CIA ALERT

Blog - Page 4 of 707 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
August 3, 2026
image-8.png
1min90

બિહારના બાંકીપુર પેટાચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપનો 30 વર્ષ જૂનો ગઢ ધ્વસ્ત થઇ ચૂક્યો છે. જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર 55,780 મત સાથે ભાજપના નીરજ કુમાર (38,893) અને RJDના રેખા કુમારી (12,461) કરતા આગળ છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, આ પરિણામ બિહારના લોકોનો ભાજપને સંદેશ છે કે યોગ્ય વ્યક્તિને મુખ્યમંત્રી બનાવો. મોડી સાંજે પ્રશાંત કિશોરને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. 29 વર્ષથી બાંકીપુરમાં ભાજપના ધારાસભ્ય ચૂંટાતા આવ્યા છે, ભાજપના આ 30 વર્ષના અજેય કિલ્લા પર પ્રશાંત કિશોરે 30 દિવસમાં જીત મેળવી લીધી છે.

બિહારના બાંકીપુર પેટા ચૂંટણીમાં ભાજપ, રાષ્ટ્રીય જનતા દળ(RJD) અને જનસુરાજ વચ્ચે ત્રિકોણીય જંગ વચ્ચે મતગણતરી ચાલી રહી છે. બાંકીપુર બેઠક નિતિન નવીનના રાજીનામાં બાદ ખાલી રહી હતી. આ બેઠક પર 27માં રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ છે. જેમાં જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરને 55,780 મત, ભાજપના નીરજ કુમારને 38,893 મત અને RJDના રેખા કુમારીને 12,461 મત મળ્યા છે. બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની જીત નિશ્ચિત છે, ત્યારે ભાજપનો 30 વર્ષનો ગઢ 30 દિવસમાં ધ્વસ્ત થાય તેવી સ્થિતિમાં છે.

જન સુરાજ પાર્ટીના સ્થાપક અને બાંકીપુરમાં પહેલા રાઉન્ડથી જ લીડ જાળવી રાખનારા ઉમેદવાર પ્રશાંત કિશોરે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘અહીં ભાજપનો 30 વર્ષ જૂનો ગઢ ફક્ત 30 દિવસમાં જ તૂટી ગયો. આ ચૂંટણી ફક્ત ધારાસભ્યને ચૂંટવા માટે નહોતી. સમ્રાટ ચૌધરી સાથે મારે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી, પરંતુ આ ચૂંટણી દ્વારા બિહારના લોકોએ ભાજપને મેસેજ આપ્યો છે કે, સારા ચારિત્ર્ય અને યોગ્ય વ્યક્તિને બિહારનો મુખ્યમંત્રી બનાવો.’

પ્રશાંત કિશોરે વધુમાં જણાવ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી ગુજરાતની જેમ બિહાર માટે પણ એટલી જ ચિંતા બતાવવી જોઈએ. આનાથી સ્થળાંતર રોકવામાં અને અહીં બેરોજગારી ઘટાડવામાં મદદ મળશે. જેમણે અમને મત આપ્યો તેમનો હું આભાર માનું છું. જેમણે મત ન આપ્યો તેમને હું કહેવા માગુ છું કે અમે તમારો વિશ્વાસ જીતવા માટે વધુ મહેનત કરીશું. મારા ધારાસભ્ય બનવાથી બાંકીપુર બેંગલુરુ નહીં બને, પરંતુ તમે બે કે ત્રણ મહિનામાં ચોક્કસ ફરક જોશો.’

August 3, 2026
WhatsApp-Image-2026-08-03-at-17.36.03.jpeg
1min63

કર્મચારીઓના પ્રોફેશનલ ટેક્સ અને ઉદ્યોગકારોના વાર્ષિક વ્યવસાય વેરાની આવક સ્થાનિક તંત્રને મળે તો વિકાસકાર્યોને મળશે વેગ

સુરત, તા. 3 ઓગસ્ટ :
સચીન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડે સચીન નોટીફાઈડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરીને સચીન જીઆઈડીસીમાં કાર્યરત ઉદ્યોગોમાંથી વસૂલવામાં આવતો વ્યવસાય વેરો (પ્રોફેશનલ ટેક્સ) અને ઉદ્યોગકારો દ્વારા ભરવામાં આવતો વાર્ષિક વ્યવસાય વેરો સીધો સચીન નોટીફાઈડ એરીયા ઓથોરિટીમાં જમા કરાવવાની વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી છે. આ માટે તાત્કાલિક જાહેરનામું બહાર પાડવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે વર્ષ 1998થી સચીન જીઆઈડીસીને નોટીફાઈડ એરીયા તરીકે જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં અહીં અંદાજે 5,000 જેટલા નાના-મોટા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જેમાં ડાઇંગ, કેમિકલ, એન્જિનિયરિંગ સહિત વિવિધ ક્ષેત્રના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ એકમોમાં આશરે પાંચ લાખ જેટલા કામદારો અને કર્મચારીઓને રોજગારી મળી રહી છે.

સોસાયટીના જણાવ્યા મુજબ હાલ કર્મચારીઓના પગારમાંથી દર મહિને કપાત થતો પ્રોફેશનલ ટેક્સ અને ઉદ્યોગકારો દ્વારા ભરવામાં આવતો વાર્ષિક વ્યવસાય વેરો ગુજરાત સરકારના વાણિજ્ય વિભાગમાં જમા થાય છે. જોકે, ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ-1976 મુજબ આ પ્રકારની વસૂલાત સંબંધિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની હદમાં થવી જોઈએ. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક એકમોનો વ્યવસાય વેરો મહાનગરપાલિકાને મળે છે, તો સચીન નોટીફાઈડ એરીયાના ઉદ્યોગો માટે પણ સમાન નિયમ લાગુ થવો જોઈએ.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ-1976ની કલમ-2 અને ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ-1963ની જોગવાઈઓ મુજબ સરકાર દ્વારા સત્તા પ્રાપ્ત સ્થાનિક સંસ્થાઓને આ પ્રકારનો વેરો વસૂલવાનો અધિકાર છે. ઉપરાંત, ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ, અમદાવાદના વર્ષ 2010ના એક ચુકાદામાં સચીન નોટીફાઈડ એરીયાને નગરપાલિકા સમકક્ષ ગણાવવામાં આવ્યું હોવાનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.

સોસાયટીએ જણાવ્યું છે કે વર્ષોથી સચીનના ઉદ્યોગોનો વ્યવસાય વેરો રાજ્ય સરકારના વાણિજ્ય વિભાગમાં જમા થાય છે, જેના કારણે સ્થાનિક તંત્રને તેની આવકનો લાભ મળતો નથી. જો આ આવક સચીન નોટીફાઈડ એરીયાને મળશે તો રસ્તા, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને અન્ય માળખાકીય સુવિધાઓ સહિતના વિકાસકાર્યોને વધુ ગતિ મળશે.

રજૂઆતમાં વડોદરાના નંદેસરી જીઆઈડીસી નોટીફાઈડ એરીયાનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. ત્યાં સ્થાનિક ઓથોરિટી દ્વારા ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ મુજબ પ્રોફેશનલ ટેક્સની વસૂલાત કરવામાં આવે છે. સચીનમાં પણ આવી જ વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે.

આ રજૂઆત સચીન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ કિશોર બી. પટેલ, સેક્રેટરી મયુર જે. ગોળવાલા, ઉપપ્રમુખ નિલેશ એમ. ગામી તથા કો-ઓપ્ટ સભ્ય મિતુલ એસ. મહેતાએ કરી હતી. તેમણે કાયદાકીય જોગવાઈ મુજબ વ્યવસાય વેરાની આવક સ્થાનિક તંત્રને સોંપવામાં આવે તો સચીન નોટીફાઈડ એરીયાના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરી.

