અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજી મંદિરની ૧૪૪મી રથયાત્રાને પગલે મિટિંગનો દોર પૂર્ણ થયો છે અને રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાને મંજૂરી મળી છે. ૧૦૮ કળશને બદલે માત્ર પાંચ કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
જળયાત્રામાં કોઈ પણ ભજન મંડળી સામેલ નહિ થઈ શકે. આ વર્ષની જળયાત્રામાં નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન હાજર રહેશે. ૨૪મી જૂનના દિવસે જળયાત્રા યોજાશે. ૧૪૪ મી ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રાની જળયાત્રાના આયોજનને લઈને મિટિંગ યોજાઈ હતી. જેમાં જળયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો છે. જળયાત્રામાં શક્ય હોય તો ગજરાજને પણ હાજર રાખવામાં નહિ આવે. જો જરૂર હશે તો માત્ર એક જ ગજરાજ રાખવામાં આવશે. જળયાત્રામાં ૫૦ થી ઓછા લોકોની હાજરી રહેશે. જેઓ મંદિરના જ સભ્યો હશે. સામાન્ય નાગરિકો રથયાત્રામાં નહિ જોડાઈ શકે.
રથયાત્રા પૂર્વે જળયાત્રાને લઈને પોલીસ તંત્ર પણ સાબદું થયું છે. જળયાત્રામાં બંદોબસ્ત માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જગન્નાથ મંદિર ખાતે ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે બેઠક યોજાશે. જળયાત્રાને લઈને પોલીસ મિટિંગ યોજાશે. જેમાં જળયાત્રાની વ્યવસ્થાને લઈને પોલીસ ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ કરશે. કોવિડની ગાઈડલાઇન અને જળયાત્રાની વ્યવસ્થા માટે બેઠક કરાશે.
કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખૂલશે. સોમનાથ મહાદેવ મંદિર ૬૧ દિવસ બંધ રહ્યા બાદ ૧૧મી જૂનથી ભાવિકો દર્શન કરે એ રીતે શરૂ કરવામાં આવ્યા છે. વિશ્વપ્રસિદ્ધ દ્વારકા મંદિર પણ આજે તા.૧૧મીની વહેલી સવારથી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. બીજી તરફ અંબાજી મંદિર ૫૭ દિવસ બાદ ૧૨ જૂનથી દર્શનાર્થીઓ માટે મૂકવામાં આવ્યું છે.
માતાજીનાં દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓને ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહિ દેવાય, તેના બદલે ચાલતાં ચાલતાં જ દર્શન કરવાં પડશે.
ડાકોરનું રણછોડરાય મંદિર, ચોટીલાનું ચામંડુા માતાજીનું મંદિર અને પાવાગઢ મંદિર ૧૧મી જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
કચ્છનું માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર ૧૧થી ભક્તોના દર્શન માટે શરૂ કરાયું છે. ભાવનગરના ખોડિયાર મંદિર ૧૧મીથી ખૂલ્યું છે તેમજ બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર ૧૫મી પછી ખૂલશે. વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર ૧૧મીથી ભક્તો માટે શરૂ કરવામાં આવ્યું છે.
2021ના વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય, ધાર્મિક રીતે પાળવાનું નથી: કોરોનામાં રાહત મળશે
સૂર્યપુત્ર શનીની જન્મજયંતિ આપણે દર વરસે વૈશાખની અમાસના દિવસે ઉજવાય છે. આ વરસે શનિ જયંતિ વૈશાખ વદ અમાસ ગુરુવાર 10મી જૂને છે. દાયકાઓ બાદ આ વરસે આ દિવસે સૂર્યગ્રહણ હોવાથી સૂર્યગ્રહણ અને શનીજયંતિનો સંયોગ ઉભો થાય છે. શની સૂર્ય પુત્ર હોવાથી પુત્રના જન્મના દિવસે જ પિતા પર ગ્રહણની કાળી છાયા આવવાથી આવનારા દિવસોમાં કુદરતી આફતો, વાવાઝોડું, પૂર પ્રકોપ, ભૂકંપ, આગ લાગવી જેવા બનાવો બનશે. રાજકારણમાં ભારે ઉથલ પાથલ, અર્થતંત્રમાં તેજી લાવનારું તેમજ કોરોના જેવી મહામારીમાં રાહત આપશે.
મૃગશીર્ષ નક્ષત્ર અને વૃષભ રાશિમાં થનારું આ ગ્રહણ ભારતમાં દેખવાનું નહીં હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું નથી તેમજ સૂતક લાગશે નહીં. ગ્રહણ એ ખગોળીય ઘટના છે.
