ઉત્તરાખંડના કેદારનાથ ધામના યાત્રીઓ ફરી એકવાર મોટી દુર્ઘટનાનો શિકાર થયા છે. રવિવારે (15મી જૂન) કેદારનાથ રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જેમાં 5 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. આ હેલિકોપ્ટર રુદ્રપ્રયાગના ગૌરીકુંડના જંગલોમાં તૂટી પડ્યું હતું. દુર્ઘટના થવાનું કારણ ખરાબ હવામાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ઉત્તરાખંડના એડીજી (કાયદો અને વ્યવસ્થા) ડૉ. વી. મુરુગેશને જણાવ્યું હતું કે કેદારનાથથી લગભગ 86 કિ.મી. દૂર રુદ્રપ્રયાગ નજીક ગૌરીકુંડના જંગલોમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમાં છ લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. તેમણે પુષ્ટી કરી હતી કે ગૌરીકુંડમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થયું છે.
ઘટનાની જાણ થતાં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીએ આ મામલે ‘X’ પર પોસ્ટ કરીને હેલિકોપ્ટરના મુસાફરો સુરક્ષિત હોય તેવી કામના કરી હતી. તેમણે લખ્યું ‘જનપદ રુદ્રપ્રયાગમાં હેલકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે. એસડીઆરએફ, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય રેસ્ક્યૂ દળ બચાવ કામગીરી કરી રહ્યા છે.’
નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આજે જેના પરીણામોની દેશના 22 લાખ પરીવારો આતુરતાથી રાહ જોતા હતા એ નીટ અન્ડરગ્રેજ્યુએટ 2025 ટેસ્ટના પરીણામો ઘોષિત કર્યા હતા. ગઇ તા.7મી મે એ લેવાયેલી નીટ યુજીની પરીક્ષાના પ્રશ્નપત્રો કઠિન હોવાના રિવ્યુ બાદ એ વાત નિશ્ચિત હતી કે નીટ યુજીના પરીણામ પર કઠિન પ્રશ્નપત્રની અસર વર્તાવાની છે અને એ જ થયું. આજે જાહેર થયેલા નીટ યુજીના પરીણામોમાં માર્કસ ગયા વર્ષની તુલનામાં નીચા આવ્યા છે. ગયા વર્ષે હાઇએસ્ટ માર્કસ 720માંથી 720 આવ્યા હતા. જ્યારે આ વર્ષે 720માંથી 686 માર્કસ આવ્યા છે. એવી જ રીતે દરેક સ્તરે જોઇએ તો ગયા વર્ષની તુલનામાં 80થી 100 માર્કસ જુદી જુદી કેટેગરી અનુસાર ઓછા આવ્યા છે. જેને કારણે મેડીકલ કોલેજોમાં મેરીટ પણ ગયા વર્ષની સરખામણીમાં અત્યંત નીચે આવશે. એવું પણ અનુમાન થઇ રહ્યું છે કે આ વખતે 550 માર્કસ લાવનાર વિદ્યાર્થીને સરકારી કોલેજમાં પણ નંબર લાગી શકે છે. એવી જ રીતે ગયા વર્ષે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ જેટલા માર્કે મળ્યો હતો તેટલા માર્કે આ વખતે કદાચ સેમિ સરકારી કોલેજમાં પણ એડમિશન મળી શકે છે. અલબત્ત આ વખતે કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશ માટે એપ્લિકેશન કરે છે તેના આધારે મેરીટ રેન્ક મળશે એ પછી જ ચિત્ર ફાઇનલ થશે.
આજના નીટ યુજીના પરીણામમાં સુરતનો વિદ્યાર્થી જેનિલ વિનોદભાઇ ભાયાણી ગુજરાતમાં પ્રથમ આવ્યો છે જ્યારે દેશમાં તેણે 6ઠ્ઠો ક્રમ હાંસલ કર્યો છે. જેનિલ ભાયાણીએ 99.9999 પર્સન્ટાઇલ રેન્ક હાંસલ કર્યા છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ત્રીજા રાઉન્ડ (2023-25)ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા ઐતિહાસિક જીતથી માત્ર 69 રન દૂર છે. લોર્ડ્સમાં રમાઈ રહેલા આ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 282 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્રીજા દિવસે એટલે કે 13 જૂનના રોજ દક્ષિણ આફ્રિકાએ બે વિકેટ ગુમાવીને 213 રન બનાવી લીધા છે, જેનાં કારણે તે જીતની નજીક પહોંચી હતી. જેમાં એઈડન માર્કરામ 102 રન અને કેપ્ટન ટેમ્બા બાવુમા 65 રન બનાવીને અણનમ રહ્યા હતા અને હવે ચોથા દિવસે તેમની પાસેથી જીતની આશા રાખવામાં આવી રહી છે.
