આધ્યાત્મિક Archives - Page 5 of 36 - CIA Live

July 7, 2024
Gujrat-rath-yatra.jpg
2min287

આજે (07 જુલાઈ) અમદાવાદમાં 147મી રથયાત્રાની શરૂઆત થઇ ચૂકી છે. વહેલી સવારે 4 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળી રહ્યા છે. આ અવસરે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેમણે ભગવાન જગન્નાથની આરતી કરી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોની ભીડ ઉમટી પડી છે અને જય જગન્નાથનો નાદ સંભળાઈ રહ્યો છે. 

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથ પર બિરાજમાન થઈ ચૂક્યા છે. રાજ્યના અન્ય શહેરોમાંથી પણ આવી જ રીતે રથયાત્રા યોજવામાં આવી રહી છે. 

Ahmedabad Dated 6/7/2024 @ 4.00 am

Live : આજે 147મી રથયાત્રા : જગતના નાથ થયા રથ પર સવાર, થોડીવારમાં મુખ્યમંત્રી પણ પહોંચશે 1 - image

6:15 AM 

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાશે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે. 

6:10 AM 

આ રથયાત્રા એ ભારતની ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે.

• 18,700થી વધુ સુરક્ષાકર્મી ખડેપગે રહેશે

પોલીસ કમિશનરે જણાવ્યું કે, ‘આ રથયાત્રાને સફળ બનાવવા આઈ.જી. કક્ષાથી લઈને પોલીસકર્મીઓ સુધી કુલ મળીને 18,700થી વધુ સુરક્ષા કર્મી ખડે પગે ફરજ બજાવશે. રથયાત્રામાં જોડાનારા રથ, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતોની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસકર્મી જોડાવાના છે. સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1931 જવાનો તહેનાત રહેશે. એટલું જ નહીં, 16 જેટલી ક્રેનની વ્યવસ્થા પણ કરાઈ છે.’

• સમગ્ર રૂટનું લાઈવ મોનિટરિંગ કરાશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કોઈ અફવા કે ખોટા-ગેરમાર્ગે દોરતા સમાચારો, વિગતો ક્યાંય પ્રસિદ્ધ થાય તો તેની સામે ત્વરાએ સત્ય હકીકતથી લોકોને વાકેફ કરવા પર પોલીસ તંત્ર વિશેષ ધ્યાન આપે તેવું સૂચન કર્યું હતું. આ સંદર્ભે પોલીસ કમિશનરે રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ અંગે જણાવ્યું કે, ‘47 જેટલા લોકેશન પર 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડી વૉર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે. આ ઉપરાંત 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોના સહકારથી 1400 જેટલા સીસીટીવી કેમેરાથી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા બાજ નજર રખાશે.’

• મેડિકલ ઈમરજન્સી મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય 

રથયાત્રા દરમિયાન કોઈ મેડિકલ ઈમરજન્સી ઊભી થાય કે કોઈ બનાવ બને તો તબીબી સેવાઓ માટે અમદાવાદ મહાપાલિકાની ત્રણ અને રાજ્ય સરકારની સિવિલ તથા સોલા સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડબાય રહેશે. આ ઉપરાંત પાંચ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. 108 એમ્બ્યુલન્સ સેવાની 11 તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ એમ્બ્યુલન્સ પણ જરૂરિયાત મુજબ રથયાત્રામાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરાયું છે. આ રથયાત્રામાં શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર 17 જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કરાશે. 

• રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે

ભગવાન જગન્નાથજીના રથને ખલાસીઓ ભાઇઓ આગળ લઇ જવાનું કામ કરે છે. રથયાત્રામાં મોટી દૂર-દૂરથી લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જગન્નાથજીના રથ પર હનુમાનજીનો ધ્વજ લગાવવામાં આવે છે. ભગવાન શ્રીરામની અથાગ સેવા કરનાર રામભક્ત હનુમાનજીના નામ સ્મરણ સાથે રથયાત્રામાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવે છે. હનુમાનજીએ ભગવાન શ્રીરામની કરેલી અનન્ય ભક્તિને યાદ કરવા માટેની પરંપરા છે અને વર્ષો સુધી જળવાઇ પણ રહી છે.

• 1869થી અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત

અમદાવાદના જગન્નાથજી મંદિરમાં જગન્નાથપુરી મંદિરની જેમ તમામ પૂજા-વિધિઓ થતી હતી. 1869થી અમદાવાદમાં રથયાત્રા નિકળવાની શરૂઆત થઈ હતી. ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભાઈઓ કે જેઓ નૃસિંહદાસજીના ભક્તો હતા તેમણે મોટાપાયા પર નીકળનારી રથયાત્રાની તૈયારીના પ્રારંભને લઇને નારિયેળના ઝાડના લાકડામાંથી ત્રણ રથ તૈયાર કરી અમદાવાદ પહોંચાડી દીધા હતા. પછી અષાઢ સુદ બીજના દિવસથી શરૂ થયેલી આ પરંપરા અત્યાર સુધી અખંડ રહી છે એટલે ભગવાનના રથ ખેંચવાનું કાર્ય ખલાસ ભાઈઓ જ કરે છે.

• એક જમાનામાં રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી

1947 પહેલાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જમાલપુર નિજ મંદિરેથી નીકળીને કેલિકો મીલ થઈ ગીતા મંદિરના રસ્તાથી રાયપુર, ખાડિયા, કાલુપુર પુલ પર થઈ સરસપુર પહોંચતી અને ત્યાં દર્શનાર્થીઓ ભોજન જમીને થોડો વિરામ લેતા હતા. થોડો સમય વિરામ કર્યા બાદ માનવ મહેરાણની વચ્ચે રથયાત્રા પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દરિયાપુર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહપુર દરવાજા, દિલ્હી ચકલા, ઘી કાંટા એટલે એ જમાનામાં આવેલ કૃષ્ણ સિનેમા (રિલીફ રોડ પર આવેલા આ સ્થળે અત્યારે મોબાઇલ બજાર આવેલું છે)થી આગળ થઈને રતનપોળમાં પ્રવેશ કરતી હતી. રતનપોળના નાકેથી ફુવારા, ચાંદલાઓળ, સાંકડીશેરી, રાયપુર ગેટ, રાયપુર દરવાજા, ગીતા મંદિર થઈ સાંજે નિજ મંદિરે પરત ફરતી હતી. એક જમાનામાં રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી તેમ કહીએ તો કોઇપણ વ્યક્તિ આ વાત માનશે નહીં પરંતુ તે હકીકત છે.