સૂર્યગ્રહણમાં જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે ત્યારે સૂર્યગ્રહણ થાય જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના રોજ અને ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. સૂર્યગ્રહણ ત્રણ પ્રકારના જોવા મળે છે. જેમાં પૂર્ણ સૂર્યગ્રહણ કે ખગ્રાસ સૂર્યગ્રહણ, બીજું ખંડગ્રાસ સૂર્યગ્રહણ અને ત્રીજા પ્રકારમાં કંકણાકૃતિ સુર્યગ્રહણ ચંદ્રએ પૃથ્વી અને સૂર્ય દૂર હોવાથી તેનો પડછાયો પૃથ્વી પર પડતો નહીં હોવાથી પણ ચંદ્ર સૂર્યની અને પૃથ્વીની લાઇનમાં આવી જતા સૂર્યનો વચ્ચેનો ભાગ ઢંકાઈ જતો હોવાથી સૂર્ય કંગન અથવા કંકણાકૃતિ જેવો દેખાય છે.
ચંદ્ર કે સૂર્યગ્રહણ જાતકની જન્મરાશિથી 1લે, 4થે, આઠમે અને બારમી રાશિમાં થાય ત્યારે તે અશુભ થાય છે. આ સુર્યગ્રહણ વૃષભ, મિથુન, તુલા અને કુંભ રાશિ માટે અશુભ ફળ આપનારું રહેશે જ્યારે કર્ક, સિંહ, ધન અને મીન રાશિના જાતકો માટે શુભ ફળ આપશે.
વર્ષો પછી શની પોતાની સ્વરાશિ મકર રાશિમાં ભ્રમણ કરે છે અને ઉચ્ચનો ચંદ્ર, નીચનો મંગળનો યોગ થયો છે.
શની એ કર્મ અને ન્યાયના દેવતા હોવાથી શનીની પનોતીના જાતકો ધન, મકર, કુંભ, મિથુન, તુલા, વૃષભ રાશિના જાતકોએ શનીદેવને તેલ, કાળા અડદ, શમીના પુષ્પોથી પૂજન કરી ઓમ શં શનૈશ્વરાયના મંત્રનો જાપ કરવો. શિવપૂજા અને હનુમાનજીની પૂજા કરવાથી શનીની પીડામાંથી મુક્તિ મળે છે.
દાન, જપ, તપ અને સ્નાન કરવાથી અશુભ ફળમાંથી મુક્તિ મળે છે. ગ્રહણની પીડામાંથી બચવા માટે ઘઉં, ત્રાંબુ, ચોખાનું સુપાત્રને દાન કરવું. રાશિવાર ફળ જોઈએ તો,
મેષ રાશિના જાતકોને બીજા સ્થાનમાં થનારું ગ્રહણ અપયશ અને નુકસાન આપે.
વૃષભ રાશિના જાતકોને પ્રથમ સ્થાનમાં થનારું ગ્રહણ આરોગ્ય, આર્થિક ક્ષેત્રે નોકરી ધંધા માટે અશુભ રહેશે.
ગઢડા ગોપીનાથજી મંદિરમાં સત્તા પરિવર્તન બાદ દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે છેડાયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી અને પૂર્વ કોઠારી ઘનશ્યામ સ્વામીને બે વર્ષ માટે છ જિલ્લામાંથી તડીપાર કરાતા વિવાદ વધુ ગરમાયો છે. સંસ્થાના દબાણ હેઠળ તડીપારનો હુકમ કરાયો હોવાનો એસપી સ્વામીએ આક્ષેપ કર્યો છે.
ગઢડા(સ્વામિના) મુકામે સ્વામિનારાયણ ભગવાને સ્વયં સ્થાપેલી વડતાલ ગાદી નીચે આવતા ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમા દેવ પક્ષ અને આચાર્ય પક્ષનો વિવાદ ચરમસીમાએ પહોંચતા દિન પ્રતિદિન નવા ફણગાઓ અને વિવાદ આકાર લઇ રહ્યા છે.આ બાબતે છેલ્લી ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીમાં છેલ્લા 22 વર્ષ સુધી આચાર્ય પક્ષની વહિવટી બોડી સામે દેવ પક્ષની બોડીને વિજેતા જાહેર કર્યા પછીથી એકધાર્યા વિવાદથી સાચું જાણતા હરિભક્તોની લાગણી દુભાઈ રહી છે. સમગ્ર વિવાદ જોઈએ તો આ સંપ્રદાયમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષના વિભાજન પછી સતત વિવાદો શરૂ રહ્યા છે. આ વિભાજનનું જાણવા મળતું મુખ્ય કારણ સંપ્રદાયમાં જે તે સમયે આચાર્ય તરીકે અજેન્દ્રપ્રસાદજી દ્વારા સંપ્રદાયના અને તેમના દ્વારા દિક્ષિત જે તે સાધુઓની નીતિ રીતિઓ તથા પ્રાઈવેટ ગુરૂકુળો અને પ્રાઈવેટ સત્તા સંપત્તિ તરફની દોટ અને કેટલાક કિસ્સાઓમાં ચારિત્ર્યના સવાલો ઉપર કસેલો સિકંજો કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સંપ્રદાયમાં ચાલી રહેલી લડાઈનાં મુખ્ય સૂત્રધારોમાં ગઢડા મંદિરનાં પૂર્વ કોઠારી શાસ્ત્રી ઘનશ્યામવલલભદાસજી અને એસ.પી. સ્વામી જેવા ગણ્યા ગાંઠયા સાધુઓનો સમાવેશ થાય છે. ગઢડા મંદિરમાં કરવામાં આવેલા સત્તા પલટા સહિત અનેક બાબતોમાં મક્કમ વિરોધ સાથે અસંખ્ય કોર્ટ મેટર પણ કરવામાં આવી છે.
