
જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટેક્સ) કાઉન્સિલની શુક્રવારે મળેલી બેઠકમાં જીએસટી રિટર્ન્સ ફાઇલિંગના વિલંબ કરનારાઓ માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી હતી.
પાંચ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા નાના કરદાતાઓએ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાના જીએસટી રિટર્ન્સ મોડા ભર્યા હશે તો એના પર તેમણે અડધું એટલે કે 9 ટકા વ્યાજ ભરવું પડશે. જીએસટી કાઉન્સિલે શુક્રવારે આવા કરદાતાઓ માટેના આ વ્યાજના દરને 18 ટકાથી અડધોઅડધ ઘટાડીને 9 ટકા કરી નાખ્યો હતો. જોકે, તેમના આ રિટર્ન્સ સપ્ટેમ્બર 2020 સુધીમાં નોંધાઈ ગયા હોવા જોઈશે.
એ ઉપરાંત, મે તેમ જ જૂન અને જુલાઈ માટેના રિટર્ન્સ નોંધાવવા માટેની આખરી તારીખ (કોઈ પણ વ્યાજ કે લેટ-ફી વગર) સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
‘જે રજિસ્ટર્ડ એન્ટિટીઓએ જુલાઈ 2017થી જાન્યુઆરી 2020 વચ્ચેની શૂન્ય જવાબદારી સાથેના જીએસટી રિટર્ન્સ મોડેથી નોંધાવ્યા હશે તેમની પાસેથી કંઈ પણ લેટ-ફી નહીં લેવામાં આવે’, એવું પણ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું.
કાઉન્સિલની મિટિંગ બાદ પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે અન્યો માટેના માસિક સેલ્સ રિટર્ન ન નોંધાવવા વિશેની લેટ-ફી જુલાઈ 2017થી જાન્યુઆરી 2020ના સમયગાળા માટે ઘટાડીને મહત્તમ 500 રૂપિયા કરવામાં આવી છે.
આડકતરા વેરા સંબંધિત નિર્ણયો લેતી સર્વોત્તમ સંસ્થા જીએસટી કાઉન્સિલમાં શુક્રવારે કૉવિડ-19ની મહામારીની પડેલી અસર બાબતમાં ચર્ચા થઈ હતી, એવું કહીને સીતારમણે ઉમેર્યું હતું કે ‘કાઉન્સિલની મિટિંગમાં જીએસટીની આવકને ઇન્વર્ટેડ ડ્યૂટીના માળખાની થયેલી વિપરીત અસર બાબતમાં ચર્ચા થઈ હતી. પગરખાં, ખાતર અને ટેક્સટાઇલ્સમાં જકાતના દરમાં સુધારો કરવા સંબંધમાં પણ પૅનલ વિચારે છે. પાન મસાલા પરના કરવેરા વિશે જીએસટી કાઉન્સિલની આગામી રાબેતામુજબની બેઠકમાં ચર્ચા થશે એવી આશા છે.
દરમિયાન, રાજ્યની વળતરની જરૂરિયાતોના મુદ્દે ખાસ ચર્ચા કરવા જુલાઈમાં વિશિષ્ટ બેઠક યોજાવાની છે.
























