આંચકાજનક પર્દાફાશમાં તિરુપતિ દેવસ્થાનના તિરુપતિ મંદિરના પવિત્ર પ્રસાદમાં મટન ટેલો, માછલીનું તેલ અને પામ તેલ, ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હોવાનું પ્રકાશમાં આવતા હોબાળો મચી ગયો છે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે આરોપ મૂક્યો હતો કે વાયએસઆરસીપીની સરકારમાં તિરુપતિના લાડુના પવિત્ર પ્રસાદ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીજન્ય ચરબીવાળા ઘી સહિતના અશુદ્ધ તત્વોનો ઉપયોગ થતો હતો, પણ અમારી સરકાર આવતા અમે આ બધું સુધારી દીધું છે.
તેની સાથે તેમણે જગન સરકારે લોકોની ધાર્મિક લાગણી પર કુઠારાઘાત કરવાનો આરોપ મૂક્યો હતો. જો કે જગનની પાર્ટી વાયએસઆરપીએ આ દાવાને નકારી કાઢ્યો હતો. આ લેબ ટેસ્ટ ગુજરાતની લેબમાં કરાવવામાં આવ્યો હતો.નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ઘએનડીડીબી)ની ગુજરાતની સેન્ટર ફોર એનાલિસિસિ એન્ડ લર્નિંગ ઇન લાઇવસ્ટોક એન્ડ ફૂડે આ રિપોર્ટ આપ્યો હતો. તિરુપતિ પ્રસાદમાં આ પ્રકારની મિલાવટ જગનની વાયએસઆરપી સરકારના કાર્યકાળમાં થઈ હતી. ઉલ્લેખનીય છે કે વર્ષે કરોડો લોકો તિરુપતિ મંદિરની મુલાકાતે આવે છે.
તિરુપતિના લાડુનું વિતરણ તિરુપતિના શ્રી લેંકટેશ્વરા મંદિરે થાય છે. તેનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ (ટીટીડી) કરે છે. બુધવારે એનડીએની બેઠકમાં ચંદ્રાબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે તિરુપતિ મંદિરના લાડુ ઉતરતી ગુણવત્તાવાળા તત્વોથી બનાવવામાં આવતા હતા. આમ કરીને લોકોની ધાર્મિક લાગણી સાથે રમત રમવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તિરુપતિ મંદિરમાં રોજના ત્રણ લાખ લાડવા બને છે અને તેના દર છ મહિને ટેન્ડર બહાર પાડવામાં આવે છે.
રાજ્યના આઇટી પ્રધાન નારા લોકેશે આ મુદ્દે વાયએસ જગન મોહન રેડ્ડી સરકારની ઝાટકણી કાઢી હતી. લોર્ડ વેંકટશ્વરા સ્વામિ મંદિર આપણું સૌથી પવિત્ર મંદિર છે. મને તે જાણી આંચકો લાગ્યો કે વાયએસ જગનમોહન રેડ્ડીનું તંત્ર તિરુપતિના પ્રસાદમમાં ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીજન્ય ચરબીનો ઉપયોગ કરતું હતું.
તેની સામે વાયએસઆરસીપીએ દાવો કર્યો છે કે ટીડીપી ફક્ત રાજકીય માઇલેજ મેળવવા માટે આ પ્રકારના આક્ષેપ કરી રહી છે. પક્ષનો દાવો છે કે આ પ્રકારના નિવેદનો કરીને નાયડુએ પોતે કરોડો લોકોની લાગણી પર કુઠારાઘાત કર્યો છે. પક્ષના આગેવાન સુબ્બા રેડ્ડીએ લખ્યું હતું કે આ ફરીથી પુરવાર થયું છે કે નાયડુ તેમના રાજકીય ફાયદા માટે કોઈપણ પ્રકારની પગલું ભરતાં અચકાશે નહીં.
જ્યારે કોંગ્રેસે પણ આ બાબતને લઈને અગાઉની વાયએસઆર કોંગ્રેસની સરકારની ઝાટકણી કાઢી હતી. ભૂતૂપર્વ મુખ્યપ્રધાનની બહેન અને કોંગ્રેસની પક્ષપ્રમુખે ઉચ્ચસ્તરીય સીબીઆઈ તપાસની માંગ કરી હતી. તેણે જણાવ્યું હતું કે કરોડો લોકોની આસ્થા સાથે રમત રમાઈ છે અને જો અગાઉની સરકારને એમ લાગતું હોય કે તેમણે કશું ખોટું કર્યું નથી તો તેમણે સીબીઆઈ તપાસનો સામનો કરવો જોઈએ.
હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષ જેને શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ મહાલય કહેવામાં આવે છે. દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિથી પિતૃપક્ષ શરૂ થાય છે. જેમાં પિતૃપક્ષના 15 થી 16 દિવસમાં પિતૃઓ માટે તર્પણ, શ્રાદ્ધ, પિંડ દાન વગેરે કરવામાં આવે છે.
પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે, જે મનુષ્ય પોતાના પિતૃઓને તૃપ્ત થાય તેવી ભાવનાથી પિતૃ શ્રાદ્ધ કરે છે. તેને પિતૃદેવના આશીર્વાદ મળે છે અને તેના પાપોનો નાશ થાય છે. આગામી 2 ઓક્ટોબર-બુધવાર સુધી મહાલયા-શ્રાદ્ધપક્ષ છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કોઇ પ્રકારના શુભકાર્ય થઇ શકતા નથી. શ્રાદ્ધ પક્ષ દરમિયાન કઇ તિથિનું શ્રાદ્ધ ક્યારે કરવું તેની વિગતવાર માહિતી આ મુજબ છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પવિત્ર દિવસોમાં અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રતિવર્ષ સંચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે આગામી 12મીથી 18મી સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળા યોજાશે.
પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ અધ્યક્ષ સ્થાને મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. મેળાના સુચારુ આગોતરા આયોજન માટે પ્રવાસન અને યાત્રાધામ સચિવ રાજેન્દ્રકુમારની અધ્યક્ષતામાં અંબાજી મંદિર હોલ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં મેળા માટે બનાવાયેલી વિવિધ સમિતિઓએ કરવાની કામગીરીની સમીક્ષા કરી હતી. યાત્રાળુઓને મેળા સંબધિત તમામ પ્રકારની માહિતી મળી રહે માટે તૈયાર કરવામાં આવેલા એક્શન પ્લાન ક્યુઆર કોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મંદિર વહીવટદાર કૌશિકભાઈ મોદી દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા વિગતો અને માહિતી રજૂ કરાઇ હતી. પ્રવાસન અને યાત્રાધામ સચિવ સચિવ રાજેન્દ્રકુમારે જણાવ્યું હતું કે, ‘વહીવટીતંત્ર દ્વારા કરાયેલી મેળાની તૈયારીઓનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચે તે જરૂરી છે. દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળામાં આવતા ભાવિક ભક્તો માટે વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય એવા પ્રયાસો કરાશે. દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.’
જન્માષ્ટમી પર બે શુભ સંયોગ, જો શુભ મુહૂર્તમાં કરશો પૂજા તો શ્રીકૃષ્ણની થશે અપાર કૃપા 1 – શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર હિંદુ ધર્મના એ તહેવારોમાંથી એક છે જેની દરેક વ્યક્તિ રાહ જુએ છે. વર્ષ 2024માં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટના રોજ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. શ્રાવણ મહિનાની વદ પક્ષની આઠમની તિથિએ ઉજવાતો જનમાષ્ટમીનો આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અન્ય ઘણા દેશોમાં પણ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી પર બે શુભ યોગ પણ બની રહ્યા છે. તો આવો આ શુભ યોગો વિશે અને કૃષ્ણ જન્માષ્ટમીના શુભ પૂજાના સમય વિશે જાણીએ.
જન્માષ્ટમી તિથિ
વર્ષ 2024માં આઠમ તિથિ 26મી ઓગસ્ટના રોજ સવારે 3.40 કલાકે શરૂ થશે અને 26મીએ સવારે 2.20 કલાકે પૂર્ણ થશે. એટલે કે આઠમ તિથિ 27મીએ સવારે 2.20 વાગ્યા સુધી રહેશે. તેથી જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટે જ ઉજવવામાં આવશે.
જન્માષ્ટમી પર શુભ યોગ
આ વખતે જન્માષ્ટમી પર કેટલાક શુભ યોગ પણ બની રહ્યા છે. આ દિવસે રોહિણી નક્ષત્ર બપોરે 3.55 કલાકે શરૂ થશે અને 27મીએ મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. આ સાથે જ જન્માષ્ટમીના દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં બિરાજમાન હતા. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો, ત્યારે પણ આવો જ યોગ રચાયો હતો, એટલે કે તે સમયે પણ ચંદ્ર વૃષભ રાશિમાં હતો. આ સાથે આ વખતે જન્માષ્ટમીનો તહેવાર સોમવારે છે. જ્યારે પણ આ તહેવાર સોમવાર કે બુધવારે આવે છે ત્યારે તેને ખૂબ જ શુભ સંયોગ માનવામાં આવે છે.
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યાર બુધવાર હતો. જ્યારે ભગવાન કૃષ્ણનું નામ જે દિવસે રાખવામાં આવ્યું હતું, તે સોમવાર હતો. એટલે આ બે દિવસોમાં કૃષ્ણ જન્માષ્ટમીના તહેવાર ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. આ શુભ યોગમાં જો વિધિ- વિધાનથી ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે તો, વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચાલો હવે જાણીએ કે આ દિવસે પૂજા માટેનું શુભ મુહૂર્ત ક્યારે અને કયા સમય સુધી શુભ રહેશે.
કૃષ્ણ જન્માષ્ટમીએ પૂજાનો શુભ સમય
સવારે પૂજા માટેનો શુભ સમય – સવારે 5.55 થી 7.36 (આ દરમિયાન અમૃત ચોઘડિયા હશે).
સાંજે પૂજા માટેનો શુભ સમય – બપોરે 3:35 થી 7 વાગ્યા સુધી.
રાત્રે પૂજા માટેનો શુભ સમય – 12 મધ્યરાત્રિથી 12.45 સુધી.
અભિજીત મુહૂર્ત- આ એક શુભ સમય માનવામાં આવે છે અને આ સમય દરમિયાન તમે ભગવાન કૃષ્ણની પૂજા પણ કરી શકો છો, અભિજીત મુહૂર્ત દિવસ દરમિયાન સવારે 11:56 થી બપોરે 12:48 સુધી રહેશે.
આમ તો જન્માષ્ટમી પર ગમે ત્યારે ભગવાન કૃષ્ણનું ધ્યાન કરી શકાય છે. પરંતુ જો ઉપર જણાવેલ શુભ મુહૂર્તમાં પૂજા કરશો, તો તમને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.
રક્ષાબંધનમાં પંચક અને ભાદ્રની છાયા, જાણો રાખડી બાંધવાની તારીખ અને શુભ સમય
ભાઈ -બહેનના પ્રેમના પ્રતીક તરીકે રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારમાં બહેનો તેમના ભાઈઓની સુરક્ષા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. અને બહેન ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે, ત્યારે ભાઈઓ પણ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. હિંદુ કેલેન્ડર મુજબ રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટ 2024ના રોજ ઉજવાશે. પરંતુ આ દિવસે પંચકની સાથે ભાદ્રની છાયા પડે છે. તેથી દરેક વ્યક્તિ મૂંઝવણમાં છે કે રાખડી બાંધવાનો શુભ સમય કયો માનવો. ચાલો જાણીએ રક્ષાબંધનનો શુભ સમય અને અન્ય માહિતી… રક્ષાબંધન 2024 ક્યારે છે?
પંચાંગ અનુસાર શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે 3.04 કલાકથી શરૂ થઈને રાત્રે 11.55 કલાકે સમાપ્ત થશે. એટલે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ રોજ માનવામાં આવશે.