હેમસ્ટ્રિંગની ઇજા છતાં બાવુમાનો જુસ્સો પ્રસંશનીય
એઇડન માર્કરામે 159 બોલમાં 11 ફોર ફટકારી છે. તેમજ ટેમ્બા બાવુમાએ 121 બોલમાં 5 ફોર ફટકારી છે. બાવુમા અને માર્કરામે અત્યાર સુધીમાં ત્રીજી વિકેટ માટે 232 બોલમાં 143 રનની ભાગીદારી કરી છે. માર્કરામે રન ચેઝ દરમિયાન સેન્ચુરી ફટકારી છે, પરંતુ હેમસ્ટ્રિંગની ઇજા છતાં બાવુમાએ જે જુસ્સો બતાવ્યો તે પ્રશંસનીય છે. બાવુમાની આ શાનદાર ઇનિંગ સામે એઇડન માર્કરામની સેન્ચુરી પણ ફિક્કી લાગે છે.
1998માં નોકઆઉટ ટ્રોફી (હવે ચેમ્પિયન્સ ટ્રોફી) જીત્યા પછી દક્ષિણ આફ્રિકાએ એક પણ વાર ICC ટાઇટલ જીત્યું નથી. જ્યારે દક્ષિણ આફ્રિકાએ છેલ્લે ICC ટાઇટલ જીત્યું હતું, ત્યારે ટીમના ક્રિકેટરો માર્કો જેન્સન અને ટ્રિસ્ટન સ્ટબ્સનો જન્મ પણ થયો ન હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ છેલ્લા અમુક વર્ષોમાં સેમિફાઇનલ કે ફાઇનલમાં પહોંચી છે, પરંતુ ટ્રોફી જીતી શકી નથી.
ફાઇનલમાં, ઓસ્ટ્રેલિયન ટીમ ટોસ હારી ગઈ અને પ્રથમ બેટિંગ કરી. તેની પ્રથમ ઇનિંગમાં 212 રન બનાવ્યા. જવાબમાં, પેટ કમિન્સની 6 વિકેટે દક્ષિણ આફ્રિકાની પ્રથમ પારી માત્ર 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ પ્રથમ ઇનિંગના આધારે, કાંગારૂ ટીમને 74 રનની લીડ મળી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ તેની બીજી પારીમાં 207 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકા સામે 282 રનનો ટાર્ગેટ રાખ્યો.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી પરમાણુ સમજૂતીની ચર્ચા વચ્ચે ઇઝરાયેલે ઈરાન પર અનેક હવાઇ હુમલા કર્યા હતા. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે હુમલા કયા સ્થળ પર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ હુમલા તેની કોઇ ભૂમિકા નથી. આ પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પે આશંકા વ્યક્ત કરી હતી કે ઇઝરાયલ ઇરાન પર હુમલો કરી શકે છે.
મીડિયા અહેવાલ અનુસાર, ઇઝરાયલ વાયુસેનાએ ગુરુવારે ડઝનબંધ હુમલા કર્યા છે. જેમાં ઇઝરાયલ ઇરાનના મિસાઇલ અને પરમાણુ મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ગુરુવારે રાત્રે સમગ્ર ઇઝરાયલમાં સાયરન વગાડવામાં આવી હતી. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કેટ્સે સમગ્ર દેશમાં ખાસ કટોકટીની સ્થિતિની જાહેરાત કરી છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે ઇઝરાયલ તેના પરમાણુ કાર્યક્રમ અંગે ઇરાન પર હુમલો કરી શકે છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ, યુએસ પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે જો ઇરાન સોદા માટે વાટાઘાટો નહીં કરે તો પશ્ચિમ એશિયામાં મોટા પાયે સંઘર્ષ ફાટી નીકળી શકે છે. તેમજ ઈરાન પર ઈઝરાયેલ ગમે ત્યારે હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે તેઓ ઈરાનને સમજૂતી પર પહોંચવા માટે આગ્રહ કરતા રહેશે.
જ્યારે ઇરાન પર ઇઝરાયલના હવાઈ હુમલા પછી એવો ભય છે કે નજીકના ભવિષ્યમાં ઇઝરાયલ અને તેના નાગરિકોને મિસાઇલ અથવા ડ્રોન હુમલાનો સામનો કરવો પડી શકે છે. ઇઝરાયલે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. ઇરાને તેહરાનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ સ્થગિત કરી દીધી છે.
ખૂબ જ ગંભીર અને કરૂણ કહી શકાય તેવી ઘટના અમદાવાદમાંમ બની છે. અહીં મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે, જેમાં 242 યાત્રી સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 242 યાત્રીઓ ઉપરાંત જે બિલ્ડીંગ પર પ્લેન તૂટી પડ્યું એ મેડીકલ કોલેજની હોસ્ટેલના ઇન્ટર્ન ડોક્ટર તેમજ અન્ય લોકો મળીને 13મી જૂન 2025ની સવારે મળેલી લેટેસ્ટ માહિતી અનુસાર 265 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની વિગતો જાહેર કરવામાં આવી છે.
