BIS ની હોલમાર્કિંગ સિસ્ટમ સામે ઝવેરીઓ લાલઘૂમ : વાંચો શું પ્રોબ્લેમ છે ઝવેરીઓને

વર્ષોથી ચાલી રહેલી હૉલમાર્કિંગની પદ્ધતિ સરળ અને ગ્રાહક-ફ્રેન્ડ્લી હોવા છતાં બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા દેશમાં અમલમાં મૂકવામાં આવેલી ફરજિયાત હૉલમાર્કિંગ પ્રક્રિયામાં રહેલી ગૂંચવણો અને મૂંઝવણોના વિરોધમાં જ્વેલરોનાં વિવિધ અસોસિએશનો અને ફેડરેશનો દ્વારા બનાવાયેલી નૅશનલ ટાસ્ક ફોર્સની હાકલને પગલે ભારતભરના જ્વેલરો સોમવાર, ૨૩ ઑગસ્ટે દેશભરમાં એક દિવસની પ્રતીક હડતાળ પર જશે. આ દિવસે દેશભરની જ્વેલરી શૉપ અને શોરૂમો બંધ રહેશે.
નવી હોલમાર્કિંગ સિસ્ટમનો આશય જ સ્પષ્ટ નથી
આજ સુધી આ હૉલમાર્ક સામે ગ્રાહકોની કોઈ જ ફરિયાદ નથી. એ પદ્ધતિ કસ્ટમર-ફ્રેન્ડ્લી હતી, જેમાં ગ્રાહકોને જ્વેલર પાસેથી કલાકોમાં હૉલમાર્કવાળી જ્વેલરી મળી જતી હતી. આમ છતાં BIS નવી સિસ્ટમ લાવીને આખી પ્રક્રિયાને ગૂંચવણભરી બનાવી રહી છે. જૂની હૉલમાર્ક સિસ્ટમથી ગ્રાહકો માટે જ્વેલરીની ખરીદી અને વેચાણ ખૂબ જ સરળ હતાં. સૌથી મહત્ત્વનું એ હતું કે એમાં ગ્રાહકને વર્ષો પછી પણ તેમણે કયા જ્વેલર પાસેથી જ્વેલરી ખરીદી કરી છે એની જાણકારી મળતી હતી. આમ છતાં બીઆઇએસ નવી સિસ્ટમ લાવીને શું પ્રૂવ કરવા ઇચ્છે છે એ સમજાતું નથી. નવી સિસ્ટમ વધુ ગૂંચવણ અને મૂંઝવણભરેલી છે, જેને જ્વેલરો તથા ગ્રાહકો બંને માટે સરળ અને સુવિધાજનક બનાવવાની જરૂર છે. આ પ્રક્રિયા સરળ બને એ માટે સરકારે એક સ્વતંત્ર કમિટી રચવાની જરૂર છે.’
દેશવ્યાપી સંગઠન બન્યું પણ તેની રજૂઆતો બહેરા કાને અથડાઇ
બીઆઇએસની નવી હૉલમાર્કિંગ પ્રક્રિયાની ચર્ચા કરવા અને એને સરળ બનાવવા માટે ૩૫૦ અસોસિએશનો તથા ફેડરેશનો દ્વારા નૅશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી, જે સમગ્ર જેમ્સ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગના ચારેય ઝોનનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમિતિનો ઉદ્દેશ દેશભરમાં ફરજિયાત હૉલમાર્કિંગનો સરળ અમલ સુનિશ્ચિત કરવાનો છે. આ માટે બે સમિતિની રચના કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ ૧૦ બેઠકો યોજાઈ છે, પરંતુ હજી સુધી બીઆઇએસ દ્વારા લેખિતમાં કોઈ રાહત આપવામાં આવી નથી.