સુરતમાંથી પણ ઇસ્કોન સમેત અન્ય સ્થળોએથી નીકળનારી રથયાત્રાની તડામાર તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.

July 4, 2024
divine-trees-1280x720.jpg
3min215

વૃક્ષપૂજા વૈદિક કાળથી થાય છે. જ્યારે દેવી-દેવતાને સર્મપિત કોઈ મંદિર કે તીર્થસ્થળ નહોતાં ત્યારે વૃક્ષમાં પ્રભુનો વાસ ગણીને એની પૂજા થતી. સનાતન ધર્મના શૈવ, વૈષ્ણવ, જૈન, બૌદ્ધ, સિખ વગેરે દરેક સંપ્રદાયમાં ભગવાન તેમ જ આદ્યગુરુઓ સાથે કોઈ ને કોઈ વૃક્ષો સંકળાયેલાં છે જ. આ ઉનાળામાં જે ગરમી પડી છે એ પછી ‘જલ હૈ તો જીવન હૈ’ સૂત્રમાં ‘ચમન હૈ તો અમન હૈ’ જલદી જોડવું પડશે. માટે જ આ વખતનું તીર્થાટન થોડું હટકે છે. આજે કોઈ મંદિર કે મૂર્તિઓની પૂજા કે સાધના કરવાની નથી, પ્રકૃતિના ઓચ્છવની અર્ચના કરવાની છે.

પ્રયાગરાજનો અક્ષય મનોરથ વટ

પ્રયાગરાજમાં યમુના અને ગંગા નદીના સંગમ પાસે અકબર ફોર્ટના પ્રાંગણમાં ઊભેલો અક્ષય વટ પ્રાયઃ સમસ્ત જીવસૃષ્ટિનું ઓલ્ડેસ્ટ વૃક્ષ છે જેનું કનેક્શન જૈન, વૈદિક, બૌદ્ધ ધર્મ સાથે છે. કહેવાય છે કે જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવનાં માતા મરુદેવા આ વૃક્ષની નીચે કેવલી થયાં હતાં, જે આ ચોવીસીનું પ્રથમ કેવલજ્ઞાન હતું તેમ જ ઋષભદેવ પ્રભુએ પણ અહીં સાધના કરી હતી. હિન્દુ ધર્મની કિંવદંતી અનુસાર ઋષિ માર્કંડેયે વિષ્ણુને તેમની દિવ્ય શક્તિનો પરચો આપવાનું કહ્યું ત્યારે નારાયણે સમસ્ત સૃષ્ટિને જળબંબાકાર કરી દીધી હતી. પાણીમાં ડૂબેલા ભૂલોકમાં આ એક જ વૃક્ષ હતું જે જલસ્તરથી ઉપર દેખાઈ રહ્યું હતું અને પૂરથી બચવા ઋષિ માર્કંડેય આ જ વડમાં સમાઈ ગયા હતા.

એ ઉપરાંત રામ, લક્ષ્મણ અને સીતાજી પણ અહીં આવ્યાં હતાં અને તેમણે આ વૃક્ષની નીચે વિરામ કર્યો હતો. તિબેટિયન બૌદ્ધ પરંપરા મુજબ બુદ્ધે આ જ અક્ષયવટનું એક બીજ કૈલાશ પર્વતની નજીકના પહાડ પર વાવ્યું હતું જે આજે બુદ્ધ મહેલના નામે જાણીતું છે. અનેક પ્રલય, સંકટ, વિઘ્નો બાદ પણ આ વૃક્ષ જીવિત છે અને હજી આવનારા યુગોમાં પણ અકબંધ રહેશે એવું મત્સ્યપુરાણના પ્રયાગ મહાત્મ્યમાં આલેખાયેલું છે.

ઈ. સ. ૧૫૮૩માં મોગલ બાદશાહ અકબરે અહીં કિલ્લો બનાવડાવ્યો હતો જેથી તે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા આવતા યાત્રીઓ પાસેથી કર વસૂલી શકે. તેમણે આ કિલ્લાનું નિર્માણ એવી રીતે કરાવ્યું હતું જેમાં આ મનોરથ વટ તરીકે પણ જાણીતું તરુવર તેના પરિસરમાં જ રહે (મનોરથ વટ કહેવા પાછળની કથા એવી છે કે એ કાળમાં મનુષ્યો પોતાના દરેક સંકલ્પ, જવાબદારી, મનોરથ પૂર્ણ કરી મોક્ષપ્રાપ્તિ અર્થે અહીંથી ગંગામૈયામાં છલાંગ મારી જળસમાધિ લેતા). અકબરના સમયમાં તો હિન્દુઓ અહીં આવી વડની પૂજા કરી શકતા, પરંતુ અંગ્રેજોના આધિપત્ય બાદ આ પરંપરા બંધ કરી દેવામાં આવી અને અત્યારે પણ અમુક ખાસ દિવસોને બાદ કરતાં આ શુભ વૃક્ષની નજીક જવાતું નથી. ભક્તોએ ગંગા-યમુના નદીના તટ પરથી એ વૃક્ષનાં દર્શન કરી સંતોષ માનવો પડે છે. જોકે એમ પણ કહેવાય છે કે અસલી અક્ષય વટ તો કિલ્લાના ભોંયરામાં છે. હાલમાં ઊભેલું વૃક્ષ પૂજારીઓએ પછીથી વાવ્યું છે. સત્ય જે હોય તે પરંતુ પ્રયાગ જાઓ ત્યારે લેટે હનુમાન મંદિરની નજીક આવેલા આ કિલ્લામાંના અવિનાશી બરગદનાં દર્શન કરવાનું ચૂકતા નહીં. એનાં પર્ણોને સ્પર્શીને આવતો પવન પણ તમને ડિવાઇન અનુભૂતિ કરાવશે.