August 2, 2026
image-5.png
1min76

દમણમાં 2011ના એક્સાઈઝ સબ ઇન્સ્પેક્ટર ભરતી કેસમાં 15 વર્ષે ચુકાદો આવ્યો છે. દમણની કોર્ટે હાલના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ સુબ્બા પટેલને 2-2 વર્ષની કેદ અને 5-5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શારીરિક પરીક્ષા વખતે પોલીસ સાથે મારામારી કરી સરકારી કામમાં અવરોધ ઊભો કરાયો હતો. જોકે, તેમને જામીન મળ્યા છે.

દમણમાં વર્ષ 2011માં એક્સાઈઝ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટે શારીરિક પરીક્ષા વેળા કામગીરીમાં અવરોધ, ગેરવર્તણૂક, ઢીક-મુક્કીનો માર મારવાના ગુનામાં 15 વર્ષ બાદ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં દમણ-દીવના હાલના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ અને જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુબ્બા પટેલને બે-બે વર્ષની કેદ અને 5-5 હજાર રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.

કેસની વિગત એવી છે કે, દમણ એક્સાઈઝ વિભાગે 12-03-2011ના રોજ મોટીદમણ ફૂટબોલ મેદાન ખાતે સબ ઈન્સ્પેક્ટરની ભરતી અંતર્ગત શારીરિક પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ ભરતી પ્રક્રિયાની પરીક્ષા દરમિયાન દમણ-દીવના હાલ અપક્ષ સાંસદ ઉમેશ પટેલ, દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુરેશ ઉર્ફે સુબ્બા પટેલ, ઉમેદવાર વિપુલ ભગવાન પટેલ અને અન્ય બે શખસોએ ગેટ પર પહોંચી ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે બૂમાબૂમ કરી અસભ્ય વર્તન કરી ઢીક-મુક્કી કરી અંદર પ્રવેશ્યા હતા. ત્યારબાદ તમામે હોલમાં હાજર કમિટી સભ્યો સાથે ગાળામાંળી કરી પોતાની ફરજ યોગ્ય રીતે ન નિભાવવાનો આક્ષેપ કરી ઉમેદવાર વિપુલની ફરીથી ઊંચાઈ માપવાનું શરૂ કરી સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. સરકારી કામગીરીમાં અવરોધ, અસભ્ય વર્તન, ઢીક-મુક્કીના માર સહિતની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. દમણ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલ ગોરધન પુરોહિતે અનેકની જુબાની અને પુરાવા સાથે અનેક પાસાઓ પર દલીલો કરતા કોર્ટે સાંસદ ઉમેશ પટેલ અને સુરેશ ઉર્ફે સુબ્બા પટેલને કસૂરવાર ઠેરવી બે-બે વર્ષની કેદની સજા અને 5-5 હજાર રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. જોકે, ઉમેશ પટેલ અને સુરેશ પટેલને જામીન પર મુક્ત કરાયા હતા. સાંસદને સજા થતાં હવે તેઓ હાઈકોર્ટ કે સુપ્રિમકોર્ટમાંથી મનાઈ હુકમ મેળવશે તો પદ બચી શકે તેવી જાણકારી મળી છે.

August 1, 2026
image-1.png
1min49

જૂડોમાં દેશને અપાવ્યો ઐતિહાસિક ગોલ્ડઃ હર્ષ સિંહે દેશને આ રમતની મેન્સ કૅટેગરીનો પ્રથમ સુવર્ણ અપાવી દીધો

ભારતની અસ્મિતા ડેએ દેશને કૉમનવેલ્થ ગેમ્સ (CWG)માં જૂડો (JUDO)ની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારત અગાઉ આ રમતની હરીફાઈમાં સિલ્વર અને બ્રૉન્ઝ જીત્યું હતું, પરંતુ ક્યારેય ગોલ્ડ હાથ નહોતો લાગ્યો, પણ હવે એક કલાકની અંદર બે ગોલ્ડ મળ્યા. અસ્મિતાએ ફાઇનલમાં કૅનેડાની હૈદી ક્વૉચને રોમાંચક અને નાટ્યાત્મક મુકાબલામાં હરાવીને વિજય મેળવ્યો હતો અને સુવર્ણચંદ્રક પર કબજો કરી લીધો હતો. તે કૉમનવેલ્થની જૂડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની છે. પુરુષોમાં હર્ષ સિંહે પણ પોતાના વર્ગની ફાઇનલ જીતીને સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. તે આ રમતોત્સવની જૂડોમાં ચૅમ્પિયન બનેલો બીજો ભારતીય અને પ્રથમ ભારતીય પુરુષ જૂડોકા બન્યો છે.

23 વર્ષની અસ્મિતા ત્રિપુરાની છે અને તેના પિતા સાઇકલ મિકેનિક છે. તેમણે પુત્રીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા ખૂબ સંઘર્ષ કર્યો હતો. 23 વર્ષનો હર્ષ સિંહ અગાઉ ભારત વતી ગ્રાં પ્રિ સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યો છે. હર્ષ સિંહની આ પહેલી જ કૉમનવેલ્થ છે. બન્નેએ ગોલ્ડ મેડલ જીતી લેતાં ભારતના કુલ ગોલ્ડ મેડલની સંખ્યા પાંચ ઉપર અને કુલ ચંદ્રકોની સંખ્યા 19 ઉપર પહોંચી હતી.

પુરુષોની 60 કિલો કૅટેગરીમાં ભારતના હર્ષ સિંહે ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાના જોશુઆ કાટ્ઝને પરાસ્ત કર્યો હતો. ઑસ્ટ્રેલિયા આ વખતની કૉમનવેલ્થમાં હાઇએસ્ટ 50થી વધુ ગોલ્ડ મેડલ અને કુલ 115 ચંદ્રક જીત્યું છે, પણ હર્ષ સિંહે એના જૂડોકાને આ રમતમાં ગોલ્ડ નહોતો જીતવા દીધો. તેનો આ ઑસ્ટ્રેલિયન હરીફ ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂક્યો છે તેમ જ ઑસ્ટ્રેલિયાની નૅશનલ ચૅમ્પિયનશિપ અને ઑસનિયા ચૅમ્પિયનશિપ જીત્યો હતો, પણ હર્ષ સિંહ સામે તેનું કંઈ નહોતું ચાલ્યું.

કૉમનવેલ્થમાં જૂડોને 1990માં પ્રવેશ મળ્યો ત્યાર બાદ ક્યારેય ભારતીય સ્પર્ધકો ગોલ્ડ મેડલ નહોતા જીત્યા. 36 વર્ષમાં ભારતને આ રમતની સ્પર્ધામાં બ્રૉન્ઝ અને સિલ્વરની સફળતા બાદ પહેલી જ વખત ગોલ્ડ મેડલ મળ્યો છે.

મહિલાઓની જૂડોમાં આ 48 કિલો વર્ગનો મુકાબલો હતો જેમાં અસ્મિતા શરૂઆતમાં હરીફથી ઘણી પાછળ હતી. યુકો કૅનેડિયન જૂડોકાની તરફેણમાં જવા ઉપરાંત અસ્મિતાને પેનલ્ટી પણ અપાઈ હતી. જોકે અસ્મિતાએ જોરદાર કમબૅક કરીને તેને હરાવી દીધી હતી.

ચાર મિનિટના આ મુકાબલામાં એકંદરે અસ્મિતાએ જબરદસ્ત દૃઢતા બતાવી હતી. મુખ્ય મુકાબલાના સમયમાં બન્ને સ્પર્ધક એકસરખી સ્થિતિમાં હતી એટલે મુકાબલો ગોલ્ડન સ્કોર પિરિયડમાં ગયો હતો. આ નિર્ણાયક રાઉન્ડમાં પ્રથમ સ્કોરિંગ ઍક્શન પરથી વિજેતા નક્કી થાય છે અને એમાં અસ્મિતા જીતી ગઈ હતી.

અસ્મિતાએ ભયંકર પ્રેશરની સ્થિતિમાં ગજબની પ્રતિબદ્ધતા બતાવી હતી અને કૅનેડિયન હરીફથી પાછળ રહ્યા બાદ તેને માત આપી હતી.

August 1, 2026
image.png
1min74

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર Gen-Zને સંબોધિત કરતો ખાસ વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમણે જંતર-મંતર પર થયેલા પ્રદર્શનમાં પોતાની અને સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ વપરાયેલી અભદ્ર ભાષા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાને આવા બાળકોને માફ કરીને તેમને સાચો રાહ બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, બાળપણમાં થતી ભૂલો સુધારી શકાય છે. સમાજમાં ફેલાયેલા આક્રોશને તેઓ સમજે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ વીડિયો સંદેશ જાહેર કરીને દેશવાસીઓ અને યુવા પેઢીને સંબોધિત કર્યા હતા. આ વીડિયોમાં તેમણે જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોતાના અને પોતાની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ વપરાયેલી અભદ્ર ભાષા અંગે ખુલીને વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ આ ભૂલો કરનારા બાળકોને માફ કરવા માગે છે અને તેમને સાચો રાહ બતાવવા માગે છે.

શુક્રવારે રાત્રે આશરે 11 વાગ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યા હતા. તેમણે આ લાઈવ સેશન દરમિયાન ખાસ કરીને Gen-Z એટલે કે દેશના યુવાનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે વાતચીતની શરૂઆતમાં કહ્યું કે, ‘ફ્રેન્ડ્સ, આજે તો મન કરે છે કે બસ તમારી સાથે જ વાતો કરું.’

પોતાના વીડિયો સંદેશમાં જંતર-મંતર પર થયેલા પ્રદર્શનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ત્યાં જે કંઈ પણ બન્યું તે આખા દેશે અને દુનિયાએ જોયું છે. તેમણે ઉમેર્યું કે, ‘કેટલાક શરારતી બાળકોએ અત્યંત ભદ્દી ગાળો બોલી, જે કોઈપણ સભ્ય સમાજને શોભા ન આપે. આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. મને તો ગાળો આપવામાં આવી જ, પરંતુ મારી સ્વર્ગસ્થ માતાને પણ ગાળો આપવામાં આવી. આ ઘટનાનું સ્વરૂપ ખૂબ જ ખરાબ હતું.’

અભદ્ર ભાષાના પ્રયોગ છતાં વડાપ્રધાનએ ઉદારતા દર્શાવતા કહ્યું કે, બાળપણમાં ભૂલો થતી હોય છે અને તે ભૂલોમાંથી સુધરવાની તક પણ બાળપણમાં જ મળતી હોય છે, આ જ તો બાળપણ છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘આ ઘટનાને કારણે સમાજમાં જે આક્રોશ ફેલાયો છે તેને હું સારી રીતે સમજી શકું છું. આપણી દીકરીઓ આ પ્રકારની ભાષા કેવી રીતે બોલી શકે છે, તે સમાજ માટે એક સાંસ્કૃતિક આંચકો છે. આમ છતાં, આ બાળકોને માફ કરીને તેમને સન્માર્ગે લાવવા જરૂરી છે.’

July 31, 2026
PKP_2098.JPG-1280x1008.jpeg
6min56

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ રવિ રાજ દેસાઈએ રાજ્યસ્તરીય બેઠકમાં હવાઈ સેવા, ઊર્જા, ટેક્સટાઇલ, કરવેરા, પૂર રાહત, GIDC સહિતના પ્રશ્નો અને સૂચનોની રજૂઆત કરી હતી; સેક્રેટરી પરેશ લાઠીયા પણ રહ્યા ઉપસ્થિત

તા. 30 જુલાઈએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો અને વેપાર-ધંધાને અસર કરતા 17 મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી વાઇસ પ્રેસિડેન્ટ રવિ રાજ દેસાઈએ વિવિધ વિભાગોને સ્પર્શતા પ્રશ્નો અને તેમના ઉકેલ માટેની રજૂઆત કરી હતી. તેમની સાથે ચેમ્બરના સેક્રેટરી પરેશ લાઠીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

રજૂઆતમાં સુરત અને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે પ્રાદેશિક હવાઈ સેવા, વીજળી નીતિ, ટેક્સટાઇલ નિકાસ, GST અને VAT સંબંધિત મુદ્દાઓ, GIDCના પ્રશ્નો, પૂરગ્રસ્ત ઉદ્યોગોને રાહત, ટાઉન પ્લાનિંગ સહિતના અનેક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચેમ્બરે ભારપૂર્વક રજૂઆત કરી હતી કે દક્ષિણ ગુજરાત રાજ્યના અર્થતંત્રનું સૌથી મોટું ઔદ્યોગિક એન્જિન છે, તેથી અહીંના પ્રશ્નોના ઝડપી નિરાકરણથી સમગ્ર રાજ્યના ઔદ્યોગિક વિકાસને ગતિ મળશે.

  1. સુરતથી પ્રાદેશિક હવાઈ સેવા મજબૂત બનાવવાની માંગ

UDAN/VGF યોજના હેઠળ સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ અને સુરત-ભાવનગર રૂટ પર 50થી 70 બેઠકો ધરાવતા વિમાનો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. હાલ 9 સીટની મર્યાદા મુસાફરોની માંગને અનુરૂપ નથી જ્યારે સુરત એરપોર્ટ પર 70થી વધુ બેઠકોના વિમાનો સફળતાપૂર્વક સંચાલિત થઈ રહ્યા હોવાનું રજૂ કરાયું.

  1. GUVNLની એનર્જી બેન્કિંગ નીતિથી અટવાયેલી ગ્રીન એનર્જી ક્ષમતાનો ઉકેલ

31 ઓગસ્ટ 2024 પહેલાં રોકાણ કરનાર રિન્યુએબલ એનર્જી ઉત્પાદકોની Energy Banking મર્યાદા 100 ટકાથી ઘટાડીને 30 ટકા કરાતા આશરે 40 ટકા ઉત્પાદન ક્ષમતા બિનઉપયોગી બની ગઈ હોવાનું જણાવાયું. વીજળી ટ્રાન્સફર, Wheeling, Group Captive અને BESS માટેની મંજૂરી ઝડપથી આપવા રજૂઆત કરવામાં આવી.

  1. GETCO દક્ષિણ ઝોનનું મુખ્ય મથક સુરતમાં ખસેડવાની માંગ

ડીજીવીસીએલનું કોર્પોરેટ મુખ્ય મથક સુરતમાં હોવાથી GETCOનું દક્ષિણ ઝોન મુખ્ય મથક પણ સુરતમાં લાવવામાં આવે તો વીજ માળખાકીય વિકાસ અને સંકલનમાં ગતિ આવશે તેવી રજૂઆત કરવામાં આવી.

