CIA ALERT

Blog - Page 66 of 694 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 13, 2024
mohan-bhagwat.png
1min280

દેશની સૌથી મોટી સ્વયંસેવી સંસ્થા આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના 100મા સ્થાપના દિને આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ઓટીટી(ઓવર ધ ટોપ મીડિયા સર્વિસ) પ્લેટફોર્મ પર નિશાન સાધ્યું હતું અને તેને લોકોની નૈતિકતા ભ્રષ્ટ થવાનું એક કારણ ગણાવ્યું હતું.

નાગપુરના રેશિમબાગ ખાતે દશેરાની પારંપારિક રીતે યોજાતી રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે લોકોની નૈતિકતા ભ્રષ્ટ થવાનું એક કારણ ઓટીટી પ્લેટફોર્મ છે અને તેના પર કાયદાકીય અંકુશો લાદવા જરૂરી છે. ઓટીટી પર દેખાડવામાં આવતી વસ્તુઓ એટલી ઘૃણાસ્પદ હોય છે કે તેના વિશે વાત કરવું પણ અસભ્ય ગણાશે, એટલે હું કહું છું કે તેના પર કાયકાદીય અંકુશો લાદવા જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે દુનિયાના સૌથી મોટા સ્વયંસેવી સંઘ આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ની સ્થાપનાના દિવસે આજે નાગપુરમાં યોજવામાં આવેલા કાર્યક્રમ નિમિત્તે મોહન ભાગવત બોલી રહ્યા હતા અને એ દરિમયાન તેમણે ઓટીટી પર પીરસવામાં આવતી હિંસક તેમ જ અશ્લીલ સામગ્રી સામે આંગળી ચીંધી હતી. આ સામગ્રીના કારણે યુવાનો, બાળકો, કુમળી વયના જનમાનસ પર અવળી અસર પડતી હોવાનું મોહન ભાગવતે જણાવ્યું હતું.

આ વર્ષે આરએસએસ 100મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેના કારણે આ વખતના સ્થાપના દિવસનું મહત્ત્વ હોઇ બધાની નજર મોહન ભાગવત શું કહે છે તેના પર હતી. મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ એક પોડકાસ્ટમાં આરએસએસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના ભરપેટ વખાણ કર્યા હતા.

October 13, 2024
baba-siddiqui.png
1min358

મહારાષ્ટ્રના મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP – અજીત પવાર)ના નેતા બાબા સિદ્દિકીની હત્યા થઈ છે. સિદ્દિકી તેમના દીકરા જીશાન સિદ્દિકીની ઓફિસની બહાર ઊભા હતા ત્યારે ત્રણ લોકોએ તેમના પર અચાનક ફાયરિંગ કર્યું હતું. જેમાં તેમને બે છાતી-પેટના ભાગમાં અને એક પગમાં ગોળી વાગી હતી. જ્યારબાદ ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેેમનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ, પોલીસે બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે અને એક આરોપી ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે. શંકાસ્પદ આરોપીઓમાં એક ઉત્તરપ્રદેશ અને બીજો હરિયાણાનો છે. આ ઘટના બાંદ્રા ખેરવાડી સિગ્નલ નજીક બની છે. ક્રાઈમ બ્રાંચે કેસની તપાસ શરૂ કરી છે. જણાવી દઈએ કે, બાબા સિદ્દિકી મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટું નામ હતું. તેઓ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા.

આ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસે બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી લીધી છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. બાંદ્રા ઈસ્ટમાં બાબા સિદ્દિકી પર ફાયરિંગની ઘટના બની છે, જે નિર્મલ નગર પોલીસ સ્ટેશન હેઠળની ઘટના ગણાવાય રહી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સ્પોટ પર પહોંચી ગઈ છે. મુંબઈ પોલીસે હાલ આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી છે, તેની સાથે સાથે CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે.

બાબા સિદ્દિકીની હત્યા પર મુંબઈ પોલીસનું નિવેદન આપ્યું છે કે, ‘સોપારી કિલિંગનો મામલો હોય શકે છે, તેથી તે એન્ગલથી પણ કેસની તપાસ ચાલી રહી છે.’ મળતી માહિતી અનુસાર, બાબા સિદ્દિકીની સાથે હાજર એક વ્યક્તિને પણ પગમાં ગોળી વાગી છે. જેની સારવાર પણ લિલાવતી હોસ્પિટલમાં ચાલી રહી છે.

