાની દુકાનમાંથી પાણી ખરીદીએ છીએ. હવે આપણે દરેક ટીપાનું મૂલ્ય સમજવું પડશે. દરેક ટીપાને બચાવવાની આપણી ફરજ છે.
બીજો સંકલ્પ – માતાના નામે એક વૃક્ષ. છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં ૧૦૦ કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યાં છે. હવે દરેક વ્યક્તિએ પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવું જોઈએ અને માતાના આશીર્વાદ મુજબ એનું જતન કરવું જોઈએ. જ્યારે તમે મને ગુજરાતની ધરતી પર સેવા કરવાની તક આપી ત્યારે મેં એક પ્રયોગ કર્યો. તો મેં તારંગાજીમાં એક તીર્થંકર વન બનાવ્યું હતું. તારંગાજી ઉજ્જડ સ્થિતિમાં છે. જો પ્રવાસીઓ આવે તો તેમને બેસવાની જગ્યા મળે અને હું આ તીર્થંકર જંગલમાં જે વૃક્ષ નીચે આપણા ૨૪ તીર્થંકરો બેઠા હતા એ વૃક્ષ શોધીને રોપવા માગતો હતો. મેં પ્રયત્નોમાં કોઈ કમી રાખી નહીં, પણ કમનસીબે હું ફક્ત ૧૬ વૃક્ષો જ ભેગાં કરી શક્યો; મને ૮ વૃક્ષો મળ્યાં નહીં. જે વૃક્ષો નીચે તીર્થંકરો ધ્યાન કરતા હતા એ લુપ્ત થઈ જાય તો શું આપણા હૃદયમાં કોઈ વેદના થાય છે? તમે પણ નક્કી કરો કે હું એ વૃક્ષ વાવીશ જે નીચે દરેક તીર્થંકર બેઠા હતા અને હું એ વૃક્ષ મારી માતાના નામે વાવીશ.
ત્રીજો સંકલ્પ – સ્વચ્છતાનું મિશન. સ્વચ્છતામાં સૂક્ષ્મ અહિંસા છે, હિંસાથી મુક્તિ છે. આપણી દરેક શેરી, દરેક વિસ્તાર, દરેક શહેર સ્વચ્છ હોવાં જોઈએ, દરેક વ્યક્તિએ એમાં યોગદાન આપવું જોઈએ, ખરુંને?
ચોથો સંકલ્પ – લોકલ માટે વોકલ. એક કામ કરો, ખાસ કરીને મારા યુવાનો, યુવાન મિત્રો, દીકરીઓ, સવારે ઊઠવાથી લઈને રાત્રે સૂવા સુધી તમે ઘરમાં જે કંઈ પણ વસ્તુઓ વાપરો છો, બ્રશ કરો, કાંસકો કરો, ગમે એ કરો, બસ એક યાદી બનાવો કે એમાંથી કેટલી વસ્તુઓ વિદેશી છે. તમારા જીવનમાં કેવા પ્રકારની બાબતો પ્રવેશી છે એ જોઈને તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો. પછી નક્કી કરો કે આ અઠવાડિયે હું ત્રણ વસ્તુઓ ઘટાડીશ, આવતા અઠવાડિયે હું પાંચ વસ્તુઓ ઘટાડીશ અને પછી ધીમે-ધીમે દરરોજ ૯ વસ્તુઓ ઘટાડીશ અને એક પછી એક નવકાર મંત્રનો જાપ કરતી વખતે એક પછી એક ઘટાડો કરતી રહીશ.
જ્યારે હું કહું છું કે વોકલ ફૉર લોકલ, ભારતમાં બનેલી વસ્તુઓ જે ભારતમાં તેમ જ સમગ્ર વિશ્વમાં વેચાય છે. આપણે સ્થાનિકને વૈશ્વિક બનાવવું પડશે. આપણે એવાં ઉત્પાદનો ખરીદવાં પડશે જેમાં ભારતીયના પરસેવાની સુગંધ હોય અને ભારતીય માટીની સુગંધ હોય અને બીજાઓને પણ પ્રેરણા મળે.
પાંચમો સંકલ્પ – દેશનું વિઝન. તમે દુનિયાભરમાં ફરવા જઈ શકો છો; પણ પહેલાં ભારતને જાણો, તમારા ભારતને જાણો. આપણું દરેક રાજ્ય, દરેક સંસ્કૃતિ, દરેક ખૂણો, દરેક પરંપરા અદ્ભુત છે, અમૂલ્ય છે. એ જોવું જોઈએ અને આપણે એને નહીં જોઈએ અને કહીશું કે જો દુનિયા તેને જોવા આવે તો તે કેમ આવશે ભાઈ. હવે જો આપણે ઘરે આપણાં બાળકોને મહાનતા નહીં આપીએ તો પછી પાડોશમાં કોણ આપશે?
છઠ્ઠો સંકલ્પ – કુદરતી ખેતી અપનાવવાનો. જૈન ધર્મમાં કહેવાય છે – जीवो जीवस्स नो हन्ता – એક જીવ બીજા જીવનો ખૂની ન બનવો જોઈએ. આપણે ધરતીમાતાને રસાયણોથી મુક્ત કરવી પડશે. આપણે ખેડૂતોની સાથે ઊભા રહેવું પડશે. કુદરતી ખેતીનો મંત્ર દરેક ગામમાં લઈ જવો પડશે.
સાતમો સંકલ્પ – સ્વસ્થ જીવનશૈલી અપનાવો. ખોરાકમાં ભારતીય પરંપરા તરફ પાછા ફરવું જોઈએ. બાજરી શ્રીઅન્ન શક્ય એટલી વધુ પ્લેટોમાં હોવી જોઈએ અને સ્થૂળતાને દૂર રાખવા માટે ખોરાકમાં ૧૦ ટકા ઓછું તેલ હોવું જોઈએ! અને તમે અકાઉન્ટિંગ જાણો છો, પૈસા બચશે અને કામ થશે.