ગુજરાતના અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાની પ્લેન ક્રેશની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા. પ્લેન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું હતું. વિમાન લંડન જઈ રહ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં ભારતીય અને બ્રિટિશ નાગરિકો સવાર હતા. વિમાન દુર્ઘટનાને લઇને સમગ્ર વિશ્વના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
બ્રિટનના વડા પ્રધાન કિર સ્ટાર્મર, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ અને નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે ‘એક્સ’ પર શોક વ્યક્ત કરતાં લખ્યું હતું કે, “અમદાવાદમાં લંડન જતી એક ફ્લાઇટ દુર્ઘટના થઇ હોવાના સમાચાર અત્યંત હૃદયદ્રાવક છે. હું સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. મુસાફરો અને તેમના પરિવારો સાથે મારી સંવેદના છે.”
યુરોપિયન કમિશનના પ્રમુખે લખ્યું હતું કે અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. આ ભયંકર નુકસાનથી પીડિત પરિવારો અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના. અમે તમારા દુ:ખમાં સહભાગી છીએ. દુ:ખની આ ઘડીમાં યુરોપ તમારી અને ભારતના લોકો સાથે છે.
ભારતના પૂર્વ કેપ્ટન અને મહેન્દ્ર સિંહ ધોનીને ICCએ સન્માનિત કર્યું છે. ધોનીને ICC હોલ ઓફ ફેમ 2025 માં સામેલ કરવામાં આવ્યો છે. તે આ સન્માન મેળવનારો 11મો ભારતીય ક્રિકેટર છે. નોંધનીય છે કે, 2004 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, ધોનીએ 2007 માં T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું અને ટીમને વિજય અપાવ્યો. તેણે 2011 માં ODI વર્લ્ડ કપ અને 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ 2009 માં પહેલીવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી હતી. તેણે 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
ICC એ આ અંગે જણાવ્યું હતું કે, ‘દબાણમાં શાંત સ્વભાવ અને અજોડ વ્યૂહાત્મક કુશળતા તેમજ ટૂંકા ફોર્મેટમાં અગ્રણી ખેલાડી તરીકે જાણીતા, મહાન ફિનિશર, લીડર અને વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોનીના વારસાને ICC ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરીને સન્માનિત કરવામાં આવ્યો છે.’
ધોનીએ આ અંગે કહ્યું કે, ‘ICC હોલ ઓફ ફેમમાં નામ મેળવવું એ એક સન્માનની વાત છે, જે વિવિધ પેઢીઓ અને વિશ્વભરના ક્રિકેટરોના યોગદાનને માન્યતા આપે છે. આવા સર્વકાલીન મહાન ખેલાડીઓ સાથે તમારું નામ હોવું એ એક અદ્ભુત અનુભૂતિ છે. આ એવી વસ્તુ છે જે હું હંમેશા યાદ રાખીશ.’
ICC હોલ ઓફ ફેમમાં સામેલ ભારતીય ક્રિકેટરોની યાદી
સુનીલ ગાવસ્કર
બિશેન સિંહ બેદી
કપિલ દેવ
અનિલ કુંબલે
રાહુલ દ્રવિડ
સચિન તેંડુલકર
વીનુ માંકડ
ડાયના એડુલજી
વીરેન્દ્ર સેહવાગ
નીતુ ડેવિડ
એમએસ ધોની
ICC એ હોલ ઓફ ફેમ 2025 માં પાંચ પુરુષ અને બે મહિલાઓ સહિત સાત ક્રિકેટરોનો સમાવેશ કર્યો છે. ધોની ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડન, દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટર હાશિમ અમલા અને પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ, ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વેટોરીને પણ સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન સના મીર અને ન્યૂઝીલેન્ડની પૂર્વ ક્રિકેટર સારાહ ટેલરને પણ સામેલ કરવામાં આવ્યા છે.
SGCCI, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના 78માં અને વર્ષ 2024-25ના પ્રેસિડેન્ટ તરીકે વિજય મેવાવાલાની કેપ્ટન ઇનિંગને ચેમ્બરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. ચેમ્બર ઓફ કોમર્સમાં ગુડ ગવર્નન્સને નવી ઉંચાઇએ લઇ જવામાં વિજય મેવાવાલાએ કરેલી લિડરશીપ કાબિલે તારીફ છે અને તેને ઉદ્યોગકારો જ નહીં પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના સનદી અધિકારીઓથી લઇને ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓ પણ બિરદાવી રહ્યા છે. આજે ચેમ્બરના આ 78માં પ્રમુખ પદેથી વિદાય લઇ રહેલા વિજય મેવાવાલાએ કહ્યું કે તેઓ સતત ઉદ્યોગ ધંધાના વિકાસ માટે સક્રિય હતા, છે અને રહેશે.