BIS માં નોંધણી કરાવીને પસ્તાય રહ્યા છે જ્વેલર્સ, ગ્રાહકોની સિક્રેટ બાબતેમાં દખલ કરે છે હોલમાર્કિંગ સિસ્ટમ
આ પ્રક્રિયા વ્યક્તિગત નાગરિકોની ડેટા ગોપનીયતા અને વ્યાવસાયિક ગુપ્તતામાં દખલ કરી રહી છે. જ્વેલર્સને લાગે છે કે બીઆઇએસમાં નોંધણી કરાવીને તેમણે તેમના પગ પર કુહાડો માર્યો છે. નવા એચયુઆઇડી (હૉલમાર્કિંગ યુનિક આઇડી)ને સોનાની શુદ્ધતા સાથે કોઈ સંબંધ નથી. એચયુઆઇડી ગ્રાહકોના હિતની વિરુદ્ધ અને વેપારમાં સરળતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. એચયુઆઇડી બોજારૂપ છે અને ગ્રાહકો માટે પજવણી તરફ દોરી જાય તેવી દહેશત સમગ્ર જ્વેલર્સ સમૂહમાં વર્તાય રહી છે.
નવું એચયુઆઇડી છ અંકનો કોડ છે જેનાથી બીઆઇએસને લાગે છે કે સોનાની શુદ્ધતામાં સુધારો થશે, પરંતુ બીઆઇએસ શુદ્ધતામાં કેવી રીતે સુધારો કરી શકે છે એ કોઈ પણ રીતે સાબિત કરી શકતું નથી. આ માત્ર એક ટ્રેકિંગ પદ્ધતિ છે. નવી પ્રક્રિયાને વિનાશક પ્રક્રિયા બનાવવામાં આવી છે જે અમારી જ્વેલરીને હૉલમાર્ક કરવામાં નુકસાન પહોંચાડે છે. રજિસ્ટ્રેશન રદ કરવું, દંડની જોગવાઈઓ, શોધ અને જપ્તીનું તત્ત્વ આખરે ઉદ્યોગમાં ઇન્સ્પેક્ટર રાજ લાવશે.
સમયનો વેડફાટ થાય છે નવી હોલમાર્કિંગ સિસ્ટમમાં
હાલમાં નવી માર્કિંગ સિસ્ટમ એટલે કે એચયુઆઇડી ઉત્પાદનોને હૉલમાર્ક કરવા માટે લગભગ પાંચથી દસ દિવસનો સમય લઈ રહી છે. પરિણામે એ સંપૂર્ણ અડચણરૂપ છે. ૧૬ જૂનથી ૨૫૬ જિલ્લાઓમાં હૉલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે દસથી બાર કરોડ ટુકડાઓનું ઉત્પાદન થાય છે. વધુમાં લગભગ છથી સાત કરોડના વર્તમાન સ્ટૉકમાં રહેલા ટુકડાઓ હજી હૉલમાર્ક કરવાના બાકી છે. આ એક વર્ષમાં હૉલમાર્ક કરવા માટે કુલ ટુકડાઓની સંખ્યાને લગભગ ૧૬થી ૧૮ કરોડ સુધી લઈ જશે. અત્યારે દિવસના બે લાખ ટુકડાઓને હૉલમાર્કિંગ કરવાની ક્ષમતા છે, જે મુજબ અત્યારના સંજોગોમાં ઉત્પાદનને હૉલમાર્ક કરવામાં લગભગ ત્રણથી ચાર વર્ષ જેટલો સમય લાગી જશે. આ સિવાય ઘણા મુદ્દાઓ છે. જેમ કે એક જ ટુકડા પર ડબલ એચયુઆઇડી, બહુવિધ જ્વેલરી પર સમાન એચયુઆઇડી પહેલેથી જ બીઆઇએસના ધ્યાન પર લાવવામાં આવ્યા છે. હાલની હૉલમાર્કિંગ પ્રક્રિયામાં વિલંબને કારણે મોટી સંખ્યામાં જ્વેલરી નિષ્ક્રિય પડી રહી છે અને બીઆઇએસ સમસ્યાઓ ઉકેલવાને બદલે જ્વેલરોની ચિંતામાં આગ લગાવી રહી છે.
આ પણ થવું જોઇએ એવી માગણી
નવી હૉલમાર્કિંગ પ્રક્રિયાઓ (એચયુઆઇડી)માં જ્વેલરી કાપવાનો, ગાળવાનો અને સ્ક્રૅપિંગનો સમાવેશ થાય છે. વેચાણ સિવાય સ્ટોરેજ, ડિસ્પ્લે, ટ્રાન્ઝિટ, એક્ઝિબિટ ટુ સેલ, મૅન્યુફૅક્ચરિંગ જેવી બાબતો બીઆઇએસ ઍક્ટ અને રેગ્યુલેશનમાંથી દૂર કરવામાં આવે.’
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