જૈન પરંપરા કહે છે – तपेणं तणु मंसं होइ। તપસ્યા અને આત્મસંયમ દ્વારા શરીર સ્વસ્થ બને છે અને મન શાંત બને છે. આ માટે એક મોટું માધ્યમ યોગ અને રમતગમત છે. તેથી આઠમો સંકલ્પ એ છે કે જીવનમાં યોગ અને રમતગમતનો સમાવેશ કરવો. ઘર હોય કે ઑફિસ, સ્કૂલ હોય કે પાર્ક, આપણે રમવું અને યોગ કરવા એ આપણા જીવનનો એક ભાગ બનાવવો પડશે. નવમો ઠરાવ ગરીબોને મદદ કરવાનો ઠરાવ છે. કોઈનો હાથ પકડીને, કોઈની થાળી ભરીને આ જ ખરી સેવા છે.
હું ગૅરન્ટી આપું છું કે આ નવા સંકલ્પો આપણને નવી ઊર્જા આપશે. આપણી નવી પેઢીને એક નવી દિશા મળશે અને આપણા સમાજમાં શાંતિ, સંવાદિતા અને કરુણા વધશે. અને હું ચોક્કસ એક વાત કહીશ કે જો મેં મારા પોતાના ભલા માટે આમાંથી એક પણ નવો સંકલ્પ લીધો હોય તો એ ન કરશો. ભલે તમે મારા પક્ષના ભલા માટે કર્યું હોય, પણ એ ન કરો. હવે તમારે કોઈ પ્રતિબંધો ન હોવા જોઈએ. અને બધા મહારાજસાહેબ પણ મારી વાત સાંભળી રહ્યા છે. હું તેમને વિનંતી કરું છું કે જો મારા આ શબ્દો તમારા મોઢામાંથી નીકળશે તો શક્તિ વધશે.
રત્નત્રય, દસલક્ષણ, સોળ કારણ, પર્યુષણ વગેરે જેવા આપણા મહાન તહેવારો આત્મકલ્યાણનો માર્ગ મોકળો કરે છે. એ જ વિશ્વ નવકાર મહામંત્ર આ દિવસ વિશ્વમાં સતત સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો કરે. મને આપણા આચાર્ય ભગવંતોમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને તેથી મને તમારામાં પણ વિશ્વાસ છે. હું આજે ખુશ છું અને હું આ ખુશી વ્યક્ત કરવા માગું છું, કારણ કે હું પહેલાં પણ આ વસ્તુઓ સાથે સંકળાયેલો છું. મને ખૂબ આનંદ છે કે આ કાર્યક્રમ માટે ચારેય જૂથો એકસાથે આવ્યાં છે. આ સ્ટૅન્ડિંગ ઓવેશન મોદી માટે નથી, હું એને એ ચારેય સંપ્રદાયોના તમામ મહાપુરુષોનાં ચરણોમાં સમર્પિત કરું છું. આ આયોજન, આ આયોજન આપણી પ્રેરણા, આપણી એકતા, આપણી એકતા અને એકતાની શક્તિની લાગણી અને એકતાની ઓળખ બની છે. આપણે દેશમાં એકતાનો સંદેશ આ રીતે લઈ જવો પડશે. આપણે ભારત માતા કી જય કહેનારા દરેકને સામેલ કરવા પડશે. આ એક વિકસિત ભારત બનાવવા માટેની ઊર્જા છે. એ એનો પાયો મજબૂત બનાવશે.
આજે આપણે સૌભાગ્યશાળી છીએ કે દેશમાં ઘણી જગ્યાએ આપણને ગુરુભગવાનના આશીર્વાદ પણ મળી રહ્યા છે. આ વૈશ્વિક કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું સમગ્ર જૈન પરિવારને સલામ કરું છું. આજે હું આપણા આચાર્ય ભગવંત, મહારાજસાહેબ, મુનિમહારાજ, દેશ અને વિદેશમાં એકઠાં થયેલાં શ્રાવકો અને શ્રાવિકાઓને મારા શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરું છું. હું ખાસ કરીને JITOને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન આપું છું. નવકાર મંત્ર કરતાં JITO માટે વધુ તાળીઓ પડી રહી છે. JITO ઍપેક્સના ચૅરમૅન પૃથ્વીરાજ કોઠારીજી, પ્રમુખ વિજય ભંડારીજી, ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીજી, JITOના અન્ય અધિકારીઓ અને દેશ અને દુનિયાના ખૂણે-ખૂણેથી આવેલા મહાનુભાવો, આપ સૌને આ ઐતિહાસિક આયોજન માટે શુભકામનાઓ.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા જેમ્સ નામના કારખાનામાં આ સમગ્ર ઘટના બની છે. અહીં કારખાનામાં કામ કરતા 118 રત્નકલાકારોની તબિયત અચાનક લથડી જવાથી તેમને સત્વરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જો હોસ્પિટલમાં સારવાર આપ્યાં બાદ તમામની હાલત અત્યારે સારી હોવાથી પરિવારજનો રાહતનો શ્વાસ લીધો છે. જો કે, બે લોકોની હાલત અત્યારે ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે
કોણ આ રત્નકલાકારને મારવા માટે પ્લાનિંગ કરી રહ્યું છે? સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, અહીં આવેલા પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસમાજિક તત્વએ સેલ્ફોસ નામની દાવાની પડીકી નાખી દીધી હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આખરે કોણે આ સેલ્ફોસની દવા નાખી? કોણ આ રત્નકલાકારને મારવા માટે પ્લાનિંગ કરી રહ્યું છે, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી દીધી છે. ઘટના સ્થળ પર અને તેની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવાથી આરોપીઓની ભાળ મળી શકે! જો કે, આ તમામ બાબતે પોલીસે તપાસ કરવાની છે.