વૃંદાવનનો બંસી વટ

શ્રીકૃષ્ણની વાંસળીના સૂર કેવા હશે? એનો જવાબ મથુરા વૃંદાવનના કેશીઘાટની બાજુમાં આવેલા બંસી વટને પૂછો, કારણ કે હાલમાં આ એકમાત્ર સજીવ હયાત છે જે એ સૂરોના તાલ પર ઝૂમ્યું છે. આ વડની છાયામાં નટખટ નંદકિશોર બાંસૂરી વગાડતા અને ગોપીઓ એ સૂર સાંભળીને ઘર, વર, બાળકો છોડીને બંસી વટ નીચે આવી જતી. અરે એક શરદપૂર્ણિમાએ તો તેમની મોરલીએ એવાં કામણ કર્યાં કે ખુદ કૈલાશપતિ ગોપીનો વેશ ધારણ કરીને મહારાસમાં સામેલ થવા પહોંચી ગયા હતા (ગોપેશ્વર મહાદેવની જાત્રા પણ આપણે આ પાને કરી છે). વ્રજભૂમિની પરિક્રમાએ જતા દરેક ભાવિકો બંસી વટના મંદિરે ચોક્કસ જાય છે અને ભગવાનનાં દર્શન કરી મોરલીના મીઠા સૂરોની કલ્પના કરી આંનદ માણે છે, પણ માથું ઊંચું કરી નસીબદાર બરગદના વૃક્ષનાં દર્શન કરતા નથી, જેને મોહનની મનમોહક લીલાનું સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે પહેલી વખત વૃંદાવન આવ્યા હતા ત્યારે તેઓ માત્ર બંસીઘાટ જ આવ્યા હતા અને આ વૃક્ષના થડમાં તેમને રાધા-કૃષ્ણનાં દર્શન થયાં હતાં. દિવ્ય કવિ સુરદાસ કહે છે, ‘કહાં સુખ બ્રજ કૌસો સંસાર, કહાં સુખદ વંશી વટ જમુના, યહ મન સદા વિચાર…’ અર્થાત્ બંસી વટના યમુના કિનારાના સાંનિધ્ય જેવું સુખ દુનિયામાં બીજું કોઈ નથી. 

ઉજ્જૈનનો સિદ્ધ વટ

હિન્દુ પુરાણો અનુસાર સૃષ્ટિ પર સાતથી આઠ વડનાં વૃક્ષ એવાં છે જે યુગોથી વિદ્યમાન છે. આ દરેક વૃક્ષો કોઈ ને કોઈ દેવી કે દેવતાઓએ રોપ્યાં છે. એ પરંપરામાં ઉજ્જૈન પાસે ભૈરવગઢનો સિદ્ધ વટ પણ અતિ પ્રાચીન છે. શક્તિભેદ તીર્થ તરીકે જાણીતા અહીંનો સિદ્ધ વટ પાર્વતીમાતાએ રોપ્યો છે અને શિવજીના રૂપમાં એની પૂજા કરવામાં આવે છે. સંતતિ, સંપત્તિ અને સદગતિની પ્રાપ્તિ માટે પ્રખ્યાત આ તીર્થ વટની કૃપાથી ત્રણેય સિદ્ધિ પ્રાપ્ત થાય છે એથી એને સિદ્ધ વટ કહેવાય છે. વર્ષ દમ્યાન હજારો ભાવિકો અહીં આવે છે અને વૃક્ષ પર રક્ષાસૂત્ર બાંધીને સંપત્તિ માટે પ્રાર્થના કરે છે. એ જ રીતે સંતાનસુખ માટે ઊંધો સાથિયો કરવાની પરંપરા છે. સ્કંદપુરાણ અનુસાર શિવપુત્ર કાર્તિકસ્વામીને આ સ્થળે સેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને અહીં જ તેમણે તારકાસુરનો વધ કર્યો હતો. કુદરતી આપદાઓ તેમ જ ભાવિકોની અવગણના અને ગંદકીને કારણે આ વૃક્ષની હાલત અનેક વખત જોખમાય છે છતાં ઈશ્વરીય આશીર્વાદ અને સૃષ્ટિના નિઃસ્વાર્થ સ્નેહની સરવાણીથી આ વૃક્ષ ફરી મહોરી ઊઠે છે.

જગન્નાથપુરીનો કલ્પ વટ

કલ્પ શબ્દના બે અર્થ કરી શકાય, કલ્પ એટલે કાળ અને કલ્પ એટલે ઇચ્છા, આકાંક્ષા. ઓડિશાના જગન્નાથપુરીના મુખ્ય જગન્નાથ મંદિરના સંકુલમાં જ સત્યનારાયણ મંદિર અને મુક્તિમંડપની વચ્ચે દિવ્ય છાયા લહેરાવતું વૃક્ષ એ જ કલ્પ વટ, જે ચારેય યુગોથી અહીં હાજર છે અને દર્શનાર્થીઓની કામના પૂર્ણ કરવા માટે પણ જાણીતું છે. મંડપ અને થડની ફરતે ગોળ પાકા ઓટલાથી સંરક્ષિત આ વૃક્ષની ડાળખીઓ પણ ચૂંદડીઓ અને અન્ય સુશોભિત વસ્તુઓથી ડેકોરેટ થયેલી છે. ખાસ કરીને બંગાળીઓ આ વૃક્ષની પૂજા કરવાની સાથે એની પ્રદક્ષિણા પણ કરે છે. કલ્પ વટની આજુબાજુમાં વટેશ્વર મહાદેવ, વટ ક્રિષ્ણા, વટ બાળમુકુંદ, વટ માધવ, વટ ગણેશ, વટ મંગલા, વટ જગન્નાથ અને વટ માર્કંડેયની નાની-નાની મૂર્તિઓ છે (બંગાળી, ઓરિયા ભાષામાં ‘વ’ મૂળાક્ષર છે જ નહીં, અહીં ‘વ’ને બદલે ‘બ’ બોલાય અને લખાય છે. આથી અહીં કલ્પબટ છે અને બટની આજુબાજુ આવેલા પરમેશ્વર પણ બટમાધવ, બટક્રિષ્ણા વગેરે છે).

ઓરિયા ભાગવતમમાં આ વૃક્ષને શંખક્ષેત્ર પુરીનું અત્યંત પાવન સ્થળ કહેવાયું છે. બૌદ્ધધર્મીઓએ પણ અહીં સૌગાત નારાયણની મૂર્તિ પધરાવી છે. સ્કંદપુરાણ અનુસાર માર્કંડેયમુનિએ જળપ્રલય વખતે આ બરગદનો આશરો લીધો હતો. દર કારકત સુદ તેરસે આ વૃક્ષનો જન્મોત્સવ મનાવાય છે અને કલ્પવટને પંચામૃતથી સ્નાન કરાવી નવાં વસ્ત્રો પણ પહેરાવાય છે. કહેવાય છે કે કલ્પ વટની પૂજા એટલે જગન્નાથજીની પૂજા. અષાઢી બીજના દિવસે રથયાત્રા બાદ કૃષ્ણ, બલભદ્ર, સુભદ્રાની મૂર્તિઓને કલ્પવટનાં દર્શન કરાવ્યા બાદ મંદિરમાં પધરાવાય છે.