નાનપુરા સ્થિત સમૃદ્ધિ બિલ્ડીગથી સરસાણા, સંહતિમાં SGCCIની ઓફિસ શીફ્ટ થયા બાદ SGCCIના મોભ્ભા અનુસાર તેમાં કેટલીક માળખાગત સુવિધાઓ અને બ્યુટીફિકેશનની તાતી જરૂર હતી. વિજય મેવાવાલાએ માળખાગત સુવિધાઓ એવી વિકસાવી કે જેના મીઠા ફળ વર્ષો નહીં દાયકાઓ સુધી ઉદ્યોગકારોને મળતા રહેશે. SGCCIની સમગ્ર ઓફિસને સોલાર પાવર સિસ્ટમથી વિકસાવવા ઉપરાંત મુલાકાતીઓથી લઇને કર્મચારીઓના વાહનોના પાર્કિંગની ફેસેલિટી પણ સુપેરે ડેવલપ કરી. એથી વિશેષ વેલ ઇક્વિપ્ટ કોન્ફરન્સ હોલ અને સ્ટેપ્ડ ઓડીટોરીયમની ભેંટ તેમના કાર્યકાળમાં મળી. આવી અનેક નાની મોટી કામગીરીઓને કારણે વિજય મેવાવાલાની પ્રેસિડેન્ટશીપને ઉદ્યોગકારો હંમેશા માટે સ્મરણમાં રાખશે.
ગુડ ગવર્નન્સની વાત કરીએ તો વિજય મેવાવાલા SGCCIના વહીવટને એક એવા લેવલ પર લઇ ગયા છે કે જ્યાં કોર્પોરેટની મિકેનિઝમ કરતા ચઢીયાતી સિસ્ટમથી હાલમાં SGCCIનું વહીવટીતંત્ર કાર્યરત છે. વહીવટમાં પ્રોફેશનલિઝમનો સમાવેશ એવી રીતે કર્યો કે જાણે સોનામાં સુગંધ ભળે. ચેમ્બરના કર્મચારીઓથી લઇને ઉદ્યોગકારો સુધી સમગ્ર વર્ષ દરમિયાન પ્રત્યેકને ધ્યાનપૂર્વક સાંભળ્યા અને એક પ્રેસિડેન્ટ તરીકે તેમણે તમામને ન્યાય આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.
આપે આજથી 26 વર્ષ પહેલા સુરતના વેપારી મહાજનોની વિશ્વ વિખ્યાત વાણિજ્યિક સંસ્થા, ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં આજીવન સભ્ય તરીકે જોડાયા અને તેના 25માં વર્ષે સંસ્થાના સર્વોચ્ચ બંધારણિય હોદ્દા એટલે કે પ્રમુખ તરીકે કામગીરી સંભાળી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકેના આપના કાર્યકાળમાં આપનું નેતૃત્વ વિઝનરી, ઇમ્પેક્ટફુલ અને ગ્લોબલ હોવાની અનુભૂતિ અમે સૌએ કરી છે.
આપના કાર્યકાળના આરંભે આપશ્રી એ જાહેર સંબોધનમાં કહ્યું હતું કે સૌને સાથે લઇને ચાલીશું અને સાથે જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા સૂત્ર, સૌનો સાથ અને સૌનો વિકાસને સાર્થક કરીશું.
આપની લિડરશીપના એક વર્ષમાં આપે એને સાર્થક કરી દેખાડ્યું છે.
SGCCIના પ્રમુખ પદે આપના કાર્યકાળમાં અમે નોંધ્યું કે એક કપ્તાન તરીકે આપનામાં લિડરશીપ ક્વોલિટીઝ તરીકે SGCCIને નવીનત્તમ મુકામ પર પહોંચાડી છે.
ઉદ્યોગ, ધંધા, વેપાર માટે રીપ્રેઝન્ટેશન કરી શકાય તેવા મૂળભૂત સિદ્ધાંત સાથે SGCCI અસ્તિત્વમાં આવી હતી, SGCCIના આ મૂળભૂત સિંદ્ધાતને આપશ્રીએ ચોંટદાર કમ્યુનિકેશન સ્કીલ્સના સથવારે સંપૂર્ણપણે ચરિતાર્થ કર્યો છે. કહેવાય છે કે મૂળ સુરતી નાગરીકના ડીએનએમાં નાવિન્ય, કંઇક નવું પ્રદાન કરવાની ખેવના સતત સક્રિય હોય છે, અમે આપની વહીવટ કરવાની કાર્યશૈલીમાં ડગલેને પગલે તેનો અહેસાસ કર્યો છે. SGCCI તરફથી રીપ્રેઝન્ટેશન કરવાનું હોય, કોન્કલેવ કે પછી ઓપન હાઉસ હોય. એક્ઝિબિશન-એક્ષ્પો હોય કે મેનેજિંગ કમિટીની મિટીંગ સુધી દરેક સ્તરે આપના કાર્યકાળ દરમિયાન કંઇકને કંઇક નવીનત્તમ સ્થિતિ અનુભવી છે.