રાખડી બાંધવા માટે રક્ષા બંધન 2024 મુહૂર્ત
રક્ષાબંધન વિધિનો સમય – બપોરે 1:30 થી 9:06 સુધી
રાખડી બાંધવાનો સમય – બપોરે 1:46 થી 4:19 સુધી
સમયગાળો 02 કલાક 37 મિનિટ
રક્ષાબંધનમાં પ્રદોષ કાલનો શુભ સમય – સાંજે 06:56 થી 09:07 સુધી
સમયગાળો 02 કલાક 11 મિનિટ
રક્ષાબંધન પર ભાદ્રા અને પંચકની છાયા
તમારી જાણકારી માટે દરેક મહિનાના 5 દિવસ એવા હોય છે, જેમાં અનેક શુભ તેમજ માંગલિક કાર્યો વર્જિત ગણવામાં આવે છે. તેને પંચક કહેવાય છે. તમને જણાવી દઈએ કે, ઓગસ્ટ મહિનામાં પંચક શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે એટલે કે 19મીએ સાંજે 7:01 વાગ્યાથી શરૂ થઈ રહ્યું છે, જે 23મી ઓગસ્ટે રહેશે. પરંતુ તે સોમવારથી શરૂ થતો હોવાથી રાજ પંચક રહેશે. એટલે તમે શુભ કાર્યો સરળતાથી કરી શકો છો. આમાં કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી.
આ વર્ષે રક્ષાબંધન દરમિયાન સવારથી જ ભદ્રાની છાયા રહેશે. આ કારણે બપોરે 1.30 પછી જ રાખડી બાંધવી શુભ રહેશે.
રક્ષાબંધન ભાદ્રાનો અંત સમય – બપોરે 01:30 કલાકે
રક્ષાબંધન ભાદ્રા પૂંછ – સવારે 09:51 – સવારે 10:53
રક્ષાબંધન ભાદ્રા મુળ – સવારે 10:53 – બપોરે 12:37
રક્ષાબંધન પર અનેક શુભ પ્રસંગો બની રહ્યા છે
આ વર્ષે રક્ષાબંધન પર અનેક શુભ યોગ બની રહ્યા છે. એટલે ભાઈના કાંડા પર રાખડી બાંધવી ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. આ સાથે આ દિવસે સવારે 6.08 વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિ યોગ શરૂ થઈ રહ્યો છે, જે સવારે 8.10 વાગ્યા સુધી ચાલશે. આ સાથે સૂર્ય પોતાની રાશિ સિંહ રાશિમાં રહેશે. આ સાથે બુધ અને શુક્ર સિંહ રાશિમાં રહીને લક્ષ્મી નારાયણ યોગ, બુધાદિત્ય અને શુક્રદિત્ય યોગ બનાવી રહ્યા છે. આ સાથે શનિ શશ નામનો રાજયોગ બનાવી રહ્યા છે.
ગુજરાતમાં આજે અષાઢ માસની અમાસ દિવાસાના દિવસથી દશામાં વૃતનો પ્રારંભ થયો છે. અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. અષાઢ માસની અમાસથી શ્રાવણ માસની નોમ સુધી વ્રત ચાલે છે. અંતીમ દિવસે જાગરણ કરી વહેલી સવારે દશામાની પાણીમાં પધરામણી કરવામાં આવે છે. આવતકાલથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે અનોખો યોગ બની રહ્યો છે. શ્રાવણનો પ્રારંભ સોમવારે અને વિદાય સોમવારે થશે.
દશામા વ્રતનું મહત્વ
ગુજરાતમાં દશામા વ્રત ધામધૂમથી ઉજવાય છે. આ વ્રત મહિલાઓ સંપૂર્ણ દસ દિવસ સુધી રાખે છે. આ સમય દરમિયાન દશામા માતાની સંપૂર્ણ વિધિથી પૂજા કરવામાં આવે છે અને તેમની પાસે સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે. સમગ્ર દસ દિવસ પંડાલમાં દિવડાઓ પ્રગટાવવામાં આવે છે અને દિવસભર ભજન કીર્તન કરવામાં આવે છે. પૂરા દસ દિવસ સુધી દરરોજ દશામા વ્રતની કથા કરે છે. જ્યોતિષીય અસંતુલન સુધારવા માટે આ વ્રત રાખવામાં આવે છે. આ વ્રતની અસરથી સાધકને સ્વાસ્થ્ય લાભ મળે છે.
જીવ અને શિવના પવિત્ર શ્રાવણ મહિનાનો સોમવારથી પ્રારંભ
કૈલાસના નિવાસી એવા ભગવાન ભોળાનાથની ભકિતનો મહિનો એટલે શ્રાવણ મહિનો જેનો 5મી ઓગસ્ટને સોમવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થનાર છે. 1952 બાદ 72 વર્ષ પછી શ્રાવણ માસનો પ્રારંભ અને અંત સોમવારથી થતો હોય તેવો અનોખો યોગ આવ્યો છે. શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે.
2જી સપ્ટેમ્બરના સોમવારે રોજ છેલ્લો દિવસ
હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ મહિનાનો આવતીકાલે 5મી ઓગસ્ટને સોમવારથી શરૂઆત થનાર છે. જયારે શ્રાવણ માસનો અંત પણ સોમવારે 2જી સપ્ટેમ્બરના રોજ થશે. શ્રાવણ મહિનો શિવભક્તિ કરવાનો માસ ગણાય છે. શિવજીને પ્રિય એવા પાંચ સોમવાર પણ આવી રહ્યા છે. ત્યારે શ્રાાવણ માસના પ્રથમ દિવસે સોમવારથી ભકતો સવારના સમયે શિવાલયમાં ઉમટી પડશે. શીવજીને અભિષેક કરી પૂજા-અર્ચના સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન ભકતો કરશે. આ ઉપરાંત અમુક ભકતો આખો મહીનો ઉપવાસ કે એકટાણા કરે છે. શ્રાવણ મહિના દરમિયાન ભક્તિ ભાવથી શિવપુરાણ, શિવલીલામૃત, શિવકવચ, શીવ ચાલીસા, શિવ પંચાક્ષર મંત્ર, શિવ પંચાક્ષર સ્ત્રોત, મહામૃત્યુંજય મંત્રનો પાઠ અને જાપ કરવાથી મનોવાંચ્છીત ફળ મળે છે.
શિવભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ શિવરાત્રિમાં વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે એવા સૌરાષ્ટ્રના સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવને ઘેરબેઠાં બિલ્વપત્ર અર્પણ કરી શકાશે. ઑગસ્ટ મહિનાથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં ૨૫ રૂપિયા ભરીને ઘેરબેઠાં બિલ્વપૂજાનો લહાવો લઈ શકાશે અને સોમનાથદાદાના આશીર્વાદ મેળવી શકાશે.
શાસ્ત્રોમાં શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા વર્ણવતાં કહેવાયું છે કે ‘શિવજીને ત્રણ પર્ણવાળું બીલીપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મોનાં પાપ નાશ પામે છે ત્યારે સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પરથી ભક્તો બિલ્વપૂજા ઘેરબેઠાં નોંધાવી શકાશે અને સોમનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગ પર પૂજારી દ્વારા બિલ્વાર્ચન કરવામાં આવશે. જે ભક્તજન બીલીપત્રપૂજન કરાવશે તેમના ઘરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિલ્વપૂજાનાં બીલીપત્ર, રૂદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે શ્રાવણ મહિનામાં ૨.૫૦ લાખથી વધુ ભક્તોએ બિલ્વપત્રપૂજાનો લાભ લીધો હતો. જે શિવભક્તોને ઘેરબેઠાં ઑનલાઇન બિલ્વપૂજાનો લહાવો લેવો હોય તેઓએ સોમનાથ ટ્રસ્ટની અધિકારિક વેબસાઇટ https://somnath.org/BilvaPooja/ પર પૂજા બુક કરાવી શકે છે.
ગુરુ પૂર્ણિમાનો તહેવાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાને અષાઢ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. એવી માન્યતાં છે કે, આ દિવસને વેદવ્યાસની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ સાથે પોતાના ગુરુની પૂજા કરવાનું પણ ઘણું મહત્વ છે. તેવામાં ગુરુ પર્ણિમાની તારીખને લઈને ઘણી મૂંઝવણો ઊભી થઈ છે કે ગુરુ પૂર્ણિમા કયા દિવસે ઉજવવી. આમ ગુરુ પૂર્ણિમાને લઈને યોગ્ય સમય, તેનું મહત્વ અને પૂજા કરવાની સાચી રીત વિશે જાણકારી મેળવીએ.
ક્યારે છે ગુરુ પૂર્ણિમા
દિવાકર પંચાંગ પ્રમાણે, 20 જુલાઈએ સાંજે 6 વાગ્યે શરુ થતી અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમા 21 જુલાઈના બપોરના 3.47 વાગ્યે પૂરી થશે. શાસ્ત્રો પ્રમાણે, પૂર્ણિમાના વ્રત ચંદ્રોદય વ્યાપિની પૂર્ણિમાના દિવસે જ રાખવામાં આવે છે. પૂર્ણિમા તિથિ પર ખાસ કરીને રાત્રિ ઉપવાસ અને પૂજા કરવામાં આવે છે. આમ 20 જુલાઈના રોજ પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે અને 21મીએ ગુરુને દાન આપવામાં આવશે.
. ગુરુ પૂર્ણિમાના દિવસે વહેલી સવારે જાગ્યાં પછી સવારની બધી ક્રિયાઓ પતાવીને વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરવામાં આવે છે.
2. પૂજા કરવાના રૂમની વ્યવસ્થિત સાફ સફાય કર્યા પછી, વિષ્ણુ ભગવાન, લક્ષ્મી માતા અને વેદવ્યાસની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાનની મૂર્તિઓ પર તિલક લગાવીને વ્રતની પ્રતિજ્ઞા લેવામાં આવે છે.
3. ભગવાન મૂર્તિ સ્થાપિત કરતા પહેલા તેમનું પંચામૃતથી અભિષેક કરીને વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે. આ સાથે લક્ષ્મી માતા અને વેદવ્યાસની પણ પૂજા કરવામાં આવે છે.
4. આ પછી, ગુરુ ચાલીસાનો પાઠ કરવામાં આવે છે.
5. વિષ્ણુ ભગવાન, લક્ષ્મી માતા અને વેદવ્યાસને મીઠાઈ, ફળ અને ખીર વગેરે અર્પણ કર્યા બાદ ગુરુ પૂર્ણિમા વ્રત કથાનો પાઠ કરવામાં આવે છે.
6. અંતે ભગવાન સત્યનારાયણની આરતી કરવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમાનું મહત્વ
પૌરાણિક માન્યતા પ્રમાણે, મહારાભારતના લેખક વેદવ્યાસના જન્મદિવસ તરીકે ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે. આમ આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે વેદવ્યાસે ચાર વેદોની રચના કરી હતી અને આ દિવસે ગુરુએ પોતાના શિષ્યોને દિક્ષા આપી હતી.
આજે (07 જુલાઈ) અમદાવાદમાં 147મી રથયાત્રાની શરૂઆત થઇ ચૂકી છે. વહેલી સવારે 4 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળી રહ્યા છે. આ અવસરે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેમણે ભગવાન જગન્નાથની આરતી કરી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોની ભીડ ઉમટી પડી છે અને જય જગન્નાથનો નાદ સંભળાઈ રહ્યો છે.
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથ પર બિરાજમાન થઈ ચૂક્યા છે. રાજ્યના અન્ય શહેરોમાંથી પણ આવી જ રીતે રથયાત્રા યોજવામાં આવી રહી છે.
Ahmedabad Dated 6/7/2024 @ 4.00 am
6:15 AM
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાશે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે.
6:10 AM
આ રથયાત્રા એ ભારતની ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે.