પુરૈનાના બ્રહ્મબાબા પાંચ એકરમાં વિસ્તરી ગયા છે

બિહારના સારણ જિલ્લાના પુરૈના ગામમાં કોઈ ગ્રામ્યવાસીએ ૨૦૦ વર્ષ પૂર્વે વડનું ઝાડ વાવ્યું હતું અને બે સદીમાં તો એ એવું ફૂલ્યું-ફાલ્યું કે આજે એ એકમાંથી અનેક વૃક્ષો થઈ ગયાં છે અને ૨,૧૭,૮૦૦ સ્ક્વેરફીટમાં ફેલાઈ ગયાં છે. એ દરમ્યાન આ નાનકડા ગામડામાં અનેક આંધી, તોફાનો, કુદરતી આપત્તિઓ આવી છે, પણ આ મહાકાય વૃક્ષને ઊની આંચ નથી આવી બલકે એમાંથી જેટલી ડાળીઓ ખરે છે અને જમીન પર પડે ત્યાં નવું વૃક્ષ ઊગવા માંડે છે. આજે પણ આ સાઇકલ ચાલુ જ છે. આવા ચમત્કારને કારણે સ્થાનિક લોકો આ વડવૃક્ષને બ્રહ્મબાબા કહે છે. વળી નવાઈની વાત એ છે કે એનો આવો વ્યાપક ફેલાવો સરકારી નહીં ખાનગી જમીન પર થતો જાય છે. એમ છતાં સ્થાનિક લોકો હસીખુશી એ ભૂમિ પર પોતાની માલિકી છોડી રહ્યા છે. આ વિરાટ બ્રહ્મદેવની નીચે કોઈ મંદિર કે મૂર્તિ નથી પરંતુ આ વિસ્મયકારી વૃક્ષનું સત્ત્વ એવું છે કે લોકો આ વૃક્ષદેવતાનાં દર્શન કરવા આવે છે અને તેમની મનોકામના પૂર્ણ પણ 
થાય છે.

ગયાજીનો અક્ષય વટ

પૂર્વજોના આત્માની શાંતિ અને મુક્તિ માટે કરાતી પિતૃતર્પણવિધિ માટે પરાપૂર્વથી પ્રસિદ્ધ ગયાનો અક્ષય વટ તો ખુદ બ્રહ્માજીએ રોપ્યો છે. કહેવાય છે કે સ્વયં ભગવાન બ્રહ્મા સ્વર્ગથી વડનો રોપો અહીં લાવ્યા હતા અને સીતામાતાએ તેમને અમરતાના આશીર્વાદ આપ્યા છે. રામકથા અનુસાર વનવાસ પૂર્ણ થયા બાદ રાણીસીતા સહિત રાજારામ અને લક્ષ્મણ પિતાનું શ્રાદ્ધકર્મ કરવા માટે ગયા આવ્યા હતા. બેઉ ભાઈઓ એ માટેની જરૂરી સામગ્રી લેવા ગયા એમાં વિલંબ થતાં રાજા દશરથે પ્રગટ થઈને પુત્રવધૂ સીતાને તર્પણવિધિ કરવા કહ્યું ત્યારે માતાસીતાએ આ વડ ઉપરાંત અહીંથી વહેતી ફાલ્ગુ નદી, ગાય, તુલસીજી અને બ્રાહ્મણને સાક્ષી કરી રામ-લક્ષ્મણની ગેરહાજરીમાં નદીની રેતીમાંથી પિંડ બનાવી દિવંગત શ્વશુરજીનું પિંડદાન કર્યું હતું (જે કથા આપણે અગાઉ ગયાના તીર્થાટન વખતે કરી છે). રામ-લક્ષ્મણ પાછા આવતાં સીતાજીએ તર્પણવિધિ કર્યાની વાત કરી ત્યારે રાજાના કોપના ભયથી અન્ય સાક્ષીઓ તો ચૂપ રહ્યા, પણ વડ વૃક્ષે સાક્ષી પુરાવી હતી એથી માતાસીતાએ આ બરગદને ચિરંજીવ રહેવાના આશીર્વાદ આપ્યા હતા. ગયાથી થોડે દૂર માઢનપુર સ્થિત આ અક્ષય વટની આસપાસ એક સમયે પિંડદાન માટે ૩૬૫ વેદીઓ હતી જે કાલાંતરે ઓછી થઈને ૪૫ રહી છે. ગયાજીના પ્રસિદ્ધ વિષ્ણુપદ મંદિરે જાઓ કે મહામાયા મંગલાગૌરીની શક્તિપીઠે મથ્થા ટેકો ત્યારે આ અક્ષય વટના આશીર્વાદ લેવા અચૂક જજો. આ સ્પૉટ ગયાનાં મુખ્ય દર્શનીય સ્થળોમાં નથી આવતું, પરંતુ એનાં મૂળિયાં પૌરાણિક છે.

પૉઇન્ટ ટુ બી નોટેડ

ઉપર ઉલ્લેખ કરાયેલાં આ પાંચેપાંચ વૃક્ષતીર્થો આપણી પૂજનીય તીર્થભૂમિ પર જ છે. એનાં દર્શન માટે ક્યાંય સ્પેશ્યલ કોઈ સ્થળે જવાનું નથી, પણ આપણે તો હઈસો હઈસો યાત્રાળુઓ. ટાઇમ જ ન હોય એટલે એક ઘરેડમાં મુખ્ય મંદિરમાં દર્શન કરી ચાલતા થઈએ. બટ, નેક્સ્ટ ટાઇમ જે-તે જાત્રાએ ગયા હો ત્યારે પૂર્ણ ભાવથી આવા વૃક્ષદેવની આરાધના કરજો, એની શુદ્ધ ઑરા માણજો અને બની શકે તો એના સંવર્ધન માટે મદદ કરજો, કારણ કે આપણા પૂર્વજોએ સાચવ્યું એટલે આપણને મળ્યું. હવે આગામી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે. 

July 4, 2024
sri-ram.png
1min166

અયોધ્યા (Ayodhya) રામ મંદિરમાં( Ram Mandir) દરરોજ રામલલાના દર્શન કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે.  રામ મંદિર ટ્રસ્ટ ટૂંક સમયમાં જ દરરોજ આવતા ભક્તો માટે પાસ ઇસ્યુ કરશે. એટલું જ નહીં તે તમામ ભક્તો માટે એક અલગ લાઇન પણ બનાવવામાં આવશે. જેથી કરીને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. પરંતુ આમાં સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. સંત સમુદાયે ટ્રસ્ટની આ પહેલને બિરદાવી છે.