પાણીની ટાંકીમાં અસમાજિક તત્વએ સેલ્ફોસની દવા અંદર નાખી આ કેસમાં પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, કપોદ્રામાં મિનેનિયમ કોમ્પલેક્સમાં આવેલી અનોપ જેમ્સ નામની કંપનીમાં સવારે એક ઘટના બની જેમાં પાણીની ટાંકીમાં કોઇ અસમાજિક તત્વએ સેલ્ફોસની દવા અંદર નાખી દીધી હતી. આ મામલે કારીગરોએ માલિકને જાણ કરી હતી ત્યારે તેમણે તાત્કાલિક સાવચેતીના ભાગ રૂપે તમામને હોસ્પિટલ મોકલ્યા હતા. આ મામલે કોઇ જાનહાનિ થઈ નથી’. ઘટનાની તપાસ કરવા માટે પોલીસે ફોરેન્સિકની ટીમ બોલાવી છે અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહ્યા છીએ. આરોપી સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમેરિકાની આર્થિક દાદાગીરી અને બ્લેક મેઇલિંગને વશ નહીં થઈએ, છેક સુધી લડી લઈશુંઃ ચીન
ચીને અમેરિકાની 18 કંપનીઓને એક્સ્પોર્ટ કંટ્રોલ લિસ્ટમાં મૂકી અને તેમાની છને અવિશ્વસનીય સંસ્થાઓની યાદીમાં સામેલ કરી
ચીને સાત દુર્લભ ધાતુઓની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો હવે અમેરિકા સહિત કોઈપણ દેશમાં નિકાસ નહીં થાય
થોડા સમય પહેલા આવેલી ફિલ્મ પુષ્પા ધ ફાયરના હીરો અલ્લુ અર્જુનનો ડાયલોગ હતો ઝુકેગા નહી સાલા… આ ડાયલોગ ફક્ત ફિલ્મ જ નહીં ભારતીય રાજકીય વર્તુળોમાં પણ લોકપ્રિય થઈ ગયો હતો. હવે આ સંવાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે. ટ્રમ્પની ૧૦૪ ટકાની ટેરિફની દાદાગીરી સામે ચીને આ જ ઝુકેગા નહીં સાલા અભિગમ અપનાવતા અમેરિકન પ્રોડક્ટ્સ પર ૮૪ ટકા ટેરિફ ઝીંકી દીધો છે. એટલેથી પણ ન અટકતા ચીને અમેરિકાની ૧૮ કંપનીઓ સામે આકરી કાર્યવાહી કરતાં તેને એક્સપોર્ટ કંટ્રોલ લિસ્ટમાં નાખી છે અને તેમાની છ કંપનીઓને અવિશ્વસનીય સંસ્થાઓની યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.
ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા મુજબ આ કંપનીઓ પર તાઇવાનને શસ્ત્રો વેચવાનો અને તેની સાથે ટેકનિકલ સહયોગ કરવાનો આરોપ છે. ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચીનના વિરોધ છતાં આ કંપનીઓ તાઇવાનને શસ્ત્ર વેચી રહી છે, જેથી ચીનના સાર્વભૌમત્વને ખતરો પહોંચી રહ્યો છે. ચીન આ કંપનીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરશે. ચીને ઉમેર્યુ હતું કે જે વિદેશી કંપનીઓ કાયદાનું પાલન કરે છે તેમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ છ કંપનીઓ શીલ્ડ એઆઈ, સિયેરા નેવાડા કોર્પોરેશન, સાઇબરલક્સ કોર્પોરેશન, એજ ઓટોનોમી ઓપરેશન્સ, ગુ્રપ ડબલ્યું, હડસન ટેકનોલોજીસ છે.
તેની સાથે ચીને ડંકાની ચોટ પર એલાન કરી દીધું છે કે અમેરિકાની દાદાગીરીને અને તેની સંરક્ષણવાદની નીતિને તે વશ નહીં થાય. તેની આર્થિક દાદાગીરીને અમે પહોંચી વળવા તૈયાર છીએ. પાછું ચીનના આ વલણને યુરોપીયન યુનિયનનું મૂક સમર્થન પણ મળ્યું છે, જેના પર ટ્રમ્પે ૨૦ ટકા ટેરિફ નાખ્યો છે. આમ હાલમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અને રશિયા-યુક્રેન બાજુએ રહી ગયું છે અને આખા વિશ્વની નજર અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વોર પર મંડાઈ છે.
ચીને કુલ ૧૦૪ ટકા ટેરિફ લાદવાના અમેરિકાના પગલાને બ્લેકમેઇલિંગ ગણાવી તેની આકરી ટીકા કરી હતી. બૈજિંગે જણાવ્યું હતું કે ટ્રમ્પ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી આ ટ્રેડ વોરમાં ચીન છેક સુધી લડશે. યુરોપીયન કમિશનના વડા ઉર્સુલા સાથેની મુલાકાતમાં ચીનના પીએમ લી કિયાંગે જણાવ્યું હતું કે ચીન અમેરિકાએ લાદેલા ટેરિફને પહોંચી વળવા સંપૂર્ણપણે તૈયાર છે. આ ટેરિફ છતાં ચીનનો આર્થિક વિકાસ જારી રહેશે.