બંને સાધુઓને 6 જિલ્લા અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર તથા રાજકોટ માટે બે વર્ષ સુધી તડીપાર કરવાનો હુકમ બજાવી તંત્રએ મોટો ખેલ પાડી દેતા ભારે ખળભળાટ મચી જવાં પામેલ છે. આ બાબતે એસ.પી. સ્વામીએ એક પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે અમારા ઉપર કોઈ એવા કેસો નહી હોવાનું અને મંદિરમાં ધૂન દરમિયાન 188 જેવી સામાન્ય ફરિયાદ હોવાનું અને પોલીસના વિવાદાસ્પદ વર્તનનો વીડિયો જાહેર થયા પછી પોલીસ વિરુદ્ધ કાર્યવાહી માટે હાઈકોર્ટમાં કરેલી ફરિયાદથી અકળાયેલા અફસરો દ્વારા ફરિયાદો પાછી ખેંચવા બાબતે અને દબાણ લાવવા માટે બીજી તદન ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનું તેમજ આ મુદ્દે અમે ન્યાયતંત્રમાં અને સરકારમાં રજૂઆત કરીશું તેમ જણાવ્યું હતુ
ગઢડા ગોપીનાથજી દેવ મંદિર પૂર્વ બોર્ડ સલાહકાર તેમજ પૂર્વ કોઠારી સામે હદપાર મામલે પોલીસ દ્વારા તડીપારની દરખાસ્તના આધારે તડીપારનો હુકમ કર્યા હોવાનું સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ તરફથી એક નિવેદન આપવામાં આવ્યું હતું. તેમજ બચાવ માટે એસ.પી. સ્વામી અને ઘનશ્યામ સ્વામીને પૂરતી તક પણ આપવામાં આવેલ હોવાનું જણાવી એસ.પી. સ્વામી અને ઘનશ્યામસ્વામી વિરુદ્ધ 307, મારામારી સહિત 6 જેટલા નોંધાયેલા ગુન્હાના આધારે પોલીસની દરખાસ્ત મુજબ કામ કર્યાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.
હિંદુ પંચાગ મુજબ, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂનમ એટલ કે 26મી મેને બુધવારે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ થવાનું છે. આ દિવસે બુદ્ધ પૂર્ણિમાનું પર્વ પણ ઉજવાશે. ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે ભગવાન બુધ્ધનો જન્મ થયો હતો. 26 મેએ બપોરે 2.17 કલાકે ચંદ્ર ગ્રહણ શરૂ થશે અને સાંજે 7.19 કલાકે પુરું થશે. ગ્રહણનો કુલ સમય 5.02 કલાકનો રહેશે. ચંદ્ર ગ્રહણ વિશ્વના ઘણા દેશોમાં જોવા મળશે ,પરંતુ ભારતમાં તે ઉપછાયા ચંદ્ર ગ્રહણ તરીકે નજર આવશે. ઉપછાયા ચંદ્ર ગ્રહણમાં સૂતક કાળ માન્ય નથી હોતું.
ઉપછાયા ચંદ્ર ગ્રહણને શાસ્ત્રોમાં ગ્રહણની શ્રેણીમાં નથી રખાયું. તેના કારણે ગ્રહણ શરૂ થાય ત્યારે સૂતક નથી લાગતું. આ દરમિયાન મંદિરોના દ્વાર બંધ નથી કરાતા અને ધાર્મિક કાર્યો કરવાની પણ મનાઈ નથી હોતી. આ દિવસે તમે સામાન્ય દિવસની જેમ જ કોઈપણ કામ કરી શકો છો. 26 મે પછી બીજું ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે થશે.