થોડા દિવસોમાં પાસ આપવામાં આવશે

રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડૉ.અનિલ મિશ્રાએ જણાવ્યું કે, ટ્રસ્ટ એવા સંતો અને સામાન્ય લોકોની યાદી બનાવી રહ્યું છે જેઓ દરરોજ રામ લલ્લાના દર્શન કરવા માગે છે. આ કામ માટે સાત સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. સાધુ-સંતોનો સંપર્ક કરી ફોર્મ ભરવા માટે કહેવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં તેમના આધાર કાર્ડની કોપી પણ લેવામાં આવી રહી છે. આગામી થોડા દિવસોમાં તેમને પાસ આપવામાં આવશે. પાસમાં જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવશે.

રામ મંદિરના દર્શનની વ્યવસ્થામાં મોટા ફેરફાર

અયોધ્યાના રામ મંદિરની વ્યવસ્થામાં ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે જો કોઈ ખાસ વ્યક્તિ હશે તો તેને મંદિર પરિસરમાં ચંદન કે તિલક લગાવવામાં આવશે નહીં. બીજું, હવે ચરણામૃત કોઈને આપવામાં આવશે નહીં અને ત્રીજું અને સૌથી મહત્ત્વનું એ છે કે હવે પૂજારીને પૈસા આપવાને બદલે ભક્તો માત્ર દાન જ આપી શકશે.

રામ ભક્તો સાથે સમાન વ્યવહાર

શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી  રામ મંદિર ટ્રસ્ટને ઘણા સમયથી આ ફરિયાદ આવી રહી હતી કે તમામ રામ ભક્તો સાથે સમાન વ્યવહાર કરવામાં આવતો નથી. કેટલાક લોકોને વિશેષ સુવિધા મળી રહી છે. તે લોકોને ચંદનનું તિલક લગાવવામાં આવે છે અને તેમને ચરણામૃત આપવામાં આવે છે. ટ્રસ્ટે આ સિસ્ટમ નાબૂદ કરી છે. હવે કોઈને વિશેષ ગણવામાં આવશે નહીં અને દરેક સાથે સમાન વ્યવહાર કરવામાં આવશે.

અયોધ્યામાં રહેતા લોકો પણ પાસ મેળવી શકશે

આ વ્યવસ્થા માત્ર સાધુ સંતો પુરતી મર્યાદિત નથી. સામાન્ય લોકો પણ તેનો લાભ લઈ શકે છે. જો  અયોધ્યાના લોકો રામલલાના દર્શન કરવા ઉત્સુક હોય તો તેઓ  રામ મંદિર ટ્રસ્ટની ઓફિસનો સંપર્ક કરી શકે છે. જો કે ટ્રસ્ટે હજુ સુધી અરજીઓ સ્વીકારવાની સેવા શરૂ કરી નથી. ટૂંક સમયમાં આ માટે ટ્રસ્ટના કર્મચારીઓ મારફતે નોંધણીની સુવિધા શરૂ કરવામાં આવશે.

July 3, 2024
Gujrat-rath-yatra.jpg
1min174

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની 147મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીએ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મપર્વ છે તે સંદર્ભમાં કહ્યું કે, ભગવાનના દર્શન માટે લોકો જુના, જર્જરીત મકાનો કે ભયજનક ઇમારતોનો સહારો ન લે તે માટે પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્ર સતર્ક રહે તે આવશ્યક છે. તેમણે આવા પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને જાનમાલની સલામતીના કારણોસર ત્યાં જતા અટકાવવા ખાસ તાકીદ કરી હતી. અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રા 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ રથયાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું.

8,700થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે રહેશે

પોલીસ કમિશનરએ જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને 18,700થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે. રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતોની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે. સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1931 જવાનો તૈનાત રહેશે. એટલું જ નહિં, 16 જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કોઈ અફવા કે ખોટા-ગેરમાર્ગે દોરતા સમાચારો, વિગતો ક્યાંય પ્રસિદ્ધ થાય તો તેની સામે ત્વરાએ સત્ય હકીકતથી લોકોને વાકેફ કરવા પર પોલીસ તંત્ર વિશેષ ધ્યાન આપે તેવું સૂચન કર્યું હતું. આ સંદર્ભમાં પોલીસ કમિશનરએ રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન અંગે જણાવ્યું કે, 47 જેટલા લોકેશન્‍સ પરથી 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે. આ ઉપરાંત 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોની સહભાગીતાથી 1400 જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રખાશે.

યાત્રા દરમિયાન કોઈ મેડિકલ ઈમરજન્સી ઊભી થાય કે કોઈ બનાવ બને તો તબીબી સેવાઓ માટે અમદાવાદ મહાપાલિકાની ત્રણ અને રાજ્ય સરકારની સિવિલ તથા સોલા સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. આ ઉપરાંત પાંચ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. 108 એમ્બ્યુલન્સ સેવાની 11 તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ એમ્બ્યુલન્સ પણ જરૂરિયાત મુજબ રથયાત્રામાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ રથયાત્રા દરમિયાન શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર 17 જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કરવામાં આવશે.

રથયાત્રા પૂર્વે  25 જેટલી બેઠકો યોજવામાં આવી

આ પરંપરાગત રથયાત્રા કોમી એકતા અને સંવાદિતા તથા સૌહાર્દનો ઉત્સવ બને તે માટે રથયાત્રા પૂર્વે શહેર પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની 132, મહોલ્લા સમિતિની 136 તેમજ મહિલા સમિતિની 38 બેઠકો વિવિધ ધર્મગુરુઓ સાથે 18 બેઠકો અને ભગવાનના રથ ખેંચનારા ખલાસી ભાઈઓ, અખાડા સંચાલકો સાથે 25 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. એટલું જ નહિં, એકતા કપ ક્રિકેટ મેચ, વોલીબોલ ટુર્નામેન્ટ, મહેંદી સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક એકતાની ચેતના જગાવતા આયોજનો પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રી સમક્ષ આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં જે જે સ્થળોએ રથયાત્રા યોજવામાં આવે છે ત્યાં બધે જ શાંતિ, સલામતી સુલેહના વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પાસેથી પણ જરૂરી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રથયાત્રાનું આ ઉમંગ પર્વ જન ભાગીદારી, પોલીસ તંત્રની સતર્કતા અને સુરક્ષા પ્રતિબદ્ધતા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે જ તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. 