બાબા સિદ્દિકી પર શૂટર્સે 9.9 MM પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ પિસ્તોલ જપ્ત કરી લીધી છે. આરોપીઓએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી ત્રણ ગોળી બાબા સિદ્દિકીને વાગી, જેનાથી તેમનું મોત થઈ ગયું.

ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે : એકનાથ શિંદે

ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, ‘પોલીસને આકરી કાર્યવાહીના આદેશ અપાયા છે. ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. બે આરોપીની ધરપકડ કરાઈ ચૂકી છે. એક આરોપી હજુ ફરાર છે.’

નાયબ મુખ્યમંત્રી અજીત પવારે આવતીકાલના તમામ કાર્યક્રમ રદ્દ કર્યા છે. તેઓ આજે જ મુંબઈ પરત ફરશે. બાબા સિદ્દિકીની હત્યા બાદ અજિત પવારે કહ્યું કે, NCP નેતા, પૂર્વ રાજ્ય મંત્રી, મારા સહયોગી બાબા સિદ્દિકી જે લાંબા સમય સુધી ધારાસભ્ય રહ્યા છે તેના પર ફાયરિંગની ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, નિંદનીય અને દર્દનાક છે. મને આ જાણીને આઘાત લાગ્યો કે આ ઘટનામાં તેમનું મૃત્યુ થઈ ગયું. મેં પોતાના સારા સહકર્મી, મિત્ર ગુમાવી દીધા છે. હું આ કાયરતાપૂર્ણ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરું છું. ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવવામાં આવશે અને હુમલાખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે.

જ્યારે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ પોલિસ અધિકારીઓ લિલાવતી હોસ્પિટલ પહોંચ્યા છે. તો બાબા સિદ્દિકીના મોતના સમાચાર બાદ બોલિવૂડ એક્ટર સલમાન ખાન પણ લિલાવતી હોસ્પિટલ પહોંચી રહ્યા છે. જણાવી દઈએ કે, સલમાન ખાન અને બાબા સિદ્દિકી નજીકના મિત્ર હતા.

બાબા સિદ્દિકીને ગોળી મારવાના સમાચાર બાદ એક્ટર સંજય દત્ત પણ લિલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને હોસ્પિટલથી નીકળીને પોતાની કારમાં બેસીને જતા જોઈ શકાય છે. સલમાન ખાનની જેમ સંજયદત્ત પણ બાબા સિદ્દિકીના નજીકના મિત્ર રહ્યા છે.

અસદુદ્દીન ઓવૈસીએ એનસીપી નેતાના મોત પર કહ્યું કે, બાબા સિદ્દિકીની હત્યા ખુબ જ નિંદનીય છે. આ મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિને દર્શાવે છે. અલ્લાહ તેમને માફ કરે. તેમના પરિવાર, મિત્રો અને સહકર્મીઓ પ્રત્યે મારી સંવેદનાઓ.

બાબા સિદ્દિકીની હત્યા પર શરદ પવારે કહ્યું કે, રાજ્યની ધ્વસ્ત થયેલી કાયદો વ્યવસ્થા ચિંતાનો વિષય છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પૂર્વ રાજ્ય મંત્રી બાબા સિદ્દિકીની ગોળી મારીને હત્યા કરવી દુઃખદ છે. જો ગૃહમંત્રી અને શાસક રાજ્યને આટલી બેદરકારીથી આગળ વધારશે તો આ સામાન્ય લોકો માટે ખતરાની ઘંટી હોય શકે છે. તેમની ન માત્ર તપાસ કરવાની જરૂર છે પરંતુ જવાબદારી સ્વીકર કરીને સત્તામાં બેઠેલા લોકોને પદ છોડવાની પણ જરૂર છે. બાબા સિદ્દિકીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ.

બાબા સિદ્દિકીના મોત પર ભાજપ નેતા શાહનવાઝ હુસૈને પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના X હેન્ડલ પર લખ્યું કે, NCP નેતા બાબા સિદ્દિકીની દુઃખદ હત્યા અંગે સાંભળીને ખુબ દુઃખ થયું. ભગવાન તેમના પરિવારને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે. મારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ તેમની સાથે છે.