આ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ 26મી મેએ થવાનું છે. જોકે, ભારતમાં તે ઉપછાયા ચંદ્રગ્રહણ તરીકે નજર આવશે. ઉપછાયા ચંદ્રગ્રહમમાં સૂતક કાળ માન્ય નથી હોતો. પરંતુ તેની અસર રાશિઓ અને નક્ષત્રો પર ચોક્કસ જોવા મળે છે.
ઘાટકોપર (ઈસ્ટ)ના ૮૫ વર્ષથી વધુ જૂના હિંગવાલા લેન સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં ગઈ કાલે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ગોંડલ સંપ્રદાયના ૭૧ વર્ષના મનોહરમુનિ મહારાજ સાહેબે નાયલોનની રસીથી ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરતાં ગોંડલ સંપ્રદાય અને ઘાટકોપરના જૈન સમાજમાં ચકચાર ફેલાઈ ગઈ હતી. મનોહરમુનિ ૪ એપ્રિલથી તેમનાં અન્ય મહાસતીઓની સાથે હિંગવાલા લેન ઉપાશ્રયમાં બિરાજમાન હતા. મનોહરમુનિ મહારાજ સાહેબે આત્મહત્યા કરવા પહેલાં મુંબઈના પોલીસ કમિશનરને સંબોધીને ગુજરાતીમાં દોઢ પાનાની સુસાઇડ-નોટ લખી હતી જેના પર ૧૯ મેની તારીખ લખવામાં આવી છે. આ સુસાઇડ-નોટમાં તેમણે પોલીસ કમિશનરને સંબોધીને લખ્યું હતું કે ‘મારા ગુરુ પ્રસન્નમુનિ (તેમના સંસારી પિતા પ્રાણલાલ દેસાઈ) રાતના સપનામાં આવ્યા હતા. તેમણે મને કહ્યું કે તમારું હવે પૃથ્વી પર સર્વસામાન્ય લોકો માટેનું કામ પૂર્ણ થયું છે. તમે મારી પાસે આવી જાવ. આપણે સાથે પ્રભુપૂજા કરીશું.’
આ સંદર્ભની માહિતી આપતાં શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ હિંગવાલાના પ્રમુખ બિપિન સંઘવીએ પત્રકારોને કહ્યું હતું કે ‘ગઈ કાલે મનોહરમુનિના કર્મચારીઓએ અમને વહેલી સવારે પાંચ વાગ્યે આ દુખદ ઘટનાના સમાચાર આપ્યા હતા. તેમના કર્મચારીઓએ અમને કહ્યું હતું કે મહારાજ સાહેબે અમને સવારે વહેલા ઉઠાડીને જણાવ્યું હતું કે આપણે અહીંથી નીકળવાનું છે તો બધો સામાન કારમાં ગોઠવીને તૈયાર થઈ જાવ. અમે તૈયાર થઈને દસ જ મિનિટમાં પાછા આવ્યા ત્યારે ગુરુજીના રૂમનો દરવાજો બંધ હતો. અમને શંકા જતાં અમે જોયું તો સાહેબજી ખુરશી પર ફાંસો લઈને લટકતા હતા.’
મનોહરમુનિના કમર્ચારીઓના વહેલી સવારના આવેલા ફોનને કારણે અમે ટ્રસ્ટીઓ અને અન્ય સંઘના પદાધિકારીઓ દોડીને ઉપાશ્રયમાં પહોંચ્યા હતા એમ જણાવીને બિપિન સંઘવીએ કહ્યું હતું કે ‘અમે ગયા ત્યારે મનોહરમુનિ નાયલોનની દોરીએ લટકતા હતા. પહેલાં તેમણે પાંચ ખુરશીઓની થપ્પી કરીને પંખા સાથે નાયલોનની રસી બાંધી હોય એવું અમને લાગે છે. ત્યાર બાદ બાજુમાં પડેલી એક ખુરશીની મદદથી તેઓ આ પાંચ ખુરશીની થપ્પી પર ચડ્યા હોવા જોઈએ અને ગળે ફાંસો બાંધીને દેહત્યાગ કર્યો હોવાનું અમને લાગે છે. અમે પહોંચ્યા એની થોડી જ વારમાં પંતનગર પોલીસ આવી ગઈ હતી. તેમને એવું લાગ્યું કે મનોહરમુનિ મહારાજ સાહેબમાં જીવ છે. એટલે તેઓ તેમને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં મનોહરમુનિ મહારાજ સાહેબને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.’