January 4, 2024
cia_multi-1280x1045.jpg
3min1308

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Image

સમગ્ર વિશ્વમાં હિન્દુઓનું સૌથી મોટું તિર્થધામ બની રહેનારા અયોધ્યા રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ આગામી તા.22મી જાન્યુઆરી 2024ના રોજ યોજાઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્યાતિભવ્ય સમારોહમાં ફક્તને ફક્ત આમંત્રિતો જ ઉપસ્થિત થઇ શકશે. અયોધ્યા રામલલ્લાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે દેશના ખૂણેખૂણામાંથી ગણ્યમાન્ય વ્યક્તિઓ તેમજ રામ મંદિર નિર્માણ કાર્યમાં રૂ.25 લાખ કે તેનાથી વધુનું દાન આપનારા દાતાઓને જ આમંત્રણ કાર્ડ પાઠવવામાં આવી રહ્યા છે. તદુપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 25 અગ્રગણ્ય સાધુ સંતોને પણ અયોધ્યા ખાતેથી સત્તાવાર રીતે નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સભ્યો, સાંસદો, રાજ્યસભાના સાંસદો, ભાજપના વરિષ્ઠ નેતાગણ વગેરેને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે.

સુરત શહેરમાંથી તા.4 જાન્યુઆરી 2024 સુધીમાં કુલ 13 લોકોને અયોધ્યા ખાતે તા.22મી જાન્યુઆરીએ યોજાનારા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સત્તાવાર રીતે નિમંત્રણ મળ્યા છે. જે અંગેની સૌથી પહેલી માહિતી સી.આઇ.એ. લાઇવ ચેનલ દ્વારા આપ સુધી પહોંચાડવામાં આવી રહી છે.

આ સુરતીઓને મળ્યા અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહના સત્તાવાર આમંત્રણ

  • ગોવિંદભાઇ ધોળકીયા – શ્રીરામકૃષ્ણ એક્ષ્પોર્ટ દાન રૂ.11 કરોડ (CiA Live)
  • જયંતિભાઇ કબૂતરવાલા – કલરટેક્ષ ગ્રુપ દાન રૂ.5 કરોડ (CiA Live)
  • સવજીભાઇ ધોળકીયા – શ્રીહરી કૃષ્ણએક્ષ્પોર્ટ (CiA Live)
  • લવજીભાઇ બાદશાહ – ઉધોગપતિ રિયલ એસ્ટેટ (CiA Live)
  • ઘનશ્યામભાઇ શંકર – હીરા ઉદ્યોગપતિ (CiA Live)
  • પ્રભુજી ચૌધરી (CiA Live)
  • સંજયભાઇ સરાવગી (CiA Live)
  • વિનોદભાઇ અગ્રવાલ (CiA Live)
  • દ્વારકાદાસ મારુ (CiA Live)
  • જગદીશભાઇ પ્રયાગ (CiA Live)
  • સી.પી. વાનાણી (CiA Live)
  • દિનેશભાઇ નાવડીયા (CiA Live)
  • અરજણભાઇ ધોળકીયા (CiA Live)

  • Note: હજુ પણ સુરતના નાગરીકોને સત્તાવાર રીતે અયોધ્યાથી આમંત્રણ પત્રિકા મળી હોઇ શકે અથવા ભવિષ્યમાં મળી શકે છે. જો કોઇને આમંત્રણ મળ્યા હોય અને અમને 98253 44944 પર જાણકારી આપવામાં આવશે તો અમે અહીં તેમના નામ સમાવિષ્ટ કરીશું.
Ayodhya's Ram Temple consecration on this date; 6,000 invitations being  sent out | Latest News India - Hindustan Times

દેશભરમાંથી 6000 લોકોને જ આમંત્રિત કરવામાં આવી રહ્યા છે

ઉત્તર પ્રદેશના પવિત્ર નગરમાં નવનિર્મિત રામ મંદિરમાં સમારોહ માટેના આમંત્રણ કાર્ડ 6,000 થી વધુ મહેમાનોને મોકલવામાં આવી રહ્યા છે, જેમાં પૂજારીઓ, દાતાઓ અને કેટલાક રાજકારણીઓનો સમાવેશ થાય છે. મંદિરનો શિલાન્યાસ મોદીએ ઓગસ્ટ 2020માં કર્યો હતો.

22 જાન્યુઆરીએ યોજાનાર સમારોહમાં દેશભરના પૂજારીઓ અને સંતો જ નહીં, પરંતુ મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત ટોચના રાજકારણીઓ પણ ભાગ લેશે.

રામ મંદિરના ભવ્ય ઉદઘાટન સમારોહ પહેલા, ઉત્તર પ્રદેશ સરકાર જાન્યુઆરી 2024માં રાજ્યના મુખ્ય મંદિરોમાં અખંડ રામાયણ અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. 14 થી 22 જાન્યુઆરી દરમિયાન પારાયણ કાર્યક્રમો યોજાશે.

હાલમાં રામ મંદિરના ભવ્ય અભિષેક સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

ભગવાન શ્રીરામલલ્લા, સીતા મૈયા, લક્ષ્મણભૈયાની મૂર્તિ તા.22 જાન્યુઆરીએ રામ મંદિરની અંદર ભવ્ય સમારોહમાં સ્થાપિત કરવામાં આવશે, તે દિવસ માટે અનેક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે.

અયોધ્યા રામ મંદિર નિર્માણ

અયોધ્યા વિવાદ પર 2019માં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ ભવ્ય રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી, કેન્દ્રએ મંદિરના નિર્માણ અંગેના તમામ નિર્ણયો લેવા માટે શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપના કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યા પછી 5 ઓગસ્ટ, 2020 ના રોજ બાંધકામ શરૂ થયું. રામ મંદિરનું આર્કિટેક્ચર 1988માં અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઇન પર આધારિત છે, જેમાં 2020માં થોડા ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, થાઈલેન્ડ ખાસ સાંસ્કૃતિક સંકેતોમાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા રામજન્મભૂમિ પર માટી મોકલી રહ્યું છે. આ કર્મ થાઈલેન્ડની બે નદીઓનું પાણી ભગવાન રામના મંદિરમાં મોકલવાના પહેલાના સંકેતને અનુસરે છે.

April 21, 2023
cia_sai3.jpg
1min977

શિરડી સાંઈબાબા મંદિરમાં મેનેજમેન્ટ કરી રહેલા લોકોને એક સમસ્યા એ સતાવી રહી છે કે સાઇબાબાના ભક્તજનો દ્વારા દાન સ્વરૂપે દાન પેટીમાં નાંખવામાં આવેલા લાખો રૂપિયા સિક્કાઓનો સંગ્રહ ક્યાં કરવો. હવે, શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ (SSST) હાલમાં આ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે, કારણ કે બેંકો પણ ટ્રસ્ટ દ્વારા જમા કરાયેલા આ સિક્કાઓ સ્વીકારવાની ના પાડી રહી છે.

