સુરતમાં ઓક્સીજન ક્રાઇસીસ સૌથી મુશ્કેલ સમય : ડો.ધવલ પટેલ (પૂર્વ કલેક્ટર, સુરત)
સુરત કલેક્ટર પદેથી ગાંધીનગર બદલી પામેલા સનદી અધિકારી ડૉ. ધવલ પટેલને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સમારોહમાં ફૂલડે ફૂલડે વધાવ્યા

લૉકડાઉનમાં 3 કરોડ ફૂડ પેકેટ્સ અમૂક રાજ્ય સરકારો પણ મેનેજ કરી શકી નથી સુરતના લોકો કોઇપણ ક્રાઇસીસમાં સહાયભૂત થવામાં વહીવટીતંત્રો માટે બેમિસાલ
સુરત કલેક્ટર પદેથી ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી પામેલા સનદી અધિકારી ડો.ધવલ પટેલને વિદાયમાન આપવા માટે ધ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા ડો. ધવલ પટેલે એકરાર કર્યો હતો કે સુરતમાં ફરજકાળ દરમિયાન કોરોનાની બીજી લહેર વખતે સર્જાયેલી ઓક્સીજન ક્રાઇસીસ અત્યંત મુશ્કેલ સમય હતો. તેમણે કહ્યું કે એ તરફ ઓક્સીજનની માગ વધતી અને બીજી તરફ ઉત્પાદન વધે તેવી કોઇ શક્યતા નહીં, આપણે વિતરણ વ્યવસ્થા દુરસ્ત કરી શકીએ પણ માગમાં વધારો ઉત્પાદન વગર શક્ય ન હતો અને એ સમય મુશ્કેલી ભર્યો રહ્યો.
ધ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એક પરંપરા છેકે શહેરમાં કોઇપણ સનદી અધિકારીની બદલી થાય અને નવા આવે ત્યારે તેમના માનમાં બન્ને અધિકારીઓને એક મંચ પર તેડાવીને એકને વિદાયમાન અને એકને આવકાર આપવામાં આવે છે. આવો જ એક કાર્યક્રમ શનિવારે સરસાણા પ્લેટીનમ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સુરત કલેક્ટર પદે નવનિયુક્ત આયુષ ઑક વ્યસ્તતાના કારણોસર પધારી શક્યા ન હતા જ્યારે ડો.ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ડાયમંડ એસોસીએશન, ક્રેડાઇ, પાંડેસરા વિવર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસીએશન, વેડરોડ વીવર્સ એસોસીએશન સમેત અનેક સંસ્થાઓને પ્રતિનિધિઓએ ડો. ધવલ પટેલની સુરતમા વિદાય પ્રસંગે તેમને શુભેચ્છા પાઠવી હતી. અનેક અગ્રગણ્ય મહાનુભાવોએ ડો.ધવલ પટેલ સાથેના યાદગાર સંભારણાઓ વ્યક્ત કર્યા હતા.
સમારોહના અંતમાં પોતાનો પ્રતિસાદ આપતા ડો. ધવલ પટેલે કહ્યું કે સુરતના લોકો સતત હેલ્પિંગ હેન્ડ સમાન છે. કોરોનાકાળમાં સુરતના લોકોએ વહીવટીતંત્રોને જે સાથ આપ્યો તે બેમિસાલ છે. તેમણે કોરોનાકાળમાં પરપ્રાંતિય કામદારો માટે વિતરીત કરાયેલા 3 કરોડ નંગ ફૂડ પેકેટનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જ્યારે તેઓ ફૂડ પેકેટના આંકડાનું રિપોર્ટિંગ સરકારમાં કરતા ત્યારે સરકારી ઉપરી અધિકારીઓના પણ વાત માન્યામાં નહતી આવતી, તેઓ કહેતા કે કોઇ રાજ્ય આટલા ફૂડ પેકેટ મેનેજ કરી શક્તી ન હોય ત્યારે એકલા સુરતમાં આ કેવી રીતે શક્ય છે. ડો. પટેલે આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે સુરતના લોકો કોઇપણ કાર્યમાં સહભાગી થતાં. તેમણે ચેમ્બર ઓફ કોમર્સ તથા સચિન જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીનો ઉલ્લેખ કરતા ખાસ કહ્યું કે આવી સંસ્થાઓને કારણે જ સુરત હંમેશા દરેક કટોકટીમાંથી બહાર આવી જાય છે.