આમા યુરોપીયન યુનિયનના બંને હાથમાં લાડવા છે. જો આ ટ્રેડ વોરમાં અમેરિકન તંત્રની ખો નીકળે તો તેને ચીનમાંથી સસ્તો કાચો માલ મળશે. જો ચીનની ખો નીકળશે તો અમેરિકા સાથે તેના કારોબારમાં સીધો વધારો થશે. ટ્રમ્પે લગાવેલા ટેક્સ બુધવારથી અમલી બન્યા છે. તેમા ચીનની વસ્તુઓ પર લગાવવામાં આવેલો ભારે વેરો પણ સામેલ છે. તેના લીધે ગ્લોબલ ટ્રેડ વોરની સંભાવના વધી છે. બુધવારે ચીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનને જણાવ્યું હતું કે સ્થિતિ વધારે વણસી ગઈ છે. તેણે ચેતવણી આપી હતી કે ચીન પર અમેરિકાના ટેરિફ વૈશ્વિક કારોબારમાં અસ્થિરતા સર્જી શકે છે. ચીને જણાવ્યું હતું કે રેસિપ્રોકલ ટેરિફ વ્યાપાર સંતુલન કરવાનું સમાધાન નથી, તેનાથી વિપરીત પરિણામ આવશે.
અમેરિકાએ ચીન પર કાર્યવાહી કરતાં ત્રીજો ટેરિફ બોમ્બ ફોડયો હતો. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે અમેરિકા ચીન પર કુલ ૧૦૪ ટકા ટેરિફ લગાવી રહ્યુ છે જે ૯મી એપ્રિલથી અમલી બનશે. ચીને અમેરિકાની આયાત પર ૩૪ ટકા વેરો લગાવ્યા બાદ અમેરિકાએ આ પગલું લીધું હતું.
તેમણે ચીને નાખેલા વેરાને એક ભૂલ ગણાવી હતી. તેમનું કહેવું હતું કે ટેરિફના લીધે તેમને હવે રોજના બે અબજ ડોલરથી પણ વધુ રકમ મળી રહી છે. હવે ચીને આ ૧૦૪ ટકા ટેરિફના જવાબમાં કુલ ૮૪ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.
અમેરિકા સાથે વધતા વ્યાપારિક તનાવ વચ્ચે ચીને એક ખાસ પગલું લેદા દુર્લભ ધાતુઓની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ બધી ધાતુઓ આજના વિશ્વમાં આવશ્યક છે. તેનો ઉપયોગ નવી ટેકનોલોજી, દવાઓ, શસ્ત્રો અને ઉર્જા બનાવવા થાય છે. ચીનનો આ પ્રતિબંધ ફક્ત અમેરિકા પૂરતો જ મર્યાદિત નથી, બધા દેશો પર લાગુ થશે. ચીને જે સાત ધાતુઓની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો તે સૈમેરિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોસિયમ, લ્યુટેશિયમ, સ્કેન્ડિયમ અને યેટ્રિયમ સામેલ છે. આ ધાતુઓના નામ ભલે અલગ લાગે, પરંતુ તે આપણા જીવનનો હિસ્સો છે. તેના વગર કેટલાય મોટા ઉદ્યોગ ઠપ થઈ શકે છે.
ટ્રમ્પના ટેરિફની અસર હજી સુધી જાણી શકાઈ નથીઃ જયશંકર
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની અસરને હજી સુધી જાણી શકાઈ નથી અને ભારત આ સ્થિતિનો સામનો અમેરિકા સાથે આ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર કરીને કરવા માંગે છે એમ વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું. અમેરિકન ટેરિફ પોલિસી અંગેના પ્રથમ જવાબમાં જયશંકરે જણાવ્યું હતુ કે ભારત કદાચ એકમાત્ર એવો દેશ છે જેણે વોશિંગ્ટનમાં ટ્રમ્પ ફરીથી સત્તા પર આવ્યા તેનો અંદાજ મૂકીને ટ્રેડ ડીલની તૈયારી આરંભી દીધી હતી. ટ્રમ્પે નાખેલા ટેરિફની સામે ભારતે ભારે દબાણ છતાં વળતો પ્રહાર કરવાનું ટાળ્યું છે. તેના બદલે ભારતે બાઇલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ (બીટીએ) કરવા પર વધુને વધુ ભાર મૂકી રહ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પના ટેરિફના પગલાંની અસરની તો હાલમાં ખબર ન પડે, પરંતુ અમારી લાંબા ગાળાની વ્યૂહરચના સ્પષ્ટ છે. અમે ટ્રમ્પ તંત્ર સાથે વહેલામાં વહેલી તકે જોડાઈને વિવાદાસ્પદ વેપારી મુદ્દાઓ ઉકેલવા તત્પર છીએ અને અમે આ વર્ષના વસં સુધીમાં દ્વિપક્ષીય વેપાર કરાર માટે વાટાઘાટ કરવા તૈયાર થયા છીએ. પીએમ મોદી અને ટ્રમ્પે ફેબુ્રઆરીમાં કરેલી મંત્રણાના પગલે બંનેએ ૨૦૨૫માં બીટીએના પ્રથમ તબક્કાની વાટાઘાટની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે દરેક દેશ અમેરિકા સાથે વાટાઘાટ કરવા તેની પોતાની આગવી વ્યૂહરચના અપનાવી રહ્યુ છે અને ભારતે ટ્રમ્પ તંત્ર સાથે વેપાર કરાર કરવાના ધ્યેય પર ભાર મૂક્યો છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે લાદેલા રેસિપ્રોકલ ટેરિફના પગલે હચમચી ગયેલા વિશ્વના નેતાઓ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા લાઇન લગાવી રહ્યા છે. તેઓ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા આતુર છે. ટ્રમ્પે નેશનલ રિપબ્લિકન કોંગ્રેસનલ કમિટીના ડિનરમાં જણાવ્યું હતું કે ચાતક પક્ષી પાણી માટે તરસે તે રીતે વિશ્વના નેતાઓ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા તલસી રહ્યા છે. ટ્રમ્પે લગભગ ૧૮૦ દેશો પર લાદેલા ટેરિફના લીધે વિશ્વ સ્તરે ટ્રેડ વોરના મંડાણ થયા છે.