• 18,700થી વધુ સુરક્ષાકર્મી ખડેપગે રહેશે
પોલીસ કમિશનરે જણાવ્યું કે, ‘આ રથયાત્રાને સફળ બનાવવા આઈ.જી. કક્ષાથી લઈને પોલીસકર્મીઓ સુધી કુલ મળીને 18,700થી વધુ સુરક્ષા કર્મી ખડે પગે ફરજ બજાવશે. રથયાત્રામાં જોડાનારા રથ, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતોની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસકર્મી જોડાવાના છે. સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1931 જવાનો તહેનાત રહેશે. એટલું જ નહીં, 16 જેટલી ક્રેનની વ્યવસ્થા પણ કરાઈ છે.’
• સમગ્ર રૂટનું લાઈવ મોનિટરિંગ કરાશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કોઈ અફવા કે ખોટા-ગેરમાર્ગે દોરતા સમાચારો, વિગતો ક્યાંય પ્રસિદ્ધ થાય તો તેની સામે ત્વરાએ સત્ય હકીકતથી લોકોને વાકેફ કરવા પર પોલીસ તંત્ર વિશેષ ધ્યાન આપે તેવું સૂચન કર્યું હતું. આ સંદર્ભે પોલીસ કમિશનરે રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ અંગે જણાવ્યું કે, ‘47 જેટલા લોકેશન પર 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડી વૉર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે. આ ઉપરાંત 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોના સહકારથી 1400 જેટલા સીસીટીવી કેમેરાથી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા બાજ નજર રખાશે.’
• મેડિકલ ઈમરજન્સી મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય
રથયાત્રા દરમિયાન કોઈ મેડિકલ ઈમરજન્સી ઊભી થાય કે કોઈ બનાવ બને તો તબીબી સેવાઓ માટે અમદાવાદ મહાપાલિકાની ત્રણ અને રાજ્ય સરકારની સિવિલ તથા સોલા સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડબાય રહેશે. આ ઉપરાંત પાંચ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. 108 એમ્બ્યુલન્સ સેવાની 11 તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ એમ્બ્યુલન્સ પણ જરૂરિયાત મુજબ રથયાત્રામાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરાયું છે. આ રથયાત્રામાં શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર 17 જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કરાશે.
• રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે
ભગવાન જગન્નાથજીના રથને ખલાસીઓ ભાઇઓ આગળ લઇ જવાનું કામ કરે છે. રથયાત્રામાં મોટી દૂર-દૂરથી લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જગન્નાથજીના રથ પર હનુમાનજીનો ધ્વજ લગાવવામાં આવે છે. ભગવાન શ્રીરામની અથાગ સેવા કરનાર રામભક્ત હનુમાનજીના નામ સ્મરણ સાથે રથયાત્રામાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવે છે. હનુમાનજીએ ભગવાન શ્રીરામની કરેલી અનન્ય ભક્તિને યાદ કરવા માટેની પરંપરા છે અને વર્ષો સુધી જળવાઇ પણ રહી છે.
• 1869થી અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત
અમદાવાદના જગન્નાથજી મંદિરમાં જગન્નાથપુરી મંદિરની જેમ તમામ પૂજા-વિધિઓ થતી હતી. 1869થી અમદાવાદમાં રથયાત્રા નિકળવાની શરૂઆત થઈ હતી. ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભાઈઓ કે જેઓ નૃસિંહદાસજીના ભક્તો હતા તેમણે મોટાપાયા પર નીકળનારી રથયાત્રાની તૈયારીના પ્રારંભને લઇને નારિયેળના ઝાડના લાકડામાંથી ત્રણ રથ તૈયાર કરી અમદાવાદ પહોંચાડી દીધા હતા. પછી અષાઢ સુદ બીજના દિવસથી શરૂ થયેલી આ પરંપરા અત્યાર સુધી અખંડ રહી છે એટલે ભગવાનના રથ ખેંચવાનું કાર્ય ખલાસ ભાઈઓ જ કરે છે.
• એક જમાનામાં રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી
1947 પહેલાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જમાલપુર નિજ મંદિરેથી નીકળીને કેલિકો મીલ થઈ ગીતા મંદિરના રસ્તાથી રાયપુર, ખાડિયા, કાલુપુર પુલ પર થઈ સરસપુર પહોંચતી અને ત્યાં દર્શનાર્થીઓ ભોજન જમીને થોડો વિરામ લેતા હતા. થોડો સમય વિરામ કર્યા બાદ માનવ મહેરાણની વચ્ચે રથયાત્રા પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દરિયાપુર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહપુર દરવાજા, દિલ્હી ચકલા, ઘી કાંટા એટલે એ જમાનામાં આવેલ કૃષ્ણ સિનેમા (રિલીફ રોડ પર આવેલા આ સ્થળે અત્યારે મોબાઇલ બજાર આવેલું છે)થી આગળ થઈને રતનપોળમાં પ્રવેશ કરતી હતી. રતનપોળના નાકેથી ફુવારા, ચાંદલાઓળ, સાંકડીશેરી, રાયપુર ગેટ, રાયપુર દરવાજા, ગીતા મંદિર થઈ સાંજે નિજ મંદિરે પરત ફરતી હતી. એક જમાનામાં રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી તેમ કહીએ તો કોઇપણ વ્યક્તિ આ વાત માનશે નહીં પરંતુ તે હકીકત છે.
સુરતમાંથી પણ ઇસ્કોન સમેત અન્ય સ્થળોએથી નીકળનારી રથયાત્રાની તડામાર તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.