આપની લિડરશીપ હેઠળ આપણી સંસ્થા, SGCCI, સકારાત્મક અભિગમ અને સૌથી વધુ ક્રિએટિવીટી સાથે વૈશ્વિક ફલક પર ઉભરી આવી છે.
SGCCIના પ્રમુખ તરીકે આપના કાર્યકાળ દરમિયાન જુદા જુદા ઉદ્યોગ, ધંધા, રોજગાર, વ્યવસાયના હિતાર્થે 400 પ્લસ મિટીંગ્સ-સિટીંગ્સ કરી. જુદા જુદા ઉદ્યોગ-ધંધાને અનુરૂપ 14 એક્ષ્પો-એક્ઝિબિશન્સ કર્યા અને તેમાં 2 લાખથી વધુ લોકો મુલાકાતી તરીકે પહોંચ્યા હતા, SGCCIના અત્યાર સુધીના ઇતિહાસમાં કોઇ એક વર્ષના એક્ષ્પો-એક્ઝિબિશનમાં આટલી વિશાળ સંખ્યામાં મુલાકાતીઓ નોંધાયા નથી.
આપશ્રીના નેતૃત્વની અવધિમાં SGCCIમાં એક પ્રેરણાદાયી કિર્તીમાન એ પણ સ્થપાયો કે કોઇ એક વર્ષમાં સૌથી વધુ (1000થી વધુ) નવા સભ્યો SGCCIના ફેમિલીમાં જોડાયા.
દેશની રાજધાની દિલ્હી હોય કે ગુજરાતની રાજધાની ગાંધીનગર હોય, આપશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અધિકારી શ્રીઓ સાથે નિયમિત રીતે સંપર્કમાં રહ્યા અને આપશ્રીના સમયમાં કરવામાં આવેલી 200થી વધુ રજૂઆતોમાં 50થી વધુ રજૂઆતોને પરીણામદાયી સ્તર પર લાવી શક્યા જે આપની કુશળ નેતૃત્વ શૈલીને આભારી છે. સુરતના સ્થાનિક સરકારી તંત્રો જેમાં સુરત કલેક્ટરેટ, સુરત મહાનગરપાલિકા, સુરત શહેર પોલિસ તંત્ર, જીએસટી ડિપાર્ટમેન્ટ, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, દક્ષિણ ગુજરાત વીજ કંપની, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, જિલ્લા સહકારી રજિસ્ટ્રાર, રેલવે તંત્ર, સ્ટેટ ટ્રાન્સપોર્ટ, આરટીઓ, પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ વગેરે સાથે જુદા જુદા મુદ્દાઓ પર સુમેળ સાધીને એવું નેતૃત્વ પ્રદાન કર્યું કે આજે સૌની સાથે SGCCIનો નાતો વધુ ગાઢ બન્યો છે અને SGCCIનું નેટવર્ક વિસ્તર્યું છે.
SGCCIનું આપણા દેશમાં આંતરીક નેટવર્ક તો વિસ્તર્યું છે પણ સાથોસાથ આપશ્રીના કાર્યકાળ દરમિયાન વિદેશોના બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સના પ્રતિનિધિઓથી લઇને ભારતમાં વિદેશોના કોન્સ્યુલેટ સાથે શ્રેણીબદ્ધ મિટીંગો યોજીને સુરતના વેપાર, ધંધાને તેમની નજર સમક્ષ બખૂબી મૂક્યા. આપના કાર્યકાળમાં SGCCIએ સૌથી પહેલી વખત ગ્બોબલ વિલેજ એક્ઝિબિશનનો કન્સેપ્ટ લોંચ કર્યો. આપની મુદત દરમિયાન જુદા જુદા 25થી વધુ દેશોમાંથી 150થી વધુ ફોરેન ડેલિગેટ્સ સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર અને સંહતિ ખાતેની આપણી કચેરીની મુલાકાતે આવ્યા હતા.
