Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
મિડલ-ઈસ્ટ (મધ્ય-પૂર્વ) માં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હવે ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડી રહી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં 87 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 91 પૈસા પ્રતિ લીટરનો ઝીંકાયો છે. સામાન્ય જનતા માટે ચિંતાની વાત એ છે કે છેલ્લા 10 દિવસની અંદર આ ત્રીજી વખત છે જ્યારે ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે મે મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલ અંદાજે 5 રૂપિયા જેટલા મોંઘા થઈ ચૂક્યા છે.
આ અગાઉ 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એકસાથે 3-3 રૂપિયાનો મોટો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 19 મેના રોજ ફરી પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું હતું. હવે શનિવારના વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 87 પૈસા વધીને ₹98.64 થી વધીને ₹99.51 પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 91 પૈસા વધીને ₹91.58 થી ₹92.49 પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.
દેશમાં ઈંધણની વધતી કિંમતો અને સપ્લાયને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે જનતાને આશ્વાસન આપ્યું છે. મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, “સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની પૂરતી ઉપલબ્ધતા છે અને સપ્લાય ચેઈન સંપૂર્ણપણે સ્થિર છે. અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને જરૂરિયાત મુજબ જ ઈંધણ ખરીદે, પૅનિક બાઇંગ (ગભરાટમાં આવીને વધુ ખરીદી કરવી) થી બચે.”
મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે, કેટલાક પસંદગીના પેટ્રોલ પંપો પર જે કામચલાઉ ભીડ કે દબાણ જોવા મળી રહ્યું છે તેને વહેલી તકે દૂર કરવામાં આવી રહ્યું છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) સતત સપ્લાય પર નજર રાખી રહી છે અને પરસ્પર તાલમેલ સાથે તેલનું વિતરણ સુનિશ્ચિત કરી રહી છે.
સુરતના સરસાણામાં SGCCI દ્વારા 22, 23 અને 24 મે 2026 દરમિયાન એકસાથે યોજાશે 3 ભવ્ય મેગા એક્સ્પો અને સુરત સ્ટાર્ટ અપ સમિટ આ સાથે જ ચેમ્બરના ઈતિહાસમાં એક જ વર્ષમાં 22 એક્ઝિબિશનનો રેકોર્ડ સર્જાશે
• કેમિકલ-ફાર્મા એક્ષ્પોમાં ભારત સરકાર દ્વારા સ્થપાયેલ કેમેક્સિલ (CHEMEXCIL) અને indextbનો મુખ્ય સહયોગ
• સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો ટોરિન (TORIN) વેલ્થ મેનેજમેન્ટના સહયોગથી યોજાશે, વિદ્યાર્થીઓ માટે કરિયર બનાવવાની અને નક્કી કરવાની સુવર્ણ તક
• ગુજરાત સરકારના સાહસ આઈ-હબ (i-Hub)ના સહયોગથી યોજાશે ત્રીજી સુરત સ્ટાર્ટઅપ સમિટ
• એસબીસી (SBC) બિઝનેસ એક્ષ્પો નેટવર્કિંગ અને બી2બી-બી2સી (B2B/B2C) માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
• 25000થી વધુ મુલાકાતીઓ, 200+ રોકાણકારો અને 50+ વીસી/એન્જલ્સ ભાગ લેશે એવી અપેક્ષા
સુરત, 18 મે 2026: દક્ષિણ ગુજરાતના વિકાસને સતત નવી દિશા આપતી અગ્રણી સંસ્થા ‘ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ (SGCCI) દ્વારા આગામી 22, 23 અને 24 મે 2026 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે એકસાથે 4 મેગા ઇવેન્ટ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ત્રણ એક્સ્પો અને એની સાથે સુરત સ્ટાર્ટ અપ સમિટની ત્રીજી આવૃત્તિ એકસાથે સરસાણા ખાતે યોજાઈ રહી છે. સુરતની જાણીતી ટોરિન વેલ્થ મેનેજમેન્ટના મુખ્ય સહયોગથી યોજાનાર આ ચારેય ઈવેન્ટ્સ સુરત અને સમગ્ર રાજ્યના વ્યાપારી, ઔદ્યોગિક, સાહસિક અને શૈક્ષણિક માળખાને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવશે. આ ત્રણ એક્ઝિબિશન સાથે જ ચેમ્બરના 85 વર્ષના ઈતિહાસમાં એક જ વર્ષમાં 22 એક્ઝિબિશન યોજવાનો રેકોર્ડ સર્જાશે.
ઉદ્ઘાટન સમારોહ
આ ચારેય ઈવેન્ટ્સનો સંયુક્ત ઉદ્ઘાટન સમારોહ તા. 22 મેના રોજ સવારે 10 કલાકે સરસાણા ખાતે યોજાશે. કેન્દ્રીય વાણિજ્ય રાજ્ય મંત્રી ડૉ. જિતિન પ્રસાદ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને ચારેય ઈવેન્ટ્સનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે નીચેના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ઉદ્ઘાટક: ડૉ. જિતિન પ્રસાદ, કેન્દ્રીય વાણિજ્ય રાજ્ય મંત્રી મુખ્ય અતિથિ:
શ્રી એમ. નાગરાજન, મ્યુનિસિપલ કમિશનર, સુરત મહાનગરપાલિકા
ડૉ. સતીષ વામન વાઘ, ચેરમેન -કેમેક્સિલ
શ્રી હિરન્મય મહંતા, સીઈઓ, આઈહબ ગુજરાત
શ્રી જિજ્ઞેશ માધવાની, ડિરેક્ટર એન્ડ ચેરમેન, ટોરિન વેલ્થ મેનેજમેન્ટ
શ્રી હિમાંશુ પટેલ, ડિરેક્ટર, યશસ્વી રસાયણ પ્રા, લિમિટેડ
શ્રી અશ્વિન દેસાઈ, એમડી, એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ
શ્રી આનંદ દેસાઈ, એમડી, અનુપમ રસાયણ
શ્રી નરેશકુમાર પટેલ, એક્ઝિક્યુટિવ ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર એક્યુટાસ કેમિકલ્સ લિમિટેડ
ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસી અને ઉપપ્રમુખ તથા પ્રમુખ (નિયુક્ત) અશોક જીરાવાલાએ આ ચારેય મેગા ઇવેન્ટ્સની સત્તાવાર અને વિસ્તૃત વિગતો જાહેર કરી છે:
કેમિકલ એન્ડ ફાર્મા એક્સ્પો 2026 :
તારીખ: 22, 23 અને 24 મે 2026 (ત્રણ દિવસ) • સમય: સવારે 10:00થી સાંજે 7:00 • સ્થળ: સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC), સરસાણા, સુરત
ભારત સરકાર દ્વારા સ્થપાયેલ કેમેક્સિલ અને ચેમ્બર દ્વારા આયોજિત આ એક્સ્પો રાસાયણિક અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટેનું આ એક ડાયનેમિક બી2બી (B2B) પ્લેટફોર્મ સાબિત થશે. તેને આ વખતે ગુજરાત સરકારના indextbનો પણ સહયોગ મળ્યો છે. આ એક્ષ્પો ઉત્પાદકો, ટેક્નોલોજી પ્રોવાઇડર્સ, સંશોધકો અને ઉદ્યોગના આગેવાનોને એક જ મંચ પર લાવીને નવી તકો, અદ્યતન સોલ્યુશન્સ અને વ્યૂહાત્મક ભાગીદારીઓ વધારવા માટે કાર્ય કરશે. આ પ્રદર્શન ટકાઉ વિકાસ, પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફના ઉદ્યોગના વિકાસને મોટું પ્રોત્સાહન પૂરું પાડશે.