  1. લિફ્ટ-એસ્કેલેટર નિરીક્ષકની દક્ષિણ ઝોન કચેરી સુરતમાં ખસેડવાની રજૂઆત

દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગો, મોલ, હોસ્પિટલ અને ઊંચી ઇમારતોની સંખ્યા વધતા લિફ્ટ અને એસ્કેલેટર સંબંધિત સેવાઓ માટે વડોદરાના બદલે સુરતમાં ઝોનલ કચેરી સ્થાપવાની માંગ કરવામાં આવી.

  1. VAT, CST અને એન્ટ્રી ટેક્સ માટે એમ્નેસ્ટી યોજના અમલમાં મૂકવાની માંગ

GST અમલ પછી પણ જૂના VAT, CST અને Entry Taxના વિવાદો વેપારીઓને પરેશાન કરી રહ્યા છે. મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારની Sabka Vishwas Scheme જેવી વ્યાપક એમ્નેસ્ટી યોજના જાહેર કરવાની માંગ કરવામાં આવી.

  1. DDPI પર સ્ટેમ્પ ડ્યુટી અંગે સ્પષ્ટતા કરવા રજૂઆત

SEBI દ્વારા માન્ય DDPI માત્ર ટ્રેડ સેટલમેન્ટ માટેની સૂચના હોવાથી તેના પર સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડતી નથી તે અંગે ગુજરાત સરકાર સ્પષ્ટ માર્ગદર્શન જાહેર કરે તેવી માંગ કરવામાં આવી.

  1. પેટ્રોલ-ડીઝલ પર VATમાં 1થી 2 ટકા ઘટાડાની માંગ

ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી પરિવહન ખર્ચ વધી રહ્યો છે. ઉદ્યોગો, વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને રાહત આપવા પેટ્રોલ અને ડીઝલ પરના VAT તથા સેસમાં પ્રથમ તબક્કે 1થી 2 ટકાનો ઘટાડો કરવાની રજૂઆત કરવામાં આવી.

  1. GSTના આદેશો અંગ્રેજી અથવા દ્વિભાષી સ્વરૂપે જારી કરવાની માંગ

GST હેઠળના આદેશો માત્ર પ્રાદેશિક ભાષામાં હોવાથી અપીલ દરમિયાન સમય અને ખર્ચ વધે છે. તેથી અંગ્રેજી અથવા દ્વિભાષી ઓર્ડર ફરજિયાત કરવા રજૂઆત કરવામાં આવી.

  1. સુરતમાં કસ્ટમ્સ માન્ય ટેક્સટાઇલ ટેસ્ટિંગ લેબ શરૂ કરવાની માંગ

હાલ ફેબ્રિકના નમૂનાઓ વડોદરા મોકલવાના કારણે નિકાસમાં વિલંબ થાય છે. સુરતની MANTRA લેબોરેટરીને કસ્ટમ્સ માન્યતા આપી નિકાસ પ્રક્રિયા ઝડપી બનાવવા રજૂઆત કરવામાં આવી.

  1. GIDCમાં ઓટોમોબાઇલ યુનિટોને ઉદ્યોગ તરીકે માન્યતા આપવાની માંગ

GIDC વિસ્તારમાં કાર્યરત ઓટોમોબાઇલ યુનિટોને કોમર્શિયલ તરીકે ગણાવી કાર્યવાહી થતી હોવાથી નીતિમાં સુધારો કરી તેમને ઔદ્યોગિક એકમ તરીકે માન્યતા આપવાની રજૂઆત કરવામાં આવી.

  1. વ્યારા અને વાલોડને કેટેગરી-Aમાં સમાવવાની માંગ

તાપી જિલ્લાના વ્યારા અને વાલોડ ઔદ્યોગિક રીતે પછાત હોવાથી નવી ઉદ્યોગ નીતિ-2026 હેઠળ કેટેગરી-Aમાં સમાવેશ કરી રોકાણ અને રોજગારીને પ્રોત્સાહન આપવાની રજૂઆત કરવામાં આવી.

  1. ટેક્સટાઇલ પોલિસીની DLACમાં પ્રાદેશિક ચેમ્બરને સ્થાન આપવા માંગ

ગુજરાત ટેક્સટાઇલ પોલિસી-2024 હેઠળ જિલ્લા સ્તરની સમિતિમાં પ્રાદેશિક ચેમ્બરનો સમાવેશ ન હોવાથી તેમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી.

  1. પૂરગ્રસ્ત ઉત્પાદન એકમોને રાહત પેકેજમાં સ્પષ્ટ સમાવેશ કરવાની માંગ

સુરતના પૂરગ્રસ્ત MSME માટે જાહેર થયેલા પેકેજમાં ઉત્પાદન એકમોને સ્પષ્ટ લાભાર્થી તરીકે સામેલ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી.

  1. પૂરગ્રસ્ત ઉદ્યોગોને મિલકત વેરામાં રાહત

તાજેતરના પૂરના કારણે નુકસાન પામેલા સુરત મહાનગરપાલિકા વિસ્તારના ઉત્પાદન એકમોને મિલકત કરમાં રાહત આપવાની રજૂઆત કરવામાં આવી હતી.

  1. જાહેર ટ્રસ્ટોને રોકાણમાં વધુ સ્વતંત્રતા આપવા માંગ

મહારાષ્ટ્રની જેમ જાહેર ટ્રસ્ટોને પૂર્વ મંજૂરી વિના નિર્ધારિત મર્યાદા સુધી રોકાણ કરવાની છૂટ ગુજરાતમાં પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

  1. રોડ ટેક્સની દ્વિગુણી વસૂલાત દૂર કરવાની માંગ

RTO દ્વારા રોડ ટેક્સ વસૂલ્યા બાદ પણ નગરપાલિકાઓ દ્વારા અલગથી વસૂલાત થતી હોવાથી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ 99(II)માં સુધારો કરવાની રજૂઆત કરવામાં આવી.

  1. વર્ષોથી અટવાયેલી ટી.પી. સ્કીમોને મંજૂરી આપવા રજૂઆત

સુરત જિલ્લામાં છેલ્લા બે દાયકાથી અટવાયેલી ડ્રાફ્ટ અને પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમોને ઝડપથી અંતિમ મંજૂરી આપી વિકાસ કાર્યોને ગતિ આપવા માંગ કરવામાં આવી.

July 31, 2026
WhatsApp-Image-2026-07-30-at-16.44.37-1280x853.jpeg
1min43

પૂર અસરગ્રસ્ત વેપારીઓને રૂ. 30 લાખ સુધીની લોન પર 3 વર્ષ માટે 7 ટકા વ્યાજ સબસિડી અપાશે; નુકસાનીના ફોટો/વીડિયો ન હોય તો ચેમ્બર કે જે-તે એસોસિયેશનનું સર્ટિફિકેટ માન્ય પુરાવો ગણાશે

અરજી પ્રક્રિયા, લોન ટેન્યોર અને વ્યાજ સબસિડી અંગે સ્પષ્ટતા આપતા DIC-GM અને કલેક્ટર કચેરીના અધિકારીઓ

બેંકમાંથી સેન્ક્શન લેટર મેળવી DIC કચેરી ખાતે જમા કરાવવાનો રહેશે; ઇન્સ્યોરન્સ ક્લેઇમ સાથે લોનને લિંક કરાશે નહીં