વૃક્ષપૂજા વૈદિક કાળથી થાય છે. જ્યારે દેવી-દેવતાને સર્મપિત કોઈ મંદિર કે તીર્થસ્થળ નહોતાં ત્યારે વૃક્ષમાં પ્રભુનો વાસ ગણીને એની પૂજા થતી. સનાતન ધર્મના શૈવ, વૈષ્ણવ, જૈન, બૌદ્ધ, સિખ વગેરે દરેક સંપ્રદાયમાં ભગવાન તેમ જ આદ્યગુરુઓ સાથે કોઈ ને કોઈ વૃક્ષો સંકળાયેલાં છે જ. આ ઉનાળામાં જે ગરમી પડી છે એ પછી ‘જલ હૈ તો જીવન હૈ’ સૂત્રમાં ‘ચમન હૈ તો અમન હૈ’ જલદી જોડવું પડશે. માટે જ આ વખતનું તીર્થાટન થોડું હટકે છે. આજે કોઈ મંદિર કે મૂર્તિઓની પૂજા કે સાધના કરવાની નથી, પ્રકૃતિના ઓચ્છવની અર્ચના કરવાની છે.
પ્રયાગરાજનો અક્ષય મનોરથ વટ
પ્રયાગરાજમાં યમુના અને ગંગા નદીના સંગમ પાસે અકબર ફોર્ટના પ્રાંગણમાં ઊભેલો અક્ષય વટ પ્રાયઃ સમસ્ત જીવસૃષ્ટિનું ઓલ્ડેસ્ટ વૃક્ષ છે જેનું કનેક્શન જૈન, વૈદિક, બૌદ્ધ ધર્મ સાથે છે. કહેવાય છે કે જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવનાં માતા મરુદેવા આ વૃક્ષની નીચે કેવલી થયાં હતાં, જે આ ચોવીસીનું પ્રથમ કેવલજ્ઞાન હતું તેમ જ ઋષભદેવ પ્રભુએ પણ અહીં સાધના કરી હતી. હિન્દુ ધર્મની કિંવદંતી અનુસાર ઋષિ માર્કંડેયે વિષ્ણુને તેમની દિવ્ય શક્તિનો પરચો આપવાનું કહ્યું ત્યારે નારાયણે સમસ્ત સૃષ્ટિને જળબંબાકાર કરી દીધી હતી. પાણીમાં ડૂબેલા ભૂલોકમાં આ એક જ વૃક્ષ હતું જે જલસ્તરથી ઉપર દેખાઈ રહ્યું હતું અને પૂરથી બચવા ઋષિ માર્કંડેય આ જ વડમાં સમાઈ ગયા હતા.
એ ઉપરાંત રામ, લક્ષ્મણ અને સીતાજી પણ અહીં આવ્યાં હતાં અને તેમણે આ વૃક્ષની નીચે વિરામ કર્યો હતો. તિબેટિયન બૌદ્ધ પરંપરા મુજબ બુદ્ધે આ જ અક્ષયવટનું એક બીજ કૈલાશ પર્વતની નજીકના પહાડ પર વાવ્યું હતું જે આજે બુદ્ધ મહેલના નામે જાણીતું છે. અનેક પ્રલય, સંકટ, વિઘ્નો બાદ પણ આ વૃક્ષ જીવિત છે અને હજી આવનારા યુગોમાં પણ અકબંધ રહેશે એવું મત્સ્યપુરાણના પ્રયાગ મહાત્મ્યમાં આલેખાયેલું છે.
ઈ. સ. ૧૫૮૩માં મોગલ બાદશાહ અકબરે અહીં કિલ્લો બનાવડાવ્યો હતો જેથી તે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા આવતા યાત્રીઓ પાસેથી કર વસૂલી શકે. તેમણે આ કિલ્લાનું નિર્માણ એવી રીતે કરાવ્યું હતું જેમાં આ મનોરથ વટ તરીકે પણ જાણીતું તરુવર તેના પરિસરમાં જ રહે (મનોરથ વટ કહેવા પાછળની કથા એવી છે કે એ કાળમાં મનુષ્યો પોતાના દરેક સંકલ્પ, જવાબદારી, મનોરથ પૂર્ણ કરી મોક્ષપ્રાપ્તિ અર્થે અહીંથી ગંગામૈયામાં છલાંગ મારી જળસમાધિ લેતા). અકબરના સમયમાં તો હિન્દુઓ અહીં આવી વડની પૂજા કરી શકતા, પરંતુ અંગ્રેજોના આધિપત્ય બાદ આ પરંપરા બંધ કરી દેવામાં આવી અને અત્યારે પણ અમુક ખાસ દિવસોને બાદ કરતાં આ શુભ વૃક્ષની નજીક જવાતું નથી. ભક્તોએ ગંગા-યમુના નદીના તટ પરથી એ વૃક્ષનાં દર્શન કરી સંતોષ માનવો પડે છે. જોકે એમ પણ કહેવાય છે કે અસલી અક્ષય વટ તો કિલ્લાના ભોંયરામાં છે. હાલમાં ઊભેલું વૃક્ષ પૂજારીઓએ પછીથી વાવ્યું છે. સત્ય જે હોય તે પરંતુ પ્રયાગ જાઓ ત્યારે લેટે હનુમાન મંદિરની નજીક આવેલા આ કિલ્લામાંના અવિનાશી બરગદનાં દર્શન કરવાનું ચૂકતા નહીં. એનાં પર્ણોને સ્પર્શીને આવતો પવન પણ તમને ડિવાઇન અનુભૂતિ કરાવશે.