ટ્રમ્પનું કહેવું છે કે વિશ્વના નેતાઓ તેમને કહી રહ્યા છે કે સર પ્લીઝ ડીલ કરો, સર પ્લીઝ ડીલ કરો. તમે ડીલ કરો તે માટે અમે બધું કરી છૂટીશું. ટ્રમ્પે બીજી એપ્રિલના રોજ નવા ટેરિફની જાહેરાત કરી હતી. તેનો બુધવાર સવારથી અમલ થયો હતો.
ટ્રમ્પના ટેરિફના ચીનની માલસામગ્રી પર ૧૦૪ ટકા ટેરિફ, જ્યારે યુરોપીયન યુનિયન પર ૧૧થી લઈને ૫૦ ટકા ટેરિફનો સમાવેશ થાય છે. ટ્રમ્પ આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ્સની આયાત પર વધારાનો ટેરિફ લગાવવાનું આયોજન કરી રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે હવે આગામી સમયમાં ફાર્માસ્યુટિકલ્સ પર મોટાપાયા પર ટેરિફ લગાવવાનું આયોજન કરી રહ્યા છીએ. તેઓ જ્યારે સાંભળશે ત્યારે તેઓ ચીન છોડી દેશે. તેઓ બીજા દેશો પણ છોડી દેશે. તેમની મોટાભાગની પ્રોડક્ટ અહીં વેચાય છે અને તેઓ બધા અહીં પ્લાન્ટ ખોલશે.
SGCCI દ્વારા તા. ૧૧થી ૧૩ એપ્રિલ, ર૦રપ દરમ્યાન સરસાણા સ્થિત SIECC ડોમમાં ‘સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો– ર૦રપ’અને ‘સુરત સ્ટાર્ટઅપ સમિટ– ર૦રપ’યોજાશે
સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોમાં વિદ્યાર્થીઓ અને યુવા પેઢીને એક છત નીચે ગુજરાત અને ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ તેમની જરૂરિયાતો અને મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા વિવિધ વિકલ્પો જોવાની એક મોટી તક મળી રહેશે.
ધો.10થી લઇને પોસ્ટ ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરી રહેલા અને ભવિષ્યમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આ એજ્યુકેશન એક્ષ્પો અત્યંત મહત્વની માહિતી પૂરી પાડનાર બની રહેશે.
સ્ટાર્ટઅપ, એન્જલ ઇન્વેસ્ટરો અને સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા ઇચ્છતા ઉદ્યોગ સાહસિકો એક છત નીચે એકત્રિત થશે, જેથી સ્ટાર્ટઅપને રોકાણકારો મળી રહેશે અને તેના થકી તેઓ પોતાના સ્ટાર્ટઅપને આગળ લઇ જઇ વધુ મજબૂત કરી શકશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૧૧, ૧ર અને ૧૩ એપ્રિલ, ર૦રપ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો– ર૦રપ’અને ‘સુરત સ્ટાર્ટઅપ સમિટ– ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સુરત એ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના એમએસએમઇ હબ તરીકે ઓળખાય છે ત્યારે શહેરના આર્થિક વિકાસ માટે જેવી રીતે ઉદ્યોગ – ધંધાઓની પ્રગતિ જરૂરી છે એવી જ રીતે સમાજના ઉત્થાન માટે શિક્ષણ ક્ષેત્રે પણ વિકાસની એટલી જ જરૂર રહેલી છે. ખાસ કરીને માનવ સભ્યતા માટે સર્વશ્રેષ્ઠ શિક્ષણની શોધ હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. આધુનિક શિક્ષણની અસર સમગ્ર ભારતીય સમાજ પર દેખાય છે. માનવીને જીવનના વિકાસમાં શિક્ષણનું અત્યંત મહત્વ રહેલું છે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોના આયોજન પાછળ ઘણા હેતુઓ છે. સુરતના નાગરિકોને ડિજિટલ યુગમાં પ્રાથમિક શિક્ષણને સુધારવાનું મહત્વ સમજાવવા અને શિક્ષણના ક્ષેત્રમાં થઈ રહેલા ફેરફારોને અનુરૂપ બનાવવા, શિક્ષણ પ્રણાલીમાં ઉચ્ચતમ ધોરણો લાવવાના સામાન્ય ધ્યેય સાથે સ્થાનિક સંસ્થાઓ સાથે વ્યવસાયિક ભાગીદારી રચવા માટે, ભારતીય અને આંતરરાષ્ટ્રીય સમકક્ષો માટે નવી તકો ઊભી કરવી, સ્માર્ટ એજ્યુકેશન/લર્નિંગના વલણો પર સંશોધન અને વિચારમંથન કરી શકાય તે માટે આ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે એક ગતિશીલ પ્લેટફોર્મ બનાવવા, જ્યાં શિક્ષણ સંસ્થાઓ તેમની શૈક્ષણિક પ્રતિષ્ઠાને અને અદ્યતન વ્યાવસાયિક અભ્યાસક્રમો પ્રદર્શિત કરી શકે, જે સૌથી અસરકારક રીતે મહત્વાકાંક્ષી યુવાનો સાથે ત્વરિત જોડાણ બનાવે છે.
સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો અને સુરત સ્ટાર્ટઅપ સમિટનો ઉદ્ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧૧ એપ્રિલ, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરિયા પધારશે અને તેમના વરદ હસ્તે એક્ષ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં ગુજરાતના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર શ્રી પી. સ્વરૂપ (યબક) અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી ભરત શાહ અતિથિ વિશેષ તરીકેનું સ્થાન શોભાવશે.
સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, ઓરો યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ યુનિવર્સિટી, પી.પી. સવાણી યુનિવર્સિટી, સાબરમતિ યુનિવર્સિટી, ડો. ડી.વાય. પાટીલ જ્ઞાન પ્રસાદ યુનિવર્સિટી, ડો. ડી.વાય. પાટીલ વિદ્યાપીઠ, ગણપત યુનિવર્સિટી, ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ રિસર્ચ, જોન એફ. કેનેડી યુનિવર્સિટી ઓફ મેડીસિન, નવરચના યુનિવર્સિટી, પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી, પૂણેની પિંપરી ચિંચવડ યુનિવર્સિટી, પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, સિગ્મા યુનિવર્સિટી, વિદ્યાપીઠ યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી, ઇઝી બિઝનેસ સ્કૂલ, મુંબઇની મોડાર્ટ, યુ.એ.ઇ.ની બ્રિટ્સ ઇમ્પેરિયલ યુનિવર્સિટી કોલેજ, ડીઇસી એબ્રોડ પ્રાઇવેટ લિમિટેડ, ફોર્ચ્યુન એજ્યુકેશન હબ, ગ્લોબલ રિસર્ચ ઇમિગ્રેશન, નેશનલ કોમ્પ્યુટર્સ, પાર્લેઝ મોન્ડીયલ, આર.જી. ઇન્ટરનેશનલ, એડયુમેટ ઇમિગ્રેશન, એ.ઇ.સી.સી. સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્ટ્સ અને વીઝા થિયરી દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત આ એક્ષ્પોમાં યુ.કે., યુ.એસ.એ., દુબઇ, સિંગાપોર, જર્મની, ફ્રાન્સ, નેધરલેન્ડ અને આયર્લેન્ડની વિવિધ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક ઇન્સ્ટીટયુટ્સમાં વિદ્યાર્થીઓને પ્રવેશથી માંડીને ત્યાં રહેવા સુધીની વ્યવસ્થાની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. વિદેશની યુનિવર્સિટીઓની વિસ્તૃત જાણકારી વિદ્યાર્થીઓ તથા વાલીઓને મળી રહે તે માટે એક્ષ્પોમાં જુદા જુદા પેવેલિયન બનાવવામાં આવ્યા છે, આથી વિદ્યાર્થીઓ ગ્લોબલ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ્સ વિષે જાણકારી મેળવી શકશે. આ એક્ષ્પો શિક્ષણવિદો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સીધો સંપર્ક કરવાની તક આપશે. આ એક્ષ્પોમાં દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવેલી ગીફટ – સ્ટેશનરીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે.
સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોમાં ભાગ લેનારી યુનિવર્સિટીઓની વાત કરીએ તો ભારતની ર૦ જેટલી યુનિવર્સિટી ભાગ લીધો છે. જ્યારે યુકેની ૧ર, યુએસએની ૧૯, દુબઇની પ, સિંગાપોરની ૧, જર્મનીની ૬, ફ્રાન્સની ૪, નેધરલેન્ડની ૧, આર્યલેન્ડની ૩ તથા એમબીબીએસની ૩ યુનિવર્સિટીએ ભાગ લીધો છે. આ ઉપરાંત હોટેલ મેનેજમેન્ટની ર, કુકીંગની ર, જ્વેલરી ઇન્ડસ્ટ્રીની ૪ અને ઇન્ટિરિયર ડિઝાઇનની ૧ તથા અન્ય ૧૪ જેટલા ઇન્સ્ટીટયુટ દ્વારા પણ એક્ષ્પોમાં ભાગ લેવામાં આવ્યો છે. આ તમામ યુનિવર્સિટી અને એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને શૈક્ષણિક કારકિર્દી તથા અભ્યાસક્રમો વિષે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.
ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતમાં સ્ટાર્ટ–અપ ઇકો સિસ્ટમને બુસ્ટ કરવા માટે તેમજ સુરતના ઉદ્યોગકારોમાં અવેરનેસ લાવવાના હેતુથી ‘સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં આઇટી, સાયબર સિકયુરિટી, સોફટવેર ટેકનોલોજી, લોજિસ્ટીકસ, ઇન્વેન્શન લર્નિંગ, બિલીંગ સોફટવેર, ઓટોમેશન, ડિજિટલ પ્લેટફોર્મ અને બેન્કીંગ સર્વિસ વિગેરે ક્ષેત્રોમાં પ૦થી વધુ સ્ટાર્ટ–અપ કરનારા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો છે, જેમાંથી મોટા ભાગના સ્ટાર્ટ–અપ સુરતના છે. આ ઉપરાંત બેંગ્લોર, ઉત્તરાખંડ, અમદાવાદ, વલસાડ, વાપી, નવસારી અને ગાંધીનગરના સ્ટાર્ટ–અપે પણ ભાગ લીધો છે. આ તમામ સ્ટાર્ટઅપ તેઓની પ્રોડકટને ડિસ્પ્લે કરશે.