આપશ્રીનું વિઝન હતું કે SGCCI સસ્ટેનેબિલિટી અપનાવે અને એ માર્ગ પર આગેકૂચ કરતા આપશ્રીએ સંહતિ બિલ્ડીંગની આપણી કચેરીમાં સોલાર પાવર પ્લાન્ટ કાર્યાન્વિત કરાવ્યો, જેના કારણે વર્ષે દહાડે રૂ.20 લાખના વીજળી ખર્ચની સીધી બચતનો લાભ SGCCIને વર્ષોવર્ષ મળતો રહેશે. આપશ્રીના સમયગાળામાં SGCCIની માળખાગત સુવિધાઓમાં અસાધારણ વધારો થયો. સહંતિ બિલ્ડીંગનાગ્રાઉન્ડ ફ્લોર પર વેલ ઇક્વિપ્ડ કોન્ફરન્સ હોલ તેમજ સાથે મલ્ટીપર્પઝ કન્વેન્શન હોલનું નિર્માણ અને લોકાર્પણ પણ આપશ્રીએ કરાવીને SGCCIના છોગાને મોરપીંચ્છથી હર્યુ ભર્યું કરી દીધું.
SGCCI કાર્યાલય સંકુલને નાવિન્ય અર્પણ કરતા અનેક પ્રોજેક્ટ અને સોનામાં સુગંધ ભળે એ રીતે SIECCના પરિસરમાં સંહતિ ખાતે આપણા પ્યારા રાષ્ટ્રધ્વજનું આરોપણ કરીને એક અલગ ઓળખ પ્રસ્થાપિત કરી છે.
ઉદ્યોગ, ધંધા, રોજગારની વાત કરીએ સિટી ઓફ ટેક્ષટાઇલ્સમાં કાપડ ઉદ્યોગથી શરૂ કરીને દક્ષિણ ગુજરાતમાં વિકાસ પામેલા કોઇપણ ઉદ્યોગ, ધંધાના સંસ્થા, સંગઠનો તરફથી આપના ધ્યાન પર જે બાબતો, પ્રશ્નો, સમસ્યાઓ લાવવામાં આવી તેને આપશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળીને તેના નિરાકરણમાં અંગત રસ લીધો એવું તમામનું ઓબ્ઝર્વેશન છે.
સુરતના જ નહીં રાજ્યભરના કાપડ ઉદ્યોગ માટે જરૂરી ટેક્ષટાઇલ પોલિસી હોય કે MSMEના જટીલ પ્રશ્નો હોય, આપશ્રીનું નેતૃત્વ મહદઅંશે પરીણામલક્ષી રહ્યું છે. ગુજરાત સરકારને ટેક્ષટાઇલ પોલિસીમાં ઔદ્યોગિક યુનિટોને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસિડી મળે તે માટે આપશ્રીના નેતૃત્વમાં કરાયેલી રજૂઆતને રાજ્ય સરકારે સ્વીકારીને પોલિસીમાં સ્થાન આપ્યું જેનાથી આગામી પાંચ વર્ષમાં ઉદ્યોગકારોને રૂ.10 હજાર કરોડ સુધીના આર્થિક પ્રોત્સાહન મળશે.
વર્તમાન સમયગાળો એવો છે કે જેમાં ઉદ્યોગ, ધંધા સાથે સંકળાયેલા લોકો સાઇબર ક્રાઇમનો શિકાર બની રહ્યા છે. સાઇબર ક્રાઇમ વિશ્વ માટે પડકારજનક બાબત બની છે. આપના સમયગાળા દરમિયાન સાઇબર અવેરનેસ માટે સેમિનારથી લઇને સાઇબર ક્રાઇમનો ભોગ બનેલા ધંધાર્થીઓ, વ્યવસાયિકો માટે પોલિસ તંત્રને દરમિયાનગીરી કરવા માટે સીધી રજૂઆતો કરવામાં આવી હતી.
સૌથી મહત્વની વાત પહેલું સુખ તે જાતે નર્યા. વિજયભાઇ આપે સ્વાસ્થયની સ્વકાળજી અને સ્પોર્ટસ બન્નેનું મહત્વ ઉદ્યોગ, ધંધાર્થીઓ અને સ્ટાફને સમજાય તે માટે સાઇક્લોથોનથી લઇને યોગા શિબિર જેવા કાર્યક્રમોનું આયોજન કર્યું જે ખાસ્સા લોકપ્રિય રહ્યા અને લોકોએ આવા આયોજનોને મુક્ત મને બિરદાવ્યા પણ હતા.