પોતાની ફરજ કાળ દરમિયાન બનેલી ઘટનાઓ અંગે ડો. ધવલ પટેલે કહ્યું કે સુરતમાં વિતાવેલો સમય સાચે જ અવિસ્મરણીય છે. સાર્વજનિક સોસાયટીમાં ઉલબ્ધ હસ્તલિપી સાહિત્યનો ઉલ્લેક કરતા કહ્યું કે આ એક અદભૂત ખજાનો છે, સુરતના લોકો તેનો ઉપયોગ કરે.
સુરતના સૌથી મુશ્કેલ સમય અંગે ડો.ધવલ પટેલે નિખાલસતાથી કહ્યું કે કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સીજન ક્રાઇસીસ સૌથી મુશ્કેલ અને મૂઝવણભર્યો સમય હતો. એક તરફ સુરતમાં માગ વધુ હતી અને બીજી તરફ ઉત્પાદન ક્ષમતા મર્યાદિત હતી. અમે વિતરણ વ્યવસ્થા અને વેસ્ટેજ ઝીરો કર્યા પછી પણ વધતી માગ સામે ઓક્સીજન ઉત્પાદન ક્ષમતા વધારી શકીએ તેમ ન હતા. એવો સમય હતો કે શું કરવું તેની સમજ નહીં પડે. પણ સદનસીબે ક્રાઇસીસ થોડા દિવસમાં ઓવર થઇ ગઇ.
લૉકડાઉન પીરીયડ દરમિયાન સુરતથી 10 લાખથી વધુ લોકોને તેમના વતન ટ્રેન મારફતે મોકલવામાં આવ્યા. ક્યાંય કોઇ અનિચ્છનિય ઘટના કે ટોળાશાહી કે ગેરવ્યવસ્થા જોવા મળી નહીં. બીજી શહેરોનો ઉલ્લેખ કરતા ડો.ધવલ પટેલે કહ્યું કે ટ્રેનની જાણકારી મળતા જ ટોળેટોળા ઉમટી પડતા હતા, પણ સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય સંસ્થાઓની અદભૂત સહાયને પગલે સૌથી વધુ 450 કરતા વધુ ટ્રેનો બિલકુલ નિયમબદ્ધતા સાથે રવાના કરી શક્યા હતા.
તાપીના કિનારે કોઇ ભૂખ્યુ ન સૂઇ શકે
સુરતમાંથી પોતાના વિદાય સમારોહને સંબોધતા સુરતના પૂર્વ કલેક્ટર ડો.ધવલ પટેલે કહ્યું કે લૉકડાઉન દરમિયાન સુરતમાં કોઇ રાજ્ય નહીં કરી શકે તેટલી સંખ્યામાં લોકો માટે ફૂડપેકેટ તૈયાર કરીને તેનું વિતરણ કરાયું. આની પાછળ કદાચ સરકારી ખર્ચ અને મશીનરી 5થી 10 ટકા હશે, બાકી બધું સુરતના લોકોએ કર્યું, ઉચ્ચ સરકારી અધિકારીઓ, કેન્દ્ર સરકારના અધિકારીઓને માટે આ વાત માન્યામાં આવે તેવી ન હોવાનું જણાવતા ડો. ધવલ પટેલ સાહજિકતાથી એવું બોલી ઉઠ્યા કે તાપી કિનારે કોઇ ભૂખ્યું ન સૂઇ શકે. તેમના આ નિવેદનની સાથે જ ચેમ્બરના મિલેનિયમ હોલમાં ઉપસ્થિત સુરતી મહાજનોએ તાળીઓના ગડગડાટ સાથે પોતાને મળેલું વિશેષણ વધાવી લીધું હતું. સુરતના લોકો સહાયભૂત થવામાં બેમિસાલ હોય છે. એમ તેમણે કહ્યુ હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