મહેન્દ્રમાંથી મનોહરમુનિ
મનોહરમુનિ ઉર્ફે મહેન્દ્ર પ્રાણલાલ દેસાઈનો જન્મ ૧૯ ડિસેમ્બર ૧૯૫૧ના દિવસે મહારાષ્ટ્રના સાંગલી ગામમાં થયો હતો. તેઓ છ બહેનોના એકના એક ભાઈ હતા. તેમનો લાડકોડથી ઉછેર થયો હતો. તેઓ સાંગલીથી રાણપુર ગયા ત્યારે તેમનો પરિચય આગમ દિવાકર પૂજ્ય શ્રી જનકમુનિ મહારાજ સાહેબ સાથે થયો હતો. જનકમુનિ મહારાજ સાહેબના ઉપદેશથી તેમનામાં વૈરાગ્યભાવ જાગ્યો હતો. તેમનાં ધર્મિષ્ઠ માતા-પિતાએ તેમને સંયમમાર્ગે જવાની આજ્ઞા આપી હતી. ત્યાર બાદ તેમણે ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, આગમશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને એમાં પારંગત થયા હતા. મહેન્દ્રના વૈરાગ્યને જોઈને તેમની બહેન સરલા (પૂ. નંદાબાઈ મહાસતી) અને ભારતીબહેન (પૂજ્યા સુનંદાબાઈ મહાસતી)ને પણ વૈરાગ્ય પ્રગટ થયો અને તેમણે પણ વિદ્યાપીઠમાં અભ્યાસ શરૂ કર્યો હતો. મુમુક્ષુ મહેન્દ્રભાઈની દીક્ષા ધારી ગામમાં ૬ મે ૧૯૭૧ના રોજ થઈ હતી. જનકમુનિ મહારાજ સાહેબના મુખેથી દીક્ષાનો પાઠ ભણીને તેઓ મહેન્દ્રભાઈમાંથી મનોહરમુનિ મહારાજ સાહેબ તરીકે ઓળખાયા હતા. તેઓ જનકમુનિ મહારાજ સાહેબના પ્રથમ શિષ્ય બન્યા હતા. તેમનામાં ગુરુ પ્રત્યે સર્મપણભાવ, વિનય, સેવા, ગુરુઆજ્ઞા એ જ મારો ધર્મ આદિ ગુણ હોવાથી તેઓ જનકમુનિના પ્રિય શિષ્ય બન્યા હતા. મનોહરમુનિ મહારાજ સાહેબે દીક્ષાનાં ૫૦ વર્ષમાં ૪૦ વર્ષ પૂજ્ય ગુરુદેવની સાથે જ રહી સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, મધ્ય પ્રદેશ, મારવાડમાં વિચરણ કરી અજોડ શાસન-પ્રભાવના કરી હતી.
આખો મામલો શું છે?
જોકે ૨૦૧૨માં મનોહરમુનિ પર ઘાટકોપરની એક જૈન યુવતીનો વિનયભંગ કરવાનો આરોપ લાગ્યો હતો. એને લીધે ગોંડલ સંપ્રદાયમાં અને જૈન સમાજમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. મનોહરમુનિ પર વિનયભંગનો આરોપ કરતાં એ યુવતીના પિતાએ મુલુંડ પોલીસમાં કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે ‘અમારો પરિવાર ૨૦ માર્ચ ૨૦૧૨ના દિવસે સવારના આઠ વાગ્યે મહારાજ સાહેબનાં દર્શનાર્થે ગયો હતો. ત્યારે અમે મનોહરમુનિ મહારાજ સાહેબને મારી દીકરી જે ઍન્ગ્ઝાયટીની દરદી હતી તેની સારવાર માટેની વાત કરી હતી. એને કારણે મનોહરમુનિ મહારાજ સાહેબે અમને ભાંડુપના ઈશ્વરનગરના ઉપાશ્રયમાં સવારના દસ વાગ્યે મળવા બોલાવ્યા હતા. ત્યાર પછી અમે ફરી ૩૧ માર્ચ ૨૦૧૨ના રોજ મુલુંડ (વેસ્ટ)ના સ્થાનકવાસી ઉપાશ્રયમાં મારી પુત્રીને લઈને મનોહરમુનિ પાસે મળવા ગયા હતા. ત્યારે મનોહરમુનિએ કોઈ ધાર્મિક વિધિથી મારી પુત્રીની સારવાર માટે કરી હતી. ત્યાર બાદ મનોહરમુનિએ મારા પરિવારને ફરી ૬ એપ્રિલ ૨૦૧૨ના રોજ મુલુંડમાં મારી પુત્રીની સારવાર માટે કોઈ ધાર્મિક વિધિ કરવાની છે એમ કહીને બોલાવ્યો હતો. ત્યાં તેમણે ફક્ત મારી પુત્રીને જ એક રૂમમાં બોલાવીને બધાં જ બારીબારણાં બંધ કરી દીધાં હતાં. ત્યાર પછી મનોહરમુનિ મહારાજ સાહેબે મારી દીકરીને ચુંબનો આપ્યાં હતાં. મારી દીકરીએ બહાર આવીને પરિવારની સામે મનોહરમુનિએ તેની સાથે કરેલા અપકૃત્યની જાણ કરી હતી.’