વૃંદાવનનો બંસી વટ
શ્રીકૃષ્ણની વાંસળીના સૂર કેવા હશે? એનો જવાબ મથુરા વૃંદાવનના કેશીઘાટની બાજુમાં આવેલા બંસી વટને પૂછો, કારણ કે હાલમાં આ એકમાત્ર સજીવ હયાત છે જે એ સૂરોના તાલ પર ઝૂમ્યું છે. આ વડની છાયામાં નટખટ નંદકિશોર બાંસૂરી વગાડતા અને ગોપીઓ એ સૂર સાંભળીને ઘર, વર, બાળકો છોડીને બંસી વટ નીચે આવી જતી. અરે એક શરદપૂર્ણિમાએ તો તેમની મોરલીએ એવાં કામણ કર્યાં કે ખુદ કૈલાશપતિ ગોપીનો વેશ ધારણ કરીને મહારાસમાં સામેલ થવા પહોંચી ગયા હતા (ગોપેશ્વર મહાદેવની જાત્રા પણ આપણે આ પાને કરી છે). વ્રજભૂમિની પરિક્રમાએ જતા દરેક ભાવિકો બંસી વટના મંદિરે ચોક્કસ જાય છે અને ભગવાનનાં દર્શન કરી મોરલીના મીઠા સૂરોની કલ્પના કરી આંનદ માણે છે, પણ માથું ઊંચું કરી નસીબદાર બરગદના વૃક્ષનાં દર્શન કરતા નથી, જેને મોહનની મનમોહક લીલાનું સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે પહેલી વખત વૃંદાવન આવ્યા હતા ત્યારે તેઓ માત્ર બંસીઘાટ જ આવ્યા હતા અને આ વૃક્ષના થડમાં તેમને રાધા-કૃષ્ણનાં દર્શન થયાં હતાં. દિવ્ય કવિ સુરદાસ કહે છે, ‘કહાં સુખ બ્રજ કૌસો સંસાર, કહાં સુખદ વંશી વટ જમુના, યહ મન સદા વિચાર…’ અર્થાત્ બંસી વટના યમુના કિનારાના સાંનિધ્ય જેવું સુખ દુનિયામાં બીજું કોઈ નથી.
ઉજ્જૈનનો સિદ્ધ વટ
હિન્દુ પુરાણો અનુસાર સૃષ્ટિ પર સાતથી આઠ વડનાં વૃક્ષ એવાં છે જે યુગોથી વિદ્યમાન છે. આ દરેક વૃક્ષો કોઈ ને કોઈ દેવી કે દેવતાઓએ રોપ્યાં છે. એ પરંપરામાં ઉજ્જૈન પાસે ભૈરવગઢનો સિદ્ધ વટ પણ અતિ પ્રાચીન છે. શક્તિભેદ તીર્થ તરીકે જાણીતા અહીંનો સિદ્ધ વટ પાર્વતીમાતાએ રોપ્યો છે અને શિવજીના રૂપમાં એની પૂજા કરવામાં આવે છે. સંતતિ, સંપત્તિ અને સદગતિની પ્રાપ્તિ માટે પ્રખ્યાત આ તીર્થ વટની કૃપાથી ત્રણેય સિદ્ધિ પ્રાપ્ત થાય છે એથી એને સિદ્ધ વટ કહેવાય છે. વર્ષ દમ્યાન હજારો ભાવિકો અહીં આવે છે અને વૃક્ષ પર રક્ષાસૂત્ર બાંધીને સંપત્તિ માટે પ્રાર્થના કરે છે. એ જ રીતે સંતાનસુખ માટે ઊંધો સાથિયો કરવાની પરંપરા છે. સ્કંદપુરાણ અનુસાર શિવપુત્ર કાર્તિકસ્વામીને આ સ્થળે સેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને અહીં જ તેમણે તારકાસુરનો વધ કર્યો હતો. કુદરતી આપદાઓ તેમ જ ભાવિકોની અવગણના અને ગંદકીને કારણે આ વૃક્ષની હાલત અનેક વખત જોખમાય છે છતાં ઈશ્વરીય આશીર્વાદ અને સૃષ્ટિના નિઃસ્વાર્થ સ્નેહની સરવાણીથી આ વૃક્ષ ફરી મહોરી ઊઠે છે.
જગન્નાથપુરીનો કલ્પ વટ
કલ્પ શબ્દના બે અર્થ કરી શકાય, કલ્પ એટલે કાળ અને કલ્પ એટલે ઇચ્છા, આકાંક્ષા. ઓડિશાના જગન્નાથપુરીના મુખ્ય જગન્નાથ મંદિરના સંકુલમાં જ સત્યનારાયણ મંદિર અને મુક્તિમંડપની વચ્ચે દિવ્ય છાયા લહેરાવતું વૃક્ષ એ જ કલ્પ વટ, જે ચારેય યુગોથી અહીં હાજર છે અને દર્શનાર્થીઓની કામના પૂર્ણ કરવા માટે પણ જાણીતું છે. મંડપ અને થડની ફરતે ગોળ પાકા ઓટલાથી સંરક્ષિત આ વૃક્ષની ડાળખીઓ પણ ચૂંદડીઓ અને અન્ય સુશોભિત વસ્તુઓથી ડેકોરેટ થયેલી છે. ખાસ કરીને બંગાળીઓ આ વૃક્ષની પૂજા કરવાની સાથે એની પ્રદક્ષિણા પણ કરે છે. કલ્પ વટની આજુબાજુમાં વટેશ્વર મહાદેવ, વટ ક્રિષ્ણા, વટ બાળમુકુંદ, વટ માધવ, વટ ગણેશ, વટ મંગલા, વટ જગન્નાથ અને વટ માર્કંડેયની નાની-નાની મૂર્તિઓ છે (બંગાળી, ઓરિયા ભાષામાં ‘વ’ મૂળાક્ષર છે જ નહીં, અહીં ‘વ’ને બદલે ‘બ’ બોલાય અને લખાય છે. આથી અહીં કલ્પબટ છે અને બટની આજુબાજુ આવેલા પરમેશ્વર પણ બટમાધવ, બટક્રિષ્ણા વગેરે છે).
ઓરિયા ભાગવતમમાં આ વૃક્ષને શંખક્ષેત્ર પુરીનું અત્યંત પાવન સ્થળ કહેવાયું છે. બૌદ્ધધર્મીઓએ પણ અહીં સૌગાત નારાયણની મૂર્તિ પધરાવી છે. સ્કંદપુરાણ અનુસાર માર્કંડેયમુનિએ જળપ્રલય વખતે આ બરગદનો આશરો લીધો હતો. દર કારકત સુદ તેરસે આ વૃક્ષનો જન્મોત્સવ મનાવાય છે અને કલ્પવટને પંચામૃતથી સ્નાન કરાવી નવાં વસ્ત્રો પણ પહેરાવાય છે. કહેવાય છે કે કલ્પ વટની પૂજા એટલે જગન્નાથજીની પૂજા. અષાઢી બીજના દિવસે રથયાત્રા બાદ કૃષ્ણ, બલભદ્ર, સુભદ્રાની મૂર્તિઓને કલ્પવટનાં દર્શન કરાવ્યા બાદ મંદિરમાં પધરાવાય છે.