આ મેગા એક્ષ્પોમાં સ્પેશિયાલિટી, ઇન્ડસ્ટ્રીયલ, એગ્રો અને ફાઇન કેમિકલ્સના ઉત્પાદકો સહિત ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ, ફોર્મ્યુલેશન કંપનીઓ, એપીઆઈ અને બલ્ક ડ્રગ પ્રોડ્યુસર્સ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત લેબોરેટરી ઇક્વિપમેન્ટ, પ્રોસેસ મશીનરી, એન્જિનિયરિંગ સોલ્યુશન્સ, પેકેજિંગ, મટિરિયલ હેન્ડલિંગ, એન્વાયર્નમેન્ટલ-સેફ્ટી સોલ્યુશન્સ, આરએન્ડડી (R&D) સંસ્થાઓ, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન અને ટેક્સટાઇલ ડાય્સના અગ્રણી ઉત્પાદકો પોતાની અદ્યતન ટેક્નોલોજી પ્રદર્શિત કરશે. ભાગ લેનાર કંપનીઓને અત્યંત ટાર્ગેટેડ પ્રેક્ષકો સમક્ષ બ્રાન્ડ પ્રસ્તુતિ કરવાની, ગુણવત્તાયુક્ત બિઝનેસ લીડ્સ મેળવવાની, નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની અને વૈશ્વિક સ્તરે વિતરણ વ્યવસ્થા વિસ્તારવાની ઉત્તમ તક મળશે.
આ પ્રદર્શનમાં દેશ-વિદેશના મેન્યુફેક્ચરર્સ, પ્લાન્ટ હેડ્સ, પ્રોક્યુરમેન્ટ અને સોર્સિંગ પ્રોફેશનલ્સ, ફાર્મા-કેમિકલ ડિસ્ટ્રિબ્યુટર્સ, સંશોધકો, વૈજ્ઞાનિકો, રેગ્યુલેટરી અધિકારીઓ, આયાતકાર-નિકાસકારો અને ઇન્વેસ્ટર્સ મુલાકાત લેશે.
આ એક્સ્પો માટે એક્યુટાસ કેમિકલ્સ લિમિટેડ, એથર ઈન્ડસ્ટ્રી લિમિટેડ, અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડ, એચએલઈ ગ્લાસકોટ લિમિટેડ અને યશસ્વી રસાયણ પ્રા. લિમિટેડનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.
સ્માર્ટ એજ્યુકેશન એક્સ્પો 2026 • તારીખ: 22, 23 અને 24 મે 2026 (ત્રણ દિવસ) • સમય: સવારે 10:00 થી સાંજે 07:00 • સ્થળ: સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC), સરસાણા, સુરત –
આજના યુવાનો પોતાની કરિયર અને સફળતા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત અને પસંદગીયુક્ત બન્યા છે. તેઓ પરંપરાગત ડિગ્રી-ડિપ્લોમાને બદલે પોતાની પ્રતિભાને વિકસાવે તેવા નવા અને સ્માર્ટ વિકલ્પો શોધી રહ્યા છે. ટોરિન (TORIN) વેલ્થ મેનેજમેન્ટના મુખ્ય સહયોગથી આયોજિત આ એક્ષ્પો વિદ્યાર્થીઓને ગુજરાત, ભારત તેમજ વિદેશની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓ સાથે એક જ છત હેઠળ સીધો સંપર્ક કરવાની અદ્ભુત તક આપે છે. તેમાં નેશનલ અને ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઓ, જાણીતી સ્કૂલ્સ અને પ્રતિષ્ઠિત કોલેજો ભાગ લઈ રહી છે. ધોરણ 10-12 અને કોલેજના વિદ્યાર્થીઓ, ડિપ્લોમા/ડિગ્રી ધારકો, ગ્રેજ્યુએટ્સ અને ઉચ્ચ અભ્યાસના વાંચ્છુઓ, નવી કરિયર અને કોર્સિસની શોધમાં રહેલા જોબ સીકર્સ, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતિત વાલીઓ અને માર્ગદર્શક શિક્ષકો વગેરે માટે આ એક્ઝિબિશનની મુલાકાત અવશ્ય લેવી રહી.
૩. સુરત સ્ટાર્ટ અપ સમિટ 2026 (ત્રીજી આવૃત્તિ)
• તારીખ: 22, 23 અને 24 મે 2026 (ત્રણ દિવસ) • સમય: સવારે 10:00થી સાંજે 07:00 • સ્થળ: સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC), સરસાણા, સુરત –
“Surat Startup Summit 2026” એ દેશભરના સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગસાહસિકો, ઇન્વેસ્ટર્સ, ઇન્ક્યુબેટર્સ અને ટેક્નોલોજી નિષ્ણાતો માટેનું એક પ્રમુખ પ્લેટફોર્મ છે. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય હાઈ-પોટેન્શિયલ ધરાવતા સ્ટાર્ટઅપ્સને એવો મંચ આપવાનો છે, જેથી તેઓ પોતાના આઇડિયા અને પ્રોડક્ટ્સને એન્જલ ઇન્વેસ્ટર્સ, વેન્ચર કેપિટલિસ્ટ્સ, સરકારી અધિકારીઓ અને પ્રખ્યાત ઉદ્યોગપતિઓ સમક્ષ પ્રસ્તુત કરીને ફંડિંગ અને બિઝનેસ વેલિડેશન મેળવી શકે. આમાં ટેક, હેલ્થટેક, ફિનટેક, એગ્રીટેક અને સસ્ટેનેબિલિટી સેક્ટર્સના સ્ટાર્ટઅપ્સ પોતાના ઇનોવેશન્સ રજૂ કરે એવી અપેક્ષા છે. વિવિધ વિષયો પર રસપ્રદ સેશન્સ પણ રાખવામાં આવ્યા છે.