ચેમ્બર ઓફ કોમર્સ આ સમિટ થકી એવું પ્લેટફોર્મ પૂરુ પાડવા જઇ રહયું છે કે જ્યાં સ્ટાર્ટ–અપ, એન્જલ ઇન્વેસ્ટરો અને સ્ટાર્ટ–અપમાં રોકાણ કરવા ઇચ્છતા ઉદ્યોગ સાહસિકો એક છત નીચે એકત્રિત થશે. જેથી સ્ટાર્ટ–અપને રોકાણકારો મળી રહેશે અને તેના થકી તેઓ પોતાના સ્ટાર્ટ–અપને આગળ લઇ જઇ વધુ મજબુત કરી શકશે. સમિટમાં ભાગ લેનારા તમામ સ્ટાર્ટ–અપ પોતાના આઇડિયાને એકઝીબીટ કરશે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત મેન્યુફેકચરીંગ હબ છે ત્યારે સુરત સ્ટાર્ટ–અપ માટે ફાયનાન્સ કેપિટલ હબ બને તે માટે આ સમિટ થકી પ્રયાસ કરવામાં આવી રહયો છે. આ સમિટની મુલાકાત માટે દેશભરમાંથી ૧૦ હજારથી વધુ ઉદ્યોગકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
સુરત સ્ટાર્ટઅપ સમિટ દરમ્યાન વિવિધ વિષયો પર પેનલ ડિસ્કશન અને સેમિનારો યોજાશે, જેમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓ દ્વારા સ્ટાર્ટઅપ માટેની યોજનાઓ વિષે જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત સરકારનું ઇનોવેટીવ હબ એટલે કે આઇહબ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન અને દેશભરમાંથી સ્ટાર્ટઅપના નિષ્ણાંતો દ્વારા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ સુરતની કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ અને યુવાઓને ક્રિએટીવ આઇડીયા વિચારવાની તકો માટે માહિતી આપશે.
સુરત સ્ટાર્ટઅપ સમિટના આયોજન માટે ચેમ્બરને ભારત સરકારના સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રીઝ કમિશનર ઓફિસ, ગુજરાત સરકારનો ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન બ્યુરો (ઇન્ડેક્ષ્ટબી) અને સ્ટાર્ટઅપ ગુજરાતનો સહયોગ પ્રાપ્ત થયો છે.
આ પ્રસંગે ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા, સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોના ચેરમેન શ્રી મહેશ પમનાની, સુરત સ્ટાર્ટઅપ સમિટના ચેરમેન સીએ મયંક દેસાઇ તથા કો–ચેરમેનો શ્રી અમિત શાહ અને શ્રી પુનિત ગજેરા ઉપસ્થિત રહયા હતા.
લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમનો સર્વાંગી વિકાસ કરી શકે તેવા ઉમેદવારોની પેનલ એટલે સ્ટેડીયમ પેનલ
આગામી રવિવારે તા.13મી એપ્રિલે યોજાનારી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએસનની ચૂંટણીમાં મેમ્બર્સમાં ફેવરીટ બનેલી સ્ટેડીયમ પેનલના ઉમેદવારો પર નજર કરીએ તો આ ઉમેદવારો છેલ્લા ઘણાં વર્ષોથી લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં જુદી જુદી પ્રવૃતિઓનો વિકાસ કરવાની જવાબદારી સંભાળતા આવ્યા છે અને તેમણે આ કામગીરી સુપેરે બજાવી જ છે.
મુરબ્બી કનૈયાભાઇ કોન્ટ્રાક્ટરની લિડરશીપમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં જે ગ્લોબલ સ્ટાન્ડર્ડસને ધ્યાનમાં રાખીને જે માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી છે તેના પર નજર કરીએ તો લોન ટેનિસની જવાબદારી સુરત પીપલ્સ બેંકના ચેરમેન અમિત ગજ્જર સુપેરે અદા કરતા આવ્યા છે.
એવી જ રીતે ક્રિકેટ માટેની સઘળી જવાબદારી ડો.નૈમિષ દેસાઇ, બેડમિંગ્ટન રમતની જવાબદારી અનિલ જુનેજા, ટેબલ ટેનિસની જવાબદારી ગોવિંદ મોદી, એન્ટરટેઇનમેન્ટની જવાબદારી હેમંત જરીવાલા, જીમ્નેશિયમ અને સ્વીમીંગ પુલની જવાબદારી હિતેન્દ્ર મોદી, યુટિલીટીની જવાબદારી યતિન દેસાઇ, પબ્લિક રિલેશનની જવાબદારી કિરીટ દેસાઇ સહિતના સ્ટેડીયમ પેનલ સાથે સંકળાયેલા આગેવાનો સંભાળતા આવ્યા છે.
સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન અને લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમનું ડેવલપમેન્ટ હાલમાં નિર્ણાયક તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે અને તેના માટે પરીપક્વ લિડરશીપ સમયનો તકાજો છે, જે સ્ટેડીયમ પેનલના ઉમેદવારો આપી શકે તેમ છે. હાલમાં ચાલી રહેલી પ્રચાર કામગીરી દરમિયાન જ જોવા મળી રહ્યું છે કે મેમ્બર પરીવારો સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ અત્યાર સુધીના વિકાસમાં જે યોગદાન આપ્યું છે એ અન્ય કોઇ ઉમેદવારો કે બિનઅનુભવી લોકો આપી શકે તેમ નથી.
હાલમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના ડેવલપમેન્ટનો જે રોડમેપ તૈયાર થયો છે તેમાં સ્ટેડીયમ પેનલના ઉમેદવારોનું મહત્તમ યોગદાન છે, તેમના પુરુષાર્થથી મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે ત્યારે હવે તેમનો જશ ખાટી જવાના થઇ રહેલા પ્રયાસોને મેમ્બર પરીવારો જાણી ચૂક્યા છે. એટલે જ હાલમાં ચાલી રહેલી પ્રચાર કામગીરીમાં સ્ટેડીયમ પેનલના ઉમેદવારોને ઉમળકાભેર પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
અમેરિકાના ટેરિફ વોરની અસરથી ભારતીય શેરબજારમા ભારે અફડા તફડી જોવા મળી છે. જેમા આજે Date 7/04/2025 સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 3914.75ના વિક્રમી ઘટાડા સાથે 71,449.94 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ આજે 1146 પોઈન્ટના ઘટાડા સાથે 21,758.40 પોઈન્ટ પર ખુલ્યો. આજે ઘણી મોટી કંપનીઓના શેર 10-10 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા. આ શેરબજારના કોરોના બાદનો સૌથી મોટો કડાકો છે. જેના લીધે રોકાણકારોના નિરાશા જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે ટ્રેડવૉરની શરુઆત સાથે જ શેરબજારમાં ભૂકંપ આવ્યો છે. સેન્સેક્સ આજે 3939.68 પોઇન્ટના કડાકા સાથે 71425.01ની બોટમે પહોંચ્યો હતો. નિફ્ટીમાં પણ ઐતિહાસિક 1160.8 પોઇન્ટનો કડાકો નોંધાયો છે. રોકાણકારોની મૂડીમાં આજે 20 લાખ કરોડનું ધોવાણ થયું છે. શુક્રવારે 403.34 લાખ કરોડ સામે બીએસઈ માર્કેટ કેપ આજે 383 લાખ કરોડ થયું છે.
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3877 પૈકી માત્ર 320 શેરમાં પણ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે 3429 શેર કડડભૂસ થયા છે. 727 સ્ક્રિપ્સ વર્ષના તળિયે અને 520 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ નોંધાઈ છે. શેરબજારમાં કોવિડ મહામારી જેવા મોટા કડાકા પાછળનું કારણ ટેરિફના લીધે વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ છે. વૈશ્વિક શેરબજારોમાં અફરાતફરીના માહોલ છે.
આજે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ફક્ત 1 કંપનીનો શેર વધારા સાથે ખુલ્યો અને અન્ય બધી 29 કંપનીઓના શેર ઘટાડા ખુલ્યા. બીજી તરફ નિફ્ટીની તમામ 50 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ કંપનીઓમાં, ફક્ત ભારતી એરટેલનો શેર 0.90 ના વધારા સાથે ખુલ્યો. જ્યારે, ટાટા સ્ટીલનો શેર આજે ૮.૨૯ ટકાના મહત્તમ ઘટાડા સાથે ખુલ્યો હતો.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ પ્લાનમાં ક્યાંય પીછેહટ કરતાં જોવા ન મળતાં વૈશ્વિક શેરબજારોમાં મોટાપાયે વેચવાલી વધી છે. અમેરિકન સ્ટોક માર્કેટમાં કોવિડ મહામારી જેવી સ્થિતિ જોવા મળી હતી. ડાઉ જોન્સ 2231 પોઇન્ટ, નાસડેક 962 પોઇન્ટ જ્યારે એશિયન શેરબજારોમાં નિક્કેઈ 2370.25 પોઇન્ટ હેંગસેંગ 2445 પોઇન્ટ તૂટ્યો છે. યુરોપિયન સ્ટોક માર્કેટ પણ 5 ટકા સુધી તૂટ્યા હતા. જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. ટ્રમ્પે ટેરિફના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક મંદી તેમજ ટ્રેડવૉર મામલે સ્પષ્ટતા કરી હતી કે, તેને આ નુકસાનની ચિંતા નથી. તે નમતું નહીં મૂકે, ટેરિફ એ અમેરિકાની આર્થિક સ્થિતિ માટે દવા રૂપે કામ કરશે. તે સુચારુ વેપાર નીતિ બનાવશે.
બ્લેક મંડે શું છે ?
19 ઓક્ટોબર 1987ના રોજ બ્લેક મંડે એ એવો સમય હતો જ્યારે વિશ્વભરના બજારો તૂટી પડ્યા હતા, યુએસ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 22.6 ટકા ઘટ્યો હતો. આ ઘટનાએ વૈશ્વિક શેરબજારમાં મંદી લાવી દીધી, જેના કારણે બ્લેક મન્ડે નાણાકીય ઇતિહાસના સૌથી ખરાબ દિવસોમાંનો એક બન્યો. આ દિવસે S&P 500 30 ટકા ઘટ્યો. આખો મહિનો આ અંધાધૂંધી ચાલુ રહી અને નવેમ્બર 1987 ની શરૂઆતમાંમોટાભાગના મુખ્ય શેરબજાર સૂચકાંકોએ તેમના મૂલ્યના 20 ટકા થી વધુ ગુમાવ્યા હતા.
સોનુ ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં પણ ભારે વેચાવાલી
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ, નીતિને પગલે અમેરિકા સહિતની વિશ્વભરની ઈક્વિટી માર્કેટમાં ગાબડાં પડતાં રોકાણકારોને થયેલી વ્યાપક નુકસાની સરભર કરવા માટે રોકાણકારો સોનામાં નફારૂપી વેચવાલીનું દબાણ વધતાં ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ એક ટકા કરતાં વધુ માત્રામાં ઘટીને સાડાત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ સાત મહિનાના તળિયે પહોંચ્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ધીમો ભાવઘટાડો આગળ ધપ્યો હતો અને ચાંદીમાં તળિયેથી ધીમો સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ગત શુક્રવારના વિશ્વ બજારનાં નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2603થી 2613નો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ રૂ. 89,000ની અંદર ઉતરી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 4535નાં ગાબડાં સાથે રૂ. 89,000ની અંદર ઉતર્યા હતા.
સ્થાનિક સોનાચાંદી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં ગત શુક્રવારના વૈશ્વિક બજારના નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની વ્યાપક વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જેમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 4535નાં ગાબડાં સાથે રૂ. 89,000ની અંદર ઉતરીને રૂ. 88,375ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2603 ઘટીને રૂ. 88,047 અને રૂ. 2813 ઘટીને રૂ. 88,401ના મથાળે રહ્યા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 39 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાની વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો થોડોઘણો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.