October 10, 2024
milton.jpg
1min231

ફલોરિડાના પશ્ચિમ કાંઠે 33 લાખની વસતી ધરાવતાં ટામ્પા બે વિસ્તારમાં કેટેગરી ફાઇવ હરિકેન મિલ્ટન બુધવારે મોડી રાત્રે અથવા ગુરૂવારે સવારે 260 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે ત્રાટકશે. સત્તાવાળાઓએ આ વિસ્તારને ખાલી કરવાની તાકીદ કરી હોવા છતાં ઘણાં રહેવાસીઓએ આ સ્થળે રહેવાનો આગ્રહ રાખતાં અધિકારીઓએ તેમના બચવાની તકો ઓછી હોવાનું જણાવી તેમને ચેતવ્યા છે. હરિકેન સેન્ટર દ્વારા અપાયેલી ચેતવણી અનુસાર વેસ્ટ સેન્ટ્રલ ફલોરિડામાં મિલ્ટન સૌથી વિનાશક વાવાઝોડું બની રહેશે. ચેતવણીને પગલે ફલોરિડાવાસીઓએ કારમાં બેસી વિસ્તાર ખાલી કરવા માંડતા હાઇવે પર કારોની લાંબી લાઇન જોવા મળી હતી. દરિયામાં પંદર ફૂટ ઉંચા પાણીના મોજાં ઉછળશે તો શહેરમાં તમામ ઘરો પાણીમાં ગરકાવ થઇ જશે તેવી આગાહી ટેમ્પાના મેયર જેન કેસ્ટરે કરી હતી.

સૌથી વિનાશક ગણાતું આ વાવાઝોડું હાલ ટેમ્પાથી 485 કિમીના અંતરે 260 કિમીની ઝડપે ફૂંકાતા પવનો સાથે ફલોરિડા તરફ કલાકે 22 કિમીની ઝડપે આગળ ધસી રહ્યું છે. ફલોરિડાના ઘણાં વિસ્તારોમાં વાવાઝોડાં પૂર્વે જ ભારે વરસાદ પડી રહ્યો છે અને ફલોરિડાનાઅખાત કાંઠે આખો દિવસ હવામાન ખરાબ રહેવાની આગાહી હરિકેન સેન્ટર દ્વારા કરાઇ છે. ગુરૂવારે મધ્યથી ઉત્તર ફલોરિડા વિસ્તારમાં છથી બાર ઇંચ વરસાદ પડવાની આગાહી કરાઇ છે. જેને કારણે વિનાશક પૂર આવશે.

હરિકેન હેલેને પખવાડિયા અગાઉ ફલોરિડામાં વેરેલાં વિનાશમાંથી લોકો હજી ઉભર્યા નથી ત્યાં મિલ્ટન ત્રાટકવાની તૈયારીમાં છે. હેલેન વાવાઝોડામાં ૨૩૦ લોકોના મોત થયા હતા. ફલોરિડાની 11 કાઉન્ટીઓમાં સત્તાવાળાઓએ ફરજિયાત સ્થળાંતરના આદેશો આપ્યા છે. આ કાઉન્ટીઓમાં 60 લાખ લોકો વસે છે. હેેલેને વેરેલી તારાજીને કારણે સર્જાયેલા ભંગારને દૂર કરવા રાજ્ય અને સ્થાનિક તંત્રો હજી મહેનત કરી રહ્યા છે. અધિકારીઓને ડર છે કે મિલ્ટન વાવાઝોડાંમાં આ ભંગાર ઉડશે તો તે વિનાશક બની જશે. ગવર્નર રોન સેન્ટિસે જણાવ્યું હતું કે સરકારે ૩૦૦ કચરાં ગાડીઓને તહેનાત કરી 1300 ટન ભંગાર દૂર કર્યો છે.

હેલેન વાવાઝોડાંનો ભોગ બનેલા લોકો હવે મિલ્ટન વાવાઝોડાં સામે કોઇ ચાન્સ લવા માંગતા નથી. લોકોના પેટમાં આ વાવાઝોડાની આગાહી થતાં જ ફાળ પડી છે. મોટાભાગના લોકો કારમાં બેસી ફલોરિડાથી રવાના થવા માંડયા છે. તો અમુક લોકો એવા પણ છે જેમણે હેલેન હરિકેન દરમ્યાન ભારે નુકસાન થવા છતાં હરિકેન મિલ્ટન દરમ્યાન પોતાના ઘરમાં જ રહેવાની તૈયારી કરી લીધી છે.