સુરત, 30 જુલાઈ 2026: દક્ષિણ ગુજરાતના પૂર અસરગ્રસ્ત વેપારીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે જાહેર કરાયેલી ‘સુરત ફ્લડ રિલીફ સ્કીમ’ અંતર્ગત લોન અને વ્યાજ સબસિડીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવાના હેતુથી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC)ના જનરલ મેનેજરની અધ્યક્ષતામાં આજે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવેલી ત્વરિત રજૂઆતના પગલે આયોજિત આ બેઠકમાં દક્ષિણ ગુજરાતની તમામ બેંકોના હેડ, અગ્રણી બેંકર્સ, કલેક્ટર કચેરીના અધિકારીઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલા અને પૂર્વ પ્રમુખ શ્રી આશિષ ગુજરાતી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં બેંકો સુધી સ્કીમની સ્પષ્ટ ગાઇડલાઇન પહોંચાડવા અને વેપારીઓને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે નીચે મુજબના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે:

  1. અરજી પ્રક્રિયા અને સેન્ક્શન લેટર: સ્કીમ હેઠળ લાભ મેળવવા ઇચ્છુક વેપારીએ જે-તે બેંકમાં લોન માટે અરજી કરી ‘સેન્ક્શન લેટર’ (મંજૂરી પત્ર) મેળવવાનો રહેશે. આ સેન્ક્શન લેટર DICની કચેરી ખાતે જમા કરાવ્યા બાદ તેના આધારે લોન મંજૂર કરવામાં આવશે. લોન/સબસિડી માટે આખરી સત્તા ડીઆઈસીની રહેશે.
  2. લોનની રકમ, મુદત અને 7% વ્યાજ સબસિડી: સરકારી ઠરાવ (જીઆર) મુજબ પૂર અસરગ્રસ્ત વેપારીઓને રૂ. 30 લાખ સુધીની લોન પર વર્ષે 7 ટકા વ્યાજ સબસિડી 3 વર્ષ માટે મળવાપાત્ર રહેશે. જો કોઈ વેપારીને રૂ. 30 લાખથી વધુ રકમની લોન સેન્ક્શન થાય કે લોનની મુદત 3 વર્ષથી વધુ હોય, તો પણ વ્યાજ સબસિડીની રકમ રૂ. 30 લાખની મર્યાદામાં વાર્ષિક 7 ટકા લેખે મહત્તમ 3 વર્ષ સુધી જ મર્યાદિત રહેશે.
  3. નુકસાનીના પુરાવા અંગે મોટી છૂટછાટ: જો કોઈ વેપારી પાસે પૂરના કારણે થયેલા નુકસાનના ફોટોગ્રાફ્સ કે વીડિયોગ્રાફીના પુરાવા ઉપલબ્ધ ન હોય, તો તેવા કિસ્સામાં ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) અથવા જે-તે સર્વિસ સોસાયટી/કો-ઓપરેટિવ સોસાયટી/વેપારી એસોસિયેશનનું સર્ટિફિકેટ વેલિડ પ્રૂફ તરીકે માન્ય ગણવામાં આવશે.
  4. કોલેટરલ સિક્યોરિટી અને અન્ય જોગવાઈઓ: લોન મંજૂર કરતી વખતે જો કોલેટરલ કે મોર્ગેજ મૂલ્યમાં આંશિક ઘટાડો જણાતો હોય, તો પણ વેપારીઓની લોન અરજીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી લોન મંજૂર કરવા બેંકોને સૂચન થયું છે. વધુમાં, આ સ્કીમને વેપારીના ઇન્સ્યોરન્સ ક્લેઇમ સાથે લિંક કરવામાં આવશે નહીં.
  5. જરૂરી દસ્તાવેજો: લોન અરજી સાથે વેપારીઓએ એપ્રિલ, મે, જૂન મહિનાના GSTR-3Bની નકલ રજૂ કરવાની રહેશે.

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા અમદાવાદ સ્થિત બેંકોની રિજિયોનલ ઓફિસોને આ અંગે તાકીદે પરિપત્ર જારી કરવામાં આવશે, જેથી સુરતની તમામ બેંક શાખાઓ સુધી ગાઇડલાઇન સત્વરે પહોંચે અને વેપારીઓને રાહત લોનનો લાભ ઝડપથી મળી શકે.

July 30, 2026
image-69.png
1min84

રાજયસભામાં વંદે માતરમ બિલ પસાર થયું છે. આ બિલમાં સુધારા બાદ હવે વંદે માતરમમાં અપમાન બદલ ત્રણ વર્ષ જેલની સજા અને દંડની જોગવાઇ છે. આ સુધારા હેઠળ વંદે માતરમના અપમાન સંબંધિત જોગવાઈઓને કાનૂની રક્ષણ મળશે. એકવાર આ કાયદો અમલમાં આવ્યા પછી જે કોઈ પણ વ્યક્તિ જાણી જોઈને ‘વંદે માતરમ’નું અપમાન કરે છે અથવા રાષ્ટ્રગીતમાં ખલેલ પહોંચાડે છે તેને ત્રણ વર્ષ સુધીની જેલ- દંડ અથવા બંને થઈ શકે છે.

વંદે માતરમનો આદર એ ભારતનું ગૌરવ

આ અંગે ભાજપ સાંસદ  વિનોદ તાવડેએ એકસ પર લખ્યું કે, વંદે માતરમનો આદર એ ભારતનું ગૌરવ છે. રાષ્ટ્રગીત વંદે માતરમના જય ઘોષે દેશની સ્વતંત્રતા ચળવળને ઉર્જા આપી, પ્રેરણા આપી અને બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવ્યો. તેનું ગર્વથી સ્મરણ કરવું એ આપણા માટે સૌભાગ્ય છે.

મોદી સરકારે ભારતના સાંસ્કૃતિક ગૌરવને પુન:સ્થાપિત કર્યું 

તેમણે જણાવ્યું હતું કે, આજે રાજ્યસભામાં પસાર થયેલ ‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ- 2026 ભારતના સાંસ્કૃતિક ગૌરવને પુનઃસ્થાપિત કરવાના મોદી સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.

વંદે માતરમ ને રાષ્ટ્રગીત જન ગણ મન જેટલું જ સન્માન અપાશે 

આ બિલનું નામ પ્રીવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ હોનર( એમેન્ડમેન્ટ) બિલ 2026 છે. આ બિલમાં વંદે માતરમ ને રાષ્ટ્રગીત જન ગણ મન જેટલું જ સન્માન આપવામાં આવશે. આ બિલ સરકારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત બનાવશે. 

July 29, 2026
image-67.png
2min77

29 Jul 2026 | 02:02 PM
લોકસભામાં બળપ્રયોગના આદેશો મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેને પગલે વિપક્ષી સાંસદોએ ભારે શોરબકોર કરતા ગૃહમાં અશાંતિ સર્જાઈ હતી. સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને મર્યાદામાં રહીને તથા તથ્યોના આધારે વાત રજૂ કરવા ટકોર કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે ગૃહ નિયમો અને પ્રક્રિયાથી ચાલે છે અને અહીં બોલાયેલો એક-એક શબ્દ વર્ષો સુધી રેકોર્ડ પર રહે છે. બીજી તરફ, વિપક્ષી સભ્યો ગૃહમંત્રીના રાજીનામા અને જવાબની માગ સાથે સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. સભ્યો દ્વારા સ્પીકરના આદેશોની વારંવાર અવહેલના કરવામાં આવતા સ્પીકરે નારાજગી વ્યક્ત કરી હતી અને લોકસભાની કાર્યવાહી બપોરે 2:30 વાગ્યા સુધી મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.

29 Jul 2026 | 01:53 PM
અખિલેશ યાદવે કહ્યું કે જો નેતા પ્રતિપક્ષે સરકાર પર કોઈ ગંભીર આરોપ લગાવ્યો છે, તો આ સરકારની જવાબદારી બને છે કે તે સ્પષ્ટ કરે કે કોના આદેશ પર પોલીસે છાત્રો સાથે આ રીતે વ્યવહાર કર્યો છે.