યુવતીના આ બયાનથી એ ઉપાશ્રયમાં હાજર રહેલા લોકો આક્રોશમાં આવી ગયા હતા અને આખો મામલો મુલુંડ પોલીસ સ્ટેશનમાં ગયો હતો. પોલીસે મનોહરમુનિની ધરપકડ કરીને તેમને કોર્ટમાં હાજર કર્યા હતા. એ દિવસે મનોહરમુનિએ એક રાત મુલુંડ પોલીસ સ્ટેશનમાં જ વિતાવવી પડી હતી.
હિંગવાલા ઉપાશ્રયમાં પ્રતિબંધ યુવતીનાં માતા-પિતાના આ આરોપ પછી અને મનોહરમુનિની મુલુંડ પોલીસે ૨૦૧૨માં ધરપકડ કર્યા પછી હિંગવાલા ઉપાશ્રયના એક સમયના પ્રમુખ દીપેશ ખાટડિયા અને અન્ય પદાધિકારીઓએ હિંગવાલા ઉપાશ્રયમાં મનોહરમુનિને ઉપાશ્રયમાં આવવા સામે પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યાર પછી મનોહરમુનિ આ ઉપાશ્રયમાં પહેલી વાર આ વર્ષના ૪ એપ્રિલના રોજ તેમનાં અન્ય મહાસતીઓની સાથે બિરાજમાન થયા હતા.
કોર્ટનો આદેશ શું છે?
યુવતી સાથેના વિનયભંગના કેસમાં મુલુંડ પોલીસની તપાસ પછી મુલુંડની મૅજિસ્ટ્રેટ કોર્ટે ડિસેમ્બર ૨૦૧૭માં મનોહરમુનિને બે વર્ષની કેદ અને ૫૦,૦૦૦ રૂપિયાના દંડનો આદેશ આપ્યો હતો. ત્યાર પછી આખો મામલો મુંબઈની સેશન્સ કોર્ટમાં ગયો હતો. ગુરુવાર, ૪ મેએ સેશન્સ કોર્ટે મુલુંડની મૅજિસ્ટ્રેટ કોર્ટના ઑર્ડરને બહાલી આપી હતી અને મનોહરમુનિને મૅજિસ્ટ્રેટ કોર્ટમાં સરેન્ડર કરવાનો ઑર્ડર આપ્યો હતો.
સુસાઇડ-નોટ
કોર્ટના આ ઑર્ડર પછી મનોહરમુનિ બહુ ગભરાયેલા હતા એમ જણાવતાં બિપિન સંઘવીએ કહ્યું હતું કે ‘અમે પદાધિકારીઓએ તેમને ઘાટકોપરના હિંગવાલા ઉપાશ્રયમાંથી જતા રહેવા કહ્યું હતું, પરંતુ અમને રાજકોટના ગોંડલ સંપ્રદાયના આગેવાનોએ તેઓ હાઈ કોર્ટમાં અપીલ કરવા જઈ રહ્યા છે એવી ખાતરી આપી હતી. ત્યાર પછી અમે મનોહરમુનિ મહારાજ સાહેબના દીક્ષાનાં ૫૦ વર્ષની ઉજવણીના કાર્યમાં વ્યસ્ત થઈ ગયા હતા. મનોહરમુનિ પણ બે દિવસ પહેલાં સુધી એકદમ સ્વસ્થ હતા. અચાનક ગઈ કાલે શું થઈ ગયું અને તેમને કેમ આત્મહત્યા જેવું કરુણ પગલું ભર્યું એ અમારા માટે રહસ્યમય બની ગયું હતું. જોકે પોલીસને તેમની પાસેથી સુસાઇડ-નોટ મળી હતી જે તેમણે મુંબઈના પોલીસ કમિશનરને સંબોધીને લખી હતી.’
પોલીસ કમિશનરને સંબોધીને લખવામાં આવેલી સુસાઇડ-નોટમાં તેમણે લખ્યું છે કે ‘મારા દેહાવસાન સંબંધમાં કોઈ પણ વ્યક્તિને દોષિત ગણશો નહીં. મારી સ્વેચ્છાથી સમાધિપૂર્વક સંથારા સહિત હું દેહનો ત્યાગ કરું છું. તે પહેલાં મેં ભવોભવની આલોચના કરી જગતના સર્વ જીવોને ખમાવેલ છે. છદ્મસ્થ (જેને કેવળ જ્ઞાન ન થયું હોય તે) અવસ્થાને હિસાબે મારા મન-વચન અને કાયાના યોગથી મારાથી ઘણી ભૂલો થઈ હશે. તે સર્વની પરમ કૃપાળુ ભગવાન મહાવીરસ્વામીની સાક્ષીએ ક્ષમા યાચું છું. ચેમ્બુર રહેતા મુકેશભાઈના પરિવારને ખાસ અંત:કરણપૂર્વક ખમાવું છે. અંતમાં જગતના જીવોને આપ્ત-પુરુષોનાં બે વચન કહું છું. ૧. ભોગવે તેની ભૂલ. ૨. થાય તે ન્યાય. આ વચનને હૃદયમાં ઉતારશોજી. મનોહરમુનિ.’