October 10, 2024
ratan-tata.png
1min322

દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ ગયું છે. આ માહિતી ટાટા ગ્રૂપે જ આપી હતી. ટાટા સમૂહે કહ્યું છે કે અપાર દુઃખ સામે અમે પ્રિય રતનના શાંતિપૂર્ણ નિધનની જાહેરાત કરીએ છીએ. અમે તેમના ભાઈ, બહેન અને સ્વજન તથા તેમની પ્રશંસા કરનારા તમામ લોકોના પ્રેમ અને સન્માનથી સાંત્વના મહેસૂસ કરીએ છીએ.

મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે કહ્યું કે ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનને કારણે મુંબઈમાં રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

રતન ટાટાને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવશે. મુંબઈમાં 10 વાગ્યાથી લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે.

મુંબઈ પોલીસના દક્ષિણ ઝોનના એડિશનલ કમિશનર અભિનવ દેશમુખે જણાવ્યું હતું કે તેમના પાર્થિવ દેહને સવારે 10 થી બપોરે 3:30 વાગ્યા સુધી દર્શન માટે NCPA ખાતે રાખવામાં આવશે. દર્શન માટે આવનાર તમામ લોકોને અપીલ છે કે ત્યાં પાર્કિંગની સુવિધા ન હોવાથી તેઓએ પોલીસની સૂચનાનું પાલન કરવું પડશે અને આવતા પહેલા તેમની પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. પોલીસનો સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે લખ્યું, “રતન ટાટાનું નિધન એક યુગનો અંત છે. તેઓ ભારતીય ઉદ્યોગના આધુનિકીકરણ અને તેનાથી પણ વધુ તેના વૈશ્વિકીકરણ સાથે ઊંડે સુધી સંકળાયેલા હતા. હું તેમને મળ્યો છું. ઘણા પ્રસંગોએ તેમની સાથે વાર્તાલાપ કરવાનો આનંદ મળ્યો અને તેમની દૂરંદેશી અને સૂઝબુઝનો લાભ મળ્યો. ઓમ શાંતિ! તેમના નિધનના શોકમાં સમગ્ર રાષ્ટ્ર સાથે જોડાઈએ.

October 9, 2024
crime.jpg
1min349

રાજ્યમાં હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નિકળે છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા મોડે સુધી ગરબે રમવાની છૂટ પણ આપવામાં આવી છે. ત્યારે ગત 15 દિવસમાં 8થી વધુ બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. વડોદરાના ભાયલીની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં તો રાજ્યના ગૃહમંત્રીના વિસ્તારમાંથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.

માહિતી અનુસાર સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે સામૂહિક દુષ્કર્મ ઘટના બની છે. જેમાં સગીરા પોતાના મિત્રને મળવા ગઇ હતી હતી, આ દરમિયાન ત્રણ શખ્સો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર મારી ત્યાંથી ભગાડી ગયા હતા. ત્યારબાદ સગીરાને અવાવરૂ જગ્યા પર લઇ જઇને સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લીધી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફંફોળવાનું શરૂ કરી દીધું છે.

October 9, 2024
rbi.png
1min289

ભારતીય રિઝર્વ બૅંકની 51મી MPC બેઠકમાં (RBI MPC Meeting Results) મોટો નિર્ણય લેવામાં આવ્યો. બે દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં જાહેરાત કરતાં RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે પણ પોલિસી રેટ(રેપો રેટ)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તમારી લોનની EMI યથાવત્ જ રહેશે. રિઝર્વ બૅંકે પોલિસી રેટને 6.5 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સતત 10મી વખત છે જ્યારે રિઝર્વ બૅંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

RBI ગવર્નરે 7મી ઑક્ટોબરથી શરુ થયેલી એમપીસી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જણાવ્યું હતું કે, આ વખતે એમપીસીમાં ત્રણ નવા સભ્યો જોડાયા છે. વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખતાં બેઠકમાં છમાંથી પાંચ સભ્યોએ વ્યાજના દરો યથાવત્ રાખવા સહમતિ આપી હતી. પોલિસીનું વલણ વિડ્રોલ ઑફ અકમોન્ડેશનમાંથી બદલી ન્યુટ્રલ કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ હોવા છતાં દેશમાં ફુગાવાને કાબૂમાં કરવામાં સફળ રહ્યા છે. આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે હાલ પૂરતા વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કરાશે નહીં.