કિરેન રિજિજૂએ કહ્યું કે, આ અલગ વાત છે. રાહુલ ગાંધીએ સીધું નામ લઈને કહ્યું છે. ઈન્ક્વાયરીની માંગ ઠીક છે, અમે સમજીએ છીએ. રાહુલ ગાંધીએ જે કહ્યું છે, તે ખૂબ ગંભીર છે અને રાહુલ ગાંધીએ માફી માંગવી પડશે.

સ્પીકરે કહ્યું કે, રાહુલજી તમે બિલ પર બોલો, તમે ઈન્ક્વાયરીની માંગ કરી શકો છો, પણ આ રીતે વાત ના કરો.

રાહુલ ગાંધીએ કહ્યું કે, સર જ્યારે આતંકીને ગોળી મારવામાં આવે છે, ત્યારે રિજિજૂએ તેમને રોકતા કહ્યું કે, તમે ગૃહ મંત્રીનું નામ લઈને જે શબ્દો વાપર્યા છે, તેના માટે માફી માંગવી પડશે. કાલે કોઈ પણ મેમ્બર ઊઠીને કંઈ પણ બોલશે. તમને કેવી રીતે આ ખબર પડી અને કયા બેસિસ પર તમે બોલી રહ્યા છો? આવું ના કરી શકાય. રાહુલ ગાંધીએ કોઈનું મર્ડર કર્યું છે, અમે અહીં એવું બોલી શકીએ શું? તમારે બતાવવું પડશે કે કયા બેસિસ પર તમે આવું બોલ્યા છે. માફી માંગો અથવા બતાવો કે કેમ બોલ્યા, કેવી રીતે બોલ્યા, સદન આ રીતે નહીં ચાલે.

સ્પીકરે કહ્યું કે તમે જે રીતે વાત બોલી છે, એવા શબ્દો સદનની અંદર અને સદનની બહારની કાર્યવાહીમાં ના જવા જોઈએ.

29 Jul 2026 | 01:48 PM
પ્રધાન નહીં, RSS ચલાવી રહ્યું હતું શિક્ષણ મંત્રાલય : લોકસભામાં રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
રાહુલ ગાંધીએ પરીક્ષાનું પેપર તૈયાર કરવાથી લઈને તેને પહોંચાડવા અને ચેકિંગ સુધીની સમગ્ર પ્રક્રિયા સામે સવાલો ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે ‘આ પરીક્ષાની પદ્ધતિ નથી પરંતુ વસૂલી કરવાનું તંત્ર છે, જેમાં પ્રામાણિક વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે અને 30થી 40 લાખ રૂપિયામાં પેપર લીક થઈ રહ્યા છે. રાજનાથ સિંહે અગાઉ કહ્યું હતું કે, આ UPA સરકાર નથી અને અહીં મંત્રીઓ રાજીનામા નથી આપતા, છતાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. તેમણે વધુમાં ઉમેર્યું કે શિક્ષણ વ્યવસ્થામાં ખાનગી કંપનીઓ ઘૂસી ગઈ છે અને તે જ પરીક્ષાઓ યોજી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શિક્ષણ વ્યવસ્થા પર કબ્જો જમાવી લીધો છે અને વાસ્તવમાં ધર્મેન્દ્ર પ્રધાન નહીં પરંતુ RSS આખું શિક્ષણ મંત્રાલય ચલાવી રહ્યું હતું.’

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘અમે ગૃહમંત્રીને ગાડીઓના કાફલામાં જોયા હતા, પણ તેઓ ક્યાં છે? તેમનામાં ગૃહમાં આવીને બેસવાની હિંમત નથી.’ આ વાત પર સ્પીકરે સ્પષ્ટતા કરી હતી કે, અત્યારે જે બિલ પર ચર્ચા ચાલી રહી છે તેના સંબંધિત મંત્રી અહીં હાજર જ છે. આજે ગૃહ મંત્રાલય પર ચર્ચા નથી થઈ રહી અને જે વિષય પર ચર્ચા હોય તેના જ મંત્રી ગૃહમાં બેસે તેવી સંસદીય પરંપરા છે.

ત્યારબાદ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે, તમે વિદ્યાર્થીઓ પર ગોળીઓ ચલાવો છો અને ગૃહમંત્રીમાં અહીં બેસવાની હિંમત નથી. તેમના આ નિવેદનને કારણે લોકસભામાં ભારે અફડાતફડી અને હંગામો મચી ગયો હતો.

સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજૂએ આ વાતનો સખત વિરોધ કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ અત્યંત અયોગ્ય વાત કહી છે અને આવું નિવેદન આપી શકાય નહીં. તેમણે કયા આધારે આ આક્ષેપ કર્યો છે અને તેમને ફાયરિંગના આદેશ આપ્યા હોવાની માહિતી કોણે આપી?

ગૃહમાં શાસક પક્ષ તરફથી રાહુલ ગાંધી માફી માગે તેવી માંગણી ઊઠી હતી, જ્યારે સામે પક્ષે વિપક્ષી સાંસદોએ ગૃહમંત્રીના રાજીનામા અને માફીની માંગ સાથે જોરદાર સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો.

29 Jul 2026 | 01:38 PM
લોકસભામાં સ્પીકરે રાહુલ ગાંધીને બોલવાનું ચાલુ રાખવા કહ્યું અને પૂછ્યું કે જો તેઓ બોલવા ન માગતા હોય તો બીજા વક્તાને બોલાવવામાં આવે. તેમણે ઉમેર્યું કે અગાઉ પણ ગૃહમાં આવા પ્રસંગો જોયા છે જ્યારે તમે નેતા સદનને બોલવા દીધા નહોતા.

આ અંગે કિરન રિજિજૂએ કહ્યું કે સારી ચર્ચા ચાલી રહી છે, તમે આવી પરિસ્થિતિ ઊભી ન કરો. વડાપ્રધાનને કેટલીય વાર બોલવા દેવાયા નહોતા. આજે તમે અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે. માત્ર તમારા શબ્દ સામે વાંધો છે, તમે ભાવુક ચહેરો બતાવીને ગુમરાહ કરી શકો નહીં.

આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે આ શબ્દનો પ્રયોગ કોઈના માટે નથી કર્યો, માત્ર જે છે તેની કેટેગરી બતાવી છે. જો તમે લોકો ઇચ્છતા હોવ કે અહીં માત્ર ભાજપ જ બોલે તો હું ચૂપ થઈને બેસી જાઉં છું, કોઈ વાંધો નથી. હું જ્યારે પણ બોલું છું ત્યારે રિજિજૂજી ઊભા થઈ જાય છે અને તમે તેમને તક આપી રહ્યા છો.

સ્પીકરે આ બાબતે કહ્યું કે ગૃહમાં સારી વ્યવસ્થાઓ અને મર્યાદાઓ રહી છે. આપણે સારી મર્યાદા બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ગૃહમાં જે મર્યાદા અને તર્ક સાથે બોલે છે, દેશ તેને સાંભળે છે અને સન્માન પણ કરે છે. શબ્દોની પસંદગી સંસદીય મર્યાદાને અનુકૂળ હોવી જોઈએ.