શિરડી સ્થિત સાઇબાબા મંદિરમાં દર મહિને રૂ.28 લાખની રકમનું દાન સિક્કા સ્વરૂપે મળે છે. જે 50 પૈસાથી શરૂ કરીને રૂ.10 અને રૂ.20ના કોઇન સ્વરૂપમાં હોય છે.

Banks unable to make space for coins donated to Shirdi Saibaba temple |  Nashik News - Times of India

શ્રી સાઇબાબા સંસ્થાન ટ્રસ્ટના વિવિધ સરકારી બેંકોની જુદી જુદી 13 શાખાઓમાં બેંક એકાઉન્ટ કાર્યરત છે. તેમાંથી એક ડઝન ખાતા તો શિરડી નગરમાં જ છે અને એક નાસિકમાં છે. હાલમાં, આ તમામ બેંકોમાં બધુ મળીને સિક્કાના રૂપમાં આશરે રૂ. 11 કરોડનું ભંડોળ છે.
શિરડી સ્થિત શ્રી સાઇબાબા સંસ્થાન ટ્રસ્ટના સીઈઓ રાહુલ જાધવે જણાવ્યું હતું કે શિરડીમાં ચાર સરકારી બેંકોએ સિક્કા સંઘરવાની જગ્યાની તંગીને કારણે હવે શિરડી મંદિરમાંથી આવતા સિક્કા લેવાનું બંધ કરી દીધું છે. જાધવે જણાવ્યું હતું કે, “આ ચાર બેંકોના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની પાસે દરરોજ મળતા સિક્કા રાખવા માટે જગ્યા નથી. ટ્રસ્ટ માટે આ એક મોટી સમસ્યા છે,” જાધવે જણાવ્યું હતું.

શ્રી સાઇબાબા સંસ્થાન ટ્રસ્ટે હવે આરબીઆઈને સીધો પત્ર લખીને તેના હસ્તક્ષેપની માંગ કરવાનું નક્કી કર્યું છે. “તેની સાથે જ, અમે અહેમદનગર જિલ્લા તેમજ રાજ્યના અન્ય ભાગોમાં આવેલી બેંકોનો સંપર્ક કરવાનું નક્કી કર્યું છે. અમે આવી બેંકોમાં ટ્રસ્ટના ખાતા ખોલીશું, જેથી ત્યાં સિક્કા જમા કરી શકાય,” જાધવે જણાવ્યું હતું. સિક્કાના રૂપમાં માસિક કલેક્શન – 50 પૈસાથી લઈને 10 રૂપિયા સુધી – 28 લાખ રૂપિયાની નજીક છે. દરેક બેંક, જ્યાં ટ્રસ્ટનું ખાતું છે, દર મહિને દાન અને થાપણો એકત્રિત કરવા માટે તેના કર્મચારીઓને પરિભ્રમણ દ્વારા મંદિરમાં મોકલે છે.

2019 માં, બેંકોએ SSST સાથે આ મુદ્દો ઉઠાવતા કહ્યું કે તેમની શાખાઓમાં સિક્કાઓની થેલીઓ અવકાશમાં ખાઈ રહી છે. તે સમયે, ટ્રસ્ટે આ સિક્કા સંગ્રહવા માટે મંદિર પરિસરમાં બેંકના રૂમની ઓફર કરી હતી. જોકે, બેંકોએ આ ઓફરને નકારી કાઢી હતી કે નિયમો આવી વ્યવસ્થાને મંજૂરી આપતા નથી.

February 21, 2023
chardham.png
1min1082

ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરુ થઈ ગયુ છે. વિભાગનું પોર્ટલ સવારે સાત વાગ્યે ખુલ્યું છે. આ વર્ષે પ્રવાસન વિભાગે કેદારનાથ ધામ માટે શ્રદ્ધાળુઓની સંખ્યા પ્રતિદિન 15 હજાર બદ્રીનાથ માટે 18 હજાર, ગંગોત્રી માટે 9 હજાર, યમુનોત્રી માટે 6 હજાર નક્કી કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામની શરૂઆતની તારીખની ઔપચારિક જાહેરાત થાય ત્યાં સુધી તીર્થયાત્રીઓ બદ્રીનાથ અને કેદારનાથ ધામ માટે નોંધણી કરાવી શકશે. એપ્રિલમાં શરુ થશે ચાર ધામ યાત્રા

જાતે જ ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરવા માટે આ વિડીયો જુઓ

સીએમ પુષ્કરસિંહ ઘામીની અધ્યક્ષતામાં આજે સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠકમાં શ્રદ્ધાળુઓની સંખ્યા નક્કી કરવામાં આવશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં આજે યોજાનારી ચારધામ યાત્રાની તૈયારીઓની સમીક્ષા બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. ગયા વર્ષે ચારધામમાં ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડને જોતા આ વખતે દર્શન માટે દરરોજ ભક્તોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

February 18, 2023
shiv.jpg
1min917

ગુજરાત સહિત દેશભરમાં આજે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી થઈ રહી છે. આજે વહેલી સવારથી શિવના મંદિરોમાં શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી. આજે શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. દેશના પ્રમુખ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સોમનાથ, મહાકાલેશ્વર અને રામેશ્વરમાં ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યુ છે. આ ઉપરાંત જૂનાગઢના ભવનાથમાં ભક્તો સાથે સાધુ-સંતોનો મેળાવડો. સાંજે ભવનાથમાં ભવ્ય રવેડી નિકળશે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતોના મૃગીકુંડમાં સ્નાન બાદ મહાશિવરાત્રિ મેળો પૂર્ણ થશે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠ પંથકમાં ભક્તિભાવ વાતાવરણ બની રહેશે.

મહાશિવરાત્રી એ હિંદુ સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ પર્વ છે. હિંદુ ધર્મના મુખ્ય ત્રણ દેવોમાંના એક મહાદેવની ભક્તિ માટે દર વર્ષે આ પર્વ ઉજવવામાં આવે છે. આજે ગુજરાત સહિત દેશભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. ગુજરાતમાં મહાદેવના મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનું આજે સમાપન થશે. ભવનાથમાં હર હર મહાદેવનાં નાદ સાથે શરૂ થયેલા શિવરાત્રી મેળામાં ભજન, ભકિત અને ભોજનના સમુદ્રમાં ડુબકી લગાવવા લાખો શિવભકતો ભવનાથમાં ઉમટી પડયા છે. મહાશિવરાત્રીના મેળામાં દિગંબર સાધુઓની દિવ્યતાથી લાખો ભાવિકોને અનેરી અનુભૂતિ થઇ રહી છે. ભવનાથમાં આજે શિવમય માહોલ બન્યો છે. આજે મહાશિવરાત્રી મેળાનો છેલ્લો દિવસ હોવાથી હજારો ભાવિકો ઉમટી પડ્યા છે.