RBI દ્વારા રેપો રેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખતાં લોન ઈએમઆઇમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. એમસીએલઆર પર આપવામાં આવતી લોનના વ્યાજદરોમાં હાલ કોઈ વધ-ઘટ નહીં થાય. બૅન્કો RBI પાસેથી રેપો રેટના આધારે લોન લે છે. જેથી તેમાં થતાં ફેરફારની અસર ગ્રાહકોને મળતી લોન પર થાય છે.

October 7, 2024
pandesara-gidc.jpeg
1min330

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની ભ્રષ્ટાચાર વિરોધી શાખા, ગાંધીનગર દ્વારા 30 સપ્ટેમ્બર, 2024ના રોજ CETP પાંડેસરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં ભ્રષ્ટાચાર વિરોધી પગલાં અને ભ્રષ્ટાચાર મુક્ત પર્યાવરણ ઊભું કરવા માટેના પ્રયાસો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું.

આ બેઠકમાં ઘણા જાણીતા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એસોસિએશન તરફથી પ્રમુખ શ્રી કમલવિજય તુલસિયાન, SGTPA પ્રમુખ શ્રી જીતેન્દ્ર વખારિયા, શ્રી મહેશભાઈ કબુતરવાળા, શ્રી જે.પી. અગ્રવાલ અને અન્ય ઉદ્યોગજગતના પ્રતિનિધિઓની વિશેષ હાજરી રહી.

અતિથિ મહાનુભાવોમાંથી CBIના શ્રી રામ પ્રસાદ (DSP, CBI, ગાંધીનગર), શ્રી નીરજ મલિક (PI, CBI, ACB, ગાંધીનગર), અને શ્રી પંકજ એ પટેલ (PI, CBI, ACB, ગાંધીનગર)એ તેમના અનુભવ અને અભિપ્રાયો શેર કર્યા. ભ્રષ્ટાચાર નિવારણ માટે કાયદાકીય પગલાં અને જાગૃતિ વધારવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા.

CBI, ACB ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવેલી અગત્યની સૂચના:

જો કોઈ કેન્દ્રીય સરકાર, બેંક અથવા રેલ્વેના ઓફિસર/કર્મચારી, લાંચ માંગે,પોતાનો પદનો દુરુપયોગ કરી નાજાયઝ આર્થિક લાભ મેળવે અથવા પોતાની આવક કરતાં વધુ સંપત્તિ ધરાવે, તો CBI, ACB ગાંધીનગરને તરત જ જાણ કરો.

October 7, 2024
setu-foundation-1280x720.jpeg
1min424

સેતુ ફાઉન્ડેશન નું એક ડેલિગેશન ચેરમેન શ્રી હેતલ મેહતા ના નેજા હેઠળ યુરોપ ના ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે ગયું હતું. જેમાં સેતુ ફોઉન્ડેશન ના ડિરેક્ટર શ્રી પંકજ ત્રિવેદી, એક્ઝીક્યુટીવ ડિરેક્ટર તેમજ સેતુ ના આઈ પી એફ સી ( મિનિસ્ટ્રી ઓફ એમ એસ એમ ઈ દ્વારા સ્થાપિત) ના હેડ શ્રીમતી વિજયા માહેશ્વરી તેમજ સી આઈ આઈ ના આઈ પી એફ સી ( મિનિસ્ટ્રી ઓફ એમ એસ એમ ઈ દ્વારા સ્થાપિત) ના હેડ અને ડિરેક્ટર શ્રી અનિલ પાંડે સામેલ હતા.

ફ્રાન્સ ખાતે ફ્રાન્સ ઇન્ડિયા બિઝનેસ ડે નીમ્મીતે ભારત-ફ્રાન્સ વેપાર સંવાદમાં સક્રિય ભાગીદારી કરી બંને દેશોના વચ્ચે વેપારિક સહકારને પ્રોત્સાહન આપી નવા રોકાણના અવસરો માટે વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી જેમાં ઘણા નવા વેપોરો ની શક્યતા ઉદ્ભવી હતી.