આ સિવાય સુસાઈડ નોટમાં મહાસતીઓનો, ગોંડલ સંપ્રદાયના આગેવાનો અને હિંગવાલા ઉપાશ્રયના અનેક પદાધિકારીઓનો એમની સારસંભાળ લેવા માટે આભાર માનવામાં આવ્યો હતો.
મનોહરમુનિના રાજાવાડી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ પછી તેમની હિંગવાલા લેનમાંથી બપોરે ૨.૩૦ વાગ્યે પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. એમાં ઉપાશ્રયમાં ૧૫૦થી ૨૦૦ અનુયાયીઓ ભેગા થઈ ગયા હતા. તેમની પાલખીયાત્રા ઘાટકોપરની હિન્દુ સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવી હતી. ત્યાં તેમના અંતિમ સંસ્કાર સ્મશાનભૂમિની બહારના પાર્કિંગ પ્લૉટમાં તેમના સંસારી બનેવીઓ અને ભાઈઓ દ્વારા સાંજના ૪.૩૦ વાગ્યે કરવામાં આવ્યા હતા.
મનોહરમુનિ પણ બે દિવસ પહેલાં સુધી એકદમ સ્વસ્થ હતા. અચાનક ગઈકાલે શું થઈ ગયું અને તેમણે કેમ આત્મહત્યા જેવું કરુણ પગલું ભર્યું એ અમારા માટે રહસ્યમય બની ગયું હતું. જોકે પોલીસને તેમની પાસેથી સુસાઇડ-નોટ મળી હતી જે તેમણે મુંબઈના પોલીસ કમિશનરને સંબોધીને લખી હતી. બિપિન સંઘવી, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ હિંગવાલાના પ્રમુખ
ઉત્તરાખંડમાં આવેલા હિંદુઓના પવિત્ર ચારધામમાંના એક ધામ બદરીનાથ ધામના દ્વાર મંગળવારે વહેલી સવારે ધાર્મિકવિધિપૂર્વક ખોલવામાં આવ્યા હતા. મંદિરના મુખ્ય પૂજારીએ સવારે ૪.૧૫ કલાકે વૈદિક મંત્રોચ્ચાર કરી મંદિરના દ્વાર ખોલ્યા હતાં.
કોરોના રોગચાળાને ધ્યાનમાં લઇને સાદગીપૂર્વક ધાર્મિકવિધિ પાર પાડવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં મંદિરના દ્વાર ખૂલવા સમયે હજારો યાત્રાળુઓની ભીડ રહેતી હોય છે, પણ કોરોનાને કારણે સતત બીજા વર્ષે અહીં સાદગીપૂર્વક ધાર્મિકવિધિ પાર પાડવામાં આવી છે.મંદિરને આઠ ક્વિન્ટલ ગલગોટાના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.
બદરીનાથ ધામના દ્વાર ખૂલવાની સાથે હવે ચારેધામ ખૂલી ગયા છે. કેદારનાથના દ્વાર સોમવારે ખૂલ્યાં હતાં. યમનોત્રીના દ્વાર ૧૪ મે અને ગંગોત્રીના દ્વાર ૧૫મેએ ખૂલ્યાં હતાં.
ગંગોત્રી, યમનોત્રી, બદરીનાથ અને કેદારનાથ એ હિંદુઓના પવિત્ર ચારધામ ગણાય છે.
ઉત્તરાખંડ રાજ્યમાં કોરોના કેસમાં ભારે વધારો નોંધાવાને કારણે આગામી મે મહિનાથી શરૂ થતી ચારધામ યાત્રાને પાછી ઠેલવામાં આવી હોવાની રાજ્યના મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતે ગુરુવારે જાહેરાત કરી હતી. હિમાલયના આ ચારે ધામના પોર્ટલ્સ રાબેતા મુજબ ખુલી જશે. યાત્રાળુઓ માટે ચારધામ યાત્રા બંધ રહેશે, પણ પૂજારીઓ તેમની પૂજા કરી શકશે. ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ એ હિંદુઓના ચાર પવિત્ર યાત્રાધામ છે.
કુંભમેળામાં હજારો ભગવાધારી સાધુ-સંતોએ સોમવારે હર-કી-પૌડી ખાતે બીજા શાહીસ્નાનનો લાભ લીધો હતો.