આ સમિટને એઆઈસી સુરતી આઈલેબ ફાઉન્ડેશન, ટાઈ સુરતનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.
સુરત સ્ટાર્ટઅપ સમિટના મુખ્ય આકર્ષણો:
• લાઇવ સ્ટાર્ટઅપ પિચિંગ અને કોમ્પિટિશન: બિઝનેસના શ્રેષ્ઠ આઇડિયાઝ વચ્ચે લાઈવ સ્પર્ધા.
• સ્પીડ ઇન્વેસ્ટર ડેટિંગ: રોકાણકારો સાથે વન-ટુ-વન ઝડપી સંવાદની તક.
• બી2બી નેટવર્કિંગ: કોર્પોરેટ અને વ્યાપારી જોડાણ મજબૂત કરવાનો મંચ.
એસજીસીસીઆઈ બિઝનેસ કનેક્ટ (એસબીસી) બિઝનેસ એક્સ્પો 2026 • તારીખ: 22, 23 અને 24 મે 2026 • સમય: સવારે 10:00થી સાંજે 07:00 વાગ્યા સુધી • સ્થળ: સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC), સરસાણા, સુરત –
બિઝનેસ એક્સ્પો 2026 : આ એક્ષ્પો વિવિધ સેક્ટર્સના અગ્રણી ઉદ્યોગપતિઓ, ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ, ઇન્વેસ્ટર્સ અને કોર્પોરેટ પ્રોફેશનલ્સને એક જ મંચ પર લાવીને પરસ્પર સહયોગ, નવીનતા અને વ્યાપારી વિકાસને પ્રોત્સાહન આપવાનું મોટું કાર્ય કરશે. તેનો ઉદ્દેશ સુરતને વૈશ્વિક વ્યવસાયિક હબ તરીકે વધુ મજબૂત કરવાનો અને ઉદ્યોગો વચ્ચે અર્થપૂર્ણ પાર્ટનરશિપ તેમજ નવી વ્યાપારી તકો ઊભી કરવાનો છે. આ એક્ષ્પો વ્યાપારી નેટવર્કિંગ, વ્યૂહાત્મક ભાગીદારી અને બિઝનેસ ગ્રોથ માટેનું સૌથી મોટું કેન્દ્ર બનશે. આ પ્રદર્શનમાં એફએમસીજી, ફાઇનાન્સ, આઇટી અને ડિજિટલ ટેક્નોલોજી, ગાર્મેન્ટ્સ, ઓટોમોબાઇલ, હેલ્થ-વેલનેસ અને કન્સલ્ટન્ટ્સ સહિતના અનેક સેક્ટર્સના અગ્રણી ધંધાર્થીઓ અને પ્રોફેશનલ્સ બી૨બી (B2B) અને બી૨સી (B2C) મીટિંગ્સ માટે મોટી સંખ્યામાં ભાગ લેશે.
બિઝનેસ એક્સ્પોના આકર્ષણો
• નેટવર્કિંગ: હાઈ-ઈમ્પેક્ટ બી2બી (B2B) અને બી2સી (B2C) નેટવર્કિંગ.
• પેવેલિયન: અદ્યતન સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પેવિલિયન.
• ફંડિંગ: ઇન્વેસ્ટર કનેક્ટ અને ફંડિંગ મેળવવાની ઉત્તમ તકો.
• પ્રદર્શન: વિવિધ પ્રોડક્ટ્સ અને સર્વિસીસનું લાઈવ લોન્ચિંગ તથા પ્રદર્શન.
• જોડાણ: વ્યૂહાત્મક જોડાણ અને એમઓયુ સાઇનિંગની તક.
ચેમ્બરના પદાધિકારીઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, “આ ચારેય મેગા ઇવેન્ટ્સ સુરત અને ગુજરાતના આર્થિક તથા સાહસિક વિકાસમાં ગેમ ચેન્જર સાબિત થશે. અમે તમામ ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ્સ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકોને આ પ્રદર્શનોની મુલાકાત લેવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.”
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરત ખાતે નિર્માણ થયેલ જમનાબા વિદ્યાર્થી ભવનનું આગામી તારીખ ૨૪-૦૫-૨૦૨૬ રવિવારના રોજ લોકાર્પણ થનાર છે. સુરતના પ્રવેશ દ્વારે ૧૦૦૦ વિદ્યાર્થીઓની હોસ્ટેલ વ્યવસ્થા સાથે અનેકવિધ વ્યવસ્થાઓ સાથે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે. પટેલ સમાજના ડ્રીમ પ્રોજેક્ટ એવા આ ભવનમાં ૧૦૦ વ્યક્તિઓ રહી શકે તેવા શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિભવન તૈયાર થયું છે. ૪૨૫ બેઠકની ક્ષમતાવાળુ કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ તૈયાર થયું છે. કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા તથા રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા કેશુભાઈ પટેલ ઓડિટોરિયમને ખુલ્લુ મુકશે. સુરતના મુખ્ય પ્રવેશ દ્વારે ૧૩ માળ અને ૩ લાખ ચોરસ ફૂટના બાંધકામ વાળા ભવ્ય જમનાબા વિદ્યાર્થી ભવનના પરિસરમાં ૩૧ ફૂટ ઊંચી અને ૯ ટન વજનની ભારત રત્ન સરદાર સાહેબ વલ્લભભાઈ પટેલની કાંસ્ય પ્રતિમા મૂકવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સરદાર સાહેબ પ્રતિમાનું અનાવરણ કરશે. ઉપરાંત ૫૧ ફૂટ ઊંચા સ્થંભ ઉપર રાષ્ટ્રધ્વજનું આરોહણ પણ કરવામાં આવશે.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા માટે ફેઝ વન પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. અને હવે ફેસ ટુ માં ૫૦૦ દીકરીઓ માટે કિરણ મહિલા ભવનનું લોકાર્પણ ટૂંક સમયમાં થશે. બંને પ્રોજેક્ટ મળીને કુલ રૂપિયા ૨૦૦ કરોડની કિંમતના બંને ભવનનું નિર્માણ થયું છે.