ત્યાર બાદ જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડ ખાતે યુનાઇટેડ નેશનના વર્લ્ડ ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO) દ્વારા આયોજિત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ ૨૦૨૪ ના લોન્ચ પ્રોગ્રામ માં ભારત નું પ્રતિનિધિત્વ કર્યું હતું જ્યાં દુનિયા ભર ના વિવિધ ઇનોવેશન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમજ ભવિષ્ય ના સોશ્યિલ ઇનોવેશન એન્ટરપ્રિનીરશીપ ઈન્ડેક્સ પર વિવિધ દેશો દ્વારા ચર્ચા થઇ હતી જેમાં સેતુ ફોઉન્ડેશન ના ચેરમેન દ્વારા ભારત દેશ ના સોશ્યિલ ઇનોવેશન એન્ટરપ્રિનીરશીપ ઈન્ડેક્સ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને કહ્યું હતું કે “આ ભારત માટે ગર્વનો ક્ષણ છે, ગ્લોબલ ઇનોવશન ઇન્ડેક્સમાં ભારતનું સામેલ થવું એ આપણા દેશના ઇનોવેશન અને ટેકનીકી ક્ષમતા વધારવાની શક્તિનું પુરાવો છે.

ત્યાર બાદ યુનિટેડ નેશન ના વર્લ્ડ ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન ના એકેડમિક વિભાગ જોડે સ્પેશ્યલ મિટિંગ કરી ભારત ખાતે નાના ઉદ્યોગકારો માટે ના લોકલ ભાષા માં સ્પેશ્યલ કોર્ષ ચાલુ કરવા માટે રજુઆત કરી હતી.

સેતુ ફાઉન્ડેશનની આ પહેલ માત્ર ભારતીય વેપારી સમુદાય માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ આ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઓળખને પણ મજબૂત બનાવશે। ગયા કેટલાક વર્ષોમાં, ભારતે ઇનોવેશનના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે।

સેતુ ફાઉન્ડેશનનો આ પ્રવાસ ભારતના ઇનોવેશન ક્ષેત્રમાં એક માળખાકીય પાયે લક્ષ્ય બનશે અને આ વૈશ્વિક સ્તરે ભારતની ટેકનીકી ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. 2024માં, ભારતની ઇનોવેશન ક્ષમતા ને વધુ ઊંચાઈઓ પર લઇ જવાનો લક્ષ્ય છે, અને આ સંકેત છે કે ભારત વૈશ્વિક ઇનોવેશન ના ફિલ્ડ માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

October 7, 2024
1min660

નિર્દોષ નાગરિકોને ધમકાવી કરોડો રૂપિયા પડાવવાની તરકીબ

મહારાષ્ટ્ર પોલીસ- રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન ચેતવણી : કોઈ કોર્ટ વીડિયો કોલથી ધરપકડ કરતાં નથી

क्या होता है Digital Arrest और कैसे गवाँ देते हैं लोग करोड़ों रुपये फ़र्ज़ी  पुलिस के डर से ! ज़रूर पढ़िए और सभी को जागरूक भी करिए - The420.in

સીબીઆઈ, પોલીસ, કસ્ટમ, ઈડી કે કોઈ કોર્ટ લોકોની વીડિયો કોલ દ્વારા ધરપકડ કરતાં નથી. ડિજિટલ ડિટેન્શન એક ફ્રોડ છે. આ ફ્રોડ દ્વારા લોકોને ધમકાવી મોટી રકમ પડાવી લેવાય છે તે સામે સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. દેશમાં વધતા જતા ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સંદર્ભમાં સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન દ્વારા એક પબ્લિક એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના ૧૯૯૭ની બેચના આઇપીએસ અધિકારી અને હાલમાં એન્ટી કરપ્શન બ્યુરો- મહારાષ્ટ્રમાં એડીશનલ ડીજી તરીકે ફરજ બજાવતા વિશ્વાસ નાંગરે-પાટીલે લોકોને ડિજિટલ એરેસ્ટ વિશે જાગરૂક કરતા એક વીડિયોમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ફ્રોડસ્ટરો વિવિધ સરકારી એજન્સીઓ જેવીકે ઇડી, સીબીઆઇ, નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો, સાયબર પોલીસ કોર્ટના જજ આદીના નામે તેમને વીડિયો કોલ કરે છે. જેમાં પોલીસના યુનિફોર્મમાં એક અધિકારી તમારા નામે ગુનો નોંધાયો છે અને તમારું એરેસ્ટ વારંટ બહાર પડયું છે તેવા વિવિધ કારણો આપી તમને ડરાવી મૂકે છે. ફ્રોડસ્ટરો એવું ગપ્પું ચલાવે છે કે તમારા નામે મોટા પાયે મની લોન્ડરિંગ થયું છે. અથવા તમે મોકલાવેલ પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે. અથવા તમે તમારા મોબાઇલથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીક ક્લિપ્સ મોકલી છે તેથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવું જણાવી અમારા ઉપરી અધિકારીઓ તમને કોલ આવશે તેવું જણાવવામાં આવે છે.

