‘ગુજરાતમિત્ર લેજન્ડસ ઓફ સુરત-૨૦૧૮’ એવોર્ડ સમારોહ શાનદાર રીતે સંપન્ન
શ્રેષ્ઠ નાગરિકોનું સન્માન વાસ્તવમાં તેમની પ્રતિભા અને ક્ષમતાનું સન્માન છે: રાજ્યપાલશ્રી
——————–
ગુજરાત રાજ્ય શ્રેષ્ઠીઓ, સમાજસેવકો અને દાતાઓથી પ્રખ્યાત છે: ઓ.પી.કોહલી
——————–
રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલી દ્વારા સુરતના નામાંકિત શ્રેષ્ઠીઓને ‘ગુજરાત મિત્ર લેજન્ડસ ઓફ સુરત-૨૦૧૮’ એવોર્ડથી નવાજવામાં આવ્યા
——————–
લોકશાહીમાં પત્રકારત્વ લોકશિક્ષણ અને લોકજાગરણનું માધ્યમ છે: રાજ્યપાલશ્રી કોહલી




રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીના હસ્તે સુરતના ૧૧ નામાંકિત શ્રેષ્ઠીઓને ‘ગુજરાત મિત્ર લેજન્ડસ ઓફ સુરત-૨૦૧૮’ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
સુરતના પ્રતિષ્ઠિત ‘ગુજરાતમિત્ર’ દૈનિકની સ્થાપનાને ૧૫૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીએ જણાવ્યું હતું કે, ૧૫૫ વર્ષની સુદીર્ઘ અખબારી યાત્રા દ્વારા ગુજરાતમિત્ર દૈનિકે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. ગુજરાતમિત્ર સ્વતંત્રતા પૂર્વના અને સ્વતંત્રતા પછીના ભારત ઉપરાંત ગુજરાતના વિકાસનું પણ સાક્ષી છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આજે એવી માન્યતા પ્રવર્તી રહી છે કે પત્રકારત્વ રચનાત્મક ભૂમિકા સમાજમાં અદા ન કરીને પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે, પરંતુ ગુજરાતમિત્ર પોતાની વિશ્વસનીયતા માટે જાણીતું છે, જેણે પત્રકારત્વનાં મૂલ્યોનું રક્ષણ કર્યું છે. કોઈ પણ અખબારની કસોટી તેની વિશ્વસનીયતાથી થતી હોય છે. આજે અખબારોની વિશ્વસનીયતા પર સંકટ ઘેરાયું છે એવા સંજોગોમાં ગુજરાતમિત્ર વિશ્વસનીયતાની એરણ ઉપર ખરૂ ઊતર્યું છે.







સુરતના શ્રેષ્ઠ નાગરિકોનું સન્માન વાસ્તવમાં તેમની પ્રતિભા અને ક્ષમતાનું સન્માન હોવાનું જણાવી શ્રી કોહલીએ કહ્યું કે, ગુજરાત રાજ્ય શ્રેષ્ઠીઓ, સમાજસેવકો અને દાતાઓથી પ્રખ્યાત છે, તેમનામાં લોકસેવાની ભાવના પ્રબળ હોવાથી માત્ર સરકાર પાસેથી જ આશા ન રાખતા સ્વયં સમાજ સેવાની એક પણ તક જતી કરતા નથી. સુરતની આ ૧૧ હસ્તીઓએ સમાજનું ઋણ અદા કરવા માટે પાછું વળીને જોયું નથી એમ શ્રી કોહલીએ ઉમેર્યું હતું.
લોકશાહીમાં પત્રકારત્વ લોકશિક્ષણ અને લોકજાગરણનું માધ્યમ છે. જે કાર્ય પત્રકારત્વ દ્વારા બખૂબી નિભાવીને ગુજરાતમિત્રએ લોકશાહીને મજબૂત કરવામાં પોતાનું ઉમદા યોગદાન આપ્યું છે. આ અખબાર લોકસમસ્યા, લોકોની આશા-અપેક્ષા અને વિચારોને વ્યક્ત કરી પ્રજાનો અવાજ બન્યું છે તેમ જણાવી પ્રગતિના શિખરો સર કરે એવી શુભકામના પણ પાઠવી હતી.
સુરતના નામાંકિત સી.એ.જય છૈરા, પુષ્પા એજન્સીના રાજુભાઇ શાહ, આર્કિટેક્ટ્ નિમેષભાઈ ચોકસી, જલારામ ફર્નિચરના ગોવિંદભાઈ પટેલ, કે.પી.ગ્રુપના ફારુક પટેલ, એન.જે. ગૃપના નિરજ ચોકસી અને જીજ્ઞેશભાઈ દેસાઈ, સાયકલિસ્ટ અજિતા ઈટાલીયા, ડો.પિયુષભાઈ દેસાઈ, ઉદ્યોગપતિ અને સમાજસેવક લવજીભાઈ બાદશાહ, અંબિકા ઓટોમોબાઇલના કનુભાઈ મોદી અને શાહ પબ્લિસિટીના યશવંત શાહને રાજ્યપાલશ્રીના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા.
પ્રારંભે ભરતભાઈ રેશમવાળાએ સ્વાગત પ્રવચન કરી રાજ્યપાલ તેમજ આમંત્રિત મહાનુભાવોની આવકાર્યા હતા.
આ પ્રસંગે રમતગમત અને યુવા પ્રવૃત્તિ વિભાગના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદશ્રી સી.આર.પાટીલ અને દર્શનાબેન જરદોશ, જિલ્લા કલેકટરશ્રી ડો. ધવલ પટેલ, પોલિસ કમિશનરશ્રી સતીષ શર્મા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ. થેન્નારસન, સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઇ પાઠક સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