તારીખ ૨૪-૦૫-૨૦૨૬ રવિવારે સાંજે ૫ કલાકે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પટેલ સમાજના અગ્રણી શ્રી જયંતીભાઈ એકલેરા વાળા તથા અમદાવાદથી શ્રી રવજીભાઈ વસાણીના વરદ હસ્તે શુભ ઉદ્ઘાટન વિધિ થનાર છે. મુખ્ય નામકરણના દાતા શ્રી હંસરાજભાઈ ગોંડલીયા, સરદાર સાહેબની પ્રતિમા ખર્ચના સૌજન્ય દાતા શ્રી વલ્લભભાઈ પી. સવાણી, અતિથિ ભવનના નામકરણના દાતા તુષારભાઈ ઘેલાણીના ધર્મપત્ની પલ્લવીબેન તુષારભાઈ ઘેલાણી સહિત દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ થનાર છે. જમનાબા વિદ્યાર્થી ભવનની બાજુમાં આવેલ સંતોકબા વિલેજ ફાર્મ ખાતે લોકાર્પણ સમારોહ યોજાનાર છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનાર લોકાર્પણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ, કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, ઉર્જામંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા, નાગરિક સંરક્ષણ મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, વિધાનસભા ડેપ્યુટી સ્પીકર પુર્ણેશભાઈ મોદી, સુરતના સાંસદ મુકેશભાઈ પટેલ, અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા તથા આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ અને સ્થાનિક ધારાસભ્યો સહિત રાજસ્વી અતિથિશ્રીઓ ખાસ ઉપસ્થિત રહેશે. સમાજના અગ્રણીશ્રીઓનું વર્ષોથી એક સ્વપ્ન હતું કે, વિદ્યાર્થીઓ અને સમાજ ઘડતર માટેનું કેન્દ્ર હોય તેવા ભવનનું નિર્માણ સુરતમાં થાય. સંસ્થાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ જી. પટેલ અને સ્વ. કે ડી વાઘાણીના કાર્યકાળમાં સુરતથી કામરેજ જતા મુખ્ય રસ્તા પર જમીનની ખરીદી કરવામાં આવી હતી.
૨૦૨૧ માં વિજયા દશમીના રોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને હીરા ઉદ્યોગના અગ્રણી શ્રી વલ્લભભાઈ એસ. લખાણીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. જમનાબા વિદ્યાર્થી ભવનમાં શ્રીમતી વર્ષાબેન મનહરભાઈ કાકડીયા પુસ્તકાલય, ગોપીન વાચનાલય, મૂળચંદભાઈ અમીન ઇ-લાઈબ્રેરી, માતૃશ્રી સંતોકબા ભોજનાલય, હરિકૃષ્ણ કારકિર્દી માર્ગદર્શન સેન્ટર, ઉપરાંત જીમ, યોગા સેન્ટર અને પ્રાર્થના હોલ સહિતની સુવિધાઓ નિર્માણ પામી છે.
આ ઉપરાંત મહત્વનું દાન આપનાર મુકેશભાઈ પટેલ, રમેશભાઈ વી. ગજેરા, રાકેશભાઈ એચ. દુધાત અને ઝેડ. પી. ખેની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે. જમનાબા વિદ્યાર્થી ભવનની છત ઉપર ગોલ્ડી સોલાર તરફથી રૂફટોપ સોલાર ફીટ કરેલ છે. જ્યારે સમગ્ર ભવનમાં ડ્રિંકિંગ વોટર સિસ્ટમનું સૌજન્ય જે. એમ. પટેલ પરિવાર તરફથી મળેલ છે.
સુરત ખાતે ગૌરવંતા જમનાબા વિદ્યાર્થી ભવનના ઉદઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે. મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખશ્રી વેલજીભાઈ શેટા, કેશુભાઈ ગોટી, અગ્રણીશ્રી વસંતભાઈ ગજેરા, લાલજીભાઈ ટી પટેલ, અમદાવાદ થી ગુણવંતભાઈ સોજીત્રા, મગનભાઈ રામાણી, રાજકોટથી વિજયભાઈ ડોબરીયા, ચંદુભાઈ વિરાણી, અનુભાઈ તેજાણી, જયંતીભાઈ નારોલા, ઘનશ્યામભાઈ શંકર અને દિનેશભાઈ કુંભાણી સહિત મહાનુભાવો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેનાર છે. સૌરાષ્ટ્રથી સુરત સ્થળાંતર થયેલા સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજના અગ્રણીઓએ ચાર દાયકા પહેલા ૧૯૮૨ માં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની સ્થાપના કરી હતી. સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્વ. જે. આર. સવાણી સમૂહલગ્ન પ્રવૃત્તિ શરૂ કરી હતી. ત્યારબાદ પ્રમુખ તરીકે સુરેશભાઈ જી. પટેલ અને પૂર્વ પ્રમુખ કે. ડી વાઘાણીએ સમાજનું નેતૃત્વ કરી સામાજિક પ્રવૃત્તિનો દોર ચાલુ રાખ્યો હતો. વર્તમાન સમયે સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા, ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા, મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક, ખજાનચી મનહરભાઈ સાસપરા અને ભવનના નિર્માણ માટે કાર્ય કરનાર શ્રી ધીરૂભાઈ માલવિયા, શ્રી હરિભાઈ કથીરિયા, શ્રી ભવાનભાઈ નવાપરા, જી. આર. આસોદરીયા તથા શ્રી નટુભાઈ ચોવટીયા વગેરે અગ્રણીશ્રીઓ સહીત વ્યવસ્થાપક ટ્રસ્ટીઓ અને કાર્યકરો છે. સંસ્થામાં ખૂબ ઉદાર ભાવ સાથે સમાજના શ્રેષ્ઠીઓએ આર્થિક સહયોગ આપ્યો છે. પરિણામે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ શરૂ થયું છે. નાના વ્યક્તિઓએ ભૂમિદાન પણ આપેલ છે. મહિલાઓએ એકવારનું દાન આપી મહિલા ટીમ પણ કાર્યરત બની છે. યુવા મિત્રો પણ સમાજ જાગૃતિ અને સેવા પ્રવૃત્તિમાં ઉત્સાહથી કાર્યરત છે.
શ્રી જમનાબા વિદ્યાર્થી ભવનમાં કાર્યરત સુવિધાઓ અને પ્રવૃત્તિઓની યાદી :
૧૦૦૦ વિદ્યાર્થીઓ(ભાઈઓ) રહી શકે તેવી હોસ્ટેલ સુવિધા જેમાં જમવા-રહેવા કપડાની લોન્ડ્રી-ઈસ્ત્રી વાર્ષિક ફી રૂ. ૪૦,૦૦૦ છે.