29 Jul 2026 | 01:29 PM
લોકસભામાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂએ રાહુલ ગાંધીના નિવેદન સામે આકરો વાંધો ઉઠાવતા કહ્યું કે, ‘આપ સંસદમાં આવા શબ્દોનો ઉપયોગ ન કરી શકો, આ નિયમો અમે નથી બનાવ્યા. જો તમે સંસદીય મર્યાદા જાળવી રાખશો તો જ તમારું ભાષણ સાંભળવામાં આવશે. હું રાહુલજીને વિનંતી કરું છું કે તેઓ આ પ્રકારના શબ્દો ટાળીને પોતાનું વક્તવ્ય ફરી શરૂ કરે. ભૂતકાળમાં તમે પણ એવી પરિસ્થિતિઓ ઊભી કરી છે જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું ભાષણ પૂરું કરી શક્યા નહોતા, પરંતુ હવે તમે આ રીતે લાગણીશીલ થઈને ગૃહને ગુમરાહ કરી શકો નહીં.’

29 Jul 2026 | 01:22 PM
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હું સ્ટુડન્ટને વ્યાખ્યાયિત કરી રહ્યો છું. સ્ટુડન્ટ સત્યની પાછળ દોડતો રહે છે. ગાંધીજીએ કહ્યું હતું કે, ઘરની બારી તમામ પ્રકારની હવા માટે ખુલ્લી રહેવી જોઈએ. મેં એક વિદ્યાર્થીનીને પૂછ્યું કે ઈડિયટ વિશે તમારી શું રાય છે? જે સ્ટુડન્ટ નથી, તેના વિશે શું? વિદ્યાર્થીએ કહ્યું કે, સ્ટુડન્ટ ગર્વથી સત્યની સાથે હોય છે, જ્યારે બીજી તરફના લોકો ઈમેજની ચિંતા કરે છે. ઈડિયટ પોતાને ભગવાન માને છે અને પોતાની ઈમેજ બનાવવાનો પ્રયાસ કરે છે. અંધ ભક્ત ઈડિયટને ફોલો કરે છે.’ રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ગૃહમાં ભારે હંગામો શરૂ થઈ ગયો હતો, જેના પર કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂએ વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે.

29 Jul 2026 | 01:18 PM
લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશના યુવાનો અને ભવિષ્યએ મને એવો વિશ્વાસ અપાવ્યો છે કે, તેઓ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સક્ષમ છે. ભાજપમાં રહેલા મારા મિત્રો સહિત તમામ રાજકીય પક્ષોએ આ વાતનો સ્વીકાર કરવો જોઈએ. ભાજપના નેતાઓએ પોતાના ઘરે જઈને બાળકોને પૂછવું જોઈએ કે જંતર-મંતર પર વિદ્યાર્થીઓ જે કરી રહ્યા હતા તેમાં શું ખોટું હતું? યુવાનો દ્વારા જે પણ કરવામાં આવ્યું તે બિલકુલ ખોટું નહોતું અને દરેક ભારતીયને તેમના પર ગર્વ હોવો જોઈએ.

29 Jul 2026 | 01:10 PM
લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘મને વિદ્યાર્થીઓ, તેમની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓ વિશે વાત કરવાની તક આપવા બદલ આભાર. યુવાનોનો આ વિરોધ કોઈ ગુસ્સો, હિંસા કે નફરત નહોતી, પરંતુ તેમની અભિવ્યક્તિ હતી. તમામ રાજકીય પક્ષોએ આ અભિવ્યક્તિનું સન્માન કરવું જોઈએ. પેપર લીક સામે વિદ્યાર્થીઓનો આક્રોશ સંપૂર્ણપણે વ્યાજબી હતો. દરેક ભારતીય નાગરિકને ગર્વ હોવો જોઈએ.’ તેમણે તાજેતરમાં કેટલાક બાળકો સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘મેં એક બાળકીને પૂછ્યું કે વિદ્યાર્થી હોવાનો અર્થ શું છે? તો તેણે ખૂબ સુંદર જવાબ આપ્યો કે, વિદ્યાર્થી એ છે જેનું મન ખુલ્લું હોય છે અને જે એ વાતનો સ્વીકાર કરે છે કે તે બધું જ નથી જાણતો. વિદ્યાર્થી જાણે છે કે દુનિયા સતત બદલાઈ રહી છે.’

29 Jul 2026 | 01:07 PM
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એન્ટિ પેપર લીક બિલ પર બોલતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, દેશનું ભવિષ્ય આજે રસ્તા પર ઉતરી આવ્યું છે. ભાજપના નેતાઓએ પણ પોતાના બાળકોને પૂછવું જોઈએ કે દેશમાં શું ખોટું થઈ રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં યુવાનોનો આક્રોશ હતો, કોઈ નફરત નહોતી અને દેશના યુવાનોનું સન્માન થવું જ જોઈએ. આજે દેશના વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરવાની નોબત આવી છે, જ્યારે કે તેઓ જ આપણા દેશનું ભવિષ્ય છે. વિદ્યાર્થીઓ સારી રીતે સમજે છે કે સમગ્ર વિશ્વ બદલાઈ રહ્યું છે અને જ્ઞાનનું મહત્ત્વ સૌથી વધુ છે.

29 Jul 2026 | 12:38 PM
પૂર્નિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે RTI અને ઓડિટ વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આ બાબતોને તમામ પ્રકારની ગડબડીઓથી દૂર કરી દેવામાં આવી છે, ત્યારે આખરે જવાબદારી કોની નક્કી થશે? NTA ના ચેરમેનને કેમ હટાવવામાં આવ્યા નથી, તેવો પ્રશ્ન ઉઠાવતા તેમણે ઉમેર્યું કે 2018માં જેમને NTA માં લાવવામાં આવ્યા હતા તેઓ અગાઉ મધ્ય પ્રદેશના શિક્ષણ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર હતા. કરોડો ઉમેદવારોના ફોર્મના કરોડો રૂપિયા NTA ને શા માટે આપવામાં આવે છે અને તેની તપાસ કોણ કરશે? રાજ્ય સરકારોના અધિકારો છીનવી લેવાયા હોવાનો આક્ષેપ કરતા તેમણે NTA સામે યોગ્ય તપાસ કમિટી અને SIT ની માંગણી કરી હતી અને સંજીવ મુખિયાને છોડી મૂકવા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.

29 Jul 2026 | 12:20 PM
લોકસભામાં ‘એન્ટિ પેપર લીક બિલ’ પર બીજા દિવસની ચર્ચાનો પ્રારંભ થઈ ગયો છે. ચર્ચાની શરૂઆત બિહારના સુપૌલથી JDU સાંસદ દિલેશ્વર કામતે કરી હતી. તેમણે આ બિલનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, આ વિધેયક NDA સરકાર પ્રત્યે જનતાના વિશ્વાસને દર્શાવે છે અને દેશના બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

29 Jul 2026 | 12:17 PM
લોકસભામાં આજે પણ એન્ટિ પેપર લીક બિલ પર ચર્ચા આગળ વધશે. બિલ પર વિપક્ષ તરફથી મોટો પ્રહાર કરવાની તૈયારી છે.