ત્યાર બાદ ફ્રોડસ્ટરો ખરેખર કોઇ અધિકારી હોય તેમ યુનિર્ફોર્મમાં તમને વીડિયો કોલ કરે છે અને તમારી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી છે તેવું તમને જણાવી તમારા સામે ઘણી ફરિયાદ થઇ છે અને ઘણા વોરંટ બહાર પાડવામાં આવ્યા છે તેથી આ બાબતથી બચવું હોય તો અમને કો-ઓપરેટ કરો તેવું કહેવામાં આવે છે. આબાબતે તમારા પરિવારજનોને કાંઇ જણાવતા નહીં તેવી સલાહ આપી તેઓ તમારા જે બેંક એકાઉન્ટ દ્વારા મની લોન્ડરિંગ થયું છે તે એકાઉન્ટ દ્વારા અમૂક રકમ મગાવવામાં આવે છે જે ‘ફંડ લીગલાઇઝેશન પ્રોસેસ’ માટે જરૂરી છે જેથી તમારા એકાઉન્ટમાંથી ખરેખર અંડર વર્લ્ડે તો કોઇ મનીલોન્ડરિંગ કર્યું છે કે નહીં તે સ્પષ્ટ થશે. આવું જણાવી બેન્ક ખાતાની તમામ ગુપ્ત વિગત મેળવી તમારું તમામ ખાતું ખાલી કરી દેવામાં આવે છે.

આ સિવાય અમૂક કેસમાં મ્યુચ્યુઅલ ફંડ, એફ.ડી., શેર આદીની વિગત મેળવી તે પણ અન્ય એકાઉન્ટમાં ટ્રન્સ્ફર કરાવી નાંખે છે તેથી આવા ફોન કોલ, વીડિયો કોલ પર કોઇ ધ્યાન ન આપવાની વિનંતિ કરી હતી.

આ વીડિયોમાં નાંગરે પાટીલે જણાવ્યું છે કે જો આવું કાઇં થાય છે તે તેવા કિસ્સામાં સત્વરે ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર તમારી ફરીયાદ નોંધાવી દયો જેથી ‘ગોલ્ડન અવર’માં તમારા પૈસા જે ખાતામાં ટ્રાન્સ્ફર થયા છે તેને ‘ફ્રીઝ’ કરી દેવાય અને તમારી પરસેવાની કમાણીને બચાવી શકાય, આ ઉપરાંત નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સહિત નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટીંગ પોર્ટલ પર પર નિયમ ફોર્મેટમાં ફરિયાદ નોંધાવવાનું જણાવી એલર્ટ રહેવાની લોકોને અપીલ કરી છે.

સાયબર ઠગોએ છેલ્લો થોડા સમયમાં ડિજિટલ એરેસ્ટની ધમકીથી લોકો પાસેથી ૪૦૦ કરોડ રૂપિયા પડાવ્યા છે. યુપીમાં ડિજિટલ એરેસ્ટથી ભય પામી એક શિક્ષિકાનું હાર્ટએટેકથી મોત પણ નોંધાયું છે.

કેન્દ્ર સરકારની સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન કમિટીએ પણ પબ્લિક એડવાઈઝરીમાં સાફ સાફ જમાવ્યું છે કે સીબીઆઈ, પોલીસ, ઈડી, કસ્ટમ કે કોઈ જજ પણ આ રીતે ડિજિટલ એરેસ્ટ કરતા નથી વીડિયો કોલથી કોઈ ધરપકડ થતી નથી. ઠગો સ્કાઈપ કે વ્હોટસ એપ જેવાં માધ્યમોનો દુરુપયોગ કરી વીડિયો કોલથી ધરપકડ થયાનું દર્શાવી ખોટી રીતે પૈસા પડાવી રહ્યા છે તે સામે સાવચેત રહેવા જણાવાયું છે.

મુંબઈ પોલીસે પાંચમી ઓકટોબરના એક જ દિવસમાં સાયબર હેલ્પ લાઇન ૧૯૩૦ પર આવેલી ફ્રોડની ફરિયાદ પર કાર્યવાહી કરતા અધિકારીઓએ ‘ડિજિટલ એરેસ્ટ’ ના નામે નિર્દોષ લોકો પાસેથી પડાવેલી લગભગ એક કરોડથી વધુની રકમ ફ્રોડસ્ટરોના હાથમાં જાય તે પહોલા જ બચાવી લીધી હતી.