૧૦૦ વ્યક્તિઓ રહી શકે તેવુ અતિથિભવન
૫૦ હજાર પુસ્તકોની ક્ષમતાવાળુ પુસ્તકાલય
વિશાળ વાંચનાલય (સવારે ૬ થી રાત્રીના ૧ સુધી)
ડીઝીટલ લાઈબ્રેરી
૪૨૫ બેઠકવાળુ કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ
૩૦૦ બેઠકની ક્ષમતાવાળુ સુવિધાયુક્ત ભોજનાલય
કારકિર્દી માર્ગદર્શન સેન્ટર, સરકારી પરીક્ષા માટે કોચીંગ વ્યવસ્થા
પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ વધારવા અંગે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યા બાદ હવે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)એ પણ તે અંગેના સત્તાવાર નવા નિયમો જાહેર કરી દીધા છે. એટલે કે અત્યાર સુધી પેટ્રોલમાં માત્ર 20 ટકા સુધી ઈથેનોલનું મિશ્રણ કરાતું હતું, જોકે હવે નવા નિયમ મુજબ, મિશ્રણ 30 ટકા સુધી વધારવાની મંજૂરી આપી દેવાઈ છે.
કેન્દ્ર સરકારે અગાઉ 15 મે-2026ના રોજ આ અંગેની મંજૂરી આપી દીધી હતી. ત્યારપછી BISએ પેટ્રોલમાં 20 ટકા ઈથોનોલ મિશ્રણથી આગળ વધીને હવે 22, 25, 27 અને 30 ટકા સુધી મિશ્રણ વધારવાના સત્તાવાર માપદંડો અને ગુણવત્તા ધોરણો નક્કી કરી દીધા છે.
આ નોટિફિકેશન એવા સમયે જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ભારત ઘણા સમયથી પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ વધારવા પર ભાર આપી રહ્યું છે. આ નવા નિર્ણયથી મોટો ફાયદો એ છે કે, હવે અન્ય દેશો પર ક્રૂડ ઓઈલની નિર્ભરતા, આયાત અને પ્રદૂષણ ઘટી શકશે. આ ઉપરાંત સ્થાનિક ખાંડ ઉદ્યોગ અને બાયોફ્યુઅલ ઉદ્યોગના ઉત્પાદનમાં વધારો થશે. ઑલ ઈન્ડિયા ડિસ્ટલરી એસોસિએશન (AIDA)ને પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
AIDAએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને તેને ભારતના ઈથેનોલ પ્રોગ્રામ માટે સમયસર લેવાયેલો નિર્ણય ગણાવ્યો છે. AIDAના અધ્યક્ષ વિજેન્દ્ર સિંહે કહ્યું કે, ‘BIS દ્વારા E22થી E30 ફ્યૂલ્સ માટે જાહેર કરેલા માપદંડો માત્ર એક નોટિફિકેશન નથી, પરંતુ આ નિર્ણય આવનારા સમયમાં ભારતની ઊર્જા સુરક્ષા વધારશે.
ટેરિફ તથા યુદ્ધને કારણે આવેલા કરેકશનને પગલે દેશની કંપનીઓની માર્કેટ કેપમાં નોંધપાત્ર ધોવાણ
28મી ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલા ઇરાન અને અમેરીકા-ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધ પછીની સ્થિતિમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વ સ્તરે પ્રથમ ૧૦૦ કંપનીઓમાં ભારતની એક પણ કંપની હાલમાં સ્થાન ધરાવતી નથી.
અમેરિકાના ટેરિફ તથા પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ભારતીય ઈક્વિટીમાં આવેલા કરેકશનથી ભારતની જાણીતી કંપનીઓની માર્કેટ કેપમાં નોંધપાત્ર ધોવાણ થયું છે જેને પગલે તેઓ વિશ્વની ટોચની ૧૦૦ કંપનીઓની યાદીમાંથી બહાર નીકળી ગઈ હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે.૨૦૨૫ના પ્રારંભમાં ભારતની ત્રણ કંપનીઓ રિલાયન્સ ઈન્ડ., ટીસીએસ તથા એચડીએફસી બેન્ક માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની ટોચની ૧૦૦ કંપનીઓમાં સ્થાન ધરાવતી હતી.
રિલાયન્સ જે ૨૦૨૫ના પ્રારંભમાં પ્રથમ ૧૦૦ની યાદીમાં ૫૭મું અને ૨૦૨૬ના પ્રારંભમાં ૭૩મું સ્થાન ધરાવતી હતી તે આજે પાછળ ધકેલાઈને ૧૦૫માં સ્થાને પહોંચી ગઈ છે. એચડીએફસી બેન્ક જે ૨૦૨૫ના પ્રારંભમાં ૯૭માં ક્રમે હતી તે પણ આજે એકદમ પાછળ ધકેલાઈને ૧૯૦ના સ્થાને પહોંચી ગઈ છે.
ટોચની ૧૦૦ કંપનીઓની યાદીની બહારની કંપનીઓ જેમ કે ભારતી એરટેલ જે વર્તમાન વર્ષના પ્રારંભમાં ૧૬૪માં સ્થાને હતી તે આજે ૨૦૨માં સ્થાન પર આવી ગઈ છે. એસબીઆઈ આ ગાળામાં ૨૩૧માં સ્થાનેથી ૨૭૬માં સ્થાન પર આવી ગઈ હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.
જો કે વૈશ્વિક સ્તરના ક્રમમાં ભારતની કંપનીઓમાં ૧૦૫માં ક્રમ સાથે રિલાયન્સ સૌથી આગળ છે, ત્યાર બાદ ૧૯૦માં ક્રમ સાથે એચડીએફસી બેન્ક માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારતની બીજી મોટી કંપની છે.
ટોચની પ૦૦ કંપનીઓમાં ૨૦૨૫માં ભારતની જે ૧૫ કંપનીઓ હતી તે સંખ્યા ઘટી હાલમાં ૧૩ સુધી આવી ગઈ છે. ભારતમાં જ ૧૦૦ અબજ ડોલર કે તેથી વધુની માર્કેટ કેપ સાથેની લિસ્ટેડ કંપનીઓની સંખ્યા પણ વર્તમાન વર્ષમાં જે છ હતી તે હાલમાં ઘટી ત્રણ પર આવી ગઈ છે.
આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ તથા ટીસીએસ ૧૦૦ અબજ ડોલરની માર્કેટ કેપ સાથેની કંપનીઓમાંથી બહાર નીકળી ગઈ હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું હતું. જો કે માર્કેટ કેપનો આધાર બજારની દૈનિક વધઘટ પર વધુ નિર્ભર રહેતો હોવાથી તેમાં સતત બદલાવ રહ્યા કરે છે.