પુરૈનાના બ્રહ્મબાબા પાંચ એકરમાં વિસ્તરી ગયા છે
બિહારના સારણ જિલ્લાના પુરૈના ગામમાં કોઈ ગ્રામ્યવાસીએ ૨૦૦ વર્ષ પૂર્વે વડનું ઝાડ વાવ્યું હતું અને બે સદીમાં તો એ એવું ફૂલ્યું-ફાલ્યું કે આજે એ એકમાંથી અનેક વૃક્ષો થઈ ગયાં છે અને ૨,૧૭,૮૦૦ સ્ક્વેરફીટમાં ફેલાઈ ગયાં છે. એ દરમ્યાન આ નાનકડા ગામડામાં અનેક આંધી, તોફાનો, કુદરતી આપત્તિઓ આવી છે, પણ આ મહાકાય વૃક્ષને ઊની આંચ નથી આવી બલકે એમાંથી જેટલી ડાળીઓ ખરે છે અને જમીન પર પડે ત્યાં નવું વૃક્ષ ઊગવા માંડે છે. આજે પણ આ સાઇકલ ચાલુ જ છે. આવા ચમત્કારને કારણે સ્થાનિક લોકો આ વડવૃક્ષને બ્રહ્મબાબા કહે છે. વળી નવાઈની વાત એ છે કે એનો આવો વ્યાપક ફેલાવો સરકારી નહીં ખાનગી જમીન પર થતો જાય છે. એમ છતાં સ્થાનિક લોકો હસીખુશી એ ભૂમિ પર પોતાની માલિકી છોડી રહ્યા છે. આ વિરાટ બ્રહ્મદેવની નીચે કોઈ મંદિર કે મૂર્તિ નથી પરંતુ આ વિસ્મયકારી વૃક્ષનું સત્ત્વ એવું છે કે લોકો આ વૃક્ષદેવતાનાં દર્શન કરવા આવે છે અને તેમની મનોકામના પૂર્ણ પણ થાય છે.
ગયાજીનો અક્ષય વટ
પૂર્વજોના આત્માની શાંતિ અને મુક્તિ માટે કરાતી પિતૃતર્પણવિધિ માટે પરાપૂર્વથી પ્રસિદ્ધ ગયાનો અક્ષય વટ તો ખુદ બ્રહ્માજીએ રોપ્યો છે. કહેવાય છે કે સ્વયં ભગવાન બ્રહ્મા સ્વર્ગથી વડનો રોપો અહીં લાવ્યા હતા અને સીતામાતાએ તેમને અમરતાના આશીર્વાદ આપ્યા છે. રામકથા અનુસાર વનવાસ પૂર્ણ થયા બાદ રાણીસીતા સહિત રાજારામ અને લક્ષ્મણ પિતાનું શ્રાદ્ધકર્મ કરવા માટે ગયા આવ્યા હતા. બેઉ ભાઈઓ એ માટેની જરૂરી સામગ્રી લેવા ગયા એમાં વિલંબ થતાં રાજા દશરથે પ્રગટ થઈને પુત્રવધૂ સીતાને તર્પણવિધિ કરવા કહ્યું ત્યારે માતાસીતાએ આ વડ ઉપરાંત અહીંથી વહેતી ફાલ્ગુ નદી, ગાય, તુલસીજી અને બ્રાહ્મણને સાક્ષી કરી રામ-લક્ષ્મણની ગેરહાજરીમાં નદીની રેતીમાંથી પિંડ બનાવી દિવંગત શ્વશુરજીનું પિંડદાન કર્યું હતું (જે કથા આપણે અગાઉ ગયાના તીર્થાટન વખતે કરી છે). રામ-લક્ષ્મણ પાછા આવતાં સીતાજીએ તર્પણવિધિ કર્યાની વાત કરી ત્યારે રાજાના કોપના ભયથી અન્ય સાક્ષીઓ તો ચૂપ રહ્યા, પણ વડ વૃક્ષે સાક્ષી પુરાવી હતી એથી માતાસીતાએ આ બરગદને ચિરંજીવ રહેવાના આશીર્વાદ આપ્યા હતા. ગયાથી થોડે દૂર માઢનપુર સ્થિત આ અક્ષય વટની આસપાસ એક સમયે પિંડદાન માટે ૩૬૫ વેદીઓ હતી જે કાલાંતરે ઓછી થઈને ૪૫ રહી છે. ગયાજીના પ્રસિદ્ધ વિષ્ણુપદ મંદિરે જાઓ કે મહામાયા મંગલાગૌરીની શક્તિપીઠે મથ્થા ટેકો ત્યારે આ અક્ષય વટના આશીર્વાદ લેવા અચૂક જજો. આ સ્પૉટ ગયાનાં મુખ્ય દર્શનીય સ્થળોમાં નથી આવતું, પરંતુ એનાં મૂળિયાં પૌરાણિક છે.
પૉઇન્ટ ટુ બી નોટેડ
ઉપર ઉલ્લેખ કરાયેલાં આ પાંચેપાંચ વૃક્ષતીર્થો આપણી પૂજનીય તીર્થભૂમિ પર જ છે. એનાં દર્શન માટે ક્યાંય સ્પેશ્યલ કોઈ સ્થળે જવાનું નથી, પણ આપણે તો હઈસો હઈસો યાત્રાળુઓ. ટાઇમ જ ન હોય એટલે એક ઘરેડમાં મુખ્ય મંદિરમાં દર્શન કરી ચાલતા થઈએ. બટ, નેક્સ્ટ ટાઇમ જે-તે જાત્રાએ ગયા હો ત્યારે પૂર્ણ ભાવથી આવા વૃક્ષદેવની આરાધના કરજો, એની શુદ્ધ ઑરા માણજો અને બની શકે તો એના સંવર્ધન માટે મદદ કરજો, કારણ કે આપણા પૂર્વજોએ સાચવ્યું એટલે આપણને મળ્યું. હવે આગામી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.