29 Jul 2026 | 12:16 PM
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે બપોરે 12:30 વાગ્યે એન્ટી પેપર લીક બિલ પર પોતાના વિચાર રજૂ કરશે અને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

29 Jul 2026 | 12:15 PM
બુધવારે સવારે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ જોરદાર હંગામો મચાવ્યો હતો. જેના કારણે લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને બપોરે 12 વાગ્યા સુધી ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. ત્યારબાદ ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

July 29, 2026
WhatsApp-Image-2026-07-27-at-18.58.46-1280x853.jpeg
1min45
  • રોજગાર શોધનાર નહીં પણ રોજગાર આપનાર બની દેશના વિકાસમાં યોગદાન આપવા અતુલ પટેલનું આહ્વાન
  • અતુલ પટેલ અને ‘ચૂઝ માય ટ્રીપ’ના ત્રુપેશ વાઘાણીના હસ્તે થયો કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ
  • 2500થી વધુ યુવા સાહસિકો અને રોકાણકારોનો મહાકુંભ યોજાયો
  • 25થી વધુ નવા સ્ટાર્ટઅપ્સનું પ્રેઝન્ટેશન; રૂ. 2.3 કરોડથી વધુના સંભવિત ઇન્વેસ્ટમેન્ટ માટે હકારાત્મક વાટાઘાટો સંપન્ન

યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા, નવા સ્ટાર્ટઅપ્સ અને રોકાણ અંગે વ્યાપક જાગૃતિ લાવવાના મુખ્ય હેતુથી મોટા વરાછા, સુદામા બેન્ક્વેટ હોલ ખાતે શનિવાર, તા. 25 જુલાઈ 2026ના રોજ ‘કેપિટલ નેક્સસ સિઝન–2’ નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

આ કાર્યક્રમમાં સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાંથી 2500થી વધુ યુવા ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં 25થી વધુ નવા બિઝનેસ સ્ટાર્ટઅપ્સે પોતાના ઇનોવેટિવ આઇડિયા અને ફંડિંગ યોજનાઓ અગ્રણી રોકાણકારો સમક્ષ રજૂ કરી હતી.

કાર્યક્રમનું ઉદ્‌ઘાટન મુખ્ય અતિથિ અને ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ ખજાનચી શ્રી અતુલ પટેલ તથા મુખ્ય પ્રાયોજક ‘ચૂઝ માય ટ્રીપ’ના શ્રી ત્રુપેશ વાઘાણીના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ શ્રી અતુલ પટેલે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં યુવાનોને પરંપરાગત માનસિકતામાંથી બહાર આવી નવી વિચારસરણી સાથે આગળ વધવા હાકલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આજનો યુવા માત્ર રોજગાર શોધનાર ન બનતાં, નવા સાહસો શરૂ કરીને અન્યોને રોજગારી આપનારો એમ્પ્લોયર બને અને સમાજ તેમજ દેશના આર્થિક વિકાસમાં સક્રિય યોગદાન આપે.

રૂ.2.3 કરોડથી વધુનું સંભવિત રોકાણ: બિઝનેસ પીચિંગ અને નેટવર્કિંગ સેશન દરમિયાન રોકાણકારો અને નવા વ્યવસાય શરૂ કરનાર યુવાનો વચ્ચે અનેક મહત્વપૂર્ણ વ્યાપારી ચર્ચાઓ થઈ હતી. જેના પરિણામે પ્રારંભિક તબક્કે જ રૂ.2.3 કરોડથી વધુના સંભવિત રોકાણ માટે અત્યંત હકારાત્મક વાતચીત થઈ હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સખીયા, મયંક ભાલાળા, રિદ્ધિ ગુજરાતી, હેત્વીક ઝાલાવડીયા, ધ્યેય દુધાત્રા અને ક્રિશ કુંભાણી સહિતની યુવા આયોજક ટીમે અથાક મહેનત અને સમર્પણ સાથે કામ કર્યું હતું. કેપિટલ નેક્સસ આજે માત્ર એક ઇવેન્ટ નહીં, પણ યુવાનોના બિઝનેસ આઇડિયાને વેગ આપવા અને યોગ્ય ગાઇડન્સ પૂરું પાડવાનું સશક્ત મંચ બની રહ્યું છે. આયોજકોએ આગામી સમયમાં પણ વધુ મોટા પાયે આવા પ્લેટફોર્મ પૂરા પાડી ગુજરાતના યુવાનોને નવી તકો આપવાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સુરતના મોટા વરાછા ખાતે ‘કેપિટલ નેક્સસ સિઝન–2’ યોજાઈ
2500થી વધુ યુવા સાહસિકો અને રોકાણકારોનો મહાકુંભ યોજાયો
25થી વધુ નવા સ્ટાર્ટઅપ્સનું પ્રેઝન્ટેશન; રૂ. 2.3 કરોડથી વધુના સંભવિત ઇન્વેસ્ટમેન્ટ માટે હકારાત્મક વાટાઘાટો સંપન્ન

રોજગાર શોધનાર નહીં પણ રોજગાર આપનાર બની દેશના વિકાસમાં યોગદાન આપવા અતુલ પટેલનું આહ્વાન
અતુલ પટેલ અને ‘ચૂઝ માય ટ્રીપ’ના ત્રુપેશ વાઘાણીના હસ્તે થયો કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ

યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા, નવા સ્ટાર્ટઅપ્સ અને રોકાણ અંગે વ્યાપક જાગૃતિ લાવવાના મુખ્ય હેતુથી મોટા વરાછા, સુદામા બેન્ક્વેટ હોલ ખાતે શનિવાર, તા. 25 જુલાઈ 2026ના રોજ ‘કેપિટલ નેક્સસ સિઝન–2’ નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

આ કાર્યક્રમમાં સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાંથી 2500થી વધુ યુવા ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં 25થી વધુ નવા બિઝનેસ સ્ટાર્ટઅપ્સે પોતાના ઇનોવેટિવ આઇડિયા અને ફંડિંગ યોજનાઓ અગ્રણી રોકાણકારો સમક્ષ રજૂ કરી હતી.

કાર્યક્રમનું ઉદ્‌ઘાટન મુખ્ય અતિથિ અને ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ ખજાનચી શ્રી અતુલ પટેલ તથા મુખ્ય પ્રાયોજક ‘ચૂઝ માય ટ્રીપ’ના શ્રી ત્રુપેશ વાઘાણીના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ શ્રી અતુલ પટેલે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં યુવાનોને પરંપરાગત માનસિકતામાંથી બહાર આવી નવી વિચારસરણી સાથે આગળ વધવા હાકલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આજનો યુવા માત્ર રોજગાર શોધનાર ન બનતાં, નવા સાહસો શરૂ કરીને અન્યોને રોજગારી આપનારો એમ્પ્લોયર બને અને સમાજ તેમજ દેશના આર્થિક વિકાસમાં સક્રિય યોગદાન આપે.

રૂ.2.3 કરોડથી વધુનું સંભવિત રોકાણ: બિઝનેસ પીચિંગ અને નેટવર્કિંગ સેશન દરમિયાન રોકાણકારો અને નવા વ્યવસાય શરૂ કરનાર યુવાનો વચ્ચે અનેક મહત્વપૂર્ણ વ્યાપારી ચર્ચાઓ થઈ હતી. જેના પરિણામે પ્રારંભિક તબક્કે જ રૂ.2.3 કરોડથી વધુના સંભવિત રોકાણ માટે અત્યંત હકારાત્મક વાતચીત થઈ હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સખીયા, મયંક ભાલાળા, રિદ્ધિ ગુજરાતી, હેત્વીક ઝાલાવડીયા, ધ્યેય દુધાત્રા અને ક્રિશ કુંભાણી સહિતની યુવા આયોજક ટીમે અથાક મહેનત અને સમર્પણ સાથે કામ કર્યું હતું. કેપિટલ નેક્સસ આજે માત્ર એક ઇવેન્ટ નહીં, પણ યુવાનોના બિઝનેસ આઇડિયાને વેગ આપવા અને યોગ્ય ગાઇડન્સ પૂરું પાડવાનું સશક્ત મંચ બની રહ્યું છે. આયોજકોએ આગામી સમયમાં પણ વધુ મોટા પાયે આવા પ્લેટફોર્મ પૂરા પાડી ગુજરાતના યુવાનોને નવી તકો આપવાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.