સુરતના સુમુલડેરી રોડ સ્થિત ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI)ની ટેસ્ટિંગ લેબોરેટરીમાં ડાયમંડ જવેલરી (નેચરલ અને લેબગ્રોન), લુઝ ડાયમંડ (નેચરલ અને લેબગ્રોન), કલર સ્ટોન તથા સોનાની ગુણવત્તાની ટેસ્ટિંગ કરી સર્ટિફિકેટની અધિકૃત કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ચિન્હ સાથે હવે આઇડીઆઇ કમર્શિયલ સર્ટિફિકેશન કરી આપશે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI ) જેમ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા ડાયમંડ જવેલરી (નેચરલ અને લેબગ્રોન) , લુઝ ડાયમંડ (નેચરલ અને લેબગ્રોન), કલર સ્ટોન તથા સોનાની ગુણવત્તાની ટેસ્ટિંગ માટે ભારતનું રાષ્ટ્રીય ચિન્હ વાળા નવા ડિઝાઇન કરેલા લેબોરેટરી ટેસ્ટિંગ સર્ટિફિકેટનું અનાવરણ રાજ્યના ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ નવા લેબોરેટરી સર્ટિફિકેટ પ્રધાનમંત્રીના વિઝનને અનુલક્ષી, મેક ઇન ઇન્ડીયાને પ્રમોટ કરવા IDI દ્વારા આ પહેલ કરવામાં આવેલ છે. ભારત સરકારની ટેસ્ટ ઈન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકારના માધ્યમથી ,ભારતનું રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભ સાથેનું લેબોરેટરી સર્ટિફિકેટ જેમ્સ અને જ્વેલરી સેક્ટરને IDI દ્વારા જારી કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ સંસ્થાના શ્રી દિનેશભાઈ નાવડિયાના સતત પ્રયાસોના પરિણામે શક્ય બની છે.
વધુમાં દિનેશભાઇ નાવડિયાએ જણાવ્યું હતું કે, IDI દ્વારા વર્ષોથી જેમ્સ અને જ્વેલરી સેક્ટરને અત્યંત નજીવા દરે ગુણવત્તા અને વિશ્વસનીય લેબોરેટરી સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે. ભારતીય જેમ ટેસ્ટિંગ લેબોરેટરીને પ્રોત્સાહન મળે તે હેતુથી, જેમ એન્ડ જ્વેલરી ટ્રેડના દરેક સભ્યોએ લેબોરેટરી સર્ટિફિકેટ ની ઊંચી વિશ્વસનીયતા અને ઝડપી સેવાઓનો લાભ લેવા માટે આપસૌને ન્રમ અપીલ છે. IDI દ્રઢ પ્રતિબદ્ધતાથી ગુણવત્તા અને પારદર્શકતાને જાળવી રાખશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.