October 6, 2024
ICC_Womens_T20_World_Cup.jpg
1min295

મહિલા વર્લ્ડ કપમાં ભારત માટે રવિવારે દુબઈમાં પાકિસ્તાન સામે ‘કરો યા મરો’

હેડ-ટુ-હેડ મુકાબલામાં ભારત 12-3થી આગળ, બન્ને ટીમમાં કોણ-કોણ છે?

મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામે પરાજય થયો એ સાથે સેમિ ફાઇનલમાં પહોંચવાનું ભારતીય ટીમ માટે અત્યારથી મુશ્કેલ તો થઈ જ ગયું, ન્યૂ ઝીલૅન્ડને લાગલગાટ 10 ટી-20માં પરાજય જોયા બાદ 11મી મૅચમાં વિજય માણવા મળી ગયો. હવે રવિવાર, 6ઠ્ઠી ઑક્ટોબરે (બપોરે 3.30 વાગ્યાથી) ભારતનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મુકાબલો છે. આ મૅચ ભારતે જીતવી જ પડશે અને ત્યાર બાદ 9મી ઑક્ટોબરે એશિયન ચૅમ્પિયન શ્રીલંકાને પણ હરાવવું પડશે, કારણકે ત્યાર બાદ 13મી ઑક્ટોબરે ભારતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે લોઢાના ચણા ચાવવાના છે એટલે એમાં વિજયની સંભાવના નહીંવત કહેવાય.

પાકિસ્તાન સામેનો રવિવારનો મુકાબલો જીતવો અત્યંત જરૂરી એ માટે છે કે કિવી ટીમ સામેની 58 રનના માર્જિનથી થયેલી હાર બાદ હવે વિમેન ઇન બ્લ્યૂને એક પરાજય પણ પરવડશે નહીં. ભારતનો રન રેટ -2.99 છે એટલે હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ સેમિ ફાઇનલની આશા જીવંત રાખવા મોટા માર્જિનથી પાકિસ્તાન, શ્રીલંકા તથા ઑસ્ટ્રેલિયા સામે વિજય મેળવવો પડશે.

ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતીય ટીમ બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેયમાં નબળી પુરવાર થઈ હતી. બીજી બાજુ, ફાતિમા સનાના સુકાનમાં પાકિસ્તાનની ટીમે શ્રીલંકા સામે ગુરુવારે વિજય મેળવ્યો હતો. પાકિસ્તાનની ટીમ બે-અઢી દિવસના આરામ બાદ ભારત સામે રમવા આવી રહી છે, જ્યારે ભારતીય ટીમને શુક્રવારના પરાજય બાદ એક જ દિવસનો આરામ મળ્યો છે.

જોકે પાકિસ્તાન સામેની ટી-20માં ઇતિહાસ ભારતની તરફેણમાં છે એટલે હરમનપ્રીતની ટીમ જીતીને ફરી ટૂર્નામેન્ટના મુખ્ય પ્રવાહમાં આવી શકશે. ભારતે પાકિસ્તાનને 15માંથી 12 ટી-20માં હરાવ્યું છે અને ફક્ત ત્રણમાં જ પરાજય જોયો છે.

પાકિસ્તાનની બોલિંગ લાઇન-અપ મજબૂત છે. એમાં નિદા દર, ફાતિમા સના અને સાદિયા ઇકબાલનો સમાવેશ છે. તેમની સામે શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત, રિચા ઘોષ, જેમાઇમા રૉડ્રિગ્સ વગેરે બૅટર્સે સારું પર્ફોર્મ કરવું જ પડશે.

બન્ને દેશની ટીમ

ભારત:
હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ અને સજીવન સજના.

પાકિસ્તાન:
ફાતિમા સના (કૅપ્ટન), ગુલ ફિરોઝા (વિકેટકીપર), આલિયા રિયાઝ, ડાયના બેગ, ઇરમ જાવેદ, મુનીબા અલી, નશરા સંધુ, નિદા દર, ઓમઇમા સોહેલ, સદફ શમાસ, સાદિયા ઇકબાલ, સિદરા અમીન, સઇદા શાહ, તસ્મિઆ રુબાબ, તુબા હસન.