ઓનલાઇન ઇ-ફાર્મસી દ્વારા દવાઓના બેફામ વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં ‘ઑલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ'(AIOCD) દ્વારા 24 કલાકની દેશવ્યાપી હડતાલના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યાના અહેવાલો છે. દેશભરના 12.5થી 15 લાખ કેમિસ્ટ આ હડતાળમાં જોડાય રહ્યાના દાવો કરવામાં આવી રહ્યો છે. કેમિસ્ટ સંગઠનનો આક્ષેપ છે કે યોગ્ય નિયંત્રણોના અભાવે પરંપરાગત મેડિકલ સ્ટોર્સનો બિઝનેસ જોખમાયો છે. સાથે જ ઓનલાઇન માધ્યમથી નકલી દવાઓનું વેચાણ વધતાં દર્દીઓની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે. તાજેતરમાં દેશમાં રૂ.150 કરોડથી વધુની નકલી દવાઓ ઝડપાઈ હોવાથી સરકાર આ અંગે કડક કાયદો ઘડે તેવી મુખ્ય માંગ છે.
આ દેશવ્યાપી હડતાલને લઈને દેશના અલગ-અલગ રાજ્યોમાં મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ‘સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન’ (CDSCO)ના અધિકારીઓએ જણાવ્યું કે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોના સંગઠનોએ આ હડતાલથી અંતર રાખ્યું છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, હરિયાણા, છત્તીસગઢ, સિક્કિમ, ઉત્તરાખંડ અને લદ્દાખના રિટેલ ફાર્મસી એસોસિએશન્સે લેખિતમાં ખાતરી આપી છે કે તેઓ દવાઓની અછત સર્જાવા નહીં દે.
કેમિસ્ટ એસોસિએશનની સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ
AIOCDના રાષ્ટ્રીય પ્રમુખ જે. એસ. શિંદે અને મહાસચિવ રાજીવ સિંઘલના જણાવ્યા અનુસાર, સરકારની વર્તમાન નીતિઓ છૂટક દવા વ્યાપારીઓના હિતોને નુકસાન પહોંચાડી રહી છે. આ હડતાલ પાછળ સંગઠનની મુખ્ય ત્રણ માંગણીઓ છે:
1. GSR 817 નોટિફિકેશન રદ કરવું: ઓનલાઇન દવાઓના વેચાણને લઈને સરકાર દ્વારા જારી કરાયેલી આઇટી સંબંધી નોટિફિકેશન (GSR 817) તાત્કાલિક પરત ખેંચવામાં આવે અને નવેસરથી આખું માળખું તૈયાર થાય.
2. કોરોના કાળના નિયમોનો અંત: મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલા બે ડ્રાફ્ટ નોટિફિકેશન (જેમ કે GSR 220)ને સરકાર સંપૂર્ણપણે પાછી ખેંચે.
3. ડીપ ડિસ્કાઉન્ટિંગ પર રોક: ઓનલાઇન કંપનીઓ દ્વારા ગ્રાહકોને અપાતા બેફામ ડિસ્કાઉન્ટ પર તાકીદે રોક લગાવવામાં આવે અથવા ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO)માં સુધારો કરીને સ્થાનિક રિટેલ દુકાનદારોનું માર્જિન વધારવામાં આવે જેથી તેઓ બજારની હરીફાઈમાં ટકી શકે.
ગુજરાતમાં પણ ઓનલાઇન દવાના વેચાણ સામે અગાઉ અપાયેલા અલ્ટિમેટમ બાદ અમદાવાદ અને રાજ્યભરના કેમિસ્ટો આ હડતાલમાં જોડાયા છે. ‘ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન’ના જણાવ્યા અનુસાર, આ બંધના કારણે સમગ્ર ગુજરાતમાં નાની-મોટી 35 હજારથી વધુ દવાની દુકાનો બંધ રહેશે. એકલા અમદાવાદ શહેરમાં જ 3 હજારથી વધુ કેમિસ્ટ પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે, જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ 6 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સના શટર અંધ રહેશે. જોકે, સંગઠને સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય જનતાને ભારે હાલાકી ન ભોગવવી પડે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.
હડતાલ દરમિયાન કટોકટીના સમયે દર્દીઓને જીવનરક્ષક દવાઓ સરળતાથી મળી રહે તે માટે એસોસિએશન અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે:
હોસ્પિટલ મેડિકલ સ્ટોર્સ ચાલુ રહેશે: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યના તમામ મોટા શહેરોમાં દવાખાનાઓ કે હોસ્પિટલ પરિસરમાં આવેલા મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે ચાલુ રાખવામાં આવશે.
ગામડાઓમાં વૈકલ્પિક વ્યવસ્થા: જે ગ્રામ્ય વિસ્તારોમાં મોટી હોસ્પિટલો કે દવાખાના નથી, ત્યાં દર્દીઓની સુવિધા માટે ગામ દીઠ ઓછામાં ઓછી એક દવાની દુકાન ખુલ્લી રાખવામાં આવશે.
સરકારી કેન્દ્રો ખુલ્લા રહેશે: દેશભરમાં તમામ ‘પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો’ પર દવાઓનું વેચાણ રાબેતા મુજબ ચાલુ રહેશે.
જોકે, કર્ણાટકના કેટલાક ભાગોમાં 20 હજારથી વધુ કેમિસ્ટ અને મધ્ય પ્રદેશના ૫૨ જિલ્લા સંગઠનો આ બંધમાં સક્રિય હોવાથી ત્યાં મોટી અસર જોવા મળી શકે છે. તેલંગાણા અને ચંદીગઢ જેવા રાજ્યોમાં ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને જનતા માટે એડવાઇઝરી અને ટોલ-ફ્રી નંબર જાહેર કર્યા છે તેમજ એપોલો અને મેડપ્લસ જેવા કોર્પોરેટ સ્ટોર્સને ફરજિયાત ખુલ્લા રહેવા આદેશ આપ્યા છે. સરકારી અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે કેમિસ્ટોની વાજબી ચિંતાઓ પર વિચારણા ચાલુ છે, પરંતુ દર્દીઓના જીવના જોખમે દવાની કાળાબજારી કે કૃત્રિમ અછત સર્જનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાશે.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે. હત્યાના એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના નેતા જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરાતા ચકચાર મચી ગઇ હતી.
