25/03/22: આજે યોગી આદિત્યનાથ UPના CM પદે શપથવિધિ
યોગી આદિત્યનાથ ગુરુવારે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ તથા ભાજપના ટેકેદાર પક્ષોના નેતાઓની હાજરીમાં સર્વાનુમતે ઉત્તર પ્રદેશમાં ભાજપ વિધાનસભા પક્ષના નેતાપદે ચૂંટાયા હતા. લખનઊના લોકભવનમાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં મુખ્ય પ્રધાનપદે આદિત્યનાથની બીજી ટર્મ નિશ્ર્ચિત બન્યા પછી ભાજપના કેન્દ્રીય નિરીક્ષક રઘુબર દાસ, નિષાદ પાર્ટીના નેતા સંજય નિષાદ અને અપના દલ (એસ)ના નેતા આશિષ પટેલે સરકારને સમર્થનના પત્રો રાજ્યપાલ આનંદીબેન પટેલને સુપરત કર્યા હતા. ત્યાર પછી યોગી આદિત્યનાથ પણ રાજ્યપાલને મળ્યા હતા. હવે ભાજપના સ્ટાર પરફોર્મર નેતા યોગી આદિત્યનાથ શુક્રવારે અટલ બિહારી વાજપાયી સ્ટેડિયમમાં બીજી ટર્મ માટે મુખ્ય પ્રધાનપદના શપથ લેશે.
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બીજી વખત વધુ ભવ્યતાથી વિજય પ્રાપ્ત કરનારા ભાજપના સ્ટાર પરફોર્મર નેતા યોગી આદિત્યનાથ શુક્રવારે બીજી ટર્મ માટે મુખ્ય પ્રધાનપદના શપથ લેશે. શુક્રવારના સમારંભ માટે લખનઊના અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમની સુંદર અને ભવ્ય સજાવટ કરવામાં આવી છે. રોશનીની ઝાકઝમાળના આયોજન સાથેના સ્ટેડિયમ તરફ જતા માર્ગ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના મોટા કટ આઉટ્સ ગોઠવવામાં આવ્યા છે. ૫૦,૦૦૦ લોકોના સમાવેશની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં વિવિધ રાજ્યોના ભાજપના કાર્યકરોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્રિ-સ્તરીય સુરક્ષા માટે રાજ્યના પોલીસ દળના ૮૦૦૦ જવાનો ઉપરાંત પ્રોવિન્શિયલ આર્મ્ડ કૉન્સ્ટેબ્યુલરી (પીએસી), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને એન્ટિ-ટેરરિસ્ટ સ્કવૉડના જવાનોને પણ ગોઠવવામાં આવ્યા છે.
શપથવિધિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપશાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને ભાજપના ટોચના નેતાઓ ઉપરાંત અગ્રણી સાધુ-સંતો અને ઉદ્યોગપતિઓ હાજર રહેશે. આ સમારંભ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી સહિત વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના ૬૦ મહારથીઓને આમંત્રણો આપવામાં આવ્યા છે. તે ઉપરાંત મુખ્ય પ્રધાને અયોધ્યા, મથુરા અને વારાણસીના ધાર્મિક મહાનુભાવો સહિત ૫૦થી વધારે સાધુ-સંતોને વ્યક્તિગત રીતે આમંત્રણો મોકલ્યા છે.
યોગગુરુ બાબા રામદેવ, અભિનેતા અનુપમ ખેર અને ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને પણ આમંત્રણો આપવામાં આવ્યા છે. સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ અને તેમના સાથી રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરીએ યોગી આદિત્યનાથ સરકારના શપથવિધિમાં સામેલ નહીં થવાનો નિર્ણય જાહેર કર્યો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