સમગ્ર વિશ્વ જેને પ્રોત્સાહિત કરી રહ્યું છે એ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં આપશ્રીએ આપેલું યોગદાન સુવર્ણમય અક્ષરોમાં લખી શકાય તેવું છે.ચેમ્બર ઓફ કોમર્સના સાનિધ્યમાં આપશ્રીએ સોલાર પાવર પ્લાન્ટ ખાસ કરીને ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ હેઠળ એક સોલાર પ્રોજેક્ટ સ્થાપિત કરવા માટે ઉદ્યોગકારોએ કમસે કમ 36 સ્ટેમ્પ પેપર લેવા પડતા હોય છે અને વિવિધ સત્તામંડળો પાસેથી જુદાજુદા મુદ્દા પર 22 પરવાનગીઓ લેવી પડે તેવી જટીલ પ્રક્રિયા દૂર કરીને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે આ સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન કરવા માટે ઉદ્યોગ સાહસિકો વતી ગુજરાત સરકારને અસરકારક રજૂઆતો કરી હતી. જેનો સ્વીકાર કરી ગુજરાત સરકાર દ્વારા ઉપરોક્ત બંને પ્રક્રિયાઓ માટે ઓનલાઈન સિસ્ટમ વિકસાવવા આવી છે. જેમાં GEDA પ્રોવિઝનલ અપ્રુવલથી લઈને ફાઈનલ કમિશનિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન કરવાનું પોર્ટલ GUVNL દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને આ પોર્ટલમાં જે પણ પ્રક્રિયા છે તે હાલમાં GERC ની મંજૂરી હેઠળ છે.
આપે ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના 13 હજારથી વધુ સભ્યો, કર્મચારીઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ સાથે પ્રત્યક્ષ, પરોક્ષ રીતે સંકળાયેલા લોકો પર આપના ઉમદા નેતૃત્વની અમીટ છાપ છોડી છે.
ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકેની આપની એક વર્ષની મુદત દરમિયાન ઉત્કૃષ્ટ નેતૃત્વ બદલ અમો સૌ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આપના દૂરંદેશી અભિગમ અને પરિણામો પ્રત્યેની પ્રતિબદ્ધતાએ આપણા પ્રિય શહેર સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ, ધંધા, વેપાર પર સકારાત્મક રીતે નોંધપાત્ર અસર કરી છે.
અભિનેતા ડિનો મોરિયા હાલમાં પોતાની ફિલ્મો માટે નહીં પરંતુ મુંબઈના બહુચર્ચિત મીઠી નદી કૌભાંડ મામલે ચર્ચામાં છે. તે આ કૌભાંડની તપાસમાં ફસાઈ રહ્યો છે. આ કેસમાં અભિનેતાના ભાઈ સેન્ટિનો મોરિયાનું નામ પણ સામેલ છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ લગભગ એક ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. EDના સૂત્રોએ જણાવ્યું કે, ડિનો મોરિયાના ભાઈ સેન્ટિનોને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.
મુખ્ય આરોપીના કોલ રેકોર્ડ્સ પરથી અનેક લોકના નામ સામે આવ્યા
સૂત્રો પાસથી મળેલી માહિતી પ્રમાણે આ કૌભાંડમાં મુખ્ય આરોપીના કોલ રેકોર્ડ્સ પરથી અનેક લોકના નામ સામે આવ્યા છે. મીઠી નદી કૌભાંડના મુખ્ય આરોપી કેતન કદમના કોલ રેકોર્ડસની તપાસમાં ડિનો મોરિયાનું નામ સામે આવ્યું છે. આરોપ છે કે, મીઠી નદી કૌભાંડના આરોપી કેતન સાથે ડિનો મોરિયા અને તેના ભાઈ સેન્ટિનોએ ઘણી વખત ફોન કોલ પર વાતચીત થઈ છે.
ED પહેલાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાની ટીમે અભિનેતા ડિનો મોરિયા અને તેના ભાઈ બંનેની પૂછપરછ કરી છે. બંનેને ગત અઠવાડિયે જ પૂછપરછ માટે બોલાવ્યા હતા.
વાસ્તવમાં મુંબઈ મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા મીઠી નદીની સફાઈ કરાવી હતી. આ કૌભાંડ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મીઠી નદીની સફાઈમાં ઉપયોગમાં લેવાતા સ્લજ પુશર્સ અને ડ્રેજિંગ મશીનોની ખરીદી અને વેચાણ સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે, આ મશીનો કોચી સ્થિત કંપની મેટપ્રોપ ટેકનિકલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ઊંચા ભાવે ભાડે લેવામાં આવ્યા હતા અને આમાં મોટી નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી. આ કેસમાં કેતન કદમ અને જય જોશી મુખ્ય આરોપી છે.
આ બંને પર મેટપ્રોપ કંપનીના અધિકારીઓ અને બીએમસીના સ્ટોર્મ વોટર ડ્રેનેજ વિભાગના અધિકારીઓની મિલીભગતથી કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે. કથિત રીતે મીઠી નદીના કથિત ડિસિલ્ટિંગ કૌભાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને 65.54 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (6 જૂન) જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે, જ્યાં તેમણે ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. ચિનાબ બ્રિજ દુનિયાનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ છે, જે કાશ્મીર ઘાટીને આખા ભારત સાથે દરેક ઋતુમાં રેલ સંપર્ક પ્રદાન કરશે અને કટરા-શ્રીનગર યાત્રાનો સમય ઘટાડશે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાનની આ પહેલી કાશ્મીર મુલાકાત છે. અહીં તેઓ 46 હજાર કરોડની યોજનાઓની ભેટ આપશે.