સોમવતી અમાસના અવસરે બીજા શાહીસ્નાન માટે પોતપોતાના મહામંડલેશ્ર્વરની આગેવાની હેઠળ વિવિધ અખાડાઓના સાધુ-સંતો દ્વારા શહેરના રસ્તાઓ પર વારાફરતી શોભા યાત્રા કાઢયા બાદ હર-કી-પૌડી ખાતે આવેલા બ્રહ્મ કુંડ પાસે ભેગાં થયાં હતાં. ઉઘાડા પગે ગંગા તરફ પ્રયાણ કરી રહેલા અનેક સાધુ-સંતોએ માસ્ક નહોતા પહેર્યા અથવા તો સામાજિક અંતર રાખવાની ચિંતા કર્યા વગર આગળ વધીને ગંગામાં ડૂબકી લગાવી હતી. આ વખતે ઉત્તરાખંડની સરકાર તરફથી હૅલિકૉપ્ટરમાંથી એમનાં પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. હર-કી-પૌડીને સૌથી પવિત્ર ઘાટ માનવામાં આવે છે અને માટે સાધુઓ માટે આ ઘાટ સવારે સાત વાગ્યાથી આરક્ષિત કરાયો હતો. અન્ય ઘાટો પર પણ લાખો શ્રદ્ધાળુએ પવિત્ર ગંગા નદીમાં ડૂબકી લગાવીને પવિત્રસ્નાનનો આનંદ મેળવ્યો હતો.
મેળાના પ્રશાસને એવો દાવો કર્યો હતો કે સવારે દસ વાગ્યા સુધીમાં અંદાજે ૧૭.૩૧ લાખ યાત્રાળુએ ગંગામાં ડૂબકી લગાવી સ્નાન કર્યું હતું.
ઉત્તરાખંડના ડીજીપી અશોકકુમારે જણાવ્યું હતું કે હરિદ્વારથી દેવપ્રયાગ સુધીના મેળા ક્ષેત્રમાં શાહીસ્નાન શાંતિપૂર્ણ રીતે કરાયું હતું.
મહામંડલેશ્ર્વર આચાર્ય કૈલાશાનંદ ગીરીની આગેવાનીમાં નિરંજની અખાડાના સાધુઓ દ્વારા સૌ પ્રથમ ગંગાસ્નાન કરવામાં આવ્યું હતું અને એમની સાથે આનંદ અખાડાના સાધુઓ દ્વારા પણ સ્નાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેપાળના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર બીર બિક્રમ શાહે પણ પહેલી વખત હરિદ્વાર આવીને ગંગાસ્નાનનો લાભ મેળવ્યો હતો.
હાલ ચાલી રહેલા કુંભ મેળાનું આ બીજું શાહીસ્નાન હતું. આ અગાઉ પહેલું શાહીસ્નાન મહાશિવરાત્રીના દિવસે ૧૧મી માર્ચે યોજાયું હતું. કોરોનાના વધી રહેલા કેસને કારણે આ વખતે કુંભ મેળો ફક્ત એક મહિના સુધી સિમિત રખાયો છે.
રાજ્યના અત્યંત લોકપ્રિય સંત મહામંડલેશ્વર ભારતી બાપુ (Mahamandleshwar Bharti Bapu) બ્રહ્મલીન થયા છે. અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમ ખાતે મહામંડલેશ્વર ભારતી બાપુએ શનિવાર મધરાતે દેહ ત્યાગ કર્યો હોવાની માહિતી આશ્રમ તરફથી જારી કરવામાં આવી હતી.
ભારતી બાપુ સરખેજ આશ્રમ ખાતે દેહ ત્યાગ કરતા સંતોમાં દુ:ખની લાગણી છવાઈ ગઈ છે. બાપુના બ્રહ્મલીન થતા તેમને સમાધિ જૂનાગઢ આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. બાપુના બ્રહ્મલીન શરીરને રવિવારે જૂનાગઢ ખાતે લઈ જવામાં આવશે. જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે કોવીડ ગાઇડલાઇન અંતર્ગત બાપુને સમાધિ આપવામાં આવશે.
લઘુ મહંત ઋષિ ભારતી બાપુએ માહિતી આપી કે બાપુએ રાત્રે 2.30 વાગ્યે બ્રહ્મલીન થયા છે. આજે સવારે 9.30 વાગ્યા સુધી ભારતી બાપુના બ્રહ્મલીન દેહને અંતિમ દર્શન માટે રાખવાનું આશ્રમ મેનેજમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં જ સરકાર દ્વારા શરૂ એવા વેક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત ભારતી બાપુએ સરખેજ આશ્રમ ખાતે કોરોનાની વેક્સીન લીધી હતી. બાપુએ આ વેક્સીન લઈને તમામ વડીલોને અને લાયક લોકોને વેક્સીન લેવા માટે આહ્મવાન કર્યુ હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.