આજે મહાશિવરાત્રીનો પર્વ હોવાને કારણે રાજ્યના શિવજીના મંદિરોમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખેડા જિલ્લામાં કપડવંજનું ઉત્કંઠેશ્વર મહાદેવ, ગળતેશ્વર મહાદેવ, નડિયાદનું માઈ મંદિર અને ડાકોરના ડંકનાથ મહાદેવમાં ભાવિક ભક્તોની ભીડ જામી છે. મહાશિવરાત્રીનો પાવન પર્વ હોય ભક્તોને આકર્ષવા માટે શિવાલયોમાં આકર્ષક શણગાર કરાયો છે. આજે મંદિરોમાં પ્રસાદમાં ભાંગનું વિતરણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના મંદિરોમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે. 

February 18, 2023
societynews-1280x1040.jpg
1min561

ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે વિજ્ઞાન ભૈરવ કાર્યક્રમ, મોટા વરાછામાં સત્સંગ અને સુદર્શન ક્રિયાનું આયોજન

સુરત. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થયાના અવસરે યોજાઈ રહેલા કાર્યક્રમોની શ્રૃંખલામાં આગામી 12 અને 13મી માર્ચના રોજ આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી ના સાનિધ્યમાં વિજ્ઞાન ભૈરવ અને રત્નરાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે માહિતી આપતા આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર તરફ થી એપેક્ષ મેમ્બર હીરલભાઈ દેસાઈ અને યશેસ સ્વામી એ જણાવ્યું હતું કે આર્ટ ઓફ લિવિંગ દુનીયા ના 180 દેશોમાં ફેલાયેલી સંસ્થા છે અને કરોડો અનુયાયીઓ છે. વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર જી આ સંસ્થાનાં પ્રણેતા છે. ત્યારે આ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થતાં વિશ્વ ભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિગતવાર ચર્ચા કરતા આર્ટ ઓફ લિવિંગ સ્ટેટ ટીચર કોડીનેટર બકુલભાઈ પટેલે જણાવ્યું કે આ અંતર્ગત ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી સુરતના આંગણે તેમના સાનિધ્યમાં 12મી માર્ચના રોજ વિજ્ઞાન ભૈરવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સ્વયં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી ભગવાન શંકરે પાર્વતીજીને શીખવેલા 112 મેડિટેશન ટેકનિક કે જે ના આશીર્વાદ તરીકે આપી શકાય તે શીખવાડશે. અને જ્ઞાન વાણી આપશે. આ કાર્યક્રમ સવારે 10 થી 1 અને બપોરે 5 થી 8 વાગે એમ બે સેશનમાં યોજાશે. ત્યારબાદ આર્ટ ઓફ લિવિંગ ના મીડીયા કોડીનેટર દીનેશભાઈ ચૌધરી એ વધુ મા જણાવ્યું કે 13મી માર્ચના રોજ મોટા વરાછાના ગોપીનગામ ખાતે રત્નરાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ અંતર્ગત ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી નું સત્સંગ અને સુદર્શન ક્રિયા કાર્યક્રમ યોજાશે. જેમાં સુરતમાંથી એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. આ બન્ને કાર્યક્રમ મા સમગ્ર ગુજરાત માથી લોકો આવશે. તથા અત્રે ખાશ ઊલ્લેખનીય છે કે ગુરુદેવ ગુજરાત ની યાત્રા પર હોવાથી મોટા ભાગ ના ગુજરાતી કલાકાર મિત્રો ગુરુદેવ ને સાંભળવા આવશે અને બાકી ના પણ તમામ ક્ષેત્ર ના લોકો જોડાશે જેમકે ડોક્ટર્સ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, એડવોકેટ્સ, બ્યુરોકેટ્સ, ટ્રષ્ટી, શિક્ષકો પણ જોડાશે. કાર્યક્રમ પહેલા આર્ટ ઓફ લીવીંગ ના સ્વયંસેવકો ની પુરા જોશ મા તૈયારીઓ. તેમજ 10 થી 16 માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે. સમગ્ર ગુજરાત મા અલગ અલગ પ્રકાર ના વીવીધ કાર્યક્રમો.

February 15, 2023
bhavnath-mahdev-view.jpg
1min357

15/02/23: આજથી જૂનાગઢ ખાતે પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળનો પ્રારંભ થશે. જૂનાગઢમાં દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે.  તંત્ર દ્વારા આ માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ મેળા માટે મુખ્યત્વે જવાબદારી હોય તે જ અધિકારી રજા પર ઉતર્યા છે. જુનાગઢ કલેક્ટર રચિત રાજ મેળા પ્રારંભ પૂર્વે જ રજા પર ઉતરતા મેળાના સંચાલનનો સમગ્ર ચાર્ટ ડીડીઓ મીરાંત પરીખના શિરે આવ્યો છે. 

લાખો ભાવિકોના આગમન અને ભજન ભોજન ભક્તિના ત્રિવેણી સંગમ ગણાતા મહાશિવરાત્રીનો મેળો વિધિવત રીતે પ્રારંભ થશે. જેમાં ભવનાથ મહાદેવના મંદિરની ધજારોહણ સાથે મેળો શરુ કરવામાં આવશે. આ માટેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભવનાથ તળેટીમાં સાધુ સંતોનું આગમન થઇ ગયું છે. આગામી 4 દિવસ સુધી ચાલનારા મેળામાં લાખો ભક્તો ઉમટશે. ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ થશે. આ ઉપરાંત મંદિર બાદ ત્રણ અખાડામાં ધ્વજારોહણ થશે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતોના મૃગીકુંડમાં સ્નાન બાદ મહાશિવરાત્રિ મેળો પૂર્ણ થશે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠ પંથકમાં ભક્તિભાવ વાતાવરણ બની રહેશે.

શ્રદ્ધાળુઓને મહાશિવરાત્રીના મેળામાં જુદા-જુદા સ્થળોએથી આવવા માટે 173 મોટી બસ દડોવાશે. આ ઉપરાંત મેળામાં જવા માટે 56 મીની બસ સેવા પણ પ્રારંભ કરવામાં આવી હતી. બસ સેવાનો પ્રારંભ મેયર ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા કરવામાં આવ્યો હતો.

ગિરનાર નેચર સફારી રહેશે બંધ

મહાશિવરાત્રીના મેળા દરમિયાન નેચર સફારી રહેશે બંધ. આગામી પાંચ દિવસ સુધી ગિરનાર સફારી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વન વિભાગ સ્ટાફ મેળામાં વ્યસ્ત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.