CIA ALERT
04. May 2024

કેન્સર જાગૃતિના ઉદ્દેશથી સાથે સોલો કાર ડ્રાઈવિંગ કરી નોર્ડ કેપની સફર માત્ર ૯૦ કલાકમાં પૂર્ણ કરશે ભારૂલતા કાંબલે

Share On :
Print Friendly, PDF & Email

A Report by Information Department, Surat (Government of Gujarat)

સાહસિક અને મુશ્કેલ સફર ખેડવા માટે જાણીતા દક્ષિણ ગુજરાતના વતની અને યુ.કે.માં રહેતા એન.આર.આઈ. ભારૂલતા પટેલ કાંબલે કેન્સર સામે જનજાગૃત્તિ ફેલાવવા ‘ડ્રાઈવ અગેન્સ્ટ કેન્સર’ની થીમ પર પૃથ્વીના ઉત્તરીય છેડો કહેવાતા નોર્ડ કેપની સફરે નીકળશે. આગામી ૨જી નવેમ્બરના રોજ લંડનથી પોતાના બે પુત્રો પ્રિયમ અને આરૂષ સાથે કાર ડ્રાઈવિંગ કરી ભારૂલતા કાંબલે માત્ર ૯૦ કલાકમાં નવ દેશોમાંથી પસાર થઇ ૪૫૦૦ કિમીની યાત્રા પૂર્ણ કરી નોર્ડ કેપ પહોંચશે.    

કેન્સર સામે જનજાગૃત્તિ માટે દ.ગુજરાતના ભારૂલતા કાંબલે લંડનથી ઉત્તરી નોર્વેના નોર્ડ કેપ સુધી ૯૫૦૦ કિમીની સાહસિક સફર ખેડશે

ભારૂલતા કાંબલે નવસારી જિલ્લાના દાંડી નજીક જલાલપોર તાલુકાના આટગામના વતની છે. ભારૂલતા કાંબલેએ બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમીને આજે કેન્સરમાંથી મુક્તિ મેળવી છે. કેન્સરની સફળ સર્જરી દ્વારા તેમના શરીરનું એક અંગ પણ દૂર કરવામાં આવ્યું છે. કેન્સરનો મક્કમતાથી સામનો કરીને ભારૂલતાએ ‘કેન્સર એટલે કેન્સલ’ નહીં એ આશાવાદને સાર્થક કર્યો છે. ભારૂલતા તેમની સાહસિક સફર વિષે જણાવે છે કે, ‘બેટી બચાવો, બેટી પઢાઓ’, સ્વચ્છતા, ‘સે નો ટુ પ્લાસ્ટિક’ના સંદેશ સાથે મારા પુત્રો પ્રિયમ અને આયુષની સાથે વર્ષ ૨૦૧૬માં આર્કટિક સર્કલના ઉત્તરધ્રુવ પર પહોંચી તિરંગો લહેરાવ્યો હતો. વિષમ આબોહવા અને પ્રતિકૂળ વાતાવરણ સામે બાથ ભીડીને કાર ડ્રાઈવિંગ કરી આર્કટિક સર્કલ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા બનવાનું સ્વપ્ન સેવ્યું હતું, જેને સાકાર કરવામાં હું સફળ રહી હતી. આગામી ૨જી નવેમ્બરે ફરી એક વાર હું લંડનથી નોર્ડ કેપ સુધીની ૯૫૦૦ કિમીની સોલો એક્સપીડિશન પર જઈ રહી છું. કેન્સરને સમાજથી છૂપાવો નહી, પરંતુ કેન્સર સામે લડવું જોઈએ. કેન્સરનું નામ સાંભળી ડરવાને બદલે મક્કમતાથી સામનો કરવાથી આ રોગને હરાવી શકાય છે એમ તેઓ દ્રઢતાથી કહે છે.

ઉત્તરી નોર્વેના નોર્ડ કેપ પહોંચવું આસાન નથી:

પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર આવેલા નોર્ડ કેપ સુધી પહોંચવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે. યુરોપિયન રૂટ ઈ-૬૯ હાઇવે પરથી અન્ડરગ્રાઉન્ડ ટનલો, હિમાચ્છાદિત અને પથરાળ પહાડી રસ્તા, ખરાબ હવામાન, પ્રતિ કલાક ૧૧૦ થી ૧૨૦ કિલોમીટરની ઝડપે ફૂંકાતો ભારે પવન, હિમ વર્ષા જેવા અનેક અવરોધોને પાર કરવા પડે છે. રસ્તામાં આવતી અન્ડરગ્રાઉન્ડ ટનલો સમુદ્રી સપાટીથી ૬૯૬ ફૂટ નીચે રહેલી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, તત્કાલીન રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલી અને રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ દ્વારા ભારૂલતાનું વિશેષ બહુમાન કરાયું હતું:

       બાળપણથી સાહસિકતાના પાઠ ભણેલા ભારૂલતા કાંબલે અનેકવિધ આંતરરાષ્ટ્રીય સન્માન મેળવી ચૂક્યા છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને તત્કાલીન રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલીએ તેમની સાહસપૂર્ણ સિદ્ધી બદલ વિશેષ સન્માન કર્યું હતું. ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૮ના દિવસે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે માનનીય રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ દ્વારા પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ કાર્ય કરનારી મહિલાઓને સન્માન કરાયું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પસંદ કરાયેલી પહેલી મહિલા ન્યાયાધિશ, પહેલી મહિલા કુલી, મિસાઈલ પરિયોજનાની આગેવાની કરનારી પહેલી મહિલા, પહેલી પેરા ટ્રુપર, પહેલી ઓલમ્પિયન જેવી નામાંકિત ૧૧૨ મહિલાઓને રાષ્ટ્રપતિશ્રીએ રાષ્ટ્રીય નારી શક્તિ સન્માન આપીને નવાજી હતી, જેમાં આર્કટિક સર્કલ પૂર્ણ કરનાર વિશ્વના પ્રથમ મહિલા ભારૂલતા પટેલ કાંબલે પણ સામેલ હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ તેમની આ સિદ્ધી અને સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વ નિભાવવાની ભાવનાને બિરદાવી નવી દિલ્હીમાં સન્માન કર્યું હતું. બ્રિટીશ પાર્લામેન્ટે તેમને અચિવમેન્ટ એવોર્ડ આપી બહુમાન કર્યું હતું.

ભારૂલતા પટેલ કાંબલેના પતિ સુબોધ કાંબલે મહારાષ્ટ્રના રાયગઢના વતની છે. તેઓ યુ.કે. ના જાણીતા રોબોટિક સર્જન અને યુરોલોજિસ્ટ છે. ગુજરાતીઓના ગૌરવને વિશ્વસ્તરે ઉજાગર કરનાર ભારૂલતા કાંબલેએ વર્ષ ૨૦૧૬ માં આર્કટિક સર્કલ પૂર્ણ કરનાર વિશ્વની પ્રથમ મહિલા બનવાનું ગૌરવ મેળવ્યું હતું. તેમણે ‘મમ વિથ ટુ કિડ્સ’ની થીમ પર ‘બેટી બચાવો, બેટી પઢાઓ’, કેન્સર જાગૃતિ અને સ્વચ્છતાના સંદેશ સાથે સોલો કાર પ્રવાસ કરીને ૨૭૯૨ કિમીનું અંતર માત્ર ૩૯ કલાકમાં પૂર્ણ કરી આર્કટિક સર્કલના ઉત્તરધ્રુવ પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

અદમ્ય સાહસનો પરચો કરાવનાર આ ગુજરાતી મહિલાએ આ અગાઉ વર્ષ ૨૦૧૬માં પણ ૫૭ દિવસમાં ૩૨ દેશોની ૩૫,૩૮૩ કિમીની સફર પૂર્ણ કરી હતી. એ સમયે તેઓ બીએમડબ્લ્યુ X૩ માં સવાર થઇ ૭૫ દિવસની રોમાંચક સફર દરમિયાન આર્કટિક સર્કલ, બે ખંડ, છ ટેરેટોરિઝ, ૯ ટાઈમ ઝોન, ૩ રણ, ૯ પર્વત માળાઓ અને ૩૨ દેશોમાંથી પસાર થયા હતા. આ ઉપરાંત ઓગસ્ટ, ૨૦૧૭માં ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના સંદેશ સાથે ગ્રેટ બ્રિટનના છેડાના બે વિસ્તારો- સાઉથવેસ્ટ, લેન્ડ્સ એન્ડ થી નોર્થઈસ્ટ સ્કોટલૅન્ડના જહોન ઓ ગ્રોટ્સ વચ્ચેની ૧૫૦૦ કિમીની નોનસ્ટોપ મુસાફરી માત્ર ૧૪ કલાક અને ૩૩ મિનિટમાં પૂર્ણ કરી ૭૦માં સ્વાતંત્ર્ય દિનની તેમણે અનોખી ઉજવણી પણ હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :