ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અહીં 23/9/21 ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સની સામે કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે.
આઇપીએલની ગયા વખતની વિજેતા ટીમ મુંબઈ ઇન્ડિયન્સનો સુકાની રોહિત શર્મા પોતાની ટીમ માટે આ મૅચમાં પ્રેરણાદાયક બની રહેવાની આશા રખાય છે. મુંબઈ ઇન્ડિયન્સ ગયા રવિવારે રોહિત શર્મા અને સ્ટાર ઑલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ચેન્નઇ સુપર કિંગ્સની સામેની મૅચમાં ૨૦ રને હારી ગઇ હતી. આ બન્ને ખેલાડીને તકેદારીના પગલાંના ભાગરૂપે રવિવારની મૅચમાં આરામ અપાયો હતો. આમ છતાં, મુખ્ય પ્રશિક્ષક મહેલા જયવર્દેનેએ જણાવ્યું હતું કે રોહિત શર્મા ગુરુવારની કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મૅચમાં રમવા માટે શારીરિક રીતે સુસજ્જ થઇ જશે.
કોલકાતા નાઇટ રાઇડર્સે આ લીગના બીજા તબક્કાની પ્રારંભિક મૅચમાં રોયલ ચૅલેન્જર્સ બેંગલોરને નવ વિકેટથી હરાવ્યું હતું.
મુંબઈ ઇન્ડિયન્સ આઠ પૉઇન્ટની સાથે ચોથા ક્રમે છે. ગયા વખતની વિજેતા આ ટીમે લીગ ટૅબલમાં આગળ આવવા માટે હવે વિજય મેળવવો જરૂરી છે. રોહિત શર્મા અત્યાર સુધી સારા ફૉર્મમાં રમી રહ્યો છે અને તે કોલકાતા નાઇટ રાઇડર્સની સામે પોતાનું આ ફૉર્મ જાળવી રાખે અને પોતાની ટીમમાં જુસ્સાનો સંચાર કરે એવી આશા છે.
આ ઉપરાંત, સૌરભ તિવારીની આક્રમક બૅટિંગ પણ ઉપયોગી થઇ શકે છે. તેણે ચેન્નઇ સુપર કિંગ્સ સામેની મૅચમાં અણનમ અડધી સદી કરી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની અગાઉની મૅચ મોટા તફાવતથી જીતી હોવાથી તેને નવું જોમ મળ્યું છે.