જય દલાલ ડિંડોલી વોર્ડ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ છે. તેઓ ઉધના વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની નજીક ગણાતા અને તેમની સાથે રાજકીય-સામાજિક કાર્યોમાં સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા. જાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે જય દલાલ પર તૂટી પડ્યા હતા. ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત થયું હતું.
મૃતકના માતાએ કહ્યું, તેમનો 21 વર્ષનો એકનો એક પુત્ર જય કોઈ મિત્રનો ફોન આવતા રાત્રે સાડા આઠ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ તેમને ફોન આવ્યો કે, જયને ગંભીર ઘા વાગ્યા છે અને હોસ્પિટલ ખસેડાયો છે. હોસ્પિટલ પહોંચતા સુધીમાં તે દમ તોડી ચૂક્યો હતો. મિલિન ચકલી અને પંકજ પાટીલ સહિતના ત્રણ આરોપીઓએ તેમના પુત્ર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. આરોપીઓ તાજેતરમાં જ પાસામાંથી બહાર આવ્યા હતા. તેમને એવી આશંકા હતી કે, જયના કારણે તેમને જેલ થઈ હતી. જેને પગલે અદાવત રાખીને તેમણે તેના પુત્ર પર હુમલો કરીને તેને રહેંસી નાખ્યો હતો.
બે દિવસ પહેલા સુરતના પલસાણા તાલુકાના બગુમરા ખાતે આવેલી મહાદેવ પેલેસ સોસાયટીના એક ફ્લેટમાંથી 22 વર્ષીય યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. યુવતી સાથે લિવ ઈનમાં રહેતો શિવમ નામનો યુવક ફરાર થઈ જતાં પોલીસે હત્યાની આશંકા સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના સ્થળેથી કેટલી આપત્તિજનક સામગ્રી પણ મળી આવી હતી, જેના કારણે યુવતી સાથે દુષ્કર્મ કે અન્ય કોઈ અજુગતું બન્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
આ પહેલા મે મહિનાના બીજા અઠવાડિયામાં લિંબાયતના ગણેશનગર પાસે બાઈક અથડાવા જેવી નજીવી બાબતે રાહુલ જોગી નામના રીઢા ગુનેગારે 17 વર્ષના કિશોરની ચપ્પુ મારીને હત્યા કરી દીધી હતી. ભેસ્તાન વિસ્તારમાં એક ભંગારના વેપારીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને ઉધના/ભેસ્તાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
એપ્રિલના અંતમાં સલાબતપુરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં વિશાલ સાવલી નામના પતિએ ઘરેલું ઝઘડામાં પત્નીની હત્યા કરી દીધી હતી. પાપ છુપાવવા માટે તેણે પત્નીની લાશને લાકડાની પેટીમાં મૂકી ઉપર સિમેન્ટનું પ્લાસ્ટર (ચણતર) કરી દીધું હતું અને ૫ દિવસ સુધી ઘરમાં જ રહ્યો હતો. અંતે પુત્રને ચિઠ્ઠી આપીને તે ફરાર થઈ ગયો હતો, જે બાદ આખો મામલો ખૂલ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત થતી મોટી વધ-ઘટ અને પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ)માં વધતા લશ્કરી તણાવની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર દેખાવા લાગી છે. દેશની સરકારી તેલ કંપનીઓએ મંગળવારે સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર આશરે 90 પૈસાનો વધુ વધારો કરી દીધો છે.
સામાન્ય જનતા માટે આ બમણો ફટકો છે, કારણ કે ગયા શુક્રવારે (15 મે) જ તેલ કંપનીઓએ પ્રતિ લીટર આશરે 3 રૂપિયાનો મોટો વધારો કર્યો હતો. એક જ અઠવાડિયાની અંદર ઇંધણ (પેટ્રોલ-ડીઝલ)ના ભાવમાં આ બીજો મોટો વધારો છે.
બજારના વિશ્લેષકો (એનાલિસ્ટ) અને ઉદ્યોગ જગત સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભાવવધારો વૈશ્વિક સ્તરે ચાલી રહેલી રાજદ્વારી અને લશ્કરી કટોકટીનું સીધું પરિણામ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી ખેંચતાણ તેમજ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Hormuz Strait) દરિયાઈ માર્ગ પર સપ્લાય ખોરવાઈ જવાની આશંકાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $100 ને વટાવી ગઇ છે.
જેના કારણે ભારતની રિફાઇનિંગ કંપનીઓને રોજ મોટું નુકસાન વેઠવું પડી રહ્યું હતું. જો કે, ગયા અઠવાડિયે થયેલા 3 રૂપિયાના વધારાથી કંપનીઓના નુકસાનમાં આશરે 25 ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ પડતર કિંમત અને વેચાણ કિંમત વચ્ચેના મોટા તફાવતને સરભર કરવા માટે આ નવો વધારો કરવામાં આવ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે જો વૈશ્વિક કટોકટી જલ્દી શાંત નહીં થાય, તો આવનારા દિવસોમાં ટુકડે-ટુકડે આવો હજી વધુ ભાવવધારો જોવા મળી શકે છે.
દિલ્હીમાં હવે પેટ્રોલ પ્રતિ લીટર 98.64 રૂપિયા પર વેચાઈ રહ્યું છે, જેમાં 87 પૈસાનો વધારો થયો છે; જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લીટર 91 પૈસા વધીને 91.58 રૂપિયા થઈ ગઈ છે, રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 97.77 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 98.64 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 91 પૈસા વધીને પ્રતિ લીટર 107.59 રૂપિયા અને ડીઝલની કિંમત 94 પૈસા વધીને પ્રતિ લીટર 94.08 રૂપિયા થઈ ગઈ છે.
કોલકાતામાં પેટ્રોલના ભાવમાં સૌથી વધુ વધારો નોંધાયો છે, જ્યાં પેટ્રોલ 96 પૈસા વધીને પ્રતિ લીટર 109.70 રૂપિયા થઈ ગયું છે; જ્યારે ડીઝલની કિંમત 94 પૈસા વધીને પ્રતિ લીટર 96.07 રૂપિયા થઈ ગઈ છે.
ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 82 પૈસા વધીને પ્રતિ લીટર 104.49 રૂપિયા અને ડીઝલની કિંમત 86 પૈસા વધીને પ્રતિ લીટર 96.11 રૂપિયા થઈ ગઈ છે
એક જ અઠવાડિયામાં ઇંધણ (પેટ્રોલ-ડીઝલ)ના ભાવમાં કુલ મળીને આશરે 4 રૂપિયાના વધારા (Cumulative Hike) કારણે સામાનની હેરફેર (ટ્રાન્સપોર્ટેશન) અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર પર સૌથી વધુ અને સીધી અસર પડશે. ડીઝલ મોંઘું થવાથી દેશભરમાં જરૂરી ચીજવસ્તુઓ, શાકભાજી, ફળો અને રોજિંદા સામાનના પરિવહનનો ખર્ચ વધી જશે, જેના લીધે આવનારા અઠવાડિયામાં છૂટક મોંઘવારી (Retail Inflation)માં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળી શકે છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય અને કૂટનીતિક તણાવની સીધી અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવો અને યુદ્ધની દહેશત વચ્ચે આજે તા.18મી મે 2026ને સોમવારે વૈશ્વિક શેરબજારોમાં મોટો કડાકો બોલી ગયો છે. અમેરીકાના ડાઉ જોન્સથી લઇને જાપાનના નિક્કેઇ અને ભારતના સેન્સેક્સ નિફ્ટી સમેત દુનિયાનું કોઇ એવું શેરબજાર નથી જે આજે પ્લસમાં હોય. તમામ શેરબજારો એટલા માટે ક્રેશ થાય છે કેમકે ફરીથી અમેરીકા અને ઇરાન વચ્ચે યુદ્ધની ભીંતી સેવાય રહી છે.
દુનિયાભરના શેરબજારો ફરી એકવાર ભયના ઓથાર હેઠળ આવી ગયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. તેલના કુવા અને ન્યૂક્લિયર પ્લાન્ટ પર સતત થઈ રહેલા હુમલા અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ધમકીઓના કારણે અમેરિકાથી લઈને જાપાન સુધીના બજારોમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે યુએસ શેરબજારો (US Stock Market) મોટી ગિરાવટ સાથે બંધ થયા હતા, જ્યારે આજે તા.18મી મે 2026ને સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે ખુલતાની સાથે જ એશિયન શેરબજારોમાં ભારે કોહરામ મચી ગયો છે.
હોર્મુઝ સંકટ અને તેલ પુરવઠામાં અવરોધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) નો ભાવ પ્રતિ બેરલ $111 ની સપાટીને વટાવી ગયો છે. વધતી જતી ઉર્જા કટોકટી અને મોંઘવારીના ભયથી બ્રિટન, જાપાન અને હોંગકોંગ સહિતના તમામ મોટા દેશોના શેરબજારોમાં રોકાણકારો વચ્ચે નાસભાગ મચી ગઈ છે. તમામ મોટા ઇન્ડેક્સ લાલ રંગના નિશાન સાથે કારોબાર કરી રહ્યા છે અને અબજો ડોલરનું ધોવાણ થઈ ચૂક્યું છે.
વૈશ્વિક મંદી અને કડાકાની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. ભારતીય બજાર માટે અતિ મહત્ત્વનો સંકેત ગણાતો ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) 18 મે 2026ને સોમવારે સવારે ખુલતાની સાથે જ ગગડી ગયો હતો. સમાચાર લખાયા ત્યાં સુધી ગિફ્ટ નિફ્ટી આશરે 195 પોઈન્ટ ના મોટા ગાબડા સાથે 23550 ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો. સામાન્ય રીતે ગિફ્ટ નિફ્ટીમાં આવો મોટો ઘટાડો સ્થાનિક બજાર એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE Sensex) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE Nifty) માટે પણ ભારે કડાકાના સંકેતો આપે છે. નિષ્ણાતોના મતે મોંઘા થઈ રહેલા ક્રૂડ ઓઈલના કારણે આગામી દિવસોમાં ભારતીય બજાર પર દબાણ વધુ વધી શકે છે.
IPL 2026 Playoff, PBKS vs RCB : ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) આઈપીએલ 2026ના પ્લેઑફમાં જગ્યા બનાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. રવિવારે ધર્મશાલામાં રમાયેલા રોમાંચક મુકાબલામાં આરસીબીએ પંજાબ કિંગ્સને 23 રનથી હરાવીને ટોપ-4 માં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. આઈપીએલ 2026માં અત્યાર સુધી 13માંથી 9 મેચ જીત્યા બાદ બેંગલુરુએ પ્લેઑફની ટિકિટ મેળવી લીધી છે. ગ્રુપ સ્ટેજમાં બેંગલુરુની છેલ્લી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાશે.
બીજી તરફ, સતત 6 હાર બાદ પંજાબ કિંગ્સની મુશ્કેલીઓ વધી ગઈ છે. પંજાબ કિંગ્સ તેની છેલ્લી મેચ જીતીને પણ ગ્રુપ સ્ટેજમાં માત્ર 15 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. પંજાબ કિંગ્સની આ હારથી ભલે કેપ્ટન શ્રેયસ અય્યરની ચિંતા વધી હોય, પરંતુ આ પરિણામથી બીજી બે ટીમોને જબરદસ્ત ફાયદો થયો છે.
બેંગલુરુ સામે પંજાબની હાર થતાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) માટે પ્લેઑફમાં પહોંચવાની તક વધી ગઈ છે. આ પરિણામથી ખાસ કરીને ચેન્નાઈને મોટો ફાયદો થયો છે. ચેન્નાઈના ખાતામાં હાલમાં 12 પોઈન્ટ છે અને તેની બાકી બચેલી બંને મેચ જીતીને તે 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. પંજાબ છેલ્લી મેચ જીતીને પણ મહત્તમ 15 પોઈન્ટ સુધી જ પહોંચી શકતી હોવાથી હવે ટોપ-4ની રેસમાં પંજાબ પાછળ ધકેલાઈ ગયું છે અને ચેન્નાઈ સુપર કિંગ્સને નવી લાઈફ લાઈન મળી ગઈ છે.
પ્લેઑફની રેસમાં અત્યાર સુધીના સમિકરણ મુજબ, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ સત્તાવાર રીતે બહાર થઈ ગઈ છે. દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની આશા હજુ જીવંત છે, પરંતુ તેમને આગળ વધવા માટે કોઈ ચમત્કારની જરૂર છે. આવી સ્થિતિમાં પ્લેઑફની બાકી બચેલી 3 સીટો માટે હવે સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ એમ 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર છે. હાલના તબક્કે બેંગલુરુ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ પ્લેઑફની રેસમાં આગળ ચાલી રહ્યા છે. આઈપીએલ 2026માં આગામી બે-ત્રણ દિવસ ખૂબ જ રોમાંચક રહેશે અને દરેક મેચના પરિણામ સાથે પ્લેઑફનું સમીકરણ સતત બદલાતું જોવા મળશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.