આ પહેલથી કનેક્ટિવિટીમાં સુધારો થશે. બ્રિજના ઉદ્ઘાટન સાથે એવું પણ કહેવામાં આવે છે કે, આનાથી ‘દિલની દૂરી અને દિલ્હીનું અંતર ઘટશે.’ વડાપ્રધાનના આ કાશ્મીર પ્રવાસ બાદ પર્યટન અને આર્થિક વિકાસને પણ વેગ મળશે.
વડાપ્રધાને ચિનાબ બ્રિજ અને અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું છે, જે ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલ લિંક યોજનાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ યોજના હેઠળ બનાવવામાં આવેલો આ પુલ કાશ્મીર ઘાટીના ભાગને ભારત સાથે જોડશે. જેનાથી મુસાફરીનો સમય ઘટીને 3 કલાક થઈ જશે અને વેપાર તેમજ પ્રવાસ ઉદ્યોગને પણ વેગ મળશે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી રેપો રેટ 6%થી ઘટીને 5.50% થઈ ગયો છે. આવું કરીને સેન્ટ્રલ બૅન્કે સામાન્ય માણસને મોટી રાહત આપી છે. જેના કારણે મોંઘવારીમાં રાહત મળશે તેમજ હોમ લોન, ઓટો લોન, રિયલ એસ્ટેટમાં રાહત મળશે.
જો તમે પણ બૅન્કમાંથી લોન લીધી હોય, તો તમારી લોનના EMIમાં ઘટાડો થવાની શક્યતા છે. રેપો રેટમાં ઘટાડા પછી લોનના વ્યાજ દરમાં પણ ઘટાડો થશે. એવામાં જાણીએ કે 20, 30 અને 50 લાખની હોમ લોન પર તમારી EMI કેટલી હશે અને તે પહેલા કરતાં કેટલી ઓછી થશે.
50 લાખની લોન પર કેટલી રાહત મળશે?
જો તમે 30 વર્ષ માટે 50 લાખની હોમ લોન લીધી છે અને તેના બદલામાં તમે 9% વ્યાજ ચૂકવો છો તો તમારે મહિને રૂ. 40,231નો હપ્તો ભરવાનો રહે છે. એવામાં હવે આરબીઆઇએ 50 બેસિસ પોઇન્ટ ઘટાડી દેતાં રૂ. 38,446 હપ્તો ભરવાનો રહેશે. આથી મહિને હપ્તામાં રૂ. 1785 ઓછા ભરવાના થશે.
એવી જ રીતે 30 લાખની હોમ લોન પર 20 વર્ષ માટે 8.5% વ્યાજ ચૂકવવાનું રહે છે. જેનો મહિને રૂ. 26,035નો હપ્તો ભરવાનો રહે છે. હવે રેપો રેટ ઘટતાં વ્યાજ 8% થઈ જશે આથી મહિને રૂ. 25,093 ચૂકવવાના રહેશે એટલે કે રૂ. 942 ઓછા ચૂકવવા પડશે.
ધારો કે રૂ. 20 લાખની લોન 20 વર્ષ માટે 9% વ્યાજે લેવામાં આવી હોય, તો માસિક EMI રૂ. 17,995 થશે. હવે લોનના વ્યાજમાં 50 બેસિસ પોઇન્ટના ઘટાડા પછી, તમારે રૂ.17,356 હપ્તો ભરવાનો થશે એટલે કે તમારે દર મહિને EMIમાં રૂ. 639 ઓછા ચૂકવવા પડશે.
રેપો રેટમાં ઘટાડાથી મોંઘવારીમાં પણ રાહત મળશે. રેપો રેટમાં 0.50%ના બમ્પર ઘટાડા અંગે માહિતી શેર કરતાં RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે બેઠકમાં SDF દર 5.75%થી ઘટાડીને 5.25% કરવામાં આવ્યો છે, જ્યારે MSF દર પણ 6.25%થી ઘટાડીને 5.75% કરવામાં આવ્યો છે. તેમણે નાણાકીય વર્ષ 2026 માટે મોંઘવારીનો અંદાજ વ્યક્ત કરતાં કહ્યું કે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા છે. એટલે તેને 3.7% પર રાખવામાં આવ્યો છે. અગાઉ તે 4 ટકા કરવામાં આવ્યો હતો. આ સાથે, RBI ગવર્નરે કહ્યું કે બેઠકમાં કેશ રિઝર્વ રેશિયો(CRR)ને 100 બેસિસ પોઇન્ટ ઘટાડીને 4 ટકાથી 3 ટકા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.